Daily Archives: સપ્ટેમ્બર 18, 2022

ઓનાનિઝમ

ઓનાનિઝમ: જાતમહેનત જિંદાબાદ

‘ઇન્ડિયાટાઈમ્સ’નાં તાજેતરનાં એક લેખનું શીર્ષક છે: ‘બોસ ઓફ ધ યર? એક નોકરીદાતા એનાં નોકરિયાતોને ‘મૅસ્ટર્બેશન બ્રેક’ (હસ્તમૈથુન વિશ્રાંતિ) આપે છે.’ એકીપાણીનો બ્રેક હોય, લંચ કે ટી-કોફી બ્રેક હોય પણ…. કામકાજનાં સ્થળે હસ્તમૈથુન કરવા માટે રીસેસ? આ વળી નવું. વાત જાણે એમ છે કે આખો મે મહિનો દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય હસ્તમૈથુન મહિના તરીકે ઉજવાય છે. એની પાછળ પણ કારણ છે. અમેરિકન પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટને તેઓએ જ નીમેલાં સર્જન જનરલ ડો. જોસેલિન એલ્ડર્સને ૧૯૯૫નાં મે મહિનામાં નોકરીમાંથી કાઢી મૂક્યા. એનું કારણ એ કે તેઓએ વિદ્યાર્થીઓને હસ્તમૈથુન શીખડાવવાની વિવાદાસ્પદ હિમાયત કરી હતી. એનું કારણ એ કે હસ્તમૈથુન સૌથી સુરક્ષિત સેક્સ છે. ન ગર્ભ રહેવાનો ડર, ન જાતીય રોગનો ચેપ. અમને લાગે છે કે જોસેલિન મેડમને હોદ્દા પર ચાલુ રાખ્યા હોત તો ઠીક થાત. પણ તેઓ તો ગયા. અને પછી આપને યાદ હશે કે ક્લિન્ટન અને મોનિકાનું મુખમૈથુન પ્રકરણ ચગ્યું હતું. સેક્સ એજ્યુકેશન જરૂરી હતું, હેં ને? પણ એ જવા દો. સર્જન જનરલને મે મહિનામાં નોકરીમાંથી કાઢી મૂકાયા એટલે એનાં વિરોધમાં દર વર્ષે મે મહિનો હસ્તમૈથુન મહિનો ઉજવાય છે. હસ્તમૈથુનનું મહાત્મ્ય સમજાવાય છે. એમાં ય ૨૮ મે તો હસ્તમૈથુન દિવસ. આ દિવસ ટાંકીને એરિકાલસ્ટ પોર્ન ફિલ્મ્સનાં ડાયરેક્ટર એરિકાબે’ને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે તેઓનાં કર્મયોગીઓને તેઓ છેલ્લાં એક વર્ષથી રોજ અર્ધો કલાકનો ઑફિસયલ મૅસ્ટર્બેશન બ્રેક આપે છે. અને એ માટે પૂરતી સગવડતા ઉપલબ્ધ છે. સ્વયં-આનંદ કર્મથી કર્મયોગીઓને માનસિક ફાયદો થયો છે. એટલે જ લેખનું શીર્ષક ‘બોસ ઓફ ધ યર?’ છે. આજનો શબ્દ ઓનાનિઝમ મૅસ્ટર્બેશન શબ્દનો પર્યાય છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર મૅસ્ટર્બેશન (Masturbation) એટલે હસ્તમૈથુન, મુષ્ટિમૈથુન. ઓનાનિઝમ (Onanism) એટલે પણ એ જ.
