Category Archives: ઘટના

કિત્તા વિરુદ્ધ સત્તા /પરેશ વ્યાસ

Image may contain: text and outdoorકિત્તા વિરુદ્ધ સત્તા
કિત્તો એટલે પહોળા જાડા કાપની કલમ. કલમની તાકાત તલવારથી ય વધારે હોય છે. કલમથી કાર્ટૂન દોરવામાં આવે છે. કાર્ટૂન એટલે ઠઠ્ઠાચિત્ર અથવા તો વ્યંગચિત્ર. કાર્ટૂન દોરે એ કાર્ટૂનિસ્ટ. કાર્ટૂનિસ્ટ માટે ત્રણ વિષય ઉપર પ્રભુત્વ હોવું જરૂરી છે. એક તો કલાત્મક કૌશલ્ય, બીજો અતિશયોક્તિ અલંકાર અને ત્રીજો ધારદાર વ્યંગ. કાર્ટૂનિસ્ટ સરકારને સવાલ પૂછે છે. સરકારનું ધ્યાન દોરે છે. ભ્રષ્ટાચાર, રાજકીય બાંધછોડ, હિંસાનાં બનાવ કે પછી અન્ય સામાજિક દૂષણો કાર્ટૂનનાં વિષય હોઇ શકે. એ નિશ્ચિંત છે કે સવાલ સરકાર સામે હોય છે. રમૂજ અને વ્યંગ કાર્ટૂનનું અભિન્ન અંગ છે. બાળાસાહેબ ઠાકરે કાર્ટૂનિસ્ટ હતા. ૧૯૬૭માં ઈંદિરા ગાંધીએ કોંગ્રેસની શાસનધૂરા સંભાળી ત્યારે નવ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. તે
સમયે આ કાર્ટૂન બાળાસાહેબે દોર્યું હતું. પણ ત્યારે સત્તા સંભાળનારાઓમાં સહનશક્તિ હતી. આજે નથી. આજે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી વિરુદ્ધ કાર્ટૂન ફોરવર્ડ કરવા બદલ નૌસેનાનાં એક નિવૃત્ત અધિકારીને શારીરિક ઇજાઓ પહોચાડવામાં આવે છે. રાજકારણમાં હવે ટીકાને સહેવાની શક્તિ નથી. વિરોધનું ફીડલું વાળી દેવું. પછી બાકી બધાને ડર લાગે કે આપણે ક્યાંક બોલ્યા તો આપણી ય પીટાઈ થશે. આવું જ ધર્મમાં પણ છે. લાગણી દૂભાઈ જવાની વાતો હિંસક હૂમલો કરાવે છે. ઇંગ્લિશ શબ્દ ‘ટોલરન્સ’નો અર્થ આપણે સહનશક્તિ એવો કરીએ છીએ. ચલાવી લેવું. નભાવી લેવું. તમને ન ગમે કે તમે એની સાથે સહમત ન હો તે છતાં કોઈ વિચાર કે કોઈ પગલાં કે પછી કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુને ચાલવી લેવી અથવા થવા દેવી અથવા સ્વીકારી લેવી. વાજબી, વાસ્તવિક અને સહિષ્ણુ સ્વીકાર એવા લોકોનો જે તમારી વિચારસરણી, તમારા ધર્મ, જાતિ કે ત્વચાનાં રંગથી અલગ છે. આખરે આપણે બધાએ સાથે રહેવાનું છે. ઘરમાં, શેરીમાં, ગામ કે શહેરમાં, પ્રાંત કે રાજ્યમાં તો સ્વીકાર જરૂરી બને છે.
સ્વીકારમાં ય એક હદ હોવી જોઈએ. અહીં સુધી ઠીક. પછી સામનો કરવો. પણ સામનો કરવા માટે અખબાર છે. સોશિયલ મીડિયા સામે સોશિયલ મીડિયા ઇસ્તેમાલ કરી શકાય. પણ હિંસા? હિંસા સર્વત્ર ત્યાજ્ય છે. હવે જેને શારીરિક ઈજા થાય છે એને તો તકલીફ થાય જ. પણ જે ડર સમાજમાં પેસી જાય છે અથવા બેસી જાય, એ ઠીક નથી. એક વાર એક ધનાઢ્ય મહિલા એનાં હૃષ્ટપુષ્ટ બાળકને સ્કૂલમાં દાખલ કરવા ગયા ત્યારે શિક્ષકને કહ્યું કે મારો છોકરો જો કોઈ તોફાન કરે તો બાજુવાળાને જોરથી લાફો મારજો એટલે એ ડરી જશે. યસ, પ્રજા હવે ડરીને ચૂપ રહે છે. માત્ર શિવસેનાની વાત નથી. કોઈ પણ રાજકીય પક્ષ હવે લોકોને ડારો દઈને પોતાનો કક્કો ખરો કરાવે છે. બોલે તેનું આવી બને. આપણે શું કરવું?
ચૂપ રહેવું. ન બોલવામાં નવ ગુણ. આપણે ગધેડા તો નથી કે જીદ કરીએ કે ‘ના, હું તો ગાઈશ!’ રાજકારણી કે ધર્મકારણી ભલે એમનાં બોર વેચવા માટે બોલે. આપણે મૂંગા મરવું. આમ પણ આપણે હંસી મજાક કરી શકીએ એમ નથી. હંસી મજાકને સહન કરી શકીએ એમ નથી. કોવિડ-૧૯એ આપણી કમર તોડી નાંખી છે. બસ બે જ વસ્તુઓ છે. એક ઉકાળો છે અને બીજો લોહીઉકાળો છે. આર્થિક સ્થિતિ બેહાલ છે. કામધંધો નથી. માનસિક સ્થિતિ તંગ છે. અને સૌથી ખરાબ એ છે કે આ બધુ ક્યારે બરાબર થઈ જશે?-એ કોઈને ખબર નથી. દરેકનો ગુસ્સો એટલે જ તો નાક ઉપર બેઠો હોય છે. માટે આપણે કોઈ રાજકીય કે ધાર્મિક વિવાદમાં ન પડવું. ચલાવી લેવું. નભાવી લેવું. ફ્રેંચ ફિલોસોફર વોલ્તેર એવું કહેતા કે “નભાવી લેવું એ માનવજાતિનાં ઉદભવની નીપજ છે. આપણે ભૂલ ભરેલાં છીએ, દોષયુક્ત છીએ. આવો, આપણે એકબીજાની બાલિશતાને એક બીજાની મૂર્ખાઈને માફ કરતાં રહીએ. કુદરતનો એ પ્રથમ નિયમ છે.” બીજો નિયમ શું છે? એ તો પૂછો કંગનાબેનને… હેં ને?
No photo description available.

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ

સ્વીકાર્યતા આમ તો સારી પણ ….પરેશ વ્યાસ

સ્વીકાર્યતા આમ તો સારી પણ ….
અભિપ્રાય પ્રાય: સરખા નથી હોતા. એકનાં અનેક વિષે. અનેકનાં એક વિષે. આપણે એકેમેકથી અલગ છીએ. ઓશો કહેતા કે કોઈ ઊંચા નથી, કોઈ નીચા નથી પણ કોઈ સરખા ય નથી. સૌ કોઈ પોતે અજોડ છે. માણસની જોડ સખી નહીં જડે રે લોલ!
જગતકાજી દેશ અમેરિકામાં ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે. એક તરફ રીપબ્લિક્ન પાર્ટીનાં ડોનાલ્ડ ટ્રમ્પ પુન: દાવેદાર છે. પ્રેસિડન્ટની ચૂંટણીમાં એમને ચૂનૌતી આપી રહ્યા છે ડેમોક્રેટિક પક્ષનાં જો બિડેન. જો કે આપણાં વિદેશ મંત્રી એસ. જયશંકરને જ્યારે કોઈએ પૂછ્યું કે આ પૈકી ભારત માટે બહેતર કોણ? તો મંત્રીશ્રીએ કહ્યું કે ભારતને કોઈ ફરક પડતો નથી. ભારતનાં ફૂટપ્રિંટ (પાદચિહ્ન) વિશાળ છે. ભારતની અક્સેપ્ટિબિલિટી (સ્વીકાર્યતા) પણ વિસ્તીર્ણ છે. બંને ઉમેદવારોની નીતિ, રીતિ, મતિ અને ગતિ સાવ ઉત્તર દક્ષિણ ભલે હોય પણ ભારતનું નામ આવે એટલે બંને ઉમેદવારો બે દેશનાં આપસી સંબંધને એક નવી ઊંચાઈએ લઈ જવા અનુબદ્ધ છે. અમને થયું કે આ સ્વીકાર્યતા એટલે?
ગુજરાતી લેક્સિકોન અનુસાર અક્સેપ્ટિબિલિટી એટલે સ્વીકારવા યોગ્યતા, સ્વાગતાર્હ, પસંદગી યોગ્યતા, ચાલે તેવું હોવાપણું. કોઈ કોઈને સ્વીકાર્ય ક્યારે હોઈ શકે? અમે વિચાર્યું તો અમને લાગ્યું કે આપણે તો મૂળથી સારા માણસ છઈએ. આપણે છીએ ડાહ્યાંડમરાં, ભલાભોળાં, લોકશાહીને વરેલા. આપણે ધર્મ નિરપેક્ષ. આપણે જાતિ, જ્ઞાતિ કે પ્રાંત નિર…. (બસ હં.. હવે બઉ થયું!) કોઈ એક ગાલે તમાચો મારે તો આપણે બીજો ગાલ ધરનારા છીએ. પણ કોઈ એથી ય આગળ મેથી મારે તો એની ચટણી ય કરી નાંખનારા આપણે છીએ. આપણી સ્વીકાર્યતા એટલે પણ ખરી કે અમેરિકામાં ૧૨ લાખ ભારતીય મૂળનાં મતદારો છે. ચૂંટણીમાં હારજીત પાતળી હોય ત્યારે ભારતને રાજી રાખવું જરૂરી છે. અને ભારત એક મોટું બજાર પણ તો છે. આપણી સાથે વ્યાપારિક સંબંધો અમેરિકા માટે પણ હિતકારી છે. સ્વીકાર્યતા આમ તો માપતોલની બાબત છે. જ્યારે આપણે ભાવતાલ કરીએ ત્યારે આપણી એક મર્યાદા બાંધી દઈએ. અહીં સુધી બરાબર. એનાથી ઓછું અમને ન ખપે. થોડું તમે જતું કરો, થોડું અમે જતું કરીએ અને જે બચે તે સ્વીકાર્ય બને. બંને માટે. સ્વીકારમાં આવકાર છે. તિરસ્કાર નથી. સ્વીકાર નિરાકાર પણ નથી. તમે એ જોઈ શકો. તમે એ ફીલિંગને અનુભવી શકો. સ્વીકારમાં -યે દોસ્તી હમ નહીં છોડેંગે-નો ભાવ છે. સ્વીકાર્યતા હોય તે સંબંધ શ્રેષ્ઠ અથવા તો આદર્શ જ હોય એવું જરૂરી નથી. અહીં બધો જ ફાયદો મને જ થાય, એવું નથી. બેઉ હાથમાં લાડવો અહીં હોતો નથી. એક હાથ દે, એક હાથ લે- જેવી સ્થિતિ સૌનો સાથ સૌનો વિકાસ સાધવામાં મદદ કરે છે.
સ્વીકાર્યતાનો એક શબ્દકોશી અર્થ છે: ચાલે તેવું હોવાપણું. ફાધર વાલેસ એવું લખી ગયા હતા કે ‘ચાલશે’ જેવો ઘાતક શબ્દ આપણાં શબ્દકોશમાં બીજો કોઈ નથી. જ્યારે માણસની સુરક્ષાની વાત આવે ત્યારે કોઈ આવી ચાલુ સ્વીકાર્યતા યથાર્થ નથી. બાંધછોડ કરીએ તો માણસોનાં જીવ પડીકે બંધાઈ જાય. અગ્નિશામક સાધનો વિના તમતમારે ટ્યુશન ક્લાસ કે હોસ્પિટલ ઠઠાર્યે જાવ તો ચાલે- એવી સ્વીકાર્યતા ઘાતક નીવડે. માસ્ક પહેર્યા વિના નીકળો, જ્યાં ત્યાં થૂંકો, જાહેરમાં ટોળટપ્પાં કરો, સોશિયલ ડિસ્ટન્સિંગની મધરનાં મેરેજ કરી નાંખો- એ સ્વીકાર્ય નથી. આરોગ્ય અને સુરક્ષાની વાતમાં કોઈ પણ નીંભરતા ‘ને નફ્ફટાઈને આપણે સ્વીકારી ન જ શકીએ. એ તો બધું એવું જ ચાલે- એવી ચૂપકીદી પણ ઘાતક છે. સ્વીકાર્યતાની એક મર્યાદા હોય, એ પછી તડાફડી થાય તો ભલે થાય. કોઈ શિશુપાળ મર્યાદા વળોટે તો સુદર્શન ચક્ર જ જોઈએ. પછી સ્વીકાર્યતાનો અવકાશ નથી. પછી તો યુદ્ધ એ જ કલ્યાણ.
પણ મર્યાદામાં રહીને સ્વીકાર્યતા વધે એવો સ્વભાવ કેળવવો સારો. ઘાયલ સાહેબે તો કહ્યું જ છે કે ‘જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’, હજુ કંઈ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.’ ત્યાગ હોય તો સ્વીકાર્યતા સહજ બને. હેં ને?
Image may contain: stripes

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

કોવિડ-19 પ્રેરિત અવનવાં જોડ-શબ્દો /પરેશ વ્યાસ

કોવિડ-19 પ્રેરિત અવનવાં જોડ-શબ્દો

 

 


કો વિડ-૧૯ નવાં શબ્દો લઈને આવે છે. ‘સંક્રમણ’ નાં અતિક્રમણની આપણને ખબર છે. ઇંગ્લિશ શબ્દો ‘માસ્ક’ અને ‘સેનેટાઈઝર’થી આપણે પરિચિત છીએ. ‘ક્વોરેન્ટાઇન’  અને ‘કન્ટેઈનમેન્ટ ઝોન’ આપણે જાણીએ છીએ. ‘વેન્ટિલેટર’  અને ‘પીપીઈ’  એટલે શું?-એ સમજવું આસાન છે. ‘સુપર સ્પ્રેડર્સ’  કોણ હોઇ  શકે? અને  ‘કોન્ટેક્ટ-ફ્રી ડીલિવરી’  એટલે શું?- એની વ્યાખ્યા આપણને કોઠે પડી ગઈ છે.


