
આદરણીય ભગવતીકુમાર શર્માની ખૂબ જાણીતી વાર્તા ‘પ્રતીતિ ‘ આધારિત નાટક +
પામ્યા નિરંતર પ્રતીતિ !
તમારે આત્માનું લક્ષ કેટલો વખત રહેતું હશે ?
પ્રશ્શનકર્તા : રહ્યા જ કરે છે.
દાદાશ્રી : નિરંતર રહે. એટલે જેણે મારી જોડે વધારે પરિચય રાખ્યો છેને, એને નિરંતર એવું રહે. કારણ કે આ આત્માનું અનુભવ જ્ઞાન છે. આત્માનું લક્ષ બેઠેલું છે, તે નિરંતર રહે.
પ્રશ્શનકર્તા : પણ ઓફીસમાં કામમાં હોય ત્યારે નિરંતર નથી રહેતું.
દાદાશ્રી : કામમાં હોય ત્યારે નથી રહેતું એનો અર્થ એ કે તે ઘડીએ લક્ષમાં નથી રહેતું, પણ પ્રતીતિમાં હોય છેને !
પ્રશ્શનકર્તા : પ્રસંગ આવે ત્યારે જ્ઞાન હાજર ના રહે, પણ પછી હાજર થાય તો આપણે શું સમજવું ? આપણી સમજમાં ઊણપ, પુરુષાર્થમાં કચાશ કે જાગૃતિનો અભાવ ?
દાદાશ્રી : આમાં જાગૃતિનો અભાવ, પુરુષાર્થની કચાશ કે સમજમાં ઊણપ નથી. ફક્ત એ પ્રસંગે જ્ઞાન હાજર ના રહે. અત્યારે કોઈની જોડે છે તે લેવડ-દેવડનો હિસાબ કરતો હોય, તે વખતે લક્ષ ના રહે કોઈ દા’ડોય. તે ઘડીએ શું રહે ?
પ્રશ્શનકર્તા : તે વખતે કમ્પ્લિટ ધ્યાન એ લેવડ-દેવડમાં જ હોય.
દાદાશ્રી : તે ઘડીએ લક્ષ ના રહે એટલે તમને એમ લાગે કે આ મહીં એકાકાર થઈ ગયું, પણ પ્રતીતિ જતી નથી. નિરંતર પ્રતીતિ રહે જ !
પ્રશ્શનકર્તા : એટલે પાછું એ કામકાજ દૂર થાય એટલે ફરી મૂળ સ્વરૂપમાં આવી જવાય ?
દાદાશ્રી : નિરંતર પ્રતીતિનો તાર છે માટે એ મૂળ સ્વરૂપમાં અવાય છે, નહીં તો ના અવાય. નિરંતર તાર છે એ નિરંતર પ્રતીતિ એટલે ક્ષાયક સમકિત કહેવાય. તે આ નિરંતર પ્રતીતિને લઈને એની જોડે ભાંજગડ પૂરી થઈ કે પાછો ‘હું શુદ્ધાત્મા’ થઈ ગયો, એ જ લક્ષ. પછી લક્ષમાં અવાય અને લક્ષમાં આવ્યા પછી જો કદી એકાંત મળી ગયું કોઈ જગ્યાએ, તો અનુભવમાં ય અવાય. અનુભવ રસ ચાખે એટલે પોતાનો જે આત્મસ્વભાવ છે એનો અનુભવ વર્તે, લક્ષ વર્તે, પ્રતીતિ વર્તે. આ ત્રણ પગથિયાથી નીચે ઊતરે નહીં. નિરંતર પ્રતીતિવાળું છે આ. ક્રમિકમાર્ગમાં તો પ્રતીતિ ક્ષયોપશમ હોય. ઘડીમાં પ્રતીતિ હોય, ઘડીમાં ઊડી ગયેલી હોય. ઘડીમાં ઉપશમ થયેલી હોય, ઘડીમાં એ ક્ષય થયેલી હોય અને આ તો નિરંતર ક્ષાયક પ્રતીતિ કહેવાય. ચોવીસ કલાક પ્રતીતિ જાય નહીં. નિરંતર, આખી જિંદગી સુધી ‘હું શુદ્ધાત્મા છું’ એ પ્રતીતિ જાય નહીં. અને પહેલાં ચોવીસે ય કલાક ‘હું ચંદુભાઈ છું’ એ પ્રતીતિ જાય નહીં. પહેલાં તમારે ચોવીસ કલાક ‘હું ચંદુભાઈ છું’ એવી પ્રતીતિ રહેતી હતી ?
પ્રશ્શનકર્તા : હા, પહેલા એવું જ હતું.
દાદાશ્રી : નિરંતર, ચોવીસેય કલાક ? થોડીવાર ‘આત્મા છું’ આવતું હશે ?
પ્રશ્શનકર્તા : ના રે ના. જનરલ મેનેજર છું ને આ છું ને તે છું બધું એવું રહેતું હતું.
દાદાશ્રી : એ પ્રતીતિ એટલે રોંગ બિલિફ, એનું નામ મિથ્યાત્વ. અને આ પ્રતીતિ એ રાઈટ બિલિફ, એનું નામ સમ્યક્ દર્શન. જો આ સમ્યક્ દર્શન ઉત્પન્ન થયું છે, વળી ક્ષાયક !
પ્રશ્શનકર્તા : આમ તો અંદરથી છૂટો છું એવું જ, આમ સમજણમાં બરાબર છે પણ આમ કોઈવાર હજી ભેળસેળ થઈ જાય છે એવું લાગે.
દાદાશ્રી : ના, એમ નહીં. તમને પૂછે કે તમે ચંદુલાલ છો કે શુદ્ધાત્મા, તો શું કહો ?
પ્રશ્શનકર્તા : શુદ્ધાત્મા. એમાં તો વિકલ્પ જ નથી.
દાદાશ્રી : તો પછી એ જ કહેવાનું. બીજું તમારે આમ રહે છે કે નથી રહેતું એ જોવાનું નહીં. એવું કશું જોવાનું જ ના હોય. તમારી પ્રતીતિમાં શું છે, એટલું જ જોવાનું હોય.
પ્રશ્શનકર્તા : પ્રતીતિમાં તો દાદા મળ્યા એટલે બધું સચોટ થઈ ગયું.
દાદાશ્રી : બસ, એટલું જ જોવાનું હોય. બીજું પેલું કશું જ જોવાનું ના હોય. એ નિરંતર પ્રતીતિનો તાર છે અને તેથી લક્ષ બેસે, નહીં તો લક્ષ રહે નહીં. લક્ષ બેસે જ નહીંને ! અને કોઈની જોડે વાતો કરીએ ત્યારે લક્ષ ચૂકી જઈએ, પણ વાતો પૂરી થાય કે પાછું લક્ષ આવી જાય.
એ નિરંતર પ્રતીતિનો તાર, ક્ષાયક સમકિત, ક્ષાયક સમ્યક્ દર્શન, એ સિદ્ધ ભગવાનના આઠ ગુણોમાંનો એક ગુણ. એટલે ૧/૮ સિદ્ધ દશા અહીં ઉત્પન્ન થાય છે.
એટલે આપણે પ્રતીતિ બેસવી જોઈએ. ‘આપણે કોણ છીએ’ એવી પ્રતીતિ બેસે એટલે છૂટકારો થઈ જ ગયો. પ્રતીતિ એટલે વિઝા મળી ગયા મોક્ષના અને પછી ટિકિટ મળી જાય એટલે ઉકેલ આવી ગયો. ટિકિટ ના હોય તોય ભાંજગડ, વિઝા ના હોય તોય ભાંજગડ. બન્ને ભેગું થયું એટલે જ્યારે તારીખ આપે એટલે જશો. એ તારીખે નહીં નિવેડો આવે તો બીજી તારીખ ગોઠવી દો. પણ આ બે ભેગું થયું કે ચાલ્યું.
જાણ્યું તેની વર્તે પ્રતીતિ !
‘તે જ્ઞાને કરીને જાણ્યું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીતિ.’ – શ્રીમદ્ રાજચંદ્ર.
જે જ્ઞાને કરીને તમે જાણ્યું, તેની પ્રતીતિ તમને વર્તે. તેને ભગવાને દર્શન કહ્યું ને આ પ્રતીતિ તમને વર્તે છે. મેં કહ્યું હોય કે આટલી આટલી પાંચ-સાત-દસ ચીજો લખાવું અને તેનાથી તમને આ મરડો મટી જશે. એટલે મેં તમને જ્ઞાન આપ્યું કહેવાય. શેનું ? મરડો મટવાનું. જેમ આ મોક્ષનું જ્ઞાન હોય એવું આ મરડો મટવાનું પણ એક જ્ઞાન હોયને ? હવે એ દવા તમે પછી ફાકો અને મરડો ઓછો થાય એટલે તમને પ્રતીતિ બેસતી જાય કે દવા સારી છે. મને માફક આવી. એવી રીતે આત્મામાં પ્રતીતિ બેસતી જાય. જેમ જેમ અનુભવ થાય તેમ તેમ પ્રતીતિ બેસતી જાય અને પ્રતીતિ સજ્જડ થયા પછી જ કામ થાય, નહીં તો થાય નહીં. પ્રતીતિ સજ્જડ થઈ જવી જોઈએ. એ તમને તો સજ્જડ પ્રતીતિ થઈ છે !
આ પ્રતીતિ બેઠેલી છે આ જગ્યાએ. હવે એ પ્રતીતિ તમને બેઠી અને પછી ઊંધી બાબતો આવી. મરડો મટવા માંડ્યો એવી પ્રતીતિ બેઠી અને પાછું મહીં લોહી પડવા માંડ્યું. એટલે જે પ્રતીતિ બેઠા પછી અવળું-સવળું થાય પણ સ્થાન છોડે નહીં પછી. જે સ્થાન પ્રાપ્ત થયું છે એ છોડે નહીં. આ પ્રતીતિ બેઠી છે તમારી, એની મૂળ જગ્યા ઉપર બેસે પ્રતીતિ તમારી. હવે બીજું કોઈ ઊંધું બોલનારો આવ્યો, ઊંધું શીખવાડનાર આવી ગયો, તો પ્રતીતિ ઉપર જરા આમ દબાણ આવે, તો આમ આમ વાંકું થાય પણ સ્થાન છોડે નહીં !
ન ભૂલાય અનુભવ કદી !
પ્રશ્શનકર્તા : ‘હું શુદ્ધાત્મા છું’ તેમ સમજાયું છે, પરંતુ તેનું નિરંતર ભાન રહેતું નથી.
