એ દરદ પણ કેટલું મોઘું હતું!

“તમને નથી લાગતું ચારુ નૌતમ સાથે પરણીને ફસાઈ જ છે, પણ બોલતી નથી.”

“ઓહો, એ તો તને બહુ ગમતો હતોને? તું તો એની દિવાની હતી?”

“હોય કંઈ! એ તો મફતમાં હોમવર્ક કરી આપતો, એટલે મીઠું મીઠું બોલી જરા દોસ્તી કરી લીધેલી, બાકી આપણી ચોઇસ તો તમને ખબરને! હાઇફાઈ લાઈફ જીવવા જોઈએ. એ ગરીબ પંતુજી જોડે આપણો મેળ ન પડે. મેં તો નૂતનને બહુ સમજાવેલી પણ એ તો એના ભાષાજ્ઞાન પર ફિદા હતી.”

“અરે છોડને એ વાત. હવે તો આપણે દાદીનાની થઈ ગયાં છીએ, યાર! ભેગા મળી ચાર દિવસ જિંદગી માણવા આવ્યાં છીએ.”

“હા, આપણા બાળપણને ઉજવવાં.”

જો મારી ગમતી પંક્તિઓ સાંભળ.-

આ જગત મારું હતું, નોખું હતું,

બાળપણ સાબિત થયું ભોળું હતું.

આંખ હસતા હસતા ભીંજાઈ જતી,

એ દરદ પણ કેટલું મોઘું હતું!”

“વાહ વાહ! આપણને આપણું બચપણ યાદ આવી ગયું. ઓયે આવું મસ્ત ક્યારથી લખે છે? એ પણ તું!”

“ નારે.

ટાઈમ પાસ કરવા વાંચવા માંડી ત્યારથી કવિતાઓ ગમે છે. હા, શોપિંગ પણ ખૂબ ગમે. ખૂબ લેવું છે ડ્રેસ, જ્વેલરી, પુસ્તકો…”

“ઓહોહો, શેની વાતો ચાલે છે?”

ચારુ પોતાનો ફોન પૂરો થતાં બાલ્કનીમાંથી રૂમમાં આવી.

નૂતન, વિદ્યા, રાગિણી વાતો કરતાં અટકી ને નૂતને બીજી બહેનપણીઓ સામે આંખ મિચકારી ટીખળ કરી, “આટલી ઉંમરેય ખાનગી વાતો હોય છે, ચારુ મેડમ!”

“ના ભાઈ ના, અહીં અંદર બરાબર સંભળાતું નહોતું એટલે બહાર ગઈ હતી.”

એને ચૂંટી ખણતાં નૂતન બોલી, “આયહાય, બરાબર જાણું છું તને ને નૌતમને.. હેંને અલીઓ!” સહુ તાળી દઈ હસવા લાગ્યાં.

ચારેય બચપણની સહેલીઓ વર્ષો પછી ભેગી થઈ હતી. સ્કૂલમાં જીગરજાન બહેનપણીઓ. ભણવામાં ને સ્કૂલની બીજી પ્રવૃત્તિઓમાં પણ સાથે જ હોય. સૌથી મહેનતુ ચારુ ભણવામાં અવ્વલ અને ત્રણેય સખીઓને પણ પ્રેરે. એ ત્રણેયના માબાપ એનું ઉદાહરણ આપતાં એટલે ત્રણેય મીઠી ફરિયાદ પણ કરતી. યુવાન થતાં પરણ્યાં, થોડો સમય સંપર્ક રહ્યો પછી પોતપોતાની દુનિયામાં ખોવાઈ ગયાં. વરસો પછી વિદ્યાએ નૂતનને ફોન કર્યો, “અરે યાર! ચાલને મળીએ. અત્યાર સુધીની લાઈફ તો ફેમિલીને સેટ કરવામાં, એની ફરજો-જવાબદારીમાં વીતી. હવે પરવારી. હવે ઇન્ડિયા હું મારે માટે આવું છું, આપણે ચારેય ભેગા થઈએ. તું રાગિણી, ચારુનો સંપર્ક કરી જણાવી દે પ્લીઝ. ને હોટેલ, ટ્રાવેલિંગ માટે ફ્લાઇટ, જે ઠીક લાગે એ અગાઉથી બુક કરાવી દે બધો ખર્ચો મારા તરફથી સ્પોન્સર.”

