તું મને એટલી બધી, એટલી બધી કંઈ ગમે,કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે
હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી
તું મને એટલી બધી એટલી બધી કંઈ ગમે,
કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે!
વાતે વાતે ફૂલડાં ઝરતાં, હર પગલે ફાલે વેલી,
સ્મિત આ તારું ઋતુ પલટતાં ઉરમાં ઊમટે હેલી,
જોઈ લઉં બસ એક વખત ને તીવ્ર પ્રતીક્ષા શમે
તું મને એટલી બધી એટલી બધી કંઈ ગમે…
દીકરી તું તો વહાલનો દરિયો, છોળ ઊડે વહાલપની,
હું તારામાં તું મારામાં, દુનિયા શી આ ખપની!
ચાંદ સિતારા તારી સાથે સંતાકૂકડી રમે…
તું મને એટલી બધી એટલી બધી કંઈ ગમે…
કવયિત્રી: યામિની વ્યાસ
સ્વર-સ્વરાંકન: શૌનક પંડ્યા
પારિવારિક સંબંધો વ્યક્ત કરતાં ગીતો દરેક ભાષામાં રજૂ થયાં છે અને લોકપ્રિય થયાં છે. એ ગીતો માતૃવંદના સ્વરૂપે હોઈ શકે, દીકરી-દીકરાની લાગણી વિશેનાં હોય, ભાઈ-બહેન, સાસુ-વહુ તથા નણંદ-ભોજાઈનાં પણ હોઈ શકે. મેઘબિંદુ જેવા કવિ પુત્રવધૂ વિશે ગીત લઈ આવે છે. લોકગીતોમાં તો આ પ્રકારનાં ગીતો પ્રચલિત છે, પરંતુ હવે આધુનિક ગીતો પણ આ પ્રકારનાં ઘણાં રચાય છે. આજે દીકરી માટેના ગીતની વાત કરવી છે. દીકરીઓ વિશેના સદીઓ જૂના વિચારોમાં હવે પરિવર્તન આવી ગયું છે. વર્તમાન સમયની દીકરી લાચાર, અસહાય કે અબળા નથી. ૨૧મી સદીની દીકરીઓએ નારીજીવનને ગરિમા આપી છે, ગૌરવ બક્ષ્યું છે. દીકરી આજે વરદાન છે. સુખનો સૂરજ ત્યારે ઊગે છે જ્યારે દીકરી ઘરમાં જન્મે છે. એની નરમ મુલાયમ આંગળીઓ આપણા ગાલ પર ફરતી હોય તો ધરતીનું કોઈક રહસ્ય સમજાવતી હોય એમ લાગે. એટલે જ તો દીકરી વહાલનો દરિયો કહેવાય છે! માતા-પિતા જ સંતાનોને જન્મ નથી આપતાં, સંતાનોય મા-બાપને જન્મ આપે છે. દીકરી દુનિયાભરની વાતો કરે, અપાર લાગણી દર્શાવે, મિત્ર બની જાય, મોટી થાય ત્યારે મા-બાપને હકથી ધમકાવે અને પ્રસંગોપાત્ત વ્યવહારદક્ષતા પણ દાખવે. આ જ દીકરી પરણીને વિદાય લે ત્યારે ઘરની દીવાલોય જાણે મૂક થઈ જાય!
મારી પોતાની જ વાત કરું તો દીકરી હોવી એ મારું ઓબ્સેશન હતું. દીકરો નહીં હોય તો ચાલશે પણ દીકરી તો જોઈએ જ એવું નક્કી કરેલું. પરોઢિયે બ્રાહ્મ મુહૂર્તમાં દીકરી જન્મી ત્યારે હિમાલયના કોઈક નાનકડા મંદિરમાં રૂપાની અનેક ઘંટડીઓ એકસાથે બજી ઊઠી હોય એવી અનુભૂતિ થઈ હતી. પુત્રીજન્મની ખુશાલીમાં અમે પેંડા વહેંચ્યા હતા.
