
– -પરેશ વ્યાસ
– જે કાંઈ પણ ખરાબ થયું છે તો તે હંગામી છે. તેનો આટલો હંગામો શા માટે? ફરીથી .. મેરા ટાઈમ આયેગા.
પ્રથમ સુનાવણી સજાની થઈ
તે પછી ઈબ્દિતા ગુનાની થઈ
એક ડોસાએ ફૂલ સૂંઘ્યું તો
એક ડોસીની માનહાની થઈ!
– ર. પા.
કો ઈ કાંઈ કરે કે કહે અને એટલે કોઈની માનહાનિ થાય. માનહાનિ એટલે? નામોશી, તિરસ્કાર, તુચ્છકાર. માનભંગ, અનાદર વગેરે. ઇંગ્લિશમાં એને હ્યુમિલિએશન (Humiliation) કહેવાય. ગુનાનો આરંભ તો તે પછી થયો પણ સજાનો સમારંભ તે પહેલાં જ યોજાઇ ગયો. વાહ ર. પા. એક રંગીન મિજાજ ડોસાનાં ફૂલને સૂંઘવાનાં અપકૃત્યનાં ફલસ્વરૂપ ડોસીની માનહાનિ થઈ ગઈ. લો બોલો! સમાચારમાં ‘હ્યુમિલિએશન’ શબ્દ આવતો રહે છે. કોઇની નામોશી થાય, માનભંગ થાય એ આપણને ગમે છે. આપણે મૂળમાં મનનાં બળેલાં લોકો છીએ. કોઈ લાગતું વળગતું ય ન હોય પણ તેમ છતાં .. જુઓને, પેલા અર્શદીપે પાકિસ્તાન સામેની મેચમાં લોલીપોપ જેવો કેચ છોડી દીધો એટલે લોકોએ એનું અપમાન થાય તેવું કેટકેટલુંકહ્યું. એટલે સુધી કે એ ખાલિસ્તાની છે, એવો આરોપ પણ મુકાયો. હિન્દુસ્તાન ટાઈમ્સનાં સમાચાર મુજબ પાકિસ્તાનનાં એક પૂર્વ ક્રિકેટરે પણ કહેવું પડયુંઃ સ્ટોપ હ્યુમિલિએટિંગ અર્શદીપ ફોર અ ડ્રોપ્ડ કેચ. આ શબ્દ ટાઈમ્સ નાઉનાં એક સમાચારમાં પણ તાજેતરમાં વાંચવા મળ્યો. એક છોકરો એક છોકરીને પ્રેમ કરે. નવ નવ વર્ષ તેઓ મળતા રહ્યા, હળતા રહ્યા પણ આખા આ આયખાનું શું?- એ સવાલનો જવાબ એને છેક નવમે વર્ષે મળ્યો. એનું બ્રેક-અપ થૈ ગ્યું. કારણ કે છોકરી એને ચીટ કરી રહી હતી. એક અન્ય સાથે એનું પહેલેથી જ લફરું હતું. છોકરાને લાગ્યું કે ચાલો-. , એમ તો એમ. તુમ કિસી ગૈરકો ચાહોગી તો ભી મુશ્કિલ ન હોગી. ભ્રમર વૃત્તિથી પીડાતી છોકરી હોય. ઠીક છે. પણ પછી એ છોકરીએ એનાં નવા બોયફ્રેન્ડને મોટરકાર ચલાવવા આપી, એ કાર જે જૂના બોયફ્રેન્ડે એને ગિફ્ટમાં આપી હતી. હવે એ મૂળ ભાયડાની માનહાનિ થઈ. પૂર્વ પ્રેમિકા કોઈ અન્ય જણ સાથે ચાલૂ થઈ જાય તેનો વાંધો નથી પણ મારી દીધેલી કારને પણ એને ચલાવા આપે? એ તો ન જ ચાલે. હવે એ ભાયડાને એની પ્રેમિકાને ભૂતકાળમાં દીધેલી બધી જ ગિફ્ટ્સ પાછી જોઈએ છે! કારણ કે ‘મેન ફીલ્સ હ્યુમિલિએટેડ’. સમાચારનું શીર્ષક હતું એ.
