Daily Archives: સપ્ટેમ્બર 15, 2022

વૂમન હેન્ડલ/પરેશ વ્યાસ

વૂમન હેન્ડલ: હૂડ હૂડ દબંગ દબંગ..

નોઇડાની મહિલા નો કરવાનું કરી બેઠી. ચોકીદારે સોસાયટીનો દરવાજો ખોલવામાં જરા મોડું શું કર્યું કે એની ઉપર ગાળોનો સાંબેલાધાર વરસાદ વરસાવ્યો. કેટલીક ગાળો તો સાવ અભિનવ હતી. જેમ કે એ ચોકીદારનું શિશ્ન કાપીને એને જ ખવડાવી દેવાની વાત. મહિલાનું નામ ભવ્યા રોય. ધંધો વકીલાત. મગજમાં કોણ જાણે શેની રાઈ ભરાઈ હતી કે તેણી આવું અભવ્ય કૃત્ય કરી બેઠી. સાથે સાથે બિહારી લોકને ઈન-જનરલ વખોડતો બકવાસ પણ કર્યો. ચોકીદાર અનૂપ કુમારનું ગળું ય પકડ્યું અને ધક્કો યમાર્યો. એનો વીડિયો અત્યારે વાઇરલ થઈ ચૂક્યો છે. પવિત્ર શ્રાવણ માસમાં અનેક નેટિઝન્સ કાનમાં કીડા પડે એવી ગાળોનું વર્ચ્યુઅલ શ્રવણ કરી ચૂક્યા છે. આ મહિલા વકીલ પછી જેલમાં પુરાયા હતા પછી જામીન પર છૂટી ગયા. કદાચ આ ઘટનામાંથી પ્રેરણા લઈને ગ્વાલિયર શહેરમાં સ્કૂટર ઉપર જતી મહિલાઓને ઓવરટેક કરવા બદલ તે મહિલાઓએ એક રીક્ષાવાળા ઉપર હૂમલો કર્યો, ૧૭ થપ્પડ મારી અને રીક્ષાનાં કાચ તોડી નાંખ્યા. ઝોમેટોનાં એક ડીલીવરી બોયને ચપ્પલ મારીને એની પાસેથી ફૂડ પાર્સલ લઈ લેતો વીડિયો પણ ટ્વીટ થયો. આજકાલ નોઇડા, આગ્રા, કાનપુર અને ગ્વાલિયર શહેરોની મહિલાઓનાં વીડિયો વાઇરલ થઈ ચૂક્યા છે. ક્યાંક મહિલાએ મદિરાસેવન કર્યું’તું તો ક્યાંક એનો સ્વભાવ જ હૂડ હૂડ દબંગ દબંગ હતો. ભેંસનાં શીંગડા માત્ર ભેંસને જ ભારી હોય એવું હવે રહ્યું નથી. ક્યાંક પાડાનું ય આવી બને અને પખાલીને ય ડામ પડે. એ જે હોય તે પણ વૂમન એમ્પાવરમેન્ટનાં આ સમાચાર અમને આમ જુઓ તો ગમ્યા. અલબત્ત આજનો શબ્દ એ નથી. આ સઘળાં સમાચારોમાં એક ‘મેનહેન્ડલ’ (Manhandle) શબ્દ કોમન હતો. એનો અર્થ છે: ધક્કો મારવો, પીટાઈ કરવી, ધક્કે ચડાવવું, હાથ ઊગામવો વગેરે. આવા કૃત્યો કોણ કરે? સામાન્ય રીતે પુરુષો કરે પણ.. સ્ત્રીઓ પણ હવે પાછળ નથી, એવું આ વાઇરલ વીડિયોઝ કહી રહ્યા છે. હવે સ્ત્રીઓ જો કોઇની મારપીટાઈ કરે તો એ મેનહેન્ડલ કહેવાય કે વૂમનહેન્ડલ? વૂમનહેન્ડલ (Womanhandle) જેવો કોઈ શબ્દ છે ખરો? આમ તો સને ૧૯૨૫માં એક સાયલન્ટ ઇંગ્લિશ રોમેન્ટિક કોમેડી ફિલ્મ આવી હતી, જેનું નામ હતું ‘વૂમનહેન્ડલ્ડ’. ચાલો, આજે માણીએ આજનો શબ્દ અને એનાં અર્થની મજેદાર વાતો.