દાદાશ્રી : ભાન શું વસ્તુ છે એ તમને સમજાવું કે કોઈ સિગરેટ પીતો હોય, તે એનો છોકરો મહીં આમ હાથ અડાડવા જાય. હવે આ છોકરાને આ રોગ ક્યારે જશે ? કોઈ પીવે ત્યારે એને આ હાથ અડાડવા જેવું કરતો હોયને આમ આમ કરે. એ તો પછી એક દહાડો એના આમ હાથ પકડી જરા સિગરેટ અડાડી આપીએ. થોડીવાર રહેવા દઈએ, એ ખૂબ દઝાય. પછી એ અનુભવ ભૂલે નહીં આખી જીંદગી. સળગતી સિગરેટનું જરા લાલ દેખાયું કે ભાગે, લાલ દેખાયું કે ભાગે, એનું નામ અનુભવ કહેવાય. એવો અમે તમને આત્માનો અનુભવ કરાવી આપ્યો છે. ત્યારે તમને શુદ્ધાત્મા રહે છે, એમ ને એમ તે રહેતો હશે ?
અમે તો દઝાડ્યા વગરેય કરી આપીએ આત્માનો અનુભવ. આ જગતમાં વસ્તુઓનો અનુભવ હઉ દાઝીને કરવો પડે, પણ આ આત્માનો અનુભવ તો પરમાનંદ. આમાં દાઝવા કરવાનું નહીં. અમારી જોડે બેસો ત્યારથી જ આનંદ ઉત્પન્ન થાય. શુદ્ધાત્માનું નિરંતર ભાન રહે જ છે, તેથી વધારે શું જોઈએ ?
આ જ્ઞાન તમને નિરંતર હાજર રહે છે. તમે કોર્ટમાં હોય તોય એ ‘હું શુદ્ધાત્મા છું’ એ તમને ભાન રહ્યા જ કરે. પાપો ભસ્મીભૂત થયા સિવાય ભાન રહે નહીં કોઈ દહાડોય. આ તો એક શબ્દ તમને કહ્યો હોય તો બીજે દહાડે યાદ ના રહે. તો આ ત્યારે યાદ નથી રાખવાનું.
ફેર, શ્રદ્ધા અને પ્રતીતિમાં !
પ્રશ્શનકર્તા : આપણે એમ કહીએને કે શ્રદ્ધા બેઠી, એને પ્રતીતિ કહેવાય ? પ્રતીતિ એટલે શું ? શ્રદ્ધા ?
દાદાશ્રી : શ્રદ્ધા એ બધાં સ્ટેજ કહેવાય અને પ્રતીતિ એટલે એક્ઝેક્ટ આવી ગયું. પ્રતીતિ એટલે આખી માન્યતા સો ટકા ફરી અને ‘હું શુદ્ધાત્મા જ છું’ એ જ વાત ચોક્કસ થઈ ગઈ અને ‘હું શુદ્ધાત્મા છું’ એ શ્રદ્ધા બેસે પણ ઊઠી જાય પાછી અને પ્રતીતિ ઊઠે નહીં. શ્રદ્ધા ફરી જાય, પ્રતીતિ ફરે નહીં.
એ પ્રતીતિ એટલે આપણે આ લાકડી અહીં ગોઠવી છે તેની ઉપર બહુ દબાણ આવે, તો આમ વાંકી થઈ જાય પણ સ્થાન છોડે નહીં. ગમે એટલો કર્મોનો ઉદય આવે, ખરાબ ઉદય આવે, પણ સ્થાન છોડે નહીં. ‘હું શુદ્ધાત્મા છું’ એ ઊડી ના જાય.
અને ગાઢ પ્રતીતિ એટલે શું ? થોડીઘણી વાંકી થાય, વધારે વાંકી ના થાય ગમે એટલું દબાણ આવે તોય. વાંકી થાય તે લોકો કહેશે, આ ઊડી, ઊડી, ઊડી. પણ ના, સ્થાન છોડે નહીં તે ગાઢ પ્રતીતિ !
અનુભવ, લક્ષ ને પ્રતીતિ. પ્રતીતિ એ પાયો છે. એ પાયો થયા પછી લક્ષ ઉત્પન્ન થાય, પછી ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષમાં રહ્યા જ કરે નિરંતર. અને જ્યારે નવરાશમાં બેઠા હોય અને જ્ઞાતા-દ્રષ્ટા થયા થોડીવાર એ અનુભવ. હવે જ્ઞાતા-દ્રષ્ટા તે બહારનું નહીં જોવાનું, આ પ્રકૃતિને જ જોયા કરવાની કે આ પ્રકૃતિ શું ગાંડાં કાઢે છે !
પ્રશ્શનકર્તા : એટલે ચંદુભાઈને જ જોયા કરવાના.
દાદાશ્રી : તેને જ જોયા કરવાના. ડહાપણ શું કરે છે તે જોવાનું, ગાંડપણ શું કરે છે તે જોવાનું. ગાંડપણ કરે તો એની પર ચીઢાવું નહીં આપણે અને ડહાપણ કરે તો એના પર રાગ નહીં રાખવો. વીતરાગ રહેવું આપણે તો. ગાંડપણ કરે તો એ કરે છે, આપણે શું ? પહેલાંના સંબંધો તે પ્રકૃતિથી છૂટા થઈ ગયા. પ્રકૃતિના જવાબદાર ક્યાં સુધી હતા, ‘હું શુદ્ધાત્મા છું’ એ પ્રતીતિ ન્હોતી બેઠી ત્યાં સુધી. પછી એના જવાબદાર નથી આપણે !
પ્રતીતિ માત્ર આત્મા માટે !
અહીં જ્ઞાન આપ્યા પછી બીજે દહાડેથી આત્માની પ્રતીતિ બેસે છે આપણને. પ્રતીતિ બેસતી નથી બીજે દહાડે ?
પ્રશ્શનકર્તા : હા, બેસી જાય છે.
દાદાશ્રી : પછી એથી વધારે શું જોઈએ ? આ દુનિયામાં કોઈ એવી ચીજ નથી કે જેનાથી બીજે દહાડે આત્માની પ્રતીતિ બેસે.
પ્રશ્શનકર્તા : દાદા, એ કોઈને પ્રતીતિ તો ખાલી પુસ્તકો વાંચવાથી પણ થાયને ?
દાદાશ્રી : ના, એ પ્રતીતિ ના કહેવાય.
પ્રશ્શનકર્તા : દાદાની આપ્તવાણી ને આપ્તસૂત્ર એવાં છે કે દાદાને ન મળ્યા હોય તોય એમાં પ્રતીતિ જેવું લાગે છે.
દાદાશ્રી : એ પ્રતીતિ તો બુદ્ધિની પ્રતીતિ, આ મૂળ પ્રતીતિ ના કહેવાય. એ કામમાં લાગે જ નહીં. એ ક્યારે ફરી જાય એ કહેવાય નહીં. એ તો હમણે સર્ટિફિકેટ આપે અને પછી બે કલાક પછી બીજું સર્ટિફિકેટ આપે. પ્રતીતિ એટલે ફરી જાય નહીં, એનું નામ પ્રતીતિ કહેવાય. આ તમને બેઠી પ્રતીતિ. પ્રતીતિ એનું નામ કહેવાય કે હવે એ જગ્યા છોડે નહીં. પછી પાછું બહુ માર પડે તો આમ થઈ જાય, આમ થઈ જાય પણ જગ્યા ના છોડે.
તમને એ જ પ્રતીતિ આપેલી છે. ગમે એટલું સંસારનું દબાણ આવે, ભયંકર દબાણ આવે, તે સામે ફાંસી આવીને ઊભી રહે તોય પણ પ્રતીતિ ના જાય. સનાતન વસ્તુ છે પ્રતીતિ. એ કંઈ એવી વસ્તુ નથી શ્રદ્ધા-ખાતરી જેવી, એ શ્રદ્ધા તો ઊઠી યે જાય કાલે સવારે. પ્રતીતિ ના જાય. ખાતરી તો ખસી જાય, પણ પ્રતીતિ ના ખસે !
પ્રતિ + ઇતિ, ઇતિ શબ્દ આત્માને લાગુ થાય છે. જેમ નેતિ કહે છે ને, ન-ઇતિ, ન-ઇતિ એવું ઇતિ આત્માને લાગુ થાય છે, પ્રતીતિ. એક આત્મા સિવાય વર્લ્ડમાં બીજી કોઈ જગ્યાએ પ્રતીતિ શબ્દ બોલાય નહીં. અને પ્રતીતિ એ ક્યારેય પણ ઊઠે નહીં. મારી નાખે તોય જાય નહીં. એ મોંઢે બોલે ખરાં કે તમારા ઉપર બિલકુલ શ્રદ્ધા નથી, આમ છે તેમ છે. ગાંડું-ઘેલું બોલે તોય પણ પ્રતીતિ બેઠેલી જાય નહીં. ક્ષાયક પ્રતીતિ છે. કંઈ જેવી તેવી વસ્તુ છે તે ! કૃષ્ણ ભગવાને પ્રાપ્ત કરી હતી એવી ક્ષાયક પ્રતીતિ છે. આ ચોંટી તે ચોંટી. તો પછી થોડા કલાકમાં કેમ મારી જોડે સંગ તૂટતો નથી એનો ?! પરિચય તો લાંબો થયો નથી, એ પ્રતીતિનો પ્રતાપ. મારી જોડે વાંકોચૂકો થઈ જાય, એ એનો કર્મનો ઉદય એવો હોય ત્યારે બિચારાનો. એ હું સમજું પણ એની પ્રતીતિ નહીં જાય.
પ્રશ્શનકર્તા : એટલે એકદમ દ્રઢ ખાતરી થઈ જાય એ પ્રતીતિ ?
દાદાશ્રી : ખાતરી એટલે પ્રોમિસ. આ પ્રોમિસ ભંગ થતાં કેટલી વાર લાગે ? આ તો પ્રતીતિ ! અને તે કઈ પ્રતીતિમાં તમને બેસાડ્યા છે ? આ પ્રતીતિમાંય નહીં, તમને ગાઢ પ્રતીતિમાં બેસાડ્યા છે. તીર્થંકરો અવગાઢ પ્રતીતિમાં હતા.
અમને અવગાઢ પ્રતીતિ હોય. ભલે તીર્થંકર નથી પણ અમને અવગાઢ પ્રતીતિ હોય. તમને ગાઢમાં બેસાડેલા છે. અને ક્રમિક માર્ગમાં પ્રતીતિ શબ્દથી હોય, આ અક્રમ માર્ગમાં અનુભવથી હોય. પછી લક્ષણ ઊભાં થાય, ક્ષમાનાં લક્ષણ દેખાય, નમ્રતાનાં લક્ષણ દેખાય, સરળતાનાં લક્ષણ દેખાય, સંતોષનાં લક્ષણ દેખાય. બધાં લક્ષણો દેખાય. આ પ્રતીતિ બેઠાંનું લક્ષણ શું ? ત્યારે કહે, આ બધાં લક્ષણો દેખાય. હમણાં કોઈ તમને ભારે ગાળો બોલી જાય ને તે તમે ઊકળો અને પછી છેવટે એને ક્ષમા આપી દો. પહેલાં હતાં એ ચંદુલાલ તમે ન્હોયને અત્યારે ?
પ્રશ્શનકર્તા : એ ઘણો ફરક છે.
