સુજાતા/આનંદરાવ

સુજાતાની જિંદગીએ એકાએક પડખું બદલ્યું.

એના ભયાનક સપનામાંથી જાગી જવા એણે બહુ પ્રયત્નો કર્યા. પણ એ સપનું નહોતું.

સુજાતા સામાન્ય સ્ત્રી છે. વલસાડ જિલ્લાના નાના ગામડામાં જન્મીને મોટી થઈ છે. જ્ઞાતિનો સારો છોકરો મળતો હતો એટલે માબાપે લગ્ન ગોઠવી નાખ્યાં. સુજાતા નવમા ધોરણમાં હતી. પતિ દસમું ધોરણ પાસ હતા. એક ધોરણ વધારે ભણેલા. લગ્ન થયાં એટલે સુજાતાએ અભ્યાસ પડતો મૂક્યો અને સંસારમાં જોતરાઈ ગઈ. બે છોકરા પણ થઈ ગયાં. પતિ પણ અભ્યાસ છોડીને એમના બાપદાદાની પાંચસાત વીઘા જમીન હતી એ ખેડીને ગુજરાન ચલાવતા હતા.

મોટાં નણંદ ભણેલાં હતાં. શહેરની કૉલેજમાં ખાસું ભણ્યાં હતાં. ભણીને એ જ કૉલેજમાં નોકરી કરવા લાગ્યા હતાં. ત્યાં જ કોઈ છોકરા સાથે ઓળખાણ થઈ અને એ પરનાતનો હતો તો ય એની સાથે લગ્ન કરી લીધાં. કુટુંબીઓ બધાં બહુ અકળાયેલાં પણ કોઈનું કશું ચાલ્યું નહોતું.

થોડા વખત પછી નણંદ અને નણંદોઈ અમેરિકા જતાં રહ્યાં.

અમેરિકાની સુખ-સગવડો વિશે તો સુજાતાએ એની બહેનપણીઓ પાસેથી ખૂબ સાંભળ્યું હતું. એની જેમ જ ભણતર પડતું મૂકીને એની એક બે બહેનપણીઓ પરણીને તરત જ અમેરિકા ભેગી થઈ ગઈ હતી. એ બહેનપણીઓ કોઈક વાર દેશમાં આવતી ત્યારે એમની પાસેથી અમેરિકાની જાહોજલાલી અને સુખ સગવડોની વાતો સાંભળવા મળતી.

નણંદબા અમેરિકા ગયાં ત્યારથી સુજાતાને પણ અમેરિકા જવાની લગની લાગી ગઈ હતી. પૂછપરછ કરી કરીને એણે એટલું જ્ઞાન મેળવી લીધું કે નણંદબા જો એમના નાનાભાઈની ‘ફાઈલ’ મુકે અને ‘સ્પૉન્સર’ કરે તો આખા કુટુંબ સાથે એનાથી પણ સહેલાઈથી અમેરિકા જવાય અને સુખની જિંદગી જીવાય. ‘ફાઈલ’ કે ‘સ્પૉન્સર’ એટલે શું એ બાબતની એને કંઈ ગતાગમ હતી નહીં. પણ અમેરિકા જવાનો પોતાને માટે તો આ જ એક રસ્તો છે એટલું એણે પાકે પાયે શોધી કાઢ્યું હતું.

નણંદ આઠ-દસ વર્ષથી અમેરિકામાં છે. પૈસે ટકે સદ્ધર થઈ ગયાં છે. બાગ બગીચાવાળો મોટો બંગલો ખરીદ્યો છે. નણંદોઈને કોઈ મોટી કંપનીના હોદ્દેદાર તરીકે મોટો પગાર મળે છે. નણંદબા ભણેલાં છે એટલે એમને પણ સારા પગારની નોકરી છે.

