Category Archives: પ્રકીર્ણ

નવસર્જનને સુપેરે ચલાવવું અઘરું છે સાહેબ../ પરેશ વ્યાસ

अपना काम बनता
भाड़ में जाए जनता
-‘जय हो’ (2014)

‘ભાડમેં જાઓ’ આપણું દેશી તિરસ્કૃત તકિયાકલામ.. ઇંગ્લિશમાં ‘ગો ટૂ હેલ..’ ભારતમાં ભાડ નામનું ગામ છે કે નહીં એ તો ખબર નથી પણ અમેરિકામાં ‘હેલ’ નામનું ગામ જરૂર છે. હેલ એટલે નર્ક, પ્રેતલોક. પાપ કર્યા હોય તો મર્યા બાદ નર્કમાં જવું પડે અને સજા ભોગવવી પડે. અમેરિકામાં જીવતે જીવ ‘હેલ’માં જઇ શકાય છે. મિશિગન રાજ્યમાં કુલ ૨૬૬ માણસોની વસ્તી ધરાવતું હેલ નામનું નગર છે. વર્ષ ૧૮૩૮માં જ્યોર્જ રીવ્સ નામનાં માણસે અહીં પહેલી વાર અનાજની મિલ નાંખી હતી. ખેડૂતો પોતાનું અનાજ એને વેચાતું આપતા. પણ અનાજની કિંમતની જગ્યાએ જ્યોર્જ રીવ્સ ખેડૂતોને ઘરગથ્થું ગાળેલી દેશી વ્હિસ્કી આપતો. વ્હિસ્કી પીને ચકચૂર થયેલાં પોતાનાં પતિદેવને જોઈને પત્ની માથું કુટતી કે આ પાછા હેલ(નર્ક)માં જઈ આવ્યા.બસ, નગરનું નામ જ હેલ પડી ગયું. આજે તો આ નગર સહેલાણીઓ માટે હરવા ફરવાનું સ્થળ બની ગયું છે. નગરની વેબસાઈટ કહે છે કે આખી દુનિયામાં બીજા કોઈ પણ નગર કરતા અમારે ત્યાં જવા માટે સૌથી વધારે વખત કહેવામાં આવે છે. વાત તો સાચી છે. ગો ટૂ હેલ… તો સૌ કોઈ કહે છે. કેટલાંક તો અહીં ખાસ પરણવા આવે છે. ક્યાં પરણ્યાં? તો કહેવાય કે જહન્નમમાં! અહીં સો ડોલર ખર્ચ કરો તો એક દિવસ માટે મેયર પણ બની શકાય છે. અલબત્ત એ જ દિવસે એની પર તહોમતનામું મુકીને એને પદભ્રષ્ટ કરવામાં આવે છે. યૂ-ટ્યુબનાં કોમેડિયન એલીઝા ડેનિયલ હમણાં જ હેલ જઈને એક દિવસનાં મેયર બની આવ્યા. પોતે સમલિંગી એવા ડેનિયલે મેયર બનતા વેંત જ જાહેર કર્યુ કે આજથી હેલ નગરમાં ઉભયલિંગી સંબંધ પર પ્રતિબંધ. પુરુષ અને સ્ત્રી વચ્ચે શારીરિક સંબંધ બાંધવાની મનાઈ. એવા લોકો માટે હેલમાં આવવા પર પણ પ્રતિબંધ. હેલનાં મેયરે જો કે અમેરિકી પ્રેસિડન્ટ ટ્રમ્પને આમંત્રણ પાઠવ્યું કે કુછ દિનનો ગુજારીએ હેલમેં. હજી તો જાહેર જ કર્યું ત્યાં તો રાબેતા મુજબ ઠપકા દરખાસ્ત આવી અને એક દિવસના મેયર એલીઝા ડેનિયલ પદભ્રષ્ટ થયા.
સારું છે ગુજરાતનાં નગરોમાં એક દિવસના મેયર બનવાની વ્યવસ્થા નથી. નહીંતર એમને કેટકેટલી મુશ્કેલી પડત. તૂટેલાં રસ્તા મિડીયા તેમજ સોશિયલ મિડીયા પર છવાયાં હોય અને રોગચાળો માઝા મુકાતો હોય. સ્વાઇન ફ્લુથી રોજ કોઈ ને કોઈ મરે છે છતાં આપણે તહેવારની ઉજવણીમાં પરેજી પાળતા નથી. વરસાદથી લોકો હવે ત્રાસ્યા છે. સરકારને પણ લાગે છે કે આ તો આસમાની સુલતાની છે છતાં અમે બનતું બધું તો કરીએ છીએ. આ રસ્તા જરા તૂટ્યા તેમાં તો પસ્તાળ પડે છે. લોકોને કાંઈ સખ જેવું નથી. પણ સાહેબ, લોકોને સાચે જ સખ નથી. એમને નગર નામે નર્કાગાર ભાસે છે.
અમે ઈચ્છીએ છીએ કે રસ્તાનો ખાડો પૂરાય અને ગરીબના પેટનો ખાડો ય પૂરાય. અકસ્માત થાય તેવી સ્થિતિ જ ન થાય. નોટબંધી અને જીએસટીની આંટીઘૂંટીમાંથી નીકળીને ગરીબ પેટીયું રળે તો ઘણું. મચ્છરજન્ય રોગચાળો તો હતો જ. એમાં ડુક્કરિયા તાવ ઉમેરાયો. એનો ફેલાવો અટકાવવા સભાસરઘસ પર પ્રતિબંધ મુકી શકાય. અને મહાનુભાવોની મુલાકાતો પૂરતી મર્યાદિત સ્વચ્છતા અને આરોગ્ય ઝુંબેશ શું કામ? આવી ઝુંબેશ કાયમ અને સચરાચર હોવી જોઈએ. અમે જાણીએ છીએ કે આ અઘરું છે. કેપિટલ વર્કસ ઉર્ફે નવસર્જન સહેલું છે. પણ એ નવસર્જનને સુપેરે ચલાવવું અઘરું છે. ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સની વ્યવસ્થા ના હોય તો લોકો સરકાર માઈબાપને ઠપકો તો દઈ જ શકે. હેં ને? આજકાલ સરકારી પૈસે સરકારી સિદ્ધિઓની ચૂંટણીલક્ષી જાહેરાતો શરૂ થઇ ગઈ છે. ચૂંટણીને તો હજી વાર છે, સાહેબ!…. અને પછી વિકાસ ગાંડો થયો છે એવી વોટ્સએપી લાગણી વાઈરલ થાય છે. વિકાસ તો છે પણ એનો રોજબરોજનો નિભાવ અને એની મરામત થતી રહે તો સારું. આ કામ સૌથી કપરું છે. થાય તો કરો નહીં તો…. અમે તો ‘હેલ’નાં હેવાયાં છીએ જ. મારી ‘હેલ’ ઉતારો તો જાણું કે રાજ તમે ઊંચક્યો’તો વિકાસને…

What is hell?