ના, વૂમનહેન્ડલ શબ્દ ખાસ પ્રચલિત નથી. માત્ર એક ડિક્સનરીમાં જ એનો અર્થ દીધો છે. એ અનુસાર આ શબ્દ વૂમન+મેનહેન્ડલ શબ્દનું સંયોજન છે. આમ જુઓ તો બે વિપરીત અર્થ દર્શાવ્યા છે. કોઈ સ્ત્રી કોઈને ‘મેનહેન્ડલ’ કરે ઉર્ફે ધક્કે ચઢાવે કે થપ્પડ મારે તો એ વૂમનહેન્ડલ કહેવાય. એટલે એમ કે ભવ્યા રોયે જે કર્યું એ વૂમનહેન્ડલ કહેવાય. પણ વૂમનહેન્ડલનો બીજો અર્થ છે એક સ્ત્રીની માફક હળવેથી, કોમળતાથી સામેવાળાને હેન્ડલ કરવું તે, આમ ઝાઝો પ્રયત્ન નહીં, કોઈ જબરજસ્તી નહીં. એમ કે ભવ્યા બહેને ચોકીદારને પ્રેમથી સાદ પાડીને કહ્યું હોય કે… હે બાંકે બિહારી સોસાયટી રક્ષક શ્રીમાન અનૂપ કુમાર, આપ દ્વાર ખોલવાની કૃપા કરશો?.. તો એવી વર્તણૂંક વૂમનહેન્ડલ કહેવાય. પણ મૂળ શબ્દ તો છે મેનહેન્ડલ.

‘મેનહેન્ડલ’ શબ્દ પંદરમી સદીથી ઇંગ્લિશ ભાષામાં છે. જેનો અર્થ ઓજાર કે હથિયારને હાથમાં પકડીને ઉગામવું કે ચલાવવું- એવો થાય છે. પછી સને ૧૮૩૪થી મેનહેન્ડલ શબ્દ વહાણ ચલાવનારાઓ કોઈ ગરેડી કે ઉચ્ચાલક વિના એટલે કે ભાર ઉચકવા માટે કોઈ સાગટી કે દંડાની મદદ વિના માત્ર માણસોનાં બળથી સઢ ચઢાવે અથવા અન્ય કામ કરે, એને માટે વપરાવા લાગ્યો. કોઈ મશીનનાં ઉપયોગ વિના ફક્ત માનવ શક્તિ. મેનહેન્ડલનો હાલનો અર્થ સને ૧૮૬૫થી અમલમાં છે. આ અર્થ છે કોઈ વસ્તુને રફ રીતે હેન્ડલ કરવું. ‘રફ’ એટલે ખરબચડું, કઠોર, રોંચું, ખરસટ અને ‘હેન્ડલ’ એટલે હાથ લગાડવો કે હાથમાં લેવું. ગુજરાતી લેક્સિકનમાં ‘મેનહેન્ડલ’નાં આ બંને અર્થ શામેલ છેઃ. ૧. માણસને કેવળ શારીરિક જોર વડે જ ખસેડવું ૨. શારીરિક ઈજા પહોંચાડવી, ધક્કે ચડાવવું, -ના ઉપર હાથ ઉગામવો. ઇંગ્લિશ અખબારોનો આ પ્રિય શબ્દ છે. સામાન્ય રીતે કોઈ પ્રદર્શનકારીઓ પર પોલિસ દંડો મારે તો તેઓ ફરિયાદ કરે કે પોલિસે તેઓને ‘મેનહેન્ડલ’ કર્યા. પણ તાજેતરમાં જ મુંબઇમાં એક જબરી ઘટના બની. મલાબાર હિલ પોલિસ સ્ટેશનનાં પાંચ પોલિસ કોન્સ્ટેબલ્સે આઝાદ મેદાન પોલિસ સ્ટેશનનાં બે ઓનડ્યુટી પોલિસ કોન્સ્ટેબલ્સને ગાળો દીધી, કાયદો અને વ્યવસ્થા ખોરવી અને ધક્કે ચઢાવ્યા. ગયા અઠવાડિયાનાં ઇંડિયન એક્સપ્રેસનાં આ સમાચારનું શીર્ષક હતું: ફાઇવ મુંબઈ કોપ્સ મેનહેન્ડલ પર્સોનલ ફ્રોમ અનધર પોલિસ સ્ટેશન. સાવન જો અગન લગાયે ઉસે કૌન બુઝાયે?!