આપણું ઘર હવે રેડ, ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં હોઈ શકે છે. એક વાઇરસ કેટલાંય મહિનાઓથી આપણી બોલચાલ અને આપણાં દિમાગ પર હાવી થઈ ગયો છે. વાઇરસની પણ એક પરિભાષા છે. વાઇરસ અવનવાં શબ્દો પણ સર્જે છે. જેમ કે કોવિડિયટ .’કોવિડ’  અને ‘ઈડિયટ’ એમ બે શબ્દોનો બનેલો શબ્દ. એવો બેશરમ કે મૂર્ખ જે સામાન્ય માર્ગદર્શક નિયમોનું પાલન ન કરે. જાહેરમાં છીંકે, થૂંકે, માસ્ક પહેરે નહીં, હાથ ધૂએ નહીં. અને સામાજિક દૂરી કે શારીરિક દૂરી-કી  ઐસીતૈસી કરતો રહે, એ આપણો કોવિડિયટ. આવા જ બે શબ્દોને જોડીને બનાવાયેલાં  કોવિડ વિશેષ અન્ય રસપ્રદ પ્રોટમેન્ટુ શબ્દો પણ ઓનલાઈન માર્કેટમાં આવી ચૂક્યા છે. ચાલો, એ વિષે જાણીએ.

૧. સ્પેન્ડેમિક (Spendemic):

‘સ્પેન્ડ’  એટલે ખર્ચ કરવો. ‘પેન્ડેમિક’ આપણે હવે જાણીએ છીએ. વૈશ્વિક મહામારી કે રોગચાળો. લાકડાઉન  હતા. ઘરમાં પૂરાયા હોઈએ તો ખર્ચ શાનો? પણ સાહેબ, હવે પ્રવર્તમાન  સમયમાં ઓનલાઈન ખરીદી હદ બહાર વધી છે. જીવન જરૂરી નથી એવી ખરીદી પણ થઈ જાય છે. અત્યારે પૈસા બચાવવા જોઈએ. અથવા કોઈ શ્રમિકોને મદદરૂપ થવા વાપરવા જોઈએ. પણ ઓનલાઈન હોમડીલીવરી શરૂ થઈ એટલે ઘરે રોજ રોજ પાર્સલનાં પાર્સલ આવે. આવું કેમ?

અમે અગાઉ ‘રીટેલ થેરપી’  શબ્દ વિષે લખી ગયા છીએ. તાણ, ચિંતા કે ઉદાસીની માનસિક બીમારી હોય તો કોઈ પણ વસ્તુની છૂટક ખરીદી મનને શાંતિ આપે છે. જો કે દેવું કરીને કરી હોય એવી ખરીદીનાં હપ્તા ભરવામાં મેન્ટલ ડીપ્રેશન વકરે એવી સંભાવના છે! પણ મર્યાદામાં હોય તો કોઈ પણ ભૌતિક ખરીદી દરેક નર અને નારીને તો સવિશેષ એક ચોક્કસ પ્રકારનાં નિર્ભેળ આનંદની અનુભૂતિ કરાવે છે. સ્પેનડેમિક શબ્દ સાંપ્રત પરિસ્થિતિમાં રીટેલ થેરપીનું  ઓનલાઈન સ્વરૂપ છે. અહીં ખરીદીનો આનંદ ત્રણથી ચાર વાર થાય છે. એક વાર જ્યારે તમે ઓનલાઈન ઓર્ડર આપો. પછી પાર્સલ ક્યાં પહોંચ્યું?- એનું તમે ટ્રેકિંગ કરો ત્યારે. ત્રીજી વાર એકચ્યુઅલ ડીલીવરી થાય, કાતર લઈને તમે પાર્સલનું વિમોચન કરો અને  આ હા હા….. આહલાદક આનંદની અનુભૂતિ.. અને ચોથી વાર? તમને આઈટેમ ન ગમે અને એને વિના મૂલ્યે રીટર્ન કરી ૧૦૦ % રીફંડ મેળવો ત્યારે થાય એ આનંદ પણ સ્પેન્ડેમિકમાં આવી જાય છે.એવું કહે છે કે સ્પેન્ડેમિક ખર્ચ સાયક્યાટ્રિસ્ટ કરતાં સસ્તો પડે છે. શરતો લાગુ. 

૨. કોરોનિયલ્સ (ર્ભર્હિૈચનજ):

મૂળ શબ્દ છે મિલેનિયલ્સ. સહસ્ત્ર શતાબ્દિ વર્ષમાં યુવાન થતી આખી પેઢી. કોઈ નક્કી વ્યાખ્યા નથી પણ સામાન્ય રીતે ૧૯૮૨થી ૧૯૯૬ સુધીમાં જન્મેલાં બાળકો કે જેઓ એકવીસમી સદીમાં યુવાન બન્યા છે, એમને મિલેનિયલ્સ કહી શકાય. અત્યારે ૨૦૨૦નું વર્ષ છે. કોવિડ-૧૯નાં લાકડાઉનનાં પ્રતાપે લોકો ઘરમાં નજરકેદ રહ્યાં છે.  હજી અન-લાકડાઉનમાં પણબહાર જવા માટે સરકારીશરતો તો છે જ. ત્યારે સમય જ સમય હતો અને હજી ય છે. ઘરની અંદર રહીને કરવું ય શું? આ સામાજિક દૂરી છે, આ ક્યાં શારીરિક દૂરી છે? વસ્તી તો વધવાની જ. કોરોના કાળમાં જન્મેલાં આ બાળકો જ્યારે યુવાન થશે ત્યારે તેઓ કોરોનિયલ્સ કહેવાશે. હાથ ધોવાં, માસ્ક પહેરવાં, ઉકાળો પીવો, દૂરથી નમસ્તે કરવું અને ઓનલાઈન આર્થિક  વ્યવહારનાં સંસ્કાર તો એમને ગળથૂથીમાં મળ્યા છે. આ આખી પેઢી અત્યારે આપણાં માટે ઝઝૂમતા ફ્રંટલાઈન કોરોના વોરિયર્સ જેવાં કે ડોક્ટર, નર્સ, પોલીસકર્મી, સફાઇકર્મી, અગ્નિશમનકર્મી વગેરે માટે કુદરતી માનસન્માન ધરાવતી હશે.

૩. ક્વોરેન્ટિની (ઊેચચિહૌહૈ) :

રોગચાળો છે. દવા નથી. વાઇરસ નરી આંખે દેખાતો નથી. હાથ ધોઈને વાઇરસ ધોયાનો સંતોષ મેળવીએ છીએ. સૌ કોઈ કહે છે કે રોગપ્રતિકારક શક્તિ વધારો. વાઇરસ પ્રતિકારક ઉકાળાની વિવિધ રેસિપી ઓનલાઈન વાઇરલ થઈ છે. ક્વોરેન્ટિની શબ્દ અમેરિકન છે. જેમાં મૂળ તો વૉડકા અને જીનનું માર્ટીની કોકટેલ છે પણ સાથે વિટામિન-સીનો પાવડર પણ છે. એ નાંખો એટલે માર્ટીનીમાં નાની નાની પરપોટી ફીણફીણ થવા માંડે. ક્વોરેન્ટિની ઢીંચવાથી મનનો ઉદ્વેગ તો શાંત થાય જ અને સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે. આપણાં ભારતની વાત કરી તો અમને લાગે છે કે આદૂ, મરી, તુલસી, ફૂદીનો બીયરમાં નાંખીને પી શકાય તો કદાચ ક્વોરેન્ટિની જેવો જ હેતુ સરે! કવિ શ્રી અનિલ જોશીનાં ગીતકાવ્યની પંક્તિ યાદ છે? મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું. જો કે ગુજરાતમાં રહેતા હો તો જીંજીયર (જીંજર +બીયર) કે બીયરુલસી (બીયર+તુલસી) પીણું પીવું ગેરકાયદેસર ગણાશે. પરમિટ કઢાવી લઈએ તો કેવું?!!

મહામારી ભયંકર છે. વાતાવરણ ગંભીર છે. એમાં શબ્દની થોડી હ્યુમરસ વાત શા માટે? સાહેબ, હ્યુમરને સહારે તો સર્વાઇવ થવાનું છે. હ્યુમર વાતાવરણને હળવું બનાવે છે. હલકું બનાવતું નથી. અને આપણે મરતા પહેલાં મરવાનું નથી. શબ્દની સંગે જિંદગી મઝાની જ રહેવાની. હેં ને? 

શબ્દશેષ:

‘શબ્દને ઉન્નત કરો, અવાજને નહીં. વરસાદથી ફૂલો ઊગે છે, નહીં કે વાદળોનાં ગડગડાટથી.’

– વિખ્યાત ચિંતક જલાલુદ્દીન રૂમી 

 


