Author Archives: pragnaju

રાહ જોતા પત્રો/ યામિની વ્યાસ

રાહ જોતા પત્રો

“આહાહા, તૂટી પડ્યો. માટી મહેકી ઊઠી. હવે જો ગરમાગરમ ચા મળી જાય તો!”

“આ લ્યો ચા”

“અરે વાહ! આનું નામ જલસા કહેવાય. મન થયું ને હાજર. તેં બનાવી? આ વરસાદમાં કેટલા દા’ડે તારા હાથની ચા પીવા મળશે.”

“ના, શર્વરીએ બનાવી. ગાળી કે તરત જ લઈ આવી. આદુ ફુદીનો છે જ. સરસ બની છે. હું જાણું કે તમને આવી ફફળતી જ જોઈએ.”

“હા, સાચે જ. વરાળ નીકળતી ચાની મહેક ને એમાં ભળી જતી ભીની માટીની મહેકથી તાજગી આવી જાય.”

“સારું, હવે ઊભા થાઓ. એ શું નાના છોકરાની જેમ અહીં બેસી રહ્યા છો? આ ત્રાંસો વરસાદ સીધો ઘરમાં આવે છે. શરદી થઈ જશે. જુઓ તમારું છાપું પણ ભીનું થઈ ગયું.”

“ઘરડાં થયાં તો શું થયું સુરેખા, વરસાદ તો કોઈને પણ ગાંડા કરે.”

“ચાલો, હવે નથી સારા લાગતા.”

સુરેખાબાનો મીઠો લહેકો સાંભળી પ્રભાકરદાદા અંદર આવ્યા પણ એ પહેલાં ચા તો ઓટલે બેસીને જ પીધી. ઉદાહરણ આપી શકાય એવું નદી માફક વહેતું સુરેખાબા અને પ્રભાકરદાદાનું લગભગ પચાસ પાસે પહોંચેલું નિર્મળ દાંપત્યજીવન. જે ઊજવવા દીકરી અને દીકરાનો પરિવાર થનગનતો હતો.

આટલાં વર્ષોમાં બંને વચ્ચે મતભેદ કે ઝગડા થતા જ નહીં એવું તો નહીં પણ એનું આયુષ્ય બહુ ટૂંકું રહેતું. કોઈ પણ સમસ્યાનું નિવારણ ઝડપથી આવતું. એમની પોતાની કોર્ટમાં જ કેસ ચાલતો. ફરિયાદી, આરોપી, વકીલ કે જજ એઓ પોતે જ. ફટાફટ નિકાલ. એટલે કોઈ પણ કેસની ફાઈલ માદરપાટમાં ગૂંચળું વળી મનને માળિયે રહેતી નહીં. બંનેના મન સ્વસ્થ રહેતાં સાથે તન પણ એવું જ જાળવ્યું હતું. આખું જીવન મહેનત અને કરકસર કરીને દીકરા દીકરીને યોગ્ય શિક્ષણ, સંસ્કાર આપી કાબેલ બનાવ્યાં હતાં. સુપાત્ર સાથે પરણાવ્યાં હતાં. એમનાં બાળકોનેય એઓ મદદરૂપ થતાં. નિરપેક્ષ વાત્સલ્ય ઠાલવતાં. મૂકવા લેવા જવું કે મનગમતો નાસ્તો બનાવવો. એઓ સાથે રમવું કે એમને રમાડવાં. હોમવર્કમાં મદદ કરવી. રાત પડે કે નવી વાર્તા તૈયાર જ હોય. પોતાનું આરોગ્ય સાચવવાનો પણ એક હેતુ કે બને ત્યાં સુધી કોઈને ભારે ન પડાય.

એઓનું તાદામ્ય કોશે કોશમાં હતું. એકબીજાને સાચવી લેતાં.પીઢ થતાં પરસ્પરની સમજણના ક્ષેત્રફળનો વ્યાપ પણ અમાપ હતો. ક્યારેક હીંચકે બેસી યુવાનીના મોહક મુલકમાં લટાર મારતાં. એઓએ તે વખતે લખેલાં પમરાટ પ્રસરાવતા પ્રણયપત્રો પતરાની પેટીમાં પ્રાણની પેઠે સાચવ્યા હતા. એમને એકાંતમાં એક દિવસ વાંચવા હતા આજ હિંચકા પર અને એ સમય ખંડમાં પુનઃ જીવી લેવું હતું. પણ એવું આ હીંચકે રોમાંચક એકાંત લાવવું ક્યાંથી? સતત ગમતીલાઓ જ ચોપાસ હતાં પણ આને માટે તો એ બે જ હોવા જોઈએ. બહુ દોડ્યા જીવનપર્યંત હવે બંનેના સાથને હાશ માણવી ગમે જ ગમે. નક્કી કર્યું એનિવર્સરીએ સમય કાઢી વાંચીશું.

એ દિવસને નજીક આવતા શું વાર? પણ ઘરે તો સવારથી ધમાલ ચાલી. ઘર પરિવાર સગાસંબંધીઓએ સરપ્રાઈઝ આપવાના હેતુથી પ્રસંગ છુપાવ્યો હતો. વાજતે ગાજતે ઘર ભરાઈ ગયું. આમેય વેકેશનનો સમય હતો. દરેકના ચહેરાની ખુશીઓ છલકાતી હતી. પુન: લગ્નની જેમ દાદા-બાને શણગારી ફેરા ફરાવી આનંદ માણ્યો. અઢળક ફોટા પડ્યા. મનભાવન ભોજન સમારંભ ગોઠવાયો. દાદા-બાને પણ નવલી ઉજવણી ગમી.અંતે સહુ થાક્યાં. શહેરમાં રહેતા મહેમાનો ગયા. દૂરથી આવેલા સહુ બીજે દિવસે ગયા. દીકરીનો પરિવાર વેકેશન હોવાથી અઠવાડિયું રોકાયા. દાદા-બાને હીંચકે બેસી એકાંતમાં પત્ર વાંચવાનો અવસર ન મળ્યો. પણ હવે મળવાનો હતો. વેકેશન પૂરું થઈ જાય એ પહેલાં દીકરો પરિવારને લઈ ચાર દિવસ મિત્રો સાથે ફરવા જવાનો હતો. જોકે, કુશળવહુ શર્વરીએ એમને માટે ઘરે તકલીફ ન પડે એ માટે રસોઈવાળા બહેન, આખો દિવસના કામવાળા બહેન વિગેરે વ્યસ્થા કરી આપી હતી પણ ‘અમને એ વગર ફાવશે’ કહી સુરેખાબાએ ના પાડી હતી અને બાળકોને વ્હાલ કરી આવજો કહ્યું.

“સુરેખા, હવે આપણે અને આપણો હીંચકો.બપોરે જમ્યા પછી પત્રોને થોડા થોડા ચાર ભાગમાં વહેંચી ચાર દિવસ વાંચીશું.”

“આ કંઈ દવાનો ડોઝ છે કે?” બાને મશ્કરી સૂઝી.

“હા, દવા તો ખરી જને. એ ક્ષણોમાં લટાર મારી તરોતાજા થઈ જઈશું. આમ પણ એની તીવ્રતાથી રાહ જોવી એ ક્ષણો ચૌદ્હવી કા ચાંદ જેવી હોય છે. ચાલ,તું એક કામ કર. આજે મેથીના થેપલા ને ગળવાણું બનાવ. ગરમાગરમ જમીને પત્રપઠન.”

બોલી રહે ત્યાં બેલ પડ્યો.

બારણું ખોલતાંજ, “મામા, કાલે જ શર્વરીભાભી મળી ગયેલાં, તમે એકલા છો જાણ્યું એટલે ચાર દિવસ મમ્મીપપ્પા તમને કંપની આપશે. મામી રસોઈ ના કરતા સુરભી ચીકુ, પિંકુને ક્લાસમાંથી લઈને આવે છે, એ બનાવી દેશે.”

“આવો બેન, સારું થયું….

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

કોઈ નહીં બસ તારી તોલે/યામિની વ્યાસ

કોઈ નહીં બસ તારી તોલે

“નભ પ્લીઝ, આ સેફ્ટીપિન લગાવી આપને. કાલે પેલું કબાટ ખસેડેલું તે ખભો દુઃખે છે.”

“તું કંઈ ને કંઈ કારભાર કરતી જ રહે છે. શું જરૂર હતી એ ખસેડવાની?”

“અરે મારું પેઈન્ટિંગ બ્રશ ખોવાયેલું. શોધીશોધીને મરી ગઈ ને ભાઈ તો છુપાયા હતા છેક કબાટની પાછળ.”

“તને કેટલી વાર કહ્યું, બધું ઠેકાણે મૂક પણ સાંભળે તોને?”

“ઓ પરફેક્ટ પતિ! લે પિન, જલદી કર.”

“નદ્યા, સાડી શું કામ પહેરી? જિન્સ પહેરી લે. આરામ રહેશે. યાર, રવિવાર છે, ફિલ્મ જોઈને વિવેકના ફાર્મ પર જમવા જઈશું ને સાંજ સુધી ત્યાં જ હોઈશું. બધાં એ રીતે જ આવશે.”

“ઓકે બાબા, પણ પહેરાઈ ગઈ, હવે ન બદલાય. ઈસ્ત્રીવાળી હતી. ફરી આવી ગડી નહીં વળે. ને પછી મારું સાડીનું ખાનું અસ્તવ્યસ્ત લાગે તો કહેતો નહીં. બાય ધ વે, કેવી લાગે છે સાડી?”

“સાડી તો સારી જ છેને! લાવ પિન. આ લટકતા છેડા પરને?”

“હા, સિંગલ પલ્લું છે, પાછો વગાડી ન દેતો.”

નદ્યાને ખબર હતી કે નભને ખભા પર એકસરખી ચપોચપ પાટલી ગોઠવેલી એરહોસ્ટેસ પહેરે એવી સ્ટાઇલ ગમતી એટલે કંઈ કહેશે તો ખરો પરંતુ મોડું થઈ જાય એટલે એ વિશેષ ટિપ્પણીમાં પડ્યો નહીં. નદ્યાને સાડીનો ખુલ્લો લહેરાતો છેડો ગમતો.

આજે તો એ ખરેખર ખળખળ વહેતી નદી જેવી જ સુંદર લાગતી હતી. આસમાની સ્લીવલેસ બ્લાઉઝ સાથે પહેરેલી એ જ રંગની સાડી, એમાં નાની નાની નૌકાઓ એણે જાતે પેઇન્ટ કરી હતી. ગળામાં નાજુક મોતીની માળા ને કાનમાં મોતીના કર્ણફૂલ. સીધા લાંબા વાળ પીઠ પર લહેરાતા હતા. એની પાસે પર્સને બદલે ગૂંથેલો આકર્ષક બટવો રહેતો. અરે, આ બટવાએ જ બંનેને મેળવેલા.

એક જ બસમાં એક જ સીટ પર બંને સહપ્રવાસી હતાં. બોલકી નદ્યા વર્ષોથી દોસ્તી હોય એમ ઊછળતી કૂદતી કંઈકેટલુંય બોલી ગઈ પણ નભ તો વરસવું જ ન હોય એમ માંડ મોઢું ખોલે. ઊતરવાનું સ્થળ આવતા નદ્યા તો થનગનતા જળપ્રવાહ માફક ઊતરીને દોડી ગઈ સહેલીના લગ્નપ્રસંગમાં.

“લે, તારા માટે મનગમતી ગિફ્ટ લાવી છું.” બોલતા જ બટવો નથીનું ભાન થયું. હાંફળીફાફળી થઈ બસસ્ટેન્ડ તરફ દોડવા પગ ઉપાડે ત્યાંજ બટવો ઝુલાવતો નભ સામે મળ્યો. એને અને સહુને હાશ થઈ. નભ સહેલીનો સગો હતો એ પછી જાણ થઈ.

