દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી

તમે કદી દાઢી રાખી છે? જો તમને ક્લીન શેવ રહેવાની આદત હોય, તો ફોર અ ચેન્જ, એકાદ વાર દાઢી રાખી જોજો. લોકો તમારી દાઢી વિષે શંકાશીલ ટોનમાં એટલા પ્રશ્નો કરશે કે તમે જવાબ આપતા કંટાળશો. દાઢી રાખવી કે નહિ, એ આજની સળગતી સામાજિક સમસ્યા છે. (સામાજિક સમસ્યા હમેશા ‘સળગતી’ જ શું કામ હોય, એ સંશોધનનો માંગતો વિષય છે.) પુરુષો ભલે આળસમાં દાઢી કરવાનું ટાળે, પણ મોટા ભાગનો સ્ત્રીવર્ગ પુરૂષવર્ગની દાઢી છોલાવી નાખવા તત્પર હોવાનો. આ મુદ્દે ઘણી વાર ચડભડ થઇ જતી હોય છે.

દાઢીના મુદ્દે ઘરઆંગણે ખેલાતા સમરાંગણમાં વીરતાપૂર્વક લડીને કંટાળેલો પુરુષ દાઢીને ‘શહીદ’ કરે પછી જ શાંતિ સ્થપાય છે. મોટા ભાગની પત્નીઓ દાઢી રાખવા બાબતે ‘ગુંડા જેવા લાગો છો’ એમ કહીને બિચારા ગરીબની ગાય જેવા માટીડાને હતોત્સાહ કરી નાખતી હોય છે. જો કે એમાં પતિની ‘ઈમેજ’ કરતા પોતાને દાઢી ન ઉગતી હોવાનો ‘ઈર્ષ્યાભાવ’ વધુ કારણભૂત હોવાનો પણ એક મત છે. આજ સુધી દાઢી વગરના એક્કેય આદિમાનવની ‘સેલ્ફી’ જોવા મળી નથી. આ ઉપરથી કહી શકાય કે આદિમાનવને પોતાની દાઢી પ્રત્યે અગમ્ય લગાવ હતો. એટલું જ નહિ, એ પોતાની દાઢીને જાતજાતના ઉપયોગમાં લેતો.

આ વિષે કવિ ઉદયન ઠક્કરે પોતાની એક કવિતામાં નિર્દેશ કર્યો છે, “ગુફામાનવને પણ (દાઢી) હતી / એ પીંછી બોળતો / સાબુમાં નહિ રંગોમાં / ભીંતો ચીતરતો / આપણે ભીંત ભૂલ્યા છીએ / (દાઢી) બોળી બેઠા છીએ’. કવિતાના જાણકારોને મતે આ કવિતામાં દાઢીના રૂપક દ્વારા કહેવાયું છે કે, આદિમાનવની સરખામણીમાં આજનો માણસ ‘ક્રિયેટિવિટી’ ગુમાવી બેઠો છે. જો આપણે ‘ક્લીન શેવ’નાં અભરખામાં દાઢી બોળવાનું શરુ ન કર્યું હોત, તો આજેય આપણી લાંબીલચક દાઢીઓ ભીંતચિત્રો બનાવવા કામે લાગત, અને મકાનોની અને જાહેર મિલકતોની દીવાલો દાઢી વડે ચિતરાયેલા ‘મોડર્ન આર્ટ’થી ઉભરાઈ જાત. (છેલ્લું વાક્ય અમારી અંગત માન્યતા છે. ઓરીજીનલ કવિશ્રીને રોષ-દોષનો ભોગ બનાવશો નહિ)

ભીંતચિત્રો બનાવવા સિવાય પણ દાઢીના અનેક ઉપયોગ હતા. દાખલા તરીકે, આદિમાનવ પોતાની ગુફાની સાફસફાઈ વાળ-ઝૂડ કરવા માટે દાઢી જ વાપરતો. તે જમાનામાં ક્યાં સાવરણીની શોધ થયેલી? આના પરથી તો પેલી કહેવત બનેલી, કે ‘દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી!’ આજના સમયમાં કચરો વાળવા માટે સળીઓ ભેગી કરીને બનાવાતી સાવરણી વપરાય છે. પણ આ સળી બડી ખેપાની ચીજ છે. માત્ર સાવરણી બનાવવા માટે જ નહિ, પણ કોઈકને હેરાન કરવા માટે પણ ‘સળી’ કરી શકાય છે. અને જ્યારથી અમુક તત્વો હેરાનગતિના હેતુસર ‘સળી નહિ સાવરણી’ વાપરતા થયા છે, ત્યારથી સળીઓ ભેગી કરીને બનાવેલી સાવરણી, સફાઈને બદલે ‘સળી’ કરવા માટે વધુ વપરાતી થઇ ગઈ છે.