2 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ

મન ભરીને ખાવ./ પરેશ વ્યાસ

“સવાયા ગુજરાતી” તરીકે જાણીતા ગુજરાતી સાહિત્યકાર ફાધર વાલેસ ના દુઃખદ અવસાનથી દુઃખ થયુ.
ગુજરાતી સાહિત્યને તેમણે અનેક પુસ્તકો અને લેખો દ્વારા સમૃદ્ધ કર્યું હતું, ઊગતી પેઢી માટે તેમને સતત ચિંતા અને લાગણી રહેતી. તેમનાં લખાણોમાં એક પ્રકારની વિશિષ્ટ આત્મીયતા અને સરળતા રહેવાથી એ ખપ પૂરતું ગુજરાતી જાણતા કોન્વેન્ટિયા વિદ્યાર્થીઓ પણ ફાધર વાલેસને વાંચતા થઇ ગયા હતા.
ગણિત શિક્ષક તરીકેની કારકિર્દી પૂરી કર્યા બાદ ફાધર વાલેસ મેડ્રિડ શહેરમાં વસવા ગયા. જો કે ગુજરાતી ભાષામાં લખવાનું તેમણે સતત ચાલુ રાખ્યું હતું. ભારતમાં અને લેટિન અમેરિકામાં પોતાને થયેલા અનુભવોના સંભારણાં તેમણે અંગ્રેજીમાં લખ્યાં. ત્યારબાદ અંગ્રેજી અને સ્પેનિશ ભાષાનાં પુસ્તકોનો સરળ અનુવાદ કરતા થયા. ગુજરાતી ભાષામાં તેમનાં સત્તરેક પુસ્તકો પ્રગટ થયાં જેમાંનાં કેટલાંક તો બેસ્ટ સેલર બની રહ્યા
Image may contain: 1 person, closeup, text that says 'AINEK Awards for outstanding iterary achievements'
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ બક્ષે.
મન ભરીને ખાવ.
આપણે શું ખાઈએ છીએ એ તો અગત્યનું છે જ. પણ એ પણ એટલું જ અગત્યનું છે કે આપણે કેવી રીતે ખાઈએ છીએ. પૂર્વજો કહી ગયા છે કે ચાવી ચાવીને ખાવ. એટલે એમ કે ભગવાને બત્રીસ દાંત આપ્યા છે તો એક કોળિયો ૩૨ વખત ચાવવો જોઇએ. પણ આપણી પાસે એવો સમય જ ક્યાં છે? હવે બધું જ ઓનલાઈન છે. એટલે એમ કે આપણે મોબાઈલ ફોન/લેપટોપ/કમ્પ્યુટરનાં સ્ક્રીન ઉપર વધારે રહીએ છીએ. કંઈ કેટલી ચિંતા આપણી ચોગરદમ છે. રોજેરોજ કોવિડનો કાળો કેર ઘેરી વળે છે. પહેલા તો એવા લોકો સંક્રમિત થતા હતા અથવા તો મરી જતા હતા કે જેને આપણે અંગત રીતે ઓળખતા નહોતા. હવે આપણી જાણમાં હોય એવા લોકો, આપણા મિત્રો, આપણા સહકર્મીઓ, આપણા સગા અને વ્હાલા પૈકી એકાદ-બે જરૂર ટપકી ગયા છે. આપણો ડર ફરીથી રમણે ચડયો છે. હવે આવા વિચાર આવતા હોય, આવા સમાચાર આવતા હોય અને ત્યારે એવું પણ બને કે આપણને ભૂખ ન લાગી હોય તો પણ મનને બીજે વાળવા માટે આપણે ખાવા તરફ વળીએ. એટલે એમ કે ભૂખ નથી લાગી અને તો ય ખાવાનું ખાઈએ છીએ. જરૂરી નથી તોય ખાઈએ છીએ. ખાઈએ શું, આપણે તો ખાણું ગળી જઈએ છીએ. ચાવવાનું પછી કોઈ પ્રયોજન રહેતું નથી. ખાવાનો સ્વાદ આપણે માણતા નથી. બસ જાણે ફરજના ભાગ રૂપે ખાઈએ છીએ. પેટ ભરાય છે, કદાચ વધારે પડતું ભરાય છે પણ મન કોઇ અલગ જ દુનિયામાં હોય છે. આજે કેવી રીતે ખાવું?- એની વાત કરીએ.
૧. સ્વયંપાકી હોવું એ ખૂબ મોટી વાત છે. જેવું બને તેવું પણ જો જાતે બનાવ્યું હોય તો એ સારું જ લાગે. જો બનાવતા ન આવડતું હોય તો જે રસોઇ બનાવે છે, એને મદદરૂપ થઈ શકીએ તો સારું. તમને ચોક્કસ ખબર પડે જે પેટમાં ગયું છે એ પોષણયુક્ત છે અને શરીરની ઇમ્યુનિટી વધારશે.
૨. ઘણા લોકો સોફા પર બેઠા બેઠા કે પથારીમાં આડા પડીને ટીવી જોતા-જોતા ખાતા હોય હોય છે. જો આપણે પલાંઠી વાળીને બેસીએ અથવા તો ટેબલ ખુરશી ઉપર વ્યવસ્થિત રીતે બેસીને ખાઈએ તો ખાવાનું ખાવાના ફાયદા અનેક છે.
૩. ધીમે ધીમે ખાઈએ એટલે એમ કે મનને ખબર પડે કે કેટલું ભોજન હોજરીમાં ઠલવાયું. અકરાંતિયાની પેઠે ખાતા હોઈએ તો દિમાગને ખબર પડે તે પહેલા જ જરૂરિયાત કરતા વધારે ભોજન હોજરીમાં ઠલવાઇ ગયું હોય છે અને પછી આપણે દુઃખી થઈએ છીએ કે સાલું વધારે ખવાઈ ગયું.
૪. ખાતી વખતે પાણી ન પીવું, એવું આપણને સામાન્ય રીતે વડીલો કહેતા. પણ મને લાગે છે કે એકાદ બે ઘુંટડા પાણી પી લઈએ તો વાંધો નથી. બે કોળિયા વચ્ચે દાંતને વિરામ મળી જાય તો એ સારી વાત છે.
૫. ભૂખ લાગી હોય ત્યારે ખાવું. એટલે એમ કે ભૂખ ન લાગી હોય તો ન જ ખાવું. પણ આપણને તો ખાવાનું નીરખીને અથવા એની સોડમથી તપભંગ થઈને ખાઈ લઈએ છીએ. અથવા તો કોઈ પારકી કે પોતીકી ચિંતામાં ને ચિંતામાં વધારે ઝાપટી લઈએ છીએ.
૬. તંદુરસ્તી સભર ખાવાનું ખાઈએ પછી આપણને એનો ગર્વ હોવો જોઈએ. રાત્રે સૂતી વખતે એવું ચોક્કસ વિચારો કે આજે આપણે જે ખાધું એ સારું હતું અને આપણે આપણી ખાવાની પસંદગીથી સંતુષ્ટ છીએ.
૭. આપણું ભોજન માત્ર આપણી સ્વાદેન્દ્રિય કે ઘ્રાણેન્દ્રિય પૂરતું જ મર્યાદિત નથી આપણી બીજી ત્રણ જ્ઞાનેન્દ્રિયો એટલે કે જોવું સાંભળવું કે સ્પર્શવું પણ એટલું જ અગત્યની છે. એટલે જે પીરસાયું છે એ દેખાવમાં સારું હોવું જોઈએ. વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોવું જોઈએ. એમાં થોડા રંગ અલગ અલગ ગોઠવાયેલા હોય તો વધારે સારું. ભોજન સાથે થોડું હળવું સંગીત હોય તો પણ ભોજનનો આનંદ અનેકગણો થઈ જતો હોય છે.
મન ભરીને ભોજન માટે એક ઝેન જ્ઞાન એ છે કે ખાવાં ટાણે ખાવું. બીજે ડફોરિયા મારવાની મનાઈ છે. ઈતિ શ્રી મન કી ખાનપાન વાર્તા સંપન્ન!
Image may contain: 1 person, food

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ

પોલેમિસિસ્ટ: સંવાદ નહીં પણ વિવાદ સર્જતો કવિ કે લેખક /પરેશ વ્યાસ

પોલેમિસિસ્ટ: સંવાદ નહીં પણ વિવાદ સર્જતો કવિ કે લેખક
नए किरदार आते जा रहे हैं
मगर नाटक पुराना चल रहा है -राहत इंदौरी
રાહત ઈંદોરીનું નિધન થયું. મુશાયરાનાં શાયર હતા તેઓ. મુશાયરો લૂંટી લેતા. શેરોશાયરી પેશ કરવાનો એમનો અંદાજ નિરાળો હતો. ગુલઝાર સાહેબે કહ્યું કે વોહ જગાકો ખાલી કરકે ચલે ગયે. ઇટ્સ નોટ અ બિગ લોસ. ઇટ્સ ટોટલ લોસ. મોટી ખોટ પડી એવું નહીં પણ અસીમ ખોટ પડી. સંપૂર્ણ ખોટ પડી. કોઈ વિખ્યાત કવિનું નિધન થાય એટલે સોશિયલ મીડિયા ઉપર વર્ચ્યુયલ શ્રદ્ધાંજલિ આપવામાં સૌ શામેલ થાય. ફૂલ નહીં ને ફૂલની પાંખડી. પણ અહીં તો ફૂલની પાંદડી સાથે કાંટા ય અર્પણ કરતો એક વર્ગ જોવા મળ્યો. તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીજીનાં ઘૂંટણની શસ્ત્રક્રિયા ઉપર એમનો શાયરાના વ્યંગ બેતૂકો છે અથવા તો ગોધરા અગ્નિકાંડ ઉપર એમની બયાની કે જે મડદાને ય દાટે છે તે જીવતાને શી રીતે જલાવે, એવા વિવાદાસ્પદ શેર ટાંકીને કે એના પઠનનાં વિડીયો અપલોડ કરીને મરહૂમ શાયર ઉપર પસ્તાળ પાડવામાં કાંઇ બાકી રાખ્યું નહીં. કોણ સાચા છે? કોના ખોટા છે?- અમે એ વિષે કશું કહેવાના નથી. અમે પેલા રાજાની ચોથી બોબડી રાણી જેવા છીએ. આપણે તો બોઈએ પણ નઈં ને ચાઈએ પણ નઈં! પણ હા, લખીએ તો ખરાં જ. એક એવા શબ્દ વિષે જે આ સ્થિતિને બયાન કરે. આજનો શબ્દ છે પોલેમિસિસ્ટ ( Polemicist).
ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘પોલેમિક’ એટલે વિવાદાસ્પદ, વાદગ્રસ્ત, તકરારી વિવાદ, સામસામે દલીલ કરનાર વ્યક્તિ, વિવાદી કે વાદ કરનારું માણસ. એવું કોણ છે? સોશિયલ મીડિયા પર મંડી પડેલા ભક્તો અને બિનભક્તોને પોલેમિક કહી ન શકાય. કારણ કે પોલેમિક શબ્દ સામાન્ય રીતે એવા મોટા ગજાનાં કવિ કે લેખક માટે વપરાય છે, જે વિવાદાસ્પદ લખે છે કે બોલે છે. શેરીગલી કે સોશિયલ મીડિયામાં મંડી પડેલા સૌ કોઈ નાદાન ભક્તો કે એમની ભક્તિનો વિરોધ કરતાં નાદાન બિનભકતો(વિરક્તો?!) માટે આ શબ્દ ઉપયુક્ત નથી. અહીં વિવાદનાં કરનારનું દાના(ડહાપણભર્યા) હોવું અનિવાર્ય શરત છે.
પોલેમિક મૂળ ગ્રીક શબ્દ છે. પોલેમસ એટલે યુદ્ધ. પોલેમિકોસ એટલે યુદ્ધ જેવી સ્થિતિ, વિરોધી કે વેરી સામે પડ્યો હોય એવી સ્થિતિ. જ્યારે કોઈ બુદ્ધિજીવી વ્યક્તિ કોઈ એક વિવાદાસ્પદ વિષય ઉપર પોતાનું સ્ટેન્ડ નક્કી કરી લેય કે ભઈ, આ જ સાચું. અને પછી એની તરફેણમાં અને જે એનો વિરોધ કરે એની વિરુદ્ધમાં, લખે કે બોલે એ લખાણ કે બોલાણ(!)ને પોલેમિક્સ કહેવાય. અને એવું બોલનાર કે લખનાર પોલેમિસિસ્ટ કહેવાય.
વિવાદ માત્ર બે જ જગ્યાએ થતો હોય છે એક ધર્મમાં અને બીજો રાજકારણમાં. બાકી બધા વિવાદોનાં સમાધાન હોય છે પણ આ બે ક્ષેત્રમાં વિવાદને ચગાવવાનું ફરમાન હોય છે. કારણ કે વિવાદથી જ તો રાજકારણ અને ધર્મનાં બાશિંદાઓની રોજીરોટી ચાલે છે! રાજકારણીઓ અને ધર્મકારણીઓ એવું માને છે કે ‘તું ખોટો અને હું સાચો’ એવો ભાવ મનમાં હોય તો જ એ ક્ષેત્રમાં આગળ જવાય. બાકી આસનિયાં પાથરતા રહી જવાય. સાંપ્રત સ્થિતિ એ છે કે જે સર્વ ધર્મ સમભાવ કે સર્વ રાજકીય પક્ષ સમભાવમાં માને છે, એની કોઈ પ્રગતિ થતી નથી. માટે રસ્તાની કોઈ પણ એક સાઈડ પકડીને ચાલવું, રસ્તાની વચ્ચોવચ્ચ ચાલો તો કોઈ ખટારો કચડી નાંખે! હેં ને?
જ્યારે કોઈ કવિ ધર્મકારણ કે રાજકારણનાં રવાડે ચઢી જાય અને પ્રેમ, લાગણી, પત્ર, મદિરા, વરસાદ, ઝરણું, નદી, દરિયો, પહાડ, મેઘધનુષ, ચંદ્ર, તારા, સૂર્ય, પતંગિયા, દીવો, જંગલ જેવા એસ્ટાબ્લીશ્ડ વિષયોને બાજુમાં રાખીને રાજકારણ અને ધર્મકારણ વિષે વિવાદી લખે કે બોલે ત્યારે એ પોલેમિસિસ્ટ કહેવાય. ના, પોલેમિસિસ્ટ હોવું કોઈ લેખક કે કવિ માટે ખરાબ નથી. જોનાથન સ્વિફ્ટ, લીયો ટોલ્સ્ટોય, કાલ માર્ક્સ, જ્યોર્જ ઓરવેલ, જ્યોર્જ બર્નાડ શૉ, ટી. એસ. ઇલિઅટ વગરે પણ પોલેમિસિસ્ટ હતા. વિરોધ એ લોકશાહીનું અવિભાજ્ય અંગ છે. લોકશાહીમાં પોલેમિસિસ્ટનું હોવું જરૂરી છે. ઉંદરોની વસ્તીમાં કોઈ બહાદૂર ઉંદર બિલાડીનાં ગળે ઘંટ બાંધવાની ફિરાકમાં હોય, એ જરૂરી છે. બસ એટલી કાળજી લેવી કે એ ઘંટનો રણકાર તર્કબદ્ધ હોય. છંદબદ્ધ કરીને કોઈ એલફેલ કે બકવાસ લખે કે બોલે એ પોલેમિસિસ્ટ ન કહેવાય. હેં ને?
શબ્દ શેષ:
“જ્યારે રીઝન (વિવેકબુદ્ધિ) અને અનરીઝન (વિવેકહીનતા) એકમેકનાં સંપર્કમાં આવે ત્યારે તણખો ઝરે અને ઝાટકો લાગે. આને પોલેમિક્સ કહેવાય.” –જર્મન કવિ ફિલોસોફર ફ્રેડ્રિરિક શ્કેલગેલ
No photo description available.

