Daily Archives: મે 16, 2023

ફ્રેશ:તાજું,નવું અને… Paresh Vyas

ફ્રેશ:તાજું,નવું અને… Paresh Vyas

આજુ-બાજુ

તાજું-તાજું

હોય પુષ્પની જેમ

ના પ્રાપ્તિ : બસ પ્રેમ

હો વ્યાપ્તિ પ્રિય, એમ

– મનોહર ત્રિવેદી

પ્રેમમાં સઘળું પુષ્પ જેવું તાજું હોય છે. તાજાં માટે ઇંગ્લિશ શબ્દ છે ‘ફ્રેશ’ (Fresh). પ્રેમ થાય ત્યારે આપણને કશું ય વાસી લાગતું નથી. પ્રેમમાં ઊંઘ વેચીને ઉજાગરો કર્યો હોય તો ય પ્રેમીઓ સાંગોપાંગ ફ્રેશ જ હોય છે. ‘તાજગી’ કે ‘નવીન’ ઉપરાંત ‘ફ્રેશ’ શબ્દનાં અર્થમાં અવનવાં ફ્રેશ(!) ઉમેરણ થતાં રહે છે.

ન્યૂયોર્ક ટાઈમ્સનાં એક ફ્રેશ લેખનું શીર્ષક છે: ‘ફ્રેશ લૂક ફોર અ કોમન વર્ડ’. ફ્રેશ શબ્દ આપણે મન કોમન છે. ફ્રેશ એટલે તાજું. મચ્છીબજારનાં શોરગૂલમાં સંભળાયા કરે છે તે શબ્દો: તાજી અને તરફડતી! એટલે એવી માછલી જે હજી હમણાં જ પાણીમાંથી બહાર આવી છે, અને એટલે તરફડે છે. એટલે કે ફ્રેશ માછલી! આહા! અને કશું નવું હોય એને ય ફ્રેશ કહેવાય. કોઈ ભાયડો પોતાની બૈરીને માટે કારનો દરવાજો ખોલે તો જાણવું કે કાં તો બૈરી ફ્રેશ છે અથવા તો કાર ફ્રેશ છે. કોઈ નોકરી છોડીને ધંધો શરૂ કરે તો એ એનો ફ્રેશ સ્ટાર્ટ કહેવાય.

એક ફ્રેશ સમાચાર છે. કોંગ્રેસ છોડી ચૂકેલા ગુલામનબી આઝાદે કહ્યું કે.. રાહુલ ગાંધી વિદેશ જાય છે ત્યારે તેઓ પોતે ઘણાં અનિચ્છનીય બિઝનેસમેનને ત્યાં મળે છે. ‘બિઝનેસ ઇનસાઇડર’નાં આ સમાચારનાં શીર્ષકમાં -આઝાદનો રાહુલ સામેનો ફ્રેશ સૅલ્વો- એવો શબ્દો હતા. ‘સૅલ્વો’ એટલે તોપમારો. અલબત્ત આ તો શબ્દોનો તોપમારો હતો પણ એ હતો ફ્રેશ, યૂ સી! અને ‘એબીપી’ અનુસાર કોંગ્રેસી નેતા જયરામ રમેશે પણ નરેન્દ્ર મોદી સામે ફ્રેશ સૅલ્વો કરતા કહ્યું કે પ્રોજેક્ટ ટાઈગર ૫૦ વર્ષોથી ચાલે છે પણ મોદી એનો પૂર્ણ જશ ખાટી જશે. અમે માનીએ છે કે ભલે ખાટે. એ ય આવડત જોઈએ. ઇન્ડિયામાં બહોત સારે ટાઈગર્સ અભી જિંદા હૈ! -એ સારા સમાચાર છે. અને અન્ય સમાચારોમાં- દેશમાં કોવિડનાં નવા કેસ વધે એટલે -ઈન્ડિયા રીપોર્ટ્સ __ ફ્રેશ કોવિડ કેઈસિસ- એવા શીર્ષકનાં સમાચાર વારંવાર વાંચવા મળે છે.

