સિચ્યુએશનશિપ: સ્ત્રી અને પુરુષ- સંબંધ સાચો, કલેવર તકલાદી
( પરેશવ્યાસ શબ્દસંહિતા, શતદલ, ગુજરાત સમાચાર)
हमने देखी है उन आँखों की महकती ख़ुशबू
हाथ से छू के इसे रिश्तों का इल्ज़ाम न दो
सिर्फ़ एहसास है ये रूह से महसूस करो
प्यार को प्यार ही रहने दो कोई नाम न दो –गुलज़ार, ‘खामोशी’ 1969
સંબંધ સંબંધ છે. પવિત્ર અને અપવિત્ર-નાં ડિજિટલ ત્રાજવે એને ન તોલવો જોઈએ. મૈત્રી છે, સગાઈ થઈ ગઇ, લગ્નનાં બંધનમાં ગંઠાઈ ગયા. પણ કોઈ કોઈ કિસ્સા-એ-સંબંધ ડીફાઇન ન થઈ શકે, એવા ય હોય. ઇટ્સ ફાઇન, યૂ સી! ફલાણો પુરુષ અને ઢીંકણી સ્ત્રી વચ્ચેનો સંબંધ શું છે?- એ કહેવું કોઈ વાર અઘરું થઈ પડે. ગુલઝાર સાહેબે ભલે ના પાડી કે કોમ્પલિકેટ સંબંધને કોઈ નામ ન આપવું પણ…. આજે પચાસ વર્ષે એનું નામ આવી ગ્યુ છે, બાપ! કેટલાંક શબ્દો જો કે એમાં વચ્ચે વચ્ચે આવી ગયા હતા, જેમ કે વન નાઈટ સ્ટેન્ડ, ડેટિંગ, હૂકઅપ, ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ વગેરે. આ શબ્દો આજે પણ છે અને પુરુષ અને સ્ત્રી વચ્ચેનાં અવધિસરનાં કામુક સંબંધનાં અર્થને દર્શાવે છે. આજનો શબ્દ ‘સિચ્યુએશનશિપ’ (Situationship) પુરુષ અને સ્ત્રીનાં નાજુક સંબંધનું નવું નામ છે. માત્ર રૂહથી જ મહેસૂસ કરવાની વાત અહીં નથી. હાથથી જ નહીં પણ આખા શરીરથી અડાબીડ અડવાની વાત અહીં છે. આંખની મહકતી ખુશ્બૂ સિવાય પણ ઘણાં બોડી ડીઓડરન્ટની જરૂર અહીં પડે છે. એવું પણ કહે છે કે આ વિન-વિન સંબંધ છે. બેઉને ફાવતું મળી જાય છે, બેઉ જણ રાજી તો કયા કરેગા સમાજ?!!
આ સંબંધ અલબત્ત કામચલાઉ છે. સસ્તો અને સારો સંબંધ એ હોઈ શકે પણ એ ટકાઉ નથી. સિચ્યુએશનશિપ પુરુષ અને સ્ત્રી વચ્ચેનો માત્ર સેકસ સંબંધ જ છે, એવું પણ નથી. એ તો હૂક અપ થયું. મિત્રતા હોય પણ સેકસ સંબંધ વર્જ્ય ન હોય એ ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ થયું પણ અહીં તો એનાથી આગળ જવાની વાત છે. પણ…..આજીવન સાથે રહેવાના કે સાથે રહીને ઘરડાં થવાનાં કોલ દેવાની વાત અહીં નથી. સાથ જીયેંગે, સાથ મરેંગે? ના રે ના… એવો ય જમાનો હતો જ્યાં જન્મ જન્માંતરનાં સંબંધોની વાતો થતી. અનેક વ્રત રખાતા. ભવ ભવ આ જ પતિ (કે આ જ પત્ની મળે) એવા આશીર્વાદ મંગાતા. અને હવેનો જમાનો જુઓ. અહીં એક જન્મમાં પણ આજન્મ બંધનમાં બંધાવા તૈયાર નથી આપણી આ યુવા પેઢી. માટે.. ફાવે કે ન ફાવે તો પણ પુરુષ અને સ્ત્રીએ આજીવન સાથે રહીને એક બીજાને જીવનભર વેંઢારતા રહેવું, પંજેલતા રહેવું એ જ સાચો સંબંધ- એવો અમારો કોઈ દાવો નથી. અમે માત્ર એટલું જ કહીએ છીએ કે આ એ શબ્દ છે જેનો સમય હવે આવી ગયો છે. અને ભાઈ (અથવા બે’ન) આ શબ્દસંહિતા છે, આચારસંહિતા નથી.
કોઈ પણ ઇંગ્લિશ શબ્દની પાછળ ‘-શિપ’ લાગે એ ગુણવત્તા, પરિસ્થિતિ, પ્રક્રિયા, કર્મ, કૌશલ્ય, ક્ષમતા, હોદ્દો કે બે વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આવા શબ્દો છે ફ્રેન્ડશિપ, ટાઉનશિપ, ફેલોશિપ, લોર્ડશિપ, રીડરશિપ, ક્લર્કશિપ, ઇન્ટર્નશિપ, વ્યૂઅરશિપ વગેરે. એવો જ ‘સિચ્યુએશનશિપ’ (Situationship) શબ્દ વર્ષ ૨૦૨૨નાં ટ્રેન્ડિંગ શબ્દો પૈકીનો એક છે. અત્યારે આ શબ્દનું ચલણ વધારે છે. ન્યૂઝચેનલ વિઓન લખે છે કે આ શબ્દ જનરેશન ઝેડ-નો પ્રિય શબ્દ છે. જનરેશન ઝેડ એટલે ૧૯૯૫થી ૨૦૧૦ વચ્ચે જન્મેલા લોકો. સિચ્યુએશનશિપ શબ્દ ગુજરાતી લેક્સિકનમાં નથી. દુનિયાની મોટાભાગની ઇંગ્લિશ ડિક્સનરીઝમાં પણ નથી. પણ આવશે જરૂર. છેલ્લાં એક મહિનામાં ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ, ઇન્ડિયાટાઈમ્સ સહિત ઘણી દેશી વિદેશી ન્યૂઝ એજન્સીઝ આ શબ્દ પર લેખો લખી ચૂકી છે. ડિક્સનરીઝમાં શામેલ થવા કેદા’ડાનો પૈણું પૈણું કરતો આ ભાવિ શબ્દ પૂછે છે: “સ્વાગત નહીં કરોગે?!”
