Category Archives: પરેશ વ્યાસ

લોગોફિલ’ને શબ્દાંજલિ. /પરેશ વ્યાસ

Logophile:
ગ્રીક શબ્દ ‘લોગોસ’ એટલે શબ્દ કે પ્રવચન અને ‘ફિલોસ’ એટલે પ્રેમ, વ્હાલ. જે શબ્દને નિતાંત પ્રેમ કરે એ ‘લોગોફિલ’ને શબ્દાંજલિ.
આપ સાચા અર્થમાં Word Buff હતા. ‘બફ’ એટલે પીળું કપડું જેનાથી ધાતુ ઉપર ચમક લાવવામાં આવે. આપ શબ્દને ચમકાવી દેતા હતા. શબ્દની આરપાર ભલાં કોણ જોઈ શકે? શબ્દને સરળ અને ટૂંકમાં સમજાવવાની કલા કોઈ આપની પાસે શીખે.
ગુજરાતી અસ્મિતાને ઉજાગર કરતું સામાયિક ‘ચિત્રલેખા’માં શબ્દની સોનોગ્રાફી અને એક્સ-રે વર્ષોથી મારી પ્રિય કોલમ. ચિત્રલેખા ય ગજબનું સામાયિક છે. ચિત્ર અને લેખનું અદભૂત સંયોજન. બક્ષીસાહેબ એને બખૂબી અને બહુ ઓછાં શબ્દોમાં સમજાવતા રહ્યાં. થોડાં શબ્દોમાં સઘળું કહેવું અઘરું છે સાહેબ.
શબ્દસેવી, શબ્દપ્રેમી અને શબ્દજીવી બકુલ બક્ષીને મારી અંતરની શબ્દાંજલિ.

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, રમુજ

ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..!પરેશ વ્યાસ

ગલતીસે સ્પેલિંગ મિસ્ટેક..!