Great infrastructure without operation and maintenance of it..

Image may contain: sky, cloud, tree and outdoor

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

Do not

2 ટિપ્પણીઓ

by | જુલાઇ 25, 2017 · 5:37 એ એમ (am)

સંસદથી સમૃદ્ધિ…? / પરેશ વ્યાસ

સંસદથી સમૃદ્ધિ…?
पक्ष औ’ प्रतिपक्ष संसद में मुखर हैं
बात इतनी है कि कोई पुल बना है                                                                                                                                            –  दुश्यन्त कुमार

પરેશ રાવલે કહ્યું કે સંસદનાં અનુભવે મારા અભિનયને એનરિચ (સમૃદ્ધ) કર્યો છે. યે બાબુરાવકા સ્ટાઈલ હૈ! અને…. આવતીકાલથી સંસદ શરૂ થાય છે. સંસદમાં પુલ બનાવવાની વાત હોય, બે કાંઠાને જોડવાની વાત હોય તો ય શાસક અને વિપક્ષ કડવાં વાદાકોદ કરતાં હોય છે. યે સંસદકા સ્ટાઇલ હૈ! શિયાળ તાણે સીમ ભણી અને કૂતરાં તાણે ગામ ભણી એવી કહેવત છે. આ કહેવતને લિટરલી લેવી નહીં. પણ કાંઇક એવી જ ખેંચતાણ સંસદમાં ચાલતી રહે છે. આવી અફ્તાતફરીમાં કોઈની ગુણવત્તા શી રીતે સુધરે? અથવા તો ઉત્કૃષ્ટતાને કોઇ શી રીતે પામી શકે? નેતા પરેશ રાવલ શું કરે છે? એની અમને ખબર નથી પણ અભિનેતા પરેશ રાવલ સામાન્ય રીતે કોમેડી કરે છે અથવા તો વિલની કરે છે. સંસદનાં અનુભવે એમને સારા કોમેડિયન બનાવ્યા છે કે કે સારા વિલન? એ તો રામ જાણે પણ ખુદ નરેન્દ્ર મોદીએ ચિંતા જતાવી હતી કે સંસદમાંથી વિનોદવૃત્તિ ગાયબ થઇ ગઈ છે. એટલે સાંસદ પરેશ રાવલની કોમેડી તો ઉત્કૃષ્ટ ન જ થઇ હોય. હેં ને? હા, કદાચ વિલનની ભૂમિકા અદા કરવામાં સંસદે એમને એનરિચ કર્યા હશે! કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની, ગુણવત્તા કે મૂલ્યમાં, સુધારો કે ઉન્નતિ થાય, તે સમૃદ્ધ થાય એને એનરિચ થયા, એવું  કહેવાય.  

સંસદમાં સભ્યો શું કરે? એવો સવાલ કોઇ પૂછે તો સાચું કહેજો, પહેલો વિચાર તમને શું આવે? એક જમાનો હતો જ્યારે સંસદમાં રમૂજ થતી. ઇંદિરા ગાંધીની કહેવું કે આપણાં પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ (ખાનગી ઔદ્યોગિક સાહસો) પ્રાઇવેટ વધારે છે અને એન્ટરપ્રાઇઝિંગ ઓછા છે; એમની સટીક સેન્સ ઓફ હ્યુમરનો પરિચય હતો. અટલ બિહારી બાજપાઇ સચોટ વાત આગવી રમૂજ સાથે એ રીતે કહેતા કે વિરોધીઓ વિરોધ ય ન કરી શકે. કોઇકે એમનાં વખાણ કરતા કહ્યું કે તેઓ અટલ છે. તેમણે તરત જવાબ દીધો કે અટલ (સ્થિર) તો હૂં, લેકિન બિહારી (વિહાર કરનાર) ભી હૂં!  સંસદમાં હવે એવું નથી. બધા જ રાજકારણીઓ પોતાની ભૂતકાળની ભવ્ય કામગીરીઓ અને સામેવાળાની ભૂતકાળની ભૂંડી કરતૂતો ગણાવવાની કોશિશ કરે છે. તેઓને સકારાત્મક અને હકારાત્મક ચર્ચામાં ભાગ્યે જ રસ છે. સંસદને કેવી રીતે ન ચાલવા દેવી?- એ કોઈ પણ વિપક્ષનો નિર્ધાર રહ્યો છે. ૨૦૧૪ પહેલાં પણ એવું હતું અને અત્યારે પણ એવું જ છે. પરેશ રાવલનું જે હોય તે પણ સંસદમાં ચર્ચા કરતા રાજકારણીઓ આપણને કોઈ પણ રીતે એનરિચ કરે એવી કોઈ સંભાવના મને દેખાતી નથી. આપણે એમની પાસે એ જ શીખવાનું કે આપણે એમની પાસે કાંઈ શીખવાનું નથી.  

આપણે એનરિચ થવું છે. માત્ર ધનદૌલત જ નહીં, વિચારથી, વાણીવર્તણુંકથી એનરિચ. શું કરવું? કોઈ પણ ઉંમર હોય મિત્રનો કોઈ વિકલ્પ નથી. હમઉમ્ર મિત્ર હોય તો વધારે સારું. તમે કાવ્ય હો તો સંગીત, તમે દ્રોપદી હો તો શ્રીકૃષ્ણ, તમે વીરુ હો તો જય, તમે ઇન્ડિયા હો તો ઇઝરાયલ, લાઈફ એનરિચમેન્ટ માટે મિત્રનું હોવું જરૂરી છે. એવો મિત્ર જેની સાથે તમે તમારી કોઈ પણ વાત શેઅર કરી શકો. તમારો ગમો અણગમો, તમારી ટેવ કુટેવ, તમારા સાહસ દુ:સાહસ સઘળું, વગર હિચકિચાટ, વગર કચકચાટ મજિયારું  કરી શકો. સારા પુસ્તકોની સોબત સરાહનીય છે. ઇન્ટરનેટ માહિતીનો દરિયો છે. એમાંથી મોતી વીણતાં આવડે તો એનરિચ થવાય; બાકી પાણી તો સાવ ખારું જ હોય. લેપટોપ, સ્માર્ટ ફોન કે ટીવી; આપણાં દૈનિક  સ્ક્રીન ટાઈમનું રેશનીંગ જરૂરી છે. નહીંતર અક્કલથી એનરિચની થવાની જગ્યાએ અક્કલનાં ઓથમીર થઇ જવાય. મોટીવેશન સ્પીકર રાશીદ ઓગન્લારુ કહે છે કે “કેટલાંક પોતાની જાતને મહાન બનાવવા મહેનત કરે છે. કેટલાંક એવા છે જે અન્યને મહાનતા મેળવવા મદદ કરે છે. આ બીજા પ્રકારનાં લોકો એવા છે જે દુનિયાને એનરિચ કરે છે.” આપણે અન્યને એનરિચ કરી શકીએ તેમ છીએ. તો પછી એમ કરીએ. તંઇ શું?!!

