Daily Archives: ડિસેમ્બર 5, 2022

સ્વેઅર વર્ડ્સ: #&@^$%!*પરેશ વ્યાસ

સ્વેઅર વર્ડ્સ: #&@^$%!*

Square word સ્વેઅર વર્ડ્સ: #&@^$%!* હાથના હલ્લેસાથી જીવતર હંકારે ને આંખ્યુંમાં દરિયાને પાળે;ખારવાની ફૂગ્ગીનો કેફ બધો ઉતારે એક જ તે તસતસતી ગાળે;ખારવણ ઘૂઘવાતું સપનું ને ખારવાની નજરું પર બાઝેલી છારી છારી.ખારવણ ખારી ખારી.-વિમલ અગ્રાવતફૂગ્ગી એટલે દારૂની કોથળી. કાવ્યનાયિકાનાં મુખે બોલાતી ગાળ અહીં યોગ્ય અને જાયજ છે. ગાળ બોલવી અહીં ઇષ્ટતમ છે. કોઈ વિકલ્પ છે જ નહીં. ખારવો એમ કોઈ અન્ય વાતે સમજે એમ જ નથી. સ્વેઅર વર્ડ્સ (Swear Words) એટલે અપશબ્દો, ગાળનાં શબ્દો, ભૂંડા શબ્દો, શાપ આપવો તે. તાજા સમાચાર છે કે ઈંગ્લેન્ડની કીલ યુનિવર્સિટીનાં લેક્ચરર અને સાયકોલોજિસ્ટ રીચાર્ડ સ્ટીફન સ્વેઅર વર્ડ્સ ઉર્ફે અપશબ્દોનાં મનોવિજ્ઞાન ઉપર સંશોધન કરી રહ્યા છે. (કેવા કેવા વિષયો પર સંશોધન થાય છે?!!) તેઓ માને છે કે અપશબ્દોનાં ફાયદા અનેક છે. જ્યારે કડકડતી ઠંડીમાં ઠંડા પાણીથી નાહવાનું ટાણું આવે ત્યારે જોરથી જોરથી ગાળો બોલવી. આપણી સહનશક્તિ વધી જાય. લો બોલો! નિષ્ફળતા કે હતાશા હોય તો ય ગાળો બોલવી. સઘળું આસાન થઈ જશે. ગાળો બોલવાથી નિકટતા વધે છે. આપણે સામાજિક પ્રાણી છીએ. આપણા ટોળાં, આપણો સમૂહ, આપણો સમાજ, આપણી ક્લબ, આપણી ટીમ વગેરે તો હોવાના જ. અરે! કોઈ વોટ્સ એપ ગૃપ તો હોય જ ને?! હવે એમાં, ખાસ કરીને સંજોગ પ્રતિકૂળ હોય ત્યારે, કોઈ બહારનો જણ આદું ખાઈને આપણી પાછળ પડી ગયો હોય ત્યારે એને ગાળ દેવાથી આપણાં ગૃપમાં ઐક્યભાવ જાગે છે. સ્વેઅર વર્ડ્સ ખરેખર આપસમાં વિશ્વાસ ભાવ જગાડે છે. આપણે કોઈ સુધરેલા લોકોનાં સાનિધ્યમાં વાણી વિલાસ કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે આપણી કેટકેટલી આંતરિક બરછટ લાગણીઓને દબાવી દેવી પડે છે. ગાળને ગળણીથી ગાળીને શુદ્ધ વાણી વદવી પડે છે. શુદ્ધ વાણી સત્ય હોય- એ જરૂરી નથી. પણ માની લો કે મને કોઈ ફિલ્ટર નથી. તો જે વાત છે એ સીધી દિલમાંથી આવે છે. ગાળ એમ દિલમાંથી આવે છે. દિલની વાત છે એટલે બધાને