સુજાતા નણંદને વારંવાર સમજાવીને લખ્યા કરતી કે ‘તમારા ભાઈની’ ફાઈલ વહેલી તકે મૂકી દો તો સારું જેથી અમેરિકા આવીને અમે અને અમારાં બે છોકરાં પણ સુખના દિવસો જોઈ શકીએ. નણંદ ઇન્ડિયા આવતાં ત્યારે પણ સતત કહ્યા કરતી કે ‘તમારા ભાઈની ફાઈલ મૂકો …. ફાઈલ મૂકો ….’

છેવટે, બહુ આનંદથી નણંદ ફાઈલ મૂકવા તૈયાર થયાં. પણ પછી સુજાતાને ખબર પડી કે આ રીતની ફાઈલથી તો બાર-પંદર વર્ષે અમેરિકા જવાનો પત્તો લાગે. ત્યાં સુધીમાં તો શું નું શું થઈ જાય. મહેનત કરવા માટે જુવાનીનું જોમ જતું રહે. ઘડપણ પણ બારણું ખખડાવવા લાગે. પછી માંદલું કે થાકેલું શરીર ત્યાં લઈ જઈને શું કરવાનું ? ગમે તે મજૂરીનું કામ કે નાનો મોટો પોતાનો ધંધો કેવી રીતે થાય ! નણંદની ‘ફાઈલ’ તો અમેરિકા જવા માટેનો બહુ જ લાંબો રસ્તો ગણાય. એની અકળામણ વધવા લાગી. અમેરિકા વહેલા જવાનો કોઈ બીજો રસ્તો જ નહીં હોય ! એવું તો બને નહીં. એને હવે અમેરિકા જવાની ધૂન લાગી ગઈ હતી. ધીરજ સાવ ખૂટી ગઈ હતી. સતત અમેરિકાના જ વિચારો આવ્યા કરતા હતા. મારાં છોકરાંને ત્યાં કેવું સરસ ભણવા મળશે ! કેવાં સરસ સુખી થઈ જાય !

સવારે નળમાંથી પાણી જતું રહે તે પહેલાં ચોકડીમાં ડોલ, ધોકો અને સાબુ લઈને કપડાં ધોવા બેસતી ત્યારે …. અમેરિકામાં તો કપડાં ધોવાનાં અને સૂકવવાનાં પણ મશીન ! કેવી નિરાંત ! મશીનમાં કપડાં ધોવાથી બચેલો એ સમય પૈસા કમાવાની મજૂરીમાં વાપરી શકાય ને ! પણ એ અમેરિકામાં જવાશે ક્યારે અને કેવી રીતે ? દિવસે દિવસે એની તાલાવેલી, એની અધીરાઈ વધતી જતી હતી.

બપોરનાં વાસણ અને કચરા પોતાં કરતી વખતે પણ …. અમેરિકામાં તો ઊભાં ઊભાં જ નળના પાણી નીચે વાસણ સાફ કરી નંખાય. વધારે પડતાં વાસણો થાય તો એ ધોવાનું પણ મશીન ! ચોવીસે કલાક ઠંડું-ગરમ પાણી ચાલુ જ હોય. એના મનમાં સતત અમેરિકાની સવલતો જ ઘૂમરાયા કરતી હતી. એ વિચાર્યા કરતી કે જો આગળ વધવું હોય, જિંદગી સુધારવી હોય અને જીવનમાં કંઈક અર્થવાળું કાર્ય કરવું હોય તો હવે ગમેતેમ કરીને અમેરિકા ગયા વિના છૂટકો નથી.

