હોમરઃ ઘર આયા મેરા પરદેશી.. .

– -પરેશ વ્યાસ

– જેમ ઇંગ્લિશ ભાષા ઘણાં ભારતીય શબ્દો સ્વીકારી લે છે એમ આપણે પણ મોટું મન રાખીશું તો ટકીશું. 

તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,

ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,

અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;

જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે

ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?

તે ઘર તમે કોને કહો છો?

-નિરંજન ભગત

ડી સેમ્બર એટલે ૨૦૨૨નો અંતિમ મહિનો અને વોટી ઉર્ફે વર્ડ ઓફ ધ યરનું કાઉન્ટ ડાઉન પણ શરૂ. કોલિન્સ ડિક્સનરીનો વોટી ‘પર્માક્રાઇસિસ’ (Permacrisis) વિષે અમે લખી ગયા. ઓક્સફોર્ડ ડિક્સનરીએ ઓણ સાલ પહેલી વાર વોટી માટે જાહેર જનતાનો ઓનલાઈન વોટ લેવાનું નક્કી કર્યું છે.  શોર્ટ લિસ્ટ થયેલાં ત્રણ શબ્દો  વચ્ચે રસાકસી છે. ‘ગોબ્લિન મોડ’ (Globin Mode)-સામાજિક નીતિનિયમની ઐસીતૈસી કરીને પોતાના જ લાભમાં રાચનાર, એદી આળસુ અને ગોબરો.  હેસટેગઆઈસ્ટેન્ડવિથ (#Istandwith)-તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ અને મેટાવર્સ  (Metaverse)-પ્રત્યક્ષ પણ હકીકતમાં નહીં હોય એવી સ્થિતિ. ઓક્સફોર્ડ ડિક્સનરી કહે છે લોકો જ સાચા લવાદ અથવા મધ્યસ્થી છે. ઈ વાત હાચી હોં, પંચ તો પરમેશ્વર કે’વાય! તો હે વાંચક, આપ પણ ઓક્સફોર્ડ વોટી માટે વોટ આપી શકો છો. બે અઠવાડિયા બાદ જે શબ્દ વોટી જાહેર થશે એ વિષે અમે લખીશું. આજનો શબ્દ જો કે કેમ્બ્રિજ ડિક્સનરીનો ગત અઠવાડિયે જાહેર થયેલો વોટી છે. એ છે હોમર (Homer).

કેમ્બ્રિજ ડિક્સનરી કહે છે કે તેમની ઓનલાઈન ડિક્સનરીની વેબસાઇટ ઉપર ‘હોમર’ શબ્દ એનાં અર્થ માટે સૌથી વધારે સર્ચાયેલો શબ્દ છે. આમ તો ઇંગ્લિશ શબ્દ સર્ચ એટલે શોધખોળ કરવી પણ વેબસાઇટનાં ખાંખાંખોળાં માટે સર્ચ શબ્દ વધારે યોગ્ય લાગે એટલે અમે સર્ચાયેલો લખ્યું! જેમ ઇંગ્લિશ ભાષા ઘણાં ભારતીય શબ્દો સ્વીકારી લે છે એમ આપણે પણ મોટું મન રાખીશું તો ટકીશું. આ વર્ષે મે મહિનાની પાંચમી તારીખે એક દિવસમાં આ શબ્દ ૬૫૦૦૦ લોકોએ સર્ચ કર્યો. એનુ કારણ હતું વર્ડલ નામની એક ઓનલાઈન શબ્દરમત, જે અત્યારે સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. પાંચ અક્ષરની રમત છે. રોજ રાતનાં બાર વાગે (અમેરિકન સમય) અપલોડ થાય છે. અને સાચો શબ્દ શું છે?-એ  ધારવા ગામ ગાંડું થાય છે. વર્ડલ રમતનાં સર્જક જૉશ વર્ડલ ન્યૂયૉર્ક સ્થિત સોફ્ટવેર એન્જીનીયર છે. પોતાની પાર્ટનર, મૂળ ગુજરાતી અમેરિકન પ્રેમિકા પલક શાહ માટે એણે આ રમત સર્જી હતી. પછી ન્યૂયૉર્ક ટાઈમ્સ અખબારને વર્ડલ રમત દસ લાખ ડોલર્સમાં વેચી. આજે પલક બહેનને કારણે ‘હોમર’ નામનો પાંચ અક્ષરનો વોટી આપણને મળ્યો. પણ હોમર એટલે? 

