Daily Archives: ડિસેમ્બર 31, 2022

વાંચો –સાંભળો વાર્તા

*JKS 24 – *મિલીના ઘર તરફ – લેખિકા: યામિની વ્યાસ – સંવેદનશીલ વાર્તા  
ગુજરાતી ઈ-વાર્તા માસિક ‘જ્યોતિકળશ’નું શ્રાવ્ય સંસ્કરણ ‘વાર્તા વાંચો પણ, સાંભળો પણ’ શ્રેણીની ૨૪મી વાર્તા: મિલીના ઘર તરફ – લેખિકા: યામિની વ્યાસ. દીકરી એક નહીં બે પરિવારને સાચવે અને વખત આવ્યે જન્મદાતા અને પાલક માને પણ સાચવે. સાંભળો આ વાર્તા, જેના પર સફળ નાટક પણ ભજવાયું છે. જરૂર સાંભળો આ સંવેદનશીલ વાર્તા. – ૧૦.૧૧ મિનીટ્સ
https://youtu.be/yiEZsHzU9dc 

Leave a comment

Filed under Uncategorized

રિજુવનેટ: નૂતન વર્ષે પુન:શક્તિ સંચારનાં નુસખા/Paresh Vyas

રિજુવનેટ: નૂતન વર્ષે પુન:શક્તિ સંચારનાં નુસખા

જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો,

મારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો. અને ઘાવ પ્રસર્યા વિચારોમાં એવી તો કરપીણ ઝડપે,

ન શ્રદ્ધા, ન પીડા, ન મૃત્યુ, ન ઔષધ, ન પાટો રે પાટો. –રમેશ પારેખ

વિક્રમ સંવત ૨૦૭૮ ગયું અને ૨૦૭૯નો આજે પહેલો દિવસ. શું નવું? કશું ય નહીં. રોજ એની એ જ ઘટમાળ. પ્રિય ર. પા.એ આ કવિતા આજથી ૪૭ વર્ષ પહેલાં લખી હતી. ગુજરાતી કવિતાનું ઇંગ્લિશ શીર્ષક હતું: Epidemic. આજે આ કાવ્ય એટલું જ પ્રસ્તુત પણ.. સારા દિવસો ય આવે, હોં. અથવા આપણે કોશિશ કરીએ એક નવચેતનાનાં સર્જનની. ગત વર્ષ વીત્યું, ગત વર્ષે જે વીત્યું એનાં રોદણાં રડવા કરવા કરતાં હવે મેરા ટાઈમ આયેગા, સોરી.. આવી ગિયા હૈ-ની વાત કરીએ તો? આજનો શબ્દ રિજુવનેટ (Rejuvenate) એટલે નવીકરણ કરવું, જીર્ણોદ્ધાર કરવો, પુન:શક્તિ સંચાર કરવો, કાયાકલ્પ કરવો કે થવો, ફરી બનાવવું કે બનવું, ફરી યુવાન બનાવવું કે બનવું તે.

રિજુવનેટ એટલે રિ+જુવનેટ. ‘રિ’ એટલે ફરીથી, પુન: અને ‘જુવનેટ’ મૂળ લેટિન શબ્દ જુવેનિસ એટલે યુવાન. ફરીથી યુવાન બનવું તે, કાયાકલ્પ. સને ૧૮૩૪ થી આ શબ્દ ઇંગ્લિશ ભાષામાં આવી ચૂક્યો છે.તમે કહેશો કે આ શું માંડ્યું છે? ફરીથી યુવાન થવા નીકળી પડ્યા. ઉંમરની ઘડિયાળનાં કાંટા ઊંધા ન ચાલે. હા, હું સહમત છું. અને છતાં આપણે રિજુવનેટ થવું છે. મૃત્યુ પહેલાં મરવું નથી. હરપળ જીવી લેવું એ જ રિજુવનેટ. આધેડ કે ઘરડાં હોઈએ ત્યારે યુવાનીમાં જે ઊર્જા અનુભવી હતી એનો ફરીથી સંચાર કરાવવો છે અને અત્યારે જો યુવાન હોઈએ તો આમ અકાળે ઢીલાં પડી જવું નથી. નવું વર્ષ છે, સ્ફૂર્તિ આવી જાય એવું કરવું જોઈએ. સ્ફૂર્તિ એટલે? સ્ફૂર્તિ એટલે જાગૃતિ, તેજી, અનાલસ્યતા,ચંચળતા, વિકાસ..