“હોય કંઈ! હું બધું મેનેજ કરું છું. તું તો જાણે જ છે, મને બધું ક્લાસિક જ ગમે. તું એ બધી ફિકર ન કર. તને વેલકમ, બસ મારી આગતાસ્વાગતામાં આવી જ જા.”

નૂતને સરસ પ્રવાસ ગોઠવી દીધો. રાગિણી તો તૈયાર થઈ, ચારુ તૈયાર નહોતી પણ નૌતમને કહી મનાવી લીધી. આ પંચાવન છપ્પન વર્ષની ચારેય સખીઓ ભેગી થઈ. પહેલાં તો તેઓના ગામે ગયાં. તેઓ રહેતાં પણ નજીકનજીકમાં જ હતાં, એ ગલીઓમાં ફર્યાં, મસ્તીતોફાન યાદ કર્યાં. કેટલાંય વડીલો, બીજીત્રીજી પેઢીઓને પણ મળ્યાં. સ્કૂલે પણ ગયાં. ઘણું બધું બદલાયેલું હતું. નહોતી બદલાઈ એ જમીન પર પડેલી એમની પગલીઓ, રિસેસમાં કરતાં હતાં એ મસ્તી તોફાન. એ ઊછળફૂદ, શ્વાસમાં ભરી હતી એ હવા. ફરી બધું તાજું થઈ ગયું. દીવાલો કેટલીયવાર રંગાઈ હશે પણ હાથ ફેરવી એ સ્પર્શ મેળવી લીધો. ચારેય ભીની આંખે ખૂબ ખુશ થયાં ને સ્કૂલને આવજો કરી નીકળ્યાં. નક્કી કર્યું હતું એ મુજબ દરિયા કિનારાની મસ્ત હોટેલમાં રહ્યાં.

“વચ્ચેના વર્ષો જાણે ઓગળી જ ગયાં નહીં?” વિદ્યાએ કૉફિનો સિપ લીધો.

“અરે હા, એ ખરું, કેવી મજાની છે આ ચાર દિવસની જિંદગી! ચાલો એ સમય ને આ સમય વચ્ચેની થોડી વાત કરીએ. જો હું મારાથી શરૂ કરું. મને જોઈતો હતો એવો જ પૈસાદાર વર મળ્યો. રૂપાળા બે બાળકો, ભણ્યાંગણ્યાં, પરણ્યાં, એમને ત્યાં પણ બાળકો છે. યુએસ સ્થાયી થયાં. તેઓ ખુશ એટલે આપણે પણ ખુશ. પતિદેવ બિઝનેસમાં બીઝીને આપણે એમના પૈસા ઉડાવવામાં.” નૂતને એકી શ્વાસે એનો વૈભવ રજૂ કર્યો.

વિદ્યાની વાત જરા જુદી હતી, “તમને તો ખબર જ છે કે, મને પહેલેથી જ વિદેશનું ઘેલું હતું. પરણીને ત્યાં ગઈ. ખુદની જ મોટેલ હતી. એમાં જાતે જ ખૂબ કામ કર્યું. બે દીકરીઓ આવી. સરસ સંસાર ચાલતો હતો ત્યાં એક્સિડેન્ટમાં મારા પતિનું મૃત્યુ થયું. થોડા વખત પછી એક ઓળખીતા ડિવોર્સી જોડે ફરી મેરેજ કર્યા .એનો એક દીકરો છે. દીકરીઓ પરણાવી. દીકરાનું પણ એની ગર્લફ્રેન્ડ સાથે નક્કી કર્યું છે. અમે કમાઈ લીધું છે. હસબન્ડ આરામ કરે છે.”