લાગે કે હું સાચો છું. હું ભરોસાપાત્ર છું. સ્વેઅર વર્ડ્સમાં દર્દશામક ગુણ પણ ભારોભાર છે. ગુજ્જુભાઇ નાટ્ય શૃંખલામાં સિદ્ધાર્થ રાંદેરિયા ‘એની માને’ સ્વેઅર વર્ડ વારંવાર વાપરે છે. આપણે હસીએ છીએ. પણ એ સિદ્ધ થયેલી વાત છે કે સિદ્ધાર્થભાઈ ‘એની માને……’- એવા બે શબ્દો બાદ એક ત્રીજા (અપ)શબ્દનું ઉમેરણ કરીને સ્પષ્ટ બોલતા હોત તો એની અસર ‘એની માને’ કરતા પણ વધારે થાત અને પ્રેક્ષકો વધારે ખડખડાટ હસતાં હોત. કારણ કે સ્વેઅર વર્ડ્સ જેટલાં સ્પષ્ટ, જેટલાં મજબૂત એટલી એની અસર જોરદાર. ઓહો! પણ હા, ગાળ શસ્ત્ર હું વારંવાર ઇસ્તેમાલ કરું તો એની ધાર બુઠ્ઠી થઈ જાય, અસર ઘટી જાય. ટૂંકમાં આખી આ ગાળસંહિતાનું તાત્પર્ય એ છે કે સ્વેઅર વર્ડ્સ માત્ર ફીલ ગૂડ જ કરાવે છે, એવું નથી. એ ખરેખર ગૂડ છે. હા, ગુસ્સો આવે ત્યારે ગાળ ન બોલવી. પણ બાકી સંજોગોમાં ગાળનો પણ એક આગવો મહિમા છે. ગાળો દેવી મગર પ્યાર સે! ગાળમાં ગજબ સેન્સ ઓફ હ્યુમર છે. એક સારો સ્વેઅર વર્ડ આખા વાક્યની સાંદ્રતા વધારે છે. પણ એ જવા દો. આપણે તો ‘સ્વેઅર વર્ડ્સ’ શબ્દોને સમજવા છે. બારમી સદીથી ‘સ્વેઅર’ શબ્દ ચલણમાં છે જેનું મૂળ પ્રોટો-જર્મન છે. ‘બોલવું’ એવો ય અર્થ થાય છે. ઇંગ્લિશ શબ્દ આન્સર (answer) આપણે જાણીએ છીએ. આન્સરનાં છેલ્લાં ચાર અક્ષરોનું મૂળ પણ આ જ સ્વેઅર છે. સ્વેઅર શબ્દ ક્યાંથી આવ્યો- એ સ્પષ્ટ નથી. પણ એ ચોક્કસ છે કે એ સોગંદ લેવા માટે વપરાય છે. સોગંદ માટે કોઈ પવિત્ર વ્યક્તિ જેમ કે ભગવાન અથવા મનગમતી વ્યક્તિનાં નામ લેવાતા હોય છે. એમ કે હું જે કહીશ તે કરીશ. સાચું કહીશ, સાચું કરીશ વગેરે. સ્વેઅર એટલે શપથ. વર્ડ્સ એટલે શબ્દો. જેમ કે સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ તરીકે ન્યાયમૂર્તિ ચંદ્રચૂડસાહેબની સ્વેઅરિંગ-ઇન-સેરેમની (શપથ સમારોહ) ગત અઠવાડિયે જ સંપન્ન થઈ. ગુજરાતમાં ય ચૂંટણી પતશે એટલે નવનિયુક્ત મુખ્યમંત્રી અને એમનાં મંત્રીમંડળનું સ્વેઅરિંગ-ઇન થશે. સ્વેઅરિંગ એટલે સોગંદ લેવા. ‘સ્વેઅર ફોર’ એટલે કોઇની સત્યતાની ગેરંટી આપવી. જેમ કે આઈ સ્વેઅર