રિજુવનેટ એ લાઈફ એક્સટેન્સન નથી. એટલે એમ કે ધીમે ધીમે ઘરડાં થવું- એવું નથી. આ તો ફરીથી યુવાન થવાની વાત છે. કવિ મિત્ર મુકુલ ચોક્સી લખે કે ‘પૂછ્યું મેં કોણ છે? ઉત્તર મળ્યો યયાતિ છે; ને બહાર જઈને જોઉં તો આખી મનુષ્યજાતિ છે.’ યયાતિએ એનાં દીકરા પુરુ સાથે એક્સચેન્જ ઓફરમાં યુવાની મેળવી હતી. પણ પછી એક હજાર વર્ષ યુવાન રહ્યા, અખૂટ સંપત્તિ ભેગી કરી. ખાણીપીણી, જલસા, સ્ત્રી સમાગમ પછી યયાતિને ભાન થયું કે આ રિજુવનેશન ફોગટ છે કારણ કે લાલસાનો કોઈ અંત નથી, આ યુવાનીની ઈચ્છાઓ તો આગ પર ઘી હોમવા છે, જેટલું ભોગવો એટલી વધારે ને વધારે ભોગવી લેવાની ઈચ્છા થાય. આજનાં નવા વર્ષે યયાતિ જેવો ભોગવટો કરવાનું પ્રયોજન કરવા કોઈ ઇજન નથી. તો શું છે આ રિજુવનેશનનો મહિમા કે જેનાં ગુણગાન આજે ગાવા છે? આજે નવા વર્ષે કયા નવા સંકલ્પો લેવા છે?

