અઢાર વર્ષની રેહાના મુઝફ્ફરનગરની શાક માર્કિટમાં ખરીદી કરવા આવી હતી. હજુ તો કોઈ પણ શાક સામે નજર કરે તે પહેલાં, તેની નજર થોડેક જ દૂર, તેના તરફ આવી રહેલી ચાર સ્ત્રીઓ તરફ ગઈ. આમ તો બધી ગરીબ વર્ગની દેખાતી હતી, પણ તેમના ચહેરા પર અજીબો ગરીબ ઉત્સાહ છવાયેલો હતો. તે સ્ત્રીઓ રેહાનાની નજીક આવી અને તેમની વાતોમાંથી થોડાક શબ્દો તે પકડી શકી. તેમાંથી તેને એટલી સમજ પડી કેમ તેઓ સ્ત્રીઓને થતા અન્યાય અને શોષણ સામે જાગૃત થવા જેવી કાંઈક વાતચીત કરી રહી હતી.
જેણે અન્યાય, શોષણ, મારપીટ અને તબાહી સિવાય કશું જ જોયું ન હતું, અને આટલી યુવાન વયે પાંચ દિકરીઓની મા બની ગઈ હતી, તેવી રેહાનાને આ વાતોમાં રસ પડ્યો. શાક ખરીદવાનું બાજુએ મુકીને રેહાના તે સ્ત્રીઓની નજીક ગઈ. હવે તો તેને એમની વાતો બરાબર સંભળાવા લાગી. ‘ઘરમાં થતા જોર જૂલમ હવે સહન નહીં જ કરીએ.’ તેવો નિર્ધાર એમની વાતોમાંથી વ્યક્ત થતો હતો.
રેહાનાથી બોલ્યા વિના ન રહેવાયું,” હું તમારી સાથે આવી શકું?”
આટલો સવાલ પુછવાની હિમ્મત અને આ ‘દિશા’માં ચાલવાની શરૂઆતે રેહાના અને તેના જેવી હજારો અસહાય સ્ત્રીઓની જિંદગી બદલી નાંખી.માંડ તેર વર્ષની હતી, ત્યારે રેહાના ચોધાર આંસુએ રડતી રડતી ઘેર આવી હતી. પાડોશીના યુવાન દીકરાએ તેને ફોસલાવીને બોલાવી હતી, અને તેની ઉપર કારમો બળાત્કાર કર્યો હતો. ઘરમાં એની માએ તો તેને બાથમાં ઘાલી સહાનુભૂતિ બતાવી. પણ તેના અબ્બા અને કાકાનો વર્તાવ તેની કાચી ઉમરમાં ન સમજી શકાય તેવો કઠોર હતો. તેને એટલી ખબર પડી કે, તે ઊંડા અંધાર્યા અંધકારમાં ધકેલાઈ ગઈ છે, અને હવે તેના માટે જીવનમાં કોઈ જ આશા બાકી રહી નથી.
થોડાક જ દિવસ અને તેના નિકાહ એક પચાસ વર્ષના, કદરૂપા અને કઠોર માણસ સાથે થઈ ગયા. અબ્બાની વસ્તીથી તે બહુ દૂર ફંગોળાઈ ગઈ. તેને તો નિશાળમાં ભણવા પાછું જવું હતું, સહેલીઓ સાથે ગપસપ કરવી હતી, સંતાકૂકડી રમવી હતી. હવે એ બધી સુભગ આશાઓ કચડાઈ ગઈ. રેહાના પણ કચડાતી જ રહી. લગ્ન તો કહેવાનાં જ હતાં. દરરોજ રાતે તે ખાવિંદના બળાત્કારનો ભોગ બનતી રહી. પોતાની કોઈ જ મરજી વિના એ પાંચ બાળકીઓની મા પણ બની ગઈ. દિલ ખોલીને રડવા માટે તેને એકાંત સિવાય કોઈ જ આશરો ન હતો. તેને આપઘાત કરવાના વિચારો સતત આવતા. પણ એ ‘પાપ’ કહેવાય એટલી એને ખબર હતી, એટલે તે આ નરકની વેદના સહન કરતી રહી. હા! શાક લેવાના બદલે તે ચાર સ્ત્રીઓની સાથે જવાની ‘દિશા’એ રેહાનાની જીવનની દિશા બદલી નાંખી. સહરાનપુરમાં મુખ્ય મથક ધરાવતી ‘દિશા’ નામની એક સમાજસેવાની સ્થાનિક મિટિંગમાં હાજરી આપવા એ સ્ત્રીઓ જઈ રહી હતી. રેહાનાએ ત્યાં ભેગી થયેલી સ્ત્રીઓ અને બે ઉજળિયાત વર્ગની દેખાતી અને સભાનું સંચાલન કરતી મહિલાઓ સાથે બે કલાક ગાળ્યા. તેને લાગ્યું કે, તેના જીવનમાં નવી રોશની ‘આવું’ ‘આવું’ કરી રહી છે. છેલ્લે એક ઉજળિયાત મહિલાએ એને ‘દિશા’ માં જોડાવા આમંત્રણ આપ્યું. ઘરનાં માણસો સિવાય કદી એકલી બહાર ગઈ ન હતી, તેવી રેહાનાને ડર લાગ્યો. ‘કાંઈક નવા કાળાં કુંડાળામાં તો નહીં ફસાઈ જવાય ને?’ પણ તેણે તે મહિલાને અઠવાડિયા પછી, એ જગ્યાએ ભરાનારી મિટિંગમાં હાજર રહેવા ખાતરી આપી.
