Daily Archives: સપ્ટેમ્બર 12, 2022

અસંસદીય શબ્દો અને ગેગ ઓર્ડર

અસંસદીય શબ્દો અને ગેગ ઓર્ડર

નામ તારું નીકળે છે મૌનમાંથી,

જો પ્રતિબંધિત કરું બારાખડીને. બાળપણ સાચું હતું ને એટલે તો,

એ સમજતું’તું નિસરણી ઠાઠડીને. – ભાવિન ગોપાણી

સંસદ સત્રમાં છે. બારાખડી પર સિકંજો કસાયો. પહેલેથી જ જાહેર કરી એ યાદી, કહી દીધું કે આ શબ્દો સંસદમાં બોલી નહીં શકાય. ઠાઠડીને નિસરણી સમજવા પર મનાઈ ફરમાવી. આમ તો બરાબર છે. મન ફાવે એવું થોડું બોલી શકાય? હવે આમાં કાંઈ નવું નથી પણ આ યાદીનાં શબ્દો વિપક્ષ તરફથી રજૂ થતાં શબ્દો છે. હવે વિરોધ પક્ષોએ આવા શબ્દોનો વિકલ્પ શોધવો પડશે. શબ્દનાં મહારથી શશી થરૂર એક શબ્દ ટ્વીટ કરે છે: ઍલ્ગૉસ્પીક (Algospeak). મૂળ બે શબ્દો ‘ઍલ્ગૉલ’ અને ‘સ્પીક’. ગુજરાતી લેક્સિકન અનુસાર ઍલ્ગૉલ એટલે કમ્પ્યૂટરની બીજગણિતીય ભાષા. હવે એમાં કોઈ શબ્દ પ્રતિબંધિત હોય તો સોશિયલ મીડિયા પર આપોઆપ ડીલીટ થઈ જાય. પણ જ્યારે ‘મારી નાંખ્યો’ એવા શબ્દોની જગ્યાએ ‘જીવિત નથી’ એવું કોઈ લખે એનો વાંધો નથી. આ ઍલ્ગૉસ્પીક શબ્દ કહેવાય. સંસદની પ્રતિબંધિત શબ્દયાદીમાં ‘ડોન્કી’ શબ્દ છે. એટલે એ શબ્દ ન બોલાય. પણ એ તો ગધેડાનું અપમાન થયું કહેવાય. હેં ને? એક આધારભૂત બાતમી અનુસાર ગધેડાની ન્યાતે ઠરાવ કરીને કહી દીધું કે આજથી કોઈ પણ ગધેડાને સાંસદ ન કહેવો! હવે કોઈને ગધેડો ન કહેવાય પણ વૈશાખનંદન કહીએ તો?.. તો વાંધો નથી. ઍલ્ગૉસ્પીક શબ્દ ચાલે.

‘જુમલાજીવી’ શબ્દ પર પ્રતિબંધ મૂકી દીધો. અરેરે, વિપક્ષો ટીકા કરશે શી રીતે? ભગવદ્ગોમંડલ અનુસાર અરેબિક મૂળનો શબ્દ ‘જુમલા’નો એક અર્થ થાય: વાક્ય, શબ્દોનો અર્થસૂચક જથ્થો. જુમલો શબ્દ ખૂબ સારો. હા, જુમલાજીવી એટલે જે ફક્ત વાક્યો કહે, અમલનાં નામે અલ્લાયો.. તો એ ખોટું. પણ સાહેબ, સારો જુમલો, સારા શબ્દો, સારું વાક્ય કોઈ કહી જાય તો વાત પૂરેપૂરી સમજાઈ જાય. અમને જુમલાજીવી શબ્દ ઉપરનો પ્રતિબંધ જરાય ગમતો નથી કારણ કે અમે પોતે પણ જુમલાજીવી જ છીએ. લાંબુ લાંબુ બોલવું કે લખવું એનાં કરતા જુમલો કહી દો કે વાત પતે. હમણાં મોદીસાહેબે રેવડી કલ્ચરનો જુમલો કીધો. અને એની ચર્ચા ચાલી. ઇંગ્લિશમાં એને ફ્રીબી (Freebie) કહે છે. મફત મફત મફત. ન કાનો ન માત્રા. મત માટે મફત ઉર્ફે રેવડી ઉર્ફે કશુંક ભેટ આપવું એ તો બીજેપી સહિત સૌ કોઈ પક્ષ કરે જ છે. અને તો ય તેઓ રેવડી કલ્ચરનો જુમલો કહી શકે છે. લોકસભાનાં હે માનનીય અધ્યક્ષ મહોદય, આપ રેવડી કલ્ચર શબ્દને રખેને બિનસાંસદીય ઠરાવીને રદ ન કરતાં, નહીંતર અમારી રેવડી દાણાદાણ થઈ જશે. પ્લીઝ..

જો કે અમને એ સમજાયું નહીં કે કરપ્ટ, કાવર્ડ અને ક્રિમિનલ શબ્દો પ્રતિબંધ શા માટે? એટલે કે ભ્રષ્ટ, કાયર અને અપરાધી વિષે ચર્ચા જ ન થાય? અમને લાગે છે કે સાંસદો આવા શબ્દો અન્ય સાંસદો માટે ન વાપરી શકે, એવું હશે. નહીં? તમને શું લાગે છે? અરે ભાઈ! આ શબ્દો જો ન હોય તો તો રાજકારણનો તો પ્રાણ જ જતો રહે. હૂલિગનિઝમ (ઉપદ્રવ), હીપોક્રસી (પાખંડ), ઇનકોમ્પિટન્ટ (અક્ષમ), મિસલેડ (ગુમરાહ) પણ નહીં. અરેરે.. આ તો સંસદ છે કે ઋષિમુનિનો આશ્રમ?!