ચારેયમાં વિદ્યા સહુથી શાંત હતી. એની હિંમતની વાતોથી નવાઈ લાગી પણ ગમ્યું. રાગિણીએ તો પોતાની. પતિની, એકનો એક પુત્રપુત્રવધુની સરસ અને ઉચ્ચ હોદ્દાની નોકરીની ખુશી ભેરલી વાતો કરી ને બધાને વળગતાં ઉમેર્યું, “સખીઓ, ખાસ તમારાં માટે મેં નોકરીમાંથી રજા લીધી છે.”

ચારુને શાંત જોતા નૂતન ટહુકી, “ઓયે! મારી ભણેશ્રી ચારુ, કેવી ચાલે છે નૌતમ સાથેની જિંદગી? એ શું કરે છે શું?”

ચારુ જરા અટકીને, “સારું છે, નૌતમને તો તમે ઓળખો જ છો- સિદ્ધાંતવાદી. સારી નોકરી હતી પણ એના સિદ્ધાંતો મુજબ કોઈ જગ્યાએ બાંધછોડ કરવાનું ન ફાવ્યું. છોડી દીધી. ઘરે જ ટ્યૂશન કલાસ ચલાવે છે. મારે દીકરી મોટી, એને પરણાવી.”

“પણ તું, આટલી હોશિયાર, તેં કેમ નોકરી ના કરી?” રાગિણીથી ન રહેવાયું.

“સાંભળ તો ખરી, નાનો દીકરો જન્મથી જ મંદબુદ્ધિ વિકલાંગ, એને સાચવવો પડે. નૌતમને ભણાવવામાં મદદ કરું છું. ઉપરાંત, સાડીફોલ સ્ટીચ, જૂનાં કપડાં રીપેર કરું છું. તમને ખબર છે મને સીવણનો પીરિઅડ કેટલો ગમતો?”

“ઓહો, પણ તું જૂનાં કપડાં શું કામ રીપેર કરે છે? તું તો નવાં પણ સીવી શકે. ફેશન ડિઝાઇન કોર્સ તો તું મહિનામાં કરી શકે!”

વિદ્યાની વાતમાં બધાંએ સૂર પૂરાવ્યો.

“હા, દીકરા જોડે સમયસર તૈયાર નાયે કરી શકું. ને બધાં જ જો નવાં સીવે તો જૂનાં કોણ રીપેર કરે? જૂઓ, મારું કામ ડૉક્ટર જેવું છે. એ બિમારને સાજા કરે. નવા માણસો બનાવતા નથી.” એનો હસતા હસતા ખુમારીભર્યો જવાબ સાંભળી સહુ અવાક થઈ ગયાં. હજુ તો એની વાત પતી નહોતી, “તમને મળવાનું બહુ મન પણ હું આ ખર્ચો કરી શકું એમ નહોતી. નૌતમે સમ દઈને મારી બેગ ભરી.બોલોને, ભાગે પડતાં કેટલાં રૂપિયા થાય? ને આ નૌતમે મોકલ્યું છે એનું કવિતાનું પુસ્તક,’દરદ’ ”

જોઈને ત્રણેયની આંખો પહોળી થઈ ગઈ,નૂતન તરત જ કૂદી પડી, “કવિ રુચા.. તે જ નૌતમ છે? ઓહોહો,જો મેં પક્તિઓ સંભળાવી, 

એ દરદ પણ કેટલું મોંઘું હતું! એ કવિ રુચાની છે. એ કવિતાઓ તો મારી એકલતા દૂર કરે છે.હું ક્યારની એની જ બુક શોધું છું યાર.ઓહો,એમાં તારું નામ શામેલ છે! ચારુ-રુચા …સલામ દોસ્ત તમને બંનેને”

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.