હ્યુમિલિએશનમાં મૂળ લેટિન શબ્દ છે હ્યુમસ. અર્થ થાય જમીન. એવું જે જમીન સાથે જોડાયેલું હોય. સ્થિતિ, પરિસ્થિતિ, પ્રકાર કે માત્રામાં જે જમીનની નજીક એટલે કે નીચે હોય તે. હ્યુમસ પરથી એક અન્ય શબ્દ હ્યુમિલિટી (Humility) પણ છે. અર્થ થાય નમ્રતા. નમ્રતા સારી વાત છે. લેખક સી. ડબ્લ્યૂ. લૂઇસ કહે છે કે નમ્રતા એટલે પોતાના વિષે નબળું વિચારવું- એવો અર્થ નથી. અર્થ છે પોતાનાં વિષે ઓછું વિચારવું. હ્યુમિલિએશનને ‘ઍબસમેન્ટ ઓફ પ્રાઈડ’ કહે છે. ‘ઍબસમેન્ટ’ (Abasement) એટલે નીચે ઉતારવું, હલકું પાડવું, અપમાનિત કરવું, માનભંગ, વગોવણી. અને ‘પ્રાઈડ’ તો આપણી જાણીએ છીએ. ગર્વ, સ્વમાન, ખમીર. હ્યુમિલિએશન એક લાગણીનું નામ છે જે અપમાનિત થયેલી વ્યક્તિ અનુભવે છે. કોઈ કાંઈ કરે કે કહે જેનાથી આપણે નીચાજોણું થાય. ક્યારેક પોતાની જ કોઈ ભૂલ એવી થાય કે પોતે જાતે અવમાન અનુભવીએ. કોઈ ધાકધમકી અથવા તો શારીરિક કે માનસિક દુર્વ્યવહાર પણ હોય. આપણે એવું કરી બેસીએ કે જે સમાજ દ્વારા સ્વીકૃત ન હોય. અથવા તો ગેરકાયદેસર હોય. એટલું નક્કી કે હ્યુમિલિએશનમાં અન્યની સીધી કે આડકતરી સંડોવણી જરૂર હોય છે.
હ્યુમિલિએશન જો વધારે પડતું થઈ જાય તો તે વ્યક્તિ ગંભીર માનસિક ઉદાસીનાં રોગનો ભોગ બને. ક્યારેક આપઘાત પણ કરવા પ્રેરાય. હું જે છું એનાથી હું નીચે ઉતરી જાઉં. નોકરી છૂટી જાય, લોકો ઠેકડી ઊડાડે, ખોટી ખોટી વાત ફેલાવે.. ખોટ્ટો માણસ, જૂઠ્ઠો માણસ, લુચ્ચો માણસ વગેરે વગેરે. હકીકતમાં હું સાવ સીધો છું. કુછ તો લોગ કહેંગે ત્યાં સુધી તો જાણે ઠીક પણ અહીં લોગ બહોત કુછ કહી નાંખે. અને વાત વાઇરલ થઈ જાય. અને વાઇરલ ઇન્ફેકશનની કોઈ દવા હોતી નથી.
પબ્લિક હ્યુમિલિએશન તો વળી એક અલગ જ અવમાન છે. પ્રાચીન રોમન કાળમાં મૃત્યુદંડ ઉપરાંત જાહેર માનભંગની પણ વ્યવસ્થા હતી. સજા પામેલા માણસને નગ્ન કરીને વધસ્તંભ પર ચઢાવે ત્યારે વિકૃત રીતે રીબામણી કરે. મરી જાય એટલે લાશને દિવસો સુધી લટકાવી રાખે, કાગડાઓ એને દિવસો સુધી ચૂંથે. પોસ્ટ-મોર્ટમ પબ્લિક હ્યુમિલિએશન, યૂ સી.. ગધેડા ઉપર ઊલટા બેસાડીને જાહેરમાં ફેરવે એ પણ પબ્લિક હ્યુમિલિએશન થયું. માથાનાં વાળ મૂંડી નાંખે, નાગા કરીને દોડાવે, કૂકડાં બનાવે, દેડકાંની ચાલે દોડાવે આ સઘળું પબ્લિક હ્યુમિલિએશન થયું.