આ ફેશન લાંબુ ચાલશે, તો સફાઈકાર્ય માટે સાવરણીની અવેજીમાં ફરી એક વાર દાઢી ચલણમાં આવે એવી પૂરી શક્યતા અમને દેખાઈ રહી છે. જો આવું થશે તો દાઢીના ભાવ ઉંચકાશે. એક જમાનામાં, બિચારી દાઢીને ઉતારી પાડવા માટે ‘દાઢીના દોઢસો અને ચોટલીના ચારસો’નો હિસાબ ગણાતો. સ્ત્રીઓ પણ ‘ક્લીન શેવ’ પુરુષો પર નજર ઠેરવતી. પણ સાવરણીના બદલે દાઢી ચલણમાં આવે તો દાઢીધારીઓનો જમાનો પાછો ફરશે. કુંવારિકાઓ સફાઈકામમાં મદદરૂપ થાય એવા દાઢીધારીઓ પર કળશ ઢોળશે.

દાઢીના અભ્યાસ ને અંગ્રેજીમાં પોગ્નોલોજી (pogonology) કહે છે, જેના પ્રમાણે વાળના રંગ, લંબાઇ, ઘાટીલાપણું તેમ જ વિસ્તારના આધારે અલગ અલગ પ્રકારો પાડવામાં આવેલ છે. જગતના બધા જ વિસ્તારોમાં રહેતા લોકોમાં દેખાવની બાબતે દાઢી મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાં પણ પૌરાણિક કાળથી દાઢી ધરાવતા મુનિઓ અને રાજવીઓનાં વર્ણન તેમ જ ચિત્રો જોવા મળે છે.

