*ગેસલાઇટિંગ: અન્યનાં મનને વશ કરવાનો પેંતરો*

તને જે સંભળાય એ તો ભ્રમ છે જરી સમજ વિચારવા તું સહેજ પણ સક્ષમ નથી ફરી સમજ -યામિની વ્યાસ
મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરીએ વર્ડ ઓફ ધ યર જાહેર કરી દીધો: ‘ગેસલાઇટિંગ’ (Gaslighting). ગેસલાઇટનો અર્થ આમ તો સાવ સાદો છે. ગેસથી ચાલતી લાઇટ. સને ૧૯૩૮માં રજૂ થયેલાં એક નાટકનું શીર્ષક હતું: ગેસલાઇટિંગ. નાટકનાં કથાનકનો સમય સને ૧૮૮૦નાં લંડન શહેરનો હતો, જ્યારે ઘરમાં રાતે અજવાળું કરવા માટે ગેસલાઇટનો ઉપયોગ કરવામાં આવતો હતો. વાર્તાનાં નાયક જેક અને એની પત્ની બેલા એક ફ્લેટમાં રહે. રંગીન મિજાજ જેક ગમે ત્યારે ગાયબ થઈ જાય. બેલાને કશું ય કહે નહીં કે એ ક્યાં જાય છે? શું કરે છે? બેલાની બેચેની વધતી જાય. વાત જાણે એમ હતી કે ફ્લેટની ઉપરનાં ફ્લેટમાં રહેતી એક ધનાઢ્ય મહિલાનું ખૂન થઈ ગયું હતું પણ એનાં હીરાઝવેરાત કોઈને મળ્યા નહોતા. જેક ખરેખર તો રોજ રાતે ઉપરનાં ફ્લેટમાં એ હીરાઝવેરાત શોધવા જતો. એ માટે એણે ઉપરનાં ફ્લેટમાં ગેસલાઇટ પેટાવવી પડતી. અને ત્યારે બિલ્ડિંગનાં અન્ય ફ્લેટ્સની ગેસલાઇટ ડિમ પડી જતી હતી. જેક બેલાને કહેતો રહેતો કે આ તારા મનનો વહેમ છે. લાઇટ ડિમ પડતી જ નથી અને તને જે ઉપરનાં માળિયાંમાંથી કોઈનાં પગલાંનો અવાજ સંભળાય છે, એ પણ તારા મનનો વહેમ છે. તને કોઈ માનસિક રોગ થઈ ગયો છે. પછી તો બેલાને ખરેખર એવું લાગવા માંડે છે, એ કોઈ માનસિક રોગથી પીડાય છે. આ નાટક પછી ઇંગ્લિશ ભાષામાં ‘ગેસલાઇટિંગ’ શબ્દ દાખલ થયો. એનો અર્થ- લાંબા સમય સુધી કોઈ વ્યક્તિની વિચાર પ્રક્રિયામાં ધીમે ધીમે મનોવૈજ્ઞાનિક હસ્તક્ષેપ કર્યા કરવો તે- હતો. એટલે એમ કે ગેસલાઇટિંગનો ભોગ બને એ વ્યક્તિને પછી લાગવા માંડે કે એ પોતે પોતાની રીતે વિચાર કરવા સક્ષમ જ નથી. એનાં પોતાના તો કોઈ વિચાર જ નથી. હકીકતનો કોઈ અહેસાસ એને ન રહે. ભૂતકાળને ભૂલી જવાય. સતત ગૂંચવાડો રહે. આત્મવિશ્વાસ ગાયબ થઈ જાય. ‘તું ગાંડી છે, ગાંડી છે’- એવું કોઈ કહ્યા કરે એટલે ખરેખર એ એવું માનવા લાગે કે પોતે અક્ષમ છે. માનસિક સ્થિરતા જતી રહે. ભાવાત્મક અસ્થિરતા હાવી થઈ જાય. આવું આપોઆપ ન થાય. કોઈ વ્યક્તિ ચોક્કસ રીતે એની માનસિક ક્ષમતા પર હૂમલો કરે. એ વ્યક્તિને ગેસલાઇટર કહેવાય અને એ જે કરે તે ગેસલાઇટિંગ. નાટકમાં પછી તો જેની પર શંકા છે એ જેકની પોલિસ ધરપકડ કરે તે પહેલાં એને ભાગવામાં ખુદ એની પત્ની બેલા જ મદદ કરવાનું નાટક કરે છે. એ જેકને કહે છે કે ‘હું તો આમ પણ પાગલ છું એટલે ગુનેગારની મદદગારીનો કોઈ આરોપ મારી ઉપર આવશે નહીં.’ અને પછી એ જ એનાં પતિને પોલિસમાં પકડાવી દે છે. નાટકનો ત્યાં અંત આવે છે.