કેટલાક સંબંધીઓએ સલાહ આપીએ કે 12-15 વર્ષ રાહ જોવી ના હોય તો થોડા વખતના વિઝિટર વીઝા ઉપર જવાનો પ્રયત્ન કરો. પછી તો ત્યાં રહી પડવાનું. કેટલા ય લોકો એવું કરે છે. સુજાતાને પણ આ વિચાર ગમ્યો. એના પતિને પણ એ વિચાર ગમ્યો. એમણે એક રીઢા અને અનુભવી ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કર્યો. એજન્ટના કહેવા પ્રમાણેનાં જરૂરી કાગળિયાં મોકલી આપવા અમેરિકા નણંદને જણાવ્યું. થોડા દિવસ પછી એ બધાં જરૂરી કાગળિયાં આવી જતાં, એજન્ટના માર્ગદર્શન પ્રમાણે, એ લઈને આખું કુટુંબ નક્કી કરેલા દિવસે વિઝિટર-વીઝાનું નસીબ અજમાવવા મુંબઈ, અમેરિકન કૉન્સુલેટની ઑફિસમાં ઉપડ્યું. ઑફિસમાં ઠાંસોઠાંસ ગિર્દી હતી. લોકોના પાસપોર્ટમાં ફટાફટ સિક્કા મરાતા હતા – ‘હા’ અથવા ‘ના’ જેમના પાસપોર્ટના મોઢામાં ‘હા’નું મધ પડતું એમના આનંદનો તરવરાટ છુપ્યો છૂપાતો નહોતો. વિઝાના પૈસા ભરવાની બારીએ જતાં એમની ચાલમાં નરી ઉત્તેજના ઉભરાતી. અને જેમના પાસપોર્ટની છાતીમાં ‘ના’ની કટાર ભોંકાઈ હોય એમના મોં ઉપર અસહ્ય વેદના દેખાતી હતી. નિરાશાની ઊંડી ખીણમાં ફેંકાઈ ગયા હોય એવી ગભરામણ, એવી લાચારી એમના મોં ઉપર દેખાતી.

સુજાતા અને એનું કુટુંબ પણ લાઇનમાં ગોઠવાઈ ગયું હતું. સુજાતાનું હૈયું ધડક ધડક થયા કરતું હતું. પોતાનું શું થશે ? ‘હા’ કે ‘ના’ ? પસીનાથી હથેળીઓ ભીની થયા કરતી હતી. જેમ જેમ નંબર આગળ વધતો જતો હતો તેમ તેમ એને વધારે હાંફ ચઢતો, જતો હતો. ક્યારેક નાની બેબી ઉપર કે પાછળ ઊભેલા પતિ ઉપર અકળાયેલી નજરે એ જોઈ લેતી. એને ચેન પડતું નહોતું. ઘરેથી નીકળતાં પહેલાં એણે કેટલીયે વાર ‘હા’ ‘ના’ની ચિઠ્ઠીઓ પોતાની નાની બેબી પાસે ઉપડાવી હતી. નાનું બાળક નિર્દોષ હોય. એ જે ઉપાડે તે સાચું જ હોય એવું માનતી. બેબીએ ઉપાડેલી ચિઠ્ઠીમાં ‘ના’ આવે તો ફરી ત્રણ વાર ચિઠ્ઠી ઉપાડવાની અને એમાં બે વાર હોય તે ગણવાનું એ રીતે મન મનાવતી. વીઝા મળી જશે તો ભગવાનને ખુશ કરવા પોતે શું શું કરશે એની કેટલીયે માનતાઓ મનોમન માની હતી.

વીઝા મળી જાય તો નણંદબા બધી ટિકિટો મોકલવાનાં હતાં. ત્યાં પહોંચ્યા પછી, થાળે પડીને, એમને એ બધા પૈસા ભરપાઈ કરી દેવાના હતા. એક વાર ત્યાં પહોંચ્યા પછી ચાર ટિકિટોના પૈસા કમાવા બહુ અઘરા નથી હોતા એવો બધાનો અનુભવ એણે સાંભળ્યો હતો.