આવી લાડકી દીકરી વિશેનાં જાણીતાં ગીતોમાં, દીકરી મારી લાડકવાયી, મારી લાડકી રે, દાદા હો દીકરી, માધવ રામાનુજ લિખિત દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન, પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન, અનિલ જોશીનું હૃદયસ્પર્શી ક્ધયાવિદાયનું ગીત, કવિ મેઘબિંદુનું દીકરી ગીત; મીઠડી મારી લાડલી મારી, દીકરી ફૂલ સુવાસ તથા એમણે જ લખેલું પુત્રવધૂ સ્વાગત ગીત; લાડકવાયી લાડી, તું રૂમઝૂમ પગલે આવ, તું કુમકુમ પગલે આવ, ઘરમંદિરને સ્નેહ સુગંધે અભરસભર મહેકાવ…પણ સુંદર છે. જયન્ત પાઠકનું દીકરી વિદાય કાવ્ય, અશોક ચાવડાનું કાવ્ય, સ્વર્ગની એકેક દેવીની ઝલક છે દીકરી ઈત્યાદિ સુંદર દીકરી ગીતો છે. પરંતુ તાજેતરમાં સુરતનાં કવયિત્રી યામિની વ્યાસનું દીકરી ગીત સાંભળીને મજા આવી. દીકરી જેવું જ ચંચળ-ચપળ ગીત સ્વરબદ્ધ કર્યું છે સુરતના જાણીતા કમ્પોઝર શૌનક પંડ્યાએ. વહાલ શબ્દ પ્રત્યે યામિનીબહેનને વિશેષ વહાલ છે એટલે એમનાં ગીત-કાવ્યો અને નાટકમાં વહાલ અવારનવાર ડોકાયા કરે છે. લોકડાઉન દરમ્યાન ખરેખર સર્જનાત્મક કાર્યો કેટલાક સર્જકોએ કર્યાં છે એમાંનાં એક યામિની વ્યાસ છે. એમની ફેસબુક વોલ પર વારંવાર એમનાં ગીતો, કાવ્યો રજૂ થતાં રહ્યાં છે. એમણે રક્ષાબંધન પર ભાઈ-બહેનનું સરસ ગીત મૂક્યું હતું તો નવરાત્રિના નવ દિવસ સ્વરચિત સ્તુતિ-ગરબા પ્રસ્તુત કર્યાં હતાં. આ દીકરી ગીત તો બે વાર લખાયું. મૂળ ગીત તેમની પોતાની દીકરી વિશે જ છે પણ બીજા ગીતનું મુખડું એ જ પણ અંતરા બદલાયા છે. બીજા ગીતનો અંતરા આવો છે;
વ્હાલનો દરિયો ઊછળે એવો જોજન જોજનપૂર
હોય પાસ તું બ્રહ્મબ્રહ્માંડો લાગતાં મને દૂર
સાવ રે ખાલી મન, તારાથી ઊભરે છે ભરપૂર
સાવ રે ખાલી મનમાં જાણે કોઈ કવિતા રમે
તું મને એટલી ગમે…!
આ દીકરી ગીત વિશે યામિની વ્યાસ કહે છે કે, ‘મારી દીકરી માટે જ આ ગીત મેં લખ્યું હતું, પરંતુ હવે એ અનેક દીકરીઓનું બની ગયું છે. ઘણાએ જુદી જુદી રીતે ગાયું છે, પરંતુ સુરતના સંગીતકાર શૌનક પંડ્યાએ એને થોડું જુદી રીતે પ્રસ્તુત કર્યું. એ ઘણું લોકપ્રિય થયું. મારાં ગીત-ગઝલનું એક આલબમ પણ શૌનક પંડ્યાએ સરસ કર્યું છે. સ્કૂલ-કોલેજમાં અમે અર્વાચીન ગરબા કરતાં. ગરબા અમારે જ ગાઈને કરવાના એટલે આવર્તનો ગાવાની પણ ટેવ હતી. તેથી આ ગીતમાં એ અનાયાસે આવી ગયું કે તું મને એટલી ગમે, એટલી ગમે. કંકોત્રીઓમાં આ ગીત છપાય છે. નાટકમાં લેવાયું છે અને એના પર નૃત્ય પણ થયાં છે. ગઝલો લખવી મને ગમે છે. ‘તમારી એ આંખોની હરકત નથીને’ સંગીત આલબમમાં મારી આઠ રચના શૌનકભાઈએ સ્વરબદ્ધ કરી છે. રસપ્રદ વાત એ છે કે ગુજરાતના હેલ્થ કમિશનર ડો. અમરજિત સિંહની ખુરશી પાછળ મારી ગઝલ મૂકેલી હતી પણ નામ નહોતું. કોઈક કારણસર મારા ભાઈ એમને મળવા ગયા ત્યારે એમણે એમને કહ્યું કે આ તો મારી બહેનની ગઝલ છે. એમણે એ જ વખતે મને ફોન કરીને ક્ધફર્મ કર્યું અને પછી મારા નામ સાથે મૂકી. ગ્રામ્ય વાતાવરણમાં હું ઊછરી છું, ઘંટી પર અનાજ દળ્યું છે, કૂવે પાણી ભર્યાં છે એટલે મારાં કેટલાંક ગીત લોકગીતો જેવાં બન્યાં છે.’