કોઈના લગ્નમાં જ કોઈના લગ્ન નક્કી થવાના એંધાણ શરૂ થઈ જતા હોય એમ જ થયું. સાવ વિરોધી સ્વાભાવ, શોખ, વર્તન, સમજણ, આદત ધરાવતાં નદ્યા અને નભ બે વિરુદ્ધ ધ્રુવની જેમ અદ્ભુત રીતે આકર્ષાયાં. વડીલોને વાંધો નહોતો પણ ઉતાવળ ન કરવાની સલાહ આપી. થોડો સમય ચેટિંગ-ડેટિંગ કર્યું. પછી એકબીજા સાથે તો ઠીક પણ એકબીજા વગર નહીં રહી શકે એવી પાક્કી ખાતરી થતાં બંનેએ વડીલોને જણાવ્યું. હવે વડીલો જન્માક્ષર મેળવવા જતાં હતાં ત્યાં નભે નદ્યાને પૂછ્યું “ન મળ્યા તો?”

“મનાક્ષર મળી ગયા પછી જન્માક્ષરનું શું કામ? “નદ્યાનો પ્રશ્ન જ જવાબ બની ગયો. આખરે બંનેએ સાથે રહેવાનું છે. થયું પણ એવું જ બીજા શહેરમાં નભને ખૂબ સરસ નોકરી મળી. નદ્યા ઘરે જ પેઈન્ટિંગ કરતી. એમાંથી પણ સારી કમાણી થતી. ખુશખુશાલ લગ્નજીવનમાં સમય જતાં થોડી તુંતુંમેંમેં શરૂ થઈ. નદ્યાને સૂર્યોદય વખતે ચાલવા જવાનું ગમે, નભને સૂર્યાસ્ત સમયે રખડવું ગમે. સ્વાદમાં પણ નદ્યાને તીખું તમતમતું ભાવે જ્યારે નભને ગળ્યું ભાવે. નદ્યાને રોકેટની જેમ ગાડી ચલાવવી ગમે જ્યારે નભને ધીમી ગતિએ. પુસ્તકો કે સંગીતની પસંદગી પણ બંનેની અલગ અલગ. ઘરે પણ ફિલ્મ જોવી હોય તો એકને બીજી ભાષાનું તો બીજાને વળી બીજીનું જોવું હોય. આ લડાઈને અંતે બંનેની સુલેહથી સબટાઈટલવાળી ફિલ્મ પસંદ થતી. પછી તો બંનેએ ફરિયાદ કે લડાઈ માટેનો એક કલાક નક્કી કર્યો. અને બાકીના કલાકો પ્રેમના. સારું એ થતું કે, એમાં તેઓ મુંગા થઈ જતાં અને બંનેના હૃદય બોલતાં. એ રીતે સરસ ફાવી ગયું હતું પણ નદ્યાને નડતી નભની અતિ ચોકસાઈ અને નભને નડતી નદ્યાની મૂડ મુજબની અસ્તવ્યસ્તતા. નભ સવારે એનું વોલેટ, પેન, ચાવી, ચશ્માં, રૂમાલ વગેરે તૈયાર કરે એ ચોક્કસ ક્રોનોલોજીમાં હોય. એનો વોર્ડરોબ એકદમ વ્યવસ્થિત હોય. પુસ્તકો કે કપડાં ચોક્કસ રીતે જ મૂક્યા હોય. એણે પાર્ક કરેલી ગાડી અમુક એંગલમાં જ હોય અને બધું કામ સમયસર હોય. જ્યારે નદ્યાને કોઈ કલ્પના આવે, મૂડ આવે તો સત્તર કામ મૂકી ખાધાપીધા વગર ચિત્રમાં ખોવાઈ જાય, મચી પડે. કોઈવાર ગાલ પર, કપડાં પર, વાળ પર લાગેલા રંગો સાંજ સુધી એમ જ રહે. જોકે, સંતોષપૂર્ણ ચિત્ર પૂરું થયાં પછી બધું સરસ રીતે સાફ પણ કરે. નભ ઘણું નભાવતો અને નદ્યાને બધું ગોઠવામાં મદદ પણ કરતો.

એકવાર કપડાં ગોઠવવા નદ્યાના કબાટનું ખાનું ખોલ્યું તો કપડાના ડૂચા સાથે ઠેરઠેર બંગડીઓ વેરાઈ, ઝૂમખાં ઊછળી પડ્યાં ને કૂદી પડેલા નેકપિસ કે ઊડી પડેલા બટરફલાયમાં એ જ અટવાઈ ગયો. સહજ બૂમ પડાઈ ગઈ. “નદ્યા, પ્લીઝ રોજનું અને ઓછું વપરાતું હોય એ જુદું જુદું ગોઠવને. જોઈએ તો બીજું નાનું કબાટ લઈ આવીશું.”

નદ્યાને ખરેખર ગ્લાનિ થઈ. નભને બીજે દિવસે વહેલી સવારે પ્રેઝન્ટેશન હતું. બધું તૈયાર કરી વહેલો સૂઈ ગયો. પછી આખી રાત જાગી નદ્યાએ પોતાની ચીજવસ્તુઓ છૂટી પાડી અલગ અલગ જગ્યા શોધી એકદમ વ્યવસ્થિત ગોઠવી અને આવું કાયમ રાખશે એવું મનોમન નક્કી કર્યું. સવારે નભને સરપ્રાઇઝ આપવા એની આગળપાછળ રહી પણ નભની ઉતાવળ જોઈ સાંજે જણાવવાનું નક્કી રાખ્યું અને શુભેચ્છાઓ પાઠવી.

નભ એની આદત મુજબ થોડો વહેલો પહોંચ્યો.તૈયાર થઈ મહામહેનતે તૈયાર કરેલું પ્રેઝન્ટેશન એકવાર ફરી જોઈ જવા ટેબલ પર ગયો. બેગ ખોલતાં જ આભો બની ગયો. બેગમાં એકદમ વ્યવસ્થિત રીતે લેબલ કરીને અલગ અલગ પ્લાસ્ટિક કવરમાં રૂમાલ, ઘરેણાઓ, મેકઅપ કીટ, હેર પિન, ટિશૂપેક, હેરબેન્ડ, બટરફ્લાય વગેરે બધું ખૂબ જ સરસ રીતે ગોઠવાયેલું હતું. ફટ બેગ બંધ કરી પોતાના પ્રેઝન્ટેશનનો વારો પાછળ કરવાની વિનંતી કરી ગાડી ભગાવી.

“હે ભગવાન! પ્રેઝન્ટેશનના ઉત્સાહમાં લેપટોપની જૂની બેગ બદલી નવીમાં તૈયાર કર્યું ને હું જ ભૂલી ગયો?”

— યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

મળ્યું’તું જેવું, એવું જ પરત/ યામિની વ્યાસ

મળ્યું’તું જેવું, એવું જ પરત

“આ શું કર્યું હેમી? બધાં ફૂલ કેમ તોડ્યાં?” જેટલાં દેખાયાં એટલાં ફૂલો તોડી હેમી છાબડી ભરી લાવી.

“બા તમને પૂજા માટે જોઈએને.”

“અરે! પાંચ છ ફૂલો બહુ થઈ ગયાં. ને આ તો રીંગણીનું ફૂલ? દાદા જાણશે તો બહુ વઢશે.”

“ના વઢે, તેઓ ચાલીને આવે તે પહેલાં તો હું મા સાથે જતી રહીશ. બા, તમે મારું નામ આપી દેજો એટલે તમને નહીં વઢે. તમને ગજરો બનાવી આપું?”

“ના હવે, ધોળા વાળમાં ક્યાં નાખું? ચાલ, ભગવાન માટે હાર બનાવી દે.”

ને સોય દોરો લઈ કંઈક ગાતી ગાતી હેમી હાર બનાવતી.

નયનાબાને ઘરે લીલા કામ કરવા સવારે વહેલી આવતી. લીલા ના પાડે તો પણ સાથે હેમી અચૂક આવતી. એ પણ વહેલી ઊઠી નાહી ધોઈ મા પાસે બે ચોટલા વળાવી તૈયાર થઈને આવતી. માને નાનાં વાસણ ધોવામાં કે આંગણું વાળવામાં મદદ કરતી. કોઈપણ કામ મગ્ન થઈ ગાતી ગાતી કરતી ને વાળ્યાં પછી એક પણ પાંદડું ઊડીને આવે તો એનું આવી જ બને. માની જેમ કામની ઝડપ પણ વધારે. અડધો કલાકમાં તો કામ પતાવી નીકળી જાય મા દીકરી. લીલા બીજા ઘરે કામ કરવા જાય અને એ દોડતી ઘરે જાય. નયનબાએ ચા સાથે કંઈક ખાવાનું ખવડાવ્યું જ હોય એટલે દફતર લઈ નિશાળે જવા ભાગે.

ફરી બીજે દિવસે સવાર સવારમાં ટકચક ટકચક કરતી હાજર. કોઈકે આપેલી જૂની હીલવાળી ચપ્પલની એક હીલ તૂટી ગઈ હતી. પથ્થરથી ખીલી ઠોકી માંડ બેસાડી હતી પણ પછી તો તૂટીને જ રહી, છતાં બીજી હીલ રહેવા જ દીધી. એટલે ચાલે ત્યારે તાલબદ્ધ ટકચક ટકચક અને સાથે કંઠમાં કંઈ ગુંજતું જ હોય. આવતાની સાથે જ “બા, હું આવી.” બૂમ પાડે ને દાદાના નીરવ ઘરમાં એ તાર સપ્તકમાં સંભળાય.

શાંતિપ્રિય અને એકાંતપ્રિય દાદાને પહેલેથી જ અવાજ અને ગીચતા નહોતી ગમતી એટલે જ રમ્ય વાતાવરણમાં પ્રકૃતિ ધબકતી હોય ત્યાં નાનકડું ઘર લીધું હતું. જોકે, બાગ તો ગીચતાભર્યો જ બનાવ્યો હતો. જે અધધધ ફૂલોથી મઘમઘતો. થોડું લીલું શાક અને લચીલાં ફળોથી પણ મહેકતો. દાદા આખો દિવસ એની સરભરામાં જ હોય. એ જગ્યાની સવાર તો સાવ અનોખી જ. ખોબા ભરીભરીને ઝાકળનો છંટકાવ જોવા મળતો. લાલાશભર્યા સૂર્યોદય સમયે તરોતાજા આકાશના નિર્મળ રંગો છલકાતા તો કદી બહાર નજર કરો, તો બે ફૂટ દૂરનું પણ ન દેખાય એટલું ધૂમ્મસ હોય. દાદા ધ્યાનપૂર્વક એ નિહાળતા હોય ત્યારે બા કહેતા, “એક દિવસ આપણે બંને હાથ પકડી આમાં સાથે જ ઓગળી જઈશું.”

“તારી હેમીની બૂમ સાંભળી ધૂમ્મસ પણ ઊડી જશે.” દાદા ક્યારેક હસી પણ લેતા.

એમને ખાસ અવરજવર પસંદ નહોતી. મહેમાનો પણ અગાઉથી ફોન કરીને આવતા. બધું જ સમયસર, કંઈપણ હોય એમના નિત્યક્રમમાં ફેરફાર થતો નહીં. બાએ પણ લીલાનો કામ કરવાનો સમય એવો ગોઠવેલો કે દાદા સવારે ચાલવા જાય અને આવી રહે ત્યાં સુધીમાં ઘરનું કામ થઈ જાય. લીલા તો વાડામાંથી જ જતી રહેતી પણ રણક્યા વગર જાય તો હેમી શાની? બા પૂજા કરી એને કપાળે ચાંદલો કરી ધરાવેલો પ્રસાદ ફળ, સાકર કે મીઠાઈ અચૂક આપતાં. ક્યારેક દાદા મળી જતા તો દૂરથી ‘જય જય દાદા’ કહી હેમી દોડી જતી ને એના માથામાં ખોસેલા ફૂલ પર દાદાનું ધ્યાન જતું જ.

