Daily Archives: ડિસેમ્બર 12, 2022

ક્રેઝી કિયા રે..!/Paresh Vyas


ક્રેઝી કિયા રે..!

હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!

છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું! – શેખાદમ આબુવાલા

મેગન માર્કલ મૂળ તો અમેરિકન એક્ટ્રેસ પણ બ્રિટિશ પ્રિન્સ હેરીને પરણીને ડચેસ ઓફ સસેક્સ બની ગઈ. સ્પોટિફાય ઉપર છેલ્લાં બે મહિનાથી હવે એક પૉડકાસ્ટ હોસ્ટ કરે છે. ગત અઠવાડિયે દીપિકા પાદુકોણ સહિત અન્ય બે સામાજિક રીતે મોભાદાર સ્ત્રીઓ એની ગેસ્ટ હતી. અને વિષય હતો:

‘ડીકોડિંગ ઓફ ક્રેઝી’. કોઈને તમે -ક્રેઝી છે- એમ કહી દો એટલે તમે કહેવા શું માંગો છો?-એનું અર્થઘટન આ પૉડકાસ્ટમાં છે. મેગને એમાં પોતાની અંગત કહાણી પણ કહી છે. એણે કહ્યું કે એને કન્ડિશન્ડ કરી દેવામાં આવી છે એટલે એમ કે એને ટેવ પાડી દેવામાં આવી છે કે પોતાની લાગણીઓને જાહેરમાં છતી ન કરવી. કારણ કે કોઈ સ્ત્રી જો જાહેરમાં પોતાની લાગણી પ્રદર્શિત કરે તો એને ‘ક્રેઝી’ (Crazy)નું તખલ્લુસ આપી દેવામાં આવે છે. સ્ત્રીઓને એવું શીખવાડવામાં આવે છે કે તમારે જાહેરમાં કોઈ નાટક નહીં કરવાના. કરશો તો તમારી ઉપર ‘ક્રેઝી’નું લેબલ ચોંટાડી દેવામાં આવશે. અને એકવાર ક્રેઝીનું લેબલ ચોંટે કે તમારી કીર્તિ ‘ને કારકિર્દી બંને ધૂળમાં મળી જાય. આ સમાચાર અંગે લખતા ‘ઇકોનોમિક્સ ટાઈમ્સ’ અનુસાર ક્રેઝી શબ્દ ઘણી વાર ઉપહાસ કરવા માટે, ઠેકડી ઊડાવવા માટે વપરાય છે. જેનું પરિણામ એ આવે છે કે જે સ્ત્રીને માનસિક સ્વાસ્થ્યને લગત પ્રશ્ન હોય એ પછી ચૂપ રહે છે અને કોઇની મદદ માંગતા ડરે છે. હવે મનની લાગણીઓ જો બહાર પ્રદર્શિત નહીં થાય તો પછી એ પીડા બનીને અંદર અંદર ઘૂંટાય અને એનાથી તો વધારે ખરાબ સ્થિતિ સર્જાય છે.

પણ આપણે તો શબ્દ ક્રેઝીની વાત કરવાની છે. ગુજરાતી લેક્સિકન અનુસાર ઇંગ્લિશ શબ્દ ‘ક્રેઝી’નાં કુલ વીસ અર્થ થાય છે. ક્રેઝી એટલે દીવાનું, ગાંડું, મહામૂર્ખ, અતિઆતુર, અસ્થિર કે નબળા મગજનું, નબળું, દૂબળું કે પાતળું, કઢંગું, ઢીલું, ચસકેલ, વિકૃત, ધૂની, તરંગી, કમઅક્કલ, બાવરું, ગાભરું, ઉશ્કેરાયેલું, જર્જરિત, જીર્ણશીર્ણ, તરાડો-સભર. મને લાગે છે કે ક્રેઝી શબ્દનો અવિધિસરનો એક અર્થ થોડા હળવા મિજાજમાં એમ પણ દર્શાવે છે કે એ વિધિસરનો ગાંડો તો નથી પણ તેમ છતાં આપણે નથી કહેતા કે.. એ તો થોડો ગાંડો છે! ચાલો આજે આપણે ક્રેઝી શબ્દની ક્રેઝી વાતોથી મોજ કરીએ.

