સ્લેન્ગ અને પ્રોનન્સિએશન: બોલચાલનો શબ્દ અને ઉચ્ચાર

તભો ટપાલી આવે નઈ, સુખનાં વાવડ લાવે નઈ, નેણે નીંદર આવે નઈ, સોણે સાજણ આવે નઈ. –અરવિંદ બારોટ
બોલચાલની ભાષા એ લોકોની ભાષા છે. એ તળની ભાષા છે. ગજબની મીઠાશ છે એમાં. કવિ અહીં ‘નહીં’નાં સ્થાને ‘નઈ’ લખે એ ગમે. જ્યારે સાજણની રાહ જોવાતી હોય તો ‘વાવડ’ શબ્દ અંગત લાગે, ‘સમાચાર’ શબ્દ આમ સારો પણ એ લખો તો સાજણની સરાજાહેર રાહ જોવાતી હોય એવું લાગે! ‘નેણ’ અને ‘નીંદર’નાં સ્થાને ‘નેત્ર’ અને ‘નિદ્રા’, ‘સોણે’ અને ‘સાજણ’નાં સ્થાને ‘સ્વપ્ને’ અને ‘સહૃદયી મનુષ્ય’ લખીએ તો કેવું લાગે? શુદ્ધ શબ્દો સાચા પણ એવું લખીએ કે બોલીએ તો આપણે ચોખલિયાવેડા કરતા હોઈએ એવું લાગે.
ઇંગ્લિશ ભાષામાં બોલચાલનાં શબ્દને સ્લેન્ગ (Slang) કહે છે. ગુજરાતી લેક્સિકન અનુસાર ‘સ્લેન્ગ’ એટલે રોજિંદી વાતચીતમાં વપરાતો પણ અધિકૃત શિષ્ટ (અંગ્રેજી) ભાષાનો ન ગણાતો શબ્દપ્રયોગ, કોઈ વિશિષ્ટ વર્ગ કે વ્યવસાયની ભાષા કે શબ્દ (પ્રયોગ),–ને ઉદ્દેશીને અપશબ્દ ઉચ્ચારવા, ગાળો દેવી, ઠપકો દેવો. અઢારમી સદીમાં બદનામ કે ઉદ્ધત લોકો સ્લેન્ગ શબ્દો વાપરતા હતા. પણ ઓગણીસમી સદીથી સ્લેન્ગ શબ્દોનું ઉચ્ચારણ બધા કરે છે. હા, એટલું કે આ શબ્દો પ્રમાણભૂત શૈક્ષણિક બોલીથી ઊતરતી કક્ષાનાં ગણાય છે. સ્કોટ્સ ભાષામાં સ્લેન્ગ એટલે વાત, ગપસપ, તડાકા મારવા. શુદ્ધ ભાષામાં કહું તો મિથ્યા સંભાષણ કરવું તે સ્લેન્ગ. સ્લેન્ગ શબ્દનો એક સમાનાર્થી શબ્દ પણ છે. કલોક્વિઅલ (Colloquial). જો કે થોડો ફેર છે. સ્લેન્ગ એ કલોક્વિઅલની સરખામણીમાં વધારે અવિધિસરનો કે અનૌપચારિક શબ્દ છે. સ્લેન્ગ અમુક ચોક્કસ વર્ગનાં લોકો બોલે, દાખલા તરીકે, ટીનેજર વય જૂથનાં લોકો. અથવા કોઈ ચોક્કસ વ્યવસાય સાથે જોડાયેલા લોકો. જ્યારે કલોક્વિઅલ શબ્દો બધા જ સામાન્ય સ્તરનાં લોકો રોજની બોલીમાં ઉપયોગ કરે છે.
