Daily Archives: સપ્ટેમ્બર 9, 2022

સેસ્ક્વિપિડેલિઅન/ પરેશ વ્યાસ

સેસ્ક્વિપિડેલિઅન: વ્યસન લાંબાંલચક શબ્દોનું

બહુ સરળ શબ્દો, વળી ટૂંકી ને ટચ

એટલે સમજાઈ ગઇ સીધી ને સટ -યામિની વ્યાસ

ભાષા સરળ હોવી જોઈએ. શબ્દો સાદા હોય તો સમજાય. ટૂંકા ને ટચ. એવા જે દિલને ટચ(!) કરી જાય. ઘણાં શબ્દો લુપ્ત થઉં થઉં થતા હોય છે. કેટલાંક શબ્દો વપરાશમાં નથી એટલે કટાઈ જતા હોય છે. પણ હા, એટલું નક્કી છે કે એક વિષય કે વસ્તુ, સ્થિતિ કે પરિસ્થિતિ-નું બયાન કરવા માટે એક ચોક્કસ શબ્દ જરૂર હોય છે. શશી થરૂર મોદી સરકારની ટીકા કરવા ટ્વીટ કરતા ફરે છે. અમે એને ટ્વીટીકા કહીએ છીએ. (ટ્વીટર+ટીકા!). એવું કરવા માટે ઑબ્સ્ક્યૂઅર શબ્દ વાપરવાની એમને આદત છે. ઑબ્સ્ક્યૂઅર એટલે ખાસ જાણીતું ન હોય એવું, અજ્ઞાત, અપ્રસિદ્ધ. જો કે એવા શબ્દ ટ્વીટ કરીને સાથે એનો અર્થ પણ તેઓ કહે છે કારણ કે… તો જ સમજાય. કોવિડ લોકડાઉન સ્થિતિમાં રેલ્વે દ્વારા સિનિયર સિટિઝનને મળતું ટિકિટ કન્સેસન સ્થગિત કરી દેવામાં આવ્યું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અત્યારે કહે છે કે હવે સ્થિતિ સામાન્ય છે, પણ કન્સેસન પ્રથા ફરી ચાલુ કરવી હિતાવહ નથી. કારણ અત્યારે રેલ્વેની આર્થિક સ્થિતિ નબળી છે. આમદાની આઠ આન્ની (થીય પાંચ પૈસા ઓછા) ‘ને ખર્ચા રુપય્યા હોય તો રેલ્વે શી રીતે ચાલે? આર્થિક ભાર ભારે પડે. ટૂંકમાં તેઓએ સિનિયર સિટિઝન્સને કહી દીધું: ના ના ના ના ના રે ના રે..! અને ત્યારે શશી થરૂરે રેલ્વે મંત્રાલયને ટેગ કરીને એક શબ્દ ટ્વીટ કર્યો. ક્વોમોડોકુન્ક્વાઇઝ (Quomodocunquize). સાથે એનો અર્થ પણ કહ્યો: શક્ય હોય એવી કોઈ પણ રીતે પૈસા બનાવવા તે. આ અઘરો શબ્દ નકારાત્મક નથી. કોઈ રાત દિવસ એક કરીને, એકથી વધારે કામ કરીને પૈસા કમાય એ ક્વોમોડોકુન્ક્વાઇઝ કરે છે, એવું કહેવાય. અરે ભાઈ! કામ કરીને પૈસા કમાય છે. એમાં ખોટું શું છે? તેઓ ખોટું કરતા નથી. ખોટી રીતે થતી ખોટને સરભર કરવાની કોશિશ કરવી એ સારી વાત છે. સિનિયર સિટિઝન કન્સેસન લઈને યાત્રા કરે, ગમે તેવું ખાય અને બીમાર પડે, એના કરતા ઘરમાં જ રહે તો સારું- એવી રેલ્વેની શુભ ઈચ્છા હોઈ શકે! ખોટી રીતે પૈસા કમાઈ લેવા, એવી કોઈ વાત આ શબ્દમાં નથી. અમે જો શશી થરૂરની જગ્યાએ હોત તો અમે રેલ્વેને મની માઇન્ડેડ કહી હોત. સમજાઈ પણ જાત. ટીકા પણ થઈ જાત. એક શબ્દ ઍવરિશસ (Avaricious) પણ છે. અર્થ થાય ધનલાલસા. ઉચ્ચાર કરવામાં પ્રમાણમાં સહેલો શબ્દ. પણ કેટલાંક લોકો સાથે અઘરી વાણી વણાઈ ગઈ હોય છે. આવા શશી થરૂરિશ લોકો માટે આજનો શબ્દ છે સેસ્ક્વિપિડેલિઅન (Sesquipedalian).

શશી થરૂર દ્વારા ટ્વીટ કરેલો શબ્દ ગુજરાતી લેક્સિકોનમાં નથી પણ અમે શબ્દસંહિતા કરવા તય કરેલો શબ્દ એમાં જરૂર છે. સેસ્ક્વિપિડેલિઅન એટલે અનેક અવયવ કે પદ ધરાવતો શબ્દ. સ્માર્ટ દેખાવા માટે જેઓ આવા લાંબાંલચક શબ્દો પ્રયોજે એવા લોકો પણ સેસ્ક્વિપિડેલિઅન કહેવાય. આ શબ્દ પોતે જ એક સેસ્ક્વિપિડેલિઅન છે! શબ્દ જે પોતે જ પોતાનું વર્ણન કરે એને ઓટોલોજિકલ (સ્વત: તર્કસંગત) શબ્દ કહે છે. તમે કહેશો કે કોઈ સહેલો શબ્દ નથી?! છે ને. પોલિસિલેબિક (Polysyllabic). ‘પોલિ’ એટલે ઘણાં અને ‘સિલેબિક’ એટલે શબ્દનાં અવયવ. આ એક સરળ શબ્દ છે પણ હે પ્રિય વાંચકો, આજે એક અઘરાં શબ્દ વિષે ઘણું લખ્યું છે, તે થોડું કરીને વાંચવા વિનંતી.

