Daily Archives: સપ્ટેમ્બર 10, 2022

ઓહો..એમ!/યામિની વ્યાસ

ઓહો..એમ!

“મારે જો દીકરો હોત, તો તને એની સાથે જ પરણાવત.” ગાલ પર ટપલી મારતાં સરોજમાસી કહેતાં. સોનલ હતી જ ખૂબ મીઠડી ને રૂપાળી. તે સરોજમાસીના બંગલા સામે રહે. સરોજમાસી કેટલીય બહેનોને હસ્તકળા શીખવતાં, એક્ઝિબિશન યોજતાં અને તેમને પગભર થવામાં મદદ કરતાં. મોતીનાં તોરણો, ઝુમ્મર, શુભ-લાભનાં લટકણિયાં, વિવિધ ભરત ભરેલી પર્સ-બેગ ને એવું તો કંઈ કેટલુંય. સરોજમાસીની બે દીકરીઓ પણ આ કાર્યમાં રસ લેતી. પણ બંનેનાં લગ્ન પછી સોનલ જ ઘણું કામ સંભાળતી અને ભણતી પણ ખરી. એમ, આર્થિક રીતે પણ પરિવારની મદદ કરી શકતી. ત્રણ ભાઈબહેનોમાં એ મોટી. તેના પપ્પાની સામાન્ય નોકરી. એની મમ્મી પણ સરોજમાસીને ત્યાં આ ગૃહઉદ્યોગનું કામ કરતી. સોનલ સરોજમાસીથી ખૂબ પ્રભાવિત હતી. એમની વાતો કરવાની કુશળતા, સાડી પહેરવાની આવડત, ને ઉપરથી નાજુક હીરાનાં લવિંગિયાં, સોનાના પેંડન્ટવાળી પાતળી ચેઇન ને એવી જ બંગડી તો એનું મન મોહી લેતી.

“સરોજમાસી, જામો છો હોં” એનાથી બોલ્યાં વિના ના રહેવાતું. હળવા સ્મિત સાથે આંખમાં સહેજ ભીનાશ સાથે સરોજમાસી કહેતા, “આ એમને ખૂબ ગમતું.”

સમય જતાં સારો મુરતિયો મળતા સોનલનું નક્કી કર્યું. “મારી ત્રીજી દીકરી” કહી ધામધૂમથી પરણાવવાની જવાબદારી સરોજમાસીએ લીધી. સહુને છોડતાં સોનલને દુઃખ થયું પણ પતિ સોહમ સાથે નવા શહેરમાં જવાનો રોમાંચ હતો.

સાસરે સરસ રીતે ગોઠવાઈ ગઈ. એ સોસાયટીમાં ચાલતા લેડીઝ ગ્રુપની મેમ્બર પણ બની. મીટિંગોમાં પણ જતી થઈ ને સરોજમાસીની શીખ મુજબ એણે નાને પાયે ગૃહઉદ્યોગ શરૂ કર્યો. એને સારો આવકાર પણ મળ્યો.

લેડીઝ ગ્રુપની કિટી પાર્ટીમાં જતી ત્યારે સહુ એકબીજાનું ડ્રેસિંગ નોંધતાં. ત્યાં આવતી રીતુ હંમેશાં આકર્ષણનું ને અદેખાઇનું કેન્દ્ર બનતી. એના પતિનો મોટો બિઝનેસ હતો. પિયર પણ ખૂબ પૈસાદાર. રીતુની હીરાની બંગડી જોઈ સોનલને સરોજમાસી યાદ આવી જતાં. એને થતું હું પણ સોહમને કહી હીરાનું એક બ્રેસલેટ લઈશ. પણ મેળ પડ્યો નહીં, આમને આમ સમય વીત્યો. બે બાળકો થયાં, વળી સસરાને મોટી બીમારી આવી. નણંદને પરણાવી. પિયરમાં બેનના લગ્નમાં પણ ખર્ચો કર્યો.

રીતુ જ્યારે પણ કિટીમાં મળતી ત્યારે કંઈક નવું જ પહેર્યું હોય. “લુક, માય ન્યૂ ચોઇસ,” કહી હીરાની જ્વેલરી બતાવતી. અને પોરસાતી. સોનલને ફરી યાદ આવી જતું એ હીરાનું બ્રેસલેટ જે વર્ષોથી તે ખરીદવા ઝંખતી હતી.

દરમિયાન, પિયર જવાનું થયું. સરોજમાસીને એમની મહિલા વિકાસ કામગીરી માટે એવોર્ડ મળવાનો હતો. સરોજમાસીએ એને ખાસ બોલાવી હતી. એમની દીકરીઓ પણ આવી હતી. વક્તવ્યમાં સરોજબેને સોનલનો ખાસ ઉલ્લેખ કર્યો. પ્રસંગ પત્યા પછી સોનલ સરોજમાસીને આવજો કરવા ને આભાર માનવા ગઈ. સરોજમાસીએ હસ્તકલાની ચીજની ભેટ આપતાં વહાલથી કહ્યું, “આવી તું પણ બનાવજે, નવો આઇડીયા છે. રિસ્પોન્સ પણ સારો મળે છે.” સરોજમાસીની એક દીકરીએ ગિફ્ટ રૂપે એક પાઉચ આપ્યું. ખોલતાં સોનલ આભી થઈ ગઈ, “ના લેવાય દીદી, આટલું મોંઘું હીરાનું બ્રેસલેટ!”

“ગાંડી, એ તો મારી પાસે પણ નથી. આ તો અમેરિકન ડાયમન્ડનું છે. હું એનો જ બિઝનેસ કરું છું. બિલકુલ અસ્સલ લાગે છેને! હવે બધાં પાર્ટીઓમાં આજ પહેરે. દેખાય પણ સરસ ને ખોવાઈ જવાનો ભય પણ નહીં.”

“પણ આ તો બિલકુલ રીતુ જેવું…”

“કોણ રીતુ? ઓહ, એ પણ આઈ થીંક, તારા શહેરમાં તારી નજીક જ રહે છે. હરીશ ઇન્ડસ્ટ્રીવાળા પ્રેરણાબેન ને હરીશભાઈની દીકરી. અરે! મારી બાજુમાં જ એનું પિયર છે. એ આવે ત્યારે મારી પાસેથી બહુ બધું ખરીદી જાય છે.”

સોનલનું મોઢું અચરજથી પહોળું થઈ ગયું, ‘ઓહો..એમ!’

-યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized