સોમીબેને સલ્લુભાઈને કહ્યો: મેલ શોવિનિસ્ટ પિગ
આ ઉપરાંત વૂમન બીટર પણ કહ્યો. કહ્યું કે મને માર માર્યો’તો ‘ને સિગારેટનાં ડામ પણ દીધા’તા એણે. સોડમાં રહીને સોડોમી (Sodomy-ગુદામૈથુન) અને અન્ય જાતીય સતામણી કરી’તી. સાહિરસાહેબનાં શબ્દોમાં मर्दों के लिये हर जुल्म रवां, औरत के लिये रोना भी खता- ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલી પોસ્ટ પછી સોમીબેને ભૂંસી તો ખરી પણ ત્યાં સુધીમાં વાત વાઇરલ થઈ ગઈ.
પાકિસ્તાની-અમેરિકન એક્ટ્રેસ સોમી અલી અને ઇન્ડિયન એક્ટર સલમાન ખાન સને ૧૯૯૧થી ૧૯૯૮ સુધી ડેટિંગ કરતા’તા. જે હમણાં કહી એ તે સમયની વાત છે. હવે વર્ષો પછી સોશિયલ મીડિયા ઉપર આવું ખુલ્લે આમ આરોપનામું મૂકનાર આ સોમી અલી બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે પણ સલમાન ખાનની પ્રેમિકા તરીકે એ વધારે મશહૂર છે. એની છેલ્લી હિન્દી ફિલ્મ હતી: ચૂપ્પ. પણ હવે ચૂપ ન રહેવું એવા નિર્ણય અંતર્ગત એણે પોતાનો બળાપો બહાર કાઢ્યો અને સોશિયલ મીડિયા પર આગ લગાડી દીધી. અમને શબ્દ મળ્યો મેલ શોવિનિસ્ટ પિગ (Male Chauvinist Pig).
‘મેલ’ એટલે નરજાતિનું, પુલ્લિંગી. ‘પિગ’ એટલે ભૂંડ, ડુક્કર. આ જાણે બરાબર. મેલ એટલે પુરુષ એટલે એમ કે સલમાન ભાયડો છે, એ જાણે બરાબર. એને સોમીબેને ભૂંડ કીધો એ પણ જાણે સમજાય. એમ કે શારીરિક સંભોગ જેની નસ નસમાં છે એવો પુરુષ. હવે પુરુષનાં ઑર્ગેઝમ ઉર્ફે મૈથુન આવેશની પરાકાષ્ઠા જેને રતિક્ષણ કે મદનલહેરી પણ કહે છે એ માત્ર થોડી સેકન્ડ્સની હોય છે. પલમાં ખેલ ખલાસ પણ.. ભૂંડમાં એ મૈથુન પરાકાષ્ઠા સરેરાશ ૩૦ મિનિટ્સ ચાલે છે. યસ.. મિનિટ્સ. ભગવાન પણ ભૂંડને વધારે પ્રેમ કરતા હોય એવું લાગે! જો કે પિગ-નો અર્થ અહીં એ નથી. અને આજનાં શબ્દ સમૂહનો ત્રીજો શબ્દ શોવિનિસ્ટ એટલે? ગુજરાતી લેક્સિકન અનુસાર ‘શોવિનિસ્ટ’ એટલે લડાયક સ્વદેશાભિમાનવાળો, કોઈ વસ્તુ વિષે અતિઅભિમાન અને નિષ્ઠાવાળો. આ કાંઈ સમજાયું નહીં..
ગુજરાતી લેક્સિકનમાં ‘મેલ શોવિનિસ્ટ’ શબ્દ પણ છે. જેનો અર્થ થાય છે બીજા પુરુષો વિષેની અતિનિષ્ઠા અને સ્ત્રીઓ વિષે પૂર્વગ્રહ. મૂળ શોવિનિસ્ટ શબ્દ એપોનીમ (Eponym) છે. એપોનીમ એટલે કોઈ માણસ જે શબ્દ બની જાય. જેમ કે બૉયકોટ. અહીં શોવિનિસ્ટ શબ્દ બની ગયેલા માણસનું નામ છે નિકોલસ શોવિન. સને ૧૮૦૩ થી ૧૮૧૫ દરમ્યાન ફ્રેંચ મિલટરી કમાન્ડર અને પોલિટિકલ લીડર નેપોલિયન બોનાપાર્ટની સેનાનો એક સામાન્ય સૈનિક. પણ નેપોલિયનનો પરમ ભક્ત. પોતે યુદ્ધમાં ઘાયલ થયા બાદ રીટાયર થયો ત્યારે મામૂલી પેન્સન મળે, માંડ ઘર ચાલે પણ તો ય મેરા નેપોલિયન મહાન. એટલે સુધી કે નેપોલિયન યુદ્ધમાં હાર્યો, સત્તા છોડવી પડી તો ય શોવિને નેપોલિયનનાં ગુણગાન ગાવાનું ન છોડ્યું. ટૂંકમાં શોવિનિસ્ટ એટલે શોવિન જેવો કોઈ પણ માણસ કે જેનું દેશાભિમાન અસ્ખલિત હોય. નેતા પદભ્રષ્ટ થઈ ગયા હોય તો ય ભક્તિમાં કોઈ ફેર ન પડે. ટૂંકમાં એ જ મહાન, બાકી નેતા વામન.