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ

Unlock down story 1 /પરેશ વ્યાસ

Unlock down story 1
During my customary morning walk, I spotted two boys with a tricycle on the service road of SP ring road. They collect the plastic bottles thrown out from the vehicles passing on the highway. They cycle. They recycle. They earn. They are Aatmnirbhar!
I thanked 3 agencies for their inefficiency or their indifference today.
1. The Government which is not serious in implementing the plastic waste management rules of 2016 /2018. Not serious also on implementing the child labour laws. So the boys can work.
2. The plastic bottlers who are supposed to implement EPR (Extended Producers Responsibility). EPR is reverse marketing. For example, coca-cola is supposed to collect the emptied plastic bottles back from the consumers. EPR is law of India. But…
3. The so called educated people who use and throw the plastic bottles on the roads. Swachh Bharat Mission is conveniently forgotten.
Because of gross negligence of the above three categories, these boys earn their daily wages..
Good, isn’t it?
Image may contain: one or more people, people sitting and outdoor

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ

મુળીબા –આનંદરાવ લીંગાયત

મુળીબા –આનંદરાવ લીંગાયત
રાત્રે સુતાં પહેલાં ડૉ.આમ્બેડકરનું જીવનચરીત્ર વાંચતો હતો. ત્યાં મારા બાળપણના દીવસોમાં અમારા ફળીયામાં રહેતાં અમારાં પાડોશી મુળીબા યાદ આવી ગયાં અને સાથે સાથે જ ડૉ. આમ્બેડકરના જીવનનો એક પ્રસંગ પણ યાદ આવી ગયો.
પુસ્તક બન્ધ કરી હું તો વીચારે ચડી ગયો.. ૧૯૩૫ની સાલ.. મહારાષ્ટ્રના નાસીક પાસેના એક નાના ગામમાં, તે જમાનામાં અસ્પૃશ્ય ગણાતા લોકોએ, હીન્દુ મન્દીરમાં પ્રવેશવાના પોતાના અધીકાર માટે સત્યાગ્રહ આદર્યો. એ સ્થળે ડૉ. આમ્બેડકરે આ ઘોષણા કરેલી : ‘હું જનમ્યો છું હીન્દુ; પણ હું હીન્દુ તરીકે નહીં મરું.’ ત્યાર પછીનાં વર્ષો એમણે મહારાષ્ટ્રના મહાર(હરીજન–ભંગી) લોકોની એક જંગી જાહેર સભા બોલાવી હતી અને સમગ્ર અછુત જનતાને ધર્મપરીવર્તન કરવાની હાકલ કરી હતી. એ સભામાં કવીતારુપે કરેલા એમના મરાઠી સમ્બોધનનું આ ગુજરાતી રુપાન્તર છે :

સ્વમાન મેળવવું હોય, તો તમારો ધર્મ બદલો;

સહકારી સમાજ રચવો હોય તો, તો તમારો ધર્મ બદલો;

અધીકાર જોઈતા હોય, તો તમારો ધર્મ બદલો;

સમાનતા જોઈતી હોય, તો તમારો ધર્મ બદલો;

સ્વતંત્રતા જોઈતી હોય, તો તમારો ધર્મ બદલો;

તમે સુખ–શાન્તીથી જીવી શકો એવું જગત તમારે નીર્માણ કરવું હોય તો, તો તમારો ધર્મ બદલો;

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમારી મર્દાનગીની કીમ્મત નથી કરતો ?

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને એમનાં મન્દીરોમાં પ્રવેશ નથી કરવા દેતો ?

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને જળાશયોમાંથી પીવાનું પાણી ભરવા નથી દેતો ?

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને શીક્ષણ નથી લેવા દેતો ?

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને સારી નોકરી કરતાં અટકાવે છે ?

એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે ડગલે ને પગલે તમારું અપમાન કર્યા કરે છે ?

જે ધર્મ માનવ–માનવ વચ્ચે માનવતાભર્યા વર્તનનો બહીષ્કાર કરે છે, એ ધર્મ નહીં; ક્રુર શીક્ષા છે.

જે ધર્મ માનવ–સન્માનને પાપ ગણે છે, એ ધર્મ નહીં; પણ ક્રુર શીક્ષા છે.

જે ધર્મ ગંદા પ્રાણીને સ્પર્શવાની છુટ આપે છે; પરન્તુ માણસને નહીં, એ ધર્મ નહીં; પણ પાગલપણ છે.

જે ધર્મ કહે છે કે સમાજનો એક વર્ગ જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં, દ્રવ્યપ્રાપ્તી કરી શકે નહીં, શસ્ત્ર ધારણ કરી શકે નહીં, એ ધર્મ નહીં; પણ માનવતાની હાંસી છે.

જે ધર્મ એવું શીખવાડે છે કે ગરીબે ગરીબ જ રહેવું જોઈએ, ગંદાએ ગંદા જ રહેવું જોઈએ, એ ધર્મ નહીં; પણ શીક્ષા છે.

જેઓ પોકાર્યા કરે છે કે જીવમાત્રમાં પ્રભુ છે; છતાં માનવને પ્રાણી કરતાંયે હલકો ગણે છે એ બધા દંભી છે. એમનો સહવાસ ન રાખશો.

જેઓ કીડીઓને સાકરના કણ ખવડાવે છે; પણ માણસને પાણી વગર રાખે છે એ બધા દંભી છે. એમનો સહવાસ ન રાખશો.

જેઓ પરદેશીઓને ગળે લગાવે છે; પણ દેશબન્ધુઓથી છેટા રહે છે, એ સમાજના વીશ્વાસઘાતીઓ છે. એ બધા દંભી છે. એમનો સહવાસ ન રાખશો.

(‘Sources Of Indian Tradition’ના સૌજન્યથી ઉપરોક્ત ઘોષણાનું સાભાર ગુજરાતી ભાષાન્તર મેં કર્યું છે. –લેખક)

અન્તે, મૃત્યુ પહેલાં બે માસ અગાઉ હીન્દુ ધર્મનો ત્યાગ કરી, બૌદ્ધ ધર્મ અંગીકાર કરી, ડૉ. આમ્બેડકર 1956માં ગુજરી ગયા.

મુળીબાને તો આ બધા વીશે કંઈ જ ખબર નહોતી.

૬૦-૬૫ વર્ષ પહેલાંની આ ઘટના છે. ત્યારે મારી ઉમ્મર હશે સાતેક વરસની. આ ઘટનાનું મુખ્ય પાત્ર છે મુળીબા. એ મુળીબાને હું હજીયે ભુલ્યો નથી.

આજે તો હું અહીં અમેરીકામાં ૧૯૭૦થી રહું છું. અમેરીકામાં પણ હવે તો ઈન્ડીયાથી ઢગલાબન્ધ સાધુ–સન્તો અને ઉપદેશકો આવે છે. આ બધાનાં મોઢાંમાંથી એક જ સલાહ સૌને મળે છે : ‘‘તમે અને તમારાં બાળકો ભારતીય ‘સંસ્કાર’ ટકાવી રાખજો. એ ‘ભવ્ય વારસો’ ગુમાવશો નહીં.’’ પણ આ ‘ભારતીય સંસ્કારો’ની અંદર શું શું આવે છે, એનાં ingredients કયાં કયાં છે તેનું સ્પષ્ટ લીસ્ટ – ચોખ્ખી યાદી આપવાની હીમ્મત કોઈ કરતું જ નથી. એ લીસ્ટ આપે તો બીજી સંસ્કૃતી–ધર્મોના લીસ્ટ સાથે તેને સરખાવી શકાય.

ચાળીસેક વરસ અમેરીકામાં રહ્યા પછી એવું ભાગ્યે જ કોઈ હશે કે જેના વીચારો થોડાઘણા પણ બદલાયા નહીં હોય. જાણે–અજાણ્યે, સીધી યા આડકતરી રીતે, જગતની બધી જ ભાષાઓ અને સંસ્કૃતીઓના લોકોનો સમ્પર્ક અહીં થાય છે. કબુલ કરો કે ન કરો; પણ દુનીયા તરફ જોવાની દૃષ્ટીમાં ઘણો ફરક પડે જ છે. પરીણામે ‘સંસ્કાર’ શબ્દની વ્યાખ્યા પણ ધીમે ધીમે ઘણી બદલાતી જાય છે. કેટલાક રીતી–રીવાજોને પડકારતા પ્રશ્નો પણ ઉભા થાય છે. મારી ઉમ્મરની વીડીયો–ટેપ રીવાઈન્ડ કરીને મારું બાળપણ જોઉં છું તો એવા ઘણા પ્રસંગો દેખાય છે જેના મને આજે પણ સ્પષ્ટ જવાબો મળતા નથી.

આ મુળીબાનો એવો જ એક પ્રસંગ છે. અમારા ફળીયામાં રહેતાં મુળીબા હજુ આંખ સામે એવાં ને એવાં મને દેખાય છે.

મુળીબાને સૌ ધીક્કારતા. ફળીયામાં એમને ભાગ્યે જ કોઈ સાથે બનતું. બધા લોકો સાથે આ અણબનાવ માટે એમનો ઉગ્ર સ્વભાવ જવાબદાર ગણાય. વાતવાતમાં એ તપી જતાં અને ઝઘડી પડતાં. કોઈને પણ ધમકાવી નાખવો એ તો એમને મન રમત વાત. અમારા ફળીયામાં તો શું, આખા ગામમાં એમની જબરી ધાક. કોઈ એમને છીંડે ના ચડે. બધા દુર જ રહે. અન્યના ભોગે પોતે ખાસ આગવી સગવડો ભોગવવી એમાં એ ગૌરવ સમજતાં અને વળી એ માટે પોતે અધીકારી છે એમ સમજતાં. અત્યંત અતડા સ્વભાવનાં મુળીબા ક્યારેક ભયંકર સ્વાર્થી અને બહુ દુષ્ટ સ્વભાવનાં લાગતાં. અમે બધાં છોકરાંઓ તો એમનાથી સો ગાઉ દુર જ ભાગતાં.

કોણ જાણે કેમ પણ મારું નાનકડું બાલ–મન મને કહ્યા કરતું હતું કે મુળીબા સ્વભાવનાં આવાં હોઈ શકે જ નહીં. મારું મન એક સવાલ ઉઠાવ્યા કરતું કે મુળીબા આટલાં બધાં સ્વાર્થી, આટલાં બધાં દુષ્ટ હોઈ કેવી રીતે શકે ? એ તો સતત માળા જ જપ્યા કરતાં હોય છે. હમ્મેશાં ભગવાનની પુજા–આરતી અને ભક્તીમાં ડુબ્યાં હોય છે ! જે આ રીતે સતત ભગવાનને પુજ્યા કરે એ તો બધા બહુ ભલાં અને પ્રેમાળ હોય. મુળીબા તો એમના દેખાવ ઉપરથી પણ જરાય એવાં ડસીલાં કે વેર–ઝેરવાળાં લાગતાં નથી. એમનું મોં તો કેટલું સુન્દર અને રુપાળું છે ! દેખાવે ગોરાં, ઘાટીલાં અને રુડાંરુપાળાં હોય એ બધાં સ્વભાવે પણ સારાં જ હોય એવું હું નથી કહેતો. પણ મુળીબા એવાં સ્વાર્થી અને મેલા દીલનાં હોઈ શકે એવું મારું મન સ્વીકારતું નહોતું.

મુળીબા આટલાં બધાં ચીડીયાં કેમ છે ? કોઈની સાથે એમને બનતું કેમ નથી ? આ બધા સવાલોના જવાબ નાનપણમાં તો મળ્યા નહોતા. પણ આજે પરીસ્થીતીનું પૃથક્કરણ કરતાં થોડુંક તો સમજાય છે.

એક તો મુળીબા બાળવીધવા હતાં. જ્ઞાતીએ બ્રાહ્મણ. તે કારણે પણ કદાચ ફળીયાના લોકો એમની દાદાગીરી સહન કરી લેતા હશે. લોકો ખરેખર તેમનાથી ડરતા હતા કે સહાનુભુતીથી એમની દયા ખાતા હતા…એ તો અત્યારે કહેવું મારે માટે મુશ્કેલ છે.

બીજું…મુળીબાએ નીશાળનું મોઢુંયે જોયું નહોતું. વાંચતાં કે લખતાં આવડવાનો તો કોઈ સવાલ જ નહોતો. અભણ રહી જવામાં મુળીબાનો વાંક નહીં હોય. સ્ત્રીને ભણતરથી વંચીત રાખી હમ્મેશને માટે પગના તળીયા નીચે દાબી રાખવાનો એ જમાનાનો રીવાજ એને માટે જવાબદાર હશે. ‘વડીલ’ પરુષોએ એ વખતે નાની મુળી માટે જે નીર્ણય લીધો હશે એ પ્રમાણે મુળી વર્તી હશે. વડીલોના નીર્ણય ગમે તેટલા ખોટા અને અર્થહીન હોય તો પણ નાના લોકોએ એ નીર્ણયને કોઈ પણ દલીલ સીવાય શીરોમાન્ય રાખી વડીલોની ‘આમન્યા’ રાખવી એને આપણે આપણું ‘કલ્ચર’ – આપણા ‘સંસ્કાર’ કહીએ છીએ ! એને જ કુટુમ્બની ‘મર્યાદા’ સાચવી ગણાય. ‘ખાનદાન’નું નાક રાખ્યું એમ માનીએ છીએ.

ત્રીજું…મુળીબાની દુનીયા બહુ જ નાની હતી. અમારા ગામની બહાર મુળીબાએ કદી પગ મુક્યો નહોતો. અમારું ગામ અને ગામનું મન્દીર એ જ મુળીબાની દુનીયા. ઘરમાં પણ એકલાં જ હતાં. આગળ–પાછળ કોઈ નહીં ! આખો દીવસ ઘરમાં પણ એકલાં એકલાં કાંઈક ને કાંઈક કામ કરતાં જ હોય. કામ ના હોય ત્યારે માળા લઈને ઓસરીમાં બેઠાં બેઠાં કાંઈક બબડતાં બબડતાં ડોલતાં હોય.. બહારનું જગત કેવું હોય અને એ બહારના જગતમાં શું શું ચાલી રહ્યું છે એ વીશે મુળીબાને કાંઈ કહેતાં કાંઈ ખબર નહોતી. એમને એની ખોટ પણ જણાતી નહોતી. ‘મનોરંજન’ જેવો શબ્દ મુળીબા ભાગ્યે જ સમજતાં હોય. ગામની ભાગોળે કોઈવાર રામલીલાવાળા આવતા ત્યારે આખું ગામ જોવા જતું; પણ મુળીબા કદી નહોતાં જતાં. એમને આનંદ–પ્રમોદ કરવાનું કંઈ મન જ નહીં થતું હોય કે પછી પોતે વીધવા હોવાથી કોઈ સામાજીક ડરને લીધે એ જતાં નહીં હોય ! આ સવાલના જવાબની અટકળ કરવી અત્યારે નકામી છે.