આપણે મૂળ દંભી લોકો છીએ. સેકસનાં મૂળ શબ્દો બોલતા અચકાઈએ છીએ. એટલે એની જગ્યાએ દ્વિઅર્થી શબ્દો બોલીએ છીએ. આમ જુઓ તો અભદ્ર ન લાગે અને તેમ જુઓ તો.. સમજાઈ પણ જાય. દાખલા તરીકે ડીઆઇવ્હાય (DIY). એટલે ડૂ ઈટ યોરસેલ્ફ-નાં સંક્ષેપાક્ષર. આમ સમજાય કે જાત મહેનત જિંદાબાદ. સાથી હાથ બઢાના સાથી રે-ગાવાની જરૂર નઈં. એવો જ એક શબ્દસમૂહ ‘ચાર્મિંગ અ સ્નેઇક’- સર્પ પકડવો. અન્ય એક શબ્દસમૂહ ‘મેકિંગ ધ બાલ્ડ મેન ક્રાય’- ટાલિયાં ભાયડાને રોવડાવવો. અહીં ટાલિયો કોણ? દ્વિઅર્થી વિચારો તો સમજાઈ જાય. એક છે ‘ઊઝિંગ યોર નૂડલ્સ’. આ અઘરું. આમાં મૂળ મુહાવરો છે: ‘યુઝ યોર નૂડલ્સ’. એટલે મગજ વાપરો. મગજની અંદરનાં મસલ્સ આમ નૂડલ્સ જેવા લાગે, ખરું ને? ના, મુહાવરાનું મૂળ એ નથી. અહીં મૂળ શબ્દ છે નોડલ (Noddle); જેનો અર્થ છે માથાનો પાછળનો ભાગ. પછી તો રમૂજમાં અંદરનો ભાગ એટલે કે દિમાગ ‘નૂડલ્સ’ કહેવાયું. હાલની મિલેનિયલ્સ પેઢી નૂડલ્સનો અર્થ શિશ્ન કરે છે અને ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘ઊઝિંગ’ એટલે ગળવું, ઝરવું, ચૂવું. ઊઝિંગ યોર નૂડલ્સ. ઓહો! આ તો થયા પુરુષાતન હસ્તમૈથુનનાં શબ્દો પણ હસ્તમૈથુન પર માત્ર પુરુષોનો એકાધિકાર નથી. કરણ જોહરની વેબ સીરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ’ જોઈ છે? લગ્ન કર્યા હોય પણ પતિદેવ પત્નીને સેક્સસુખ આપવા અસમર્થ હોય તો? પત્નીનો હસ્તમૈથુનનો અધિકાર અધરવાઇઝ પણ અબાધિત છે. જો કે બોલચાલની ભાષાનાં દ્વિઅર્થી શબ્દો બદલાય છે. ‘બીઈંગ યોર ઓવ્ન બોસ’. તમે જ તમારા સાહેબ, લો બોલો! કોઈ ભાયડાનું કાંઈ ના આવે. હા હા! ‘ટચિંગ યોર લિપ ગ્લોસ’ એટલે હોંઠનાં ઉપલકિયાં ભપકાંને અડવું. એક શબ્દસમૂહ ‘મેકિંગ સૂપ’ પણ છે. સૂપ બનાવતી વેળા પરસેવો થઈ જાય એ પરથી આ મુહાવરો આવ્યો છે. આ તો શબ્દોની રમત છે પણ વાત એની એ જ. ટૂંકમાં, આપણે દંભી લોકો છીએ.
હવે આજનાં શબ્દનું મૂળ જોઈએ. બાઇબલનાં કથાનક અનુસાર ઈઝરાયેલની જનજાતિનાં વડા જુડાહે પોતાના મોટા પુત્ર એરનાં મૃત્યુ બાદ એનાં નાના પુત્ર ઓનાનને એની વિધવા ભાભી સાથે સૂવા સૂચના આપી, જેથી વારસ પેદા થઈ શકે. ત્યારે એવો કાયદો હતો. ઓનાન જાણતો હતો કે આ રીતે પુત્ર થશે તો એ એનો ગણાશે નહીં પણ રાજપાટ એ પુત્રને જ મળશે. પોતે રવડી જશે. એટલે ઓનાન એની ભાભી