સ્લેન્ગ શબ્દનું પોતાનું મૂળ નક્કી નથી. પણ કહે છે કે થીવ્સ કૅન્ટ (ચોરની ભાષા) સાથે આ શબ્દનું કોઈ કનેક્સન છે. બોલચાલનાં શબ્દોનાં ઇંગ્લિશ ભાષાવિદ જોનાથન ગ્રીન કહે છે કે શબ્દનું મૂળ ‘સ્લિન્ગ’ સાથે જોડાયેલું છે. સ્લિન્ગ એટલે ગોફણથી ફેંકવું. સ્લેન્ગ એ એવા શબ્દો છે જે મુખેથી ફેંકાયેલા છે. પણ છે મજેદાર.
સિગમન્ડ ફ્રોઇડ મનોવિશ્લેષણની થીયરી માનસનાં બે ભાગ પાડે છે. એક છે મન. અને બીજું ચિત્ત. આમ તો આપણે અરસપરસ આ શબ્દો વાપરીએ છીએ પણ આ મન છે જે સૌથી પહેલી પ્રતિક્રિયા આપે છે. સાહજિક, નૈસર્ગિક કે સ્વયંસ્ફૂર્ત શબ્દો અહીંથી આવે છે. આ શબ્દો એટલે સ્લેન્ગ. ચિત્તની પાસે એક સાંસ્કૃતિક અહં (ઇગો) હોય છે. શુદ્ધ ભાષા, શિષ્ટ શબ્દો. માણસનાં માનસ મધ્યેનો આ આંતરિક ટકરાવ છે, જે ક્યારે કયો શબ્દ યોગ્ય લાગશે?- એ નક્કી કરે છે. એટલે હે સુજ્ઞ ભાષાવિદ શ્રેષ્ઠીઓ, આપ શિષ્ટ બોલીથી અમારું અપમાન કરી નાંખો પણ અમે તો એટલું જાણીએ કે જે હમજાય ઈ હાચું. જો ગરબો ગાતા હું ‘કાડો કાન’ કહું તો મારો ભાવ સાચો છે. ભગવાન તો ભાવનાં ભૂખ્યા હોય એટલે એમાં જ્ઞાની ગુજરાતીઓએ ભાષાદોષ ગોતવો નહીં કે અમારી મજાક કરવી નહીં. કારણ કે.. કારણ કે સ્લેન્ગ શબ્દો ‘મોસ્ટ હ્યુમન’ હોય છે.
સ્લેન્ગ શબ્દોનાં મૂળ શોધવા અઘરાં હોય છે. કારણ કે સ્લેન્ગ શબ્દ બોલાય પહેલાં છે. લખાય તો બહુ પછીથી છે. અને છપાયેલાં સાહિત્યમાં તો એ ઘણો મોડો આવે છે. પણ ભાષાને એ જ જીવંત રાખે છે. સ્લેન્ગ શબ્દનાં ટીકાકાર કહે છે કે આવા શબ્દો આવીને બળજબરીથી મૂળ અધિકૃત શબ્દોનું સ્થાન લઈ લેય, એ બિલકુલ વ્યાજબી નથી. સાચા શબ્દો લોકોને સમજાવવા જોઈએ અને લોકોની ભૂલ સુધારવી જોઈએ. આવા લોકો ‘સંતુ રંગીલી’ નાટકનાં પ્રોફેસર હિમાદ્રી વદન વૈષ્ણવ જેવી શુદ્ધ ભાષાનાં પ્રણેતા છે. તેઓનાં મતે કવિ દલપતરામની કવિતા -આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘાસચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ-નાં સ, શ, ષ શુદ્ધ જ બોલાવા જોઈએ. ઇંગ્લિશ ભાષામાં આવા લોકોને પ્રીસ્ક્રિવિસ્ટ કહે છે. આનાથી વિરુદ્ધ એક ડીસ્ક્રિવિસ્ટ લોકો હોય છે. તેઓ માને છે કે ભાષા સ્થિર નથી,સતત બદલાતી રહે છે. લોકો બોલે છે, એનો અવાજ, એનાં શબ્દો જો મૂળ શબ્દોનાં સ્થાન લઈ લેય તો એવું થવા દો. શ્રીકૃષ્ણમાંથી કાનુડો થઈ જાય તો ઈ કરીને ઇવું થાવા દ્યો. જરૂર પડે તો વ્યાકરણ બદલી નાંખો. સ્લેન્ગને તે શી રીતે રોકાય?