એ સમયના કારમા રીતીરીવાજોએ મુળીબાને સાવ કચડી નાખ્યાં હશે એ વાત આજે દીવા જેવી મને દેખાય છે. વીધવા એટલે ‘ત્યાગ’, વીધવા એટલે ‘સંયમ’…એવા મોટા મોટા શબ્દો વાપરી વાપરીને સમાજ વૈધવ્યને શણગારતો રહ્યો છે. ‘ગંગાસ્વરુપ’ જેવું ટાઈટલ પણ કોઈક વીદ્વાને તો વીધવા બહેનોને આપી દીધું. જગતની સૌથી વધુ ગંદી થયેલી, સૌથી વધુ પ્રદુષીત, ગંગા નદી અને બાળપણથી જીવનભર પતી વગર શેકાતી સ્ત્રી… આ બે વચ્ચે શો સમ્બન્ધ ! ‘ગંગા’ અને ‘વીધવા’ એ બન્ને વચ્ચે ક્યાંય, કશું સામ્ય દેખાય છે ? પણ શબ્દોની લહાણી કરવામાં શું જાય છે ! એમાં ક્યાં પૈસા પડે છે ! આ બધા ભવ્ય શબ્દો, વીધવા સ્ત્રીઓને ફરી લગ્ન કરતી અટકાવવામાં, નીરુત્સાહ કરવામાં ઉત્તમ ભાગ ભજવતા હોવા જોઈએ. ક્રુર રીતીરીવાજોને આવા બધા શબ્દોથી શણગારીને ‘રુપાળા’ અને ‘પવીત્ર’ દેખાડવાની આ બહુ હોશીયાર કળા છે ! વીધવા અને ત્યક્તા સ્ત્રીઓના માનસ ઉપર આ પ્રકારના શબ્દોનો સતત મારો ચાલુ રાખવાથી એમનાં મન અને તનની યાતનાઓ મટી જતી હશે ?

એ જ ‘ગંગાસ્વરુપ’ સ્ત્રીને પછી ‘રાંડી રાંડ’ કહીને એને બધાં શુભકાર્યોમાં અપશુકનીયાળ ગણતાંયે સમાજને વાર નથી લાગતી.

એ વખતના સમાજે આ જ રીતે, વૈધવ્યનાં વખાણ કરી કરીને, મુળીબાને એકાંતના ભયાનક ખાડામાં પુરી દીધાં હશે. પરમ્પરાથી ચાલ્યા આવતા આ સામાજીક દમનને લીધે એમનો સ્વભાવ પણ પછી ધીમે ધીમે વીકૃત થઈ ગયો હશે એટલું સમજવા માટે કોઈ મોટા માનસશાસ્ત્રી પાસે જવું ના પડે.

અલબત્ત, આજે તો એ ધર્મ એકવીસમી સદીમાં પ્રવેશી ચુક્યો છે. એટલે ધર્મના અનુયાયીઓના વીચારો પણ બદલાયા જ હશે એવી આશા રાખીએ.

45–50 વર્ષની વયે પણ મુળીબાનું રુપ બરાબર ચમકદાર હતું. એક તો એમના શરીરનો વાન ખુબ ગોરો અને એ હમ્મેશાં ઘેરો કથ્થઈ રંગનો, વૈધવ્યને અનુરુપ, કીનારી વગરનો સાદો સાડલો જ પહેરતાં એટલે એ વીરોધાભાસમાં એ બહુ જ રુપાળાં લાગતાં. ભલભલાને આંજી નાખે તેવું આકર્ષક તેમનું વ્યક્તીત્વ હતું. આ ઉમ્મરે મુળીબા આટલાં આકર્ષક લાગતાં હતાં તો એમની યુવાનીમાં તો એ પરીકથામાં આવતી રાજકુમારી જ લાગતાં હશે. પચાસની ઉમ્મરે પણ ઉમ્મરની અસર એમના પર બહુ દેખાતી નહોતી. અજાણ્યા માણસને તો મુળીબા ત્રીસેક વર્ષની આસપાસની જુવાન સ્ત્રી જ લાગે.

મુળીબા ખુબ ધર્મીષ્ટ, પુરેપુરાં રુઢીચુસ્ત અને મરજાદી હતાં. ધર્મની દૃષ્ટીએ આ ‘મરજાદી’ શબ્દનો ઉંડો અર્થ શો થાય એ તે વખતે મને ખબર નહોતી. એટલી ખબર હતી કે એ કોઈને અડતાં નહોતાં. ભુલથી પણ કોઈ છોકરું એમને અડી જાય તો મુળીબા ઘસી ઘસીને સ્નાન કરી શુદ્ધ થતાં. પછી પેલા અડી જનાર છોકરાનું અને એનાં મા–બાપનું આવી બનતું.

મુળીબાની દૃષ્ટીએ આભડછેટ અને અસ્પૃશ્યતા એ આપણાં શાસ્ત્રો અને ગ્રંથોમાં લખેલા પવીત્ર નીયમો હતા. તમારાં કર્મોના આધારે જ તમને હરીજન–ભંગીનો અથવા બ્રાહ્મણનો અવતાર મળે એવું એ શ્રદ્ધાથી માનવાવાળાં. મુળીબા પોતે તો ગ્રંથો વાંચી શકે એવું હતું જ નહીં! એમના સમ્પ્રદાયના ધર્માચાર્યો અને મા’રાજોની કથા–વાર્તાઓ તથા પારાયણોમાં જે સાંભળતાં એનાથી જ એમની શ્રદ્ધા મજબુત થયેલી. આ શ્રદ્ધા કહેવાય કે ‘બ્રેઈન–વૉશ’ એ તો વાચક જ નક્કી કરે.

ફળીયામાં મુળીબાનાં કપડાં એમના ઘરની બહાર સુકાતાં હોય ત્યારે અમારે છોકરાઓએ રમવામાં બહુ જ સંયમ રાખવો પડતો. રમતાં રમતાં અમારો દડો કે ગીલ્લી પણ જો એમનાં કપડાંને અડકી જાય તો મુળીબા ઘરની બહાર નીકળી આખા ફળીયામાં બુમાબુમ કરી મુકતાં અને અમારા બધાની મમ્મીનું આવી બનતું. ‘આ કેવાં વાંદરાં જણ્યાં છે ? હચવાતાં નથી તો જણ્યાં શું કરવાં ?’ એવી રાડારાડ એ કરી મુકતાં. અમારાં કોઈનાં મા–બાપ એમની સામે આવીને બોલવાની હીમ્મત કરતાં નહીં. સૌ એમનું બોલવાનું ચુપચાપ સાંભળીને સહન કરી લેતાં. અલબત્ત, કેટલીક સ્ત્રીઓ પીઠ પાછળ બબડતી, ‘આ ડોશી આખી જીન્દગી વાંઝણી રહી એટલે એને છોકરાં દીઠાંયે ગમતાં નથી. પુરુષનું અને છોકરાંનું સુખ જોવા ના મળ્યું એટલે ડોશીનો સ્વભાવ આવો ચીડીયો થઈ ગયો છે.’ સમાજના દબાણથી જીવનભર પોતાની જાત પર સતત દમન ગુજારવું પડે તો અનેક પ્રકારની માનસીક વીકૃતીઓ જન્મી શકે છે એવી ભારેખમ ભાષા એ સ્ત્રીઓને બોલતાં નહોતી આવડતી.

અમારા ગામમાં નવેનવી પાણીની સગવડ થઈ હતી. દરેક ફળીયામાં ગામની ટાંકીમાંથી એકએક નળ પહોંચાડવામાં આવ્યો હતો. એને લીધે સ્ત્રીઓને ખુબ રાહત રહેતી. છેક ગામની ભાગોળેથી પાણીનાં બેડાં ભરી લાવવાનો ત્રાસ ઓછો થયો હતો. આખા ફળીયાની સ્ત્રીઓ સમ્પીને આ નળનો ઉપયોગ કરતી. બધી સ્ત્રીઓ વ્યવસ્થીત લાઈનમાં ઉભી રહી પોતાનાં બેડાં ભરતી.

પણ મુળીબાનો એમાંયે ત્રાસ હતો. મુળીબા પાણી ભરવા આવે એટલે બધાંએ નળ પાસેથી દસ–પંદર ફુટ દુર ખસી જવું પડતું. કેટલીયે વાર સુધી મુળીબા પીત્તળના એ નળને પોતાને ઘરેથી લાવેલી રાખથી ઘસી ઘસીને સાફ કરતાં. બધાં બૈરાં આ તમાસો જોવા ટેવાઈ ગયેલાં. જ્યાં સુધી મુળીબાનાં બેડાં અને ડોલ ભરાઈ નહીં જાય ત્યાં સુધી એ બધી સ્ત્રીઓ ચુપચાપ દુર ઉભી રહેતી. મુળીબા બેત્રણ ફેરા કરીને પોતાનાં બેડાં ઘરે લઈ જતાં. જ્યાં સુધી એમનાં બધાં બેડાં ઘરે પહોંચી ના જાય ત્યાં સુધી કોઈ નળની નજીક ફરકી શકતું નહીં. આભડછેટની આટલી જબરી સરમુખત્યારી અને દાદાગીરી મુળીબાની હતી.

એક શ્રાવણ મહીનાના સોમવારે મુળીબા ગામથી થોડે દુર આવેલા મહાદેવના મન્દીરમાંથી પાછાં ફરતાં હતાં. પાછાં ફરતાં રસ્તામાં એક વીસ્તાર આવતો જેને તે જમાનામાં બહુ ખરાબ રીતે સમ્બોધવામાં આવતો.. ‘હરીજનવાસ’. એ હરીજનવાસનો પાણીનો કુવો પણ જુદો જ હતો. આજે મુળીબાએ એ કુવા પાસે ખુબ ગીર્દી થયેલી જોઈ. હરીજનોનાં કેટલાંક બૈરાં રોકકોળ કરતાં હતાં. મુળીબાથી પુછ્યા વીના રહેવાયું નહીં.

‘‘અલ્યા બુધીયા, શું થયું છે ?’’ કોઈને અડી ન પડાય તેની સાવચેતી રાખતાં રાખતાં દુરથી મુળીબાએ પુછ્યું.

‘‘બા, પેલા ધનીયાની જુવાન બાયડીએ આ કુવામાં પડતું મુક્યું છે.’’

સાંભળતાં જ મુળીબા વીફર્યાં. એમણે કુવા તરફ દોટ મુકી. ભેગા થયેલા બધા હરીજનોને ધક્કા મારી એ કુવાના કઠેડા પર પહોંચી ગયાં. હરીજનોને સ્પર્શ કરાય નહીં એ વાત જ જાણે મુળીબા અત્યારે ભુલી ગયાં હતાં. બેધડક બધાને અડકી, દુર ખસેડતાં, હાંફતાં હાફતાં એમણે પુછ્યું, ‘‘અંદર કોઈ ઉતર્યું છે ?’’

‘‘ના બા, દોયડું મંગાયું છે.’’

મુળીબા દોરડાની રાહ જોવા ન રહ્યાં. એમણે ક્ષણવારમાં પોતાનો સાડલો કાઢી દુર ફેંક્યો અને ચણીયાનો કાછડો લગાવ્યો. મુળીબાનું મોટા ભાગનું શરીર હવે ખુલ્લું થઈ ગયું હતું. એમની ગોરી ગોરી સાથળો જોઈને બધાં બાઘા જેવાં થઈ ગયાં. મુળીબા આ શું કરી રહ્યાં છે તે કોઈને સમજાયું નહોતું. બધા હરીજન પરુષો મુળીબાના આ ચંડી સ્વરુપને ફાટી આંખે જોઈ રહ્યા હતા.

ક્ષણનો પણ વીલમ્બ કર્યા સીવાય, જોતજોતામાં તેમણે બહુ જ સાવચેતીપુર્વક કુવામાં જંપલાવ્યું. કુવાની અન્દરની દીવાલોમાંથી ઉગી નીકળેલાં પીપળાનાં નાનાં નાનાં છોડની એકબે ડાળીઓ પણ મુળીબાના અથડાવાથી તુટીને અંદર પાણીમાં પડી.

મુળીબા જબરાં તરવૈયાં હતાં એની ત્યારે જ સૌને ખબર પડી. કુવામાં કુદી પડવાની એમની જીગર જોઈને બધાં એક બીજા સામે તાકીને બાઘાની જેમ ઉભાં રહી ગયાં હતાં.

કુવાની અંદર ડુબકાં ખાતી પેલી જુવાન છોકરીને મુળીબાએ પકડીને, પોતાના ખભા ઉપર લઈ પાણી પીતી અટકાવી. કુવાની દીવાલોનો ટેકો લઈ મુળીબા થોડીવાર શ્વાસ ખાવા ઉભાં રહ્યાં.

