Daily Archives: સપ્ટેમ્બર 7, 2022

લેમન બોલે તો/Paresh Vyas

લેમન બોલે તો… બેકાર કાર!

नए-नए मंत्री ने
अपने ड्राईवर से कहा-
“आज कार हम चलायेंगे।”
ड्राईवर बोला-
“हम उतर जायेंगे
हुज़ूर! चलाकर तो देखिये
आपकी आत्मा हिल जायेगी
ये कार है सरकार नहीं, जो
भगवान भरोसे चल जायेगी -शैल चतुर्वेदी

સરકાર તો જાણે બરાબર પણ હવે કાર પણ ભગવાન ભરોસે ચાલે છે. ઓટોકારની જાણીતી વેબસાઇટ ‘કારટૉક’નાં એક તાજા સમાચાર અનુસાર ગુરુગ્રામમાં એક ભાયડાએ પોતાની કાર પાછળ બેનર લગાડ્યું કે ‘કિઆની ગાડી ખરીદવાવાળા થઈ જાય સાવધાન. મેં આ કબાડ ૧૯ લાખ રૂપિયામાં લીધી છે.’ અરેરે! કિયા તૂને યે કયા કિયા? આવું વિરોધ પ્રદર્શન જો કે પહેલું નથી. ટોયોટાની લેન્ડ ક્રુઝર ગધેડા પાસે ખેંચાવતો ફોટો ય વાયરલ થયો હતો. વર્ષો પહેલાં જયપુરનાં રાજવી મહારાજા જયસિંઘ(૧૬૮૮-૧૭૪૩)એ વૈભવી રોલ્સરોઇસનો ઉપયોગ કચરાગાડી તરીકે કર્યો હતો. વાંધો પડે તો વિરોધની પણ આગવી રીત હોય છે. વાહન ખરીદતી વખતે કેટલાંય વાયદા કર્યા હોય. પછી વેચાણ થાય એટલે વાર્તા પૂરી. ગરજ સરી એટલે વેચનાર વેરી. વાહન પડ્યુ પડ્યુ કબાડ થઈ જાય. ભગવદ્ગોમંડલ અનુસાર કબાડ એટલે કદરૂપું, બેડોળ, દુષ્ટ, હલકું. આ સમાચારમાં પછી આગળ લખ્યું કે સુધરેલા દેશોમાં છે પણ ભારતમાં લેમન (Lemon) લૉ નથી. લેમન લૉ? લેમન એટલે તો લીંબુ. લીંબુ કાયદો? ચાલો, આજે એક આગવા અર્થમાં લેમન શબ્દની સંહિતા રચીએ.
ગુજરાતી લેક્સિકોનમાં લેમન શબ્દનો લીંબુ સિવાય કોઈ અન્ય અર્થ નથી પણ ઓક્સફોર્ડ ડિક્સનરી અનુસાર ‘લેમન’ એટલે એવી વ્યક્તિ કે વસ્તુ, ખાસ કરીને વાહન, કે જેનું પરફોર્મન્સ અસંતોષકારક હોય, અપેક્ષા અનુસાર ન હોય અથવા નબળું હોય. લેમન કાયદો એટલે ઓથોરાઇઝ્ડ ડીલર પાસે તમારી ખરીદ કરેલી કાર જો બરાબર કામ ન કરે તો કંપનીએ રીપેર કરી આપવી અથવા રીપ્લેસમેન્ટમાં નવી ગાડી આપવાની એની કાયદાકીય ફરજ.
‘વેચવું’ અને ‘ખરીદવું’ એ અર્થશાસ્ત્રનો વિષય છે. એમાં ‘ઈન્ફર્મેશન એસિમટ્રિ’ (અસપ્રમાણ માહિતી) એક પારિભાષિક શબ્દો છે. એટલે એમ કે માલ વિષે ખરીદનાર છે એના કરતાં વેચનારને વધારે જાણકારી હોય છે. ઓબ્વિયસલી! ખરીદનાર પેલાં ગુરુગ્રામનાં રહેવાસી જેવો ભોળો માણસ છે, જ્યારે વેચવાવાળો ચાલાક મલ્ટીનેશનલ કાર મેન્યુફેક્ચરર. પણ લેમન શબ્દ? અમેરિકામાં સારી કાર માટે ‘ચેરી’ અને નબળી કાર માટે ‘લેમન’ શબ્દો બોલચાલની ભાષામાં વપરાતા શબ્દો છે. વારેવારે ખોટકાતી ખટારો કાર એટલે લેમન કાર. અર્થશાસ્ત્રનાં નોબેલ પારિતોષિક વિજેતા અમેરિકન જ્યોર્જ એકેરલોફ દ્વારા ‘માર્કેટ ફોર લેમન્સ’ શબ્દો પહેલી વાર પ્રયોજાયા. ‘લેમન’ શબ્દ આ રીતે પ્રસ્તુત અર્થમાં વધારે પ્રચલિત થયો. એમણે યુઝ્ડ કાર વિષે રીસર્ચ રજૂ કરી હતી. વપરાયેલી કાર કેવી છે- એ તો કેવી રીતે ખબર પડે? કોણે ચલાવી? કયે રસ્તે ચલાવી? કેવી રીતે ચલાવી? સર્વિસ નિયમિત કરાવી’તી કે પછી જેમ તેમ ઢસડ્યે રાખી? જ્યારે એ વેચવાનું નક્કી થાય ત્યારે ખરીદનાર પાસે યુઝ્ડ કારની પૂરતી માહિતીનાં અભાવે જે ભાવ નક્કી થાય એ તો એવરેજ ભાવ જ હોય. એટલે એમ કે સારી કન્ડિશનવાળી કાર વેચીએ તો ભાવ ઓછો આવે અને કોઈએ રફ ચલાવી હોય તો પણ માહિતીનાં અભાવે એને પ્રમાણમાં વધારે પૈસા મળી જાય. એટલે એમ કે સારી યુઝ્ડ કાર કોઈ ઓપન માર્કેટમાં શું કામ વેચે? કોઈ જાણીતાને જ વેચે. એનું પરિણામ એ આવે કે યુઝ્ડ કાર માર્કેટમાં પછી જે લેમન કાર હોય એ જ રહી જાય. એટલે એનાં ભાવ ઓર ડાઉન થઈ જાય. આમ લેમન શબ્દ પ્રચલિત થયો અને નવી કાર પણ જો નબળી હોય અથવા અપેક્ષા મુજબની ન હોય તો એ ‘લેમન’ કહેવાઇ.


