લ્યુનેટિક ફ્રિન્જ: Paresh Vyas

લ્યુનેટિક ફ્રિન્જ: આમ હાંસિયામાં પણ ભારે ઝનૂની

એ સમય, એ વય, અને એ બોલવું ઉન્માદમાં,

ક્યાં મનન કરવું હતું ? ક્યાં સંકલન કરવું હતું ? – હેમેન શાહ

નૂપુર શર્મા હતા, એ હતા ન હતા થઈ ગયા. વક્તા હતા, પ્રવક્તા હતા, હવે નવક્તા થઈ ગયા. મહંમદ પયગંબર સાહેબ પર તેઓએ કરેલી ટિપ્પણી આંતરરાષ્ટ્રીય બબાલમાં તબદીલ થઈ ગઇ. ભાવનાનાં પૂરમાં તણાઇ જઈને તેઓએ જે કર્યું એ ખોટું કર્યું. મહેશ જેઠમલાણીએ કહ્યું કે તેઓને ઉકસાવવામાં આવ્યા હતા એટલે તેઓ એવું બોલી ગયા. અરે બે’ન, આપણી જીભ તો છે જ બોનલેસ. એ લપસે તો તોફાન થઈ જાય. અર્થશાસ્ત્ર ધર્મશાસ્ત્રથી વધારે અગત્યનું છે? કોને ખબર? પણ ભાજપે કહ્યું કે નૂપુર શર્મા અમારે માટે ફ્રિન્જ એલિમેન્ટ છે. એલિમેન્ટ એટલે તત્વ પણ એનડીટીવી- હિન્દી ‘ફ્રિન્જ’નો અર્થ ‘અરાજક’- એવો કરે છે. આ વિવાદ જગાડે એવો શબ્દાનુવાદ છે. ‘અરાજક’ એટલે રાજ વિનાનું, અંધાધૂંધ, બળવાખોર, વિપ્લવી. અમે નથી માનતા કે નૂપુર શર્મા અરાજક તત્વ છે. એવું પણ નથી કે એનડીટીવી-હિન્દીને ‘ફ્રિન્જ એલિમેન્ટ’નો અર્થ ખબર નથી. આ જ સમાચારમાં આગળ આ શબ્દોનો અનુવાદ તેઓએ ‘તુચ્છ તત્વ’ પણ કર્યો છે. હશે ભાઈ! એનડીટીવીની અનુવાદીય અરાજકતા એમને મુબારક. એટલું જો કે એ ચોક્કસ છે કે નૂપુર શર્માએ કહેલી વાત આખા રાષ્ટ્રનો અભિપ્રાય નથી જ નથી. એક રાષ્ટ્ર તરીકે ભારત શું કામ માફી માંગે? પણ મુસ્લિમ દેશોનો વિરોધ મુસલસલ જારી છે. હંગામા હૈ યૂં.. બરપા!

અને પછી તો સમાચારની સોપ ઓપેરા ચાલતી રહે છે. વિષય અલબત્ત ગંભીર છે. પણ એવા ય લોકો છે જેને આ આગ જલતી જ રહે એમાં રસ છે. ટીઆરપી એ નવું અફીણ છે. નૂપુર શર્મા જો ફ્રિન્જ હોય તો આવા લોકો લ્યુનેટિક ફ્રિન્જ છે. લ્યુનેટિક ફ્રિન્જ (Lunatic Fringe) એટલે? ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘લ્યુનેટિક’ એટલે પાગલ, દીવાનું, ચક્રમ. ‘લ્યુના’ એટલે ચંદ્ર અને ‘એટિક’ એટલે એના જેવો. ફિલ્મ ‘હિમાલય કી ગોદમેં’નું ગીત યાદ છે? ચાંદ સી મહેબૂબા હોગી, કબ મૈંને ઐસા સોચા થા? પણ આમાં એક તાત્વિક લોચો છે. અહીં મહેબૂબાને ચંદ્ર જેવી કહેવી એટલે એને મૂર્ખ કહેવી. કારણ કે ચંદ્ર વધતો ઘટતો રહે. એ જ રીતે અક્કલ પણ વધ ઘટ થતી રહે. આ તો જૂની માન્યતા છે. પહેલી સદીનો રોમન ફિલોસોફર પ્લિની ધ એલ્ડર એવું માનતો કે પૂનમનાં દિવસે ઝાંકળ વધારે થાય એટલે ભેજાંની અંદર ભેજ વધી જાય અને એટલે….. ભેજું છટકે! આજનાં જોડ શબ્દોનો બીજો શબ્દ ‘ફ્રિન્જ’ એટલે છૂટા રેસા, ફૂમતાની અથવા વળ આપેલા દોરાની કિનાર, કપાળ પર લટકતી વાળની બાબરી, કોર, કિનાર, હાંસિયો, પરિસર, ગૌણ વસ્તુ, મગજી, ઝાલર, મૂળ લેટિન શબ્દ ‘ફ્રિન્જિયા’ એટલે રેસા કે દોરા. ટૂંકમાં બહારનો ભાગ. ટૂંકમાં જે મુખ્ય ન હોય તે. નોકરીમાં ‘ફ્રિન્જ બેનિફિટ્સ’ એટલે નિયત કરેલા પગાર ઉપરાંત મળતો આનુષંગિક લાભ. જ્યારે બીજેપી નૂપુર શર્માને પાર્ટીનાં ફ્રિન્જ એલિમેન્ટ કહે છે ત્યારે પાર્ટી માટે તેઓ મુખ્ય નથી. ગૌણ છે.