દાદાશ્રી : એટલે પ્રતીતિ બેઠી છે તેને લીધે. પાછી નમ્રતા, એય તમને દેખાતી હશે કે પહેલાં નમ્ર ન્હોતો, અક્કડ હતો અને અક્કડમાંથી ક્યાંથી અકડાઈ ઓછી થઈ ગઈ ! સરળતા તો હતી જ જાણે કે પણ વાળનાર જોઈએ સારો માણસ. પછી સંતોષ ન્હોતો, તેય સંતોષ ઉત્પન્ન થયો. કંઈક તો ઉત્પન્ન થયોને ! વ્યવસ્થિતને તાબે છે ને એમ કહીએ એટલે એનું નામ સંતોષ ને હું કર્તા ત્યાં અસંતોષ.
અજાયબ પ્રાપ્તિ એક કલાકમાં !
તેથી મેં આ વકીલને કહ્યું, કલાકમાં તમે શું પામી ગયા ? શું રહસ્ય છે આની પાછળ ? ત્યારે એ વકીલ કહે, બે જુદું પડી ગયું. મેં કહ્યું, આત્મા ને દેહ બે જુદા પડી ગયા એ તમે જોયા. અને આ લોકો તો પ્રતીતિ ખોળે છે હજુ, સહેજ પ્રતીતિ મળેને તોય બહુ થઈ ગયું. ‘હું જુદો છું’ એવી પ્રતીતિ થાય તો ઘણી ઉપકારી. અને તમારે તો જુદાં થઈ ગયા, એ અનુભવ થયો !
પ્રશ્શનકર્તા : પોતાનો સહેજ પણ રિસ્પોન્સ ના હોય આ જ્ઞાન પ્રત્યે, તો પણ અંદરથી પ્રતીતિ જતી નથી. એ બહુ મોટી અજાયબી છે.
દાદાશ્રી : ના જાય. આ તો મોટામાં મોટી અજાયબી છે. આ તો વર્લ્ડમાં ના મળે એવી અજાયબી અને બે જ કલાકમાં આત્મા પ્રાપ્ત થાય છે. નહીં તો વળી આ નોકરી કરતાં માણસો આત્મા પામતા હશે ?!
જ્ઞાની નિરંતર અનુભવ પદમાં !
આ જ્ઞાન આપીએ છીએ, તે ત્રણ પગથિયેથી ચોથે પગથિયે કોઈ ઊતરે નહીં. ગમે એવી મારામારી થઈ હોય આ કો’કની જોડે, મારામારી કરતાં હોય તો અમે જાણીએ કે ભાઈ, આપણું જ્ઞાન જતું રહેવાનું નથી. કો’ક કહેશે, આ તમારા ફલાણા ભાઈ વઢે છે. વઢી રહેશે એટલે પાછો જાગૃત થઈ જશે. એ વઢે છે, તે વઢનારાનેય પાછું લક્ષમાં હોય કે આ ખોટું થાય છે, એવું આપણું જ્ઞાન છે. પોતાને એમ લગાડે કે આ પાછી ગુનેગારી ક્યાંથી આવી ? એટલે જ મારે વઢવું ના પડેને, નહીં તો બધાંને વઢી વઢીને મારું તેલ નીકળી જાય. મારું આપેલું જ્ઞાન એવું છે એ વઢમવઢા કરતો હશે તો ય આપણે જાણીએ કે પ્રતીતિ જતી રહેવાની નથી. પ્રતીતિનો નિરંતર તાર છે બધે ઠેઠ સુધી, આખી લાઈફનો. એટલે પછી ક્યાં જવાનો છે એ ? પ્રતીતિથી નીચે જાવ તો મિથ્યાત્વ ફરી ઊભું થઈ જાય, પણ પ્રતીતિથી નીચે જાય નહીં એવું છે આ.
આ તો પૂરું સમજી લેવાનું છે, એક અવતાર ! આ જ્ઞાનીની સભા ભરાય છે, ત્યારે આ વિગત સમજી લેવાની છે. નામું શીખવું હોય તો છ મહિને, બાર મહિને, બે વર્ષે, પાંચ વર્ષે પણ આવડી જાય, ગમે તેટલું અઘરું હોય તો ય. એવું આ આમાં સહેલું કરી નાખ્યું છે, તદ્દન સહેલું. તમારે કશું કરવાનું નહીં એવું કરી નાખ્યું છે પણ હવે શું થાય તે ? એ ય લાભ લેતાં ના આવડે, તેને શું કરે ? છતાં પણ નુકસાન જવાનું નથી.
મહાત્માઓનું સ્ટેજ ક્ષાયક સમકિત !
પ્રશ્શનકર્તા : દાદા, તો પછી આ લોકોને કઈ શ્રેણીમાં ગણવા ? અનુભવ, લક્ષ અને પ્રતીતિ એ ત્રણેયમાં ગણવા કે ?
દાદાશ્રી : આ ત્રણથી નીચે ઊતરે નહીં, એ આપણું અક્રમ વિજ્ઞાન. અને શ્રીમદ્ રાજચંદ્રે આને શું કહ્યું ? પરમાર્થ સમકિત કહ્યું. એટલે ક્ષાયક સમકિત કહ્યું.
કૃપાળુદેવ આત્મસિદ્ધિમાં બોલ્યા કે, ‘વર્તે નિજ સ્વભાવનું, અનુભવ, લક્ષ અને પ્રતીત’. તે તમને પોતાના આત્મસ્વભાવની પ્રતીતિ રહે છે અને લક્ષમાં ‘હું શુદ્ધાત્મા છું’ તેય રહે છે અને અનુભવ ચેતવે છે તેય રહે છે. આ ત્રણેય શબ્દનું વર્તે છે. ‘વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.’ વૃત્તિ પહેલાં જે બહાર રખડવા માગતી હતી બધી, જે અનાદિકાળથી વૃત્તિઓ બહાર વહેતી’તી, આમ કરું કે તેમ કરું. તમારી ઉંમરનાં થયેલાં હોય ને, તેની વૃત્તિઓ ક્યાં જાય ? ઠેઠ ફોર્ટમાં જઈને આ કરીએ કે તે કરીએ, કંઈ રૂપિયા હાથમાં આવ્યા છે, તે કશુંક કરીએ, ફલાણો ધંધો કરું, ફલાણું કરું, એ બધું બંધ થઈને પોતાના સ્વભાવમાં પાછી ફરવા માંડી વૃત્તિઓ. તે હવે વૃત્તિઓ બહાર ના જાય. પાછી વળે બધી. ઊલટી જે બહાર ગયેલી હોયને, તે પાછી વળે. તમારે પાછી વળે છે કે નથી વળતી ? પાછી ના વળે તો તમને કૈડ ઊભી થઈ જાય. અને ચિંતા ઊભી થઈ તો જાણવું કે પાછી નથી વળતી.
આ તો ચિત્તવૃત્તિઓ પાછી ફરે. ભટકવા બહાર જતી હતી, એ હવે ભટકવાની નહીં. એ ચિત્તવૃત્તિઓ બધી પાછી ફરવા માંડી. જેમ સાંજ પડે ને ગાયો-ભેંસો બધી પાછી આવે એવી રીતે આ પાછી આવવા માંડી. પેલું સવારમાં જાય અને સાંજે પાછી આવે એવી રીતે અજ્ઞાનતાથી ચિત્તવૃત્તિ ભટકે અને જ્ઞાનથી પછી ભટકતી બંધ થઈ જાય. સંસારની વિસ્મૃતિ એના જેવો કોઈ મોક્ષ નથી. નવરી પડી કે વૃત્તિઓ બહાર જાય ફરવા. બેનને ત્યાં જાય, ભાઈને ત્યાં જાય, આમ જાય, તેમ જાય, ચૂંથારા જ કર્યા કરે. અને હવે નવરી પડે તો ના જાય અને ગઈ હોય તો પાછી આવતી રહે.
પ્રશ્શનકર્તા : એટલે પછી વૃત્તિ જે આત્મામાં હોય એ બહાર નીકળે જ નહીં.
દાદાશ્રી : ના. બહાર નીકળે ને અંદર હોય, બહાર નીકળે ને અંદર હોય એવું થયા કરે.
પ્રશ્શનકર્તા : પણ અંદર વહી જાય પાછી.
દાદાશ્રી : બહાર નીકળે નહીં એ તીર્થંકરને. પણ આપણે ત્યાં સુધી જઈ શકીએ કે જ્યાં અંદર-બહાર બન્ને જ રહે.
પ્રશ્શનકર્તા : આ દાદાનું જ્ઞાન આપેલું છે, એને આધારે છે તો વૃત્તિઓ બહાર ગમે એટલી જાય તો પાછી ખેંચાઈ આવે છેને ?
દાદાશ્રી : એ તો આવે ને પાછું બહાર જાય, તે પાછી આવી જાય પણ આ અહીંનું અહીં આટલામાં રહે, આ આપણી બાઉન્ડ્રીમાં ને બાઉન્ડ્રીમાં જ રહે. બહાર વેપારમાં જો ગયેલી હોય તો પાછી આવતી રહે.
આ જાગૃતિ રહે ને બીજું કશું નહીં. જાગૃતિ ને આ આટલું દાદાનું મોઢું યાદ આવે, તે ઘડીએ પાછા આત્મામાં પેસી ગયા કહેવાય. યાદ આવ્યું કે મહીં પેઠું પાછું એના ઘરમાં !
એ વૃત્તિઓ બહાર શું કરવા જાય છે ? તે બહાર ભટકતી હતી, તે સુખના હારુ ભટકતી હતી. તે જ્યાં ત્યાં ભટક ભટક કરી સુખ ખોળે છે. વૃત્તિઓ બધી સુખને ખોળ્યા કરે. તે ક્યાંય કંઈ સુખ મળ્યું નહીં પણ અહીં તો ચોખ્ખું-રોકડું મળે છે, પછી શા હારુ બહાર ભટકે ?
દરેક વસ્તુનો નિયમ એવો કે પહેલું આપણને પ્રતીતિ બેસી જાય કે આ કરેક્ટ છે. વર્તનમાં ના હોય. પ્રતીતિ બેઠાં પછી ઘણે કાળે વર્તનમાં આવે. આ ભણે છે, તે ભણવામાંય આપણને પહેલી પ્રતીતિ બેસે પછી ધીમે ધીમે અનુભવ થતા જાય અને પછી વર્તનમાં આવતું જાય. મોક્ષ એટલે સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચારિત્ર. સંસાર આખો મિથ્યા જ્ઞાન-દર્શન-ચારિત્ર.
જ્ઞાન પછી, લક્ષ અને પ્રતીતિ રહે આમ…
અમે જ્ઞાન આપીએ છીએને, ત્યારે કેટલાંક કર્મો ભસ્મીભૂત થઈ જાય છે. જે કર્મો સ્વરૂપને અંતરાયભૂત હોય છે, લક્ષને અંતરાયભૂત હોય છે, એ બધાં ભસ્મીભૂત થઈ જાય છે. લક્ષનાં અંતરાય તૂટી જાય છે અને શુદ્ધાત્માનું એને લક્ષ બેસી જાય છે. આ લક્ષ એ એક પ્રકારનો અનુભવ છે.