ઘર હોય ત્યાં સાવરણી હોય જ! ‘સૈયાં બિના ઘર સૂના સૂના’ તેની જેમ જ ‘સાવરણી બિના પણ ઘર સૂના સૂના.’ પાડોશમાંથી બીજું બધું જ માંગવા જવાય પણ કોઈની સાવરણી માંગવા ન જવાય. આવી સાવરણીના વપરાશનો મુખ્ય આધાર ઘરના એરિયા પર નહીં પણ બાળકોની સંખ્યા પર આધારિત છે. ખાસ કરીને વેકેશનમાં સાવરણીનું આયુષ્ય બાળકોની સંખ્યા પર આધારિત હોય છે. આપણે ભલે આ વાત બરાબર નથી જાણતા પણ સાવરણી વેચનારો સારી રીતે જાણે છે. તેથી જ જે ઘરમાં બાળકોની સંખ્યા વધુ દેખાય ત્યાં સાવરણી વેચનારો ખાસ ભારપૂર્વક પૂછપરછ કરે કે ‘આપું બેન સાવરણી, આ વખતે બહુ સરસ મજાની છે, એકદમ મજબૂત છે.’ બસ આ મજબૂત શબ્દ મમ્મીને મજબૂત અપીલ કરી જાય છે અને સાવરણીની ખરીદી સુધી દોરી જાય છે.                     વેકેશનમાં સાવરણીનો વપરાશ વધે છે કારણ કે વેકેશનમાં પોતાના બાળકો નવરા હોય અને ઉપરથી વળી મામાની, ફોઈની વેરાયટીઝ આવે ત્યારે આ તમામ વાનરસેના પર અસરકારક કાબૂ મેળવવાનું એકમાત્ર ઓજાર સાવરણી છે એટલે કે વેકેશનમાં બાળકોને સાવરણી સાચવે છે. સાવરણી વિના આ બધાને સાચવવા બહુ અઘરા. હા, કેટલાક સાધનો મલ્ટિપર્પઝ હોય છે. જો કે આપણને પ્રથમ નજરે ખ્યાલ આવતો નથી. સાવરણીનું પણ કંઇક એવું જ છે. વિજ્ઞાન કહે છે કે સાવરણી એક સાદું યંત્ર છે અને તે સફાઈના કામમાં આવે છે પણ અત્યાર સુધી આપણે સાવરણીને સામાન્ય નજરે જોઈ છે.             તેને ક્યારેય આપણે ચિંતકની નજરે જોઈ નથી અને સાવરણી ચિંતન કર્યું નથી પણ હવે સાવરણી ચિંતન કરવાનો સમય પાકી ગયો છે. કારણ કે (આ લખાય છે ત્યારે)વેકેશન ચાલે છે. આપણે ગહન ચિંતન કરીએ તો ખ્યાલ આવે કે સાવરણી મલ્ટીપર્પઝ છે કારણ કે સાવરણીનો શિક્ષણકાર્યમાં બહુ મોટો ફાળો છે. કદાચ આ વાક્ય વાંચીને તમે એવું વિચારશો કે હા, સાવ   રણી જ શાળાને સ્વચ્છ રાખે છે. પણ ના એ તેનું શિક્ષણકાર્ય નથી. એ તો એનું ઓફિસ વર્ક થયું. અત્રે શિક્ષણકાર્યમાં સાવરણીની સાવ જુદા જ સંદર્ભમાં વાત કરવી છે.                                                                                                    જેમ કે મમ્મી બાળકોને વાંચવા કે લેસન કરવા માટે બેસાડે ત્યારે બાળકો શાંતિથી હોમવર્ક કરતા નથી, વાંચતા નથી. તેથી મમ્મી વારંવાર તેમને ટોકે છે. છેવટે ગુસ્સે થાય છે. આ પ્રકારના ઘરગથ્થુ ઉપચારો બાળકો પર ધારી અસર ઉપજાવી શકતા નથી. છેવટે મમ્મી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે (જરૂર પૂરતું) છે અને જેમ મહાભારતમાં ભીષ્મના ભીષણ યુદ્ધને ખાળવા ગુસ્સે થયેલા શ્રીકૃષ્ણ હાથમાં રથનું પૈડું ધારણ કરીને દોડ્યા, એવી જ રીતે મમ્મી હાથમાં સાવરણી ધારણ કરી બાળકો તરફ ધસી જાય છે. આ રીતે જ્યારે શિક્ષણકાર્ય માટે જ સાવરણીનો ઉપયોગ કરવાનો હોય ત્યારે સાવરણીને અવળી બાજુથી(પીંછા તરફથી) પકડવામાં આવે છે.                                                              આમ સાવરણી કયા હેતુ માટે ધારણ કરવામાં આવી છે તે ચબરાક ટાબરિયાઓ સહેલાઇથી જાણી જાય છે. ટાબરિયાઓને શિક્ષણની પહેલાં સાવરણીનું જ્ઞાન સારી રીતે થઈ જાય છે. મમ્મી સાવરણીને અવળી બાજુથી પકડે છે ત્યારે તે એક શૈક્ષણિક સાધન બની રહે છે. આવી સાવરણીના વાત્સલ્યભર્યા(!) પ્રહાર જ્યારે બાળકોની પીઠ પર પડે છે ત્યારે શિક્ષણકાર્ય સડસડાટ આગળ વધે છે. તેથી જ કહ્યું છે ને કે એક માતા સો શિક્ષક સમાન છે પણ ‘હાથમાં સાવરણી ધારણ કરેલી એક માતા બસ્સો શિક્ષક સમાન છે.’ આ રીતે સાવરણી ઘરનો જ નહીં પણ શિક્ષણક્ષેત્રનો કચરો સાફ કરવામાં પણ ખૂબ જ ઉપયોગી છે.                                                                                                   