ગુજરાતી લેક્સિકન અનુસાર હોમર એટલે ઊડાડીએ પછી ફરી ઘરે પાછું આવનાર કબૂતર. અર્થ સાચો છે હોમરનાં એકથી વધારે અર્થ છે. પુરાણિક હિબ્રુ ભાષામાં હોમર પ્રવાહી માપવાનું એકમ છે. એક હોમર એટલે ૧૦૦ ગેલન્સ એટલે ૩૭૮ લીટર્સ. આ ઉપરાંત હોમરનાં અન્ય અર્થોની વાત કરીએ તો ઈસવી પૂર્વ આઠમી સદીમાં એક હોમર નામક મહાન ગ્રીક કવિ પણ થઈ ગયા. મહાકાવ્ય ઇલિઆડ અને ઓડિસીનાં સર્જક. કિંગ ઓફ પોએટ્સ. જો કે વોટી બનેલો હોમરનો અર્થ આ બે પૈકી એકે ય નથી. એક હોમર છે અમેરિકન કાર્ટૂનનું સૌથી વધારે લોકપ્રિય પાત્ર. સિમ્પસન્સની કાર્ટૂન કથાઓનું મુખ્ય પાત્ર. મૂર્ખ, આળસુ અને એને ગુસ્સો ય આવે. દેખાવે મેદસ્વી, માથે ટાલ વચ્ચે બે બાલ. હોમરની બબાલ ભારે. એની મૂર્ખતા પણ સર્જનાત્મક રીતે બુદ્ધિશાળી. અને કામચોરી તો ખરી જ. કોઈ પણ મિથ્યા આડંબર વિનાની સાધારણ યોગ્યતા ધરાવતું આ પાત્ર દરેક યુગમાં હોય જ છે. અત્યારનાં યુગમાં આપણી પાસે હોમર છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની એક કોલેજે તો તેમના સ્નાતક વર્ગમાં હોમરને માનદ એડમીશન પણ આપી દીધું છે, એમ કે ઓક્સફોર્ડનાં શિક્ષણથી એમાં કોઈ સુધારો થાય!સને ૨૦૦૭માં ધ સિમ્પસન્સ મૂવી આવ્યું, એમાં મુખ્ય પાત્ર અલબત્ત હોમર જ હતું. અમેરિકન હ્યુમરમાં વક્રોક્તિ અને ઉદ્ધતાઈને મૂર્તિમંત કરવામાં હોમરનો ફાળો એટલો બધો કે અમેરિકન પોસ્ટલ ડીપાર્ટમેન્ટે સને ૨૦૦૯માં  હોમર અને સિમ્પસન ફેમિલીનાં અન્ય સભ્યોની એક ટપાલ ટિકિટ બહાર પાડી. ટીવી શૉ ચાલુ હોય ત્યારે જ એનાં સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પડે એવી આ પહેલી ઘટના. અને તેમ છતાં આ વર્ષનો વોટી બન્યો એ હોમર શબ્દનો અર્થ આ બધા સિવાયનો છે. 

આપણાં ક્રિકેટ જેવી જ રમત છે બેઝબોલ. અમેરિકામાં ભારે લોકપ્રિય. નવ નવ ખેલાડીઓની ટીમ સ્પોર્ટ. વારફરતી બેટિંગ કરે અને ફિલ્ડીંગ કરે. એમાંય બેટર હોય. ના, બોલર ન હોય, આઈ મીન બોલરને પીચર કહેવાય અને વિકેટકીપરને કેચર કહેવાય. બોલ અને બેટ તો હોય જ પણ ક્રિકેટ કરતા જુદા. અને ફટકો મારીને દોડે એ રન પણ કહેવાય. જ્યારે કોઈ બેટર સૂર્યકુમાર યાદવની જેમ સિક્સ મારે અને દડો ગ્રાઉન્ડ બહાર પહોંચી જાય ત્યારે દોડવું તો પડે અને આખો રાઉન્ડ પૂરો કરી પોતાની મૂળ જગ્યાએ એટલે કે હોમ પાછો ફરે એ હોમ રન કહેવાય અને એવું કરનાર હોમર કહેવાય.

 તે દિવસની વર્ડલમાં આ અર્થમાં હોમર હતો અને ઉકેલ મળ્યો ત્યારે અનેક લોકોએ ડિક્સનરી સર્ચ કરીને અર્થ ગોત્યો અને એટલે આ શબ્દ વર્ડ ઓફ ધ યર બન્યો.

મહાકવિ હોમરનું મહાન સર્જન ઑડિસી એટલે? ગુજરાતી લેક્સિકન અનુસાર ઑડિસી એટલે લાંબી જોખમકારક, કષ્ટદાયક યાત્રા અથવા યાત્રાનું વર્ણન. હોમર કહે છે આ જીવન યાત્રા જ તો છે. અમેરિકન ફિલ્મ પ્રોડયુસર અને સ્ક્રીનપ્લેરાઇટર ઓલિવર સ્ટોન કહે છે કે હોમરને જોઈએ, એ મહાકાવ્યનાં નાયકની લાંબી યાત્રાને જોઈએ, કેટકેટલાં કષ્ટ, તકલીફ પડી હતી, પછી એ ઘરે પાછો ફર્યો. ધરતીનો છેડો ઘર. સવાલ એ છે કે ઘરે પાછો આવ્યો એ એ જ છે જે ગયો હતો? સાંપ્રત સ્થિતિ સાવ જુદી છે. આજકાલ કમ્યુનિકેશન અફલાતૂન છે. યાત્રા પણ હવે ઉડાન થઈ ગઈ છે. અને હા, ઘણી વ્યક્તિ તો ઘરમાં રહીને પણ કેટકેટલી ઇન્ટરનેટ આડિસી કરી આવે છે. લો બોલો! અરે ભાઈ, વર્ક ફ્રોમ હોમ એ આજકાલ શિરસ્તો છે. હવે સવાલ ફરીથી એ જ છે. પેલા ઊડીને ઘરે પાછા ફરતા કબૂતર હોમરની જેમ. તમે એ જ છો જે ગયા હતા? બાહ્ય પરિવેશ બદલાય પણ માંહ્યલો હજી એ જ હોય એ હોમર સાચો. યસ..હોમર ઘરકૂકડી નથી પણ પછી જ એ એ જ છે જે હતો? 

શબ્દ શેષઃ

‘જો તમે દુનિયાને બદલવા માંગતા હો તો ઘરે જાઓ અને તમારા પરિવારને પ્રેમ કરો.’ -મધર ટેરેસા 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.