Daily Archives: મે 5, 2023

મારે તને મળવું છે

:

મારે તને મળવું છે વાતે—

જીંદગીમાં હવે કંઈક એવું કરવું છે કે,

એ સામેથી કહે યાર મારે તને મળવું છે..

………

મારે તમને મળવું છે.

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,

સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !

સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,

કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,

ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;

સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,

ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,

પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;

જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને

મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,

બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;

‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની

ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

………………….

મારે ચાર દીવાલોની બહાર તને મળવું છે.

તું પૂછીશ શા માટે?

તો કારણ ની મને જાણ નથી

ને બહાના બનાવવા મને મંજૂર નથી.

તું પૂછીશ ક્યાં?

તો એવા કોઈ સ્થળની મને જાણ નથી ને

ભીડ માં મળવું મને પસંદ નથી.

તું પૂછીશ ક્યારે?

તો સમય પર મારું આધિપત્ય નથી ને

ઘડિયાળમાં થોભી જવું મને ગમતું નથી.

છતાંય…. મારે તને મળવું તો છે જ.

અકારણ, એકાંતમાં અને આ ક્ષણે.

હે ઈશ્વર..

તું મને મળીશ??? દોશી

સતત હરીફાઈ ભરેલી જિંદગીમાં,

જિંદગી ને આનંદમય બનાવવા, દોસ્ત,

આજે મારે તને ફરી મળવું છે.

જિંદગીના વિચિત્ર પ્રવાહો વચ્ચે જીવતા જીવતા,

જીવનના ઉલ્લસને માણવા, દોસ્ત,

આજે મારે તને ફરી મળવું છે. અજ્ઞાત

એક યુવતીએ કોલ કરીને તેના બોયફ્રેન્ડને કહ્યું કે મારે તને મળવું છે. બોલ, ક્યારે મળીશું? યુવાન મળવાનો ઉમળકો વ્યક્ત કરતા બોલ્યો કે અત્યારે તો હું ચોક્કસ મારા કામમાં બિઝી જ છું, પરંતુ મારા બિઝી શિડ્યુલને હું મેનેજ કરીને તારા માટે ટાઈમ કાઢી લઈશ. બોલ, તું કહે એ ટાઈમે હું મળવા તૈયાર છું. તને જે ટાઈમ કમ્ફર્ટ હોય એ પ્રમાણે હું મેનેજ કરી લઈશ.

આ સંવાદમાં સમજી શકાય છે કે યુવતી માટે તેના બોયફ્રેન્ડને સંપૂર્ણ આદર અને સન્માનની લાગણી છે. યુવાન ગર્લફ્રેન્ડની બરાબર કાળજી રાખે છે અને ગર્લફ્રેન્ડને જ્યારે તેના સપોર્ટની કે ટાઈમની જરૂર હોય છે, ત્યારે યુવાન પોતાના બિઝી શિડ્યુલમાંથી પણ પોતાનો ટાઈમ મેનેજ કરીને ટાઈમ સ્પેન્ડ કરવા તૈયાર અને તત્પર રહે છે. આ છે, પ્રેમમાં કાળજી, લાગણી, સંભાળ અને આદર.

હવે બીજો એક સંવાદ પણ જોઈએ. એક યુવાને કોલ કરીને તેની ગર્લફ્રેન્ડને કહ્યું કે મારે તને મળવું છે. બોલ, ક્યારે મળીશું?

યુવતીએ રિસ્પોન્ડ આપ્યો કે હમણા તો મને નહીં ફાવે, ફરી ક્યારેક. કેમ કે હમણા હું જોબ ઉપર છું, જો રજા લઉં તો પગાર કપાઈ જશે. મારી પાસે એકસ્ટ્રા રજાઓ નથી. બેલેન્સ થયેલી રજાઓ મારે વેકેશન એન્જોય કરવામાં વાપરવાની છે. જોબ ઉપરાંત મારે હમણા એકઝામની તૈયારીઓ પણ ચાલી રહી છે. સાંજે મારા એક દોસ્તની બર્થ-ડે પાર્ટી છે. ત્યાં બધા સ્કૂલ-ફ્રેન્ડઝ ભેગા થવાના છે ને ખૂબ એન્જોય કરવાના છીએ. પછી મારે મારા કાકાના ઘરે રહેવા જવાનું છે. કાલે મારા માસીના ઘરે અમારું ફેમિલી ગેટ-ટુ-ગેધર છે. પછી મારી એક સ્કૂલ-ફ્રેન્ડ અમેરિકાથી આવવાની છે, તેની સાથે થોડા દિવસ સ્પેન્ડ કરવાના છે. વીક-એન્ડમાં તો શનિ-રવિ મારી દીદી અને જીજાજીના ઘરે રહેવા જવાનું ઓલ ટાઈમ ફિક્સ શિડ્યુલ હોય છે. વગેરે… વગેરે… બોલ, હવે હું ક્યારે તને મળવા આવી શકું?

હવે એમ કહેવાની જરૂર ખરી કે પેલો યુવાન તેની ગર્લફ્રેન્ડનો આવો રિપ્લાય સાંભળીને બેહોશ થઈ ગયો?

યુવતી તો એક સિમ્બોલ છે. ગર્લફ્રેન્ડનો કોઈ જ વાંક નથી. સંબંધ કોઈ પણ હોય, આપણે આપણી આસપાસ નજર કરીએ તો પણ આપણને આવા કિસ્સા જોવા મળે છે કે એ લોકોને તમારું કામ પડે ત્યારે જ તમને મળવા આવે અથવા કોલ કરે છે. તમે એમના માટે સમય ફાળવો છો અને એમની વાત સાંભળો છો અને એમના કામમાં થઈ શકે એ રીતે મદદરૂપ પણ થાઓ છો.

આવી સ્થિતિ આવે તો તમારે ગર્વ અનુભવવો જોઈએ કે તમે એવા જરૂરિયાતમંદ લોકોના જીવનમાં પ્રકાશ પાથરવાનું કામ કર્યું. કેમ કે તમારી યાદ એમને ત્યારે જ આવે છે કે જ્યારે એમના જીવનમાં અંધકાર છવાઈ જાય અને કોઈ રસ્તો જ ના રહ્યો હોય, ત્યારે તમારી યાદ આવે છે.

Leave a comment

Filed under Uncategorized