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, સમાચાર

સિક્સર અગેઇન્સ્ટ ઓડ્સ…. /પરેશ વ્યાસ

સિક્સર અગેઇન્સ્ટ ઓડ્સ….
દંગલમાં આમિર ખાન એવા પહેલવાનનાં પાત્રમાં છે જેની એક માત્ર ઈચ્છા છે કે એનો દીકરો કુસ્તીમાં ઓલિમ્પિક ગોલ્ડમેડલ જીતે. પોતે જે નથી કરી શક્યો એ એનો દીકરો કરે. પણ એને ત્રણ દીકરીઓ જ છે. દીકરો નથી. “મૈં હંમેશા યે સોચકર રોતા રહા કિ છોરા હોતા તો..દેશકે લિયે કુસ્તીમેં ગોલ્ડમેડલ લાતા, જે બાત મેરી સમઝમેં ના આઇ કી ગોલ્ડ તો ગોલ્ડ હોતા હૈ…છોરા લાયે યા છોરી!” આપને યાદ હશે જ કે રિઓ ઑલિમ્પિક્સ-૨૦૧૬માં શું થયું? ભારતનાં કુસ્તીબાજ છોરાઓ કાંઇ ઉકાળી ના શક્યા. ભારતની છોરી સાક્ષી મલિક કુસ્તીમાં બ્રોંઝ મેડલ જીતી લાવી.
થોડા વખત પહેલાં ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની આત્મકથા ‘એઇસ અગેઇન્સ્ટ ઓડ્સ’ પ્રકાશિત થઇ. એઇસ એટલે ટેનિસમાં ખેલાડી સર્વિસ કરે પણ સામેનો ખેલાડી પ્રતિકાર ન કરી શકે ત્યારે મળતો પોઇંટ. અને ઓડ્સ એટલે અસમાનતા, વિષમતા. જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઇ સાનિયાને ટીવી ઇન્ટર્વ્યૂમાં સવાલ પૂછી બેઠાં’તા કે “ક્યારે સેટલ થશો? રીટાયરમેન્ટ, માતૃત્વ, બાળઊછેર વગેરે..તમારી આત્મકથામાં આ બધી વાતો કેમ નથી?” સાનિયાએ સામો સવાલ પૂછ્યો કે “તમે નિરાશ થયા છો? એટલાં માટે કે મેં માતા બનવા કરતા ટેનિસમાં વર્લ્ડ નંબર વન બનવાનું શા માટે પસંદ કર્યું? સ્ત્રી ગમે તેટલાં વિમ્બલ્ડન્સ જીતે, વર્લ્ડ નં.વન બને પણ એ સેટલ થયેલી ત્યારે જ ગણાય જ્યારે એ લગ્ન કરે, માતા બને.” રાજદીપનાં ઓડ સવાલ સામે સાનિયાનો આ એઇસ જવાબ હતો. રાજદીપે માફી માંગી. ઘણાંને લાગશે કે રાજદીપ તો નોર્મલ સવાલ પૂછી રહ્યા હતા. આ તો સાનિયાએ ઓડનું ચોડ કર્યું. આપણી માનસિકતા ક્યારે બદલાશે?
અત્યારે ઇંગ્લેંડમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી છે. ઘણાંને થશે કે એ તો પતી ગઇ અને આપણે ફાઇનલમાં પાકિસ્તાન સામે શર્મનાક રીતે હારી પણ ગયા હતા. અત્યારે એનું શું છે? અરે ભાઇ, એ ભાઇઓની ક્રિકેટ હતી, અત્યારે વિમેન્સ ટૂર્નામેન્ટ ચાલી રહી છે. આપણી કેપ્ટન મિથાલી રાજ વન ડે ક્રિકેટમાં સતત સાત ફિફ્ટીઝ રન કરવાનો રેકોર્ડ ધરાવે છે. ઓલ ટાઇમ સેકન્ડ હાઇએસ્ટ રન ગેટર રેકર્ડ પણ એનાં નામે છે. ઇંગ્લેંડ સામેની મેચ જીત્યા બાદ પત્રકાર પરિષદમાં એક ચોખલિયા પત્રકારે પૂછ્યું કે “તમારો પ્રિય પુરુષ ક્રિકેટર કોણ છે?” મિથાલીએ સામો સવાલ કર્યો કે “તમે આવો સવાલ કોઇ પુરુષ ક્રિકેટરને પૂછશો?” પત્રકારને કાંઇ સમજાયું નહીં. એણે ફરીથી એ જ સવાલ અલગ શબ્દોમાં પૂછ્યો. મિથાલીએ ચોખવટ કરી કે “તમે મને પૂછો છો કે મારો પ્રિય પુરુષ ક્રિકેટર કોણ છે? તમારે એમને પૂછવું જોઇએ કે એમની પ્રિય સ્ત્રી ક્રિકેટર કોણ છે?” વાત તો સાચી છે. મિથાલી માથાભારે છે. હોવી જ જોઇએ. ભારતીય ટીમ બધી મેચ જીતી રહી છે. ટ્રોફી પણ જીતી જશે. અને છતાં એ રાજદીપિયા પત્રકારનાં મતે સ્ત્રી ક્રિકેટરની પોતાની જાણે કે કોઇ ઓળખ જ નથી.
વીસ વર્ષની સ્મૃતિ મંધાના આપણી સ્ટાર ઓલરાઉન્ડર છે. વેસ્ટ ઇંડિઝ સામેની મેચમાં સ્મૃતિએ અગિયાર ચોગ્ગા અને બે છગ્ગા સાથે સેન્ચુરી ફટકારી તે પછી બીબીસીનાં પત્રકારે એને એક સિમ્પલ સવાલ પૂછ્યો. “તમને લાગે છે કે ભારત આ ટૂર્નામેન્ટ જીતશે?” જવાબમાં સ્મૃતિએ ફટ કરતા સામો સવાલ પૂછ્યો, “શું? તમને નથી લાગતું?” વ્હોટ અ કોન્ફિડન્સ! એક ક્રિકેટ રસિયાએ ટ્વીટર પર સ્મૃતિને સહેવાગની સ્ત્રી આવૃત્તિ તરીકે નવાજી ત્યારે સહેવાગે એ ક્રિકેટ રસિયાની કોમેન્ટ સુધારતા ટ્વીટ્યું કે “સ્મૃતિ તો પોતાની જ પ્રથમ આવૃતિ છે અને રીઅલી સ્પેશિયલ છે.”
સાહિર લુધિયાનવી ભલે સ્ત્રીઓની સ્થિતિ વિષે ‘બહૂ બેગમ’ ફિલ્મ (૧૯૬૭)નાં ગીતમાં લખી ગયા કે દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દે? પણ આજકાલ આપણી છોરીઓ કાઠું કાઢી ગઇ છે. સવાલ સામે સામો સવાલ કરે છે. માનસશાસ્ત્રમાં એને સોક્રેટિક ક્વેશ્ચન્સ કહે છે. એવા સવાલ જે સામાવાળાને વિચારતા કરી મુકે. ફિલોસોફર લેખિકા આયન રેન્ડનું કથન સાચું પડી રહ્યું છે. સવાલ એ નથી કે કોણ મને આવવા દેશે? સવાલ એ છે કે કોણ મને રોકી શકશે?