હવે શોવિનિસ્ટ શબ્દ મેલ કે ફીમેલ બંનેને લાગુ પડે. એટલે જ્યારે પુરુષની વાત હોય તો આગળ મેલ લગાડવું પડે. સને ૧૯૩૫થી મેલ શોવિનિસ્ટ એટલે એવો પુરુષ જે સ્ત્રીની સરખાણીમાં પુરુષ વર્ગને ઉચ્ચ ગણે. સ્ત્રી એટલે તુચ્છ, અધમ, હલકી, કમજાત, ક્ષુદ્ર. નાટ્યકાર ક્લિફર્ડ ઓડેટે એનાં નાટક ‘ટિલ ધ ડે આઈ ડાય’માં આ શબ્દોનો પ્રયોગ કર્યો. પછી તો ૧૯૬૦માં સ્ત્રીને પુરુષ સમોવડી ગણી સમાન અધિકારનાં આંદોલન થયા. અને એમ ‘મેલ શોવિનિસ્ટ’ શબ્દો લોકપ્રિય થયા. એવા સમયે અમેરિકામાં ધોળાં લોકો કાળા લોકોને નીચા ગણતા. કાળા લોકોનાં આંદોલનમાં ધોળાં પોલીસવાળા જુલમ કરતા એટલે એવા ધોળિયાં પોલિસ પિગ ગણાવા લાગ્યા. હવે એનો રેફરન્સ જ્યોર્જ ઓર્વેલનાં ‘એનિમલ ફાર્મ’માંથી મળે છે. બધાને સમાન હક્ક મળે એ માટે ફાર્મનાં માલિક સામે પ્રાણીઓ આંદોલન કરે છે. એક સમરસ સમાજની રચના જેમાં બધા જ બંધનમુક્ત હોય, ખુશ હોય એ હેતુ પણ આંદોલનમાં વિશ્વાસઘાત થાય છે અને એક પિગ એનિમલ ફાર્મનો શાસક બની જાય છે અને એનિમલ્સની સ્થિતિ પહેલા હતી એનાથી બદતર થઈ જાય છે. આ લેન્ડમાર્ક નવલિકા પરથી જન્મેલો ઓર્લિયન શબ્દ પિગ એટલે શાસક, અન્ય પર એનો અનન્ય પ્રભાવ. વળી એ પુરુષ હોય એટલે મેલ. અને શોવિનિસ્ટ એટલે એ એક જ સારો, બાકી બધા નીચ. અને આમ ‘મેલ શોવિનિસ્ટ પિગ’ શબ્દસમૂહ નેશનાલિઝમ(રાષ્ટ્રવાદ)માંથી બહાર નીકળીને રેસિઝમ (વંશવાદ) અને સેક્સિઝમ (લિંગવાદ)નો શબ્દસમૂહ બની ગયો. અહીં પુરુષ ચઢિયાતો અને સ્ત્રી બિચારી બાપડી/અબળા નારી-નો ભાવ ઈનબિલ્ટ છે. પોતે લિંગમાં પુરુષ હોય એટલે સ્ત્રી પર એ ગમે તે કરી શકે, સ્ત્રીને ન ગમે તેવું પણ. અને એ બેફામ કરે, નફ્ફટ થઈને કરે અને… આપણે તો જાણીએ કે કાયદો કાયદાનું કામ ઘણીવાર ન પણ કરે.
એમસીપી એટલે એવી માન્યતા કે સ્ત્રી પુરુષનાં મુકાબલે કુદરતી રીતે નબળી અને બુદ્ધિ વગરની હોય છે. મેલ શોવિનિસ્ટ પિગ એવું માને કોઈ પણ સ્ત્રી ફ્લર્ટ ન કરી શકે, ચીટ તો ન જ કરી શકે પણ પુરુષ માટે એવું કરવું નોર્મલ. સ્ત્રી માટે સમાન હક્કોની હિમાયતની વાત જ વાહિયાત. જીવનમાં સફળ થયેલી સ્ત્રી એટલે અનિષ્ટ. સ્ત્રીને એનાં પુરુષ સાથીદાર કરતા કે એનાં પતિ કરતા ઓછો પગાર મળવો જોઈએ. સ્ત્રીનાં કોઈ પુરુષ મિત્રો તો હોઈ જ ન શકે. પતિને પત્ની સાથે મનફાવે ત્યારે સંભોગ કરવાનો અધિકાર, સ્ત્રીએ ના કહેવાની જ નહીં. ઘરનાં કામ પુરુષ ન કરે. એ માત્ર છાપું વાંચે, ચા પીએ અને ઓડકાર ખાય. સ્ત્રી વાત કરે તો અધવચ્ચે કાપે. સ્ત્રીનો માસિક ધર્મ એને માટે મજાકનો વિષય. સ્ત્રી દેખાવડી જ હોવી જોઈએ અને બુદ્ધિશાળી ન હોવી જોઈએ. પગની પાની-વાળી કહેવત એનાં પરથી જ તો આવી છે. આપણાં લાફ્ટર શોઝ અને કોમેડી નાટકો નરી એમસીપી માનસિકતાનું વરવું પ્રદર્શન છે. આવું હોય તો સ્ત્રીએ શું કરવું? કહી દેવું, સ્પષ્ટ. પતિ પત્ની સાથે કોઈ કાર્યક્રમમાં જાય તો પત્નીએ પતિને પહેલેથી જ કહી દેવું કે પત્નીનાં સાચા જાહેર વખાણ કરવા આવશ્યક છે. આમ જ ટેવ પડે! અને સ્ત્રીએ પોતે એકલો સમય વીતાવવો હોય તો એમસીપીને એવું કહી દેવું, તડ ને ફડ.. ‘સાત પગલાં આકાશમાં’ વાંચી છે?
શબ્દ શેષ:
“મેલ શોવિનિસ્ટ પિગ જન્મતા નથી, એને બનાવવામાં આવે છે અને એને એવા બનાવવામાં સ્ત્રીઓનો મોટો ફાળો છે.” –અમેરિકન ફ્રીલાન્સ જર્નાલિસ્ટ અને નૉવેલિસ્ટ ચક પેલાનિક