અઠવાડિયા પછી રેહાના ‘દિશા’ની સ્વયંસેવિકા બની ગઈ. આવી બે ત્રણ મિટિંગો બાદ તેના પતિને રેહાના શાક લઈને મોડી ઘેર આવે છે, તેવી બાતમી મળી. મારઝૂડનો સિલસિલો ચાલુ થઈ ગયો. પણ તેની રેહાનાને ક્યાં નવાઈ હતી? હવે તો તેને મળેલી જીવનની આ નવી દિશામાં આગળ ને આગળ વધવા કૃતનિશ્ચય હતી. તેણે પતિને હિમ્મત પૂર્વક સંભળાવી દીધું કે, “ખાવાનું ખાવું હોય, અને રાતે રંગત માણવી હોય તો, આ હરકત તેણે ચલાવી લેવી પડશે.”
આમ બોલવાની તેનામાં હિમ્મત આવી ગઈ હતી, એટલું જ નહીં, અત્યાચારો અને મારઝૂડનો મુકાબલો કેવી રીતે કરવો, તેની તાલીમ પણ તેને ‘દિશા’એ આપી હતી. જીવનમાં ઊગેલી નવી સવારમાંથી કોઈ તેને નિબીડ રાત્રિના અંધકારમાં હડસેલી ન શકે, તેટલી તાકાત તેના પ્રાણમાં હવે સંચરવા લાગી હતી. પછી તો તે બુરખો પહેરીને ‘દિશા’ની સહરાનપુર ખાતેની મિટિંગોમાં પણ હાજરી આપવા લાગી. પોતાના જેવી અન્ય દુખિયારી સ્ત્રીઓના જીવનમાં આશાના કિરણનો સંચાર શી રીતે કરી શકાય? – તેની ભાંજગડ હવે તેના દિમાગમાં પાંગરવા માંડી.
– ‘દિશા’ના માર્ગદર્શન હેઠળ રેહાના જાતે જ આવી સંસ્થા ચલાવવા કાબેલ બની ગઈ. મુઝફ્ફરનગરમાં દબાતી, કચડાતી, મુસ્લિમ સ્ત્રીઓ માટે તેણે ‘અસ્તિત્વ’ ની સ્થાપના કરી. ઘણી બદનસીબ સ્ત્રીઓ તેની સાથે જોડાઈ. હવે રેહાનાને કોઈ તાકાત રોકી શકે તેમ ન હતું . રેહાના હવે પિંજરમાં તરફડતી કબુતરી રહી ન હતી. મુક્ત ગગનમાં વિહાર કરતી ગરૂડ પંખીણીમાં તેના હોવાપણાનું અભ્યુત્થાન થયું હતું.
પોસ્ટરો બનાવવા, દમન સામે અવાજ ઊઠાવતી મહિલા-કૂચો યોજવી, શાળાઓમાં બાળકીઓને તેમના હક્કોની જાણકારી આપવી, વિ. વિવિધ પ્રવૃત્તિઓથી ‘અસ્તિત્વ’ ધમધમવા લાગી. રેહાનાને ઘર અને સમાજ તરફથી બહિષ્કારનો સામનો કરવો પડ્યો છે, એટલું જ નહીં પણ ટોળાંઓનો મુકાબલો,પોલિસના લાઠીમારનો પણ કર્યો છે. જૂઠા આક્ષેપોના આધારે જેલવાસ પણ કર્યો છે.
પણ જાગી ઊઠેલા તેના પ્રાણને
હવે કોઈ ગુંગળાવી શકે તેમ નથી.
નવ જ વર્ષની રેખા પર પાંચ નરાધમોએ બળાત્કાર કર્યો હતો. રેહાના એમને જેલ ભેગા કરીને જ જંપી. તેના આ આક્રોશને સમાજમાંથી અદભૂત પ્રતિભાવ પણ મળ્યો. રેખા સાથે લગ્ન કરવા એક આદર્શવાદી યુવાન પણ તૈયાર થયો. રેહાનાના આ વિજયે તેનું રૂપાંતર એક અનોખી મહિલા પ્રતિભામાં કરી દીધું. આવી હજારો બાળકીઓના જીવનમાં રેહાના અને અસ્તિત્વે બગાવતનો બુંગિયો ફૂંક્યો છે. રેહાનાને ગર્વ છે કે, તેના પિતા અને પતિને પોતાની ભુલ સમજાઈ છે, અને તેમનો સહકાર પણ હવે રેહાનાની અસ્કયામત બન્યાં છે.
