મંક મોડઃ કામ કરવાની સાધુ રીતિ

–
– મંક મોડ એટલે સામાજિક ક્રિયાપ્રતિક્રિયા, મેળમેળાપ, બિનઆરોગ્યપ્રદ ટેવો અને સમય બરબાદ કરતી પ્રવૃત્તિઓનો પૂર્ણ અથવા ખંડ સમય માટે, જાણી જોઈને કરેલો ત્યાગ
સમજ હો એવી એ જન આશિખાનખ સાધુ છે સાહેબ.
– સંજુ વાળા
મિ ત્ર કવિ સંજુભાઈ ‘આશિખાનખ’ શબ્દ રચે છે. સમજ હોય તો એ જણ માથાની ચોટલીથી હાથનાં નખ સુધી સાધુ જ છે. પણ હું નોકરિયાત છું. સાધુ નથી. કામચલાઉ સાધુ બની શકું? બસ, આજે એ જ સમજ કેળવવી છે, સાહેબ.
મંક એટલે સાધુ. આજનો શબ્દ મંક મોડ (Monk Mode) આવ્યો ક્યાંથી? એમ કે હવે વર્ક ફ્રોમ હોમ નથી. ઑફિસ જવું પડે છે. કર્મચારીઓની વર્તણૂંક થોડી બદલાઈ છે. ‘બિઝનેસ ઇનસાઇડર’ અનુસાર કોવિડ કાળ પછીની ઓફિસ કાર્ર્યપ્રણાલિને અનુરૂપ થોડા નવા શબ્દો આવ્યા છે જેમ કે ડેસ્ક બોમ્બિંગ (Desk Bombing), લાઉડ લીવિંગ (Loud Leaving), ફોકસ્ડ વર્ક ડે(Focused Work Day) વગેરે. ‘મંક મોડ’ એ પૈકીનો જ એક શબ્દ છે.
ગુજરાતી લેક્સિકન અનુસાર ‘મંક’ એટલે સાધુ, યોગી, વૈરાગી, મઠવાસી. અને ‘મોડ’ એટલે કશુંક કરવાની રીત, પ્રચલિત પ્રથા, ઢબ કે રીતભાત. ગુજરાતી શબ્દ ‘સાધુ’ ખૂબ મઝાનો છે. સારું, ઉત્તમ, પ્રામાણિક, શિષ્ટ અને શુદ્ધ હોય એ વસ્તુ કે વ્યક્તિ સાધુ કહેવાય. સાધુ એટલે સાધનાર. પણ આપણે રહ્યા સંસારી. નોકરીનાં કરનારા. ઓફિસમાં કમ્પ્યુટરની કડાકૂટનાં ધરનારા. આપણો ફોન પણ એક કમ્પ્યુટર જ છે. અને પછી ઈન્ટરનેટ તો હોય જ. રોજ કામ પણ અનેક હોય. કોને પ્રાથમિકતા આપવી? અને કોને માધ્યમિકતા આપવી?! ક્યા કરે, ક્યા ના કરે, યે કૈસી મુશ્કિલ હાય! એક કામ સરખું ન થાય. દિવસનાં અંતે બધા કામ અધકચરાં થાય. શું કરવું? મંક મોડમાં જતાં રહેવું. મંક મોડ એટલે સામાજિક ક્રિયાપ્રતિક્રિયા, મેળમેળાપ, બિનઆરોગ્યપ્રદ ટેવો અને સમય બરબાદ કરતી પ્રવૃત્તિઓનો પૂર્ણ અથવા ખંડ સમય માટે, જાણી જોઈને કરેલો ત્યાગ કે જેથી ધારેલું કામ, ધાર્યા સમયમાં સફળતાથી પાર પડી શકે.
ગુજરાત સરકાર આ શબ્દ પહેલેથી જ જાણી ગઈ છે એટલે પોતાના કર્મચારીઓને એ કર્મયોગી કહે છે. સાધુ અથવા યોગીની અનેક ખાસિયત પૈકી બે વાત અહીં પ્રસ્તુત છે. એક છે એકાંત. અને આ એકાંત એ માંગી લીધેલું એકાંત છે, પસંદગીનું એકાંત છે. અને સાધુની બીજી ખાસિયત છે શિસ્ત. જે કામ હાથ પર લેવું એની ઉપર જ સંપૂર્ણ ધ્યાન. ક્યાંય આમતેમ ડાફરિયાં મારવા નહીં. પણ.. આપણે સામાન્ય માણસ છીએ. સાધુ નથી. આપણે ફાંફાં ય મારીએ. આપણેવિસ્મય કે મનનાં અસ્થૈર્યથી ચકિત થઈને આમતેમ જોતા ય રહીએ. કેટલી ય બાબતો આપણને સતત ખલેલ પહોંચાડયા કરે. હવે રાહુલ ક્યાં જઈને રહેશે?-થી લઈને અદાણીનાં દાણી કોણ?-નાંવિચાર આવે. અને વિચાર આવે કે આધાર કાર્ડ-પાન કાર્ડ લિન્ક માંડ કર્યું ત્યાં તો મુદત વધી ગઈ. પેલાં માફિયા રાજકારણી અતિક અહેમદનું એન્કાઉન્ટર તો ન થયું, માત્ર મૂત્ર વિસર્જન થયું. હવે? અને હિસાબી વર્ષ બદલાયું પણ નસીબ? અને આમ એક પછી એક વાતો… પ્રેમની વાતો, સંબંધની વાતો, હસવાની વાતો, રડા અને કૂટો, ટીકા અને ટિપ્પણ, સરખામણી અને સુખની પ્રાપ્તિ માટેનાં હવાતિયાંની વાતો. અને એવું તો કાંઈ કેટલું. પણ આજે એ વિચારનાં આવવા પર સજ્જડ પ્રતિબંધ. એ બધું પછી. બસ થોડો સમય આજે હું સાધુ બની જાઉં છું. જે કામ હાથ પર લીધું એ પાર પાડવું. એકધ્યાનથી. બાણવીર અર્જુનની માફક. બસ આટલો સમય હું મંક મોડમાં, પછી મારા નોર્મલ મોડમાં. મારો મંક મોડ કેટલો? જરૂરી હોય એટલો. થોડી મિનિટ્સ, થોડા કલાકો કે થોડા દિવસો. પછી પાછો હું એ જ.. ગામ ગપાટિયો, નામ પંચાતીયો, ચોરા ચોવટિયો. આ બધી ક્રિયાઓ એટલે કે ગપાટ, પંચાત અને ચોવટ હવે વર્લ્ડ વાઈડ વેબ ઉપર ઓનલાઈન થાય છે, સાહેબ!