“જો નયના, આ બાગ પાછળ હું બહુ મહેનત કરું છું. મને જીવથી પણ વહાલો છે. એને આવો બોડો ન કરો.”

ને ફૂલ તોડવાનું તો હેમીનું ગમતું કામ. અરે! એક દિવસ તો બા કંઈ કામમાં પડ્યાં ત્યારે તો દેવના ફોટા સાથે બા, દાદા અને કેલેન્ડર ને અરીસા સુધ્ધાંને એ હાર પહેરાવી ગઈ. “નયના, આપણને સ્વર્ગવાસી બનાવી ગઈ તારી હેમી.” દાદા આવતાવેંત જ બોલ્યા ને એ બોલી રહે એ પહેલાં બા હસતાં હસતાં બોલ્યાં, “અરે! મહેકે છે ને આખું ઘર, એ તો જુઓ.”

બા હેમીને અનેકવાર ફૂલ ન તોડવા વિશે સમજાવતા. “બા, એ તો હું નવાં ફૂલો માટે જગ્યા કરું છું. આને હટાવું તો બીજા આવેને!” લુચ્ચું હસીને એ પતંગિયા પાછળ દોડી જતી. નયનબાને આમ પણ કોઈ સંતાન નહોતું, એટલે સ્વાભાવિક જ હેમી પ્રત્યે હેતાળ હતાં. દાદાના પેન્શનમાં ઘર બરાબર ચાલી જતું. થોડી ઘણી બચત પણ હતી.

એક દિવસ બાએ એમની લગ્નતિથિએ હેમીને ભણવાના ખર્ચ પેટે અમુક રકમ દાન આપવાની વાત દાદાને કરી. “ના નયના એટલી મમતા સારી નહીં. નાની મોટી ચીજ આપે તો વાંધો નહીં. જો હમણાં તો ઠીક, પછી આગળ વધુ ખર્ચ આવે ને એમને એની આશા જાગે. બહુ માથે ચઢાવવા નહીં. હજુ તો ચાલે છે આપણા હાથપગ, પણ પછી જો પૈસા હશે તો કોઈ સેવા કરશે.” વાત પણ વિચારવા જેવી હતી અને નયનબા ચૂપ થઈ ગયાં. જોકે, લીલા સંતોષી હતી. ક્યારેય કશું માગતી નહીં પણ નયનબા હેમી માટે વારેતહેવારે કંઈક ને કંઈક લાવી દેતાં.

આમ સરસ રીતે એમની દિનચર્યા ગોઠવાયેલી હતી. જે એક દિવસ અચાનક ખોરવાઈ. બા બાથરૂમમાં પડી ગયાં ને માથામાં વાગ્યું. હોસ્પિટલમાં દાખલ કર્યાં પણ એમણે દાદા પાસે વધુ સેવા ન કરાવી. બે દિવસમાં જ જતાં રહ્યાં. સગાઓ આવ્યાં હતાં એ પણ ગયાં. વિધિઓ પણ પૂરી થઈ ગઈ. ઘણાં સગાંસંબંધીએ સાથે આવવા કહ્યું પણ એમણે નમ્રતાપૂર્વક ના પાડી. બધું એટલું ઝડપથી થઈ ગયું કે એમના માનવામાં જ નહોતું આવતું.

હવે તેઓ ચાલવા જતા નહીં એટલે હેમી આવતી નહીં. ટિફિન બંધાવી દીધું. ખાસ વાસણ થતાં નહીં. લીલાબેન ઝડપથી કામ કરી જતાં. એક દિવસ વહેલી સવારે દાદાએ બધાં ફૂલો તોડી લીધાં. એ જોઈને હેમી દોડતી અંદર આવી ને બોલી પડી, “દાદા, મેં નથી તોડ્યાં”

“મેં પણ નથી તોડ્યાં, એ તો નવાં ફૂલો માટે જગ્યા કરી છે. તું આવ, જો બાનો ફોટો.”

હેમી બાએ ગિફ્ટ આપેલી હિલવાળી ચપ્પલ ઉતારીને અંદર ધસી આવી. બાના ફોટા પરનો હાર ખેંચી કાઢ્યો. “મરી જાય એના ફોટા પર હાર લટકાવાય. મારી બા તો જીવે છે મારા ભણતરમાં. મને ભણાવવા એમની ઘરખર્ચની બચતની રકમ સમ આપીને માને આપી ગયેલાં. માએ ના પાડી તો કહેલું, ‘હેમી ભણી રહે પછી એને કહેજો કે શક્ય હોય તો એ બીજા કોઈ એકને ભણાવે. જ્યોત જલતી રહે.’ હવે હું મળ્યું’તું જેવું બસ પરત કરવા પ્રયત્ન કરીશ. દાદા ક્યાંય અટકવું નથી. હવે તમે રોજ સવારે ચાલવા જજો ને હું બીજાં ફૂલો માટે જગ્યા કરીશ.” એ હસતી હસતી બહાર ગઈ, હીલ પહેરી ટકટક ટકટક કરતી ગઈ.

— યામિની વ્યાસ

May be an image of 1 person and text

Leave a comment

Filed under Uncategorized

ઉદઘાટન/યામિની વ્યાસ

1 ટીકા

by | મે 19, 2022 · 9:49 એ એમ (am)

સિમેન્ટિક બ્લીચિંગ:પરેશ વ્યાસ

સિમેન્ટિક બ્લીચિંગ: અભિધા રંગનિખાર

શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય

અર્થનો પ્રકાશ

અર્ધઝાઝેરો

ખૂંતી ન શકે આરપાર.

નવલ એ આભા-વલય

બન્યું રસનું આધાન. શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ – ઉમાશંકર જોશી

શબ્દસંહિતા શબ્દને વધાવે છે. ક્યારેક અમે બોલચાલનાં શબ્દની વાત કરીએ છીએ. ક્યારેક કોઈ શાસ્ત્રીય શબ્દની છણાવટ કરીએ છીએ. ક્યારેક ક્યારેક તો ગાળ પણ, જો સાંપ્રત હોય તો, એની ચર્ચા કરવી જરૂરી સમજીએ છીએ. અમેરિકાનાં પ્રેસિડન્ટ જાહેરમાં એક પત્રકારને ‘સન ઓફ અ બિચ’ કહે તો અમારે એ ગાલીપ્રદાન શબ્દસમૂહનો અર્થ સમજવો પડે, સમજાવવો પડે. અનેક અર્થ થતાં હોય છે એક શબ્દનાં. સમય વીતે શબ્દ પર પણ વીતે છે, એ ઘસાય છે, તરડાય છે. કયારેક નવા અર્થનાં વાઘાં પહેરીને ફરી પાછો આવે છે એ જ શબ્દ. અર્થમાં વધઘટ થતી રહે છે. કોઈ શબ્દ ક્યારેક જૂની હજારની નોટની જેમ ચલણમાંથી ગાયબ થઈ જાય છે. કોઈ શબ્દ પોતાનો જીવવાનો અર્થ ખોઈ બેઠો છે. આવા તો અનેક શબ્દો છે. અમે ‘નાઇસ’ શબ્દ વિષે પણ લખ્યું હતું. નાઇસ એટલે સરસ, સુંદર, મનપસંદ પણ એનો મૂળ અર્થ હતો: સામાન્ય, હલકટ કે સ્વછંદી. આવું થાય એને શું કહેવાય? સિમેન્ટિક બ્લીચિંગ (Semantic Bleaching)

શબ્દનું શાસ્ત્ર ‘સિમેન્ટિક’ કહેવાય છે. ગ્રીક શબ્દ ‘સેમા’ એટલે ધ્યાનપૂર્વક જોવું. ‘સિમેન્ટિકોસ’ એટલે અર્થવાળું, ખૂબ સૂચક, મહત્વનું, નોંધપાત્ર. એના પરથી ફ્રેંચ શબ્દશાસ્ત્રી માઇકલ બ્રિયલ(૧૮૩૨-૧૯૧૫)એ ફ્રેંચ શબ્દ આપ્યો: ‘સેમેન્ટિક’ અને એ પરથી ઇંગ્લિશ શબ્દ સિમેન્ટિક. ગુજરાતી લેક્સિકોન અનુસાર એનો અર્થ થાય છે: અર્થનું, શબ્દાર્થોના ફેરફારને લગતી ભાષાશાસ્ત્રની શાખા, અર્થનિર્ધારણ શાસ્ત્ર, અભિધાશાસ્ત્ર. અભિધા એટલે વાચ્યાર્થ.

અને ‘બ્લીચિંગ’ તો આપણે જાણીએ. ડાઘાં કાઢવા, રંગનો નાશ કરવો કે પછી રંગ નિખારવો તે. અહીં નિખાર એટલે ‘સૌંદર્યનાં ઉઘાડ’- એવો ય અર્થ તમે કરી શકો. જો કે અહીં નિખાર એટલે કપડાંને ખૂબ ધોઈને ખંખાળી નાખવું એવો અર્થ થાય છે. શબ્દનું જ્યારે ‘બ્લીચિંગ’ થાય ત્યારે અર્થ બદલાય છે. કોઈ પણ અવગતિયાં વ્યાકરણવેદિયાં જહાલ ભાષાશાસ્ત્રીઓ એ પ્રક્રિયાને રોકી શકતા નથી. શબ્દની સંહિતા રોજ રીવાઇઝ થતી રહે છે. અમે મવાળ છઈએ, અમે મવાળી છઈએ. મવાલી? ફારસી મૂળનો શબ્દ ‘મવાલી’ એટલે ગુંડો. પણ ‘મવાળી’ એટલે સૌમ્ય પ્રકૃતિનો, વિનીત, નરમ, મોળો! અમે ચલણી શબ્દને કોશિશપૂર્વક ખોલી આપીએ છીએ.

કોઈ પણ શબ્દ હોય એનો અર્થ તો બદલાતો રહે. દા. ત. ‘મિલ્કિંગ’ એટલે ગાયને દોહવું, પણ કોઈ છેતરીને મારી પાસે પૈસા પડાવી જાય તો એ મારું મિલ્કિંગ કહેવાય. ‘લીકર’ એટલે લીક્વીડ. કોઈ પણ પ્રવાહી પદાર્થ લીકર કહેવાય પણ હવે આ શબ્દ માત્ર કેફી પીણાં માટે જ વપરાય છે. કેફની માત્રા વધે તો એ હાર્ડ લીકર થઈ જાય. અહીં હાર્ડ એટલે પ્રવાહી ‘કઠણ’ કે ‘નક્કર’ થઈ ગયું, એવો અર્થ નથી. એ વધારે કેફી થઈ ગયું, એવી કેફિયત કહેવાય. શબ્દનો અર્થ બદલાય એવી આવી જ એક પદ્ધતિ ‘સિમેન્ટિક બ્લીચિંગ’ છે. કેટલાંક શબ્દો અર્થનાં ઇન્ટેન્સિફાયર’ હોય છે. એટલે એવા શબ્દો વાક્યનાં અર્થને ઉત્કટ કરે છે, તીવ્ર કરે છે. ‘એક્સાઈટેડ’ની આગળ ‘વેરી’ લખીએ એટલે ઉત્તેજના વધી જાય. ઇંગ્લિશ શબ્દ ‘વેરી’ એટલે સાચું, યથાર્થ. પણ જ્યારે વેરી એક્સાઈટેડ કહીએ ત્યારે એ -યથાર્થ રીતે સત્ય હોય એવી ઉત્તેજના કે રોમાંચ- છે, એવો અર્થ એમાં નથી. આ ‘વેરી’ શબ્દનું બ્લીચિંગ છે. હવે તો જો કે ‘વેરી’ પણ ઓછું વપરાય છે. હવે એના સ્થાને ‘સુપર’ શબ્દ આવી ગયો. સુપર એક્સાઈટેડ કે પછી સુપર સ્માર્ટ. ચઢિયાતો સ્માર્ટ? આવા ઘણાં શબ્દોનાં મૂળ અર્થનો રંગ ઊડી ગયો છે. હવે એ શબ્દ અન્ય કોઈ શબ્દ કે કથનનાં અર્થને ઉત્કટ કરવા માટે બોલચાલમાં વપરાય છે. અમેરિકાનાં પૂર્વ પ્રેસિડન્ટ ઓબામાએ ગાયિકા ટાયલર સ્વિફ્ટને ‘પરફેકટલી નાઇસ ગર્લ’ કહી હતી. સર્વોત્તમ રીતે સુંદર છોકરી!