ચાલો, ફ્રેશ શબ્દની વાસી વાત કરીએ. બારમી સદીમાં મૂળ પ્રોટોજર્મન મૂળનો શબ્દ ‘ફ્રેશકાઝ’ એટલે જે ખારું નથી એ, એટલે કે સ્વાદ વિનાનું અથવા ગળ્યું એવો અર્થ થતો હતો. પણ પછી ફ્રેશનાં અર્થમાં ‘નવું’ અથવા ‘હમણાંનું’ એવો અર્થ શામેલ થયો. એટલે કે જે બગડેલું નથી કે ઘસાઈ ગયેલું નથી- એવો અર્થ થાય. આજે ફ્રેશ શબ્દનો ઉપયોગ’ કૂલ’ અને ‘ફેશનેબલ’ એવાં અર્થમાં પણ થાય છે. આ નવાં અર્થ છે. કોઈ ચીજ ખૂબ સરસ હોય, મસ્ત મસ્ત હોય તો એને ય ફ્રેશ કહેવાય. જો કે -ટૂ ગેટ ફ્રેશ વિથ સમવન-નો અર્થ થાય કોઇની સાથે ઉદ્ધતાઈથી વર્તવું. એક છોકરી પોતે મુક્કાબાજીની ચેમ્પિયન હતી એટલે કોઈ પણ છોકરો એની સાથે ફ્રેશ નહોતો થઈ શકતો! ગુજરાતી લેક્સિકન અનુસાર ‘ફ્રેશ’નાં અન્ય અર્થોમાં ઉદ્ધત, અવિનયી, કામોન્મત્ત પણ શામેલ છે. વેબ્સ્ટરની ન્યૂ વર્લ્ડ કોલેજ ડિક્સનરી અનુસાર ‘ફ્રેશ’ એટલે કશુંક અવનવું, મૌલિક, બિનઅનુભવી કે પછી આ પહેલાં ક્યારેય જાણ્યું કે અનુભવ્યું ન હોય એવું. રાતે સૂઈને ઊઠીએ એટલે ફરીથી શક્તિનો સંચાર થાય એ ‘ફ્રેશ થયા’ એવું કહેવાય. મુહાવરો છે એઝ ફ્રેશ એઝ ડેઈઝી. ડેઈઝી(ગુલબહાર)નાં ફૂલોની પાંદડીઓ રાતભર બંધ રહે અને સવારે ખીલે એવું ફ્રેશ. ફ્રેશ બ્રેડ એટલે જે બગડેલી નથી એવી બ્રેડ. તાજી રાંધેલી કે તાજી ઊગાડેલી વસ્તુઓ ફ્રેશ કહેવાય છે. કોઈ પ્રીઝર્વેટિવ વિના કે પ્રોસેસ કર્યા વિનાની ફૂડ આઇટેમ્સ પણ ફ્રેશ કહેવાય છે. કેરી ઉનાળાની સીઝનમાં મળે ત્યારે એ ફ્રેશ ફ્રૂટ કહેવાય. સફરજનની સીઝન અત્યારે નથી. એટલે સફરજન અત્યારે ફ્રેશ ફ્રૂટ ન કહેવાય. હવે દરિયાનાં પાણીની માછલી હોય તો એ સોલ્ટ વોટર ફિશ કહેવાય પણ નદી કે સરોવરની માછલી હોય તો? એને કહેવાય ફ્રેશ વોટર ફિશ. અપ્રદૂષિત અથવા તો શુદ્ધ હવા હોય તો એ ફ્રેશ એર કહેવાય. અને જેની નોકરી હમણાં નવી નવી લાગી હોય તો એ જણ પણ ફ્રેશ કહેવાય. કોલેજમાં પહેલાં વર્ષનાં સ્ટુડન્ટ્સ ફ્રેશર્સ કહેવાય. અને કોઈની યાદ પણ જો ફ્રેશ હોય તો એનો અર્થ એ કે એ વ્યક્તિ ભૂલાઈ નથી. જાવેદ અખ્તર સાહેબનાં શબ્દોમાં ‘મુઝે હૈ યાદ વો સબકુછ જો કભી હુઆ હી નહીં!’ પ્રેમની તો એ કેવી પરાકાષ્ઠા કે જે નથી થયું એ સઘળું પણ પ્રેમીનાં મગજમાં ફ્રેશ છે. લો બોલો!

ર. પા.નાં શબ્દોમાં ‘જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ..’- એવો ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે. એમાં ફ્રેશ કેવી રીતે રહેવું? ફુવારા સ્નાન, પરસેવા પ્રતિકારક સુગંધી દ્રવ્યો, સુતરાઉ હવાદાર વસ્ત્રો અગત્યની બાબતો છે. પણ પરસવો થયો હોય ત્યારે સુગંધી સ્પ્રે છાંટીને દુર્ગંધને દાબી દેવી પૂરતું નથી. હાથપગ, મોઢું ઠંડા પાણીથી ધોતાં રહેવું. અને દિવસભર પાણી પૂરતું પીવું. શ્વાસમાંથી દુર્ગંધ ન આવવી જોઈએ. શરીરનાં વસ્ત્રો સમયાંતરે બદલાતા રહેવું. અને સૌથી અગત્યની વાત તો રહી જ ગઈ. પૂરતી ઊંઘ. ઊંઘનો અભાવ હોય તો કોઈ પણ વ્યક્તિ ફ્રેશ શી રીતે રહી શકે? અને ધુમ્રપાન ન કરવું, કસરત કરવી અને રોજ એક ફળ તો ખાવું ખાવું ને ખાવું…. હવે સલાહ બંધ કરો મિ. પરેશ વ્યાસ..પણ બધા છાપાળાં લેખકો સલાહ જ આપતા હોય છે. આદત સે મજબૂર! હે સુજ્ઞ વાંચક, દરેક દિવસ ફ્રેશ સ્ટાર્ટ હોય છે. ઇતિ..

શબ્દ શેષ:

“ફ્રેશ સ્ટાર્ટ એ નવી જગ્યા નથી. એ નવું માઈન્ડસેટ છે.” –અજ્ઞાત

Leave a comment

Filed under Uncategorized