ક્રેઝી શબ્દ સોળમી સદીથી ઇંગ્લિશ ભાષામાં છે. ક્રેઝી એટલે જેમાં ક્રેક્સ (તિરાડો) પડી ગઈ હોય તે. એટલે કે ભાંગી પડેલો કે બીમાર માણસ. પણ ત્યારે મગજમાં તિરાડ પડી ગઈ એવો અર્થ નહોતો. પછી સને ૧૬૧૧થી ક્રેઝી શબ્દ એટલે જેની વાતચીતનો કે વ્યવહારનો કોઈ નેઠો ન હોય એવી તિરાડ જેમાં પડી ગઈ છે એ અર્થમાં ગાંડાં માણસ માટે આ શબ્દ ઇસ્તેમાલ થવા લાગ્યો. આ અર્થ આજ દિન સુધી છે જ પરંતુ વીસમી સદીમાં બોલચાલની ભાષામાં ક્રેઝી શબ્દ મસ્ત કે ઉત્તેજના જગાવનાર માટે પણ વપરાય છે. આમ ક્રેઝી શબ્દનાં એકબીજાથી વિપરીત બે અર્થ થયા. ઇંગ્લિશમાં એને કોન્ટ્રોનીમ (Contronym) કહે છે. જેમ કે ‘ફિનિસ’ એટલે ‘ખતમ’ પણ થાય અને ‘પૂર્ણ થયું’ એમ પણ કહેવાય. ‘લેફ્ટ’ એટલે ‘જતું રહ્યું’ અને ‘બાકી રહી ગયું’- એવા બે અર્થ થાય. આકાશમાં તારા દેખાય તો અને ઘરમાં લાઇટ જાય એ બંને સ્થિતિમાં ‘આઉટ’ શબ્દ વપરાય. એમ જ ક્રેઝી એટલે ગાંડો ય ખરો અને ક્રેઝી એટલે ઉત્સાહી ય ખરો. હી ઈઝ ક્રેઝી અબાઉટ હિઝ વર્ક. એટલે એને એનું કામ કરવું ખૂબ ખૂબ ગમે છે. ક્રેઝી શબ્દનો એક અમેરિકન અર્થ ‘અત્યંત’ પણ થાય છે. તમે કોઈ કામમાં અત્યંત વ્યસ્ત હો તો તમે ક્રેઝી બીઝી છો. એટલે એમ કે તમે ગુજરાતી લેક્સિકનમાં નથી એવા એકવીસમા અર્થમાં ક્રેઝી છો! અને ક્રેઝી જો કોઈ શબ્દનાં છેડે લગાવવામાં આવતો પ્રત્યય હોય તો એનો અર્થ -એકદમ ઉત્સાહી- એવો થાય. જેમ કે ભારત મારો દેશ છે, અમે બધા ભારતીયો ક્રિકેટ-ક્રેઝી છીએ. મને બાળકો બહુ ગમે તો હું ક્રેઝી અબાઉટ ચિલ્ડ્રન છું, એવું તમે કહી શકો. અન્યથી જુદું કરો, અન્યથી ઊલટું કરો તો ય ક્રેઝીમાં ગણતરી થાય. જરૂરી નથી કે હું ક્રેઝી છું. દુનિયા આખી ય ક્રેઝી હોઈ શકે! હું તો માત્ર દુનિયા કરે એનાથી ઊલટું કરું છું. આજકાલ ક્રેઝી શબ્દ અપમાન તરીકે પણ વપરાય છે. હું એકનું એક જ ફરી ફરીને કર્યા કરું અને દરેક પરિણામ જુદું આવે એવું ઈચ્છું તો તમે ક્રેઝી કહીને મારું અપમાન કરી શકો. રાઇટ?

યસ, આ જ અપમાનની, આ જ જાહેરમાં ઉતારી પાડવાની મજાકની વાત મેગન માર્કલ કરે છે. કોઈને પણ ક્રેઝી શું કામ કહેવું? કોઈ પણ વ્યક્તિ એની રીતે તો ડાહી જ હોય છે. આપણે સમજતા નથી એટલે એને ક્રેઝી કહીએ છીએ. તેરમી સદીનાં પર્શિયન કવિ, ફિલસૂફ રુમી કહે છે કે -બેકાબૂ બનો, ક્રેઝી બનો અને પ્રેમસુરાનું પાન કરતા રહો. જો વધારે સાવચેત રહેશો, વધારે કાળજી લેવાની કોશિશ કરશો તો પ્રેમ તમને મળશે જ નહીં. એટલે ક્રેઝી બનો!

સમાજનાં સુધરેલાં ટોપ ગણાતા ટીપટાપિયાં લોકો જે બીજાને ક્રેઝી કહે છે તેઓ પોતે ક્રેઝી છે. પૈસા પાછળ અને ભૌતિક વસ્તુઓને એકઠી કરવા પાછળ રચ્યાપચ્યા રહે છે. અરે ભાઈ! (કે બહેન!) કફનમાં ખિસ્સું હોતું નથી. પણ સમજતા જ નથી. આ એક જાતનું ગાંડપણ જ તો છે. અને જેને તમે ક્રેઝી કહો છો એ તો પોતાની મસ્તીમાં ખુશ છે. એ કોઈનું અપમાન કરતો નથી. એ કોઈની ટીખળ કરતો નથી. એને ક્રેઝી શા માટે કહેવું? પણ ચાલો, આવી અઘરી ફિલસૂફીની વાત જવા દઈએ. સમજાય એવી વાત કરીએ. સ્ત્રીઓ ક્રેઝી હોય તો ભલે હોય. વાંધો નથી. અમેરિકન કોમેડિયન જ્યોર્જ કાર્લીનનાં મતે સ્ત્રીઓ ક્રેઝી(પાગલ) હોય છે કારણ કે પુરુષ સ્ટુપિડ (મંદબુદ્ધિ) હોય છે અને સ્ત્રીનાં ક્રેઝીપણાંનું મુખ્ય કારણ એ છે કે પુરુષ સ્ટુપિડ છે! લો બોલો! પુરુષમાં અક્કલનો માત્ર છાંટો જ હોય તો સ્ત્રી બચારી ક્રેઝી તો થવાની જ ને? હેં ને? અહીં સૌ કોઈએ પોત પોતાનું તારણ કાઢી લેવું કે કેમ ગાવું પડે છે દરેક સ્ત્રીએ ‘ક્રેઝી કિયા રે!’-નું ગીત. અહીં સૌ કોઈને પોતાને બંધ બેસતી પાઘડી પહેરી લેવા અમારું નમ્ર ઇજન છે.

શબ્દ શેષ:

“ડહાપણ કંટાળાજનક હોય છે.” –અમેરિકન નવલકથાકાર આર. એ. સાલ્વાટોર

Leave a comment

Filed under Uncategorized