અમેરિકાના સપનાં જોતી, આજે આ વીઝાનું શું થશે … શું થશે … એવા ફફડાટમાં ઝોલાં ખાતી, પોતાના વારાની રાહ જોતી, એ અદ્ધર જીવે ઑફિસમાં બેઠી હતી. અત્યાર સુધીમાં કેટલીયે વાર એણે એના પતિને બધાં કાગળિયાં બરાબર છે કે નહીં એ તપાસીને ખાતરી કરી લેવા કહી નાખ્યું હતું.

એમના નામની બૂમ પડી.

ધડ દઈને એ ઊભી થઈ. પતિને જલદી આગળ થવા કહ્યું. હાથમાં બધાં કાગળિયાં બરાબર છે કે નહીં એની ખાતરી કરી લેવા ફરી ટોક્યા. બાજુમાં કોઈને સંભળાય નહીં એ રીતે એણે પતિને સૂચના આપી. ‘જે પૂછે એના બરાબર જવાબ આપજો. કશું બાફતા નહીં. સેહેજ ગભરાતાં નહીં. હમજ્યા ?’ વીઝાની બારી પાસે પહોંચવાનું અંતર જેમ જેમ ઘટતું જતું હતું તેમ તેમ એના ધબકારા વધતા જતા હતા. ‘આ પાર’ કે ‘પેલી પાર’ ની આ ઘડી હતી. તરવા કે ડુબવાની આ ક્ષણ હતી.

બારીએ પહોંચ્યા પછી પેલા કારકુન ગુજરાતી દુભાષિયા દ્વારા થોડા સવાલ કર્યા. પતિએ ગરીબડા થઈને બધા જવાબ આપ્યા. કારકુને ગોરા અમેરિકન અધિકારી સાથે કંઈક મસલત કરી. સુજાતાનું કલેજું ફાટફાટ થતું હતું. આ એ જ ક્ષણ હતી જેમાં પ્રારબ્ધ પલ્ટાવાનું હતું. પેલા કારકુનના હાથમાં એના નસીબની ચાવી હતી. એ કારકુન હવે આ ક્ષણે શું કરશે ….?? અદ્ધર શ્વાસે સુજાતા એની સામે તાકી રહી હતી. આ ગોરો અધિકારી અને આ કારકુન અમારા નસીબ ઉપર મોટો પથરો મારીને આખું ભવિષ્ય છુંદી નાખશે કે પછી અમેરિકાનું બારણું ખોલી આપશે ! આ પાંચ સાત ક્ષણો એને અનંત કાળ જેવી લાંબી અમે અસહ્ય લાગતી હતી. મનમાં ને મનમાં એ બબડવા લાગી ‘હે મારા નાથ ! કૃપા દૃષ્ટિ રાખજે.’ કારકુનના મોંમાંથી ક્યા બોલ બહાર પડે છે તે સાંભળવા એના શ્વાસ અદ્ધર રોકાઈ ગયા હતા. કારકુનના મોં ઉપરથી એની નજર ખસતી નહોતી. હૈયું બાળીને ખાખ કરી નાખે એવો …. ‘ના’ કે પછી પુષ્પવૃષ્ટિ થતી હોય એવો આલ્હાદક ‘હા’ શબ્દ કારકુનના મોંમાંથી બહાર આવશે !! શું થશે !

કારકુને એની ટેવ મુજબ બધાંના પાસપોર્ટમાં ધબાધબ કંઈક સિક્કા માર્યા.

પછી એનું મોં ખૂલ્યું. એ બોલ્યો ….

‘લો …. આ બધાં કાગળિયાં …. જાવ, પેલી બારીએ જઈને પૈસા ભરી દો.’

સુજાતાના આખા શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઈ. બધાંના પાસપોર્ટમાં અમેરિકાનું પ્રવેશ દ્વાર ખોલી આપતા ‘વિઝિટર-વીઝા’ના સિક્કા મારી દીધા હતા. સુજાતાના માન્યામાં નહોતું આવતું. એનો હરખ બેકાબૂ થઈ ગયો હતો. અડધી ગાંડી થઈ ગઈ હોય એટલો ઉત્સાહ, એટલો થનગનાટ સુજાતાની રગેરગમાં દોડવા લાગ્યો. જલદી જલદી પૈસા ભરી દેવા એણે પતિને દબાણ કરવા માંડ્યું. રખેને કદાચ આ વીઝાવાળાઓનો વિચાર બદલાઈ જાય અને પાછા ‘ના’ પાડી દે તો !