હાથમાં રાખ્યા જીવનભર પેન ને પોથી સજનવા પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા –મુકુલ ચોક્સી
જીવનની જોડણીની તો ખબર નથી પણ શબ્દજોડણીની ભૂલ ટાઈપની ભૂલ (મુદ્રારાક્ષસ) હોઈ શકે અથવા લખનારને સાચી જોડણી આવડતી ન હોય, એમ પણ હોઈ શકે. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મનાં શૂટિંગ દરમ્યાન, અમિતાભ બચ્ચને આલિયા ભટ્ટને આપેલાં સંકેતો કે સૂચનો(Cues)નાં આલિયાએ ટ્વીટર ઉપર વખાણ કર્યા પણ એનો સ્પેલિંગ Cuesને બદલે Ques લખ્યો. અમિતાભે જવાબી ટ્વીટમાં આલિયાની જોડણી ભૂલ સુધારી અને અંતે લખ્યું કે ‘યૂ આર જસ્ટ ટૂઉઉઉ ક્યુટ (Cute)…’ ક્યુટ એટલે આકર્ષક, નમણું, છબીલું. ભાષાની ભૂલ ક્ષમ્ય નથી. ભૂલ કરનાર ક્યુટ હોય તો પણ. કારણ કે એમ કરવાથી ક્યારેક અર્થનો અનર્થ થઇ જાય. શબ્દ જોડણી વ્યાકરણનો હિસ્સો છે. એનાં ય નિયમો છે. પશ્ચિમી ભાષાઓને તો વ્યાકરણ ઘણું મોડું આવડ્યું. આપણે તો લોહયુગથી એ જાણીને બેઠાં છીએ. આપણાં વિદ્વાનો યક્ષ, પાણિનિ, કાત્યાયન, પિંગળ, પતંજલિ…. પતંજલિ માત્ર યોગ પ્રણેતા જ નહોતા, વ્યાકરણશાસ્ત્રનાં પણ અધિષ્ઠાતા હતા.
પણ આ તો પ્રાચીન વાત થઇ. શબ્દ જોડણી વિષે અર્વાચીન ચિંતન શું હોઈ શકે? વેલ, આજકાલ ઈન્ટરનેટ વિના સોચવું કે સમજવું, કહેવું કે કોળવું, માનવું કે મહેંકવું મુશ્કેલ છે. ઈન્ટરનેટ જાણતલ છે, જાણભેદુ છે, જાણણહાર છે. ઈન્ટરનેટ ઉપર આખા શબ્દો લખવાનો કોઈને સમય નથી એટલે ટૂંકમાં, શબ્દોનાં આદ્યાક્ષારો (ઍક્રનિમ) લખીને ગાડી ચાલે છે. એસએમએસ એટલે જ શોર્ટ મેસેજિંગ સર્વિસ. લાંબો મેસેજ મોકલો તો ઝાઝા પૈસા થાય. હવે ડેટાપ્લાન સસ્તા થયા છે અને ઓટો-કરેક્ટ કે ઓટો-પ્રોમ્ટ વિકલ્પને લીધે લોકો આખા શબ્દો લખે છે. જોડણી કે વ્યાકરણ હવે માઈક્રોસોફ્ટ-વર્ડાધીન થઇ ગયા છે. અને છતાં ઉતાવળમાં કે અજાણતામાં ઘણાં ભલાં ભોળા નેટિઝન્સ જોડણીની ભૂલ કરે છે. આવી ભૂલ સુધારવા સદા તત્પર રહેતાં લોકો ‘ગ્રામર પોલિસ’ કહેવાય છે. મૂળ ભાષાને વફાદાર રહીને સાચી જોડણીનો જ આગ્રહ રાખવો અલબત્ત જરૂરી છે. કેટલાંક લોકો એવું માને છે કે ભૂલ ભલે થાય પણ શું કહેવાનું છે, એ સમજાઈ જાય તો રાઈનો પર્વત બનાવવાની જરૂર નથી. અમે માનીએ છીએ કે જોડણીકોશ અલબત્ત જોતાં રહેવું. કોઈ ભૂલ કરે તો ટપારતા રહેવું પણ અમિતાભી પ્રેમથી..
