અંતિમ પડાવે યાદ આવે
ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું. અજ્ઞાત
અંતીમ વરસો અંગે ચિંતન
‘આ અંતીમ વરસો જો સજાગ થઈ જઈએ, તો ઘણાં સંતોષ સાથે આ જગતમાંથી વિદાય લઈ શકીએ.’ અમને આ પધ્ધતિ અપનાવવાનું તર્ક શુધ્ધ લાગે છે—
કાલ જારણમ્ સ્નેહ સાધનમ્
કટુક વર્જનમ્ ગુણ નિવેદનમ અપનાવી રોજ રાત્રે સુતી વખતે વિચારવું કે હું મૃત્યુ શય્યા પર સુતો હુ અને પોતાની શ્રધ્ધા હોય તે મનમા જાપ કરતા સુઈ જવું .સવારે ઉઠતા સર્વશક્તિમાનનો પાડ માનવો કે આજે લાખો લોકો એ છેલ્લો શ્વાસ લીધો છે અને હૂં જીવીત છું તો હવેથી હું મારા જીવનમા સગુણાત્મક પરીવર્તન લાવીશ.
-મૃત્યુ અંગે સંતવાણી…
મૃત્યુ પામેલો મનુષ્ય મુક્તાત્મા હશે તો તમારા સુખદુ:ખની કશી અસર તેના પર નહીં થાય. પરંતુ મુક્તાત્મા ન હોય, કેવળ પ્રેમનો, મૈત્રીનો સંબંધ હોય અને તેના ગયા પછી તમે રોતા રહો તો એને તકલીફ થશે. એની પ્રગતિ આડે અડચણ આવશે. તેને પાછળ ખેંચવા જેવું થશે. આપણે રડીએ છીએ તે આપણા સ્વાર્થ ખાતર. અત્યાર લગી તેનો પ્રેમ મળતો હતો તે હવે નહીં મળે એ સ્વાર્થ માટે આપણે રડીએ છીએ. વાસ્તવમાં પ્રાણને આરામની જરૂર હોય છે, એ માટે મૃત્યુ હોય છે, માટે શોક ન કરવો.
સ્વજનના મૃત્યુથી શોક થવો એ સ્વાભાવિક છે. પરંતુ તેમાંથી છૂટવાની એક યુક્તિ છે. જ્યાં સુધી પિતાજી જીવતા હોય ત્યાં સુધી પિતાને પરમેશ્વર સમજીને તેમની સેવા કરવી. પિતાજી મરી જાય ત્યારે પરમેશ્વરને જ પિતા સમજવા. તો શોક ઓછો થશે. એનું રૂપાંતર થશે. આ રૂપાંતરની પ્રક્રિયા એ અત્યંત મહત્વની આધ્યાત્મિક પ્રક્રિયા છે. એનાથી મનુષ્ય શોકમુક્ત થાય છે.
પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે મૃત્યુ એટલે શું ? જેવી રીતે આપણે આખો દિવસ કામ કરીને થાકી જઈએ છીએ તો તે થાક મટાડવા રાત્રે સૂઈ જઈએ છીએ. બીજે દિવસે પાછા તાજા થઈને ઊઠીએ છીએ. તો ઊંઘ એ મૃત્યુનું નાનકડું રૂપ છે. હવે રાત્રે ઊંઘમાં બધાં અવયવોને પૂરો આરામ મળી જાય તેવી યોજના હોત તો મૃત્યુની જરૂર જ ન રહેત. સ્વપ્ન ન આવે તો મનને પણ વિશ્રામ મળી જાય છે. પણ રાત્રે ઊંઘમાં પણ પ્રાણનું કામ સતત ચાલે છે. એ બિચારો સતત કામ કર્યા કરે છે એટલે એનો થાક તો મૃત્યુથી જ ઊતરી શકે છે. એટલે મૃત્યુનો અર્થ છે – પ્રાણને આરામ પહોંચાડનારી નિદ્રા. મૃત્યુનું આ સ્વરૂપ આપણા ધ્યાનમાં આવી જાય તો મૃત્યુનું દુ:ખ કે ડર ન રહે, બલ્કે કોઈનું મૃત્યુ થાય તો આપણને આનંદ થાય. હું એમ માનું છું કે મરણની