પોકર ફેઇસ/ Paresh Vyas


*પોકર ફેઇસ: અભિવ્યક્તિ શૂન્ય ચહેરો*

કોઈ ચ્હેરો સાવ ઢીલો, કોઈ તોરીલો હતો, ભીંત જેવો એક તો બીજો વળી ખીલો હતો. – હર્ષદ ચંદારાણા

માણસનો ચહેરો ય ન વાંચી શકું એટલો અભણ તો હું નથી. મોઢું પડી જાય કે

મોઢું ચઢી જાય, હું વાંચી શકું છું. ચહેરો લખ લખ થતો હોય એનો આંતરભાવ

હું કળી શકું છું. કોઈનું ખોટું ખોટું હસવું ય મને ભલીભાંતિ સમજાય છે. કૈફી

આઝમી લખી ગયા હતા કે તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ

જિસકો છીપા રહે હો. ચહેરો હસતો હોય તો પણ દર્દની રેખા દેખાઈ આવે.

રાજીપો અને નારાજગી બંને છતી થઈ જતાં ખાસ વાર લાગતી નથી. અને

સામેવાળાનો ગુસ્સો સાચો છે કે અમથો અમથો?- એ ય ખબર પડતાં વાર

લાગતી નથી. અને પ્રેમ.. પ્રેમ ચહેરો તો શું આખા ય આયખામાંથી પ્રગટ થતો

રહે છે. ઈશ્ક ઔર મુશ્ક છૂપાયે નહીં છૂપતે. પ્રેમ અને કસ્તૂરીની સુગંધ પરખાઈ

જાય. હૈયે હોય એ હોંઠે આવે પણ હોંઠનો અહીં એક્સક્લુઝિવ કૉપીરાઇટ નથી.

હૈયાની વાતનાં ઘોડાપૂર આખા ચહેરા પર ફરી વળતાં હોય છે. હોંઠ બોલે તો

જ સમજાય, એવું નથી. અને માણસનો ચહેરો ય ન વાંચી શકું એટલો અભણ

તો હું નથી.

પણ કોઈ ચહેરા એવા ય હોય છે જે વાંચી શકાતા નથી, કળી શકાતા નથી,

સમજાતા નથી. ટોટલી બ્લેન્ક. અભિવ્યક્તિશૂન્ય ચહેરા. સમાચાર છે કે માધુરી

દીક્ષિત અભિનિત ‘મજા મા’ મૂવીનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ

સાથે જોડાયેલાં ઘણાં લોકો ફિલ્મ જોવા આવ્યા. અંદર દાખલ થતી વખતે

ફોટોગ્રાફર્સ એનાં ફોટા લેતા હતા. ઇબ્ન-એ- શાહરુખ ઉર્ફે આર્યન ખાન

આવ્યો ત્યારે ફોટોગ્રાફર્સ બોલ્યા: ‘ભાઈ ભાઈ ભાઈ વેઇટ’ પણ એ રોકાયો

નહીં. ફોટોગ્રાફર્સને કોઈ પોઝ આપ્યો નહીં. બસ સિગ્નેચર પોકર ફેઇસ સોતો

કેમેરા તરફ જોતો રહ્યો. ન હયસો, ન રોયો, મારો રોયો! ‘સિગ્નેચર’ શબ્દ તો

આપણે જાણીએ છીએ. સિગ્નેચર એટલે વ્યક્તિની ઓળખાણ. હસ્તાક્ષર. કોઈ

કાયમ હસતું રહેતું હોય કે કોઈ હંમેશા ટેન્સનમાં જ હોય તો એ એનાં સિગ્નેચર

હાવભાવ કહેવાય, એની ઓળખાણ. પણ કોઈ પોતાના ચહેરા ઉપર કોઈ ભાવ

જ ન લાવે, ચહેરો સાવ ખાલીખમ્મ. ઇંગ્લિશમાં એને સિગ્નેચર પોકર ફેઇસ

(Poker Face) કહેવાય. આર્યનનો કોઈ પણ ફોટો તમે જોજો. જૂજ અપવાદ

સિવાય તમામ ફોટામાં એનો ચહેરો તમે વાંચી જ ન શકો. એ તમને કશું જ ન

કહે. પણ આવા રિક્ત ચહેરાને પોકર ફેઇસ કેમ કહે છે?

પોકર એટલે ધાતુનો હાથાવાળો સળિયો જે આગને સંકોરવા કે વધારે

સળગાવવા વપરાય છે. અહીં જો કે એ અર્થ પ્રસ્તુત નથી. અહીં પોકરનો અર્થ

છે ગંજીફાની રમત. પોકર શબ્દ અમેરિકન છે, જેનું મૂળ સ્પષ્ટ નથી પણ એવી

જ પત્તાથી રમવાની જુગારની રમત માટે જર્મન શબ્દ છે ‘પોચ્સપાઇલ’, જે

‘પોચન’ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ડીંગ મારવી, શેખી કરવી,

દમદાટી દેવી કે પોકળ ધમકી દેવી. પોકર એવો ગંજીફાનો જુગાર છે, જેમાં

ફાંકો મારવો અગત્યનો છે. પોકર બે કે બેથી વધારે માણસો રમી શકે છે.