હવે પ્રતિતી તો રહે, પણ જેટલી પછી જાગૃતિ હોય એટલું લક્ષ રહે. પણ પાછું લક્ષ કેટલું રહે ? જાગૃતિ પ્રમાણે હોય. એ ઉપાદાનનાં આધારે. એ લક્ષ એટલે શું ? ત્યારે કહે, ‘તમે ચેક લખો, તે ઘડીએ લક્ષ ના રહે. ગમે તે લખવાનું કામ કરો, તે ઘડીએ લક્ષ રહે નહીં.’ તો ભગવાન એને ગુનેગાર કહેતા નથી. પણ એ કામ કરી રહ્યા, જ્યારે નો વર્ક (કામ ન હોય) તે ઘડીએ લક્ષ રહે. ઇઝ ઇટ પોસીબલ (એ શક્ય છે) ?
પ્રશ્શનકર્તા : હા, રહે છે. અહીં ઉપાદાન એટલે યોગ્યતાને ?
દાદાશ્રી : હા. ઉપાદાન એટલે જેટલી જેટલી આ મિથ્યાત્વ દશામાં ધારણા કર કર કરી અને જે કર્યું હોય, તે મહેનત નકામી તો જાય નહીં. નુકસાને ય કરે અને બીજો ફાયદોય થાયને ! ઉપાદાન તો ઊભું થાયને ! એટલે એ છે તે યોગ્યતા. કોઈની યોગ્યતા વધારે હોય ત્યારે લક્ષ વધારે રહે. યોગ્યતા ઓછી હોય તોય પ્રતીતિ તો જાય નહીં.
લક્ષ તો, દરેક કામ કરતાં રહે, એ કામ બંધ થયું કે લક્ષ આવી જ જાય. નવરો પડ્યો કે લક્ષમાં આ હોય. ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ રહે. તે લક્ષ તો ક્રમિક માર્ગમાં છે. આપણે ત્યાં તો ‘હું શુદ્ધાત્મા છું’ એ એને ખ્યાલમાં રહે.
પ્રશ્શનકર્તા : ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષમાં રહે.
દાદાશ્રી : એ ક્રમિક માર્ગમાં લક્ષમાં રહે ને આપણે ત્યાં ખ્યાલમાં રહે.
પ્રશ્શનકર્તા : ખ્યાલ અને લક્ષમાં ફેર શું એ સમજાવો.
દાદાશ્રી : લક્ષ અમુક જગ્યાએ ખીલે બાંધેલું હોય અને ખ્યાલ એનીવ્હેર(ગમે ત્યાં) હોય. કારણ કે ક્રમિક માર્ગમાં ક્ષયોપશમ આત્મા પ્રાપ્ત કરવાથી ઘડીમાં લક્ષ ઊડી જાય. લક્ષમાં એટલે એક જ જગ્યાએ હોય અને ક્ષાયક આત્મા પ્રાપ્ત કર્યો છે એટલે ખ્યાલમાં રહે, લક્ષ નહીં પણ ખ્યાલ. હવે શુદ્ધાત્મા એ તમારા ખ્યાલમાં રહે છે ખરો ? ‘હું શુદ્ધાત્મા છું’ એવું ?
પ્રશ્શનકર્તા : ટૂકડે ટૂકડે ખ્યાલમાં રહે છે.
દાદાશ્રી : હા. ટૂકડે ટૂકડે, કામ પૂરું થઈ જાય એટલે ખ્યાલમાં આવી જાયને ! કોર્ટમાં કામ કરતા હોય તે ઘડીએ તમારા ખ્યાલમાં રહેને ?
પ્રશ્શનકર્તા : હું જ્યારે બોલતો હોઉં ત્યારે લક્ષ નથી રહેતું પણ સાંભળતો હોઉં ત્યારે લક્ષ રહે છે.
દાદાશ્રી : કેટલાકને તો બોલતો હોય તોય ખ્યાલ રહ્યા કરે. હરેક કામ કરતાં ખ્યાલ રહે. ‘હું શુદ્ધાત્મા છું’ એ ખ્યાલ રહેવો એટલે જ આપણા ધ્યાનમાં રહે કે ‘હું શુદ્ધાત્મા છું’ અને એ જ શુક્લધ્યાન છે. ‘હું શુદ્ધાત્મા છું’ એવું ધ્યાન કોઈને હોય નહીં.
ધ્યાન રહ્યું એમાં થોડો અનુભવ ચાખ્યા જ કરે પાછો. અનુભવનો સ્વાદ આવ્યા જ કરે. જેમ જેમ ખ્યાલમાં વધારે રહે તેમ અનુભવ વધારે ઉત્પન્ન થાય અને ખ્યાલમાં રહ્યા કરે. નિરંતર આત્માનો અનુભવ તો છે જ. જેટલો વખત પ્રતીતિ એટલો વખત અનુભવ. અનુભવ વગર તો આ પ્રતીતિ બેસે જ નહીંને !
જ્ઞાનીઓને ન હોય રટણ !
લક્ષ નથી હોતું, તે ઘડીએ પ્રતીતિ હોય છે જ નિરંતર. અને પ્રતીતિ છે માટે લક્ષ ફરી આવે છે, નહીં તો લક્ષ આવે જ નહીં. એક ફેરો ખોવાયું એટલે યાદ કરવું પડે. આ તો એની મેળે જ આવીને ઊભું રહે છે. રાતે કોઈ વખત જાગો છો, ત્યારે ‘હું શુદ્ધાત્મા છું’ એ યાદ આવી જાય છે ને ? હા. એટલે એ પૂરેપૂરું થઈ ગયેલું જ છે. હવે તમારે સમજવાની જરૂર છે, આ સાયન્સ છે. એટલે બિલકુલ શબ્દેશબ્દ સમજવાની જરૂર છે.
પ્રશ્શનકર્તા : ‘હું આત્મા છું’ એ રટણ જ વધારે રહ્યા કરે તો સારું ?
દાદાશ્રી : ના, એવું નહીં. રટણ તો બધું આ સંસાર દશામાં, સાધક દશામાં કરવાની જરૂર. અહીં તો એ પરમાત્મા થયો. અમે આ જ્ઞાન આપ્યા પછી પોતે પરમાત્મા થયો, પણ પ્રતીતિએ કરીને ! પ્રતીતિ બેસી ગઈ હવે. ખાત્રી થઈ ગઈ કે હું ચંદુભાઈ નહીં પણ હું શુદ્ધાત્મા જ છું. એ પ્રતીતિ બેસી ગઈ ને લક્ષ બેસી ગયું. લક્ષ એટલે નિરંતર ધ્યાનમાં જ રહે કે હું શુદ્ધાત્મા છું. એટલે જાગૃતિ બધી ઉત્પન્ન થઈ છે હવે. હવે શું જરૂર છે ? એટલે બોલવાનું એ રટણ-બટણ તો અહીં કરવા જેવું ના હોય. આ તો એક આશ્ચર્ય છે કે આ રટણ કરવાનું અહીં ના હોય, જ્ઞાનીઓમાં રટણ ના હોયને ! રટણ એ તો શબ્દ સ્વરૂપ થયું.
રટણ કર્યે સહજતા બંધ !
સમકિતી જીવને શું થાય ? ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન આવે અને પેલા બીજા લોકોને કશું ઠેકાણું ના હોય. તે એને થોડું ઘણું કોઈવાર ખ્યાલ આવે કે આ ‘હું આત્મા છું’, પણ સમકિતીને તો એની મેળે આવે. અને સ્મરણ તો કરવું પડે અને એની મેળે આવે એમાં બહુ ફેર. સ્મરણ કરીએ તો વિસ્મરણ થાય. વિસ્મરણ થયેલું હોય, તેનું સ્મરણ કરવાનું. એટલે આ બધા ચઢવાના રસ્તા છે. એટલે રટણ તમારે બોલવાનું નહીં. રટણ કરોને, તો પેલું મૂળ સહજ બંધ થઈ જશે. સહજ મહીં આવતું, સહેજાસહેજ આવે, ‘હું શુદ્ધાત્મા છું’ લક્ષ જ રહ્યા કરે.
પ્રશ્શનકર્તા : હા, ‘હું શુદ્ધાત્મા છું’ એનું લક્ષ હંમેશાં રહ્યા જ કરે છે, ચોવીસ કલાક.
દાદાશ્રી : એ લક્ષમાં રહ્યા જ કરે આપણા, લક્ષમાં રહે.
પ્રશ્શનકર્તા : તો ‘હું શુદ્ધાત્મા છું’ એવું બોલવાનું નહીં ?
દાદાશ્રી : બોલવું હોય તો બોલો. ના બોલવું હોય તો કંઈ જરૂર નથી એની. એ નિરંતર ચોવીસ કલાક લક્ષમાં જ રહે. રોજ રાતે ‘હું શુદ્ધાત્મા છું’ બોલતા બોલતા સૂઈ જવું. અને આ પાંચ આજ્ઞા પાળવી, બહુ થઈ ગયું. અહીંથી જ મુક્તિ થઈ ગઈ. સર્વ દુઃખોનો અભાવ થઈ ગયો, સંસારી દુઃખ અડે નહીં હવે.
સહજ ભાવે રહે તે સાચું !
પ્રશ્શનકર્તા : સહજ ભાવે આત્માની દશા માટે ધ્યાનમાં બેસવું કે ના બેસવું ?
દાદાશ્રી : સહજ ભાવ જ એને કહેવામાં આવે છે. કશા પ્રયત્ન સિવાય ઊંઘમાંથી જાગો ત્યારે તમને ‘હું શુદ્ધાત્મા છું’ આવે છે એની મેળે ?
પ્રશ્શનકર્તા : આવે.
દાદાશ્રી : એનું નામ સહજ કહેવાય અને બીજું બધું અસહજ કહેવાય. આ સહજ કહેવાય, ‘હું શુદ્ધાત્મા છું’ એની મેળે જ આવે અને ત્યાં ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’નું સ્મરણ આપે છે, તે યાદ આવે ને નાયે આવે. એ પ્રયત્ન કરવો પડે. ને આ તો એની મેળે આવે એ સહજ કહેવાય. એટલે સહજ તમને થઈ ગયેલું છે. સહજાત્મસ્વરૂપ તમારું થઈ ગયું છે. તમારો આત્મા સહજ થઈ ગયો છે, હવે દેહને સહજ કરવાનો છે. તે આજ્ઞાથી થઈ શકે સહજ. બન્ને સહજ થઈ ગયા, એનું નામ મોક્ષ.
વર્તે શુક્લધ્યાન રે !
‘હું શુદ્ધાત્મા છું’ એનું નિરંતર લક્ષ રહે છે ?
પ્રશ્શનકર્તા : નિરંતર રહે છે, દાદા.
