હવે જરૂર નથી
“ઓ બાપ રે!
“આબાદ બચી ગયો… સદનસીબે હેલ્મેટ પહેરેલું હતું.”
“સારું થયું કે એ બોગનવેલના ઝૂંડમાં પડ્યો.”
“લાગે છે, તેનાથી કદાચ ઊઠાતું નથી.”
“તેના કોઈ સંબંધીને ફોન કરો.”
શૈલ સ્પીડમાં જતો હતો અને તેની બાઈક રોડ ડિવાઇડર સાથે અથડાઈ. સારું થયું કે સામેથી કશું આવતું ન હતું. એ ઊછળીને બોગનવેલ પર પડ્યો અને બચી ગયો. લોકો ભેગા થઈ ગયા. તેની બાઇકને સાઇડ પર મૂકવામાં આવી. તેને બેઠો કરવા ગયા પરંતુ તેના પગમાં સખત દુઃખતું હતું. તેનો મોબાઇલ લઈને તેના સંબંધીને ફોન કર્યો. દરમિયાન રોડની સામેની સાઈડ પર કોઈ ધર્માદા હોસ્પિટલ હતી ત્યાં લઈ જવામાં આવ્યો. એટલીવારમાં તેનાં મમ્મીપપ્પા તરત જ ગાડી લઈને આવી પહોંચ્યાં.
શૈલને જોયો. તેના હાથપગ અને મોઢા પર ઉઝરડા પડ્યા હતા અને લોહી નીકળતું હતું. પ્રાથમિક તપાસમાં ડૉક્ટરે કહ્યું કે, કોઈ મેજર ઇન્જરી જણાતી નથી. શૈલનાં મમ્મીપપ્પાને હાશ થઈ. ત્યાં તેનાં કાકાકાકી પણ દોડી આવ્યાં. કાકી તો ઘરમાં હતું તે સૂપ,જ્યુસ વગેરે લઈને આવ્યાં. આવતાની સાથે જ કાકીએ કહ્યું, “અરે! આવી જૂની ગંદી હોસ્પિટલમાં તેને રખાય? ચાલો, આપણે તેને બીજે શિફ્ટ કરીએ.
શૈલના પપ્પાએ કહ્યું, “અહીં ડૉક્ટર દાસ ઓપરેશનમાં છે. એ આવી જાય પછી બીજે પ્રયત્ન કરીએ.”
ડૉક્ટર દાસકાકા શહેરના ખૂબ અનુભવી અને ઘણા ઉમદા ડોકટર હતા. હતા. લોકો માનતા કે તેમના હાથમાં જશરેખા છે .તેઓ હંમેશા પરમાર્થનું કામ કરતા. તેઓ ધારત તો ઘણું કમાઈ શકત પરંતુ એમણે સેવાનો જ ધર્મ અપનાવ્યો હતો.અહીં ધર્માદા હોસ્પિટલમાં પણ ઓનરરી સેવા આપતા. આજુબાજુનાં ગામડાંઓમાંથી ગરીબ દર્દીઓ આવતા અને તેમને વિનામૂલ્યે ઓપરેશન કરી આપતા.
શૈલના સગા ડૉ. દાસની રાહ જોતા હતા તે દરમિયાન શૈલની કૉલેજના મિત્રોનું ગૃપ ખબર પડતાં જ દોડી આવ્યું. કૉલેજના એન્યુઅલ ફંકશનની તૈયારી ચાલતી હતી. શૈલ તેમાં મેઇન ડાન્સર હતો. હવે શૈલ ડાન્સમાં ભાગ નહીં લઈ શકે એનાથી સહુ ઉદાસ હતાં.શૈલને વધુ કાંઈ નથી થયું તેમ જણાવી તેનાં મમ્મીપપ્પાએ કૉલેજના મિત્રમંડળને વિદાય કરી. થોડી થોડીવારે શૈલનાં કાકી તેની મમ્મીને કહેતાં હતાં, “અહીં ગજબ લોકો આવે છે. જોઈને જ અડધા બીમાર થઈ જવાય. સામેના બોર્ડમાં દેખાતી એક કાળી ને આગળ દાંતવાળી,જૂનો સાડલો પહેરેલી સ્ત્રીને જોઈને થયું. બાપ રે! આ બાઈ તો કેવી દેખાય છે!”