આપણી ‘તીન પત્તી’ એ પોકરનું જ એશિયન વર્ઝન છે. સામાવાળા પાસે કેવા

પત્તા છે અને સરખાણીમાં તમારી પાસે શું છે?-એની ઉપર બોલી બોલાય.

શરૂઆતમાં બ્લાઇન્ડ રમાય પછી પત્તા જોઈને રમાય. જેની પાસે વધારે વેલ્યૂ

ધરાવતા પાનાં હોય તે જીતે. પોકરમાં સારો ખેલાડી એ કે જે સારું પાનું આવે

કે નબળું પણ ચહેરા પર કોઈ હાવભાવ લાવે જ નહીં. ચહેરો વાંચીને કોઈ

ધારણા ન બાંધી શકે કે એક્કો આવ્યો હશે કે દૂરી. આ પોકર ફેસ. અગમ્ય, ગૂઢ,

રહસ્યમય, અસ્પષ્ટ, ગહન, અગાધ ચહેરો.

પોકર ફેઇસ શબ્દ શકુનિનાં ભાણિયાંઓ માટે જ છે, એવું નથી. રીઅલ

લાઈફમાં ઘણાં એવા હોય છે જે ખુદની લાગણીઓ ચહેરા પર આવવા દેતા

નથી. એ બધા પોકર ફેઇસવાળા લોકો છે. સારા ય હોય અને ખરાબ પણ હોય

પણ એટલું નક્કી કે સામાવાળાને કશી ય ખબર ન પડે આ વ્યક્તિનાં મનમાં શું

છે. ચહેરો આમ તો ખૂલી કિતાબ છે, શરૂઆત ગમે ત્યાંથી કરો પણ મારો

ચહેરો વાંચો તો મને ચોક્કસ ઓળખી શકશો.પણ પોકર ફેઇસ બંધ તિજોરી

છે. તમને અંદાજ પણ ન આવે કે મારા મનમાં શું છે? પોકર ફેઇસ એ

માણસનાં સારા કે નરસાપણાંનો માપદંડ નથી. બસ એટલું જ છે કે પોકર

ચહેરા ઉપર કશું ય વાંચી શકાતું નથી.

પોકર ફેઇસ હોવો એ વરદાન પણ છે અને શ્રાપ પણ. હું મારી લાગણીઓને

છૂપાવી શકું, જો છૂપાવવા ચાહું તો. બધા એવું કરી શકતા નથી. પણ એ પણ

છે કે જો હું મનની વાત કહેવા ઈચ્છું તો સામેવાળા માને નહીં કારણ કે મારો

ચહેરો તો કાંઈ બોલતો જ નથી. મારા શબ્દો પછી લોકોને બોદા લાગે. હું

ચિંતામાં હોઉં કે ગુસ્સામાં પણ હું લોકોને કહી ન શકું. હા, હું જૂઠું બોલું અને

છટકી શકું એ ખરું પણ… હું જ્યારે પોકર ફેઇસ રાખીને કોઈનાં વખાણ કરું

તો સામેવાળો વિચાર કરે કે આ સાવ ખોટેખોટાં વખાણ છે. મારો ફેઇસ પોકર

ફેઇસ હોય તો લોકો આસાનીથી એવું માની લેશે હું આત્મવિશ્વાસથી ભરપૂર

છું, આત્મનિર્ભર છું, સ્થિતિ મારા પૂર્ણ નિયંત્રણમાં છે; જ્યારે સ્થિતિ એનાથી

સાવ ઊલટી ય હોય. જે લોકો મને ઓળખતા નથી એને લાગે કે હું અતડો છું.

હું મારી લાગણી વ્યક્ત ન કરી શકું તો એ ય સારી વાત નથી. ચહેરો પોકર હોય

તો લોકોને લાગે કે આ જણ ભારે ભેદી છે, એનો ભરોસો ન કરાય, છેતરી જાય.

પોકર ફેઇસ અંગેનું એક સંશોધન કહે છે કે પુરુષ અને સ્ત્રીનાં પોકરપણાંમાં

ભેદ છે. પુરુષ જો પોકર ફેઇસ હોય તો સ્ત્રી કન્ફ્યુઝ થઈ જાય છે. પુરુષનો

પોકર ફેઇસ સ્ત્રીને મુદ્દલ ગમતો નથી. એનાથી ઊલટું સ્ત્રીનો પોકર ફેઇસ એક

રસિક કોયડો છે, જેને ઉકેલવા પુરુષ મથામણ કરતો ફરે છે. મથામણ પુરુષને

ગમતી વાત છે, જ્યારે એ કોઈ સ્ત્રી વિષે હોય ત્યારે..

શબ્દ શેષ:

“પુરુષનો ચહેરો એની આત્મકથા છે; સ્ત્રીનો ચહેરો કાલ્પનિક કથા.” –ઓસ્કાર

વાઇલ્ડ

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.