દાદાશ્રી : એ આત્મધ્યાન કહેવાય છે, એ શુક્લધ્યાન કહેવાય છે. બોલો, શુક્લધ્યાન પ્રત્યક્ષ મોક્ષનું કારણ. નહીં તો એક ઘડીવાર આત્મા યાદ ના રહે. એક અજાણ્યો માણસ હતો ને, તે શુદ્ધાત્મા જાણી લાવ્યો. તે પછી બીજે દા’ડે છે, તે મનમાં યાદ કરવા માંડ્યો. પેલો શબ્દ શું હશે, પેલો શબ્દ શું હશે ? પા કલાક સુધી યાદ ના આવ્યું. એ યાદગીરી નથી આ. આ તો સાક્ષાત્કાર છે અને અભેદતા છે.
અલખનું લક્ષ !
એટલે આ જગતનું લક્ષ બેસે પણ પોતાના સ્વરૂપનું લક્ષ ક્યારેય ના બેસે. એવા એ અલખ નિરંજન છે. એ જ્ઞાની પુરુષ લક્ષ બેસાડે. ત્યારે પછી છૂટકારો થાય. નહીં તો છૂટકારો થાય નહીં અને સંસારનું લક્ષ તો સહેજ વાત વાતમાં બેસી જાય. આપણે એમ કહીએ કે આ તમારા ભાગીદાર, તે બીજે દા’ડે લક્ષ બેસી જાય કે આ મારા ભાગીદાર આવ્યા. કંઈ ચૂકે-કરે નહીં. દા’ડે પગ ભાંગી ગયો હોય અને રાતે ઊઠતી વખતે તરત લાકડી યાદ આવે. અલ્યા મૂઆ, આ એક દા’ડામાં તને કેવી રીતે યાદ આવ્યું કે આ પગ ભાંગી ગયો છે ? ત્યારે કહે, ‘ના, એ લક્ષ બેસી ગયું.’ રાતે કહેશે, ‘મારી લાકડી લાવ.’ ‘અલ્યા, શાની લાકડી કહો છો ?’ ત્યારે કહે, ‘મારો પગ તૂટેલો છે ને !’ તે મૂઆ, એક દા’ડામાં ભૂલી નથી જતો ? ના ભૂલે, એનું નામ લક્ષ બેઠું કહેવાય.
માટે કામ નીકળી ગયું હવે. ‘દાદા, દાદા’ કર્યા કરો. ‘શુદ્ધાત્મા, શુદ્ધાત્મા’ કર્યા કરો. દાદા એ જ શુદ્ધાત્મા છે. અમે હઉ દાદા ભગવાનને નમસ્કાર કર્યા કરીએ. એ દાદા ભગવાન ચૌદ લોકના નાથ છે, પ્રગટ થયેલા છે !
અનુભવ, લક્ષ ને પ્રતીતિ ત્રણેય નિરંતર રહે છે ? એક સેકન્ડ ચૂક્યા વગર, નિરંતર લક્ષ જ રહે છે શુદ્ધાત્માનું, પછી ત્યાં શું રહ્યું બાકી ? નિરંતર લક્ષ જ રહ્યા કરે, પછી કર્મ શી રીતે બંધાય ?
‘હું શુદ્ધાત્મા છું’ એવું લક્ષ રહે. એ ‘હું ચંદુલાલ છું’ એવું લક્ષ ના રહે. છતાં ભૂલી ય ના જાય. કોઈ કહેશે, તમે ચંદુલાલ છો ? તો એ ભૂલી ગયા છો ? ત્યારે કહે, ના, હું ભૂલ્યો નથી. જેમ નાટકમાં ભર્તૃહરિ હોય, તે ભર્તૃહરિનું નાટક ભજવે એવી રીતે આ ચંદુલાલનું નાટક ભજવે. અને ભર્તૃહરિ અંદરખાને જાણતો હોય, કે હું લક્ષ્મીચંદ છું. આ અંદર જાણતા હોય કે ‘હું શુદ્ધાત્મા છું’.
ન ભૂલે ‘હું વડોપ્રધાન’ !
કોઈ માણસ છે તે જેલમાંથી છૂટીને વડાપ્રધાન થયો, તે થયા પછી ભૂલે નહીં ને રાત-દહાડો કે હું વડોપ્રધાન છું, ના ભૂલેને ? તે ભૂલે નહીં એટલે એનું કામેય ચૂકે નહીં. કોઈ પ્રશ્શન પૂછે ને તો હું વડોપ્રધાન છું એવું સમજીને જ જવાબ આપે. એટલે આપણે શુદ્ધાત્મા થયાને તો આપણે શુદ્ધાત્મા સમજીને જ જવાબ આપવાનો. જે થયા તે રૂપનું છે આ. સમજી જાવ. કર્મના ઉદય બહાર જોર કરે તે જુદી વસ્તુ છે. તે તો વડાપ્રધાનનેય જોર કરે. કર્મના ઉદયે કોઈ ઢેખાળો મારે, કોઈ ગાળો ભાંડે. એ તો બધું કર્મના ઉદય તો એમનેય છે ને પણ એ એમની ફરજ બજાવે વડાપ્રધાન તરીકેની. એવી આપણે શુદ્ધાત્માની ફરજ બજાવવી પડે. એથી કરીને પોતે ‘ચંદુભાઈ છું’ એ બધું ભૂલી ના જાય. એમ કંઈ ભૂલે પાલવે ? બધું લક્ષમાં જ હોયને !
ક્રમિક માર્ગમાં કેટલો પ્રયત્ન કરે ત્યારે આત્માનું લક્ષ ખ્યાલમાં આવે. એ લક્ષ તો બેસે જ નહીં. એ પોતે લક્ષમાં રાખ્યા કરે. જેમ આપણે ધંધો હોયને, ધંધાની બાબત લક્ષમાં રાખવાની હોયને ? એવું આત્માને લક્ષમાં રાખ્યા કરે, આવો છે આત્મા. તે એને પ્રતીતિ બેસે ત્યારે આવું લક્ષમાં રહી શકાય, એને ગુણ પર પ્રતીતિ બેસે. બાકી આ આપણો તો આત્માનુભવ કહેવાય. કારણ કે સહજતા એનું નામ અનુભવ કહેવાય, જે એની મેળે પ્રાપ્ત થાય. અને પ્રયત્ન કરવો પડે, એનું નામ અનુભવ નહીં. ક્રમિકમાં એમને પ્રતીતિ એ બધું કરવું પડે. પ્રતીતિમાં પ્રયત્ન કરવો પડે.
તમારો આત્મા અનુભવેય તમારી દ્રષ્ટિએ સાચો છે, ખોટો નથી. પણ અંશ અનુભવ છે. અને અક્રમથી તમને સહજ પ્રાપ્ત થયેલો છેને, તે તમને એમાં લાભ થાય, પણ હજુ પ્રગતિ માંડશે ને તેમ અનુભવ વધતો જશે. જેમ જેમ જાગૃતિ ઉત્પન્ન થાય ત્યાર પછી આખી વાત સમજવી પડે. પરિચયમાં રહી અને જ્ઞાન સમજી લેવાનું છે બધું.
સંપૂર્ણ અનુભવ શાથી નહીં ?
આજ પ્રતીતિ રૂપે કેમ રહ્યું ? આ સંપૂર્ણ અનુભવ કેમ નહીં ? સંપૂર્ણ પ્રતીતિ, સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ અનુભવ ત્રણેય રહેવું જોઈએ. ત્યારે કહે, ‘ના. એ સંપૂર્ણ અનુભવ રહેતો નથી, સંપૂર્ણ જ્ઞાનેય રહેતું નથી, પ્રતીતિ સંપૂર્ણ રહે છે. કારણ કે આ તમારે ફાઈલનો નિકાલ કરવાનો છે ! છો શુદ્ધાત્મા પણ આ દશા તમારી અંતરાત્મા થઈ.’ ત્યારે કહે, ‘કેમ એમ ?’ ત્યારે કહે, ‘ફાઈલોનો નિકાલ બાકી છે.’ ફાઈલોના નિકાલ પૂરા થઈ રહેશે એટલે તમારે ફુલ ગવર્મેન્ટ. ફાઈલોને લીધે આ બધું અટક્યું છે.
‘વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ’ એટલે જે ક્ષાયક સમકિત તમને થયું, તે પણ વર્ધમાન થયા કરે. પ્રતીતિ પૂરી થઈ ગઈ એટલે અનુભવમાં આવે. તે અનુભવ વધતો જાય તેમ મિથ્યાભાસ લાગે એટલે જે વકીલનો ધંધો તમે પૂજા કરીને કરતા હતા, તે ધંધો ઊલટો મિથ્યા લાગે. તમે છોકરાના બાપ થયા, છોડીઓના બાપ થયા, એ બધું મિથ્યા લાગે છેને ! આભાસિત માત્ર. મિથ્યા એકલું નહીં, મિથ્યા આભાસ !
પ્રશ્શનકર્તા : એટલે દાદા, વસ્તુ મિથ્યા દેખાય એટલે પછી એ સહેજે છૂટવા માંડે ?
દાદાશ્રી : છૂટી જ ગયું. મિથ્યા દેખાયું એ છૂટી ગયું.
યથાર્થ અનુભવની ખાત્રી !
પ્રશ્શનકર્તા : જાણ્યું યથાર્થ ક્યારે કહી શકાય ?
દાદાશ્રી : અનુભવમાં આવે ત્યાર પછી જ યથાર્થ જાણ્યું કહેવાય.
પ્રશ્શનકર્તા : એ અનુભવ યથાર્થ જ છે એની ખાતરી શું, દાદા ?
દાદાશ્રી : આપણે અહીં જ્ઞાન આપે છેને, ત્યારે અનુભવ ટચ થાય છે એટલે પ્રતીતિ બેસે છે. પણ સંપૂર્ણ અનુભવ ના કહેવાય. ત્યારે દુનિયાનો કાયદો એવો છે કે દરેક વસ્તુની પહેલાં પ્રતીતિ બેસે. કંઈ પણ તમે સમજણ પાડો કે, ‘ભઈ, આવી જાતની કસરત કરવાથી તમને શરીર ને બધું સારું થઈ જશે.’ એ સાંભળતાં જ, એ સારું સાંભળેને બરોબર પદ્ધતિસરનું તો એની પ્રતીતિ બેસી જાય. અને પ્રતીતિ બેસે એટલે પોતે એની ક્રિયા શરૂઆત કરે. અને શરૂઆત કરે ત્યાર પછી એને અનુભવ થાય, પછી એ જાણ્યું કહેવાય. પછી એ બીજાને જણાવી શકે. પ્રતીતિ બેઠેલી હોય ને જણાવે, એમાં ભલીવાર ના હોય. એટલે આ પ્રતીતિ બેઠા પછી તમને અનુભવમાં આવે ત્યાર પછી એ જે દર્શન હતું, તેનું બધું જ્ઞાન થતું જાય.
પ્રશ્શનકર્તા : અનુભવની કક્ષા કેવી રીતે આપણે જાણી શકીએ ?
