

બીટીડીટીજીટીટીએસ: દાસ્તાન-એ-ટીશર્ટ—પરેશ વ્યાસ
સોશિયલ મીડિયા ઉપર મોદીસાહેબ જેઓને ગમાડી ગયા છે એવા લોકોની કુલ ચાર કેટેગરી છે. પ્રશંસક, ચાહક, ભક્ત અને પરમ ભક્ત. ચારે ય કેટેગરીનાં લોકમાં તાત્વિક તફાવત છે. દાખલા તરીકે હું મોદી પ્રશંસક છું. એટલે જ્યારે સારું કામ થાય ત્યારે પ્રશંસા કરી શકાય. ખોટું થાય તો મારી અંદરનો પ્રશંસક ટીકાકારમાં બદલાઈ જાય. અદાણી સંચાલિત અમદાવાદ એરપોર્ટ પર બેસવાની ખુરશીઓ નથી- એવું અમારા એક મોદી પ્રશંસક વડીલ મિત્રએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું. હું હોઉં તો હું ય એવું જ લખું . જે હોય, એ કહેવું જોઈએ. પણ.. જો હું ચાહક હોઉં તો સોશિયલ મીડિયા ઉપર ટીકા કરવાનું ટાળું. ચાહકને ખામી તો દેખાય પણ… ‘આમાં મોદીસાહેબ બિચારા શું કરે? હેં ને?’ હવે આગળ. માની લો કે હું ભક્ત છું. એક ભક્ત તરીકે તો હું વિસ્ફારિત નેત્રે એરપોર્ટની અનન્ય સ્વર્ગીલી ઝાકમઝોળને એવી રીતે જોઉં કે મને બેસવાની ખુરશીની ઉણપ દેખાય જ નહીં. હવે આગળ.. ‘પરમ ભક્ત’ એક ખાસ કેટેગરી છે. હું પરમ ભક્ત હોઉં તો તો હું એવું કહું કે, ‘જોયું.. મોદીસાહેબની દૂરંદેશી? ચાલતા જ રહેવું, બેઠાડું જીવન એટલે રોગને આમંત્રણ. બેસવાની જરૂર જ શું છે? આ તો નમોએ જ અદાણીને કહીને એરપોર્ટ પરથી ખુરશી દૂર કરાવી છે!’ લો બોલો! એવા જ એક પરમ ભક્તે આવી કડકડતી ઠંડીમાં છાતી પર ટી-શર્ટ પહેરીને ‘ભારત જોડો’-ની યાત્રાએ નીકળેલા બાવન વર્ષનાં યુવા નેતા રાહુલ ગાંધીનો ટી-શર્ટની અંદર પહેરેલા થર્મલ સોતો ફોટો ઝૂમ કરીને સોશિયલ મીડિયા પર મૂક્યો. ટીશર્ટ્સની યુઝલેસ ચર્ચા ચોમેર થવા માંડી. હવે ચાર કેટેગરીનાં લોકો કોંગ્રેસમાં પણ છે. એક કોંગ્રેસી પરમ ભક્તાણી બહેને મહાત્મા ગાંધી અને રાહુલ ગાંધીનાં ફોટા જોડાજોડ મૂકીને લખ્યું: તબકે ગાંધી શાલમેં, અબકે ગાંધી ટી-શર્ટમેં; વક્ત બદલા હૈ, ગાંધી નહી!