ગુજરાત સરકારને અભિનંદન કે શાળામાં ગુજરાતી ભાષા ભણાવવી ફરજિયાત કરી. ગુજરાતી ભાષાનાં શીખનારને સૌથી વધારે અઘરી લાગે છે ગુજરાતી શબ્દોની જોડણી. ક્યાં હ્રસ્વ તો ક્યાં દીર્ઘ, ક્યાં અનુસ્વાર લાગે તો ક્યાં જોડાક્ષર- એ નિયમો પેચીદા છે. અને આપણે ગુજરાતીમાં સાચી જોડણીનાં આગ્રહી પણ નથી. ગુજરાતી લેક્સિકોન અનુસાર વ્યાકરણ એ છે જે ભાષાને અનુશાસનમાં રાખે છે અને વિકાર પામતી અટકાવે છે. જો જોડણી ના જાણતાં હોઈએ તો સ્વજનને શ્વજન પણ કહી દઈએ. ‘સ્વજન’ એટલે પોતાનાં માણસ અને ‘શ્વજન’ એટલે કૂતરાં. ‘સકલ’ એટલે બધું, સઘળું પણ ‘શકલ’ એટલે ખંડ કે ટુકડો. ગુજરાતી ભાષાનું મૂળ સંસ્કૃત છે. શબ્દો એનાં એ જ લખી શકાય એ તત્સમ શબ્દો કહેવાય. પણ એ પરથી બનેલાં તદ્ભવ શબ્દો પણ સ્વીકાર્ય છે. જેમ કે રાત્રિ-રાત. કઠિન-કઠણ, નહિ-નહીં, હૂબહૂ- આબેહૂબ વગરે. અમને તો આમે ય ચાલે અને તેમે ય ચાલે એવાં શબ્દો ગમે. જેમ કે આમલી-આંબલી, લીમડો-લીંબડો, તૂમડું-તૂંબડું, કામળી-કાંબળી, ડામવું-ડાંભવું, પૂમડું-પૂંભડું, ચાંલ્લો-ચાંદલો, સાલ્લો-સાડલો. વિખ્યાત હ્યુમરિસ્ટ માર્ક ટ્વેઇન કહેતાં કે શબ્દની જોડણી એક જ રીતે હોઈ શકે એવું જે વિચારે છે; એમાં સર્જનશક્તિનો અભાવ છે. પણ ગુજરાત વિદ્યાપીઠે ઘડેલાં વ્યાકરણનાં નિયમો ક્રમશ: અઘરાં થતા જાય છે. ‘જોવું’ અને ‘ધોવું’ તો જાણે બરાબર પણ એ પરથી ‘જુવો’ કે ‘ધુવો’ ન લખી શકાય. ‘જુઓ’ કે ‘ધુઓ’ લખવું પડે. ભૂલનો ‘ભૂ’ ભુલામણીમાં ‘ભુ’ થઇ જાય. શીખ-શિખામણ, નીકળ-નિકાલ, મૂક-મુકાણ, સાલી જોડણીની જબરી મોંકાણ છે, નહીં? પણ સાહેબ, કોશિશ કરજો, ધીરે ધીરે આવડી જશે…આપણી માતૃભાષા છે. મા જે બોલે, એ ભાષા છે. પણ અર્વાચીન ઘરની મા જ જો ઇંગ્લિશમાં ગોટપીટ કરતી હોય તો?..તો એ આપણાં નસીબ..બીજું શું?!