ક્ષણ પ્રારબ્ધથી નક્કી થયેલી જ હોય છે. સાધારણતયા સંયમ, પ્રાણાયામ વગેરે આયુર્વર્ધક બતાવ્યાં છે, પણ બહુધા વ્યક્તિનું આયુષ્ય તો એના પ્રારબ્ધથી જ નક્કી થાય છે. દેહ કર્મવેગથી ટકે છે. અસંખ્ય પૂર્વ કર્મોમાંથી એક વિશિષ્ટ અંશ ઉપભોગવા દેહરૂપે જન્મ લીધો. એ જ છે ‘પ્રારબ્ધ કર્મ’ એ ભોગવી લીધા પછી દેહ પડી જાય છે. સંયમથી માણસનું દીર્ઘાયુ થાય છે, તેવું નથી. સમાજનું સરેરાશ આયુષ્ય સંયમથી વધે. મૃત્યુની ક્ષણને ટાળી નથી શકાતી, પણ એના પ્રકારને બદલી શકાય છે, તેવું મને લાગે છે. વાસના ના વિચારોને ઓછામાં ઓછા કૃતિમાં, આચરણમાં ન લાવવા જોઈએ. ક્રિયાની તક નહીં મળવાથી એ આપોઆપ શમી જશે. પછી વિવેકથી એનું ખંડન કરવું જોઈએ. પ્રાણાયામ પણ એક ઉપાય છે. કુંભક કરવાથી પણ વિચારોમાં સ્થિરતા આવે છે, એટલે જેવું મન ચંચળ થાય, તેવું જ કુંભક શરૂ કરી દેવું જોઈએ. ભજન ગાવાં કે સંગીત સાંભળવું તે પણ એક ઉપાય છે. નામસ્મરણ પણ, મનોમન નહીં પણ મોટેથી શરૂ કરી શકાય.
રોજ રાતે બધું કામ પતાવી પથારી કરીને સૂતાં પહેલાં દશ-પંદર મિનિટ ઈશ્વરની પ્રાર્થના ધ્યાનપૂર્વક, ભક્તિપૂર્વક એકચિત્ત થઈને કરવી અને પછી તરત જ સૂઈ જવું. રાતે ઓછું ખાવું, સવારે શૌચ સાફ આવવો જોઈએ, સાત્વિક આહાર લેવો, સદવાચન કરવું, ફરવા જવું, નિયમિત જીવન જીવવું. આ દોષનું કારણ શોધવું કઠિન છે. સાધક જ્યારે અમુક અવસ્થાએ પહોંચે છે ત્યારે જ તે આ દોષને દૂર કરી શકે છે. તેથી આપણે હમેશાં જોતા રહેવું કે ઉપર કહ્યા મુજબ જીવન વિતાવીએ છીએ કે નહીં. આમ ધીમે ધીમે દોષનું કારણ મુશ્કેલીથી પણ જડશે.
પ્રાર્થના માટે હું હંમેશા ત્રણ દાખલા આપું છું. સ્નાન, ભોજન અને ઊંઘ. આ ત્રણેયની જે ખૂબી છે, તે પ્રાર્થનામાં છે. ઊંઘવાથી માણસને ઉત્સાહ અને આરામ મળે છે. પ્રાર્થનાથી મનને આરામ તથા આધ્યાત્મિક ઉત્સાહ મળે છે. ભોજનથી શરીરને પોષણ મળે છે, પ્રાર્થનાથી મનને પોષણ મળે છે. નહાવાથી શરીર સાફ થાય છે, પ્રાર્થનાથી મન ચોખ્ખું થાય છે. આ રીતે ત્રણથી શરીરને જે ફાયદો થાય છે, તે પ્રાર્થનાથી મનને થાય છે. આત્મામાં સંકલ્પશક્તિ પડેલી છે. આત્માની વ્યાખ્યા છે સંકલ્પનું અધિષ્ઠાન. આપણને જ્યાંથી સ્ફૂર્તિ મળે છે તે જ છે આત્મા. ઘણી વખત સોબતને કારણે આત્માની શુદ્ધ શક્તિ પ્રગટ નથી થતી, શુભ સંકલ્પને બદલે વિકલ્પ થાય છે. એટલે આત્માની શુદ્ધ શક્તિ પ્રગટાવવા માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના વ્યક્તિગત પણ થઈ શકે, સામૂહિક પણ થઈ શકે.