Maruti Kotwal

औरत की ताकत

एक रात प्रेसिडेंट ओबामा अपनी पत्नी मिशेल के साथ कैज़ुअल डिनर पर एक होटल गए। होटल मालिक ने सीक्रेट सर्विस कमांडोज़ से मिसेज ओबामा से बात करने की रिक्वेस्ट की। मिशेल होटल मालिक से मिली बात की।

जब लौट कर आईं तो ओबामा ने मिशेल से पुछा कौन है क्या कह रहा था तुमसे बात करने में इतना इंट्रेस्टेड क्यों था। मिशेल ने कहा टीनऎज दौर में वो मुझको पागलों की तरह बेइंतिहां चाहता था l

राष्ट्रपति ओबामा बोले अगर तुम इससे शादी कर लेतीं तो इस खूबसूरत होटल की मालकिन होतीं।

मिसेज ओबामा मिशेल ने बेहतरीन जवाब दिया- बोलीं नहीं अगर मैं इससे शादी कर लेती तब तुम्हारी जगह ये अमेरिका का राष्ट्रपति होता।

और अंत में…

तेरे पास जो है,
उस की क़द्र कर;
यहां आसमां के पास भी,
खुद की जमीं नहीं है….

1 ટીકા

Filed under ઘટના, પ્રકીર્ણ, વાર્તા, સમાચાર

ફેબ્યુલિસ્ટ: સજન રે જૂઠ તુમ બોલો… ! /પરેશ વ્યાસ

ફેબ્યુલિસ્ટ: સજન રે જૂઠ તુમ બોલો… !  

જૂઠ પણ સાપેક્ષ છે ને સાચ પણ સાપેક્ષ છે,
તું જરા થંભીને જો કે રાસ પણ સાપેક્ષ છે.

-અશરફ ડબાવાલા

સાપેક્ષ એટલે જેની સ્વતંત્ર હસ્તી નથી તેવું. સાચું શું? જૂઠ્ઠું શું?-એ તો સમય અને સંજોગ પર અધારિત છે. કેટલાંક વ્યવસાય એવાં હોય છે કે જે જૂઠ પર જ નભે છે. શાહરૂખ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પચીસ વર્ષ પૂરાં કર્યા તે નિમિત્તે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે “હું એક્ટર છું. હું ધારું તે કરું છું. હું પ્રોફેસનલ લાયર (ધંધાદારી જૂઠ્ઠો) છું. મારા કહેલાં હર કોઈ જૂઠમાં મને પૂર્ણ શ્રદ્ધા છે.” વાત તો સાચી છે. ફિલ્મ્સમાં અભિનેતા એ કરી બતાવે છે જે રીઅલ લાઇફમાં કોઇ કરી શકે તેમ નથી. સફળ અભિનેતા જૂઠ્ઠાણાં વેચે છે. આપણે ‘રાજ’ કે ‘રાહુલ’નાં પાત્રને જોઇને હરખાઇ જઇએ છે. રૂપસંદરી નાયિકાને એ પળમાં આંખો પટપટાવીને પટાવી લે છે.  દસ વીસ ગુંડાઓને એ એકલે હાથે ઢીશૂમ ઢીશૂમ કરીને સ્ટાઇલથી પછાડી શકે છે. બહેતરીન ગીતો ગાય છે. અફલાતૂન ડાન્સ કરે છે. ખોટ્ટાડો…હેં ને?!  પ્રોફેસનલ લાયર! અમે એ શબ્દ વિષે વિચારવા લાગ્યા. જેમનો ધંધો જ લોકોને ગમે તેવા જૂઠ્ઠાણાં હાંકવાનો છે એ ‘પ્રોફેસનલ લાયર’ (Professional Liar) શબ્દનાં અર્થ માટે ઈન્ટરનેટ ફેંદી વળ્યા. અર્બન ડિક્સનરી અનુસાર એનો એક અર્થ થાય છે એવો જૂઠ બોલનારો કે જે મનઘડંત આધાર પૂરાવા રજૂ કરીને જૂઠને એવા આત્મવિશ્વાસ સાથે વાત કરે કે એને સાંભળનારાઓ એ કહે તે સાચું જ માની લે. અથવા સાચું માનવા પ્રેરાઈ જાય. પ્રોફેસનલ લાયર શબ્દનો બીજો અર્થ મઝાનો છે. અર્બન ડિક્સનરી અનુસાર પ્રોફેસનલ લાયર એટલે રાજકારણી. ચૂંટણી વેળા વાયદા કરે, મોટી મોટી ફેંકે, પછી ચૂંટાઇ જાય એટલે વાયદા પૂરાં તો નહીં  કરી શકે પણ લોકોને સતત કહ્યે તો રાખે જ કે “અમે આ કર્યું, અમે તે કર્યું, સૌની જિંદગી અમે બહેતર કરી વગેરે. અમે એટલે….”  રાજકારણીઓ માટે જૂઠ બોલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એ સાચું બોલે તો તો ચૂંટણી હારી જાય. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ શાસનને માંડ પાંચ મહિના થયા ત્યાં ગયા અઠવાડિયે જ ન્યૂયોર્ક ટાઈમ્સે એમનાં બોલેલા જૂઠને છાપવાની કોશિશ કરી તો છાપાનું આખું પાનું ભરાઈ ગયું. લો બોલો! આ નેતા અને આ અભિનેતા ધંધાદારી જૂઠાં હોય છે. એમને એવા હોવું પડે છે.