થોડી વાર પછી ઘસાયેલો પંજાબી ડ્રેસ પહેરેલી એક છોકરી તે સ્ત્રીની બાજુમાં આવી ઊભી રહી ગઈ. તેની તરફ કાકી તુચ્છભાવે જોઈ રહ્યાં.
શૈલને ઈન્જેક્શન આપ્યું હોવાથી તેને દુખાવો ઓછો હતો. પણ વચ્ચે વચ્ચે તે ઊંહકારા કરતો હતો. પેલી સ્ત્રીએ તેના પાલવનો છેડો સરખો કરતાં કરતાં નજીક આવી અને પૂછ્યું, “ભાઈને કેવું છે?”
કાકીએ તો મોઢું જ ફેરવી લીધું પરંતુ શૈલની મમ્મીએ ધીમેથી કહ્યું, “પડી ગયો છે અને વાગ્યું છે.”
“ઓહો! હારુ થઈ જાહે. કંઈ કામ હોય તો કે’જો. મું બો દા’ડાથી આંય જ છવ.”
આ લોકોએ તેને પૂછવાની પણ તસ્દી ન લીધી કે તમે કોણ છો અને તમારું કોણ દાખલ થયું છે? પેલી સ્ત્રી ચાલી ગઈ. દૂરથી પણ જાણે શૈલની ખૂબ ફિકર હોય તેમ જોતી રહી. કાકીનો ગુસ્સો વધતો જતો હતો. શૈલની મમ્મીને તેણે કહ્યું, “બસ આ લોકો રાહ જ જોતા હોય છે કે, તક મળી જાય તો ચોરીચપાટી કરી લે. સાચવતા રહેજો.”
શૈલની મમ્મીએ કહ્યું. “આપણે ક્યાં વધુ વખત રહેવું છે? એકવાર દાસકાકા તપાસી લે અને જરૂર હશે તો ખાનગી આધુનિક હોસ્પિટલમાં જતા રહીશું.”
“હાસ્તો, આવી જગ્યાએ મારા શૈલને રખાય કંઈ? અરે! ફર્સ્ટ ક્લાસ એસી રૂમમાં તેને રાખીશું ને હું રોજ પાયાનો સૂપ ને સલાડ ખવડાવીશ. શૈલ દોડતો થઈ જશે, જોજોને.”
શૈલની મમ્મી એના માથા પર હાથ ફેરવી રહી. હવે સમય જતો ન હતો. પંદર-વીસ મિનિટ થવા છતાં દાસકાકા આવ્યા ન હતા.
એમ્બ્યૂલન્સમાં કોઈ બીજું પેશન્ટ આવ્યું. એના હાથ પર કરંટ લાગ્યો હતો. ઇમર્જન્સીમાં જેટલી પ્રાયમરી ટ્રીટમેન્ટ અપાય તેટલી અપાઈ હતી. તાત્કાલિક ઓપરેશનના જ ડ્રેસમાં દાસકાકા આવ્યા. શૈલના પપ્પા સામે જવા ગયા. આંટી અને મમ્મીએ ઉતાવળ પણ કરી કે, અમે પહેલાં આવ્યાં છીએ પણ દાસકાકા પેલા ઇમર્જન્સીવાળા પેશન્ટ પાસે ગયા. શૈલના પપ્પાને ઓળખતા હતા એટલે તેમણે ઊંચો હાથ કરીને ‘આવું છું’ એમ ઈશારો કર્યો. પેલા પેશન્ટની ટ્રીટમેન્ટમાં બીજો અડધો કલાક ગયો. અહીં આ લોકો ખૂબ ઊંચાનીચા થતા હતા.