હવે લ્યુનેટિક અને ફ્રિન્જ બે શબ્દો ભેગા કરો તો? મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર ‘લ્યુનેટિક ફ્રિન્જ’ એટલે રાજકીય પક્ષ કે સામાજિક આંદોલનનાં એવા સભ્ય જે પાગલ હોય, વધારે પડતા ઉત્સાહી હોય અને સાથે સાથે મુખ્ય ધારાથી દૂર પણ હોય. આમ તેઓ હાંસિયામાં ધકેલાયા હોય પણ એમનાં વિચાર આત્યંતિક હોય, ધર્માંધ હોય, ઉદ્દામ હોય, વિચિત્ર કે ચક્રમી હોય. ડિસેમ્બર, ૧૯૧૩માં અમેરિકાનાં પૂર્વ પ્રેસિડન્ટ થિયોડર રુઝવેલ્ટે ‘ઇતિહાસ તરીકે સાહિત્ય’ વિષય ઉપરનાં લેક્ચરમાં લ્યુનેટિક ફ્રિન્જ શબ્દો પ્રયોજ્યા અને આ શબ્દો જાણીતા થઈ ગયા. તેઓએ કહ્યું કે કોઈ પણ ફોરવર્ડ મુવમેન્ટ (અગાડી આંદોલન)માં પોતાનું તન મન અર્પણ કરનારાઓ પૈકી થોડાં લોકો લ્યુનેટિક ફ્રિન્જ હોય જ છે. જો કે એનો મૂળ શાબ્દિક અર્થ જુદો છે. આ શબ્દો છોકરીઓનાં માથાનાં વાળ કપાળ ઉપર લટકતાં રાખવાની બાબતે વપરાયા હતા. આપણે જેને ‘સાધના કટ’ વાળ કહીએ છીએ એ અઢારમી સદીનાં ઈંગ્લેંડમાં ફેશન હતી પણ અમેરિકાનાં લોકોને એવી કેશકલા ગાંડા જેવી લાગી. છોકરીનાં કપાળ પર લટકતી બાબરી છેક આંખો સુધી આવી ચઢે તે..લ્યુનેટિક ફ્રિન્જ ઓફ હેર..

પણ હવે લ્યુનેટિક ફ્રિન્જ અર્થ કોઈ રાજકીય/સામાજિક આંદોલનનાં અતિ ઉત્સાહી ઝનૂની લોકો જે આમ હાંસિયામાં ધકેલાઇ ગયા છે, એમને માટે વપરાય છે. અમેરિકામાં ગોળીબાર કરીને નિર્દોષ લોકોને મારી નાંખવાનાં બનાવો બને છે ત્યારે ‘ગન કલ્ચર’ બદલવા બાબતે ચર્ચા થઈ. એમાં આ શબ્દો ફરી ચર્ચામાં આવ્યા છે. અહીં એવા લ્યુનેટિક ફ્રિન્જ લોકો છે જે ગન કંટ્રોલનો વિરોધ કરે છે. તેઓ કહે છે કે અમારી સુરક્ષાનો અમારો અધિકાર છે. ‘ગન લોબી’ આવા લોકોને આગળ કરે છે અને પોતાનો ધંધો ચાલુ રાખે છે. લ્યુનેટિક ફ્રિન્જ લોકો શક્તિશાળી લોકોનો હાથો બની જાય છે. લોકો મરે તો ભલે મરે.

અમે માનીએ છીએ કે નૂપુર શર્મા ભૂલ ભૂલમાં ભૂલ કરી બેઠાં. મજહબનાં પયગંબરની ટીકા તેઓએ નહોતી કરવી જોઈતી હતી. પછી રાજકીય પક્ષ તેઓને રુખસદ આપે છે. તેઓ બિનશરતી માફી પણ માંગે છે. તેઓ ફ્રિન્જ (તુચ્છ) હશે પણ લ્યુનેટિક ફ્રિન્જ (પાગલ તુચ્છ) નથી. જો એમ હોત તો તેઓએ માફી ન માંગી હોત. માલદિવ્સ જેવા દેશે ભારતે લીધેલા પગલાં ઉપર સંતોષ પણ વ્યક્ત કર્યો પણ પાકિસ્તાન..? આ દેશનાં શાસકો લ્યુનેટિક ફ્રિન્જ જ નહીં પણ લ્યુનેટિક એપિસેન્ટર છે. પાકિસ્તાન પોતે પોતાની લઘુમતીને સુરક્ષા આપવામાં નિષ્ફળ છે અને ભારતને ભાષણ આપે છે. ભારતે જો કે ભાગલાવાદી સાંકડા મગજથી થયેલી તમામ ટીકાનો વિરોધ કર્યો છે.

શબ્દશેષ:

“જીવન સંઘર્ષમાં તક કે અવસરથી સદા વંચિત રહેલાં લોકો તેઓનું લ્યુનેટિક ફ્રિન્જ-પણું સતત ગતિશીલ રાખે છે.” –અમેરિકન પત્રકાર, વ્યંગકાર અને લેખક એચ. એલ. મેન્કન (૧૮૮૦-૧૯૫૬)

No photo description available.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.