પર્માક્રાઇસિસ: એક સાંધે તો તેરસો તૂટે..

रंज से ख़ूगर हुआ इंसाँ तो मिट जाता है रंज मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसाँ हो गईं -मिर्ज़ा ग़ालिब
૨૦૨૨ વર્ષ પતવાને હજી 28 દિવસ બાકી છે અને ત્યાં તો વર્ષનો સરતાજ શબ્દ જાહેર પણ થઈ ગયો. બ્રિટિશ ડિક્સનરી કોલિન્સને લાગ્યું કે વર્ષ આખું દેશમાં બસ ક્રાઇસિસ જ ક્રાઇસિસ રહી. લોકોને ક્યાંય સખ ન રહ્યું. કોવિડ કાળનાં ખપ્પરમાં ઘણાં હોમાયા. સાથે ભયંકર આર્થિક કટોકટી કે જેમાં ફુગાવો ફાલ્યો ફૂલ્યો. આમ બ્રિટિશરનાં બે છેડા ભેગા ન થાય તેવી સ્થિતિ અને એમાં માથે યુદ્ધ જેનાથી આમ સાવ સીધું નહીં પણ આડકતરું ઘણું ઘણું નુકસાન. અને ઉપરાંત ગત ઉનાળાનો રેકોર્ડબ્રેક હીટ વેવ. આવી ગરમી તો બાપજન્મારામાં દીઠી નથી. કેવી મુશ્કેલી. કહે છે કે ખરાબ સમય પછી સારો સમય પણ આવે, સ્થિતિ સુધરે પણ…. અહીં એક પછી એક વિકટ સ્થિતિ આવતી જ જાય અને વિકેટ પડતી જ જાય અને.. લાગે કે ક્રાઇસિસ તો જાણે કાયમી છે. અરે! ગ્રેટ બ્રિટન જેવાં ગ્રેટ દેશનાં પ્રધાનમંત્રીએ પણ ૪૫ દિવસમાં ક્રાઇસિસ મેનેજમેન્ટમાં નિષ્ફળ જવાથી રાજીનામું ધરી દેવું પડે. જોઈએ હવે ભારતીય મૂળનાં ઋષિ શું કાંદો કાઢે છે? (કાંદો કાઢવો એટલે સહેલાઈથી કામ પાર પાડવું, ફળ પ્રાપ્ત કરવું). અને એટલે કોલિન્સ ડિક્સનરીનો વોટી (WOTY) ઉર્ફે વર્ડ ઓફ ધ યર બન્યો: પર્માક્રાઇસિસ (Permacrisis).
ના, આ શબ્દ ગુજરાતી લેક્સિકનમાં નથી. પણ આપણે એને સમજવાની કોશિશ કરીએ. અહીં બે શબ્દોનું જોડાણ છે. એક છે પર્મેનન્ટ (Permanent) અને બીજો શબ્દ છે ક્રાઇસિસ (Crisis). ગુજરાતી લેક્સિકન અનુસાર ‘પર્મેનન્ટ’ એટલે ટકાઉ, કાયમી, શાશ્વત, સ્થાયી, સનાતન. અને ‘ક્રાઇસિસ’ એટલે સંક્રમણકાળ, ભારે સંકટનો સમય, કટોકટી કે ઊથલપાથલ, જીવન ઇ.માં અણીનો સમય કે નિર્ણાયાત્મક ઘડી, આર્થિક ઉત્પાત, સાર્વત્રિક મંદી વગેરે. જાણે આપણે તો ક્રાઇસિસથી ટેવાઇ ગયા. અંતહીન ઉથલપાથલ. મિર્ઝા ગાલિબનાં મતે સંકટથી જો ખૂગર થઈ જઈએ, ટેવાઇ જઈએ તો પછી સઘળું આસાન થઈ જાય. પણ આપણે તો જાણીએ કે કવિતામાં આવી વાત સારી લાગે. આપણી પર આવી પડે ત્યારે ટેવાઈએ એ પહેલાં તૂટી પડીએ. એક સાંધે તો તેર તૂટે ત્યાં સુધી જાણે વાંધો નથી પણ અહીં તો તેર, ‘ને પછી છવ્વીસ, ‘ને પછી બાવન અને..કોઈ અંત આવે જ નહીં. છપ્પનની છાતી ય સંકોચાઈને સરોડું થઈ જાય એ પર્માક્રાઇસિસ.
ક્રાઇસિસ મૂળ તો મેડિકલ મૂળનો શબ્દ છે. ગ્રીક ફિજિશ્યન હિપ્પોક્રેટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હા, આ એ જ ડૉક્ટર છે જેઓનાં નામે આજે પણ મેડિકલનું ભણીને, ડૉક્ટર બનીને લોકોની સારવાર નીતિમત્તાથી કરવાનાં શપથ દરેક ડૉક્ટર લે છે. ગ્રીક શબ્દ ક્રાઇસિસ (Krisis) એટલે દર્દીની સારવારનાં એવા સમય કે સંજોગ કે જે ટર્નિંગ પોઈન્ટ બની ગયા હોય. એમ કે દર્દી જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હોય. કાંઈ પણ થઈ શકે. બચી ય જાય કે એનું રામનામ સત્ય ય થઈ જાય- આ સ્થિતિ તે ક્રાઇસિસ. પણ આવી સ્થિતિ નોન-મેડિકલ વિષયમાં પણ આવી શકે. પૈસા કે પ્રેમ, નોકરી કે ધંધો, રાજકારણ કે વહીવટ, ધર્મ કે સંપ્રદાય બધે જ. નીતિમત્તાની પણ એક ક્રાઇસિસ હોય છે. અને પ્રજા.. અરે ભાઈ.. આપણી તો હયાતી જ ઝૂલતાં પૂલ જેવી છે. તૂટી પડીએ ત્યારે જે થાય તે ક્રાઇસિસ. ક્રાઇસિસ અનેક હોય છે. પર્મેનન્ટ શબ્દ મૂળ લેટિન શબ્દ પર્મેનન્ટમ એટલે જે છેલ્લે પણ રહી ગયું તે. અંત નથી, કાયમી આપણી કને જ છે તે. ‘પર’ એટલે આગળ કે આરંભથી અંત સુધી અને ‘મેનર’ એટલે રહેવું તે. પર્માક્રાઇસિસ એટલે શાશ્વત સંકટ, ટકાઉ કટોકટી, મુસલસલ ઊથલપાથલ..