ગાલિબ સાહેબનાં મતે હ્યુમિલિએશન તો ઇડન ગાર્ડનમાં સૃષ્ટિનાં આદિ પુરુષ આદમનું થયેલું. પેલું પ્રતિબંધિત સફરજન ખાઈ બેઠો, ઇવ સાથે ન કરવાનું કરી બેઠો અને એટલે સ્વર્ગમાંથી એને હ્યુમિલિટ કરીને કાઢી મૂકાયો. એ તો જાણે સમજ્યા પણ પછી આજે તારા ઘરમાંથી જે રીતે મને કાઢી મૂકાયો- બડે બેઆબરૂ હોકર તેરે કૂચે સે હમ નીકલે- સાલું ઈ તો ઇનાથી ય જોરદાર હ્યુમિલિએશન થિયું, હેં ને?
કોઈ રસ્તો છે? સાઈકોલોજીસ્ટ રોબર્ટ સ્ટનબર્ગનાં હ્યુમિલિએશન મટાડવાનાં આસાન નૂસખા સમજાવે છે. કહે છે કે તમે એકલા આવા નથી. અન્ય પણ છે જેને આ જ રીતે અપમાનિત કરવામાં આવ્યા છે. એને મળો. વાત કરો. અને હા, જે કાંઈ પણ ખરાબ થયું છે
તો તે હંગામી છે. તેનો આટલો હંગામો શા માટે? ફરીથી .. મેરા ટાઈમ આયેગા. અને ઘણી વાર હ્યુમિલિએશન જનરલ હોય છે. સ્પેસિફિક તમારું જ છે, એવું નથી. પણ તમે ધારીને બેઠાં છો કે આ તો મને જ નીચા ઉતારવાની કોશિશ છે. ઓમ ઇગ્નોરાય નમઃ- મંત્રનો જાપ કરવો. હવે આગળ. આવી કટોકટીની ઘડીમાં પોતાની જાતને તેમજ અન્યને કહેવું કે તમે હજી ઠીકઠાક જ છો. જીવો છો, નેસ્તનાબૂદ થયા નથી. અને કટોકટી તો એક તક છે ફરી પાછા આગળ વધવાની. જો તમે સામો હૂમલો કરવા વિચારતા હો તો બધો વિચાર કરજો. ક્યાંક જે છે એ ય લૂંટાઈ ન જાય. અમે તો માનીએ છીએ કે જો એમ નક્કી કરી લઈએ કે મારે હ્યુમિલિએટ થાવું નથી તો કોઈનાં બાપની તાકાત નથી કે મને હ્યુમિલિએટ કરી શકે. હેં ને?
શબ્દ શેષ :
‘રીબામણી એ રીબામણી છે અને અવમાન એ અવમાન છે માત્ર ત્યારે જ જ્યારે તમે પીડાને સહન કરવાનું પસંદ કરો.’ -અમેરિકન ફ્રી લાન્સ જર્નાલિસ્ટ અને લેખક ચક પેલ્હાનૂક
અમે તો માનીએ છીએ કે જો એમ નક્કી કરી લઈએ કે મારે હ્યુમિલિએટ થાવું નથી તો કોઈનાં બાપની તાકાત નથી કે મને હ્યુમિલિએટ કરી શકે. હેં ને?
આ સમાપન બહુ ગમ્યું .
જ્યારે તમે પીડાને સહન કરવાનું પસંદ કરો.’