ઇન્ટરનેટની ભાષા જબરજસ્ત છે. બીએફ (બેસ્ટ ફ્રેન્ડ) હવે બીએફએફ (બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર) થઈ ગયો છે. લાફિંગ હવે લોલ (લાફિંગ આઉટ લાઉડ) થઈ ગયું છે. ‘હેવ અ ગુડ ડે’ની શુભેચ્છા હવે ‘હેવ એ ગ્રેટ ડે’-ની શુભેચ્છામાં તબદીલ થઈ ચૂકી છે. હવે ‘હોટ’ અને ‘કૂલ’માં કોઈ ફરક જ નથી. છોકરી કેવી છે? યુવા કવિ મિલિન્દ ગઢવી કહે છે કે ગાલિબનાં શેર જેવી છોકરી! એ ગાલિબનાં શેરનું સિમેન્ટિક( કે રોમેન્ટિક!) બ્લીચિંગ છે. કવિને તો એ છોકરીનાં પાલવ પકડવાની નોકરી કરવાનાં અભરખાં છે. એ છોકરી જો માને તો..! અને આવી નોકરી હોય તો સોમવાર પણ રવિવાર લાગે. હેં ને?

સિમેન્ટિક બ્લીચિંગ શબ્દનાં અર્થને ઉઘાડી આપે છે. ટીકાકારો સિમેન્ટિક બ્લીચિંગને અનિચ્છનીય ગણે છે. કેટલાંક લોકો માટે બધું ઓસમ (Awesome) છે. ઓસમ એટલે ભયાનક. પણ હવે અર્થ બદલાયો છે. ઓસમ એટલે સરસ, મજેદાર, જલસો થઈ જાય એવું. આવા લોકો માટે પ્રેમિકા ઓસમ છે, ફિલ્લમ ઓસમ છે, ખાધી તે પાઉંભાજી પણ ઓસમ છે. જ્યારે કેટલાંક માટે બધું જ હોરિબલ (Horrible) છે. હોરિબલ એટલે ભયાનક. બોસ હોરિબલ છે, સરકાર હોરિબલ છે, જોક પણ હોરિબલ છે. હોરિબલ હવે ‘ન ગમે’ એને પણ કહે છે. એક શબ્દ લિટરલી (Literally) પણ છે. લિટરલી એટલે ‘શાબ્દિક અર્થ અનુસાર’. પણ હવે એનો સાવ ઊલટો અર્થ પણ છે. કોમેડી ફિલ્મ જોઈને કોઈ કહે: આઈ લિટરલી ડાઈડ લાફિંગ. હું હસતાં હસતાં યથાર્થ રીતે મરી ગયો. અહીં મર્યો તો નથી. તો ‘શાબ્દિક અર્થ અનુસાર મરી ગયો’ એવું શા માટે કહેવું? પણ… કહે છે. સિમેન્ટિક બ્લીચિંગ ઇચ્છનીય તો નથી. પણ હે પ્રિય ટીકાકારો, તમારી ઇચ્છનીયતાનું અહીં કાંઈ ઉપજે એમ નથી. દરિયાનું મોજું આવે એટલે કિનારે બનાવેલાં રેતમહેલ નાશ પામે છે. એ જ મોજું જો કે પોતાની સાથે નવી રેતી પણ લાવે છે. સિમેન્ટિક બ્લીચિંગ રોકી શકાય એમ નથી. અભિધા રંગનિખાર. એટલે જ અમને કવિ પ્રકારનાં લોકો ગમે છે. કવિલોકો અકવિ હોય એમને માટે ભાષાને સરળ કરી આપે છે. અકવિ એટલે? ભગવદ્ગોમંડલ અનુસાર ‘અકવિ’ એટલે અબુધ, મૂર્ખ. મૂળ તો અકવિને સમજાવું જોઈએ. કારણ કે સમજાય એ જ ભાષા છે. સમજાય તો જ ભાષા છે.

શબ્દશેષ:

“શબ્દનું પણ વજન હોય છે.” –અમેરિકન લેખક સ્ટીફન કિંગ

Leave a comment

Filed under Uncategorized

ડન્બાર્સ નંબર: વો પાંચ../પરેશ વ્યાસ

ડન્બાર્સ નંબર: વો પાંચ..

બસ એ જ સંબંધો સાચા,

જેની પાસે સ્વયં ખૂલતી હોય હૃદયની વાચા. -મુકેશ જોષી

ટાગોર કહી ગયા કે એકલો જાને રે! પણ અઘરું છે. સાથ જોઈએ, સંગાથ જોઈએ. અને સંબંધ બાંધવો અને નિભાવવો એ બે અલગ વાત છે. જીવવું હોય, સારી રીતે જીવવું હોય તો મિત્રો, સગાવહાલાંઓ અને ઓળખીતાપાળખીતાઓ-નો સાથ હોવો જરૂરી છે. દેશને ચલાવવા સૌનો સાથ, સૌનો વિકાસ જોઈએ પણ માણસને ચલાવવા કેટલાં જણ (કે જણી)નો સાથ જોઈએ? આજનો શબ્દ ડન્બાર્સ નંબર (Dunbar’s Number) એ દર્શાવે છે.

માનવ સંબંધનું પણ એક શાસ્ત્ર છે. અર્થપૂર્ણ અને સ્થિર સંબંધો તમે કેટલાં સાથે બાંધી/જાળવી શકો? ૭૫ વર્ષીય રોબિન ડન્બાર નામનાં બ્રિટિશ ઍન્થ્રપૉલજિસ્ટ(માનવશાસ્ત્રી)નો જવાબ છે: ૧૫૦. આ ડન્બાર્સ નંબર છે. ઘણાં ઘનિષ્ઠ સંશોધનનાં અંતે એ પૂરવાર થયું છે કે માનવીનું મગજ ૧૫૦થી વધારે અર્થપૂર્ણ સંબંધ હેન્ડલ કરી શકતું નથી. જો એથી વધારે હોય તો એવા સંબંધ કોહીસિવ (Cohesive) રહી શકતા નથી. ‘કોહીસિવ’ એટલે સાથે વળગી રહે તે, સ્નેહાકર્ષણવાળા, સંઘાતવાળા, સંયુક્ત રહેવાની વૃત્તિવાળા. અમારે ફેસબૂકમાં તો ૫૦૦૦ સંબંધો છે. ઓ રે! પણ એ મિત્રો નથી. અડધાને તો તમે ઓળખાતા ય નથી. કેટલા તો ક્યારેય તમને લાઇકું ય કરતાં નથી. અને તમને લાગે છે કે.. તમે બહોળું મિત્ર વર્તુળ ધરાવો છો. ઓ રે! રોબિન ડન્બાર ફેસબૂકનો અભ્યાસ કરી ચૂક્યા છે. તેઓનાં મતે ૧૫૦નો આંકડો લિમિટ છે. એથી વધારે હોય એવી વ્યક્તિઓ માત્ર નામ પૂરતી હોય છે.

પણ આજે અમારે અંતરંગ સંબંધનાં ડન્બાર્સ નંબરની વાત કરવી છે. રોબિન ડન્બારનું એક નવું પુસ્તક આવ્યું છે. ‘ફ્રેન્ડ્સ:અન્ડરસ્ટેન્ડિંગ ધ પાવર ઓફ અવર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીલેશનશિપ’. એક ઇન્ટરવ્યૂમાં તેઓ કહે છે કે સંબંધોનાં વર્તુળોમાં શામેલ વ્યક્તિઓનો આંકડો ૧.૫થી લઈને ૫૦૦૦ જેટલો છે. ૧.૫ એટલે તદ્દન અંગત, રોમેન્ટિક સંબંધ. પછી આવે છે એવા ૫ સંબંધો, જેનાં ખભે માથું મૂકીને તમે રડી શકો. તમારી તકલીફનાં ટાણે તેઓ બધું જ પડતું મૂકીને તમારી પડખે જ ઊભા હોય. તે પછીનું વર્તુળનો આંકડો ૧૫ છે, જેમાં ઉપરનાં ૫ તો ખરા જ પણ બીજા એવા ૧૦ કે જેની સાથે તમે ઉજાણી કરો, ફિલ્મ જોવા જાઓ, આઇસક્રીમ પાર્ટી કરો. પછી આવે ૫૦ વ્યક્તિઓનું વર્તુળ. કોઈ નાનો પ્રસંગ જેમ કે બર્થડે પાર્ટી ઉજવીએ ત્યારે જેઓને બોલાવીએ એવા લોકો. અને પછી આવે ૧૫૦નો આંકડો. એટલા લોકો જે લગ્ન કે મરણમાં હાજર રહે. સામાન્ય રીતે આ બંને પ્રસંગ જીવનમાં એક વાર જ આવે. હવે ૧૫૦ની મર્યાદા કેમ છે? કારણ.. કારણ કે આપણી પાસે સમય મર્યાદિત છે. ટાઈમ ઈઝ મની. કિંમતી ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ સમજી વિચારીને કરવું- એવું ગુજરાતીને સમજાવવું ન પડે!

બધા લોકો સ્વભાવે સરખા હોતા નથી. કેટલાંક સ્વભાવે અંતર્મુખી હોય છે. ઓછું બોલે. આવા લોકો ઓછી સંખ્યામાં મિત્રો રાખવા-માં માને છે, જેથી દરેકને પૂરતો સમય દઈ શકાય. ક્વોલિટી ટાઈમ, યૂ સી! બાહ્યમુખી પ્રતિભા ધરાવતા લોકો સંબંધોની બાબતમાં વધારે પડતો આત્મવિશ્વાસ ધરાવે છે. અને ક્યાંક મેળ ન પડે તો…તું નહીં તો ઓર સહી..આવા લોકોનો અંગત ડન્બાર્સ નંબર વધારે હોઈ શકે. અને એવું પણ છે કે દરેક ઉંમરમાં આ સંખ્યા આટલી જ રહે એવું નથી. ઈન ફેક્ટ, છોકરો/છોકરી પ્રેમમાં પડે ત્યારે એ બે મિત્રો/સહેલીઓનો ભોગ લઈ લેતા હોય છે. પ્રેમ એ પૈસા અને સમયનો વ્યય છે! સમય ન આપી શકે એટલે દોસ્ત દોસ્ત ન રહા થૈ જાય! એ પણ છે કે ઉંમર વધે એમ ડન્બાર્સ નંબર ઘટે. અને પછી રહી જાય છે વો પાંચ અને… અંતે તો ૧.૫ જ. મરો ત્યારે તો એટલાં જ હોય. અરે તો પછી આ હોબાળો શાનો છે?!!

પ્રિય કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ લખે કે ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે; જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે. પણ… અમે પાંચનાં ડન્બાર્સ અંકનાં તરફદાર છીએ. બે મિત્ર વત્તા અનેક સગાઓ પૈકીનાં બે વહાલાંઓ વત્તા એક, જે આ બેમાંથી કોઈ પણ કેટેગરીનાં હોઈ શકે. આમ થયા કુલ પાંચ. ઓહો! ઘણાં થઈ ગયા, ભાઈ! નક્કી કરી લો આપનાં એ પાંચ કોણ છે? એનો અર્થ એવો નથી કે આપનાં જીવનમાં આવેલાં બાકીનાં લોકો નાલાયક છે. પણ આ પાંચ અનન્ય વ્યક્તિઓ આપનાં આપ્તજન છે, પ્રિયજન છે.