આસાન છે આ રિજુવનેશન. બસ, બહુ સવાલો નહીં પૂછવા. સામાવાળાને સાંભળવા. લોકો ચાલાક હોય છે. જે મદદ કરવાનું ડીંડક કરે, ખરેખર તો એ આપણાં કોઈ કામનાં નથી. કવિ, તંત્રી હરીન્દ્ર દવેસાહેબ અનુસાર ‘કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષા જ વધારે હોય છે.’ એટલે છોડો એ વાતની ચર્ચા જેમાં કોઈને વાંકું પડે, જેમાં કોઈને ખોટું લાગે. હેં ને? અને હા, ઘરમાં ગોંધાઈને બેસી ન રહેવું. થોડા તડકે બહાર નીકળી ખુલ્લામાં ફરો. પણ રસ્તે રખડતી ગાયનું ધ્યાન અલબત્ત રાખવું, નહીંતર કાયાકલ્પની જગ્યાએ કાયાઅલ્પ થઈ જાય! મનમાં કોઈ સ્ટ્રેસ છે? તો વાંચન કરવું. ‘વાંચે ગુજરાત’ એટલે ગુજરાતે નહીં, આપણે વાંચવાનું છે! કાંઈ પણ. પુસ્તક, સામાયિક કે છાપું. રોજ દસ જ મિનિટ્સ વાંચો તો ય ફેર પડી જાય. અને મસ્ત મસ્ત ફૂડમાં ય રિજુવનેશન કરવાની શક્તિ છે. ગમતું ભોજન, ભાવતું ભોજન એ ફૂડ આઇટેમ્સ જેની સાથે ભૂતકાળની યાદ જોડાયેલી હતી એ રેસીપી રિજુવનેશનની રેસીપી છે. હવે આગળ. કાયાકલ્પ માટે મિત્રો જેવો કોઈ ઉદ્દીપક નથી. મિત્રો સાથે હો ત્યારે આપણો જીર્ણોદ્ધાર સહજ થઈ જાય છે. એટલે મિત્રોને મળતા રહેવું. આ ઉપરાંત ધ્યાન, યોગ અને વ્યાયામ કરતા રહેવું. અને હા, હંમેશા હળવા રહેવું, વિશ્રાંત થવું.. જસ્ટ રીલેક્સ. આ શેનો ભાર માથે મૂકીને ચાલતા રહીએ છીએ આપણે? કામ તો અલબત્ત કરતાં રહેવું પણ સમય અને પૈસાનો જુગાડ થઈ જાય તો વેકેશન પર નીકળી પડવું. ફાઇવ સ્ટાર હોટલ્સમાં રહેવું જરૂરી નથી. ખિસ્સાને પોષાય એવા વેકેશન મળી જ જતાં હોય છે. બસ, નીકળી પડવું અગત્યનું છે. અને હા, જાત જાતનાં કામ એકસાથે કરવા નહીં. મલ્ટિ-ટાસ્કિંગ? ના રે ના. થોડા કામ કરવા, આરામ કરવો. ઊંઘવું. ઉજાગરા સારી વાત નથી. વખતોવખત અન્યને યથાશક્તિ મદદ કરતા રહેવું. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું. સ્મિત કરવું, હસવું અને જોડે જે હોય એને પણ હસવાની પ્રેરણા આપવી. જે આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ કરે એનો આભાર માનતા રહેવું. અને છેલ્લે.. જાતને સધિયારો આપતા રહેવું કે મારું જીવન ખૂબ સારું છે. ટૂંકમાં, મારું જીવન એ જ મારી ઘાણી..- આવું જરાય નથી! મારામાં કાંઈ ખૂટતું નથી. મારી પાસે છે, એ પૂરતું છે. શાંતિ છે. હું મારા પોતાના લોકો ઉપર વિશ્વાસ મૂકી શકું છું અને તેઓ મારી ઉપર. કહું છું જવાનીને પાછી વળીને ન જા! ખુશ રહેવાનો મારો જન્મસિદ્ધ અધિકાર છે. બ્રિટિશ એક્ટ્રેસ ઓડ્રી હેપબર્ન કહેતી કે ચીજવસ્તુ જ શું કામ?- માણસ જેવા માણસને પણ રીસ્ટોર (પુન:સ્થાપન) કરવા પડે, રીન્યૂ (નવીકરણ) કરવો પડે, રીવાઇવ (ફરી ચેતનવંતો) અને રીક્લેમ (નવસાધ્ય) કરવા પડે, રીડીમ (બોજામુક્ત) પણ કરવો પડે; કોઈને ય આમ ફેંકી ન દેવાય. બસ, આ જ છે રિજુવનેશન.

ઓહો! આમાં શું નવી વાત કહી? આવું તો બધા કહ્યા જ કરે છે. એક તબક્કે બધા જ છાપાનાં બધા જ કોલમિસ્ટસ દુર્નિવાર સલાહકાર થઈ જાય છે. સુજ્ઞ વાંચકોને -આમ કરો, તેમ કરો-ની શિખામણોનું કાર્પેટ બોમ્બિંગ કરવા માંડે છે. હાલી નીકળ્યા મોટા, કોલમિસ્ટ કહીંકા.. નવા વર્ષે આવા બધા સંકલ્પ લઈને શું ધૂળ રિજુવનેટ થવાના?

શબ્દ શેષ:

“બહુ સાદી રીતથી કહું તો નવા વર્ષનાં સંકલ્પો એ માણસે સહી કરીને ઇસ્યુ કરેલાં એવી બેંકનાં ચેક્સ છે, જે બેંકમાં એનું એકાઉન્ટ જ નથી.” –ઓસ્કાર વાઇલ્ડ

Leave a comment

Filed under Uncategorized