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ

ओ बाबू एक पैसा दे दे -प्रेम धवन; फिल्म: ‘वचन/ Paresh Vyas is with Yamini Vyas and Kaushik Mehta.

Indian oil was kind enough to reduce the fuel price by 1 paisa. News paper call it ‘Faux Pas’. I pick up the word and tell the story of the word….

ફોપા:
ભૂલમાં મિસ્ટેકથી કાંઈક વધારે

तेरी रोज मनाए दिवाली दिवाली
तू हरदम मौज उड़ाए, कभी ना दु:ख पाए
ओ बाबू एक पैसा दे दे
-प्रेम धवन; फिल्म: ‘वचन’ (1955)

આનંદો. ચૌક પુરાવો. મંગલ ગાઓ. ચૂલ્હે લાપસીનાં આંધણ મેલો કે બળતણનાં ભાવમાં થિયો ઘટાડો રે!
ઇન્ડિયન ઓઈલની નવી ફિલ્મ ‘વચન’ (2018) રીલીઝ થઇ છે. હે મિત્રોન્, જાઓ, લીટરે એક પૈસો ઓછો. મોજ કરો. એક પૈસો? ના, અમને જરાય ઓછું નથી આવી ગયું. પેટ્રોલ ડીઝલનાં ભાવ તો ચંદ્રમા જેવા છે, ક્યારેક વધે તો ક્યારેક ઘટે. ચંદ્રમામાં થતી વધઘટથી દરિયાનાં મોજા આવે ‘ને જાય. ક્યારેક ભરતી તો ક્યારેક ઓટ. અમારી રોજની જિંદગીમાં આમ કાંઈ ખાસ ફેર પડતો નથી. લોકો તો ખોટી બૂમરાણ મચાવે છે. ભક્તજનોને પૂછો. જૂના પેટ્રોલનાં બિલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યાં છે. ભક્ત કટારલેખકોને પૂછો. તેઓ તો વિરોધ પક્ષોને દોષ દઈ રહ્યાં છે. કેરોસીન નહીં સળગાવી શક્યા એટલે પેટ્રોલ સળગાવી રહ્યાં છે, એવું બિંદાસ લખી રહ્યાં છે. પણ સાહેબ, ઇન્ડિયન ઓઈલનાં માંધાતાઓને અમારું નમ્ર નિવેદન છે કે તમે આ પામર પરજાની આમ મજાક તો ના ઉડાવો. પહેલાં કહો કે ‘જાઓ ચાર આના ઘટ્યા’, પછી કહો કે ‘ના, હવે માત્ર એક રાતી પાઈ જ ઘટે છે. આ તો કારકૂની ભૂલ હતી; જે અમે સુધારી છે.’ લો બોલો! કોંગ્રેસે તક ઝડપી અને સરકારની આ રીતે મજાક કરવાની રીતને વખોડી. વિરોધ પક્ષ છે. વિરોધ કરવો એની પવિત્ર ફરજ છે. અમે જો કે નિર્લેપ ભાવે શબ્દસંહિતા માટે શબ્દ ગોતી રહ્યા હતા; જે આ સમાચારનાં મથાળાએ અમને દઈ દીધો. ‘ઇન્ડિયન ઓઈલ ફોપા: પેટ્રોલ ડીઝલ પ્રાઈસ કટ બાય વન પૈસા એન્ડ નોટ સિક્સટી પૈસા.’ અમને જોઈતો શબ્દ મળી ગયો. ઇન્ડિયન ઓઈલ જાય તેલ લેવા, અમે તો ફોપા (Faux Pas) શબ્દની સંહિતા રજૂ કરીશું. તંઈ શું?
ફોપા મૂળ ફ્રેંચ શબ્દ છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર એનો અર્થ થાય છે: વર્તનમાં કે રીતભાતમાં ગંભીર ભૂલ, આબરૂને જોખમમાં નાખે એવું કામ, અવિચારી કૃત્ય. સામાન્ય ભૂલને મિસ્ટેક કહેવાય. ગંભીર ભૂલને બ્લન્ડર કહેવાય. ફોપા આમ તો બ્લન્ડરનો જ સમાનાર્થી શબ્દ પણ થોડો ફેર છે. ફોપા સામાન્ય રીતે સામાજિક શરમિંદગી થાય એવી ભૂલ માટે વપરાય. જેમ કે જાહેરમાં અગાડી કે પિછવાડેથી, મોટેથી ઓડકાર કે પાદકાર કરવો ફોપા કહેવાય. જેમ કે કોઈ પાર્ટીમાં કોઈની અણછાજતી ટીકા કરો પછી ખબર પડે કે એનો જમાઈ તો સામે જ ઊભો છે તો એ પણ ફોપા ગણાય. ટૂંકમાં બોથડ સામાજિક ભૂલ ફોપા કહેવાય. સભ્ય સમાજની રીતભાત કે શિષ્ટાચારને છોડીને શરમજનક વર્તણુંક પણ ફોપા કહેવાય. ‘બ્લન્ડર’ શબ્દ સામાન્ય રીતે મંદબુદ્ધિ કે મૂર્ખાઈ ભરેલી ગંભીર ભૂલ માટે વપરાતો હોય છે. એક વાર સાંઇઠ પૈસા ઘટાડવાની જાહેરાત પછી એક પૈસો ઘટાડવાની ચેષ્ટાથી સરકારની આબરૂ ધોવાઈ છે. આ ભૂલ મૂર્ખાઈ ભરેલી ભૂલ કરતાં પણ આબરૂ જોખમમાં નાંખે એવી ભૂલ જરૂર કહી શકાય.
