કોન આર્ટિસ્ટ ઉર્ફે મિ. નટવરલાલ ઉર્ફે મિ. કિરણ પટેલ
કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે,
શક્યતા સૌથી વધારે છેતરે. – બાબુલાલ ચાવડા ‘આતુર’

કિરણ પટેલ ચર્ચામાં છે. ગુજરાતી અખબારોએ એને ‘ઠગ’ અથવા ‘મહાઠગ’ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. ભગવદ્ગોમંડલ અનુસાર ઠગ એટલે છળ કરનાર માણસ, ધુતારો, દગલબાજ, ધૂર્ત, ઠગારો, વંચક, પ્રતારક…પ્રતારક શબ્દનું મૂળ સંસ્કૃત છે. છેતરીને ઠગી લેનાર. ઠગનાં અન્ય અર્થ પણ છે. અતિ ધર્માભિમાની કે ઢોંગી માણસ. હિંસક અર્થમાં ઠગ શબ્દ વધારે વપરાય છે. એટલે એમ કે ઠગને હિંસા કરવામાં પરહેઝ નથી. હરકિસન મહેતાની ‘પીળા રૂમાલની ગાંઠ’-નાં અમે પ્રખર વાંચક રહ્યા છીએ. આ એ ઠગ હતા જે ગળા પર રૂમાલની ગાંઠ મારીને, ગૂંગળાવીને હજારો યાત્રાળુઓને મારી નાંખતા અને લાખોનો માલ લૂંટી લેતા. પણ આપણા કિરણ પટેલ એ અર્થમાં ઠગ નથી. કદાચ દગો કે કપટથી લૂંટી લેનારો એવો શબ્દ કિરણ પટેલ માટે યોગ્ય લાગે છે. હિંદીમાં એને જાલસાઝ કહે છે. ઇંગ્લિશમાં એને ઇમ્પૉસ્ટર (Imposter) પણ કહેવાય. ઇંગ્લિશ અખબારો જો કે કિરણ પટેલને કોન મેન (Con man) કહીને નવાજે છે. એક માત્ર ઇંગ્લિશ અખબાર તેલાંગણા એક્સપ્રેસ સિવાય સર્વે ભારતીય ઇંગ્લિશ અખબારોએ કિરણ પટેલને ‘કોન મેન’નું વિશેષણ આપ્યું છે. મને લાગે છે કે કિરણભૈ માટે કોન આર્ટિસ્ટ (Con Artist) શબ્દ વધારે યોગ્ય છે કારણ કે આ રીતે છેતરપીંડી કરવી એ તો એક કલા છે. વર્ષોની તપસ્યા કે અગણિત રીયાઝ કર્યો હોય એવો કલાકાર જ આટલી બધી અધિકારીતા, દૃઢ વિશ્વાસ, હિંમત કે ધૃષ્ટતાથી આખેઆખી જમ્મુ એન્ડ કાશ્મીર સરકારને છેતરી શકે! ફરીથી કહું તો કિરણ પટેલની ગતિ વિધિ અહિંસક છે. ગાંધીનું રાજ્ય ગુજરાત એનું વતન છે. અહિંસા તો એની રગ રગમાં હોય જ ને?! અને આતંકવાદીઓ વચ્ચે કાશ્મીર જઈને ઝેડ પ્લસ સીક્યુરિટી મેળવે એ તો કેવો ઊંચો કલાકાર કહેવાય! એ પકડાયો તે એની કાશ્મીરની ત્રીજી મુલાકાત હતી. વ્હોટ અ કોન્ફિડન્સ!