સાથે રતિક્રીડા તો કરતો હતો પણ પરાકાષ્ઠા વીર્યપાત જમીન પર કરતો. આ તો ગુનો કહેવાય. એટલે એને મૃત્યુદંડ મળ્યો હતો. વીર્યનો વેઇસ્ટ? એ તો કેમ ચાલે? શારીરિક સંબંધ માત્ર સંતતિ માટે જ હોય. અને આમ ઓનાનિઝમ શબ્દ યોનિ બહાર થયેલા વીર્યપાત અથવા હસ્તમૈથુન-નો પર્યાય બની ગયો. મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર ઓનાનિઝમ એટલે સ્વયં સંતુષ્ટિ. એમાં ‘ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનાનિઝમ’ (બૌદ્ધિક હસ્તમૈથુન!) શબ્દો પણ છે. આમ ડાહી ડાહી વાતો, મનમાં ને મનમાં સંતૃપ્ત થયાની લાગણી પણ પછી ન ગર્ભ રહે અને ન કશું જન્મે. સાવ અમથી ‘ને અમસ્તી હોંશિયારીની વાતો પણ પરિણામ શૂન્ય. આ તો બૌદ્ધિક હસ્તમૈથુન જ થયું ને, ભાઈ!
આ શબ્દસંહિતા છે, સ્વાસ્થ્યસંહિતા નથી એટલે અમે હસ્તમૈથુન કરવાની રીત કે એનાં લાભાલાભ વિષે ફોડ પાડીને કહેતા નથી. અમારા પાઠ્યક્રમ બહારની એ વાત છે. પણ હંગેરિયન અમેરિકન મનોચિકિત્સક થોમસ સાસ કહેતા કે હસ્તમૈથુન એ માનવજાતની પ્રાથમિક પ્રવૃત્તિ છે. ઓગણીસમી સદીમાં એ રોગ ગણાતો. વીસમી સદીમાં એ ઉપચાર ગણાય છે! હવે એકવીસમી સદી ચાલે છે. હસ્તમૈથુન માટે ખાસ સગવડતા કરી આપવાનાં સમાચાર છે. બળાત્કાર થાય કે અનિચ્છાનો સંભોગ થાય એનાં કરતા તો સૌ પોતપોતાની પ્રક્રિયા પોતે જ આટોપી લે તો એમાં વાંધો શું છે? કર લો દુનિયા મુઠ્ઠીમેં.. તો શું પબ્લિક ટોયલેટની જેમ ભવિષ્યમાં ચોરે ‘ને ચૌટે પબ્લિક ઓનાનિઝમ આઉટલેટ હશે? એરપોર્ટ કે રેલ્વે સ્ટેશન પર હસ્તમૈથુન પ્રસાધન ઘર-ની વ્યવસ્થા કરાશે? દરેક ઓફિસમાં ખાસ રીસેસ? કોઈ અરજદાર આવીને પૂછે કે ‘કર્મચારી ક્યાં ગયા?’ તો કે ‘મુષ્ટિમર્દન માટે ગયા છે, હમણાં જ આવશે.’ ઓગણીસમી સદીનાં રોગ, વીસમી સદીનાં ઉપચાર એવા ઓનાનિઝમને એકવીસમી સદીમાં શું ગણશું? વરદાન? જસ્ટ જોકિંગ! એમ આઈ?!


શબ્દ શેષ:
“શારીરિક સંબંધો બાંધતા લોકો બધા નહીં તો મોટા ભાગનાંને ખરેખર સંભોગ કરવાની ઈચ્છા હોતી નથી, એમને એ રતિક્ષણ, એ મદનલહરી મળી જાય એટલે બસ.” –દક્ષિણ આફ્રિકન વ્યંગલેખક મૉકૉકોમા મોકઓહોના પોતાના નિબંધ ‘ઓન મૅસ્ટર્બેશન- અ સટાયરિકલ એસે’માં

Leave a comment

Filed under Uncategorized