‘‘અલ્યા, દોરડું આવી ગયું હોય તો જલદી અંદર નાખો’’ એમણે કુવામાંથી બુમ પાડી. એ જ ક્ષણે એક માણસ દોડતો દોરડું લઈને આવ્યો હતો. એણે દોરડાનો એક છેડો અન્દર નાખ્યો. બધાનાં મોઢાં ઉપર નર્યો રઘવાટ અને ફફડાટ હતો.

અન્દર કુવામાં દોરડું પહોંચ્યું એટલે મુળીબાએ ખાતરી કરી લીધી કે બે જણને ખેંચી શકે એવું આ દોરડું મજબુત તો છે જ. પોતાની જાતને અને અડધી બેભાન જેવી પેલી છોકરીને, એમણે એ દોરડામાં બહુ કુશળતાથી બાંધી લીધાં અને ફરી બુમ પાડી :

‘‘અલ્યા, હવે જલદી દોરડું ઉપર ખેંચો…’’

બે જુવાનીયા માણસોએ સાચવીને દોરડું ખેંચવા માંડ્યું. બધાના શ્વાસ અધ્ધર હતા. પેલી છોકરી જીવતી હશે કે કેમ એની ચીન્તા સૌના મોઢા પર દેખાતી હતી. ધીમે ધીમે મુળીબા અને પેલી છોકરી – બન્ને જણાં છેક ઉપર આવી ગયાં. બરાબર સાચવીને બીજા બે માણસોએ પેલી બેભાન છોકરીને મુળીબાને ખભેથી ઉઠાવીને કુવાના થાળામાં સુવાડી. મુળીબાને હાથ અડાડી પકડવાં કે નહીં એની બીક અને દ્વીધા બીચારા પેલા પકડનારાઓના મનમાં ચાલતી હતી ત્યાં સામેથી મુળીબાએ જ હાથ લમ્બાવ્યો. બહાર આવીને તરત પોતાનાં અંગ ઉપરનું દોરડું ઉકેલ્યું અને થાળામાં સુવાડેલી પેલી છોકરી પાસે દોડ્યાં. એને ઉંધી કરી એના પેટમાં ગયેલું બધું પાણી કાઢવા એમણે ઉપચાર શરુ કર્યો. થોડીવારે ધીમે ધીમે છોકરીએ આંખ ખોલી. એ પુરી ભાનમાં આવી ત્યાં સુધી મુળીબા એને ખોળામાં લઈને બેસી રહ્યાં.

છોકરી પુરી ભાનમાં આવી એટલે મુળીબા પાછાં એમના મુળ ઉગ્ર સ્વરુપમાં આવી ગયાં.

‘‘આનો ધણી ધનીયો ક્યાં મરી ગયો ?’’ ગુસ્સાથી એમણે બધાંને પુછ્યું.

બીચારો ધનીયો ધ્રુજતો ધ્રુજતો ટોળામાંથી નીકળી આગળ મુળીબા પાસે આવ્યો.

‘‘ધનીયા, મુઆ… બાયડીનું મન રાજી રાખતાં શીખ. ધણી–ધણીયાણી બે જણાં સુખેથી જોડે ના રહી શકો તો સંસાર માંડો છો જ શું કરવા ? અને અલી, તુંયે સાંભળી લે…આ વખતે તો તું નસીબદાર કે હું અહીંથી પસાર થતી’તી ને તું બચી ગઈ…સંસારમાં દુ:ખ તને એકલીને જ છે ? જરા સહન કરતાં શીખ… વાતવાતમાં કુવો–હવાડો કરીશ તો ચુડેલ થઈને ભટક્યા કરીશ. આવતો જનમ બગાડીશ. અલ્યા ધનીયા, એને ઘરે લઈ જા ને ગરમ ગરમ ચા કે ઉકાળો પીવડાવ…જા…સાલાં બધાં… સંસ્કાર વગરનાં…મુઆં…’’ બડબડાટ કરતાં કરતાં મુળીબાએ પેલી છોકરીને ઉભી કરી અને ફરી બરાબર ધમકાવી.

કુવા પરથી બધાં ધીમે ધીમે વીખરાવા લાગ્યાં. ભીનો સાડલો શરીરે વીંટી, એનો એ જ બડબડાટ કરતાં મુળીબા પણ પોતાના ઘર તરફ રવાના થયાં. અકળામણ અને ગુસ્સાભર્યા એમના બડબડાટને લીધે કોઈને સમજાતું નહોતું કે મુળીબાના હૈયામાં એક જુવાન છોકરીનો જીવ બચાવ્યાનો આનંદ અને સન્તોષ હતો કે નહીં !

પાછળથી એવું સાંભળેલું કે અસ્પૃશ્યોને અડી જવાયાના પ્રાયશ્ચીત્તરુપે મુળીબાએ આખું વરસ મીઠા વગરનું ખાઈને એકટાણાં કરેલાં. અભડાઈ ગયેલા દેહની શુદ્ધી માટે આ પ્રમાણેનાં એકટાણાંનો વીધી કરી પ્રાયશ્ચીત્ત કરવાનું ‘માર્ગદર્શન’ એમને કોણે આપ્યું હશે ? કોણે આ ‘ઉપાય’ એમને સુઝાડ્યો હશે? એમના ધર્મગુરુઓએ જ ને ? કેવા માનવતાહીન એ ધર્મગુરુઓ !

પોતાને આપવામાં આવેલા ‘સંસ્કાર’ પ્રમાણે છેક મરતાં સુધી મુળીબાએ અસ્પૃશ્યતાના સીદ્ધાન્તનુ પાલન કરેલું.

મને થોડી સમજણ આવતાં મુળીબા મારે માટે મોટો કોયડો થઈ પડેલાં… કયાં મુળીબા સાચાં ?… એમનું કયું વ્યક્તીત્વ સાચું ?…

પોતાનો જીવ જોખમમાં મુકીને એક ‘અસ્પૃશ્ય’ છોકરીનો જીવ બચાવવા કુવામાં કુદી પડનાર મુળીબા સાચાં કે પછી આભડછેટની અન્ધશ્રદ્ધા અને ધર્માન્ધતાને પકડી રાખનાર મુળીબા સાચાં ? પથ્થર–દીલ, વજ્રથી પણ કઠોર અને દુષ્ટ લાગતાં મુળીબા કે કુસુમથી પણ કોમળ મુળીબા !

જે હોય તે; પણ… આ હતાં મુળીબા.

મેં પાછું ડૉ. આમ્બેડકરનું પુસ્તક ખોલી આગળ વાંચવા માંડ્યું…

–આનંદરાવ લીંગાયત

Leave a comment

Filed under ઘટના, પ્રકીર્ણ

દશેરાએ+રાધા અને કૃષ્ણ: શું એમનો પ્રેમ પ્લેટોનિક છે?/પરેશ વ્યાસ

દશેરાએ માને પત્ર
શબ્દો:યામિની વ્યાસ
સ્વર:સોનલ વ્યાસ
પત્ર પાઠવી રહી છું આજ મા તને ખમ્મા ખમ્મા
હવે પૂરી થઈ નવરાત મા તને ખમ્મા ખમ્મા
જગતજનની,ત્રિભુનેશ્વરી,વિશ્વવિજયીની મા
હે દુર્ગેશ્વરી, આદયશક્તિ મા,ઓ જગદંબા મા
ધરતી પરથી પત્ર લખતી તારી દીકરીઓના શત શત નમન
જત જણાવવાનું કે મા અમારી ધરતી ડગમગ થાય
જત જણાવવાનું કે અહીં તારી દીકરીઓની આબરૂ લૂંટાય
ઘણી કળીઓની લખવી છે વાત મા તને ખમ્મા ખમ્મા
અહીં ઊગ્યા છે ઊંડા આસુરી અંધારાં
એને ઉલેચી માડી ફેલાવો અજવાળાં
લાવો સાચું દશેરાનું પ્રભાત મા તને ખમ્મા ખમ્મા
ટૂંકમાં કહું તો હરણ,હનન,હત્યા થાય છે બહુ
બસ રહેંસી નાખે નારીને, વધુ તો હું શું કહું!
રોકી દે રોજનો ઉલ્કાપાત મા તને ખમ્મા ખમ્મા
લાખો ત્રિશૂલો લઈ ગબ્બરથી આવીને વધ કર
ધરતીના મહિષાસુરને વધેરી ખપ્પરનો ભોગ ધર
રક્તબીજ સમા માનવ દાનવને સંહાર મા તને ખમ્મા ખમ્મા
તા. ક. માં લખું છું છેલ્લે વિન્નતી ત્રિશુળનું વરદાન દઈ દે તારી દરેક દીકરીને આત્મસુરક્ષા કાજ મા તને ખમ્મા ખમ્મા
યામિની વ્યાસ

રાધા અને કૃષ્ણ: શું એમનો પ્રેમ પ્લેટોનિક છે?

कैसा बंधन बंधा श्याम मोरे
बात तेरी समझ में न आई
हाथ फूलो से पहले बने थे
या कि गजरे से फूटी कलाई!
– परवीन शाकिर
આપણે જેને ‘લવ’ કહીએ એનાં તરજૂમા અનેક છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર પ્રેમ એટલે પ્રીતિ, સ્નેહ, મહોબત, ચાહ, અનુરાગ, આસક્તિ, લગની. પદબંધ શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે કે: જગત માત્રનું જીવન તે પ્રેમ છે. ૐકારમાં પ્રેમ છે. નાદમાં પ્રેમ છે, છંદમાં પ્રેમ છે, પુરુષમાં પ્રેમ છે, પ્રકૃતિમાં પ્રેમ છે, જડમાં પ્રેમ છે અને ચેતનમાં પ્રેમ છે. કલરવ કરતાં પશુપક્ષીમાં, કુહૂ કુહૂ કરતી કોયલમાં, કુંજકુંજમાં, જાતજાતનાં વૃક્ષોનાં ઝુંડમાં, ખીલેલાં ફૂલોના મધ્ય ભાગમાંથી જેમ ઊડતી રજકણોની સુગંધી વ્યાપી રહી છે,તેમ જગતના સર્વ કાર્યસ્થળમાં પ્રેમ વ્યાપ્ત છે અને એ પ્રેમ તે ભક્તિ. શબ્દકોશમાં આ તો અઘરું અર્થઘટન થયું. નહીં?!! પ્રેમનાં તે વળી પ્રકાર હોય? પ્રેમ તો પ્રેમ હોય. એ કાંઇ આઈસક્રીમ થોડું છે કે એની અલગ અલગ ફ્લેવર હોય? પણ બૌદ્ધિકો એમાં ય પ્રકાર શોધે છે. ગ્રીક પુરાણ અનુસાર પ્રેમનાં પાંચ પ્રકાર છે. ૧. સ્ટોર્જ: કૌટુંબિક પ્રેમ ૨. ફિલિયા: મૈત્રી ૩. ઈરોસ: શૃંગારિક પ્રેમ ૪. જેનિયા: મહેમાનગતિ ૫. ડીવાઇન: દિવ્ય પ્રેમ.
જ્યારે રાધા કૃષ્ણનાં પ્રેમની વાત આવે ત્યારે કોઈ એને ફિલિયા (Philia) કહે છે. જે ‘ફોબિયા’નો વિરોધાર્થી શબ્દ છે. આજનો શબ્દ ‘પ્લેટોનિક’ (Platonic) ફિલિયા ઉર્ફે મૈત્રી ભાવને લગતો છે. પ્લેટોનિક લવમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે અંતરંગ પ્રેમ જરૂર છે પણ એમાં શારીરિક ચેષ્ટા વર્જ્ય છે. એવું પણ કહે છે કે પ્લેટોનિક લવ એટલે ડોકની ઉપરનો પ્રેમ! પ્લેટોનિક લવ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે એ સંબંધ છે, જેમાં એક બીજાની વિચારસરણી મળતી આવે છે. તેઓ એકબીજાની સારસંભાળ લેતા હોય, એવી લાગણીનાં સંબંધો હોય. તેઓ એકમેકને સારી પેઠે સમજી શકતા હોય છે. ઘણી વાર એક બોલે નહીં તો ય બીજો સઘળું સમજી જાય. એવો પ્રેમ પ્લેટોનિક કહેવાય. પ્લેટોનિક શબ્દ ગ્રીક દાર્શનિક પ્લેટોનાં વૈચારિક પ્રદાન પરથી આવ્યો છે. પંદરમી સદીનાં ફ્રેંચ વિદ્વાન માર્શિલો ફિસિનિયોએ પહેલી વાર ‘પ્લેટોનિક લવ’ શબ્દનો પ્રયોગ કરીને, એને દિવ્ય પ્રેમ તરીકે નવાજ્યો હતો. એવો પ્રેમ જે પ્લેટોની ફિલસૂફી પર આધારિત હતો. પ્લેટો માનતા કે પ્રેમ પોતે જ એક એટલી સુંદર લાગણી છે, જે શરીરનાં હાડમાંસનાં પ્રેમથી અનેક ગણી ઊંચી અને મહાન છે. પ્લેટોની વિચારધારા પરથી આવો પ્રેમ પ્લેટોનિક લવ કહેવાયો. અને છતાં રાધા અને કૃષ્ણનાં સંબંધ આમ સાવ શારીરિક નહોતા જ, એવું ય કહી ન શકાય. મોહક વાંસળી, કૃષ્ણાવતાર ભાગ- ૧, ક.મા. મુનશી સાહેબ લખે છે કે: ‘અદમ્ય ભાવાવેગથી કૃષ્ણે રાધા તરફ ઝૂકીને પોતાના હોઠ એના હોઠ સાથે ચાંપ્યા. એકનો આત્મા બીજાના આત્મામાં ભળી ગયો અને બંને એક થઈ ગયા ત્યાં સુધી એ હોઠો એકબીજાથી અલગ ન થયા. કૃષ્ણે રાધાના ગાલ પસવાર્યા. એના સ્તનમંડળ પર એનો હાથ ફરી રહ્યો. ત્યાંથી સુકુમારતાથી સરકતો સરકતો એ એના નમણા ને લાલિત્યસભર દેહના પ્રત્યેક સુંદર વળાંક શોધતો શોધતો ભાવાર્દ્રતાપૂર્વક એનાં અંગાંગ ઉપર પણ ફરી વાળ્યો. આનંદની એક મદભરી ઊર્મિ એમને અવર્ણનીય રસસમાધિમાં ડુબાવીને અભેદભાવનો અનુભવ કરાવી રહી.’ અહીં રાધા કૃષ્ણનાં પ્રેમનો પ્લેટોનિક અર્થ હોય એવું લાગતું નથી. અમને લાગે છે કે આ ડીવાઇન લવ છે. દિવ્ય પ્રેમ. રાધા અને કૃષ્ણ બંને એકાકાર છે. આત્મા અને શરીર એકમેકમાં સમાયેલા હોય છે, બસ એમ જ.
‘પ્લેટોનિક લવ’ શબ્દ આમ તો પામર મનુષ્યો માટે છેતરામણો છે. સેક્સ સંબંધ ન હોય તો પુરુષ અને સ્ત્રી વચ્ચેનો એ પ્રેમ અધૂરો ન ગણાય? પુરુષ અને સ્ત્રી વચ્ચે એવો ને એવો જ અશારીરિક સંબંધ હંમેશ માટે જળવાઈ રહે, એ વાત સામાન્ય વિજાતીય વ્યક્તિઓ માટે અઘરી છે. શારીરિક ચેષ્ટા ક્યારે મન પર હાવી થઈ જાય, એ કહેવાય નહીં. એકાંત મળે તો બંને, પરુષ જાત અને સ્ત્રી જાતને માટે, જાતનિયંત્રણ અઘરું થઈ જાય. સૂનો હાઇવે હોય તો સ્પીડલિમિટની બહાર ગાડી હાંકવી, એ પુરુષ માટે રમત અને સ્ત્રી માટે ગમત ભરેલી પ્રવૃત્તિ છે. અને પછી… ઓલ્યા અસ્પર્શનાં લીધેલાં વ્રત બટકી જાય, એમ પણ બને! પ્લેટોનિક સંબંધો માટે તો શું કહું……ગુલઝાર સાહેબની પંક્તિ અહીં અનુરૂપ લાગે છે. હમને દેખી હૈ ઉન આંખોકી મહકતી ખુશ્બૂ….ગુલઝાર સાહેબ લખે છે કે હાથથી અડીને એ આ પ્રકારનો સંબંધ છે, એવો આરોપ ન મૂકો.. આ તો એક લાગણી છે, જે આતમથી અનુભવવાની છે. પ્રેમને પ્રેમ જ રહેવા દો, એનું કોઈ નામ શા માટે? વાત તો સાચી છે. પ્રેમ એટલે પ્રેમ. પ્લેટોનિક પ્રેમ? એ વળી શું?
શબ્દશેષ:
‘પ્લેટોનિક લવ એ શાંત જ્વાળામુખી છે.’ –આન્દ્રે પ્રીવોસ્ટ
No photo description available.