આજનો શબ્દ એ સંક્ષેપાક્ષર છે. બીન ધેર, ડન ધેટ, ગોટ ધ ટી-શર્ટ (Been there, Done that, Got the T-shirt). અર્થ થાય: ‘ત્યાં જઈ આવ્યા છઈએ, એવું કરી ય ચૂક્યા છીએ, ટી-શર્ટ પર લઈ ચૂક્યા છીએ’. એટલે એમ કે કોઈની કોઈ વાત કે કહાણી જગજાણીતી લાગે, નવું કાંઈ ન હોય. અને તમે પોતે એ બધું જ અનુભવી ચૂક્યા હોય. એમ કે થાઈલેન્ડ થાઈલેન્ડની શું વાતો ઠોક્યા કરો છો?- અમે ત્યાં જઈ આવ્યા છીએ, કરવાનું બધું કરી આવ્યા છીએ, ટી-શર્ટ પણ લઈ આવ્યા છીએ. મોહનદાસ કરમચંદ ગાંધી અને રાહુલ રાજીવ ગાંધીની ભારત યાત્રામાં કેટલાંક લોકોને સામ્યતા લાગે છે. તેઓને અહોભાવ થાય એ સ્વાભાવિક છે પણ મોદીનાં પરમ ભક્તો માટે રાગાની ભારત જોડો યાત્રા બીટીડીટીજીટીટીએસ હોઈ શકે. આ મુહાવરો ‘ઉપેક્ષિત અરુચિ’, ‘છિદ્રદૃષ્ટિ’ કે ‘વક્રગામિતા’ સાથે જોડાયેલો છે. એમાં કંટાળો પણ છે. આ બધું નકરું નાટક છે અથવા એમાં ખોટેખોટી સુફિયાણી વાતો છે- એવું જે માને છે તેઓ કહે કે ‘અમે ય જઈ આવ્યા’તા, કરી આવ્યા’તા અને ટી-શર્ટ ય લઈ આવ્યા હતા.’ આમાં નવું શું છે?
નવું એ છે કે બ્રિટિશર્સ જેને નંગા ફકીર કહેતા, હવે એની મોડર્ન વર્ઝનમાં છાતી પર ટી-શર્ટ આવી ગયું છે. જો કે ટીશર્ટ સૌ પ્રથમ અઢારમી સદીમાં આવ્યું હતું. એનો દેખાવ ઇંગ્લિશ અક્ષર ટી (T) જેવો. એટલે એ ટી-શર્ટ કહેવાયું. પહેલાં માત્ર ભાયડાઓ જ પહેરતા, એ ય અન્ડરવેર (આંતરવસ્ત્ર) તરીકે. બહાર દેખાતું ય નહીં. કામદાર લોકો ગરમીનો સમય હોય તો એ જમ્પ સૂટ વસ્ત્રને ઉપરનાં ભાગે આગળથી ફાડીને હવાદાર બનાવતા હતા. ગુજરાતી લેક્સિકન અનુસાર ‘જમ્પ સૂટ’ એટલે આખા શરીર માટેનું એક અખંડ વસ્ત્ર. ટીશર્ટ એ એનો ઉપરી હિસ્સો. સને ૧૯૦૪ માં અમેરિકન કંપની કૂપર અંડરવેર કંપનીની જાહેરાત આવી. કુંવારા મર્દો માટે એક ખાસ વસ્ત્ર. નીચે લખ્યું: નો સેફ્ટી પિન્સ, નો બટન્સ, નો નીડલ,નો થ્રેડસ. એવા પુરુષો માટે જેની પાસે પત્નીઓ ન હોય અને સીવણવિદ્યામાં પણ તેઓ ડફોળ હોય. ટીશર્ટ આમ આસાનીથી ફિટ બેસે, ધોવામાં સરળ અને કિંમતમાં ય સસ્તું. અમેરિકન નૌકાદળને પણ લાગ્યું કે આ સારી વ્યવસ્થા છે, ડોકેથી સામી છાતીએ સરકાવી દેવાનું. કોટન પૂલઓવર પ્રખ્યાત થયું ‘ટી-શર્ટ’નાં નામે જ્યારે જાણીતા અમેરિકન નવલકથાકાર એફ. સ્કોટ ફિટ્જીરાલ્ડે સને ૧૯૨૦ માં લખાયેલી