સેસ્ક્વિપિડેલિઅન શબ્દ પહેલી વાર રોમન કવિ હોરાસ (ઇ.સ.પૂર્વે ૬૫-ઇ.સ.પૂર્વે ૮)એ ઉપયોગ કર્યો હતો. શબ્દ રહસ્યમય લાગે પણ અર્થ સીધો સાદો છે. ‘સેસ્ક્વિ’ એટલે એક અને એમાં એના અર્ધનું ઉમેરણ. જ્યારે કોઇની ૧૫૦મી જન્મજયંતી ઉજવાય ત્યારે ગુજરાતીમાં આપણે સાર્ધ શતાબ્દી કહીએ, ઇંગ્લિશમાં એને ‘સેસ્ક્વિસેન્ટિયલ’ કહેવાય. ટૂંકમાં ‘સેસ્ક્વિ’ એટલે સાર્ધ અથવા દોઢ અને ‘પેડ’ એટલે ફૂટ. સેસ્ક્વિપિડેલિઅન એટલે દોઢ દોઢ ફૂટ લાંબા શબ્દનો ઉપયોગ કરતી હોય એવી વ્યક્તિ. હોરાસે ‘આર્ટ ઓફ પોએટીકા’-કવિતાની કલા વિષે પુસ્તક લખ્યું હતું, એમાં તેઓએ યુવા કવિઓને, નાટ્યલેખકોને લેખનકલા વિષે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં નવોદિત ભાષાકર્મીઓને ‘સેસ્ક્વિપિડેલિઆ વર્બા’ (દોઢ ફૂટ લાંબા શબ્દ)નો ઉપયોગ ન કરવાની સાવધાની રાખવા સલાહ આપી હતી. તે પછી જો કે આ શબ્દ ખાસ ચલણમાં નહોતો પણ સત્તરમી સદીનાં ઇંગ્લિશ ભાષાનાં ટીકાકારોને થયું કે લાંબાં લાંબાં શબ્દો લખે એવા કવિઓ, લેખકોની ટીકા કરવા માટે આ શબ્દ આંગળીવગો છે. એક ટીકાકારે તે સમયનાં એક કવિનાં દોઢ દોઢ ફૂટ લાંબા શબ્દો માટે લખ્યું: ‘બાર્બરસ સેસ્ક્વિપિડેલિઅન લેટિનિઝમ’ અર્થાંત દોઢ ફૂટ લાંબા ઘાતક પુરાતન લેટિન શબ્દોથી ભરપૂર કવિકર્મ. અમને ‘ભદ્રંભદ્ર’ યાદ આવી ગયા. શુદ્ધ ગુજરાતી ભાષાનાં ચુસ્ત આગ્રહી એવા ભદ્રંભદ્ર સાદાસીધા શબ્દોનાં સ્થાને સંસ્કૃતમય લાંબાંલચક શબ્દોનો ઉપયોગ કરે. દાખલા તરીકે: અગ્નિ રથ વિરામ ગમન નિગમન સૂચક દર્શક લોહ પટ્ટિકા. આ ‘રેલ્વે સિગ્નલ’ શબ્દોનો સેસ્ક્વિપિડેલિઅન અનુવાદ છે. જો કે અહીં આવું ભાષાકર્મ હાસ્ય નીપજાવે છે. શશી થરૂર પણ આવા શબ્દો લખીને ચર્ચામાં રહે છે. રાજકારણી માટે ચર્ચામાં રહેવું જરૂરી છે. ચર્ચામાં ન હોય એવા રાજકારણી રાજકારણી તરીકે ગુજરી જાય છે. જો ગુજર ગયા, વોહ ભૂલાઈ ગયા!

પણ હું માણસ છું, રાજકારણી નથી. જ્યાં ટૂંકો શબ્દ ઉપલબ્ધ હોય ત્યાં મારે લાંબો શબ્દ વાપરવો ન જોઈએ. લાંબાંલચક શબ્દો લખીને, બોલીને મારે મારું શબ્દકોષી જ્ઞાન પ્રગટ ન કરવું જોઈએ. હું એવું કરું તો લોકોને કશું ય સમજાય નહીં અને હું જે કહેવા માંગુ છું એની પ્રસ્તાવનામાં જ લોકો કંટાળી જાય. કોઈ સરળ વાત અઘરાં અને લાંબા શબ્દોથી કહેવાની મને ટેવ હોય તો હું બૌદ્ધિક કે વાણીવિશેષજ્ઞ છું, એવું મારે માનવું ન જોઈએ. હું બુડથલ ઠરું જો હું એવું કરું. બબૂચક કહીં કા!

શબ્દ શેષ:

“લખો એ રીતે જે રીતે તમે બોલો છો. સ્વાભાવિક. ટૂંકા શબ્દો, ટૂંકા વાક્યો, ટૂંકા ફકરા” –‘ફાધર ઓફ એડવર્ટાઈઝમેન્ટ’ ગણાતા ડેવિડ ઓગ્લિવી (૧૯૧૧-૧૯૯૯)

May be an image of text

Leave a comment

Filed under Uncategorized