‘બહેરી સરકાર’ શબ્દો પર પણ પ્રતિબંધ આવી ગયો. સરકારની કાનમાં તેલ પૂરવાની વાત પર આ કોના પેટમાં તેલ પૂરાયું? અને કેટલાંક તો નામ છે. શકુનિ, જયચંદ, તુર્રમ ખાન. શકુનિ અને જયચંદ તો ખંધા અને ગદ્દાર હતા પણ તુર્રમ ખાન તો ૧૮૫૭નાં બળવાનો હીરો હતો. એ બ્રિટિશર્સ પર હૂમલો કરતો અને બંધક બનાવેલા ભારતીયોને છોડાવતો. કદાચ એ પરથી મુહાવરો આવ્યો: ‘ખુદકો ક્યા તુર્રમ ખાન સમજતે હો?’ હવે મુહાવરા પર પ્રતિબંધ ઠીક પણ તુર્રમ ખાન ઉપર? ગિરગિટ (કાચિંડો), સાંઢ જેવા પ્રાણી પર પ્રતિબંધ મુકાયો. ના, મગર પર પ્રતિબંધ નથી પણ મગરનાં આંસુ પર છે. આખરે લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાએ ચોખવટ કરી કે કોઈ શબ્દ પર પ્રતિબંધ નથી. આ તો ગત સત્રની કાર્યવાહી નોંધમાંથી જે શબ્દો હટાવવામાં આવ્યા છે એની યાદી છે. શબ્દ સાથે શબ્દનો સંદર્ભ અગત્યનો હોય છે. હેં ને?

આપણાં કાચા કુંવારા રૂપાળા આપ સાંસદ રાઘવ ચઢ્ઢા આ ઓર્ડરને ગેગ ઓર્ડર (Gag Order) કહે છે. જો કે કોંગ્રેસનાં સાંસદ શશી થરૂરનાં માટે આ ગેગ ઓર્ડર નથી. તેઓ કહે છે કે આ ઇન્સ્ટ્રક્શન (આજ્ઞા) નથી, આ ઇન્ડિકેશન (સૂચવવું) છે. ગુજરાતી લેક્સિકન અનુસાર ‘ગેગ’ એટલે બોલી ન શકે અથવા મોઢું ઉઘાડું રહે તે માટે મોંએ દીધેલો ડૂચો, -નું મોઢું પરાણે બંધ કરવું. ગેગ ઓર્ડર એટલે એવો કોઈ પણ હુકમ જે કહે કે આ શબ્દો ઉચરવા જ નહીં. મોઢામાં જાણે ડૂચો મારી દીધો!

‘ટૂ એન્ડ હાફ મેન’ની બેહદ લોકપ્રિય સેક્સ કોમેડી સીરિયલનો હીરો ચાર્લી સીન અંગત જીવનમાં દારૂ, ડ્રગ્સ, પરિણીત જીવનનાં પ્રોબ્લેમ્સ અને ઘરેલૂ હિંસાથી ઘેરાયેલો રહ્યો. એને જ્યારે ભાન થયું ત્યારે એણે કહ્યું કે હું જેવું જીવ્યો એવું હવે જીવવા માંગતો નથી. મારી જાત પર ગેગ ઓર્ડર મૂકવા માંગું છું કે મારા ભૂતકાળની વાતો હવે હું નહીં કરું. હવે માત્ર વર્તમાન અને ભવિષ્યની વાતો. આપણે આપણી જાત પર આવો ગેગ ઓર્ડર મૂકવાની જરૂરિયાત છે, ભૂતકાળ ભલે સારો હોય તો પણ. એવી એવી ભવ્ય ભૂતકાળની વાતો વારંવાર શા માટે ડંફાસ્યા કરવી? અરે, અમે હતા ‘ને ત્યારે..

શબ્દ અગત્યનો હોય છે. ખાસ કરીને જ્યારે તમે વિરોધ કરો. તમે પોતે તો કરી જુઓ એ કામ. ખબર પડે કે કરવું અઘરું છે. ઉકેલ આપ્યા વિનાની ટીકા ખોટી. સકારાત્મક ટીકા સંસદમાં થતી નથી. એકબીજાનાં વાંકા અંગોની ભૂતકાલીન વગોવણી થતી રહે છે. દેશ ચૂંટાયેલા પ્રતિનધિઓ ચલાવે છે. શાસક પક્ષ સાંભળે અને વિરોધ પક્ષ બોલે, સચોટ બોલે, એ જરૂરી છે. શબ્દો અને સંદર્ભો ઉપર ઈન્ડીકેટિવ પ્રતિબંધ પણ ઠીક નથી. ભલે આ ગેગ ઓર્ડર નથી. પણ સાંસદોએ શું ન બોલવું એવું સૂચન પણ શું કામ કરવું પડે?!

શબ્દ શેષ:

“હું ગેગ ઓર્ડરની તરફેણમાં નથી.” –અમેરિકન લીગલ કોમેન્ટેટર અને ટીવી પર્સનાલિટી

Leave a comment

Filed under Uncategorized