આ બાબતે એ પણ વિચાર આવે કે તો પછી શિક્ષણકાર્ય માટે લાકડીનો ઉપયોગ કેમ થતો નથી? લાકડી વડે સાવરણી કરતાં વધુ સારી રીતે બાળકો પર કાબૂ મેળવી શકાય પણ લાકડી હિંસક છે. જ્યારે સાવરણીનો ગમ્મે તેટલો છૂટથી ઉપયોગ કરવામાં આવે છતાં તે અહિંસક છે. તેથી શિક્ષણ ક્ષેત્રે ઘરગથ્થુ ઉપચાર તરીકે સાવરણીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોવા છતાં કોઈ બાળક ઘાયલ થયો હોય, કોઈનું માથું ફૂટ્યું હોય, કોઈના હાથપગ ભાંગ્યા હોય એવું સાંભળ્યું નથી કારણ કે સાવરણી સંપૂર્ણપણે અહિંસક છે. સાવરણીનું મુખ્ય કામ સફાઈનું છે. તે ઘરની સફાઈ કરે છે એ જ રીતે સમય આવ્યે બાળકોના મનની સફાઇ પણ કરે છે.                                                         સાવરણીના હળવા પ્રહારોથી બાળકો થોડા સમય માટે સ્થિર થઈ જાય છે અને થોડી વાર માટે તેનું મન અભ્યાસમાં લાગી જાય છે. સાવરણીમાં પ્રહારની ક્ષમતા તો છે જ ઉપરાંત તેમાં માની મમતા પણ છુપાયેલી છે એટલે જ સાવરણીનો છૂટથી ઉપયોગ થતો હોવા છતાં તે હાનિકર્તા સાબિત થઇ નથી. એટલું જ નહીં આશ્ચર્યકારક વાત તો એ છે કે સાવરણીના રોજિંદા ઉપયોગથી કેટલાક બાળકોને તો એવી ટેવ પડી ગઈ છે દિવસ દરમિયાન એકાદ વાર તેમના વાંસામાં સાવરણી ન પડે ત્યાં સુધી તેને ચેન પડતું નથી. આપણે સૌ જાણીએ છીએ કે ગામડાંઓમાં તો પહેલેથી જ સાવરણીનો ઉપયોગ ભૂત-પ્રેત ઉતારવા માટે થતો હતો. તેથી જ કેટલીક વાર મમ્મી ભલે સપાટો ન બોલાવે પણ હાથમાં સાવરણી ધારણ કરે તે દ્રશ્ય જોતાં જ બાળકોના મન પર સવાર થયેલું ભૂત ભાગી જાય છે. (અલબત્ત થોડા સમય માટે, બાકી તો વેકેશનમાં બાળકોને કારણે ખુદ ભૂત ભાગી જાય છે.)                                                                                                             શાળાઓમાં પણ સાવરણી તો હોય જ પણ ત્યાં શિક્ષકો સાવરણીનો ઉપયોગ ફક્ત સફાઈ માટે કરાવે છે. ત્યાં સાવરણીની અવેજીમાં લાકડાની કે લોખંડની ફૂટપટ્ટી વાપરે છે. જ્યારે ઘરમાં મમ્મી સાવરણીનો બંને પ્રકારે ઉપયોગ કરે છે. આમ, શિક્ષણક્ષેત્રે સાવરણી ખૂબ ઉપયોગી પુરવાર થઇ છે. તેમ છતાં સાવરણીને શિક્ષણ ક્ષેત્રે માનભર્યું સ્થાન પ્રાપ્ત થયું નથી. સાવરણી અને સાવરણીધારિણી બંને મન, વચન અને કર્મથી અહિંસક છે. સાવરણી આમ પણ સ્ત્રીલિંગ છે. પુરુષોને લડાઈના હથિયાર તરીકે ક્યારેય સાવરણી વાપરતા જોયા છે ખરા?! પુરુષોને તેનો ઉપયોગ કરતા આવડે જ નહીં. સાવરણીના સદુપયોગ સામે ઈ.પી.કો.ની કોઈ કલમ લાગુ પડતી નથી.                                        આમ, સાવરણી ઉદ્યોગને ધમધમતો રાખવામાં શિક્ષણનો બહુ મોટો ફાળો છે. એ જ રીતે શિક્ષણને વેગવંતુ બનાવવામાં સાવરણીનું પ્રદાન પણ અમૂલ્ય છે. આમ બંને made for each other છે. તેમ છતાં અહિંસાના પૂજારી એવા ગાંધી બાપુનું આ મુદ્દે કદી સાવરણી તરફ ધ્યાન ગયું જ નથી. જો તેઓ સાવરણી બાબતે આવું વિચારી શક્યા હોત તો હાથમાં લાકડીની સાથોસાથ સાવરણી પણ રાખી હોત. મમ્મીએ હાથમાં સવળી પકડેલી સાવરણી તેની સુંદરતામાં વધારો કરે છે. જ્યારે અવળી પકડેલી સાવરણી શિક્ષણની ગુણવત્તામાં વધારો કરે છે. શિક્ષક ઉપરાંત સાવરણીએ કેટલાય બાળકોના ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યા છે. આવી રીતે ઉચ્ચ હોદ્દે બિરાજતા ઓફિસર બનેલા કેટલાક મહાનુભાવો પોતાના ભૂતકાળ વાગોળતી વખતે શિક્ષક કરતાંય સાવરણીને વધુ યાદ કરતા હોય છે.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.