સિચ્યુએશનશિપ એટલે ફ્રેન્ડશિપથી વધારે પણ રીલેશનશિપથી ઓછું. રીલેશનશિપ એટલે સગપણ અને ફ્રેન્ડશિપ તો આપણે જાણીએ જ છે. મૈત્રી, દોસ્તી, ભાઈબંધી. (ના, અમે નથી જાણતા કે બહેનબંધી જેવો શબ્દ કેમ નથી?) પણ એ નક્કી કે આપણો આજનો શબ્દ બે વ્યક્તિ, ખાસ કરીને પુરુષ અને સ્ત્રી વચ્ચેનો નાજુક સંબંધ બતાવે છે. આ શબ્દ કૌટુંબિક સંબંધનો શબ્દ નથી. પુરુષ અને સ્ત્રી વચ્ચે અહીં સહવાસ છે. લાગણીનું એટેચમેન્ટ છે પણ લાગણીનો અત્યાચાર નથી. અહીં સમજણ છે પણ અપેક્ષા નથી. જેવો છે તેવો સ્વીકાર છે. આવું કર- એવો આગ્રહ નથી. આવું ન કર- એવી ચૂંધી નથી. નામ વિનાનું સગપણ છે આ. અને બેઉને એમ ગમે છે. જ્યારે એકબીજાથી ઓચાઈ જવાની સ્થિતિ આવે તો છૂટા પડવું, એ કન્ડિશન એપ્લાઈડ છે. આ સ્થિતિ થોડી અઘરી તો ખરી પણ ખાસ વાંધો આવતો નથી. થોડો સમય અડવું અડવું લાગે પણ પછી બીજું કોઈ પાત્ર મળી જાય અને અડવાની આભડછેટ દૂર થઈ જાય. આજકાલ ઈમોશનલ એડજસ્ટમેન્ટ ઇઝી છે. ખાસ રડાકૂટો નથી. કારણ કે જ્યારે સિચ્યુએશનશિપમાં પહેલી વાર લપેટાયા હતા ત્યારે જ તય હતું કે આ સંબંધ આમ ક્ષણભંગુર તો નહીં પણ મહીનાભંગુર કે વર્ષભંગુર તો રહેશે. સંબંધની ઘડભાંજ છે આ. ઘડવું અને ભાંગવું. સિચ્યુએશનશિપમાં જેની સાથે ચાલુ હોઈએ ત્યાં જ સામાન્ય રીતે ચાલુ રહેવાની વાત છે. અન્યત્ર ડાફરિયાં મારવાની છૂટ નથી. જો અન્ય સાથે મેળ પડતો જણાય તો છૂટથી પેટછૂટી વાત કરી લેવી. કારણ કે સિચ્યુએશનશિપ એ અવિધિસરનો વિધિસર સંબંધ છે. છેતરપીંડી પર અહીં પ્રતિબંધ છે.
આજનાં જમાનાનાં દકિયાનૂસી બૂઢિયાંઓને સિચ્યુએશનશિપની વાત જચે નહીં, એ સ્વાભાવિક છે. અમે જનરેશન ઝેડનાં તરફદાર નથી, માત્ર શબ્દનાં વફાદાર છઈએ. આ શબ્દ લિવ-ઈન રીલેશનશિપની નજીક છે. એટલું કે અહીં બે પાત્ર એક જ ઘરમાં રહે એ જરૂરી નથી. આપકા ઘર હૈ આયા જાયા કરો-વાળી ભાવના અલબત્ત એમાં છે. કવિ શ્રી જગદીશ જોષીનાં શબ્દોમાં ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં- ત્યાં સુધી તો જાણે ઠીક છે પણ આખા આયખાંની ચિંતા કરવાની અહીં મનાઈ છે. એક બાર મૈંને કમિટમેન્ટ કર દિયા.. અરે, અહીં કોઈ કમિટમેન્ટ જ નથી. બસ, વહેતો પ્રવાહ છે અને એમાં વહેતા રહેવાનું છે. ટૂંકમાં સ્થિતિ મુજબનો સ્થિતિસ્થાપક સંબંધ એટલે સિચ્યુએશનશિપ. ગાજરની પીપૂડી જેવાં સંબંધ, વાગે ત્યાં સુધી વગાડવાની, નહીં તો ગાજરનો હલવો બનાવીને ખાઈ જવાનું, તંઈ શું!
શબ્દશેષ:
“તું મને પ્રેમ કરતી નથી. આપણે બંને એવી એક્લવાયી વ્યક્તિઓ છીએ કે જેઓ પોતપોતાનો અભાવ દૂર કરવાની કોશિશ કરી રહ્યા છીએ.” –નેટફ્લિક્સ એનિમેટેડ સીરીઝ બો જેક હૉર્સમેન