કોઈ પણ ડિક્સનરી જ્યારે વર્ડ ઓફ ધ યર જાહેર કરે તે પહેલાં આખું વર્ષ સોશિયલ મીડિયા સહિત સમગ્ર મીડિયામાં વારંવાર વપરાતા શબ્દોનો વિગતવાર અભ્યાસ કરે છે. દેખીતી રીતે ક્રાઇસિસ શબ્દ કાયમ ચર્ચામાં રહ્યો. નિરાંતનો શ્વાસ ય ન લેવા દીધો. કોલિન્સનાં રીસર્ચર હેલન ન્યૂઝટીડ કહે છે ક્રાઇસિસ શબ્દ આખું વર્ષ પડઘાતો રહ્યો દરેક વાતચીતમાં, સંદેશા વ્યવહારમાં. અને એટલે એ બન્યો સરતાજ શબ્દ આખા વર્ષનો. અસ્થિરતા અને અસુરક્ષાનો અનંત કાળ. પ્રકાશનું કોઈ કિરણ ક્યાંય દેખાય છે ખરું?
બ્રિટિશર્સ માટે નવું હશે, આપણે માટે ઊથલપાથલ નવી નથી. ક્યાંક કશુંક તો ચાલ્યા જ કરે છે. આપણે હોંશિયાર છીએ. મુખ્ય કટોકટીની ચર્ચા કોઈ કરતું જ નથી. રાજકારણીઓ અતીતનો કાદવ ઊછાળીને તાંડવ કરતા ફરે છે. ગાલિબનાં શબ્દોનાં આપણે હેવાયા થઈ ગયા છીએ. મુશ્કેલીઓ પડે છે. માણસો મરે છે. ક્યારેક આખેઆખા તો ક્યારેક કટકે કટકે. રોજ થોડું થોડું મરવું પડે એને પર્માક્રાઇસિસ કહેવાય? આપણે તો ક્રાઇસિસની વ્યાખ્યા જ બદલી નાંખીએ છીએ. આફત ક્યારેય કુદરતી હોતી નથી. પણ આપણને ‘એક્ટ ઓફ ગોડ’નું રૂપકડું કારણ સદીઓથી સદી ગયું છે. પ્રભુને ગમ્યું તે ખરું! આપણી યાદદાસ્ત પણ ટૂંકી છે. આપણને ભૂલી જવાની અસાધ્ય બીમારી છે. સમાજનાં ડાહ્યા લોકો પોઝિટીવીટીની વાતોમાં આપણને લપેટે છે. આપણે તેઓની વાતમાં વટલાઈ જઈએ છીએ. આપણે બોલી શકવાની ક્ષમતા ગુમાવી બેઠાં છીએ. કાયદો કમળતંતુ જેવો મૌન છે. સ્થિતિ સુધરતા શું વરસોનાં વરસ લાગે? અમોને એક કાર્ટૂન નજરે ચઢ્યું. એક ભાઈ બીજાને કહેતો હતો કે બસ આ પર્માક્રાઇસિસ પતે એની રાહ જોવું છું. પણ આ ક્રાઇસિસ પર્મા છે, કાયમી છે, એ ક્યાંથી પતે?!!! કહે છે કે ક્રાઇસિસ એક તક છે કાયાકલ્પની, આગળ જવાની પણ.. એક ક્રાઇસિસ જાય ‘ને બીજી આવતી જ રહે તો કોઈ પણ નવનિર્માણની તક ક્યાંથી આવે? કોઈએ કહ્યું છે કે ક્રાઇસિસ ત્યારે કહેવાય જ્યારે તમે એવું ન કહી શકો કે ‘ચાલો, બધું ભૂલી જઈએ’. અમે માનીએ છીએ કે પર્માક્રાઇસિસ ત્યારે કહેવાય જ્યારે તમે કહી શકો કે ચાલો બધું ભૂલી જઈએ. કારણ કે કોઈ છૂટકા જ નહીં હૈ. અને એ સાંત્વન કે આ શ્વાસ જેવાં શ્વાસ અત્યારે ચાલે છે એ ઘણું છે. આપણે સરખામણીથી રાજી થઈ જઈએ છીએ. પર્માક્રાઇસિસથી બ્રિટિશ લોકો પણ પરેશાન છે. પર્માક્રાઇસિસ વિશ્વવ્યાપી હોય એટલે આપણે ભારતવાસીઓ આપણી ક્રાઇસિસને, આપણી ભૂલને ભૂલી જઈએ છીએ. કાગડાં બધે જ કાળાં છે એ શોકગ્રસ્ત મનનો સધિયારો છે. પર્માક્રાઇસિસથી આપણે હેવાયા થઈ ગયા છીએ. હવે બધું આસાન છે. અને આપણે કામચલાઉ જીવી જવાનું છે. સાલી, ગજબની ગોથું ખવરાવતી ફિલસૂફી છે આ. હેં ને?
શબ્દશેષ:
અજ્ઞાનની ક્રાઇસિસ પર્માક્રાઇસિસ છે.