બધી વિધિ પતાવી દીધી. આ વીઝાથી તો હવે આખી જિંદગી પલ્ટાઈ જવાની છે. વીઝાના સિક્કાવાળા એ પાસપોર્ટને જીવના જોખમની જેમ કાળજીપૂર્વક સાચવતી, ખુશખુશાલ થતી, છોકરાં અને પતિ સાથે, એ કૉન્સુલેટની ઑફિસમાંથી બહાર નીકળી.

ઑફિસની અંદર તો બહુ મીઠી ઠંડક હતી. પણ બહાર નીકળતાં મે મહિનાની ગરમી શરીરને ઊભું બાળી નાખે એવી હતી. બન્ને છોકરાં થાકીને લોથ થયાં હતાં. ભૂખ્યાં પણ થયાં હતાં. પોતાને પણ હવે ભૂખ લાગી હતી. વીઝા ના મળ્યા હોત તો ભૂખ પણ મરી ગઈ હોત. પરંતુ હવે તો આખું જગ જીત્યા જેટલો ઉંમગ ઉભરાતો હતો.

‘આપણે સામેની હોટલમાં જઈને છોકરાંને કંઈક ખવરાવીએ. બહુ ભૂખ્યાં થયાં છે. મને પણ ભૂખ લાગી છે.’ આખું ફેમિલી સંતોષથી જમીને હોટલની બહાર નીકળ્યું.

‘આપણે ટેકસી કરીને જ છેક ગામડે પહોંચી જઈશું ?’ એણે પતિને પૂછયું.

પતિદેવ પણ આજે બેહદ ખુશ હતા. અમેરિકા જઈને હવે તો મહેનત કરીને ડૉલર કમાવાના છીએ. ટેક્સી માટે એ સંમત થઈ ગયા.

‘ભલે …. આજે થઈ જાય ટેક્સી …. અમેરિકામાં હવે કમાવાનું જ છે ને.’ એમણે ત્યાંથી પસાર થતી એક ટેક્સીને હાથ ઊંચો કર્યો. ટેક્સી ઊભી રહી. પેટ્રોલના ધુમાડા ઉપરાંત એ ટેક્સીમાં મુંબઈની એક આગવી, વિશિષ્ટ વાસ હોય છે. પતિદેવે ડ્રાઇવર સાથે થોડી લમણાઝીક કરી અને છેક ગામડે સુધી લઈ જવાનું ઉચક ભાડું ઠરાવ્યું. ઉત્તેજીત થયેલાં છોકરાં પાછળની સીટમાં કૂદી પડ્યાં. સુજાતા પણ એ જ સીટમાં ગોઠવાઈ. પતિદેવ ડ્રાઇવરની બાજુની આગળની સીટમાં વટથી બેઠા.

મુંબઈની એ ગિરદીમાંથી, સતત હોર્નના અવાજે બધાને દૂર કરતો કરતો, ડ્રાઇવર ટેક્સી હાઈવે ઉપર લાવ્યો. હવે ટેક્સીએ થોડી સ્પીડ પકડી.

પાછળ બેઠી બેઠી સુજાતા હવે શું શું ખરીદવું એની યાદી મનમાં કરતી હતી. નણંદ માટે શું શું લઈ જવું, નણંદોઈ માટે શું લઈ જવું. એમનાં છોકરાં માટે શું શું લઈ જવું. નણંદબા મરી મસાલા, અથાણાં, કપડાં કે એવી કોઈ ચીજો મંગાવે તો એની તૈયારી કેવી રીતે કરવી …. આ વિચારોમાં ખોવાઈ ગઈ હતી. ટેક્સી આગળ વધતી હતી.