પણ ઓનલાઈન કે ઓફલાઇન ખલેલમાંથી માત્ર બહાર જ નીકળવું મંક મોડ નથી. ભૂખ્યા રહેવું ય નથી. ડાયેટિંગ કરવાની તો ના છે. અને ઉજાગરા કર્યે રાખવાં એવું ય નથી. જાતની પૂરી સંભાળ એમાં ઇન-બિલ્ટ છે. મંક મોડમાં કામગીરીનાં કલાકોમાં રીસેસ પણ પાડી શકાય. ચાલો એ વાતને સમજીએ. હું સવારે વહેલો જાગું છું. મોબાઈલ ફોન જોતો નથી. હળવી કસરત કરું છું. ચા પીઉં છું. કુંટુંબનાં બધા સભ્યો સાથે મારી ેટ્રેડમાર્ક હાઉકલી કરી લઉં પણ આજે તેઓ જાણે છે કે મારું મંક મોડમાં જવું આજે આવશ્યક છે. સાંજે મારે પ્રોજેક્ટ રીપોર્ટ રજૂ કરવાનો છે. મંક મોડમાં મારે શું કરવાનું છે?- એ મને ખબર હોવી જ જોઈએ. હવે જે અન્ય કામ મુલતવી રહી શકે એ મારે આજે ન કરવા જોઈએ. જે કામ આજે કરવા જરૂરી હોય પણ મારી જગ્યાએ કોઈ અન્ય કરી શકે એમ હોય તો એને એમ કરવા હું જણાવી દઉં છું. જેમ કે પીટીએમ-માં મારી પત્ની જશે. અને હા,કાકાને ત્યાં લગ્નની તૈયારી ચાલે છે પણ આજે હું નહીં હોઉં. અને સંગીત સંમેલન? મંક મોડ આજે મારા માટે ઔરંગઝેબ મોડ પણ છે. આમ પણ ઔરંગઝેબનો સંગીત પરનો પ્રતિબંધ એટલે જ તો હતો કે લોકો એમાં જ રચ્યાપચ્યા રહેતા. એક વાર તો એનાં શાસનકાળમાં સંગીતકારો સંગીતનો જનાજો કાઢયો હતો. અને ત્યારે ઔરંગઝેબે ગવૈયા બજવૈયાઓને સંગીતની લાશને ઊંડે દાટવા હિદાયત આપી હતી કે ક્યાંક સંગીત પાછું સળવળીને બહાર ન આવે! એની વે, મારે આજે ઔરંગઝેબને પણ યાદ કરવાનાં નથી. ઓફિસ જવા હું રસ્તે નીકળું ત્યારે બિલાડી કે માણસ કોઈ પણ આડું ઊતરે તો હું અકળાતો નથી. સ્થિતપ્રજ્ઞા શબ્દનો અર્થ મને એટલીસ્ટ આજે તો ખબર છે. સમયથી થોડાં વહેલાં ઓફિસેપહોંચીને લિફ્ટમેન કે પટાવાળા સામે સ્મિત કરું છું. મારી ડેસ્ક પર બેસું છું. કામ શરૂ કરવું એ પણ રસોઈ શૉ જેવું છે. બધી સામગ્રી રેડી હોવી જોઈએ. અને મારી કામગીરીનો આરંભ થાય છે.
વચ્ચે વચ્ચે ટી-બ્રેેક અને વૉશરૂમ બ્રેેક જરૂરિયાત મુજબ તો ખરાં જ. વચ્ચે વચ્ચે કોઈ નવાં નવાં કામનાં કાગળો, ઈમેલ. પણ આજે મારો ફોન મારે માટે અસ્પૃશ્ય છે. સહકર્મચારી સાથે ટોળટપ્પાં કરવાની આજે છૂટ નથી. હું મંક મોડમાં મારું કામ કર્યે જાઉં છું. વચ્ચે અણધાર્યા ખલેલ પડે છે પણ મન શાંત રાખીને એની હું અવહેલના કરું છું. મંક મોડ મને કામ પૂર્ણ કરવામાં સફળ બનાવે છે. પ્રોજેક્ટ રીપોર્ટ રજૂ કરી દીધા પછી હું નોર્મલ બની જાઉં છું. મારી કામચલાઉ સાધુતાને કે મારી હંગામી યોગિતાને હું ફગાવી દઉં છું. ફરીથી હું જંક મોડમાં આવી જાઉં છું. જંક એટલે ફેંકી દીધેલી વસ્તુઓ. ‘જંક મોડ’ (વેહં સ્ર્ગી) શબ્દ પર મારો કૉપી રાઇટ છે!
શબ્દ શેષ:
‘તમે જેટલાં વધારે શાંત રહેશો એટલું તમે વધારે સાંભળી શકશો.’- રૂમી