દાદાશ્રી : જેટલી બાબતમાં દુનિયા આપણને અસર ના કરે, તે એ અનુભવ કક્ષા પૂરી થઈ ગઈ. અને જેટલી બાબતમાં જ્યાં જ્યાં અસર કરે, તે હજુ કક્ષા બાકી રહી છે.
પ્રશ્શનકર્તા : દાદા, અસર ન કરે એ ખરેખર આત્મા જાણ્યાના કારણે છે કે અન્ય કોઈ કારણે ઉદાસીનભાવ જાગવાથી એ વસ્તુ બનેલી છે.
દાદાશ્રી : કેટલુંક આત્મા જાણવાને લીધે થોડુંક એ ફીટ થાય છે. પછી થોડોક અનુભવ થાય છે ને, ત્યાર પછી અમુક ભાગ બંધ થઈ જાય છે અને અનુભવ કાચો હોય તે ભાગ હજુ કાચો રહી જાય છે.
પ્રશ્શનકર્તા : એનું કોઈ થર્મોમિટર ખરું કે આમ આગળ વધી રહ્યા છે કે નહીં, એ જાણવા માટેનું ?
દાદાશ્રી : એ થર્મોમિટર તો આત્મા જ છે. એ કહી આપે કે, ‘હજુ બરોબર નથી. આટલે સુધી અનુભવ બરોબર છે.’ આત્મા થર્મોમિટરની માફક કામ કર્યા જ કરે છે.
પ્રશ્શનકર્તા : પ્રતીતિ પ્લસ આજ્ઞા એટલે અનુભવની દશા આવેને ?
દાદાશ્રી : અમે જે બાબતની આજ્ઞા આપીએ, તેટલા પૂરતી અનુભવમાં આવે. બધી બાબતમાં આજ્ઞા અનુભવમાં ના આવેને !
પ્રશ્શનકર્તા : બધી બાબતમાં આજ્ઞા અનુભવમાં ના આવે, એ કઈ દ્રષ્ટિએ ?
દાદાશ્રી : એ તો જે આજ્ઞા કરી હોયને, તે અમુક એક કોર્નરની હોય. એ કોર્નર ફીટ થાય. બીજી જગ્યાએ ફીટ ના થાય ને !
માર મારે, લૂંટી લે, તોય રાગ-દ્વેષ ના થાય એ એનું થર્મોમિટર. થર્મોમિટર જોઈએને ! રડે તેનો વાંધો નથી. રાગ-દ્વેષ ન થવાં જોઈએ. જો કોઈને મારીએ અને એ રડે એ તો દેહ સુંવાળો હોય તો રડે અને દેહ કઠણ હોય તો એ હસે, એ જોવાનું નથી. આપણે રાગ-દ્વેષ ગયા કે નહીં ?
પ્રશ્શનકર્તા : તો દાદા, એનો અર્થ એવો થયોને કોઈ આપણને ગાળ દે અને આપણું મોઢું બગડી જાય, પણ અંદર એના પ્રત્યે રાગ-દ્વેષ ના થાય.
દાદાશ્રી : એ હજુ કચાશ છે. પછી તો મોઢું પણ નહીં બગડે. અત્યારે મોઢું બગડે એનો વાંધો નહીં. રડે તોય વાંધો નહીં. માર સહન ના થતો હોય ને રડતો હોય તોય વાંધો નહીં.
પ્રશ્શનકર્તા : મોઢું બગડી જાય છે એ નબળાઈ છે ?
દાદાશ્રી : નબળાઈ જ ને ! ત્યારે બીજું શું ?
શુદ્ધાત્મા રૂપ ક્યારે થવાય ?
એક માણસ મને પૂછતો’તો, ”દાદા, મને આખો દહાડો ‘શુદ્ધાત્મા છું’ એમ ભાન રહે છે પણ તે રૂપ મારાથી થવાતું નથી હજુ.”
અલ્યા, શાનો તે રૂપ થવા ફરે છે ! હજુ તો તને પ્રતીતિ બેઠી છે, કે ‘હું શુદ્ધાત્મા છું’. પ્રતીતિ બેસે એટલે શું થાય, એ અંદર જે બીજ હતા તે બધાં બળી ગયા. એ ફરી નવા ઊગવાલાયક રહ્યાં નહીં. પણ હવે નિવેડો તો આવવો જોઈએને પાછલાં બીજનો. તે પાછલાં બીજમાંથી ફળ આપીને જાય પછી. તે જેટલાં ફળ આપીને જાય, તેટલું અનુભવજ્ઞાન પ્રગટ થાય. પ્રતીતિમાંથી પછી આગળ વધે. એટલે અનુભવજ્ઞાન ક્યારે પ્રગટ થાય ? ત્યારે કહે, કડવાં-મીઠાં ફળ આવે, એમાં સમતા રહે છે એવું એને અનુભવજ્ઞાન હોય. વીતરાગતા રહે છે, એ અનુભવજ્ઞાન થાય તેમ તેમ જ્ઞાન પ્રગટ થતું જાય. અનુભવજ્ઞાન પ્રગટ થયા પછી વર્તનમાં આવે, ત્યારે તું સંપૂર્ણ શુદ્ધાત્મા થઈ જઈશ. જ્યાં સુધી માલ ભરેલો છે એ નીકળી જાય ત્યારે વર્તનમાં આવે, એમ ને એમ કંઈ આવતું હશે ? આપણે હસવું હોય ને લોટ ફાકીએ બેઉ સાથે બને ? કાં તો હસી લે, કાં તો લોટ ફાકી લે.
લક્ષણો આત્માનુભવ તણાં !
પ્રશ્શનકર્તા : એકવાર જો આત્માનો અનુભવ સ્થિર થઈ જાય પછી કંઈ બાકી ના રહે.
દાદાશ્રી : હા. સ્થિર જ થઈ જાય. પછી આખો દા’ડોય સ્થિર જ રહે. એક કલાક જ નહીં, આખો દિવસ, નિરંતર સ્થિર રહે.
પ્રશ્શનકર્તા : શુદ્ધાત્માની અનુભૂતિ શી રીતે થાય ?
દાદાશ્રી : હમણાં એક ભાઈ એવું પૂછવા આવ્યા હતા તમારા જેવું, મને કહે છે, ‘આત્માનો અનુભવ હજુ બરોબર જેવો જોઈએ એવો થતો નથી’. ત્યારે મેં કહ્યું, ‘મહીં ચેતવનાર ચેતવે છે તને ?’ ત્યારે કહે, ‘એ તો આખો દહાડોય ચેતવે છે.’ ત્યારે મેં કહ્યું, ‘જ્ઞાન લીધા પહેલાં ચેતવતો હતો ?’ ત્યારે કહે, ‘ના, કોઈ ચેતવતો ન હતો.’ ત્યારે મેં કહ્યું, ‘એ જ ચેતન ચેતવે છે.’ તે આત્માનો અનુભવ આખો દહાડો જુઓ છો તો ખરા. મૂઆ, આખો દહાડો આત્માનો અનુભવ રહે છે. ચેતવનાર ચેતવે છે કે નથી ચેતવતો ? એ ચેતન ચેતવે છે. પહેલાં ચેતન હોય નહીં ને ચેતવેય નહીં કોઈ બાપોય. ચેતવે છે ને ચેતન ? શું કહે છે તે ?
પ્રશ્શનકર્તા : હા, ચેતવે છે.
દાદાશ્રી : હવે આ એ જ અનુભવ વળી. ચેતન ચેતવે છે, એ પહેલાં ચેતવતો હતો ? પહેલાં કોઈ ચેતવતું જ નહોતુંને ! આ જ અનુભવ !
પ્રશ્શનકર્તા : એ અનુભૂતિમાં પ્રવૃત્તિ શું કરવી ?
દાદાશ્રી : પાંચ આજ્ઞા પાળો એટલે બધી જોખમદારી મારી, તમને મોક્ષે લઈ જવાના એક અવતારમાં.
ચૈતન્ય વિજ્ઞાન છે તે મહીં ચેતવે. આખો દહાડો ચેતવ ચેતવ કરે આપણને ! આપણે જરા બફમમાં હોઈએ તોય એ ચેતવે. તમને કોઈ દહાડો બનેલું ? આપણે બફમમાં હોઈએ તો ચેતવે એવું ?
પ્રશ્શનકર્તા : હા. તો પણ ચેતવે.
દાદાશ્રી : હં. તો એ કોણ ? ત્યારે કહે, એ આત્માનો અનુભવ. નિરંતર આખો દહાડો આત્માનો અનુભવ રહે એવું આ અક્રમ વિજ્ઞાન છે. નહીં તો જગતે આત્માનો અનુભવ જોયેલો તે કેવો ? પડછાયા સ્વરૂપ. પડછાયો જુએ તેથી વસ્તુ નથી જોઈ. પડછાયો જોયો, હવે વસ્તુ જોઈ નથી, આભાસ, બસ. હવે એ આભાસ માત્ર અને આ તો ફેક્ટ વસ્તુ.
નિરંતર ચેતવનારો કોણ ?
આપેલો આત્મા સાચો એ જ છે કે બીજો હશે ?
પ્રશ્શનકર્તા : એ કરેક્ટ વસ્તુ આપેલી છે.
દાદાશ્રી : એ તો જોડે જોડે હોય, તેમાં આ કે પેલો એ શું ખબર પડે ? બધા આત્મા જોડે જોડે હોય, એમાં કયો આત્મા ખરો ?
ખરો આત્મા ના હોય તો મહીંથી ચેતવણી બંધ થઈ જાય. જગતમાં તો આ લોકોય આત્મા કહે પણ એને કોઈ બાપેય ચેતવે નહીં. એટલે પછી મૂંઝાય કે આ શું છે ? તે ઘડીએ મહીં સામો રિસ્પોન્સ (પ્રતિભાવ) ના હોવો જોઈએ ? તમને મહીં એનો રિસ્પોન્સ લાગે છે ને ? એ રિસ્પોન્સ આપે છે ને ? રિસ્પોન્સ ના આપે તો પછી આપણે કોને ત્યાં ઘંટડી વગાડીએ ? ઘૂમાવ્યા જ કરોને ઘંટ ! ઘંટ સંભળાય ને અવાજ સંભળાય. પેલો હતો તેવો ને તેવો. મૂળ એ ફેરફાર થયો. અને રિસ્પોન્સ આપે તો જ એની જોડે કામ થાય. નહીં તો તમે મને રિસ્પોન્સ ના આપો તો હું તમારી જોડે કેટલો વખત ‘ચંદુભાઈ, ચંદુભાઈ’ કર્યા કરું ? તમારે ખભે હાથ નાખ નાખ કરું, એમાં સ્વાદ મળે મને ? અને તમે રિસ્પોન્સ આપો કે ‘કેમ મને અડ્યા ?’ તો હું જાણું કે હં, રિસ્પોન્સ આપે છે.
પ્રશ્શનકર્તા : ચેતવનારો અને ચેતનારો બન્ને એક નથી ?