જે પરમેશ્વર ઉપર પ્રેમ ધરશે તે કુદરતી રીતે જ શરીરનાં સુખભોગ તરફ અણગમો દેખાડશે. અને જે સંસારનાં સુખમાં નહીં રાચે તેનું મન કુદરતી રીતે જ પરમાર્થ ને પ્રભુનાં ભજન-ભક્તિ તરફ વળશે. એમ પૂછો કે બેમાંથી સહેલું શું ? જેને ઈશ્વર ઉપર આસ્થા છે, ઘરકુટુંબના સંસ્કારથી કે બીજા કશાથી ઈશ્વર ઉપર જેને પ્રીતિ છે એને દેહસુખના વિષયોનો ત્યાગ સહેલો થઈ પડે છે. ટૂંકમાં, બીજમાંથી ફળ અને ફળના પેટમાં પાછું બીજ રહેલું છે તેમ ઈશ્વરપ્રેમથી વૈરાગ અને વૈરાગથી ઈશ્વરપ્રેમ એમ બેઉ મળીને એક છે.
જ્ઞાનયોગ, કર્મયોગ, ધ્યાનયોગ અને ભક્તિયોગ એ બધાયમાં ભક્તિયોગ અઘરો નથી એવું માનવામાં આવે છે. પરંતુ ભક્તિ પણ સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય તેવી વસ્તુ નથી. હિંદુસ્તાનમાં ભક્તિ વધુ પ્રમાણમાં છે એવું જે કહેવામાં આવે છે તે ‘ભક્તિ’ નથી, તે ‘શ્રદ્ધા’ છે. ભક્તિ અને શ્રદ્ધામાં ફેર છે. મંદિરની મૂર્તિ માટે જે આસ્થા છે તે શ્રદ્ધા છે. શ્રદ્ધા ભક્તિનો માર્ગ જરૂર છે. પરંતુ શ્રદ્ધા હોવી એ કાંઈ બહુ મોટી વસ્તુ નથી. પરંતુ તે ન હોવી તે મોટી વસ્તુ છે. જેવી રીતે તમને અક્ષરજ્ઞાન મળ્યું તો તે કાંઈ મોટી વસ્તુ નથી. તે તો નાનું જ્ઞાન છે. એ ના હોય તો આગળ જ્ઞાન મેળવવું જ અસંભવિત છે. તેવી જ રીતે શ્રદ્ધા હોવી એ કોઈ મોટી વસ્તુ નથી, પણ શ્રદ્ધા ન હોય તો ભક્તિ પેદા જ ન થઈ શકે. ભક્તિ એટલે અહંકાર-મમતા-મુક્તિ. ઘમંડ એ નાની વસ્તુ છે. તે ન હોવાથી અહંમુક્ત નથી થવાતું, અહંમુક્તિ જુદી બાબત છે. શાંતિ માટેનું એકમાત્ર સાધન ગીતાએ વારંવાર બતાડ્યું છે તે જ છે. એ છે ‘ત્યાગાત શાન્તિ:’ જ્યાં ફળત્યાગ છે, ત્યાં જ શાંતિ છે. ભલે આપણે ભારે મોટી તપસ્યા કરીએ, સેવા કરીએ. પરંતુ જ્યાં સુધી એ કર્મથી આપણને વેગળા તારવી ન લઈએ ત્યાં સુધી શાંતિ નહીં મળે. ફળત્યાગ કરવાથી જ શાંતિ પ્રાપ્ત થાય. એટલે તો ગીતાએ કહ્યું કે ‘ધ્યાનથી પણ ફળત્યાગ શ્રેષ્ઠ છે.
૮મી ડીસેંબર ૫૭



ગયા વર્ષે ગભીર માંદગીમાંથી ઉગર્યા !


હાલ કુશળ- આ ૬૬મા વર્ષ પ્રવેશે આપના શુભાશીસ/શુભેચ્છાઓની અપેક્ષા