અચાનક, કાન ચીરી નાખે એવા મોટા ધડાકા સાથે સુજાતા અને છોકરાં ટેક્સીની આગળની સીટ સાથે પછડાયાં. સામેથી પૂરપાટ આવતી એક મોટી ટ્રક ટેક્સી સાથે અથડાઈ ગઈ હતી. ટેક્સીની આગળનો ભાગ સાવ ચેપાઈ ગયો હતો. ધુમાડા નીકળવા શરૂ થઈ ગયા હતા. ડ્રાઇવરનો આખો ચહેરો લોહી લુહાણ થઈ ગતો હતો. એ બેભાન અવસ્થામાં અંદર ઢળી પડ્યો હતો. ડ્રાઇવરની બાજુમાં આગળ બેઠેલા એના પતિનો દેહ તો સાવ છુંદાઈ ગયો હતો. લોહી લુહાણ થયેલું એમનું અર્ધું શરીર તૂટી ગયેલા બારણામાંથી અડધું બહાર લટકતું હતું. એમની છાતીમાંથી બેસુમાર લોહી વહે જતું હતું. વેદનાની ચીસો સંભળાતી હતી.

પાછળની સીટમાં બેઠેલાં છોકરાં અને સુજાતાને પણ વાગ્યું તો હતું પણ એ બધાં ભાનમાં હતાં. આ એક્સિડંટથી એ બધાં ફફડી ઉઠ્યાં હતાં. રોકકળ શરૂ થઈ ગઈ હતી. ડ્રાઇવર અને પતિની લોહી લુહાણ હાલત જોઈને એ બધાં ડઘાઈ ગયાં હતાં એ બન્ને આગળના ભાગમાં બેભાન પડ્યા હતાં.

જોત જોતાંમાં આસપાસના લોકો ભેગા થઈ ગયા. બૂમાબૂમ શરૂ થઈ ગઈ. સૌ પોતાનાથી બનતી મદદ કરવા મંડી પડ્યા કોઈકે પોલિસને ફોન કર્યો. એમ્બ્યુલન્સ પણ આવી. ડ્રાઇવર અને સુજાતાના પતિને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

બે કલાક પછી ડૉક્ટરે સમાચાર આપ્યા કે ડ્રાઇવર અને સુજાતાના પતિ-એ બન્નેનું મૃત્યુ થયું છે. કોઈને બચાવી શકાયા નથી.

સમાચાર સાંભળતાં જ સુજાતાનું હૈયું જાણે ફાટી ગયું. પોતાના વાળ ખેંચીને એણે ચીસ પાડી. લોકોએ એને સંભાળવા માંડી. આવા સમયે લોકોમાં પડેલી માનવતા અચાનક બહાર આવી જાય છે.

*   *   *

અમેરિકાથી નણંદબા તાત્કાલિક આવી ગયાં. ત્રણ અઠવાડિયાં સુજાતા સાથે રહ્યાં. ભાઈના મૃત્યુ પાછળનો બધી વિધિ પતાવ્યા. જતાં જતાં એમણે સુજાતાને સલાહ આપી ….

‘ભાભી, હવે શાંતિથી મારી વાત સાંભળો. ખોટું ના લગાડશો. અને મારા વિશે ઊંધું ના સમજી બેસશો.’   સાડલાના છેડાથી આંસુ અને નાક લૂછતાં સુજાતાએ નણંદ સામે જોયું. નણંદે સુજાતાના ખભા ઉપર હાથ મુક્યો અને મૃદુ અવાજે બોલ્યાં …

‘ભાભી, આ સંજોગોમાં તમે હવે અમેરિકા આવવાનું કેન્સલ કરો. બે નાનાં છોકરાંને લઈને તમે ત્યાં શું કરશો ? ભણતર વગર સારી નોકરી મળે નહીં. બે નાનાં છોકરાં ઉછેરતાં ઉછેરતાં જ્યાં ત્યાં મજૂરી કરવી એ અમેરિકામાં સહેલું નથી અને સલામત પણ નથી.’