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ

પાંચમું નોરતું+ડેડ વૂમન્સ સીક્રેટ (ઉત્તરાર્ધ) /પરેશ વ્યાસ

પાંચમું નોરતું
ગરબો
શબ્દો:યામિની વ્યાસ
સ્વર/સ્વરકાર:સોનલ વ્યાસ💐
એક નવલો તે ગરબો જાતે કોરીયો રે લોલ.
માંહી શ્રધ્ધાનો દીવડો પ્રગટાવીયો રે લોલ
પ્રસરે ઘડુલે રૂડી અજવાળી તેજધાર
એમાં ફેલાતો આખા ગરબાનો ટૂંકસાર
તારા આવ્યા છોડી આકાશી દરબાર
તાલે તાલે પાછળ નક્ષત્રોની હાર
મેં તો ચાંદાને ચોકમાં ઘુમાવીયો રે લોલ
એક નવલો તે…
આવનજાવનમાં ગૂંજે અનહદનો એક નાદ
પગ નર્તન કરે જ્યાં પડે ગરબાનો એક સાદ
રગ રગમાં માંડ્યો સહુએ અખિલ નૌતમ રાસ!
આખું બ્રહ્માંડ આવી નીરખે ગરબાની આસપાસ
સકલ વિશ્વનો ગરબો ગવડાવીયો રે લોલ
એક નવલો તે …
યામિની વ્યાસ
ડેડ વૂમન્સ સીક્રેટ
(ઉત્તરાર્ધ)
(વહી ગયેલી વાર્તા: એક સ્ત્રી મૃત્યુ પામી છે. રાતનો સમય છે. એક ઓરડામાં એના બંને સંતાનો માતાનાં મૃતદેહ પાસે બેસી માને યાદ કરીને આંસુ સારી રહ્યા છે. એક દીકરો છે જે ન્યાયાધીશ છે અને જે ન્યાય તોળવામાં જરાય બાંધછોડ કરતાં નથી. બીજી દીકરી છે, જેને પુરુષ જાતથી નફરત છે અને એ મોટી થઈને સાધ્વી બની હોય છે. માએ નાનપણથી જ બંને સંતાનોમાં શિસ્ત અને સંસ્કારનું સુપરે સીંચન કર્યું હતું. પિતા વિષે બંને સંતાનો ખાસ જાણતા નથી, સિવાય એ કે એમનાં પિતાએ માતાને ખૂબ દુ:ખ આપ્યું હતું. સૌ માને છે કે એ સ્ત્રીનું જીવન પવિત્ર હતું અને એટલે જ એ મૃત્યુ પામી ત્યારે એના ચહેરાનાં હાવભાવ શાંત અને સ્વસ્થ હતા. દ. મોપાસા લખે છે કે -એક અસીમ શાંતિ, એક દિવ્ય ઉદાસી, એક નીરવ નિર્મળતા એ મૃત સ્ત્રીની આસપાસ વીંટળાયેલી હતી.- હવે આગળ… )
થોડો લાંબો સમય પસાર થયો. બંને ઊભા થયા. પોતાની મૃત માતાને નીરખીને જોતાં રહ્યાં. અને તેમની યાદો, એ પુરાણી યાદો, એ ગઇકાલ જે ખૂબ જ વહાલભરી હતી અને… એમની આ આજ હતી, જે એમને પરેશાન કરી રહી હતી. અને તેઓનાં મનમાં આવી ચઢી માને લગત એ તમામ નાની નાની વિસરાયેલી વિગતો, એ અંગત અને એ જાણીતી વાતો. મૃત વ્યક્તિ સાથે જોડાયેલી વાતો આજે ફરી સજીવન થઈને પાછી ફરી રહી હતી. એમની મા હવે એમની સાથે વાત કરી શકે એમ તો નહોતી અને ત્યારે.. એમનાં શબ્દો, એમનું સ્મિત, એમનાં સંજોગો, એમનાં અવાજનો એ ઉતાર ચઢાવ, જાણે કે એ સઘળું ફરી સજીવન થઈ રહ્યું હતું. તેઓએ ફરી એકવાર મા તરફ નજર કરી. માનો ચહેરો શાંત અને ખુશ દેખાતો હતો. તેઓ યાદ કરી રહ્યા હતા માએ કહેલી વાતો, મા કહેતી ત્યારે એનાં ઉપર નીચે થતાં હાથ એમને યાદ આવ્યા, જાણે કે પસાર થતાં સમયને મા ઠપકારી રહી હોય; એ એવું ત્યારે કરતી જ્યારે એ કોઈ અગત્યની વાત એ ભારપૂર્વક કહેવા માંગતી હોય.
આ અગાઉ ક્યારેય નહીં કર્યો હોય એટલો પ્રેમ તેઓ બંને આજે એમની માને કરી રહ્યા હતા. પોતાના વિષાદની ઊંડાઈને એમણે તાગી અને ત્યારે એમને સમજાયું કે મા વિના હવે તેઓ કેટલાં એકલાં ‘ને અટૂલાં થઈ જવાના છે.
એમનો આધાર, એમની માર્ગદર્શક રહી હતી એમની મા. એમની જિંદગીનો એ સૌથી શ્રેષ્ઠ દાયકો હતો, જે અત્યારે નજર સામેથી વિલુપ્ત થઈ રહ્યો હતો. અત્યાર સુધી એમને એમની જિંદગી સાથે કોઈએ જોડીને રાખ્યા હોય તો એ એમની મા હતી, એમની મમ્મા. મા એમનાં પૂર્વજો સાથે જોડતી એક માત્ર કડી હતી. એની ખોટ હવે તેઓને આજીવન સાલવાની હતી. તેઓ હવે એકદમ એકાકી થઈ ગયા હતા, એકલા પડી ગયા હતા. તેઓ હવે પાછું ફરીને કોઈને જોઈ શકે એમ નહોતા.
સાધ્વી બહેને એના ન્યાયાધીશ ભાઈને કહ્યું: “તને યાદ છે, મમ્મા એના જૂનાં પત્રોને કાયમ વાંચતી રહેતી હતી; એ બધા પત્રો ટેબલનાં ખાનામાં જ છે. ચાલ, આપણે એક પછી એક એમને વાંચતાં જઈએ; માની બાજુમાં રહીને આજની રાત આપણે એમની જ જિંદગીને એક વાર જીવી લઈએ! આ એવું હશે કે આપણે રસ્તો ઓળંગીએ ભૂતકાળમાં પ્રવેશ કરીએ; માનાં પત્રો દ્વારા એમની મા, આપણાં દાદાદાદી, નાનાનાનીનો પરિચય કરીએ, જેઓને આપણે ખાસ ઓળખતા નથી પણ એમનાં પત્રો અહીં છે અને એ પત્રો વિષે મા ઘણી વાર વાત કરતી હતી, તને યાદ છે?”
ટેબલનાં ખાનામાંથી તેઓએ પીળાં કાગળનાં દસ નાના પેકેટ્સ બહાર કાઢ્યા. બધા પત્રો ખૂબ કાળજીપૂર્વક બાંધેલા હતા અને એક બીજાની બાજુમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખ્યા હતા. યાદોનાં એ અવશેષને તેઓએ પથારીમાં ફેંક્યા અને પછી એમાંથી એક સંપુટ પસંદ કર્યો, જેની ઉપર શબ્દ લખ્યો હતો: ‘ફાધર’.
એ બધા જૂનવાણી પત્રો, કૌટુંબિક કબાટનાં ખાનામાંથી મળી આવ્યા એ પત્રો, જેમાંથી કોઈ બીજી જ સદીની સુવાસ આવતી હોય એ પત્રો. પહેલો પત્ર શરૂ થતો હતો: ‘માય ડીયર’, બીજો ‘માય બ્યુટીફુલ લિટલ ગર્લ’, અન્ય પત્રોમાં સંબોધન હતું: ‘માય ડીયર ચાઇલ્ડ’ અથવા ‘ માય ડીયર ડોટર’. અને એકાએક સાધ્વી બની ગયેલી એની દીકરીએ પત્રોને મોટે અવાજે વાંચવાનું શરૂ કર્યું. મૃત માનો આખો ઇતિહાસ, એની નાજુક સ્મૃતિઓ. પથારી ઉપર કોણી ટેકવીને મા પાસે બેઠેલો ન્યાયાધીશ દીકરો માનાં મૃતદેહ તરફ અનિમેષ નજરે જોતો રહ્યો અને પત્રોનું પઠન સાંભળતો રહ્યો. એને લાગ્યું કે સ્થિર થઈ ગયેલું માનું મૃત શરીર ખુશ દેખાઈ રહ્યું છે.
સિસ્ટર યુલૈલી પોતાની જાતને અટકાવીને અચાનક કહ્યું:
“આ પત્રો માની કબર સાથે જ દફનાવવા જોઈએ. માનું કફન બનવું જોઈએ આ પત્રો કે જેમાં વીંટીને માનાં પાર્થિવ શરીરનું દફન કરીએ.” એણે પછી એક બીજો પત્ર સંપુટ ઊઠાવ્યો, જેની ઉપર કશું જ લખ્યું નહોતું. એણે એમાંથી એક પત્ર લઈ મક્કમ અવાજે વાંચવાની શરૂઆત કરી. “મારી પરમ વહાલી, હું તને બેફામ પ્રેમ કરું છું. પીડાની આ પરાકાષ્ઠા છે કે ગઈકાલથી તારી યાદ મને સતત ઘેરી રહી છે, સતાવી રહી છે. તારા હોઠ મારા હોઠને સાથે, તારી આંખો મારી આંખો સાથે અને તારી છાતીને હું મારી છાતી સાથે ચસોચસ ચીપાયેલા અનુભવી રહ્યો છું. હું તને ચાહું છુ, ચાહું છું! તેં મને પાગલ કરી દીધો છે. મારા હાથો ફેલાવી, મોં ફાડીને શ્વાસ લેવા માટે હું કોશિશ કરી રહ્યો છું, એક બેકાબૂ ઈચ્છા, એક તીવ્ર અભિલાષા છે કે હું ફરીથી તને મારા બાહોપાશમાં જકડી લઉં. મારું આખું શરીર અને મારો આત્મા તારા મિલન માટે પોકારી રહ્યો છે, ફરી તને પામવાની બેહદ ઉત્કંઠા છે મને. તારા ચુંબનોનો રસાસ્વાદ મેં હજી મારા મોંની અંદર અકબંધ સાચવીને રાખ્યો છે…….”
પથારી પર મૃત મા પાસે ઝુકીને બેઠેલાં ન્યાયાધીશ સીધા થયા. સાધ્વી બનેલી દીકરીએ આગળ વાંચવાનું અટકાવ્યું. ભાઈએ બહેનનાં હાથમાંથી પત્ર ખેંચી લીધો અને નીચે કોની સહી છે, એ જોવાની કોશિશ કરી. કોઇની સહી નહોતી. માત્ર એટલાં જ શબ્દો લખ્યા હતા, ‘એ માણસ, જે તને બેફામ ચાહે છે,’ પછી નામ હતું, ‘હેન્રી.’ જ્યારે એમનાં પિતાનું નામ તો રીને હતું. એનો અર્થ એ કે આ પત્ર એમનાં પિતા દ્વારા લખાયો નહોતો. દીકરાએ એ પત્ર સંપુટ ફંફોસીને બીજો એક પત્ર બહાર કાઢ્યો અને વાંચવાની શરૂઆત કરી: “હું તારા આલિંગન વિના, તારા પ્રેમ, તારા વહાલ વિના હવે જીવી શકું એમ નથી…” એ ઊભો થયો. કરડાકી ભરી નજરે ટીકી ટીકીને એ મૃત સ્ત્રી તરફ જોતો રહ્યો. સાધ્વી દીકરી પણ સ્થિર મૂર્તિની જેમ ઊભી હતી. થર થર કાંપતા આંસુઓ એની આંખોનાં ખૂણાં ભીંજવી રહ્યા હતા. એ એનાં ભાઈને જોઈ રહી, એ કાંઇ બોલે એની રાહ જોઈ રહી. ન્યાયાધીશ ભાઈ રૂમમાં હળવેથી ડગ માંડીને બારી તરફ ગયો અને બારી બહાર કાળી અફાટ રાતને નીરખતો ઊભો રહ્યો.
જ્યારે એ પાછો વાળ્યો ત્યારે સિસ્ટર યુલૈલી હજી પથારી પાસે જ ઊભી હતી, એનું માથું ઝૂકેલું હતું અને એની આંખોમાંથી આંસુ હવે સૂકાઈ ગયા હતા.
એ આગળ વધ્યો, ઝડપથી એ પત્રો એણે હાથમાં લીધા અને ટેબલનાં ખાનામાં ઘા કરીને નાંખી દીધા. પછી એણે માતાનો મૃતદેહ હતો એ પલંગ ઉપર પડદો પાડી દીધો.
પ્રભાતે સૂર્યપ્રકાશમાં ટેબલ પર બળતી મીણબત્તીનો પ્રકાશ ધૂંધળો દેખાવા માંડ્યો અને ત્યારે પુત્ર આરામખુરશીમાંથી ઊભો થયો. એક વાર પણ એણે મા તરફ જોયું નહીં. એ ન્યાયાધીશ હતો. દીકરા અને દીકરીનો એમની મા સાથેનો સંબંધ તોડવાની સજા ફરમાવતા એ ધીમેથી બોલ્યો: “ચાલ બહેન, આપણે હવે ચાલ્યા જઈએ.” (સમાપ્ત)
(નોંધ: ‘ગુજરાત સમાચાર’નાં સુજ્ઞ વાંચકોને વાર્તાનો અંત ફોડ ફાડીને સમજાવવાનો ન જ હોય. પણ કેટલીક શક્યતાઓ ઉપર ધ્યાન દોરવું છે. માતાને કામુક અને ઉત્કટ પ્રેમપત્રો લખનાર પુરુષ ‘હેન્રી’ છે જ્યારે એમનાં પિતાનું નામ તો ‘રીને’ છે. એટલે આ તો વ્યભિચાર થયો. એ રહસ્ય જાણ્યા પછી સંતાનોને માતા પ્રત્યે નફરત થઈ આવે છે. પણ એવું ન હોય કે માતાનો એમનાં પ્રેમી સાથેનો સંબંધ લગ્ન પૂર્વેનો હોય?… અને તો ય એક સ્ત્રી માટે લગ્ન પહેલાં કે લગ્ન પછી અન્ય પુરુષ સાથેનાં દૈહિક સંબંધ છિનાળું જ ગણાય? એક અન્ય શક્યતા એવી કે ‘હેન્રી’ અને ‘રીને’ બંને નામ એમનાં પિતાનાં જ ન હોઈ શકે? પુરુષનાં બે કે તેથી વધારે નામ પણ તો હોઈ શકે. દા.ત. આ વાર્તાનાં મહાન લેખક દ. મોપાસા. એમનું આખું નામ હેન્રી-રીને-આલ્બર્ટ- ગાય-દ-મોપાસા. અને એમ હોય તો આ પત્રનો લખનાર એની માતાનો પતિ ઉર્ફે એમનો પિતા જ ન હોઈ શકે?!! અમને તો લાગે છે કે ન્યાયાધીશ પુત્રએ પુરાવાની પૂરતી ચકાસણી કર્યા વિના જ માતાને સજા કરી દીધી.)
Image may contain: 1 person, closeup