અસ્તિત્વ માત્ર સ્ત્રીઓ માટે જ કામ કરે છે, તેમ નથી. કોમી હુલ્લડો વખતે પણ અસ્તિત્વે શાંતિ સ્થાપવાના પ્રયત્નોમાં સહયોગ આપ્યો છે. ૨૦૧૩માં મુઝફ્ફરનગરના શામલી વિસ્તારમાં થયેલા કોમી રમખાણોમાં અસ્તિત્વે પાયાનું કામ નીડર રીતે કર્યું હતું, અને અપૂર્વ સામાજિક ચાહના અને માન મેળવ્યાં હતાં .
ભ્રષ્ટાચાર અને રાજકારણીય દખલોથી ખદબદતી, ઉત્તર પ્રદેશની બદનામ સ્થાનિક સરકારી સંસ્થાઓ ભલે તેના કામને ન બીરદાવે, સમાજ તરફથી અને બીજી ઘણી બિન સરકારી સંસ્થાઓનાં સહકાર અને મદદ અસ્તિત્વને મળતાં રહ્યાં છે. શરૂઆતમાં જાટ વિસ્તારમાં તેણે ઓફિસ રાખી હતી. પણ મુસ્લિમ મહિલા હોવા માટે તેને તે ખાલી કરવી પડી હતી. મુસ્લિમ વિસ્તારમાં તે બુરખો પહેરતી ન હોવાના કારણે તેનો વિરોધ થયો હતો. પણ ધીમે ધીમે તેના કામને મળતી સફળતા અને સામાજિક સ્વીકારના કારણે હવે તેની ઓફિસ ધમધોકાર ચાલતી થઈ ગઈ છે. તેની ઓફિસમાં રાણી, ઉસ્માન અને ગૌરવ તેને મદદ કરે છે. જાતજાનાં આધુનિક સાધનો પણ તેઓ વાપરે છે.
વર્ષોની સાધના, તપસ્યા અને આમરણ જંગના પ્રતાપે બાઈજિંગ – ચીનમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહિલા સશક્તીકરણ અધિવેશનમાં રેહાનાએ વિશેષ અતિથિનું પદ શોભાવ્યું હતું – એ સમાચાર સાથે વીરમીએ.
- રેહાના વાતે ગુંજેતુમ હસીન રાત કી બાત કરતી હો હમ ગમ કી રાત સે બાઝ નહી આતે,તુમ મદહોશ ચાંદની કો દેખતે હો, હમ ગરીબોં કે ઘર વો નહી આતી અને મા પન્નાલાલ..ભૂલ્યાં ભુલાશે મહિયર માળખાંભૂલી જશું મોસાળે વાટ,ઋણ ભૂલીશું ધરતી માતનાં,ભૂલી જશું પોતાની જાત,(વળી) ભૂલી જવાશે કો અભાગિયાં,ભૂલી જવાશે પ્રીતની રીત,(પણ) નહિ રે ભૂલાય એક આટલું,કોક દન કરી’તી પ્રીત’ કાનજીનો પ્રેમ અને તેની મજબુરીઓ, જ્યારે કાનજી માટે બધું ત્યજીને દોડી આવતી જીવી. બે માણસ કદી એકબીજામાં એટલા ઓતપ્રોત કેવી રીતે થઇ શકે કે પોતાના આજુબાજુના તમામ વાતવરણને ભૂલી જાય. પોતના દુ:ખ અને પડતી તકલીફને ન ગણકારે. અત્યારની પેઢીને કદાચ આ નવલકથાનો સાર સમજવામાં જરૂર તકલીફ પડે, પણ જે લોકો આઝાદી વખતના આપણા સમાજની કુપમંડુક બુદ્ધીને ઓળખતા કે જાણતા હશે, તે કાનજી અને જીવીના પ્રેમ અને પરિસ્થિતિને જરૂર મહેસુસ કરી શકશે.ગામડાના માનવી અને તેમની સામાન્ય બુદ્ધિ, પણ તેમની અદભુત સહનશક્તિ, દરિયા જેવું તેમનું દિલ, તેમનો કપટરહિત પ્રેમ મારી આંખ ભીની થતા હું ના રોકી શકી. ત્યારે રેહાનાની વાર્તા- પ્રેરણાદાયી અંતે કરુણા અનુભવાઇ. કરુણરસ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભવભૂતિ તો એવું કહે છે કે દુનિયામાં એક જ રસ પ્રધાન છે. અને એ કરુણ રસ છે. જાણીતી વાત -હૈ સબસે મઘુર ગીત વો, જો દર્દ કે સૂરમેં ગાયે જાતે હૈ! કરૂણ ઘટના પણ ઇચ્છાપૂર્તિ થી વિગલીત થઇ સંતોષનો આનંદ