જો કે ફોપા શબ્દ ફેશન શો કે કોઈ સેલેબ્રીટીનાં વસ્ત્રો કે બોલીમાં થયેલી ભૂલ માટે વધારે વપરાય છે. અગાઉ કહ્યું એમ ફોપા ફ્રેંચ શબ્દ છે. ‘ફો’ એટલે ખોટું કે ભૂલ ભરેલું અને ‘પા’ એટલે પગલું. ઇંગ્લિશમાં જેને આપણે ‘ફોલ્સસ્ટેપ’ અથવા ‘મિસસ્ટેપ’ કહી શકીએ. સંયોગની વાત એ છે કે આ ફ્રેંચ શબ્દ ફ્રાંસનાં પ્રેસિડન્ટથી ગયા મહીને થયેલી એક ભૂલનાં સંદર્ભે પણ સમાચારમાં આવ્યો હતો. બન્યું એવું કે ગયા મહિનાની શરૂઆતમાં ફ્રેંચ પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન ઓસ્ટ્રેલિયા ગયા હતા. ઓસ્ટ્રેલિયાનાં પ્રાઈમ મિનિસ્ટર માલ્કમ ટર્નબુલ અને એમની પત્ની લ્યુસીએ એમનું સ્વાગત કર્યુ. આગતાસ્વાગતા, ભાષણબાજી અને દેશોનાં સંબંધો વિકસાવવાની વાતો થઇ. આમ બંને દેશોની ભાષા અલગ. ઓસ્ટ્રેલિયાવાળા ઇંગ્લિશ બોલે અને ફ્રાંસવાળા ફ્રેંચ બોલે. વળતી વેળા અભિવાદન સમારોહમાં ફ્રેંચ પ્રેસિડન્ટે ઇંગ્લિશમાં બોલતા કહ્યું કે “મારી આગતાસ્વાગતા બદલ હું ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન અને એની ‘સ્વાદિષ્ટ’ (!) પત્નીનો આભાર માનું છું.” જબરો ગોટો થયો. આઈ મીન, મિત્ર દેશનાં વડાની પત્ની સ્વાદિષ્ટ લાગે એટલે? સ્વાદિષ્ટતા પારખવામાં તો જીભ અને હોંઠ જેવી સ્પર્શેન્દ્રિયની સંડોવણી જરૂરી બને. આવું તે થોડું હોય? અને હોય તો કોઈ જાહેરમાં એવું થોડું બોલે? આ તો જબરો છબરડો થયો. પત્રકારો અને હાજર રહેલાં તમામ જો કે હસી પડ્યા. પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં આ ફોપાનાં કારણે દિવસો સુધી ચર્ચાઓ ચાલી. કોમેન્ટ્સ થતી રહી. આવી ગલતીસે મિસ્ટેક થઇ કેવી રીતે થઇ? વાત જાણે એમ છે કે ફ્રેંચ ભાષામાં ‘ડેલિસિઅક્સ’ શબ્દનો અર્થ ‘ડીલાઈટફુલ’ અર્થાંત ઉમંગી કે મોહક થાય છે. પણ ઇંગ્લિશમાં ‘ડેલિસિયસ’ શબ્દનો અર્થ સ્વાદિષ્ટ એવો થાય છે. લોસ્ટ ઇન ટ્રાન્સલેશન, યૂ સી! ભાષાંતરની ભૂલને કારણે ઘણી વાર ફોપા થતું રહે છે. ફોપા જો કે જાણ્યે પણ થાય અને અજાણ્યે પણ થાય. અજાણ્યે થયેલું ફોપા હસી કાઢવું જોઈએ. જાણી જોઇને કરેલું ફોપા અલબત્ત યાદ રાખવું જોઈએ. ફર્ગિવ એન્ડ રીમેમ્બર, યુ સી! રોમાન્સ વાર્તાનાં લેખિકા ફેઇથ બાલ્ડવિન કહેતા કે માફ કરવું પણ… યાદ પણ રાખવું. ભૂલી જઈએ તો એ વાત આંતરમનમાં તો રહે જ. વખત આવ્યે વધારે હેરાન કરે. પણ જો માફી દીધી છે એ યાદ રાખીએ તો મોટું દિલ રાખ્યાની એક સારી લાગણી હંમેશા સાથે રહે. માટે અજાણ્યે થયેલાં ફોપાને માફ કરી, માફ કર્યુ છે એ વાત યાદ રાખી, હસી કાઢી, આગળ ચાલ્યા જવું. સરકાર ભલે આપણું તેલ કાઢે પણ આપણે તો જીવતરનાં ચકરાવામાં તેલ ઊંજતા જ રહેવું જોઈએ. છૂટકા થોડાં હૈ?! હું તો જઈ રહ્યો છું પૈસાનું પેટ્રોલ કરવા. આપ?
શબ્દશેષ :
“મારી પોતાની જાત માટે સમય ન ફાળવી શકવો, એ મારો સૌથી મોટો ફોપા (શિષ્ટાચારની ખામી) છે.” -અમેરિકન ફેશન ડીઝાઈનર ડોના કરેન