જ્યારે આપણે ‘આપણે’નાં સ્થાને ‘આપડે’ લખીએ કે બોલીએ તો એ વાત ભાષાનાં વિદ્વાન લોકોને ન ગમે. અમને ગમે. શબ્દ પોતીકો લાગે. ઉચ્ચારને ઇંગ્લિશમાં પ્રોનન્સિએશન (Pronunciation) કહે છે. મઝાની વાત એ છે કે ઉચ્ચાર કરવો એવું ક્રિયાપદ કહેવું હોય તો એનો સ્પેલિંગ પ્રોનાઉન્સ (Pronounce) થઈ જાય. આવું કેમ?-ખબર નથી પણ અમિતાભ બચ્ચનનાં શબ્દોમાં કહેવું હોય તો બીકોજ ઇંગ્લિશ ઈજ અ વેરી ફન્ની લેંગ્વેજ! ઘણાં ઇંગ્લિશ શબ્દો લખતા આવડે પણ ઉચ્ચાર કાંઈ અલગ જ થતાં હોય. જેમ કે નળ રીપેર કરવાવાળો હો એને શું કહીએ? પ્લંબર (Plumber)? પણ સાચો ઉચ્ચાર થાય પ્લમર. હું મજાકમાં કહું છું કે બાતમેં કુછ અસ્થમા હૈ. અસ્થમા (Asthma) એટલે દમ. પણ એનો ખરો ઉચ્ચાર ‘અઝમા’ થાય. મચ્છર દ્વારા ફેલાતો રોગ ડેન્ગ્યુ (Dengue) નથી પણ ડેંગી છે. અસ્થમાની માફક ડેન્ગ્યુ આપણને કોઠે પડી ગયું છે. પ્લમર કે અઝમા હું બોલું તો કોઈ સમજે નહીં. આવા સાચા પણ ન સમજાય એવા શબ્દોચ્ચારને શું કરવો? શશી થરૂર કહે છે કે કોઈ શબ્દ વારંવાર કોઈ અલગ રીતે બોલાય તો પછી એ જ એનો સાચો ઉચ્ચાર થઈ જાય. ભાષા તો નદી છે. વહેતી રહે. અર્થ બદલાય, ઉચ્ચાર પણ બદલાય. માટે હે શુદ્ધ ઉચ્ચારનાં પ્રખર પ્રણેતાઓ, આજે તમે ભલે ઉચ્ચારની મજાક ઊડાડતા હો પણ એક દિવસ એવો આવશે જ્યારે તમારે અમને “સ્યોરી’ (!) કહેવું પડશે.
ભાષાવિદોને ખોટું લાગે તો ‘માય બેડ’ જે ‘સોરી’નું સ્લેન્ગ છે. હું ‘થેંક્સ’ કહેતો નથી, હું ‘ચીયર્સ’ કહું છું. મારું ‘કપ’ કપ્પા થઈ ગયું. ‘નો’ને હું ‘નોપ’ પણ કહું અને ‘ફરગેટ ઈટ’ પણ કહું. અને ‘યસ’ને ‘યપ’ અથવા ‘યૂ બેટ’ કહું. ‘નો પ્રોબ્લેમ’ મારા માટે હવે ‘નો બિગ્ગી’ છે. અને ‘ગૂડબાય’ બોરિંગ લાગે એટલે બોલું: ‘સી યા’. ‘જસ્ટ કિડિંગ’ યાર!
શબ્દ શેષ:
“સ્લેન્ગ શક્તિશાળી છે અને યોગ્ય છે. કદાચ આપણાં તમામ આવશ્યક શબ્દો એક સમયે સ્લેન્ગ હતા.” –ઇંગ્લિશ નવલકથાકાર જ્હોન ગલ્સવર્થી (૧૮૬૭-૧૯૩૩)