લેમન લૉ એટલે એવો કાયદો કે જે કાર ખરીદનારાઓને છેતરામણી જાહેરાતો અને નબળી ગુણવત્તાવાળી કાર પરોવી દેવાનાં કાવાદાવાથી બચાવે. અરે ભાઈ, ગ્રાહક સુરક્ષા કાયદો તો છે જ. પણ… એમાં તો તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. અને લેમન કારમાં બેસી પેટ્રોલ બાળીને કોરટ કચેરીનાં ધક્કા ખાવા પડે. પણ દુનિયાનાં સુધારેલા દેશોમાં લેમન લૉ છે. ભારતમાં નથી. અમને થયું કે ભારત તો હવે સુધરેલો દેશ છે. અને અમલવારી ભલે નબળી હોઈ શકે પણ ભારતનાં કાયદા એટલા મજબૂત છે કે સત્તાધીશો ધારે ત્યારે ગમે તેને ફિટ કરી નાંખે. ધારતા નથી એ વાત જુદી છે! અને તેમ છતાં ભારતમાં લેમન લૉ નથી. બહોત નાઈન્સાફી હૈ યે! અત્યારે તો સેમિકંડક્ટરની અછતને કારણે નવી કારમાં મોટું વેઇટિંગ લિસ્ટ છે. કાર જોઈતી હોય તો રાહ જુઓ. ડિપોઝિટ ભરો. ત્યાં સુધી કંપની તમારે પૈસે વ્યાજખોરી કરે. બાળકની ડિલિવરી નવ મહિનાનાં આળેગાળે નક્કી હોય પણ કારની ડિલિવરીનું કાંઈ નક્કી નઈં! એ બાબતે કોઈ કમ્યુનિકેશન પણ નઈં. ખરીદનારો જાણે કે ભિખારી હોય એમ.. કાલે આવજો.. શું રોજ રોજ ભિક્ષા માંગવા હાયલાં આવો છો? હાય લા! પૈસા ખર્ચીને કાર ખરીદનારાને ગરીબ કલ્યાણ મેળાનાં લાભાર્થી જેવી લાગણી થાય! અને જ્યારે નંબર લાગે ત્યારે ભાવ વધી ગયા હોય. લો બોલો! લૉ હોવો જોઈએ કે નહીં?
અમે કહીએ છીએ કે ભારતમાં લેમન લૉની જરૂર જ નથી. કાર ડીલર લોકોને હેરાન કરે એટલે લોકો કાર ન ખરીદે. એટલે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ પસંદ કરે. એટલે ટ્રાફિક સમસ્યા હલ થઈ જાય. એટલે પ્રદૂષણ ઘટે. અમથાં ય પેટ્રોલ ડીઝલનાં ભાવ વધતા રહે છે. આપણી ગાડી કુપોષિત બાળક જેવી થઈ જાય. દરેક મેંગોમેનને લેમન જ મળે છે. નબળું, ઉતરતી કક્ષાનું. ત્યારે ડેઇલ કાર્નેગીને યાદ કરવા. જિંદગીમાં જો તમને લેમન જ મળે તો….. એનું લેમોનેડ બનાવીને પી જવું. પણ ખુશ રહેવું!
હબ ઇન્ટરનેશનલનાં સામ બિગર્ટ કહે છે કે ગ્રાહક કોઈ પણ કંપનીનાં ચેરમેનથી લઈને નીચે સુધી તમામને ઘરભેગાં કરી શકે. એણે બસ એક જ કામ કરવાનું છે. એણે એનાં પૈસા બીજે ખર્ચવાનાં છે. માટે હે વીર કાર વેચવાવાળાઓ, તમે બેકારવાળા થઈ જશો જો તમે અમને ટટળાવશો કે અમને લેમન કાર બટકાવશો. ગ્રાહકનો સંતોષ એ અમારો મુદ્રાલેખ છે-વાળી વાત હવે જૂની થઈ ગઇ. ગ્રાહક તમારા ચાહક બને તો તમે કાર વેચી શકશો. બાકી હરિ હરિ..
શબ્દ શેષ:
“ટ્રાફિકજામમાં એક એવી સુલભ જગ્યા તમારી પાસે હોવી જોઈએ કે જ્યાં બેસીને તમે ટાઈમ પાસ કરી શકો. કારની શોધ જ એટલે થઈ છે.” –અજ્ઞાત

Leave a comment

Filed under Uncategorized