યસ, આ કોન (Con) શબ્દ કોન્ફિડન્સ (Confidence) શબ્દનું જ ટૂંકું રૂપ છે. સને ૧૮૪૯માં અમેરિકાનાં ન્યૂ ઓર્લિયન્સ પિકાયુન અખબારમાં છપાયેલા એક સમાચારમાં એક આવા જ જાલસાઝ માટે ‘કોન્ફિડન્સ મેન’ શબ્દ વપરાયો હતો. કારણ કે આ રીતે છેતરપિંડી કરવા માટે સૌથી પહેલાં સામેવાળાનો વિશ્વાસ તો જીતવો જ પડે. અને જે છેતરાય છે એની પોતાની ય અજાણી સંમતિ તો હોય જ. બે હાથે જ તાળી પડે. લોભિયા હોય તો જ ધૂતારા ભૂખા ન મરે. શક્ય છે કે કિરણ પટેલનાં કિસ્સામાં કો’કને સીસીટીવીનો કોન્ટ્રાક્ટ મેળવવાનો લોભ હોય. ધૂતારા માટે ‘કોન્ફિડન્સ મેન’ એવો આખો શબ્દ પછી ટૂંકાવાયો અને સને ૧૮૭૫માં ચિકાગો ટ્રીબ્યુન અખબારમાં છપાયેલા આવા જ એક સમાચારમાં ‘કોન મેન’ શબ્દ વપરાયો અને ત્યારથી આ કોન મેન અથવા કોન આર્ટિસ્ટ શબ્દ ચલણમાં છે.
ભારત દેશમાં એને મિ. નટવરલાલ કહે છે કારણ કે નટવરલાલ (૧૯૧૨-૨૦૦૯) નામનો એક મહાન કોન આર્ટિસ્ટ આપણાં દેશમાં થઈ ગયો હતો. એનું મૂળ નામ મિથિલેશ કુમાર શ્રીવાસ્તવ હતું અને બિહાર એનું વતન હતું. એણે તાજમહાલ, લાલ કિલ્લો, રાષ્ટ્રપતિભવન અને સંસદભવન એકથી વધારે વાર અલગ અલબ લોકોને વેચ્યા હતા. ગજબ છે, નહીં?! ખરીદનારને એટલું ય નહીં સમજાયું હોય કે આ તો રાષ્ટ્રીય સ્મારક છે. એ કોઈ ખાનગી વ્યક્તિ વેચી જ શી રીતે શકે? ૧૯૯૬માં નટવરલાલ પોલિસ કસ્ટડીમાંથી ભાગી છૂટ્યો પછી પકડાયો ય નહોતો. આજે આ રીતે વિશ્વાસ સંપાદન કરીને છેતરવાની કળા કરનારને કોઈને પણ આપણે નટવરલાલ કહીએ છીએ. સને ૧૯૭૯માં અમિતાભની મિ. નટવરલાલ નામની ફિલ્મ પણ આવી હતી. મેરે પાસ આઓ મેરે દોસ્તો એક કિસ્સા સુનો ….હવે શક્ય છે કે નવી ફિલ્મ બનશે જેનું નામ મિ. કિરણ પટેલ હશે! એનો હીરો કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યુરિટી સાથે ફાઇવ સ્ટાર હોટલમાં રહેશે અને ચોરીછૂપી કો’ક કાશ્મીર કે કલીનાં પ્રેમમાં ય પડશે. ઇન્ટરવલ પછી પાકિસ્તાન પ્રેરિત આંતકવાદી સંગઠનની ગતિવિધિ બતાવીને પ્રેમલક્ષણા ફિલ્મને થ્રીલર બનાવી શકાશે. અને આખરે કિરણ પટેલ.. સુજ્ઞ વાંચકો, આપને સસ્પેન્સ કહીને ફિલમની મઝા બગાડવી નથી. ફિલ્મની સિક્વલ પણ બની શકે જેનું નામ ‘કિરણ પટેલ અભી જિંદા હૈ’ હોઈ શકે અને થ્રીક્વલ બને તો ‘ક. ક.. કિરણ પટેલ..’ બસ ને? આમ જ લોકો છેતરાઈ જતાં હોય છે! મૂળમાં તો કોન મેન કે કોન આર્ટિસ્ટ એ હોય જે ચાલાકીથી છેતરીને સામેવાળાનો વિશ્વાસ સંપાદન કરે અને એવું માનવા પ્રેરે જે સાચું ન હોય.