જૂઠ બોલનારા માટે ઇંગ્લિશ ભાષામાં ‘લાયર’ ઉપરાંત એનાં ૧૬૪ સમાનાર્થી શબ્દો છે. જેવું જેવું  જૂઠ એવો એવો એ બોલનાર માટે ખાસ શબ્દ. આ બધાં શબ્દો વિષે લખીએ તો તો થેસિસ લખાઇ જાય અને ગુજરાત યુનિવર્સિટી અમને પી.એચડી.ની પદવી પણ આપી દે. પણ અમે જૂઠને અમારો પ્રોફેસનનો આધાર બનાવવા માંગતા નથી એટલે ‘પ્રોફેસનલ લાયર’નાં સમાનર્થી શબ્દો શોધતા અમને જડેલાં કેટલાંક શબ્દોની જ વાત કરવી છે. આ શબ્દો છે: ટેલર ઓફ અન-ટ્રુથ(અસત્યનો કહેનારો), સ્પિનર ઓફ યાર્ન (‘જૂઠ’નાં સૂતરનો કાંતનારો), પ્રીજ્યુરર (સત્ય કહેવાના સોગંદ લીધા છતાં જાણી જોઇને જૂઠ્ઠું બોલનારો), ફેબ્રિકેટર (ખોટા પુરાવા આપીને ખોટું ચિત્રનો નીપજાવનારો), ફિબસ્ટર (વાતે વાતે અથવા તો ક્ષુલ્લક કે છૂટક વાતે પણ જૂઠ્ઠું બોલનારો) , સ્યુડોલોજિસ્ટ (ગોઠવણપૂર્વક કે મુદ્દાસર જૂઠ્ઠું કહેનારો), ઇક્વિવોકેટર (ભારેખમ શબ્દોથી સત્ય પર સફળતાપૂર્વક ઢાંકપિછોડો કરી શકનારો), પ્રીવેરિકેટર (ઉડાઉ જવાબ આપીને સત્ય કહેવાનું ટાળનારો), પેથોલોજિકલ લાયર (આદત-સે-મજબૂર જૂઠ્ઠું બોલનારો) વગેરે. આ પૈકી એક મઝાનો શબ્દ છે ફેબ્યુલિસ્ટ. આ શબ્દ કદાચ ‘પ્રોફેસનલ લાયર’ શબ્દની સૌથી નજીક અથવા નેતા કે અભિનેતાનાં જૂઠને કહેવા માટે એનાથી સારો શબ્દ છે. શાહરૂખ ખાને પોતાનાં ઇન્ટરવ્યૂમાં પોતાને પ્રોફેસનલ લાયરની જગ્યાએ ફેબ્યુલિસ્ટ (Fabulist)  કહ્યો હોત તો વધારે અપ્રોપ્રિયેટ હતું.

ફેબ્યુલિસ્ટમાં મૂળ શબ્દ છે ‘ફેબલ’ (Fable). ગુજરાતી લેક્સિકોન અનુસાર ફેબલ એટલે કાલ્પનિક કથા કે વાર્તા, નાનકડી બોધકથા, દંતકથા, નૈતિક બોધવાળી પ્રાણીકથા, -ની કથા રચવી, –રચીને પ્રખ્યાત કરવું. મૂળ લેટિન શબ્દ ‘ફેબ્યુલા’ એટલે ‘એ જે કહેવામાં આવે’. ફેબલ એટલે વાર્તા, નાટક, કહાની વગેરે. એ તો કાલ્પનિક જ હોય. ઘડી કાઢેલી જ હોય. એટલે સાચી ના હોય. એટલે ફેબલનો એક અર્થ થાય જૂઠ્ઠી વાત. પણ એ હોય ભવ્ય.  ઈંગ્લિશ શબ્દ ‘ફેબ્યુલસ’ પણ એ પરથી જ આવેલો શબ્દ. અને ‘ફેન્ટાસ્ટિક’  (ઉત્તમ, સાદી સમજથી વિપરીત) તેમજ ‘ફેબ્યુલસ’ (અસાધારણ કે આશ્ચર્યકારક)નાં સંયોજનથી બનેલો શબ્દ ‘ફેન્ટાબ્યુલસ’નાં મૂળમાં પણ ફેબલ શબ્દ છે. ફિલ્મી કલાકાર કે પછી રાજકારણી…જૂઠ્ઠું તો બોલે જ. મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર ‘ફેબ્યુલિસ્ટ’નો એક અર્થ થાય ફેબલ લખનારો લેખક અને બીજો અર્થ થાય જૂઠ્ઠું બોલનારો માણસ.

નેતા એવમ્ અભિનેતા માટે જૂઠ્ઠું બોલવું જરૂરી છે. એટલું જ નહીં એમણે બોલેલું જૂઠ જનતા જનાર્દનને સાચું પણ લાગવું જોઇએ. તમને જો એ ના આવડતું હોય તો નેતા કે અભિનેતા બનવાની તમારી લાયકાત નથી. જૂઠ બોલવાનાં કેટલાંક નિયમો છે.  ફાયદો દેખાતો હોય ત્યાં જ અને તો જ, જરૂરિયાત અનુસાર, માફકસર જૂઠ્ઠું બોલવું. કાયમ જૂઠ્ઠું બોલ્યા કરશો તો પકડાઇ જવાનાં ચાન્સિસ વધારે છે. પછી તો તમારી સાચી વાત ય કોઇ ના માને! જૂઠ્ઠું બોલવું એ ખાંડાનાં ખેલ છે, ખાવાનાં ખેલ નથી. જૂઠ્ઠું બોલતા પહેલાં વિષયની પૂરેપૂરી જાણકારી મેળવી લેવી જરૂરી છે. એટલું જ નહીં પૂરતી પ્રેકટીસ કરી લેવી. કોન્ફિડન્સ આવી જવો જોઈએ. કશું ય હચુડચુ ના ચાલે. જૂઠ્ઠું બોલવામાં કોઈ ગુનો નથી, એવી અનુભૂતિ સતત થતી રહેવી જોઈએ. એમાં અર્ધસત્ય ભળેલું હોય તો વધારે સારું કારણ કે અર્ધસત્ય મિશ્રિત જૂઠ ભાગ્યે જ પકડી શકાય છે. જેની સામે તમે જૂઠ્ઠું બોલવા માંગો એની રગે રગથી વાકેફ થઇ જાવ. એમની દુ:ખતી રગ પકડાઈ જાય એટલે તમારું કામ આસાન થઇ જાય. જૂઠ્ઠું બોલાતી વેળા હાથનાં, આંખના હાવાભાવ શંકાસ્પદ ના હોવા જોઈએ. સામાવાળા સાથે આંખમાં આંખ મિલાવીને જૂઠ્ઠું બોલવું જોઈએ. અને છેલ્લે, પકડાઈ જવાય એવું લાગે તો વાતને સલૂકાઈથી બદલી નાંખવાની કે પછી સામેવાળાને ઇમોશનલ બ્લેકમેઇલ કરી શકવાની ક્ષમતા હોવી જરૂરી છે.  