નવલકથા ‘ધિસ સાઈડ ઓફ પેરેડાઈઝ’માં ટી-શર્ટ શબ્દનો પહેલી વાર ઉપયોગ કર્યો. સને ૧૯૩૨માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાએ જૉકી ઇન્ટરનેશનલ કંપનીને એવા ટી-શર્ટ્સ ડીઝાઇન કરવાની વિનંતી કરી કે જે પોતાનાં અમેરિકન ફૂટબોલ ખેલાડીઓ ફ્રન્ટ પેડિંગ્સની નીચે પહેરી શકે અને ‘ક્રુ-નેક ટીશર્ટ’નો જન્મ થયો. અહીં સુધી ટી-શર્ટ અન્ડરવેર જ હતું. પણ બીજા વિશ્વયુદ્ધનાં સૈનિકો યુદ્ધમાંથી પાછા ફર્યા ત્યારે તેઓ ટી-શર્ટ્સને બાહરી વસ્ત્ર તરીકે પહેરવા માંડ્યા. અને પછી તો ૧૯૫૧માં ફિલ્મ ‘અ સ્ટ્રીટકાર નેઈમ્ડ ડીઝાયર’ આવી, જેમાં વર્કિંગ ક્લાસ યુવાન હીરોનાં પાત્રમાં ૨૩ વર્ષનો માર્લોન બ્રાન્ડો ટીશર્ટ બહાર પહેરીને ફરતો દેખાયો અને ટી-શર્ટ્સ બાહરી વસ્ત્ર તરીકે લોકપ્રિય બની ગયું. સને ૧૯૬૦થી ટીશર્ટ પોતાની જાતને વ્યક્ત કરવા માટે પણ વપરાવામાં માંડતો. જાહેરાત માટે એનો ઉપયોગ થયો. રાજકીય પક્ષો પણ કાર્યકરો માટે ટીશર્ટ બનાવવા માંડ્યા. હરવાફરવાનાં સ્થળો ઉપર સુવેનીયર તરીકે ટીશર્ટ્સ વેચાવા માંડ્યા. આજનો મુહાવરો એ પરથી જ છે. તમે જેની વાત કરો છે અમે ત્યાં જઈ આવ્યા છીએ. અમે પામી ચૂક્યા છીએ!
ટીશર્ટ્સમાં મોટે ભાગે બાંય અડધી જ હોય અને એટલું નક્કી કે એ ડોકેથી જ સરકાવીને જ પહેરવાનું હોય. આજે ટીશર્ટ સ્ત્રીઓમાં પણ લોકપ્રિય વસ્ત્ર છે. સ્ત્રીઓનું ટીશર્ટ પુરુષ કરતાં થોડું ઢીલું હોય એટલે એને એવા લૂઝ-ફિટ ટીશર્ટને ‘બોયફ્રેન્ડ ટી-શર્ટ’ પણ કહેવાય. ફેસબૂકવાળો માર્ક ઝુકરબર્ગ ખાનગી કે જાહેરમાં સ્યૂટપેન્ટ પહેરતો નથી. માત્ર ગ્રે રંગનાં ટીશર્ટ જ પહેરે છે. રાહુલ ગાંધી સફેદ રંગનું ટીશર્ટ પહેરે છે. મોદી ભક્તોનાં મતે એ ટીશર્ટ અતિશય મોંઘું છે. ભારત દેશનાં હે ટી-શર્ટ્સનાં બનાવનારાઓ… સાવધાન થઈ જજો. પઠાણવાળી થવાની સંભાવના છે. પરમ ભક્તોનું કાંઈ નક્કી નહીં. હવે ટી-શર્ટ્સનો, ખાસ કરીને વ્હાઇટ ટી શર્ટ્સનો બહિષ્કાર આવી જશે. ઓક્ટોબરમાં જેમ ખાદી પર વળતર હોય છે એમ સફેદ ટી શર્ટ્સ પર પણ જૂનમાં વળતરની સ્કીમ આપશો તો ય વેચાશે કે કેમ?- એ વિષે અમને શંકા છે. જસ્ટ જોકિંગ, યાર!
શબ્દશેષ:
“સફેદ ટીશર્ટ એ કોરાં કૅન્વસ જેવું છે- સદૈવ સર્વતોમુખી પ્રતિભાવાળું.” –ફેશન ડીઝાઇનર અને બ્રિટિશ ‘વોગ’ મેગેઝીનનાં એડિટર-ઇન-ચીફ એડવર્ડ એનિનફુલ