‘ગેસલાઇટ’ નાટક પરથી ઇંગ્લિશ ફિલ્મ બની હતી. આ જ નામની આ જ થીમ ઉપર એક હિંદી ફિલ્મ હાલમાં બની રહી છે. સારા અલી ખાન અને વિક્રમ મેસી અભિનિત આ ફિલ્મનું શૂટિંગ મોરબીની આજુબાજુ થયું છે. ના, ઝૂલતા પૂલ પર નહીં, વાંકાનેર પેલેસમાં. તમે ય શું ઊંધા રસ્તે દોરો છો?! ગેસલાઇટિંગ એટલે અંગત લાભ માટે અન્યને ઊંધા રસ્તે દોરવું તે. ગેસલાઇટર વ્યક્તિ અન્યનો દુરુપયોગ કરવામાં માહેર છે. એ ધીર ધીરે એનાં શિકારને પોતાનાં કબજામાં લઈ લે છે. વશ કરી નાંખે છે. ચાલાકીથી, હોંશિયારીથી. આ સઘળું એક દિવસમાં થતું નથી. ધીમે ધીમે થાય છે. એટલે ગેસલાઇટિંગની ભોગ બનનાર વ્યક્તિને ખ્યાલ આવતો નથી કે એનાં વિચારોને કંટ્રોલ કરવાની રમત રમાઈ રહી છે. કોઈ પણ સંબંધમાં ગેસલાઇટિંગ થઈ શકે છે. મિત્ર વર્તુળ કે સગાસંબંધી સમેત કોઈ પણ સંબંધમાં ક્યારેક એવો શિકારી આવી જાય છે, જે આપણને ખબર ન પડે એ રીતે આપણી ઉપર હાવી થઈ જાય છે. આ ઇન્ફર્મેશન એજ (માહિતીનો યુગ) છે પણ મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી લખે છે કે આ યુગ ખરેખર તો ખોટી કે ભ્રામક માહિતી ફેલાવવાનો યુગ છે. ઇટ્સ અ ડિસ-ઇન્ફર્મેશન એજ! ખોટા સમાચાર કે કોઈ પણ ઘટના પાછળ નક્કી કોઈ કાવતરું છે- એવી દહેશત ફેલાવાય છે. પછી સોશિયલ મીડિયા ઉપર આરોપ અને પ્રતિ-આરોપનું ઘમાસાણ થઈ જાય. સ્વાભાવિક છે કે આ જે કાંઈ પણ થાય એ ગેસલાઇટરનાં પોતાના લાભ માટે જ હોય. ચૂંટણી આવે ત્યારે પોલિટિકલ ગેસલાઇટિંગ માઝા મૂકે છે. એવે ટાણે ઉગ્ર ઉદ્વેગ અને જલદ જડતા વચ્ચે સામાન્ય લોકો અટવાઈને ગેસલાઇટિંગનો ભોગ બને છે. મતોનાં વિભાજન અને આકરી સ્પર્ધા એ ચૂંટણીનાં અભિન્ન અંગ છે. મતદારોને મેનિપ્યુલેટ (manipulate) કરવામાં આવે છે. મેનિપ્યુલેટ એટલે હોંશિયારી કે ચાલાકીથી વશ કરીને કામ લેવું. મત માટે રાજકારણી કાંઈ પણ કરે. પોલિટિકલ ગેસલાઇટિંગથી લોકોને ખબર ન પડે કે સત્ય શું છે? અને ભ્રામક પ્રચાર શું છે?
હવે જે મને ગેસલાઇટિંગ કરે છે એ ખરેખર તો મને બદનામ કરે છે. જૂઠ્ઠું બોલવું એની તાસીર છે. મારા વિચાર અને મારી લાગણીની ઠેકડી એ ઊડાડે છે. એ મને વારંવાર કહે છે કે ‘શાંતિ રાખ’ અથવા ‘તું ઓવરરીએક્ટ કરે છે.’ એમ પણ કહે કે ‘તું શા માટે આટલો બધો સેન્સિટિવ છે?’ હું કાંઈ પણ પૂછું કે કહું ત્યારે મને અવળે રસ્તે વાળવાની એની કોશિશ હોય જ. ભલે એનાં શબ્દો સહાનુભૂતિસભર લાગે પણ એ જ તો એનું હથિયાર છે. એ કહે કે ‘તું તો મને જાણે છે, હું તો તારું ભલું જ વિચારું ને?’ ખોટાડો સાલો! એણે ખોટું કર્યું હોય પણ વાંક તો છેલ્લે મારો જ કાઢે. અને પછી ભૂતકાળની વાત તરોડે મરોડે જેમાં ફાયદો એનો અને મારું નુકસાન હોય. શું કરવું? દૂર જતાં રહેવું. સંપર્ક જ ન હોય તો ગેસલાઇટિંગ ન થાય. પુરાવા રાખવા. ડાયરી, ઈ-મેઈલ, ટેક્સ્ટ મેસેજ વગેરે ડીલીટ કરવા નહીં. અન્ય કોઈ વિશ્વાસુનો અભિપ્રાય લેવો. અને શક્ય હોય તો સંબંધ જ તોડી નાંખવો. કટ થાય પછી કોઈ કટ કટ જ ન રહે. કભી અલવિદા… કહી જ દેના! બેલાશક. હેં ને?
શબ્દશેષ:
“ગેસલાઇટિંગ એ માઇન્ડ કંટ્રોલ છે અને એનો ભોગ બનનાર વ્યક્તિ વાસ્તવિકતા વિષે શંકા કરવા લાગે છે.” મનોચિકિત્સક અને લેખિકા ટ્રેસી એ. મેલોન
-પરેશ વ્યાસ