આપે ‘આનંદ’ ફિલ્મ તો જોઈ જ હશે. અસાધ્ય કેન્સરથી પીડિત આનંદ(રાજેશ ખન્ના)ને દોસ્ત બનાવવાનો ભારે શોખ. કોઈ પણ અજાણ્યાં માણસને પાછળથી ધબ્બો મારીને કહે કે કેમ છો, મુરાલીલાલ..? પેલો કહે કે હું મુરાલીલાલ નથી. તો કોણ છો? પોતાનું નામ કહે એટલે આનંદ એને કહે કે ચાલો, આ બહાને આપણી દોસ્તી થઈ ગઇ. એક વાર એવી જ રીતે એક જણ(જ્હોની વોકર)ને ધબ્બો મારીને પૂછે છે કૈસે હો મુરારીલાલ ..પછી તો બે જણાં વાતોએ વળગે છે. ડો. ભાસ્કર બેનર્જી (અમિતાભ બચ્ચન)ને બોલાવીને આનંદ મુરારીલાલની ઓળખાણ કરાવે છે. મુરારીલાલ એને કહે છે કે એ અને જયચંદ સાથે ભણતાં હતા. ડો. ભાસ્કર કહે છે કે આ જયચંદ નથી. તો પેલો કહે છે કે હું ય મુરારીલાલ નથી, હું ઈસાભાઈ સુરતવાલા છું. આનંદને મૂળ અગણિત મિત્રો બનાવવાનો શોખ હતો. ડન્બાર્સ નંબરકી ઐસી તૈસી! પણ મને લાગે છે કે આનંદમાં રહેવા માટે ઘણાં બધા મિત્રો હોવા જરૂરી નથી. મુરાલીલાલપણું ફિલ્મમાં સારું લાગે. બાકી પાંચ અંગતની સંગત હોય એટલે રંગત હી રંગત..ટેસડો પડી જાય, હોં! એમઝોનવાળા જેફ બેઝોસ કહેતા કે ટીમ એટલી નાની હોવી જોઈએ કે બે પિત્ઝાથી બધાનું પેટ ભરાઈ જાય. અંગત સંબંધ માટે પણ આ પિત્ઝાનો નિયમ સત્ય છે. હા, આપણે એને ૫૦૦ ગ્રામ ફાફડાજલેબીનો નિયમ કહી શકીએ. મરીઝ સાહેબ પણ એવું જ કહે છે: ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’, આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે. એ જ તો છે અંતરંગ ડન્બાર્સ નંબર…આજકાલ ઇન્ટરનેટ પર કહેવાય છે કે તમને કોઈ અનફ્રેન્ડ કરે, તમારા ફોલોઅર્સ ઘટે તો એનો અર્થ એ કે તમારો વિકાસ થઈ રહ્યો છે. લો બોલો!

શબ્દ શેષ: “એ જેને ઘણાં મિત્રો હોય છે, એને કોઈ મિત્રો હોતા નથી.” –ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલ (ઈ.સ. પૂર્વે ૩૮૪-૩૨૨)

Leave a comment

Filed under Uncategorized

સુખી માણસ+બ્રાઉનનોઝિંગ:

🙏🏻

*જ્યારે નાઇજિરિયન અબજોપતિ ફેમી ઓટેડોલાને ટેલિફોન ઇન્ટરવ્યુમાં રેડિયો પ્રસ્તુતકર્તા દ્વારા પુછવામાં આવ્યું કે,*

*”સર તમને શું યાદ છે કે જે તમને જીવનમાં સૌથી સુખી માણસ બનાવે છે…..?”*

*ફેમીએ કહ્યું :*

*હું જીવનમાં સુખના ચાર તબક્કામાંથી પસાર થયો છું અને અંતે મને સાચા સુખનો અર્થ સમજાયો.*

*પ્રથમ તબક્કો સંપત્તિ અને સાધનો એકઠા કરવાનો હતો.*

*પણ…..*

*આ તબક્કે મને જોઈતું સુખ મળ્યું નહીં…..!*

*પછી કિંમતી વસ્તુઓ ખરીદવાનો અને વસ્તુઓ એકત્રિત કરવાનો બીજો તબક્કો આવ્યો.*

*પણ…..*

*મને સમજાયું કે આ વસ્તુની અસર પણ કામચલાઉ છે અને મુલ્યવાન વસ્તુઓની ચમક લાંબો સમય ટકતી નથી…..!*

*પછી મોટા પ્રોજેક્ટ્સ મેળવવાનો ત્રીજો તબક્કો આવ્યો.*

*તે સમયે…..*

*જ્યારે હું નાઇજીરીયા અને આફ્રિકામાં 95% ડીઝલ પુરવઠો ધરાવતો હતો.*

*હું આફ્રિકા અને એશિયાનો સૌથી મોટો જહાજ માલિક પણ હતો.*

*પણ…..*

*અહીં પણ મને જે સુખની કલ્પના હતી તે મને મળી નથી…..!*

*ચોથો તબક્કો એ સમય હતો…..*

*જ્યારે…..*

*મારા એક મિત્રએ મને કેટલાક અપંગ બાળકો માટે વ્હીલચેર ખરીદવાનું કહ્યું. માત્ર 200 બાળકો.*

*મિત્રની વિનંતી પર મેં તરત જ વ્હીલચેર ખરીદી.*

*પણ મિત્રએ આગ્રહ કર્યો કે,*

*હું તેની સાથે જાઉં અને બાળકોને વ્હીલચેર મારા પોતાના હાથે સોંપું. હું તૈયાર થયો અને તેની સાથે ગયો.*

*ત્યાં મેં આ બાળકોને આ વ્હીલચેર મારા પોતાના હાથે આપી.*

*મેં આ બાળકોના ચહેરા પર ખુશીની વિચિત્ર ચમક જોઈ.*

*મેં તે બધાને વ્હીલચેર પર બેઠેલા, ફરતા અને મજા કરતા જોયા.*

*એવું લાગતું હતું કે…..*

*તેઓ એક પિકનિક સ્પોટ પર પહોંચ્યા હતા જ્યાં તેઓ જેકપોટ જીતી રહ્યા છે…..!*

*મને મારી અંદર સાચો આનંદ લાગ્યો.*

*જ્યારે મેં જવાનું નક્કી કર્યું ત્યારે એક બાળકે મારા પગ પકડી લીધા.*

*મેં મારા પગને હળવેથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો પણ બાળકે મારા ચહેરા તરફ જોયું અને મારા પગને ચુસ્તપણે પકડી રાખ્યા.*

*મેં નીચે નમીને બાળકને પૂછ્યું:*

*તમને બીજું કંઈક જોઈએ છે…..?*

*આ બાળકે મને જે જવાબ આપ્યો તે મને માત્ર ખુશ જ નહીં પણ જીવન પ્રત્યેનો મારો અભિગમ પણ સંપુર્ણપણે બદલી નાખ્યો.*

*એ બાળકે કહ્યું:*

*હું તમારો ચહેરો યાદ રાખવા માંગુ છું*

*જેથી જ્યારે હું તમને સ્વર્ગમાં મળું ત્યારે હું તમને ઓળખી શકું અને ફરી એકવાર તમારો આભાર માની શકું…..!*

*હું પ્રાર્થના કરું છું કે,*

*તમારા જીવનમાં પણ ઈશ્વર આવું જ કાંઈક કરે કે કોઈક તમારો ચહેરો ફરીથી જોવાની ઇચ્છા રાખે…..!*

……………………

બ્રાઉનનોઝિંગ: ખુશામતનો રંગ બદામી

इस लज्जित और पराजित युग में,

कहीं से ले आओ वह दिमाग़,

जो खुशामद आदतन नहीं करता

-रघुवीर सहाय

શશી થરૂર ટ્વીટયા. સંસદમાં મિનિસ્ટર્સ આવું કરે છે, વારંવાર કરે છે. એમ કે તેઓનું કોઈ પણ ભાષણ મોદીસાહેબનાં ગુણગાન વિના પૂર્ણ થતું નથી. મિનિસ્ટર્સ સંસદમાં બ્રાઉનનોઝિંગ (Brownnosing) કરે છે. આ બ્રાઉનનોઝિંગ નોર્થ કોરિયાની ભારતીય આવૃતિ છે વગેરે. તેઓ વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ તો કરે જ. તેઓ સત્તામાં હોત તો તેઓ પણ રાહુલજીનાં ગુણગાન ગાતા હોત? ગાવા જ પડે. નહીં તો ફેંકાઇ જવાય.

અમે માનીએ છીએ કે આપણાં પ્રધાનમંત્રીમાં અનેક ગુણ છે. અમે માનીએ છીએ કે તેઓ દેશ માટે પૂર્ણકાળ સમર્પિત છે. અમે માનીએ છીએ કે સત્તા માટે કોઈ અંગત લાભ તેઓએ મેળવ્યો નથી. અમે માનીએ છીએ કે તેઓ હીરો છે. સંસદમાં આવે છે ત્યારે કે પછી લોકો વચ્ચે જાય છે ત્યારે, મોદી.. મોદી-નાં નારા લાગે છે. અમને પણ થાય છે કે આવો નેતા અજોડ છે. પણ મોદીસાહેબ માટે અમારા વખાણ અને મોદી સાહેબ માટે સાંસદોનાં વખાણ વચ્ચે ફેર છે. અમારે કોઈ અંગત લાભની ખેવના નથી. અમે વખાણ કરીએ છીએ એ બ્રાઉનનોઝિંગ નથી. પણ સાંસદો કરે છે એ બ્રાઉનનોઝિંગ છે. તેઓ પોતાનાં અંગત લાભ માટે આવું કહે છે-એવું શશી થરૂર કહે છે. શશી થરૂરની ટીકા અલબત્ત મોદી સાહેબ માટે નથી. એમની ટીકા એમનાં મિનિસ્ટર્સ માટે છે. કોઈ પણ મિનિસ્ટર જ્યારે કોઈ પણ વિષયનો ઉત્તર આપે છે કે રજૂઆત કરે છે ત્યારે ગમે તે રીતે મોદી સાહેબને વચ્ચે લઈ આવે છે અને તેઓનાં ભરપૂર વખાણ કરે છે. શશીભાઈને આ વધારે પડતું લાગે છે. ગુજરાતી લેક્સિકોનમાં બ્રાઉનનોઝ શબ્દ અમે ગોત્યો ગોત્યો ને તો ય ના જડ્યો.. પણ દુનિયાની ૨૧ ઇંગ્લિશ ડિક્સનરીઝ બ્રાઉનનોઝ શબ્દનો અર્થ કહે છે. આ શબ્દ બ્રાઉન-નોઝ પણ લખાય છે. બંને જોડણી સાચી છે. આજે આપણી ગરવી ગુજરાતી ભાષામાં આ શબ્દની વાત કરવી છે.

‘બ્રાઉન’ એટલે બદામી કે તપખીરિયા રંગનું અને ‘નોઝ’ એટલે નાક. આ શાબ્દિક અર્થ છે. એક મુહાવરા તરીકે એનો અર્થ થાય છે: કશુંક મેળવવા માટે, લાભ ખાટવા માટે કરવામાં આવતી ખુશામતખોરી. તમે એને ભક્તિ પણ કહી શકો. ઓ નેતા ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, પણ શા માટે? થાય અમારા કામ! એટલે એમ કે આળપંપાળ, વારંવાર, લગાતાર….. ઇંગ્લિશ ભાષામાં એક શબ્દ છે ઑબ્સિક્વિઅસનેસ (Obsequiousness). એનો અર્થ થાય ચાટુકારિતા, અતિદીનતા, અધમ તાબેદારી, ગુલામવેડા. કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ! અહીં લોકો પોતાનું સ્વમાન ખોઈ બેસે છે. તારીફ પે તારીફ, તારીફ પે તારીફ.. તારીફનો રંગ તપખીરિયો! માત્ર લાભ માટે જ નહીં પણ પોતાના તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે, પોતે જે કરે છે એનાં વખાણ થાય એ માટે પણ સાહેબની પગચંપી થાય એ બ્રાઉનનોઝિંગ છે.