કોન આર્ટિસ્ટની માયાજાળમાં આપણે ફસાઈ જઈએ છે. આપણને રોજ એવા કોન મળી જ જાય છે. આ માર્કેટિંગ આખી કોન રમત જ તો છે. આપણને જેની જરૂર નથી એ વસ્તુ આપણે પોરવી જાય છે. અથવા જરૂરી હોય એવી વસ્તુ પણ એ જે દાવો કરે એવી ન હોય. ના, અમે રાજકારણીઓને કોન આર્ટિસ્ટ કહેતા નથી. કહેવાની જરૂર નથી. અને ધર્મકારણીઓ? માર્ક ટ્વેન એવું કહેતા કે ધર્મ ત્યારે શોધાયો જ્યારે દુનિયાનાં પ્રથમ કોન આર્ટિસ્ટને દુનિયાનો પહેલો મૂર્ખ મળી ગયો. જો કે કોઈને કોન કરવું સરળ નથી. લોકોને લાગવું જોઈએ કે કોન આર્ટિસ્ટ પોતે એક પ્રામાણિક માણસ છે. કોન આર્ટિસ્ટનાં ત્રાટકની લપેટમાં આવી ગયેલા લોકો તો લૂંટાઈ ગયા પછી પણ એવું માને છે કે એ બિચારો સારો માણસ હતો. સામાન્ય રીતે એવા લોકો છેતરાય છે જેની પોતાની જિંદગીમાં કોઈ આત્યંતિક બદલાવ આવી રહ્યો હોય. જેમ કે નોકરી છૂટી જવી, પ્રેમમાં પડી જવું (શાબ્દિક અર્થમાં!) કે પછી બીમાર થઈ જવું. પલક ઝબકારે મુશ્કેલી ગાયબ કરવાનો દાવો કરનાર કોન આર્ટિસ્ટની જાળમાં લોકો ફસાય છે. આ ઉપરાંત એવા માણસો પણ ફસાય છે જે પોતાની જાતને જ પ્રેમ કરતા હોય છે. સારાસારનો વિવેક આવા લોકોમાં હોતો નથી. માટે આવા લોકોનું ફસાવું સરળ છે. કોન આર્ટિસ્ટ આમ કોઈ અજાણ્યો માણસ હોતો નથી. તમે એને ઓળખો જ તો છો. ગરબાનું આયોજન કરે, મોટા માણસો સાથે ફોટા પડાવે વગેરે. તમને લાગે કે ઓહો! આ તો જાણીતા છે. વિશ્વાસ કરવામાં વાંધો નથી. કોન આર્ટિસ્ટ ખુદ પોતે બોલબોલ કરતો નથી. બલકે એ આપણને શાંતિથી સાંભળે છે. અને એટલે આપણે એની પર ઝડપથી વિશ્વાસ મૂકી દઈએ છીએ. આ ડિજિટલ યુગ છે. સઘળી માહિતી ઓનલાઈન હોય જ ને? આપણે આવા મિ. કિરણ પટેલને પહેલેથી ઓળખી ન જઈએ? જાણકારો કહે છે કે ડિજિટલ યુગમાં કોન આર્ટિસ્ટની કામગીરી વધારે સરળ બની જાય છે. કોન આર્ટિસ્ટ બધાની ઓનલાઈન પ્રોફાઇલ જોતો રહે તો એને ખબર તો પડી જ જાય કે એ કોણ છે જે છેતરાઈ જવા તત્પર છે. પ્રિય વાંચક.. સાબદા રહેજો..
શબ્દશેષ:
હું કોન્ફિડન્સ મેન છું“હું કોન્ફિડન્સ મેન છું. હું લોકોને કોન્ફિડન્સ આપું છું. તેઓ મને પૈસા આપે છે.” – અમેરિકન ક્રાઇમ ડ્રામા સીરીઝ ‘સ્નીકી પીટ’નો સંવાદ