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

ચોથું નોરતું+હિન્દી રંગમંચ અને ફિલ્મો એકસાથે કરનાર દિનેશ ઠાકુર*

ચોથું નોરતું
ગરબો
શબ્દો:યામિની વ્યાસ
સ્વર/સ્વરાંકન:સોનલ વ્યાસ
💐
ઢમ ઢમ ઢમકે રૂડા ઢોલ, રાત લંબાતી ચાલી
ઊગે ઊગે ના પરોઢ, રાત લંબાતી ચાલી
સૂરજ માને ભાલે ચમકે, સૂરજ દીવડે દીવડે ઝળકે
સૂરજ ઠેસ મારીને ઠમકે,સૂરજ રાસે રાસે રણકે
સૂરજ ગરબામાં ખોવાય ને રાત લંબાતી
ચાલી
એનું મનડું ઝાકમઝોળ, ને રાત લંબાતી ચાલી
સૂરજ ગરબામાં ખોવાય…
માનો ચૂડલો ખનકે લાલ,એમાં હીરલા જડયા બાર
ચૂડલો સૂરજને હરાવે,રાત લંબાતી ચાલી
સૂરજ ગરબામાં ખોવાય..
માની ડોકે ચંદન હાર,માંહીં મોતીડાં હજાર
હારલો સૂરજને હંફાવે,રાત લંબાતી ચાલી
સૂરજ ગરબામાં ખોવાય…
માની ઝાંઝરીયું રૂપાળી,છમછમ કરતી ઘૂઘરીયાળી
ઝાંઝર સૂરજને નચાવે,રાત લંબાતી ચાલી
એનું હૈયું નાગરવેલ,રાત લંબાતી ચાલી
ઊગે ઊગે
સૂરજ ગરબામાં…
યામિની વ્યાસ
0:21 / 3:59
Gargi Desai and 46 others
28 Comments
Like

Comment
Share

હિન્દી રંગમંચ અને ફિલ્મો એકસાથે કરનાર દિનેશ ઠાકુર*

હિન્દી રંગમંચ અને ફિલ્મો સાથે સંકળાયેલા દિનેશ ઠાકુરનો ૮ ઓગસ્ટે ૭૩મો જન્મ દિન. દિનેશજીએ ખુબ હિન્દી નાટકોનું નિર્દેશન કર્યું, તો નાટક, ટીવી અને ફિલ્મોમાં અભિનય પણ કર્યો. બાસુ ચેટરજી નિર્દેશિત ફિલ્મ ‘રજનીગંધા’ (૧૯૭૪)નું મુખ્ય પાત્ર તેમણે ભજવ્યું હતું. એ ફિલ્મને ફિલ્મફેરનો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ઉપરાંત ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ પણ મળ્યો હતો. તેઓ અનેક ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે દેખાયા હતા. તેમણે ‘ઘર’ (૧૯૭૮)ની કથા-પટકથા લખી હતી. જેને બેસ્ટ સ્ટોરીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
છત્તીસગઢના રાજનંદગાંવ (આ ગામનું નામ યાદ છે? રેડિયો સીલોન અને વિવિધ ભારતીના કાર્યક્રમોમાં ત્યાંથી ખૂબ ફરમાઇસ આવતી હતી.)માં ૮ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ તેમનો જન્મ. દિલ્હીની કિરોરીમલ કોલેજમાંથી તેઓ સ્નાતક થયાં, તેમને ત્યાંથી જ નાટકોનો નાદ લાગ્યો હતો. ગુલઝારની પહેલી ફિલ્મ ‘મેરે અપને’ (૧૯૭૧)માં દિનેશે અભિનય કર્યો હતો. તરત જ બાસુ ભટ્ટાચાર્યની પહેલી ફિલ્મ ‘અનુભવ’ (૧૯૭૧) અને ‘ગૃહ પ્રવેશ’ (૧૯૭૯)માં પણ તેમણે અભિનય કર્યો હતો. તેમની ખુબ સરાહના બાસુ ચેટરજીની ‘રજનીગંધા’માં અમોલ પાલેકર અને વિદ્યા સિંહા સાથે થઇ હતી. પછી એ નિર્દેશકોની ફિલ્મોમાં તેઓ અભિનય કરતા રહ્યા.
દિનેશ ઠાકુરના અભિનય વાળી ફિલ્મોની યાદીમાં મેરે અપને (૧૯૭૧), અનુભવ, રજનીગંધા, પરિણય, કાલીચરણ, ઘર, મીરા, ગૃહ પ્રવેશ, ધ બર્નિંગ ટ્રેન, આમને સામને, આજ કી આવાઝ, શાંતિ, આસ્થા, ફિઝા, નિગેહબાન (૨૦૦૫)ને યાદ કરી શકાય. ટીવી શ્રેણી ‘ન્યાય’ (૨૦૦૦) અને સૌથી જાણીતી ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ (૨૦૦૦)માં પણ તેમણે અભિનય કર્યો હતો.
મુંબઈમાં મરાઠી નાટકો ખુબ થતા હતા, થોડા ગુજરાતી થતા પણ મુંબઈમાં હિન્દી રંગમંચ જમાવવામાં જે થોડા રંગકર્મીઓએ કાર્ય કર્યું તેમાં દિનેશ ઠાકુરને જરૂર યાદ કરવા જોઈએ. તેમણે નાટ્ય સંસ્થા ‘અંક’ની સ્થાપના કરી હતી. જેનીફર કપૂરના પૃથ્વી થિયેટરની સ્થાપના ૧૯૭૮ માં થઇ ત્યારથી દિનેશ ઠાકુર વર્ષોવર્ષ ‘અંક નાટ્યોત્સવ’ કરતા રહ્યા.
દિનેશ ઠાકુરના યાદગાર નાટકોમાં ‘હાય મેરા દિલ’ (બ્રોડવે નું નાટક અને રોક હડસન અભિનીત ફિલ્મ ‘સેન્ડ મી નો ફ્લાવર્સ’ પર આધારિત), જિન્હેં લાહોર નહીં દેખા, ગીરીશ કર્નાડનું ‘તુગલખ’, બાદલ સરકારના ‘બાકી ઇતિહાસ’ અને ‘પગલા ઘોડા’, શ્રી રંગનું ‘સુનો જન્મેજય’, વિજય તેન્દુલકરના ‘જાત હી પૂછો સાધુ કી’, ‘ખામોશ, અદાલત ચાલુ છે’, અને ‘કમલા’, મોહન રાકેશનું ‘આધે અધૂરે’, શંકર શેષનું ‘રક્ત-બીજ’, મન્નુ ભંડારીનું ‘મહાભોજ’, મહેશ એલ્કુન્ચ્વારનું ‘આત્મકથા’, વસંત કાનેટકરનું ‘ગગનભેદી’, આગા હશ્ર કાશ્મીરીનું ‘હંગામાખેઝ’ તથા બી. એમ. શાહનું ‘શેહ યે માત’ યાદ કરી શકાય. (આ નાટકોમાંથી આ લખનારે ‘હાય મેરા દિલ’ વાળા અંગ્રેજી નાટક ‘સેન્ડ મી નો ફ્લાવર્સ’નું ગુજરાતી રૂપાંતર ‘પત્નીદાન’ અને તેન્ડુલકરનું ‘ખામોશ! અદાલત ચાલુ છે’ના રૂપાંતર-નિર્દેશન-અભિનય કર્યા હતાં.)
દિનેશ ઠાકુરનું નિધન કીડનીની નિષ્ફળતાને કારણે ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ થયું હતું.
શુભ સાહિત્યના પુસ્તક: ઓગસ્ટના સિતારા – નરેશ કાપડીઆ માંથી..
Image may contain: 1 person, eyeglasses and beard

Leave a comment

Filed under ઘટના, પ્રકીર્ણ