દાદાશ્રી : એક જ છે ને ! પણ એ અત્યારે આ ચેતનારો જ છે. ચેતવનારો જાગશે ને ત્યારે એક થશે. જાગે પછી છે તે પેલાને ચેતવે, ‘એ નહીં, આમ આવ, આમ આવ’. ચેતવનાર ચેતનારને કહે છે, ‘આમ નહીં, આમ પાછો આવ’. આ પોતાની વૃત્તિઓ રૂપી જે છે ચેતન, તેને પાછું બોલાવે છે.
પ્રશ્શનકર્તા : ચેતે છે કોણ ?
દાદાશ્રી : એ પેલી વૃત્તિઓ છે તે. જે ભેગું થનાર છે તે.
પ્રશ્શનકર્તા : તો એક કોણ થાય છે ? કોની સાથે ?
દાદાશ્રી : એ પોતે પોતાની સાથે જ એક થાય છે.
પ્રશ્શનકર્તા : એટલે ચેતનારો, ચેતવનાર સાથે એક થાય છે ?
દાદાશ્રી : હં. ચેતવનારની સાથે ચેતનારો એક થાય છે અને ચેતનારો ક્યારથી થયો કે જ્યારે પોતે એને રિસ્પોન્સ આપ્યો, ત્યારથી એ ચેતનારો થયો. ત્યાં સુધી ચેતનારો હતો જ નહીં. કોઈ કોઈની બાતેય સૂણતું ન હતું.
પ્રશ્શનકર્તા : રિસ્પોન્સ એટલે શું ?
દાદાશ્રી : રિસ્પોન્સ એટલે આ એણે કહ્યું કે ‘આમ’, એટલે પેલો કહે, ‘હા, બરોબર, રાઈટ.’ તે સાઈડ ફર્યો એટલે એ રાઈટ બિલિફ થઈ. પહેલાં પેલી રોંગ બિલિફ થઈ હતી, હવે રાઈટ બિલિફ થઈ.
પ્રશ્શનકર્તા : એટલે ચેતવનાર પાસે રાઈટ બિલિફ આપના થકી પ્રાપ્ત થાય છે ?
દાદાશ્રી : એવું છેને, મૂળ એને આ રોંગ બિલિફ છે, તો રાઈટ બિલિફ કઈ ? તે આપણે ખ્યાલ આપીએ એટલે એને રાઈટ બિલિફ બેસી જાય છે, દ્રષ્ટિ ફરી જાય છે. જેમ હું તમને આમ ફેરવી નાખું, એટલે તમારી દ્રષ્ટિ ફરી જાયને પછી તમે કહો કે ‘પહેલાં આ તો ન હતું, આ તો દરિયો દેખાય છે બધો.’ એ પછી રિસ્પોન્સ આવે છે.
પ્રશ્શનકર્તા : હં…, એટલે ફેરવનાર નિમિત્ત જોઈએ.
દાદાશ્રી : એ તો નિમિત્ત જ છે, નિમિત્ત !
પ્રશ્શનકર્તા : એ કોણ, જ્ઞાની પુરુષ હોવા ઘટે ?
દાદાશ્રી : હા, તે બીજું કોણ ? એ તો જે જાણતો હોય, તે જ નિમિત્ત બને. જાણતો હોય તે જ કહેને !
પ્રશ્શનકર્તા : આમાં ‘મૂળ આત્મા’ ક્યાં રહ્યો તો પછી ?
દાદાશ્રી : છે ને, મૂળ આત્મા તો ત્યાં જ છે એ. મૂળ આત્મા તો આમાં કોઈ કાર્ય જ નથી ભજવતો. મૂળ આત્મામાંથી જુદી પડેલી જે શક્તિ, પ્રજ્ઞાશક્તિ આ બધું કામ કરે છે. એ કામ પૂરું થઈ જશે એટલે એ શક્તિ એની મહીં પાછી તન્મયાકાર થઈ જાય છે.
પ્રશ્શનકર્તા : એટલે ચેતવનાર કોણ આમાં રહ્યું ?
દાદાશ્રી : એ છે તે આ પ્રજ્ઞાશક્તિ, પણ આપણે આત્મા કહોને ! એને આત્મા જ કહેવો જોઈએ.
પ્રશ્શનકર્તા : અને ચેતનાર કોણ થયું તો પછી ?
દાદાશ્રી : મહીં આ જે જુદું પડ્યું હતું તે વૃત્તિઓ, બિલિફ ! બિલિફ જુદી પડી’તી.
પ્રશ્શનકર્તા : એ ચેતનારનું અસ્તિત્વ પુદ્ગલ કહી શકાય ?
દાદાશ્રી : પુદ્ગલ નહીં.
પ્રશ્શનકર્તા : તો આ વૃત્તિઓ પુદ્ગલ સ્વરૂપ નથી ?
દાદાશ્રી : એ બિલિફ છે, એ બિલિફથી પુદ્ગલ ઊભું થાય છે.
એ ચેતવનારાને છૂટકો જ નહીંને ! એ તો ધંધો લઈને બેઠો છે. એટલે એની ફરજ છે કે એને હવે લઈ જવાનો મોક્ષે. આ રોંગ બીલિફો છે તે, એ ખસી ગઈ. એટલે હવે પેલાને છે તે ચેતવવું જ પડે.
પ્રશ્શનકર્તા : હવે એ અનુભવ વર્તનમાં આવશે ત્યારે ચેતવનારો અને ચેતનારો એક થશે ?
દાદાશ્રી : થઈ જ જવાના એ તો એની મેળે. વર્તનમાં આવ્યું એ જ પૂર્ણ થયું. પેલા વર્તન સહિતના છે ને આ વર્તન રહિતના છે.
પ્રશ્શનકર્તા : એ વર્તન રહિત છે, ત્યાં સુધી જ ચેતવનારો અને ચેતનારો જુદા છે ?
દાદાશ્રી : હં.
જ્ઞાતા-દ્રષ્ટાપદને ચેતવનારો !
પ્રશ્શનકર્તા : જ્યાં જ્ઞાતા-દ્રષ્ટાપણું છે ત્યાં પછી ચેતવાની વસ્તુ જ ક્યાં રહી ?
દાદાશ્રી : પણ જ્ઞાતા-દ્રષ્ટાપણું ના હોય ત્યારે ચેતવેને, કે આમ ના હોય.
પ્રશ્શનકર્તા : હા. તો એ સ્ટેજ કઈ કહેવાય ? જે ચેતવાની સ્ટેજ છે એ કઈ સ્ટેજ કહેવાય ?
દાદાશ્રી : એ ઉદયકર્મને આધીન ધક્કો વાગે ને છૂટી જાય પાછું. તે ઘડીએ ‘ચેત’ કહેને ! પછી ત્યાં આગળ લાવે પાછું. ચેતવનાર છે ને પણ, ‘ચેત’ ના કહે તો કાચું પડી જાય.
પ્રશ્શનકર્તા : બરાબર છે. પણ આ મૂળ સ્ટેજ ના કહેવાયને !
દાદાશ્રી : મૂળની ક્યાં વાત રહી, એ તો ચેતવનાર ના હોય તો કાચા પડી જઈએ. મૂળ સ્ટેજ આવ્યા પછી કશું કરવાનું રહેતું ય નથીને !
જ્ઞાતા-દ્રષ્ટામાં જેટલુ રહેવાય છે એટલું રહે છે. બીજી અડચણોને લીધે નથી રહેવાતું. તો પણ ચેતવીનેય પણ ત્યાં પાછાં અવાય છે. બીજા અંતરાયો હોયને ! બાકી જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા પછી અંતરાય ના હોય. તેને તો કશું બાકી જ નથીને ! અંતરાય હોય તેને ચેતવાનું.
પ્રશ્શનકર્તા : આ જે ચેતવવાની સ્ટેજ છે ને, એ લોંગ ટાઈમ સુધી ચાલે છે. મૂળ વસ્તુ જુદી છે, તેમ છતાં એ ચાલ્યા જ કરે છે.
દાદાશ્રી : એ ચાલ્યા કરે. એ ચાલ્યા કરવાનું છે. તેમાં આપણે વધારે જોર કરવાનું છેને ! અવળું છે એને સવળું કરવાનું છેને !
પ્રશ્શનકર્તા : હવે આમાં પોતાનામાં તન્મયાકાર એને પોતાને થવું છે. તો એનાં બધાં બારણાં બંધ થઈ જાય છે. જે પોતાનું જ્ઞાન જાણવાનું છે, તે ટોટલી ક્લોઝ થઈ જાય છે. આગળની સ્ટેજમાં નથી અવાતું.
દાદાશ્રી : એવું છે, બીજી પ્રતીતિ બેસે એવી નથી, એ જ પૂર્ણાહુતિ. પ્રતીતિની પૂર્ણાહુતિ કરવાની છે. બીજી કશી પૂર્ણાહુતિ કરવાની નથી. આ આચાર-બાચારની પૂર્ણાહુતિ કરવાની નથી. અને પ્રતીતિ બીજી નહીં બેસે ! એટલે મહીં છોને માથાકૂટ કરતો હોય, તેય જો જો કર્યા કરવું. બુદ્ધિને ના પેસવા દેવી, નહીં તો બુદ્ધિ માણસને જંપવા દેતી નથી.
પ્રશ્શનકર્તા : બુદ્ધિ તો બહુ હેરાન કરે છે.
દાદાશ્રી : હા, એ પ્રતીતિનાં બારણાં વાસી દે. પ્રતીતિના દરવાજા બંધ કરાવી દે. નહીં તો હવે બીજી કંઈ પ્રતીતિ બેસે એવું છે જ નહીં. પછી એથી વધારે શું જોઈએ તે ?
આત્માની આરાધના એ તો નિરંતર અનુભવવાની વસ્તુ છે. આત્માનો અનુભવ તો નિરંતર રહેતો જ હોય. મહીં ચેતવે છે તે જ આત્મા. ચેતવે છે ખરો ?
પ્રશ્શનકર્તા : હા.
દાદાશ્રી : પહેલાં કોઈ ચેતવતું ન હતું, તે અજ્ઞાન હતું. હવે મહીં ચેતવે છે, ‘એય, આમ આમ’. ચેતવે છે ને ?
પ્રશ્શનકર્તા : એમાં લોભ એક રહે છે તે પ્રત્યક્ષ જોવો છે.
દાદાશ્રી : હેં ? એ અક્ષવાળી જોવાની ચીજ ન હોય. અક્ષ એટલે આંખથી. એ આંખથી દેખાય એવી ચીજ નહીંને ? એ અનુભવી શકશો. આ સાકર જો તમારા મોઢામાં મૂકશું એટલે તમે કહો, હવે સમજાઈ ગયું. બસ, છેવટે સમજી જવાની જરૂર.