અમે અલબત્ત શબ્દનાં મૂળ સુધી જઈએ છીએ. આ શબ્દનું મૂળ જો કે અશ્લીલ છે, અભદ્ર છે. વીસમી સદીની શરૂઆતમાં એવું કહેવાતું કે જેની પાસેથી લાભ લેવાનો હોય એની ખુશામત કરવી જોઈએ. એટલે એનું પોતાનું નાક એ શક્તિશાળી નેતાનાં મળદ્વાર પર રગડવું. આ ફિગર ઓફ સ્પીચ છે. ગુજરાતીમાં કહીએ તો શબ્દાલંકાર અથવા ચિત્ર કે આકૃતિ દ્વારા નિરૂપણ કરવું. હવે એવી ચોક્કસ જગ્યાએ નાક રગડો તો નાકનો રંગ પણ પછી બદલાઈને બ્રાઉન થઈ જાય. વાસ પણ આવે અને સ્વાભાવિક રીતે એ સુવાસ તો ન જ હોય. ખુશામત કરવી એટલે આવું કર્યું હોય એવી કલ્પના. આવું આંગિકમ કરવું પડે એવો અર્થ અહીં નથી આ શબ્દ અમેરિકન આર્મી દ્વારા ૧૯૩૦નાં દસકામાં બોલચાલમાં આવ્યો હોય એવું અનુમાન છે. નાક સ્વાભિમાનનું રૂપ છે. નાકને એવી જગ્યાએ લઈને રગડવું સ્વાભાવિક રીતે સ્વાભિમાન ત્યજી દેવા જેવું ગણાય. આમ નાક બ્રાઉન થાય અને આખી પ્રક્રિયા બ્રાઉનનોઝિંગ કહેવાય. આ શબ્દનું મૂળ ભલે અશ્લીલ છે પણ આવો શબ્દપ્રયોગ કરવો અશ્લીલ નથી. એટલે એમ કે શશી થરૂર તેઓનાં સાથી સાંસદો માટે આવો શબ્દ પ્રયોજે એનો અર્થ અભદ્ર નથી. બ્રાઉનનોઝિંગ એ ટીકા છે, ગાળ નથી. સાદી સીધી ભાષામાં આનો અર્થ ‘ચમચાગીરી’થી વધારે નથી. ઘણી વાર અશ્લીલ મૂળ છે એટલે પ્રસ્તુત શબ્દને વધારે રોચક અને અસરકારક બની જાય છે.

બ્રાઉનનોઝ આમ તો ઓફિસનો શબ્દ છે. પ્રમોશન મેળવવા બોસની ગુદા-ચાટૂતા પ્રવૃત્તિ એટલે બ્રાઉનનોઝિંગ. એવા ય કર્મચારી હોય છે જે સાહેબની સેવા કરવામાં તદ્રુપ થઈ જાય છે. વાતે વાતે વખાણ બ્રાઉનનોઝિંગનાં લક્ષણો છે. બીજા કર્મચારી કેવા બેકાર છે પણ હું અને માત્ર હું જ છું જે એકમેવ આપને વફાદાર છું. હું તો સાહેબનો જોડો પૉલિશ કરી આપું. સાહેબનાં છોકરા રમાડું, સાહેબની બાયડીને શોપિંગ કરાવું, સાહેબનાં કૂતરાંને ફરવા લઈ જાઉં. કોર્પોરેટ સીડીમાં ઉપર ચઢવા માટે નાકનો રંગ બદામી હોવો જરૂરી છે. જો કે હું સક્ષમ હોઉં, અસરકારક અને ઉદ્યમશીલ હોઉં, અને નૈતિકતા મારો સ્વભાવ હોય તો મારે બ્રાઉનનોઝર બનવાની જરૂર નથી. પણ.. પણ અહીં મુશ્કેલી એ છે કે મારા સહકર્મી બ્રાઉનનોઝર અમારા સાહેબની કોઈ એક ચોક્કસ જગ્યાએ ચાટૂતા કરીને આગળ વધી જાય છે અને હું રહી જાઉં છું. સ્વાભાવિક છે કે હું પછી દિલ લગાવીને કામ ન જ કરું. સમગ્ર રીતે જોઈએ તો બ્રાઉનનોઝિંગ સંસ્થાની પ્રોડક્ટિવિટી ઘટાડે છે. રાજકારણની વાત જો કે અલગ છે અહીં આખો મામલો જ બ્રાઉનનોઝિંગ પર ચાલે છે. જો રાજકીય કાર્યકર પોતાનું નાક ઊંચું રાખવા જાય તો રવડી જાય. તેઓએ તો નમો નમો કે નમો રાગા કે નમો અકે કરતાં જ રહેવું પડે. ખુશામતનો રંગ બદામી છે. ઇતિ સિધ્ધમ્.

શબ્દ શેષ:

‘મને ખબર નથી કે કોણ પહેલો આવે, બ્રાઉનનોઝ વર્કર કે એરોગન્ટ બોસ? સીધી વાત છે કે હું બેઉને ધિક્કારું છું અને એનો હિસ્સો બનવા માંગતો નથી.’ – રોડોલ્ફો પેયોન

Leave a comment

Filed under Uncategorized

મા/યામિની વ્યાસ

મા

સૂરજ ઊગતા જ મેઘનાની દોડાદોડ શરૂ. “મમ્મી..કર્ટૅઇન ખસેડી જા ને બહુ લાઈટ આવે છે…”દીકરા રાજે અડધી ઊંઘમાં કહ્યું.

એટલામાં પિન્કીની બૂમ, “મમ્મી ટોવેલ…”

નાની ડૉલીએ પૂછ્યું, “આજે બ્રેકફાસ્ટમાં શું છે?”

મોટો કરણ જતા જતા, “જો મમ્મી, આપણી ગાડીની ચાવી લેવા આવશે સર્વિસ માટે, તો આપી દેજે. ગાડીનો નંબર તો યાદ છે ને?”

ને પછી તો…

“મમ્મી સાંભળ, આજે મારું કુરિઅર આવવાનું છે, સાઇન કરી લઈ લેજેને, પ્લીઝ.”

“મેં ઇલેક્ટ્રિશ્યિનને ફોન કર્યો છે, અહીં બે પોઇન્ટ નંખાવવાના છે.”

“મમ્મી આ નોટબુકમાં પેઇજ મૂક્યા છે ને એની ઝેરોક્ષ કરાવતી આવજે, જો ભૂલી નહીં જતી.”

“મમ્મી મારો દુપટ્ટો નથી મળતો. અરે! એ ઇસ્ત્રીમાં નહોતો આપવાનો? પૂછ તો ખરી!”

“રીંગ વાગે છેને તો મમ્મી ઊંચકી લેને. કહી દેને કે નીકળી ગયો છે રસ્તામાં જ હશે!”

“મમ્મી મારું ડ્રોઅર તેં ગોઠવેલુંને? એટલે જ કંઈ નથી મળતું. બધું જેમ હોય એમ રહેવા દેને.”

“હેલો.. મમ્મી, જો કબાટનાં નીચેનાં ખાનામાં ચેકબુક છે એના ફોટા પાડીને વોટ્સએપ કરી દેને”

“અરે આ શું બનાવ્યું? દાળઢોકળી! મમ્મી પ્લીઝ, મેગી બનાવી આપને..”

“અરે મમ્મી, મારો મોબાઇલ ચાર્જમાં મૂકી દેને.”

“તું અહીં જ છે તો જરા એ.સી….”

આખા દિવસની આવી ભાગદોડ પછી સાંજે મેઘના બારી બંધ કરવા ગઈ. આકાશમાં જોયું તો ઢળતો સૂરજ પણ જાણે ખો આપતો ગયો પછી બારણું બંધ કરવા ગઈ અને જોયું તો સામે મેઘનાની મમ્મી. એ હરખાતાં બોલી “અરે આટલી મોડી તું કેમ આવી, મમ્મી? “

ચપ્પલ કાઢતાં મેઘનાની મમ્મી બોલી, “અરે બેટા, આ કપુરિયા બનાવ્યા હતાને એ તારે માટે લેતી આવી. તને બહુ ભાવે છેને! અને દસ દિવસ પહેલાની નારી પૂર્તિમાં તારે સાતમું પાનું જોઈતું હતુંને? એ પસ્તીમાંથી શોધી કાઢ્યું તારા માટે ને તારી સાડીને ફોલ ટાંકવાનો હતોને? ને આ તારો ચાંદીનો ઝૂડો પોલિશ કરાવવા મૂકી ગઈ હતીને? ને…રૂ ની દિવેટ બનાવી દીધી છે, તને તૈયાર નથી ફાવતીને?”

હજુ તો જાણે કેટકેટલું કહેવાનું હતું. મેઘનાનાં બાળકોએ મેઘનાને, મેઘનાએ એની મમ્મીને અને એની મમ્મીએ કદાચ એની મમ્મીને. પેઢી દર પેઢી. આમ વિચારતો આભનો ચાંદ મરક મરક હસતો હતો.

== યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

લિમરિક: પાંચ પંક્તિઓનું વિનોદી પદ્ય

લિમરિક: પાંચ પંક્તિઓનું વિનોદી પદ્ય

અરવિંદ કેજરીવાલની અંગડાઇ, ભાજપની ટીકા અને શશી થરૂરની કવિતા..

ધેર વન્સ વોઝ અ સીએમ ઓફ દિલ્હી

હૂ સ્ટ્રેચ્ડ ફ્રોમ હેડ ટૂ હિઝ બેલી

ધ ઓનસ્ક્રીન રેટિકયુલેશન

રીવિલ્ડ હિઝ પેન્ડિકયુલેશન

સો બીજેપી ફ્રોથ્ડ એન્ડ ક્વિવર્ડ લાઇક અ જેલી!

વાત જાણે એમ હતી કે વિડીયો મીટિંગ હતી આપણાં વડાપ્રધાન અને મુખ્ય પ્રધાનો વચ્ચે. વિષય હતો કોવિડ-૧૯ની સમીક્ષા. મીટિંગ દરમ્યાન દિલ્હીનાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ કંટાળ્યા હશે તે એમણે અંગડાઇ લીધી. આળસ મરડ્યું. ના, બગાસું તો નહોતું ખાધું. વિડિયોમાં એ દેખાયું. બીજેપીને લાગ્યું કે આ વર્તણૂંક શિષ્ટાચાર વિરુદ્ધ છે. તેઓએ વિરોધ નોંધાવ્યો. કહ્યું કે કેજરીવાલ મેનરલેસ (અશિષ્ટ) છે. કોંગ્રેસનાં સાંસદ અને શબ્દોનાં જાદુગર શશી થરૂરે આ ઘટના અને એની ઉપરની બીજેપીની પ્રતિક્રિયાને એક કવિતાનાં માધ્યમથી વર્ણવી. ‘પેન્ડિકયુલેશન’ એટલે પેટથી માથા સુધી આળસ મરડવું તે. ‘ફ્રોથ’ એટલે નકામી બકબક. આમાં પહેલું કામ દિલ્હીનાં સીએમ દ્વારા થયું. બીજું બીજેપી દ્વારા. અમને જો કે એમાં રસ નથી પણ એનડીટીવી, ધ ટેલિગ્રાફ, ફાઈનાન્સિયલ એક્સપ્રેસ, ઝી ન્યૂઝ, ઇંડિયન એક્સપ્રેસ, ધ ક્વિન્ટ, ટાઈમ્સ નાઉ, ધ હિંદુ સહિત અનેક અખબારોએ શશી થરૂરનાં સાહિત્યિક સર્જનને ‘પોએમ’ કે ‘પોએટ્રી’ ઉર્ફે કવિતા કહી. એક માત્ર હિન્દુસ્તાન ટાઇમ્સે લખ્યું કે આ શશી થરૂરનું ‘લિમરિક’ (Limerick) છે. ધન્યવાદ આપવા જોઈએ એ પત્રકારને કે જેણે સાચો શબ્દ લખ્યો. આમ તો તમે ગઝલને કવિતા પણ કહી શકો. પણ ગઝલ કહો ચોક્કસ અર્થ સમજાઈ જાય. શશી થરૂરનાં સર્જનને કવિતા કહેવા કરતાં લિમરિક કહેવું વધારે યોગ્ય છે કારણ કે…. એ લિમરિક છે!