જૂઠ્ઠું બોલવું પથ્થરમાં પ્રાણ પૂરી શકે છે. અમને તો લાગે છે કે આ દુનિયા એક મોટું જૂઠ છે. ઉપરવાળો સતત જૂઠ્ઠાણાંનો ઓવરડોઝ આપીને આપણને બહેકાવી રહ્યો છે, બહેલાવી રહ્યો છે. અજબ જાદૂ છે કે આપણે એ સાપેક્ષ રાસને નિહાળવા હાથ બાળીને અજવાળું કરતા નરસિંહ મહેતા છીએ. ઇશ્વર જેવો મહાન ફેબ્યુલિસ્ટ બીજો કોઇ નથી.

શબ્દ શેષ:

“મહાન  જૂઠ્ઠાંબોલાઓ મહાન જાદૂગર પણ હોય છે.” – સરમુખત્યાર એડોલ્ફ હિટલર  .Displaying maxresdefault (3).jpg

1 ટીકા

Filed under ઘટના, પ્રકીર્ણ

જબ ધે મેટ, તબ ધે ભેટ….! / પરેશ વ્યાસ

જબ ધે મેટ, તબ ધે ભેટ….!
ભભૂતિ શું ભરપૂર ભેટી લઉં છું,
સકળને સમૂળું સમેટી લઉં છું.                                 – રાજેન્દ્ર શુક્લ

તમે કોઈને પહેલી વાર સદેહે મળો તો શું કરો? દૂરથી નમન કરો, નમસ્કાર કરો, પ્રણિપાત, વંદન, રામરામ કે પછી લટકતી સલામ?  કે પછી હસ્તનું ધૂનન કરો?  અને જો એમ કરો તો સામાવાળાનો હાથ હળવેકથી પકડો? કે પછી જોરથી જક્ડી રાખો, લંબરૂપ હલાવ્યે રાખો, સામાવાળો કંટાળી જાય પણ તમે એને ઝટ દઈને છોડો નહીં?  કે પછી… ભેટી પડો, વહાલી વહાલી કરો અથવા તો ગળે મળો?  બધો આધાર મળનારાઓનાં મન ઉપર છે, સાહેબ… મળનારો ખાસ અંગત હોય તો એને હાથોમાં લઈને છાતી સરસું  ચાંપો, જેને ભેટણું ય કહેવાય, ર.પા.નાં શબ્દોમાં બથમાં લેવું  ય કહેવાય અને હરીન્દ્ર દવેનાં શબ્દોમાં  આલિંગન ય કહેવાય.  આલિંગન બાહ્ય રતિની  સાત પ્રક્રિયાઓ પૈકી પહેલી પ્રક્રિયા છે. બીજી છ પ્રક્રિયાઓ કઈ છે? એ ફરી કોઈ વાર. આ લેખ સાથે એ અપ્રસ્તુત છે કારણ કે આ પુરુષ અને સ્ત્રી નહીં પણ નકરાં પૌરુષત્વથી ખદબદતા બે કદાવર વિશ્વનેતાના પ્રથમ સન્મુખ મિલનની વાત છે. આ રોમાન્સ નથી. બ્રોમાન્સ? હોઇ શકે!  

નરેન્દ્ર અને ડોનાલ્ડ. નરેન્દ્ર એટલે મહારાજા, નરમાં ઇન્દ્ર જેવો પુરુષ, નૃપતિ. અને ડોનાલ્ડ એટલે દુનિયાનો ચલાવનારો, દુનિયાનું નિયમન કરનારો. મૂળ સ્કોટીશ નામ ડોમ્નહોલ. ઇન્ડો-યુરોપિયન પ્રોટો- સેલ્ટીક ભાષામાં ડોમ્નો એટલે દુનિયા અને ઉલ્હોસ એટલે શાસન કરનારો.  એ પરથી ડોનાલ્ડ એટલે વિશ્વશાસક.  બન્ને મળ્યા તે પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને  નરેન્દ્ર- માય –ટ્રુ-ફ્રેન્ડ (સાચો મિત્ર) કહી નાંખ્યા હતા. પછી જયારે તેઓ મળ્યા ત્યારે ભેટી પડ્યા. સકળને સમૂળું સમેટીને ભેટી પડ્યા.

ભેટવાને ઇંગ્લિશમાં હગ કરવું કહેવાય છે. હગ કરવું જોઇએ? જાણકારો કહે છે કે દિનમાં આઠ વાર હગ કરવું સ્વાસ્થ્ય માટે લાભકારક છે. હિંદી ફિલ્મનાં કોમેડિયન એક્ટર દેવેન વર્માએ કહ્યું’તું કે ફિલ્મમાં સારામાં સારો રોલ હીરોઇનનાં બાપનો છે. હીરોઇનને વળગીને કહી તો શકાય કે, બેટી, તૂને યે ક્યા કિયા?!! જેમ યોગ ઉપયોગી છે, જેમ મુક્ત હાસ્ય અક્સીર થેરપી છે એમ ભેટવું પણ તન અને મન માટે સાષ્ટાંગ ફાયદેમંદ છે. ભેટવું, ભેટી પડવું,  આપણને લેટ-ગો કરવાનું શીખવાડે છે. ભેટવાથી શરીરમાં જીવઊર્જાનો સંચાર થાય છે. ભેટવું એ સંબંધોમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ છે. ભેટવાથી સહભાવ અને સમજણ વધે છે. ભેટવું એટલે આપવું અને પ્રાપ્ત કરવું. લેણદેણની વાત છે આ. ભેટવાથી સ્નાયુઓ રીલેક્સ થાય છે. મજ્જાતંત્રનાં સોફ્ટ સ્નાયુઓમાં લોહીનું ભ્રમણ વધે છે. ચેતાતંત્રમાં  બેલેન્સ જળવાય એટલે જ ભેટવું દુ:ખણાંનું હરનારું છે. ભેટવું આત્મસન્માનનું દ્યોતક છે. ભેટવાથી ઓક્સિટોસિન ઝરે છે. આ લવ હોર્મોન છે. પિટ્યૂઇટરી ગ્લેન્ડમાંથી ઝરતું ઓક્સિટોસિન સામાજિક ગઠબંધનનું પુરસ્કર્તા છે. એનાથી સાલસતા, નિખાલસતા, સુરક્ષિતતા વધે છે. ગુસ્સો ઘટે છે. સંવાદનો સેતુ સરળતાથી સર્જાય છે. દીર્ઘકાલીન ભેટવાની ક્રિયા મગજમાં સેરોટોનિનનું પ્રમાણ વધારે છે. સેરોટોનિન એવું રસાયણ છે જે મૂડને મસ્ત મઝાનો કરી નાંખે છે. મૂડ સારો હોય તો ખુશી તો આપમેળે આવી જ જાય. હેં ને?