પ્રતીતિ બેસે, એનું નામ જોયો. આમ આંખથી નહીં પણ પ્રતીતિ બેસે, પછી લક્ષ બેસે, એનું નામ જાણ્યો. અને પછી વીતરાગતા રહે, એનું નામ અનુભવ. એટલે પહેલે દહાડેથી જ પ્રતીતિ બેસી જાય છે, તે ઘડીએય જોઈ લીધો હોય છે આત્માને તો !
ટેકાજ્ઞાન વિના નહીં પૂર્ણાહુતિ !
પ્રશ્શનકર્તા : પ્રતીતિ રહે છે, પછી એ અનુભવ માટે ત્યાં ખૂટે છે શું ?
દાદાશ્રી : એ જે દશા થઈ રહે, એના માટે જરૂરિયાત જે જ્ઞાન છે એ ખૂટે છે. જરૂરિયાત એટલે ટેકાજ્ઞાન, આ બધી વાતો હું કહું છું ને એ બધું ટેકાજ્ઞાન કહેવાય. એના આધારે બધું તમને અનુભવ પ્રાપ્ત કરાવે.
પ્રશ્શનકર્તા : એટલે એ ટેકાજ્ઞાનમાં જ્ઞાનકળા અને બોધકળા એ વસ્તુ આવે.
દાદાશ્રી : ટેકાજ્ઞાન તો આપણે શબ્દ આપ્યો. બાકી ટેકાજ્ઞાન જેવું હોતું નથી, પણ એ તમને હેલ્પ કરે. અનુભવ થવામાં આ જ્ઞાન ખૂટે છે.
પ્રશ્શનકર્તા : એટલે દર્શન પૂર્ણતાવાળું છે પણ વચ્ચે આ ટેકાજ્ઞાનની જરૂર છે.
દાદાશ્રી : ટેકાજ્ઞાન નથી તેથી આ અનુભવ એને ફીટ થતો નથી. એણે એવું સાંભળ્યું હોય, ‘જે બન્યું એ જ કરેક્ટ’, દાદા કહેતા’તા, તો એને એવું બની જાય તો પેલું ટેકાજ્ઞાન એને કામ લાગે તો અનુભવ થાય.
પ્રશ્શનકર્તા : એટલે આ વાક્ય ટેકાજ્ઞાન કહેવાય ?
દાદાશ્રી : ટેકાજ્ઞાન તો આપણે નામ પાડ્યું. બાકી એનું મૂળ હશે પેલું જ્ઞાન. એ આ હોય તો અનુભવ થાય. તેથી અમે વાતો કરીએને બધી આવી બધી.
પ્રશ્શનકર્તા : હવે એની પાસે દર્શનમાં શું હતું તે ઘડીએ ?
દાદાશ્રી : દર્શન તો છે હજુ. દર્શનની જાગૃતિ પૂરી છે.
પ્રશ્શનકર્તા : આજે દર્શનમાં કઈ વિગત છે એની પાસે ?
દાદાશ્રી : દર્શનમાં એને પોતાને જાગૃતિવાળું દર્શન છે અને તે પ્રતીતિ છે એ. દર્શન એટલે પ્રતીતિ, પછી બીજું કશું જોઈએ નહીં.
પ્રશ્શનકર્તા : એટલે ‘શુદ્ધાત્મા છું’ એ પ્રતીતિ ?
દાદાશ્રી : એ બધું ય, ‘હું શુદ્ધાત્મા છું’, આ શું છે ? તે શું છે ? બધી ય એને પ્રતિતી હોય. પણ આને અનુભવ ના થવા દે, ટેકાજ્ઞાન સિવાય. ‘ભોગવે એની ભૂલ’ સાંભળ્યું ને પછી છે તે જ્યારે ભોગવવાનું થાય ને ત્યારે એને અનુભવ થઈ જાય કે ભૂલ તો આપણી જ છે. ખરેખર વાત સાચી છે. પણ એવી વાત સાંભળી ના હોય તો ? ફીટ ના થાય. તે ઘડીએ બુદ્ધિ જોર કરે કે હવે આવું આ ન્યાય કહેવાતો હશે ? એટલે ટેકાજ્ઞાન અમારી પાસે સાંભળ્યું હોય તો બહુ હેલ્પ કરે. એ તો જોડે બેસ બેસ કર્યા હોય, તે સાંભળે. આ ભોગવે એની ભૂલ તો આ અજ્ઞાની માણસો ય પકડી લેને, તોય એનું ગાડું ચાલુ થઈ જાય. એને પછી અનુભવ થાય કે ના, વાત સાચી છે. એને હઉ અનુભવ થાય. એ વ્યવહારમાં અનુભવી કહેવાય બધા અને આમાં આત્માના અનુભવી. ‘ભોગવે એની ભૂલ’ એટલે એને કશી ભૂલ થઈ ગઈ એટલે તરત જ આ શબ્દો યાદ આવે એટલે પછી તરત હિસાબ કાઢે કે ઓહોહો ! મારા હાથમાં શું હતું ? આ તો કંઈક હિસાબ જ હતો લાગે છે. તો પછી અનુભવ જ્ઞાન થઈ ગયું એને.
પ્રશ્શનકર્તા : એટલે આત્માની જાગૃતિ છે, પણ આત્માનો અનુભવ થવા માટે આ ટેકાજ્ઞાનની જરૂર છે.
દાદાશ્રી : ‘હું આત્મા છું’ એ તો અનુભવમાં આવેલું જ છે ને ! દેહાધ્યાસનો અનુભવ તૂટ્યો ને આ આવ્યો.
પ્રશ્શનકર્તા : આ પ્રતીતિરૂપે આવ્યો છે ને ?
દાદાશ્રી : ગમે તે રીતે, પણ છે ને અનુભવ ? હવે તો આ આગળનો અનુભવ તો જ્ઞાન પ્રગટ થવાને માટે છે. એક ફેરો અનુભવમાં આવી ગયું એટલે પછી કાયમને માટે જ્ઞાન પ્રગટ થઈ ગયું.
પ્રશ્શનકર્તા : એટલે એવી રીતે પ્રસંગે પ્રસંગે નવા જ્ઞાનની જરૂર પડે ખરી ? દરેક જુદા જુદા પ્રસંગે ?
દાદાશ્રી : હા, એ તો જોઈએ જ ને ! બધું જોઈએ તો ખરું ને પણ ? જેટલા પ્રકારનાં જ્ઞાન એટલા પ્રકારના પર્યાય બધા.
પ્રશ્શનકર્તા : આપે પેલું કહેલું ને દરેક ગૂંચની પાછળ અજ્ઞાન હોય છે. એટલે એ ગૂંચના સોલ્યુશન માટે કંઈક જ્ઞાનની જરૂર હોય જ છે. એ દરેક વખતે જુદું જુદું એટલે એ જ્ઞાન પ્રગટ થવાની વાત છે ને આ ?
દાદાશ્રી : હં. અનુભવ પ્રમાણ આત્મા. હવે તમારો અનુભવ વધતો જશે, તેમ તમારો આત્મા પ્રગટ થતો જશે. આત્મા કેટલો પ્રગટ થયો ? ત્યારે કહે, અનુભવ પ્રમાણ !
અનુભવ કોને ?
પ્રશ્શનકર્તા : આત્માનુભવ કોને થાય છે ? આમાં અનુભવ કરનાર કોણ ?
દાદાશ્રી : ‘પોતાને’ જ થાય છે. આ અજ્ઞાનથી જે ભ્રાંતિ ઊભી થઈ હતી તે જતી રહે છે ને અસ્તિત્વપણું પાછું ઠેકાણે આવી જાય છે. ‘હું ચંદુભાઈ છું’ એ ભાન ‘જેને’ હતું, તેને હું એ ભાન છોડાવું છું ને ‘હું શુદ્ધાત્મા છું’નું તેને જ ભાન થાય છે. જે સૂક્ષ્મતમ અહંકાર છે કે જેનો ફોટો ના પડી શકે, જે આકાશ જેવો છે, તેને અનુભવ થાય છે. એટલે એ અહંકાર જ અનુભવ કરનારો છે. પછી અહંકાર વિલય થઈ જાય છે, પછી ‘પ્રજ્ઞા’ ઊભી થાય. ‘અજ્ઞા’ની સત્તા ઊડી જાય છે.
પ્રશ્શનકર્તા : અનુભવ પામનાર ને અનુભવ જોનાર એ બે જુદા કે એક ?
દાદાશ્રી : બેઉ એકના એક જ. દેખ્યો તે એક ને પામ્યો તે એક, બેઉ એકના એક. અહંકારને જો અનુભવ ના થાત તો એ કહેત કે મને અનુભવ ના થયો ને અનુભવ થાય એટલે પ્રજ્ઞાને સત્તા સોંપી દે કે આ તમારી ગાદી. અનુભવ પામ્યો ને અનુભવ જોયો, તે બેઉ એકના એક !
જ્ઞાન-દર્શન એ જ પરમ જ્યોતિ !
થિયરેટિકલ એ અનુભવ ના કહેવાય, એ તો સમજ કહેવાય અને પ્રેક્ટિકલ એ અનુભવ છે. સમજ પૂર્ણ ને અનુભવ પૂર્ણ, એનું નામ જ્યોતિ. એ જ જ્યોતિ, એ જ જ્ઞાન, એ જ પરમાત્મા.
પ્રશ્શનકર્તા : પણ એ આપની સાથે રહીએ, ત્યારે જ સમજ આવેને ?!
દાદાશ્રી : જેમ જેમ પરિચય વધતો જાયને તેમ તેમ પ્રકાશ વધતો જાય. અને પરિચય વધ્યો જોડે રહીને, એનું નામ અનુભવ.
પ્રશ્શનકર્તા : દાદાજી, શ્રદ્ધા ને પરિચયમાં ફેર ?
દાદાશ્રી : પરિચયથી શ્રદ્ધા બેસે, પણ શ્રદ્ધા બેઠા પછી પણ પરિચય વધે તેમ પછી પાછો અનુભવ થાય. વધારાના પરિચયથી શ્રદ્ધા બેસી એ પછી પરિચય શું કામ કરે ? ત્યારે કહે, અનુભવ થતાં જાય. માટે પરિચયમાં રહેવું.
પ્રશ્શનકર્તા : દાદાજી, પરિચયમાં ના રહેવાય તોે પુસ્તકો કેટલી હેલ્પ કરે ?
દાદાશ્રી : બધું હેલ્પ કરે. બધી આ અહીંની દરેક ચીજ દાદાની, એ શબ્દો દાદાનાં છે, આશય દાદાનો છે, એટલે બધું હેલ્પ કરે.
પ્રશ્શનકર્તા : પણ સાક્ષાત્ પરિચય ને આમાં ફેર ને ?
દાદાશ્રી : એ તો ફેર ગણવા જાય તો બધામાં ફેર હોય. માટે આપણે તો જે વખતે જે આવ્યું તે કરવું. દાદા ના હોય ત્યારે શું કરવું ? દાદાનું પુસ્તક છે તે વાંચવું. પુસ્તકમાં દાદા જ છેને ! નહીં તો આંખો મીંચીએ કે તરત દાદા દેખાય !