![]() એક પાંદડું, જીદે ચડ્યું,_ _થયું નિજ પરિવારથી જુદું._ _ઝાડથી છૂટું પડીને એ પાંદડું_ _ખૂબ હરખાય છે,_ _હાશ ! છૂટયા હવે આ ભીડથી,_ _મનથી એ મલકાય છે._ _વાયુ સાથે વહેતું વહેતું_ _આમ તેમ લહેરાય છે,_ _સૃષ્ટિ બહારની ખૂબ સુંદર છે !_ _એને એવું મનમાં થાય છે._ _ઝાડ પર રહ્યાં ચિપકીને_ _ત્યાં આમ ક્યાં રખડાય છે !_ _ત્યાં તો બસ બીજાઓ,_ મારી સાથે રોજ અથડાય છે,_ _અહીં તો વાયુ સાથે_ _મજેથી ઉડીને જવાય છે,_ _ને ઝરણાની સાથે ખળખળ_ _ગીતો મજાના ગવાય છે._ _પાણી સાથે ઉછળતાં_ _ને કૂદતાં એ મલકાય છે,_ _પણ સુખ ક્ષણભંગૂર છે_ _એ એને ક્યાં સમજાય છે._ _ઝરણાંમાંથી વહેતું જ્યારે_ _કિનારે પહોંચી જાય છે,_ _જાનવરોનાં ખર નીચે_ _જ્યારે ખૂબ રગદોળાય છે._ _*પીડાથી કણસતું એ* _*હવે ખૂબ પસ્તાય છે,*_ _*ઝાડ સાથે જોડાયેલા હોવાનું*_ _*મૂલ્ય એને સમજાય છે.* _આઝાદી વ્હાલી લાગે_ _પણ મોંઘી સાબિત થાય છે,_ _*સંયુકત પરિવાર બન્ધન નહિં*_ _*પણ જીવનનો સાચો પર્યાય છે.*_ ખૂબ વખણાયેલુ આ કાવ્ય સાથે આ વિચારવમળે…લાઓત્સુએ ઝાડ પરથી એક પાકા પાંદડાને ખરતું જોયું અને એને ખ્યાલ આવ્યો કે મારું પોતાનું જીવન પણ આવું જ છે. પાકા પાનની જેમ જ એક દિવસ ખરી જવાનું છે. નવી કુંપળ ફૂટે, પાંદડું લીલુંછમ હોય, હવામાં લહેરાતું હોય તો પણ એક નહીં ને એક દિવસે એ પીળું પડીને ખરતું જ હોય છે. આ વૃક્ષનું પાંદડું થોડા દિવસ પહેલાં રસથી ભરેલું હતું. પક્ષી ઝાડ પર બેસીને એને ગીત સંભળાવતા હતા. વર્ષાની ઝરમરમાં એ નાચી ઊઠતું હતું. હવાના ઝાકા એને પંપાળતા હતા પણ આજે એજ પાંદડું ઝાડથી છૂટું પડીને જમીન પર પડેલું છે.હવા એને જ્યાં ખેંચી જાય ત્યાં એ જાય છે. એની પાસે પોતાની કોઇ ઇચ્છા કે તાકાત નથી. હવા પૂર્વમાં જાય તો એ પૂર્વમાં ખેંચાય છે. અને હવા જો પશ્ચિમમાં ખેંચી જાય તો એ પશ્ચિમમાં પહોંચી જાય છે. – લાઓત્સેને થયું કે શા માટે મારે રાહ જોવી ? ભવિષ્યમાં જો મારી પણ આ પાકા પાંદડાની જેવી જ સ્થિતિ થવાની હોય તો શા માટે આજથી જ એ પ્રમાણે ન જીવવું ? પરમાત્મા જ્યાં લઇ જાય ત્યાં જવું, જે કરાવે તે કરવું.પૂર્વમાં ખેંચે તો પૂર્વમાં અને પશ્ચિમમાં લઇ જાય તો ત્યાં પહોંચી જવું. હવે આજથી હું મારી ઈચ્છા, મારી આકાંક્ષા અને મારી ચેષ્ટાને છોડું છું. અહંકાર કરાવે એમ હવે મારે નથી કરવું. હવે તો હું સૂકા-ખરેલા પાનની જેમ જ જીવીશ. મારી કોઇ ઈચ્છાને વચ્ચે નહીં લાવું. એ જે કરાવે તે સ્વીકાર્ય છે. અને આ રીતે સમર્પિત જીવન જીવીને લાઓત્સે જાણી ગયા.