બાળકોને ભેટીએ તો હળવેથી ભેટવું. અહીં જકડી લેવાની જરૂર નથી. ભેટવા દરમ્યાન હાથને હળવેથી એની પીઠ પર પસારી શકાય. પ્રેમીઓ ભેટે તો દોડીને વળગી પડે, પ્રેમિકા જો વજનદાર ના હોય તો એને ઊંચકી ય શકાય. છોકરીઓને ટાઇટ હગી ગમે છે. પણ મુશ્કેટા()ટ હગી મુશ્કેલી કરી શકે! પુરુષો પુરુષો ભેટે તો સામાન્ય શિરસ્તો એવો કે એકમેકની પીઠ બે વાર થપથાવવી. જો સામાવાળાને અગાઉ ભેટ્યા ના હોઇએ તો પૂછ્યા વિના ભેટ્વું નહીં. અને હા, ભેટવા ટાણે સ્મિત કરવું, સ્મિત કરતા રહેવું કમ્પલસરી છે. કોઇ પણ પ્રકારનાં ભેટવામાં ભેટીને તરત છૂટા થઇ જવું બેડ મેનર્સ ગણાય છે. અમેરિકન એક્ટ્રેસ ડ્ર્યુ બેરીમોર તો કહે છે કે ‘ઓહ, આઇ લવ હગ્ગિંગ. મને તો થાય કે હું ઓક્ટોપસ હોત તો કેવું સારું હોત. એક સાથે દસ લોકોને ભેટી તો શકત !’   

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

July 2017 +સાધુ વાણિયો બીજા જન્મે અમેરિકામાં courtesyNAVIN BANKER

સાધુ વાણિયો બીજા જન્મે અમેરિકામાં   / 

સાધુ વાણિયો બીજા જન્મે અમેરિકામાં
 
એક વખતે, અયોધ્યાની નજીક આવેલા, નૈમિષારણ્યમાં રહેનારા શૌનકાદિ ઋષિયો, સંપુર્ણ પુરાણોના જાણકાર એવા સુત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા  કે ‘શ્રુતેન ‘તમસા કિં વા પ્રાપ્યતે વાંચ્છિતં ફલમ ‘ એટલે કે વાંછિત ફળ મેળવવા ઝાઝી મહેનત કર્યા વગર, અમેરિકામાં મીલીયન્સ ડોલરના સ્વામિ કેવી રીતે બની શકાય એ અંગે અમને માર્ગદર્શન આપો’.
 
શૌનકાદિનો પ્રશ્ન સાંભળીને સુતમુનિએ કહ્યું કે કોઇ કાળના વિષે, દેવ ઋષિ નારદજીએ પણ વૈકુંઠમાં શ્રીકૃષ્ણ ભગવાનને એવો જ પ્રશ્ન કરેલો ત્યારે ભગવાને તેમને આ અંગે , ભારતવર્ષના નૈમિષાનંદ ભારતી પાસેથી આ પ્રશ્નનો ઉત્તર મેળવવાની આજ્ઞા કરી હતી. દેવર્ષિ નારદે, આ નૈમિષાનંદભારતી ક્યાં  મળશે એમ પૃચ્છા કરતાં, ભગવાને તેમને અમેરિકાના  ટેક્સાસ રાજ્યના,  હ્યુસ્ટન શહેરની હવેલીના બાંકડા પર કોઇને પણ પુછવાથી આ નૈમિષાનંદ ઉર્ફે નિત્યાનંદભારતી ઉર્ફે નિત્યસહસ્ત્રલીલાનંદ એવા અનેકવિધ નામે ઓળખાતા  N.B. ને મળવાનું કહ્યું.
 
દેવર્ષિ નારદ અને સુત મુનિને આ પ્રશ્નનો જે જવાબ મળ્યો હતો એ હું તમને કહું છું તો તમે બધા સાવધાન થઈને, સાંભળો.
 
સત્યનારાયણ ભગવાનની કથામાં પેલી કલાવતી અને લીલાવતીવાળા સાધુ વાણિયાની વાત આવે છે તે સાધુ વાણિયો બીજા જન્મમાં, ડોલર કમાવા માટે અમેરિકાના એક શહેરમાં આવ્યો હતો.કઈ રીતે આવ્યો હતો એની વાત એક નવલકથા જેટલી લાંબી છે એટલે અહીં અસ્થાને ગણાશે.
 
આ બાજા જન્મમાં, સાધુ વાણિયો, ડાકોરના રણછોડરાયજીના મંદીરમાં સેવકના ઘરમાં જન્મ્યો હતો.
કામધંધો નહીં હોવાના કારણે, ગામમાં જે કોઇ કથાકાર કથા કહેવા આવે કે મોરારિબાપુ જેવા રામકથા સંભળાવે એ બધું સાંભળી સાંભળીને એને એ બધી વાતોની મીમીક્રી કરવાની ફાવટ આવી ગયેલી. થોડું સંસ્કૃત પણ ગામની શાળામાં ભણેલો એટલે રામચંદ્ર જાગુષ્ટેની ધાર્મિક ચોપડીઓ વાંચીને તથા દાદીમાની વાર્તાઓ સાંભળીને ધાર્મિક ગનાન ( જ્ઞાન નહીં ) તો હતું જ.
 
કોમર્શિયલ એરીઆમાં, ઓફીસો ભાડે આપેલ એવી એક નાનકડી ઓરડીમાં, એક વિદ્વાન આચાર્ય,  એક કાળા પથ્થરને  શીવજીનું લીંગ દર્શાવીને પુજાપાઠ કરતા હતા અને ભારતના ગામડાઓમાંથી આવેલા અર્ધદગ્ધ અને અંધશ્રધ્ધાળુઓ ઘંટ વગાડીને પુજા કરવા આવતા. તેમની સાથે, આપણો સાધુ પણ સાફસુફી અને વાસણો ધોવા તથા મંદીરની દેખરેખ રાખવાનું કામ કરવા લાગ્યો. વિદ્વાન આચાર્ય બહારના શ્રધ્ધાળુને ત્યાં પુજાપાઠ કરવા જાય ત્યારે સાધુ દર્શનાર્થે આવતા લોકોને પુજા કરાવતો અને બે પૈસા દક્ષિણા મેળવતો. મંદીરમાં ગાર્બેજ ઉપાડવા અને સાફસુફી કરવા આવતી એક મેક્સીકન સીટીઝન યુવતી સાથે આંખ લડી જતાં, તેની સાથે લગ્ન કરી લીધા અને ગ્રીનકાર્ડ પણ મેળવી લીધું.
 