પેલી સ્ત્રી ફરીથી પૂછી પણ ગઈ કે પાણી વગેરે કંઈ જોઈએ છે કેમ? જેમ જેમ પેલી સ્ત્રી વધુ પૂછવા નજીક આવતી ગઈ તેમ તેમ આ લોકો ચિડાતા હતા. જરાક ઊંચા અવાજે શૈલના કાકાએ કહી દીધું, “બેન, અમારે કંઈ નથી જોઈતું. તમે ત્યાં બેસો.”
દાસકાકા આવ્યા. “કમ ઓન, યંગમેન! મેં તમારી હિસ્ટરી જોઈ લીધી. તમારા એક્ષ-રે નોર્મલ છે. લકી બોય, તું બચી ગયો છે અને હવે બાઈક ધીમે ચલાવજે. આ ઘસરકા તો જલદી મટી જશે પરંતુ પગમાં સોજો ઘણો છે. સારું છે કે ફેક્ચર નથી થયું. કમ સે કમ બેથી ત્રણ અઠવાડિયાં આ પાટો બાંધીને આરામ તો કરવો જ પડશે. દસ દિવસ પછી મને બતાવી જજો….”
ત્યાં વચ્ચે જ કાકી બોલ્યાં, “બતાવવા ક્યાં આવીએ?”
અનુભવી દાસકાકાએ કહ્યું, “તમારી મરજી હોય ત્યાં.”
અને તેને રજા આપી. દાસકાકાએ સૂચના આપતા કહ્યું, “એક પગે તું ચાલીને જઈ શકે છે. કાકા અને પપ્પાના ખભા પર હાથ મૂકીને ચાલ એટલે હું જોઈ પણ લઉં. ઘરમાં પણ વૉકરની મદદથી તું ફરજે. દસેક દિવસ પછી પગ મૂકાતો થઈ જશે. હમણાં એ પગ પર વજન ન આવે તેનું ધ્યાન રાખજે.”
દાસકાકા બીજા પેશન્ટ તરફ ફર્યા. ગાડી ઝાંપા પાસે ઊભી હતી. પરંતુ ત્યાં સુધી જવા તેણે જ્યાં ઈજા વગરનો પગ નીચે મૂક્યો કે તરત કાકી બોલ્યાં, “બેટા,એક પગમાં શૂઝ કે ચપ્પલ તો પહેર!”
શૈલ ભૂલી ગયો હતો કે ડિવાઈડર પાસે જ લોકોએ તેનો પગ જોવા બૂટ કાઢ્યાં હતાં પછી ક્યાં ગયાં તે ખબર જ નથી. ત્યાં પેલી સ્ત્રી દોડતી દોડતી આવી “બહેન, તમારી થેલી રૈ ગૈ.”
કાકી જે સૂપ ભરીને લાવ્યાં હતાં તે થેલી આપી. કાકીએ આભાર તો ન માન્યો જાણે એ જ ઉઠાવી ગઈ હોય એવા તિરસ્કારથી જોયું. એની પરવા કર્યા વિના પેલી સ્ત્રીએ નીચી નમીને શૈલને લગભગ એના માપની જ જમણા પગની ચપ્પલ ધરી. તે પહેરવા સિવાય એમની પાસે બીજો રસ્તો પણ ન હતો, કારણ કે હોસ્પીટલના પગથીયાથી ઝાંપા સુધીની ફર્સ તડકાને લીધે ગરમ હતી. ચપ્પલ પણ શૈલેને માપોમાપ આવી ગઈ. શૈલના પપ્પાએ પેલી સ્ત્રીને કહ્યું, “તમારો આભાર બહેન, ગાડીમાં બેસાડીને તમારી ચપ્પલ હમણાં પાછી આપું છું.”
પેલી સ્ત્રી માથે ઓઢીને ઠાવકાઈથી બોલી, “ના સાહેબ, જરૂર નૈ. માર છોકરાનો તો જમણો પગ જ તે કપાઈ ગ્યો સે. ઈને તો બે સપ્પલની હવે જરૂર નથી.”
યામિની વ્યાસ