‘લિમરિક’ શુદ્ધ કવિતા નથી. પણ લિમરિકનું એક બંધારણ ચોક્કસ છે, કેટલાંક નિયમો છે અને પ્રાસ, અનુપ્રાસ છે. લયનું મીટર પણ છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘લિમરિક’ એટલે પાંચ લીટીવાળી એક વિનોદી કવિતા. એમાં પહેલી, બીજી અને પાંચમી લાઇનમાં પ્રાસ મળે. જેમ કે દિલ્હી, બેલી, જેલી. અને ત્રીજી અને ચોથી લાઇનમાં પ્રાસ મળે. જેમ કે રેટિક્યુલેશન અને પેન્ડિક્યુલેશન. એ પણ છે કે પહેલી લાઇનમાં સામાન્ય રીતે કવિતાનું પાત્ર- એ કોણ છે? અને ક્યાંથી છે? એ કેવો/કેવી છે?- એવી ઓળખાણ સૂચક માહિતી હોય. જેમ કે એક સમયે દિલ્હીનો એક સીએમ હતો. આમ તો અત્યારે પણ શ્રી અરવિંદ કેજરીવાલ જ સીએમ છે. પણ લિમરિકમાં, એ ભૂતકાળ છે, એવું લખી શકાય. અને હા, વિનોદ.. હ્યુમર એ લિમરિકનું અભિન્ન અંગ છે. લિમરિકમાં જે હ્યુમર નીપજે છે એ પંચલાઇનથી નહીં પણ પાંચ લાઇનનાં અર્થ અને અનર્થની ખેંચતાણમાંથી નીપજે છે.

ઇંગ્લિશ ભાષામાં લિમરિકનું ચલણ અઢારમી સદીથી છે. આ માટે કવિતાનું શાસ્ત્રીય જ્ઞાન આવશ્યક નથી. આવડે તો સારું, પણ ન આવડે તો ચાલી જાય. લિમરિક એ એવું ‘વર્સ’ છે જે વિનોદી ઉપરાંત અધિકાંશ બરછટ, ઉદ્ધત કે ઉચ્છૃંખલ હોય છે. વર્સ એટલે કવિતાનું ચરણ, પદ કે કડી. ઓગણીસમી સદીમાં લિમરિકને લોકપ્રિય બનાવવાનું શ્રેય ઇંગ્લિશ કલાકાર, સંગીતકાર, લેખક અને કવિ એડવર્ડ લીયર (૧૮૧૨-૧૮૮૮)નાં ફાળે જાય છે. એ વાત જુદી છે કે લીયરે પોતે પોતાની કવિતાને લિમરિક કહી નહોતી. સને ૧૮૪૬માં એની કવિતાઓનું પુસ્તક છપાયું હતું, એનું શીર્ષક હતું: ‘ધ બૂક ઓફ નૉનસેન્સ’. એટલે એમ કે તમે વાંચો તો થાય કે આવું તે કાંઈ હોય? દા. ત. પુસ્તકનાં પહેલાં જ લિમરિકમાં તેઓ લખે છે કે તેઓની દાઢીમાં બે ઘુવડ, એક મરઘી, ચાર લાવરી અને એક રેન પક્ષીએ માળો બાંધ્યો છે. આ ‘લિટરરી નૉનસેન્સ’ (સાહિત્યિક વાહિયાતપણું) કહેવાય છે; એ જ જે વિનોદ નિષ્પન્ન કરે છે. એ યોગાનુયોગ છે કે આવતીકાલે એડવર્ડ લીયરની ૨૧૦મી વર્ષગાંઠ છે. ૧૨મે-નો દિવસ અમેરિકામાં રાષ્ટ્રીય લિમરિક દિવસ તરીકે ઉજવાય છે. એ દિવસે લોકો લિમરિક રચે છે, બોલે છે, હસે છે, હસાવે છે, મઝા કરે છે. કેટલાંક સર્જક લિમરિકનું બંધારણ લઈને ગંભીર કવિતા કહે છે. પણ એ બીજું કાંઈ પણ હોય, લિમરિક નથી.

‘લિમરિક’ શબ્દની વ્યુત્પત્તિ વિષે ચોક્કસ માહિતી મળતી નથી પણ આયર્લેન્ડનાં એક શહેરનું નામ લિમરિક છે અને એ શહેરનાં નામ પરથી આ શબ્દ આવ્યો હોવો જોઈએ. આયરીશ સૈનિકોનાં મસ્તી મજાકનાં તોફાની સમૂહગીતની પહેલી કડી હતી: વિલ યૂ કમ અપ ટૂ લિમરિક? અને પછી.. ત્યાં આવીને શું શું કરવું? એ વિષે જે મનમાં આવે તેવું, ભદ્ર કે અભદ્ર જે ગવાતું એ લિમરિક. આમ આપણાં ફટાણાં જેવું. ફાગ જેવું. ભગવદ્ગોમંડલ અનુસાર ‘ફાગ સંભળાવવા’ એટલે ભૂંડાં બોલી ગાળો દેવી તે. લિમરિકમાં આમ પણ લોકોમાં બોલાતી આમ ભાષાનો વધારે ઉપયોગ થાય છે. એવા શબ્દો પ્રયોજાય છે જે શિષ્ટ સાહિત્યમાં અસભ્ય ગણાય. એ પણ છે કે નિર્દોષ બાળકોનાં હળવાં લિમરિક પણ એટલાં જ લોકપ્રિય છે. લિમરિકની કક્ષા સાહિત્યિક દૃષ્ટિએ ઉચ્ચ હોય એવું સામાન્ય રીતે હોતું નથી. તેમ છતાં ઇંગ્લિશ ભાષાનાં મહાન સાહિત્યકાર વિલિયમ શેક્સપીયર, ઓગ્ડન નેશ, આઇઝેક એસિમોવ, લેવિસ કેરોલ, રુડયાર્ડ કિપ્લિન્ગ, માર્ક ટ્વેઇન, જ્યોર્જ બર્નાર્ડ શૉ, સલમાન રુશદી દ્વારા પણ મસ્તીખોર લિમરિક લખાયા છે. ગુજરાતી કવિઓએ લિમરિકમાં હાથ અજમાવવા જેવો છે. આમ હાઇકુ કરતાં ય તાન્કા જેવું વધારે, આમ કદાચ ત્રિપદી કે મુક્તક જેવું પણ કુલ પાંચ પંક્તિઓ અને એનું નૉનસેન્સ હોવું જરૂરી! જુઓ એક નમૂનો..

ભાયડો હતો એક, બડો જ્ઞાની, ભાષાનો ભરાડી

શબ્દોનો શાહુકાર, ભોળો ‘ને રમૂજનો ખેપાની

સાંસદનું એ મહાન અસ્તિત્વ

સ્ત્રીઓમાં પ્રિય એનું વ્યક્તિત્વ

અને એની સ્ત્રીદાક્ષિણ્યતા ઓ હો હો હો, છે મસ્તીખોર મઝાની!

આપ જ વિચારો કે આપણને ‘તારક મહેતાકા ઊલટા ચશ્મા’નાં જેઠાલાલ કે ‘ભાભીજી ઘર પે હૈ’-નાં વિભૂતિનારાયણ મિશ્રા કે મનમોહન તિવારી જેવા પાત્રો કેમ ગમે છે? તેઓ જે હરકત કરે છે એ આમ જુઓ તો હાસ્યાસ્પદ છે. તેઓ જે કરે છે, કહે છે એ આપણે આપણાં જીવનમાં ઉતારવાનું નથી! એનું સમર્થન પણ કરવાનું નથી. પણ એ વાતનાં મૂળમાં તો છે હાસ્ય નીપજાવવાનું, એવું હાસ્ય જે આમ જુઓ તો નૉનસેન્સ છે. અને એનું શ્લીલ હોવું પણ આવશ્યક નથી.

શબ્દ શેષ:

“સાચું લિમરિક પવિત્ર હોતું નથી. પવિત્ર લિમરિક ઊતરતી કોટિનું હોય છે. અશ્લીલ લિમરિક યાદ રહી જાય છે.” –અમેરિકન લોકમાન્યતા અને સંસ્કૃતિનાં વિવેચક લેખક ગેરશોન લેગમેન

May be an image of text

Leave a comment

Filed under Uncategorized

તરતી નદીઓ/યામિની વ્યાસ

તરતી નદીઓ

“પૂર્વ, તું પશ્ચિમમાં જો, આહાહા, કેવી નીતરી સાંજ! સૂરજ પણ નદીની આરપાર દેખાય છે.”

“નદી પણ કેવી નિરાંતે વહી રહી છે, ધીમા મધુરા લયથી ગાતી ગાતી! જો તું આવી એટલે એણે ગીત શરૂ કર્યું, પ્રીતા પ્રીતા, પ્રીતા..” કહી પૂર્વએ પ્રીતાને છાલક ઉડાડી. જવાબમાં પ્રીતાએ દુપટ્ટો ભીનો કરી પૂર્વ પર નીચોવ્યો. ક્યાંય સુધી આ નવું પરણેલું જોડું મસ્તી કરતું રહ્યું.

“ને આ જો, કિનારાના કાંકરા-પથરાઓને પણ જાણે માંજીને ચમકતા ઉજળા કરી દીધા છે એને હાથ નથી તોય. નદી નારી જાતિ શબ્દ છે એટલે.”

“એવું કંઈ નહીં મોટી જોઈ ન હોય નારી જાતિ…” વાક્ય પૂરું કરે એ પહેલાં મોટીબેનનો ફોન આવ્યો. “આવો છો મારા રાજારાણી કે વાર છે? બધાં જમવા માટે રાહ જુએ છે.”

“હા મોટીબેન બસ થોડી જ વારમાં પહોંચીએ.”

“ચાલો પ્રીતારાણી, તમારાં વગર કોઈ જમશે નહીં, ફરી અહીં આવીશું.” કહી પૂર્વએ બાઈક સ્ટાર્ટ કરી. પ્રીતા વળગીને બેઠી, ફરીને નદી તરફ જોયું. શાંત નદી પણ જાણે ‘આવજો’ બોલી!

પૂર્વના ઘરે ડિનર બધાં સાથે જ કરતાં. દિવસે બધાં પોતપોતાનાં કામમાં હોય એટલે મેળ ન પડે. લગ્ન પછી બધા મહેમાનો ગયા પણ પૂર્વની મોટીબેન રોકાઈ હતી. આમેય બાળકોને વેકેશન હતું ને પ્રીતાને પણ એમની સાથે વધુ ફાવતું. જમી પરવાર્યા ત્યાં બહાર બૂમ પડી, “આલે… બેન.” સરળ સ્વભાવના સરલાબેન ડબ્બામાંથી વધેલી પૂરીઓ ને શાક એ ભિખારીને આપવાં ગયાં.

“એ ભિખારી તો રોજ આવે ને મમ્મી આપે જ. અરે કોઈવાર તો ન વધે એવું લાગે તો પોતે એક ભાખરી ઓછી ખાય પણ આ ડોસા માટે રાખે જ.” મોટીબેને હસતાં હસતાં મમ્મીના હાથમાંથી વાસણ લીધું.