ફોર રેવડી! (ઓહો!) ‘સ્વેઅર ઑફ’ એટલે છોડી દેવું. જેમ કે એક નેતાએ જૂઠું બોલવાનું છોડી દીધું (ન હોય!). લીડર સ્વેઅર ઑફ ટેલિંગ લાઇઝ. ‘સ્વેઅર બાય’ એટલે વિશ્વાસ મૂકવો જેમ કે આજે પણ મને રાજકીય પક્ષપલટૂ પર વિશ્વાસ છે. આઈ સ્વેઅર બાય ધ પોલિટિકલ ટર્નકોટ્સ (જા જા!). સ્વેઅર વર્ડ્સ ઉર્ફે સોગંદનાં શબ્દો પંદરમી સદીથી અપશબ્દ માટે વપરાવા લાગ્યા. કદાચ એમાં પણ પવિત્ર ગણાતી વ્યક્તિની સાક્ષીની વાત હશે, એમાંય મંત્ર કે જાદુની વાત હશે. આમ પણ શ્રદ્ધાની વાત આવે ત્યારે નાયક કે ખલનાયકમાં ઝાઝો ફેર હોતો નથી. ભક્તો બંનેનાં હોય. ભક્તોની આસ્થા જે તે-ની પ્રેરણામૂર્તિમાં અખૂટ હોય. ભક્ત માત્ર લોટસ બ્રાન્ડ હોય એ જરૂરી નથી. હાથ પકડીને ચાલતા હોય એવા ભક્ત પણ હોય. ઝાડૂ લઈને સફાઈની ખેવના રાખતા હોય એ પણ ભક્ત જ કહેવાય. આઈ સ્વેઅર! બોલતા તો બોલી નાંખે પણ લખવામાં સ્વેઅર વર્ડ્સ લખાતા નથી. સત્તરમી સદીથી લેખકો સ્વેઅર વર્ડની એક કે બે અક્ષરો વચ્ચેની જગ્યા ખાલી રાખતા હતા. વાંચકો સમજી જાય. પણ સને ૧૯૦૨માં એક કોમિક સ્ટ્રીપ્સ (કાર્ટૂન)માં બે તોફાની બાળકોનાં પાત્રો હતા, જે એનાં અંકલનાં નાકે દમ લાવી દેતા હતા. અંકલ ગાળો બોલવા ટેવાયેલા હતા પણ બાળકોનાં કોમિક્સમાં ગાળ કે ગાળસૂચક ખાલી જગ્યાવાળો શબ્દ પણ લખવો હિતાવહ ન લાગ્યો એટલે લેખકે પછી સ્વેઅર વર્ડની જગ્યાએ ગમે તે રેન્ડમ સીમ્બોલ લખ્યા. આ લેખનું શીર્ષક પણ એટલે અમે એવું જ રાખ્યું છે. ટૂંકમાં સ્વેઅર વર્ડ્સની પોતાની આગવી ઓળખ છે. અમેરિકન કાર્ટૂન સ્ટ્રીપ કેલ્વિન એન્ડ હોબ્સ અનુસાર જિંદગીની નિરાશા સહેવી અઘરી થઈ જાય જો આપણે કોઈ ગાળ ન જાણતા હોઈએ. વાત સાચી છે. સ્વેઅર વર્ડ અમને ફેઅર એન્ડ સ્કવેઅર (પ્રામાણિક અને નિખાલસ) લાગે છે. શું કિયો છો? શબ્દ શેષ:“દરેક ઘરમાં એક ઓરડો એવો હોવો જોઈએ જ્યાં સ્વેઅર વર્ડ્સ બોલી શકાય. આવી લાગણીને દબાવી રાખવી ડેન્જરસ છે.” –માર્ક ટ્વેઇન

Leave a comment

Filed under Uncategorized

સી.એલ.સેલિબ્રેશન/યામિની વ્યાસ

Leave a comment

by | ડિસેમ્બર 5, 2022 · 2:42 એ એમ (am)