પલટૂદાસ પણ આવા જ એક નાનકડા પ્રસંગને જોઇને જાગી ગયેલા. એમણે એક મધપૂડામાં દિવસ રાત મહેનત કરીને મધ એકઠું કરતી માખીઓને જોઇ. આખો મધપૂડો મધથી લબાલબ ભરેલો હતો ત્યાં જ એક માણસ આવ્યો અને બધું મધ લૂંટીને ઉપાડી ગયો. પલટૂદાસ કહે છે કે આ એક જ દ્રશ્ય જોઇને હું જાગી ગયો.જાગવું જ હોય એના માટે અહીં પ્રસંગોનો પાર નથી. રોજ આપણે જોઇએ છીએ કે જીવનભર મથીને જે ધન એકઠું કર્યું હોય, પોતાનું એક સ્વતંત્ર સામ્રાજ્ય ઊભું કર્યું હોય પણ મૃત્યુની એક થપ્પડ પડતાં જ મોટો ભડવીર કે ખૂંખાર ગણાતો માણસ પણ જમીનદોસ્ત થઇ જાય છે. આખા જગતને ધુ્રજાવતો માણસ મરણ સામે એક હરફ પણ ઉચ્ચારી શકતો નથી.અને મિંયાની મીંદડી ની જેમ જ એક સામાન્ય માણસની જેમ મરી જાય છે. સમય જતાં એને કોઇ યાદ પણ કરતું નથી. અને જ્યાં એની રાખ અને ખોપરી પડી હોય ત્યાંથી એના પર પગ મૂકીને માણસો તો ઠીક કૂતરાં બિલાડાં પણ ચાલતાં હોય છે. એના પર કૂતરા પેશાબ કરી જાય તો પણ ઊભી થઇને એની ખોપરી નાનકડો ખોંખારો પણ ખાઇ શકતી નથી.પોતાને શક્તિશાળી માનતો માણસ એ જાણતો જ નથી કે વિરાટ અસ્તિત્વમાં એનું એક તણખલા જેટલું પણ મૂલ્ય નથી. જેના પર એ રહે છે તે સૃષ્ટિ જ જ્યાં એક નાનકડા રજકણ જેવી છે તો આ વિરાટ અસ્તિત્વમાં એનું સ્થાન ક્યાં હોઇ શકે ?ઓશો આથી જ તો કહે છે કે તમારું આ અભિમાન છોડો. તમને તમારું જે સ્થાન કે મૂલ્ય લાગે છે એ તમારી નાનકડી સીમા રેખાના કારણે જ છે. બાકી આ અનંત વિશ્વમાં તમારા અહંકારને ઊભો રાખવા માટે એક નાનકડી જગ્યા પણ નહીં મળે. અને એ હકીકત છે.સ્વયં વિજ્ઞાન એ વાતને સમર્થન આપે છે કે વિશ્વ એટલું વિરાટ છે કે એની સામે આપણી કોઇ હેસિયત જ નથી. અહંકારનો પરપોટો ક્યારેક તો તૂટે જ છે. તો શા માટે આપણે જાતે જ આ પરપોટાને તોડી, આપણા બુંદ રૃપ વ્યક્તિત્વને સમષ્ટિના વિરાટ સાગરમાં મેળવી ન દેવું ?પણ માણસની મૂઢતાનો કોઇ પાર નથી. આટઆટલા પ્રહારો અને જીવનને ઢંઢોળતા પ્રસંગો છતાં એ જાગવાનું નામ જ નથી લેતો ! હા, કોઇ લાઓત્સૂ, પલટૂ કે બુદ્ધ જેવા વીરલાઓ જરૃર જાગે છે અને એના કારણે તો સૃષ્ટિ પર આટઆટલા વિનાશ, દુખ અને ઉત્પાત પછી થોડો ઘણો પ્રકાશ અને આશાભર્યો ઉજાસ છે. |
Daily Archives: ડિસેમ્બર 20, 2022
એક પાંદડું, જીદે ચડ્યું,લાઓત્સુ
Filed under Uncategorized