નણંદબા આ શબ્દો મોટા હથોડાના ફટકાની જેમ સુજાતાના હૈયા ઉપર વાગ્યા. અમેરિકા આવવાનું કેન્સલ ! એની જિંદગી જાણે એકાએક ત્યાં જ થંભી ગઈ હોય એવું એને લાગ્યું. એ જ ક્ષણે જિંદગી ત્યાં જ થીજી ગયેલી લાગી. પેલા કારકુને વિઝા આપીને એ ક્ષણે અમેરિકાનું બારણું ખોલી આપ્યું હતું. નણંદબાએ આ ક્ષણે એ બારણું ધડ દઈને બંધ કરી દીધું … એને તો હતું કે નણંદબા ઉલ્ટાના એનાં છોકરાંને એમની પાંખમાં લઈને હૂંફ આપશે ! પરંતુ સુજાતાને ખબર નહોતી કે જિંદગી પડખાં બદલતી રહે છે. એક ક્ષણે આનંદના શિખર ઉપર લઈ જાય અને કઈ ક્ષણે અંધારી ખીણમાં ધકેલી દે એ કહેવાય નહીં.

‘નણંદબા … આઆઆ …’ ચોધાર આંસુએ ધ્રૂસકાં લેતી સુજાતાનો અવાજ આ અણધાર્યા આઘાતથી ફાટી ગયો. ‘નણંદબા, આ ..આ ..આ .. તમે શું બોલો છો ? અમારું અમેરિકા આવવાનું કેન્સલ ! હવે અહીં અમારું કોણ રહ્યું છે? તમારા ભાઈ ગયા એટલે હું હવે તમારી કોઈ નહીં ! મારાં છોકરાંનો તો વિચાર કરો. નણંદબા, અમને ત્યાં આવવા દો. તમે ફક્ત થોડા દિવસ માટે જ સાથ આપજો. પછી હું મારો રસ્તો કરી લઈશ. હું હાથ જોડીને તમને વિનંતી કરું છું.’

‘ભાભી, તમે અકળાશો નહીં. હું તમને અને બાળકોને અહીં પૈસે ટકે અગવડ નહીં પડવા દઉં. પણ તમે હવે અમેરિકાનો મોહ છોડો … ત્યાં આ છોકરાં સાથે તમારાથી એકલા હાથે પહોંચી નહીં વળાય. ભાઈ હોત તો વાત જુદી હતી. ભાભી, આ બહુ વ્યવહારુ વાત છે. પ્રૅક્ટિકલ વાત છે.’

‘ના …. નણંદબા …ના. એવું ના કરશો. હું પહોંચી વળીશ.’

નણંદ મૌન રહ્યાં. ભાભીને અત્યારે reality સમજાવી શકાય એવું નહોતું.

એરપોર્ટ ઉપર જવા બહાર ટેક્સીમાં સમાન ગોઠવાઈ જતો હતો. ટેક્સીવાળાએ હળવું હોર્ન માર્યું ભાભીનું અમેરિકા આવવાનું કેન્સલ કરાવ્યા બદલ પોતે ખૂબ ગિલ્ટી હોય એવા ભારે હૈયે, આંસું લૂછતાં, નણંદ ટેક્સીમાં ગોઠવાયાં. અમેરિકાની આખી ફલાઈટ દરમ્યાન પણ આ ધર્મસંકટ વિશે, આ વિકટ પરિસ્થિતિ વિષે એ ચુપચાપ આંસું સારતાં રહ્યાં – ‘ભાભીને કદાચ હું બહુ ક્રૂર લાગી હોઈશ પણ ….’ 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.