હવે અનુભવે કરીને સાધુ પણ સત્યનારાયણની પુજા કરાવતો થઈ ગયેલો. ગાયત્રી હવન, સીમન્ત સંસ્કાર, વાસ્તુપુજન, મુંડન વિધિ,  જેવી પુજાઓ સ્વતંત્રપણે કરાવતો થઈ ગયેલો.  પેલા વિદ્વાન આચાર્ય કરતાં સાધુ વધુ ભણેલો અને અને એગ્રેસીવ હતો એટલે એણે બાજુની બીજી દુકાનની જગ્યા પણ લઈ લીધી અને પોતાની ‘દુકાન’ શરૂ કરી દીધી. મૂળ તો ડાકોરના રણછોડરાયજીનો સેવક એટલે પ્રથમ મૂર્તિ તો રણછોડરાયજીની જ પાણપ્રતિષ્ઠા કરીને મુકી.. પછી, ભારતથી બીજા અનેક ભગવાનોની મૂર્તિઓ લઈ આવ્યો. મહાદેવજીની બાજુમાં જ, ચુંદડી ઓઢાડેલા માતાજી, ગણેશજી, સાંઇબાબા, જલારામ બાપા, શનિ મહારાજ, વગેરે વગેરેની મૂર્તિઓની  ધામધુમથી પ્રાણપ્રતિષ્ઠા કરી, ભક્તજનોને જમાડ્યા, ઉઘરાણું કરીને પૈસા ભેગા કર્યા અને  સ્મશાનની જગ્યા ખરીદી લઈને, ત્યાં મંદીર બાંધી દીધું. મંદીરની કમિટીનું ટ્રસ્ટ બનાવીને એક વાન, એક ટ્રક તથા એક કાર ખરીદી લીધી. મંદીરમાં જ રહેઠાણ માટે જગ્યા બનાવી દીધી. ચરોતરના ગામડામાંથી બીજા ત્રણ પુજારીઓને સ્પોન્સર કરીને બોલાવી લીધા.
 
અમેરિકામાં જન્મેલી અને ઉછરેલી છોકરીઓ પણ, સારો વર મેળવવા, ગોર માનું વ્રત રાખે અને પાંચ દિવસ અલુણું ભોજન કરે, સૌભાગ્ય્વતી સ્ત્રીઓ પણ જયા-પાર્વતિનું વ્રત રાખે એવા અંધશ્રધ્ધાળુ લોકોથી ઉભરાતા કે ખદબદતા આ દેશમાં પણ મંદીરોનો ઉદ્યોગ સારો ચાલે છે એટલે વત્સ, અમેરિકામાં મિલિયોનેર થવા માટે કાં તો મંદીર ખોલો અથવા જાહેરાતો પર ચાલતું કોઇ વર્તમાન પત્ર શરૂ કરી દઈને, સાહિત્યસેવાનો ઝંડો હાથમાં લઈને સમાજના અગ્રણી નેતા કે જેને કમ્યુનિટી લીડર કહે છે તે બની જાવ. વેપારીઓના નાક દબાવીને જાહેરાતો મેળવો અને તમે જે સભામાં ગયા હોવ એ સભાની કાર્યવાહિના અહેવાલો ફોટાઓ સહિત છાપ્યે જાવ. લોકો તમને હારતોરા પહેરાવશે અને સાહિત્યની સભાઓમાં પ્રમુખસ્થાને બેસાડશે. પબ્લીક રીલેશન્સના જોરે, તમને પદ્મશ્રી કે પદ્મભુષણ પણ બનાવી દેશે. ભલે ને તમે ગુજરાતી ભાષામાં પ્રવચન ન આપી શકો. એ જરૂરી પણ નથી.
 
કોઇપણ વાર-તહેવારની ઉજવણી કરવાની, પુજામાં દાતાઓને બેસાડીને શ્લોકો બોલીને, સ્વાદિષ્ટ ભોજન ખવડાવવાનું અને રાત પડે ભેટપેટીઓ ખોલીને દાનમાં આવેલી રકમને રબ્બરબેન્ડથી બાંધીને મુકી દેવાની. ચેકથી આવેલી કે ક્રેડીટ કાર્ડથી મળેલી રકમ બેન્કમાં જાય અને રોકડની અડધી રકમ પણ બીજે દિવસે બેન્કમાં જમા કરાવી આવવાની.. લાઈટબીલ, ગેસબીલ, કાર અને ટ્રકનું મેઇન્ટેનન્સ વગેરેનો ખર્ચ પણ ટ્રસ્ટને ખાતે. ઉપરાંત સમારકામ જેવા ખર્ચા પણ ટ્રસ્ટને ખાતે. સરકાર પાસેથી મેડીકેઇડ અને ફુડકુપનો તો લેવાની જ.
 
ભારતમાં કલાવતી કન્યા અને લીલાવતી માટે પાંચ માળની હવેલી  બનાવડાવી દીધી. કલાવતી-લીલાવતી હજુ દર મહિને સત્યનારાયણ ભગવાનનું વ્રત રાખે છે અને ઘીમાં લસલસતો શીરો બનાવીને  ગામના  લોકોને વહેંચે છે. તથા સાધુ ના પાછા આવવાની રાહ જુએ છે.
બોલો…શ્રી, સત્યનારાયણ ભગવાનની જય……..
 
આ કથા અંગે જે કોઇ સંશય કરશે તે અઘોર પાપનો અધિકારી બનશે. કોઇ પ્રશ્ન થાય તો પેલા ઋષિમોનિયો, સુતજી કે નારદમૂનિને જ પુછવા. છેવટના ઉપાય તરીકે હ્યુસ્ટનના નૈમિષાનંદ ભારતી, નિત્યાનંદભારતી કે  નિત્યસહસ્ત્રલીલાનંદ સ્વામિજીને ઇ-મેઇલથી જ પ્રશ્ન પુછવો. તેઓશ્રી. સ્માર્ટફોન કે વોટ્સ અપથી પરિચિત નથી.
****************************** ****************************** **
 
With Love & Regards, 

NAVIN  BANKER

6606 DeMoss Dr. # 1003, 
Houston, Tx 77074 

713-818-4239   ( Cell)

My Blog : navinbanker. gujaratisahityasarita.org

એક અનુભૂતિઃએક અહેસાસ

1 ટીકા

Filed under પ્રકીર્ણ, રમુજ, Uncategorized