પુરુષ તો પુરુષ, પણ સામાન્ય રીતે સૌમ્ય અને સૌજન્યશીલ લેખાતી સ્ત્રી પણ હવે જાહેરમાં ઝઘડે છે, ગાળો બોલે છે, મારે ફટકારે છે, મેનહેન્ડલ કરે છે. વૂમનહેન્ડલ? આ શબ્દ હવે પ્રચલિત થાય તો નવાઈ નથી. પણ આવું કેમ થાય છે? ભવ્યા રોય ભણેલી છે. જાણીતી માઉન્ટ કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ બાદ સિમ્બાયસિસ યુનિવર્સિટીથી એલ.એલ.બી.અને અમેરિકાની પ્રતિષ્ઠિત બોસ્ટન યુનિવર્સિટીમાંથી એલ. એલ.એમ. કર્યું છે એણે. હાલ દક્ષિણ દિલ્હીની કોર્ટમાં મહિલા અને બાળકોનાં યૌન ઉત્પીડન અને શ્રમ રોજગારનાં મામલાઓ સાથે જોડાયેલા ક્રિમિનલ કેસ લડી રહી છે. એણે આવું કેમ કર્યું? કદાચ પોતે વકીલ છે, અનેક ગુનેગારોને છૂટી જતા જોયા હશે એટલે કાયદાની ઐસી તૈસી. પોતે કાનૂનથી ઉપર છે એવી માનસિકતા હશે? અથવા તો કોઈ હતાશા હશે? કોઈ લાગણી જે ગૂંગળાઈ હશે? એ કશું જે એ પામી નહીં શકી હોય અને પછી એનો હશે એ ગુસ્સો. આજકાલ નજીવી વાતમાં મામલો બીચકી જાય છે. અને પછી ગાળાગાળી અને પછી ધક્કામુક્કી.. શું કરવું? બોલતા પહેલાં વિચારવું. શાંતિ, શાંતિ, શાંતિ. આમ વાત વાતમાં પિત્તો છટકે એ ન ચાલે. માણસ હોદ્દામાં નાનો હોય તો ય એની સાથે માન મર્યાદા છોડવી નહીં. પોતાનાં પૈસાનો, પોતાના હોદ્દાનો રુઆબ ઝાડવો નહીં. અને નશો કર્યો હોય તો ઘરસે નીકલવું નહીં, કુછ દૂર ચલવું નહીં. અને હા, ‘સેન્સ ઓફ હ્યુમર’ હોય તો મામલો હળવો થઈ જાય. પણ પછી જાણી બુઝીને કોઈ તમારી સામે પડે તો શું અમારે સામી બાથ પણ ન ભીડવી? ના ભૈ ના, ત્યાંથી ભાગી જવું. ભાગે ઈ ભાયડા! અને તેમ છતાં કોઈ તમને ધરાર મેનહેન્ડલ કરે તો? તો સામો પ્રહાર કરી લેવો, તંઈ શું? શરતો લાગુ.

શબ્દ શેષ:

“તમારે સારપણાંનાં પગલુછણીયા બનવાની જરૂર નથી. સારા લોકોને પણ સ્વબચાવનો અધિકાર હોય છે.” –લેખિકા એલિઝા ક્રુ

Leave a comment

Filed under Uncategorized