“કંઈ નહીં, બેટા. એના નસીબનું લખાયું જ હોય એ એને પહોંચે. બીજું તો આપણે શું કરી શકીએ?”

મોટીબેન ફરી ટહુકી, “જો પ્રીતા, એ આખી સોસાયટીમાં ફરે એટલે કોઈવાર આપણે ન આપીએ તોય એ ભૂખ્યો ન રહે. ને મમ્મીએ તો લગ્નમાંથી આવતી વખતે પણ ત્યાંથી થોડું બંધાવી લીધું હતું આને આપવા.”

“હા, મોટીબેન વેસ્ટ જાય એનાં કરતાં તો સારુંને કોઈ ના પેટમાં જાય, પણ રોજ એના માટે વધારે બનાવવું કે ઘટે તો ઓછું ખાઈ બચાવવું એ વધારે પડતું, મમ્મીજી.” પ્રીતાને નવાઈ લાગી.

પ્રીતા પરણી નહોતી ત્યારે પણ કોઈ કોઈ વાર એનજીઓના પરમાર્થનાં કાર્યોમાં જોડાઈ હતી એ યાદ આવ્યું, “મામી, અવર નાની ઇઝ ગ્રેટ.” કહેતી મોટીબેનની દીકરી સરલાબેનને વળગી. પ્રીતા પણ એ મસ્તીમાં જોડાઈ.

બીજે દિવસે ભાણિયાઓને પ્રોમિસ કર્યું હતું એટલે પ્રીતાએ પીઝા બનાવ્યા. બધાંને બહુ ભાવ્યા. પતી ગયા. “આલે… બેન” બૂમ પડી. વળી ભિખારીને શ્રદ્ધા એટલે એક જ વાર બૂમ પાડે પછી ઊભો રહે. મોટીબેને પ્રીતા સામે જોયું. એણે ખાલી ઓવન બતાવ્યું. મોટીબેન “આજે નથી.” અંદરથી જ મોટા અવાજે કહ્યું.

સરલાબેન વહેલાં વહેલાં આવ્યાં ને થોડા બિસ્કિટ કાઢીને પ્રીતા તરફ ધર્યા. પ્રીતા એ આપવા ગઈ. એણે જોયું તો એ વૃધ્ધ ભિખારીનો એક હાથ કોણીએથી કપાઈ ગયો હતો. એ જ ખભા પર ઝોળી ભેરવી હતી. બીજા હાથમાં એક મોટું ડોલચું હતું. ઝોળીમાં એ રોટલી, ભાખરી, પૂરી જેવી સૂકી ચીજ લેતો ને ડોલચામાં દાળ, શાક, કઢી જેવી ચીજ ભરતો. બિસ્કિટ એણે ઝોળીમાં લઈ લીધાં. “ભલું કરે, મા.” તૂટક સ્વરે કહી લાકડી લઈ ચાલતો થયો. પ્રીતા એને જતો જોતી ઊભી જ રહી. થોડીવારે બાજુમાં અવાજ સંભળાયો, “આલે… બેન.”

પ્રીતાને આ રોજનું થયું. મહિનો વીત્યો. મોટીબેન પણ ગયાં, પણ વૃદ્ધ ભિખારી બાબત એનું મગજ કંઈ જુદું વિચારતું હતું. એણે એનું ધ્યાન રાખવું શરૂ કર્યું. એ નિયત સમયે આવી જતો. કોઈ આપે કે ના આપે તોય કોઈ ફરિયાદ નહીં. ‘ભલું કરે, મા.’ કહી આગળ ચાલતો. બીજી કોઈ મગજમારી નહીં. સમય વીતતો ગયો. કડકડતી ઠંડીમાં કામળો ઓઢીને ને વરસાદમાં પ્લાસ્ટિક કોથળો ઓઢીનેય આવતો. એણે જોયું લગભગ દરેક ઘરેથી કંઈક તો મળતું જ. એણે મમ્મીને પૂછ્યું, “આટલા બધું ખાવાનું એ શું કરતો હશે? એને ઘરે કેટલાં લોકો છે? ને એ માટે આ ઘરડો જ કેમ આવે છે?”

“ખબર નહીં બેટા, પણ મારા સાસુમાએ કહેલું કે ઘરેથી કોઈ ખાલી હાથે ન જાય એટલે ચાપુચપટી પણ આપવું.”

પ્રીતાને સંતોષ ન થયો એણે પૂર્વને આ બાબત વાત કરી. પૂર્વએ લેપટોપમાંથી ડોકું ઊંચું કરતા “એય છોડને, તને હું વહાલો છું કે ભિખારી? તું બસ મારો વિચાર કર, મારી મેના!” કહી ટૂંકાવ્યું.

પ્રીતાને એનજીઓમાં જવાનું મન થયું. ફરી એ વિચારે ઘેરી લીધી. ‘એનો એક હાથ નથી, આ કોઈ મોટા રૅકિટમાં ન ફસાયો હોય! અથવા તો ચલાવતો હોય! નાના બાળકો પાસે ભીખ કે છોકરીઓ પાસે બીજા કામો…. ઓ માય ગોડ!”

એણે એ જ દિવસે એ ડોસા સાથે વાત કરવી શરૂ કરી, પણ એણે ખાસ જવાબ આપ્યા નહીં. ફક્ત ખાવાનું આપે કે ન આપે એટલું જ જોતો. કદી કોઈ સાથે નજર પણ ન મેળવતો. પ્રીતાએ સોસાયટીમાં ઘણી બહેનોને એના વિશે પૂછી જોયું. કોઈને ખાસ ખબર ન હતી. “ભિખારી વિશે શું જાણવાનું? આપવું હોય તો આપવાનું નહીં તો કાઢી મૂકવાનો.” એવુંય સાંભળ્યું.

એક દિવસ એક બેને કહ્યું, “સાસુની સમચરીએ ગરીબને જમાડવાના હતા, ત્યારે ખાવાનું પહોંચાડવાનું કેટરિંગવાળાને જ કહેલું. કદાચ નદીએ જતા ઝૂંપડપટ્ટી આવે એ બાજુ આપી આવેલા.” જાણે પ્રીતાના પગમાં પાંખ આવી. એકલાં જતાં થોડી બીક લાગી. અટકી. પૂર્વની ઓફિસેથી આવવવાની રાહ જોઈ. આવતાં જ પૂર્વને લાડ કરતાં બોલી, “પૂર્વ ચાલને પેલી નીતરી નદીમાં આરપાર દેખાતો સૂરજ જોવા.”

“એમ? ઓહો ચાલ, ત્યાં પ્રીતા… પ્રીતા… નું ગીત મારે પણ સાંભળવું છે.” નીકળતા’તા ને મહેમાન આવી ગયા. પ્રીતા નિરાશ થઈ ગઈ. ન જવાયું.

હંમેશ મોડા ઊઠતા પૂર્વ પાસેથી એણે મોર્નિંગ વૉક માટે આગલી રાત્રે જ પ્રોમિસ લઈ લીધું હતું. બિચારો માંડ ઊઠ્યો. ભાગતી બાઈક પર ભલે વળગીને બેઠી હતી પણ ધ્યાન એનું ઝૂંપડપટ્ટી શોધવામાં હતું. “પૂર્વ, પૂર્વ એક મિનિટ વેઇટ.”

“શું થયું?”

“ચાલને પેલા ‘આલે… બેન.’વાળા ડોસાકાકાને આપવા. મહેમાનો ગયા પછીનું વધેલું આપવાનું છે. મમ્મીજીએ આપ્યું છે.”

“અરે યાર, સાસુવહુ બેય સરખાં, એ અહીં રહે છે? આવતી વખતે આપજે.” પૂર્વની બાઈક સીધી નદીકિનારે થોભી. પ્રીતાની ધીરજની કસોટી થાય એ પહેલાં સામે જે દૃશ્ય જોયું એ જોઈ પૂર્વ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો.

પ્રીતા સહસા બોલી, “હું નહોતી કહેતી. આ કોઈ રૅકિટ છે?” થોડી છોકરીઓ અને નાના છોકરાઓ નદીનાં પાણીમાં હતાં ને પેલો ‘આલે બેન’ ડોસો પણ પાણીમાં ઊતરતો બૂમ પાડી કંઈ બતાવી રહ્યો હતો.

પૂર્વએ જોરથી બૂમ પાડી. બધાં ગભરાઈ ગયાં. ડોસાએ છોકરીઓને અહીંથી જલદી જવાનું કહ્યું ને ધીમેથી નજીક આવ્યો. પ્રીતાનો ગુસ્સો વધે એ પહેલાં પૂર્વએ લાફો મારવા હાથ ઉગામ્યો. બે ત્રણ છોકરાં દોડી આવ્યાં. “આ બાપુને મારજો નઈ. ઈ જ અમન જીવાડ હ.”

“આ બધાં કોણ છે?” પ્રીતા ધૂંધવાઈ. એને તો એક ગુનેગારને પકડી પાડવાનો મનોમન ગર્વ પણ હતો.

“બેન, મું મજૂર જ હૂ. શેતાનો મારી સોડીને ઉઠાઈ ગ્યાં તાઅરે ઝપાઝપીમાં મારો હાથ કપાઈ ગ્યો ન તોય સોડી તો નથી જ મળી. ઘણી હોધી, હજ્જુય હોધું હૂ, પણ બાપડીને ચોક વેચી મારી હસે. ન ઈ જીવે હે ક ચમ ઈ કોય ખબર નહિ.” ડોસો રડી પડ્યો.

એટલામાં એકબે છોકરાનાં માબાપ દોડતાં આવ્યાં. “અર ભઈ, આ બાપુ જ તો અમાર સોકરાંઓને હાચવે હે ન ઇન ભરોહે મેલીન અમ મજૂરીએ જીયે. એ સાર સોપડી ભણેલા હે તો સોકરાંન ભણાવે હે, બધી સોડીઓ વચ્ચે ઈમનું ઘરનું મશીન આલી દીધું હે તે બધી સીવણ કૉમ સીખે હે.”

“અરે ભઈ, સોડીને યાદ કરતી કરતી માર ઘરવાળીય મરી જઈ પસ્સ મેં નક્કી કર્યું ક કોઈની સોડી હાથે આવું નઈ થવા દૂ. માબાપ તો ચેટલે હણ હેડીન જોય. ચારે આવી નઅ ચારે રોધી એટલે આ લોક હારું મું જ ખાવાનું મોગી લાઉં. સોડીઓને તકલીફમો સોમનો ચમચમ કરવો ઈ સીખ્વાડું. તરતાંય આવડે. નદી તરીન બી ભાગી હકે. લાકડી સલાવતાય આવડે હે. કોઈ હાથ તો અડાડે ઇયોન!.” ડોસો ઝનૂનથી બોલ્યો. પ્રીતા આભી જ રહી ગઈ ને આ ભીષ્મપિતામહને જોઈ રહી. ખરું એનજીઓ તો અહીં છે. એટલી વારમાં છોકરીઓ કપડાં બદલીને આવી ગઈ. પ્રીતા તરત જ “સૉરી હં… જાઓ તરવા.”

“હવે જીએ તો તીજી જોડ ચોથી લાબ્બી?” સૌથી નાનીથી ચૂપ ન રહેવાયું. પૂર્વ ને પ્રીતા એકમેકને જોતાં રહ્યાં. “મારે લીધે એક દિવસ તમારું તરવાનું પડ્યું, બધાં માટે એક એક ડ્રેસ હું આપીશ.” તેઓનાં હરખાયેલાં મોઢા જોઈ, ડોસાને સૉરી કહીને બાઈક વાળી પણ પ્રીતાને તો નદીમાં તરતી નિર્દોષ માછલીઓ જેવી છોકરીઓ જ દેખાતી રહી.પછી એ માછલીઓ જાણે ગમતી નદીઓ બની તરવા લાગી.

Leave a comment

Filed under Uncategorized