અલબત્ત, યામિની વ્યાસની ગઝલોમાં ઊંડાણ જોવા મળે છે.
પળેપળનો બદલાવ જોયા કરું છું,
ધરા શું? ગગન શું? સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં,
ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?
તેમ જ,
તમારી એ આંખોની હરકત નથીને?
ફરી આ નવી કોઈ આફત નથીને?
જેવી ગઝલો શૌનકભાઈએ ગઝલના મૂડને અનુરૂપ સુંદર સ્વરબદ્ધ કરી છે.
શૌનક પંડ્યા દીકરી ગીત વિશે કહે છે કે, ‘ગીતનું મુખડું સરસ હતું એટલે મને કમ્પોઝ કરવાની ઈચ્છા થઈ. પહેલી નજરે તો મને રોમેન્ટિક ગીત લાગ્યું હતું. પછી આગળ વાંચતાં ખબર પડી કે આમાં તો મા-દીકરીની વાત છે. મારા મનમાં જુદી ધૂન રમતી હતી એટલે એ પ્રમાણે યામિનીબહેને અંતરાના શબ્દો બદલ્યા. ફાસ્ટ રિધમનું ગીત બન્યું હોવાથી શાળા-કોલેજ, જાહેર મેળાવડા એમ બધે ગવાય છે. યામિનીબહેનનાં ગીત-ગઝલો કમ્પોઝ કરવામાં સરળ હોય છે તેમ જ મીટર પણ બરાબર હોય છે.
બાકી, અત્યારે રમેશ પારેખ કે મનોજ ખંડેરિયા ક્યાં શોધવા? સારાં ગીતો-કાવ્યો મળવાં મુશ્કેલ છે. સંગીત ક્ષેત્રે મેં ગાયું, સ્વરાંકન કર્યાં અને બીજું ઘણું કામ કર્યું. હવે ફરીથી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું છે. હમણાં જ એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કર્યું. આમ છતાં, ઉત્તમ ગીતો મળે તો સ્વરબદ્ધ કરવાં ગમે જ.’
યામિની વ્યાસની ગીતનુમા ગઝલ ભરત પટેલના સ્વરાંકન અને ગાર્ગી વોરાના કંઠમાં સરસ નીખરી ઊઠી છે. ગાર્ગી વોરાએ એ આકાશવાણી રાજકોટ પર રજૂ કરી હતી. ગઝલના શબ્દો છે;
આંગળી પકડીને તારી ચાલવા દે
મા! મને તું આ જગતમાં આવવા દે.
વંશનું તુજ બીજ તો ફણગાવવા દે.
ગોરમાની છાલ લીલી વાવવા દે
તું પરીક્ષણ ભ્રૂણનું શાને કરે છે?
તારી આકૃતિ ફરી સરજાવવા દે.
યામિનીબહેન લેખન, કાવ્ય, ગીત, ગઝલ, ટૂંકીવાર્તા, નવલિકા, લઘુનવલ, સ્ક્રિપ્ટ લેખન ક્ષેત્રે કાર્યરત છે. નાનપણથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ. નાનીમા ગરબા સરસ ગાય એટલે લય પહેલેથી ઘૂંટાતો ગયો હતો. ૨૦૦૨થી તેઓ કવિતા-ગઝલ લખે છે. સ્ત્રી ભ્રૂણહત્યા જેવી ગંભીર સામાજિક સમસ્યા આધારિત એમના નાટક ‘જરા થોભો’એ ૩૫૦થીય વધુ પ્રયોગ કરી જાગૃતિ ફેલાવી છે. રાજ્ય તેમ જ મુંબઈની ભવન્સમાં વ્યક્તિગત રીતે અભિનયનાં અનેક પારિતોષિકો મેળવી તેઓ ગૌરવાન્વિત થયાં છે.
અભિનય અને પ્રસ્તુતિ સાથે પ્રત્યક્ષ સંકળાયેલાં હોવાથી એમનું નાટ્યલેખન ખાસ્સી મંચન સભાનતા દાખવે છે. વિશ્ર્વની તમામ નારીને ‘નમન’ માટેના વિશેષ વિડિયોમાં યામિનીબહેનનું ગીત લેવાયું છે. આમ, સર્જનનાં અનેક ક્ષેત્રે ખેડાણ કરી ચૂકેલાં યામિની વ્યાસનાં ગીતો તક મળે તો જરૂર સાંભળજો.