 

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, યામિની વ્યાસ, સમાચાર

જળસંચય જરૂરી, જળપુન:ગ્રહણ એટલું જ જરૂરી…/પરેશ વ્યાસ

જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ,

સોનલ આ તારા આ દેશને એવું થયું છે શું? -રમેશ પારેખ

લૂ વરસે, ભૂ તરસે. ભૂ એટલે ભૂમિ. ભૂ એટલે પાણી. પૃથ્વી પર પાણીની મહત્તા ઉનાળામાં સમજાય. સુજલામ સુફલામ યોજના હેઠળ ગુજરાત સરકાર મંડી છે તળાવો ઊંડા કરવા. ઈ કરીને હંધાય મંતરીઓ ઈનાં ચેલાગણ સોતા ભોંય ઉપરે કોદાળીનાં સટ ઘા કરીને, ફટ સપાવે સે ઈનાં પરસેવે રેબઝેબ ફોટાઉં. અને ઈ કરીને સઘળા સરકારી હાકેમો ઇના કરમચારીઓ સોતા જોતરાયા સે કામમાં ને કામમાં ‘ને હડીઓ કાઢે સે ગામમાં. સરકારને સિદ્ધિ કરતાં પ્રસિદ્ધિમાં રસ હોય એ સ્વાભાવિક છે. પણ અમે સરકારનાં તરફદાર છીએ. નિષ્ક્રિય કરતાં અલ્પક્રિય સરકાર સારી. પછી ભલે એ દેખાડાપ્રિય સરકાર હોય. અને સવાલ પર્યાવરણનો છે. પર્યાવરણ સામૂહિક જવાબદારી છે. સામૂહિક જવાબદારી એટલે એટલે કોઈની ય નહીં એવી જવાબદારી!
જળસંચય સાચી વાત છે. પણ એનાથી ઊંચી વાત છે જળવ્યયને અટકાવવો. પાણી આપણે જ બચાવી શકીએ. પાણીનો બગાડ આપણે જ અટકાવી શકીએ. ગંદુ પાણી ફરીથી વાપરી શકાય. પીતા પવાલાંમાં વધેલું પાણી રસોડાનું પ્લેટફોર્મ ધોવામાં અને તે પાણી પછીથી ઝાડપાનનાં કૂંડામાં નાંખી શકાય. કેન્દ્ર સરકારનાં પર્યાવરણ મંત્રી આપણને ફુવારો ત્યજી બાલદીથી નહાવા અને ઝાડાપેશાબને ઓછાં પાણીથી ફ્લશ કરવાની હિદાયત દઈ રહ્યાં છે. અને ફુવારાથી નહાવું જ હોય તો સજોડે નહાવું. પાણીની બચત થાય! ના, પર્યાવરણ મંત્રી એવું નથી કહેતા પણ પાણીનો વ્યય અટકાવવાનો આ એક નટખટ નૂસખો તો છે જ. મૂત્રને ફ્લશ કરવા ઓછું પાણી જોઈએ પણ એમાં ય આપણે મળ ફ્લશ કરવા જેટલું વધારે પાણી વાપરીએ છીએ. ડબલ ફ્લશ ટોઇલેટ કમ્પલસરી કરવું જોઈએ. હેં ને?
અમે બાવીસ વર્ષ પહેલાં અભ્યાસ અર્થે સ્વીડન દેશમાં ગયા હતા. હોટલની રૂમમાં પાણીની બોટલ નહોતી. અમે ધીમેકથી રિસેપ્શનિસ્ટ છોકરીને પૂછ્યું તો એણે કહ્યું કે પાણી તો તમારા રૂમમાં જ છે. મેં કહ્યું કે નથી. એણે કહ્યું કે છે. અમારી હા-ના વચ્ચે એણે રૂમમાં આવીને બતાવ્યું કે જુઓ બાથરૂમનાં વોશબેસીનમાં પાણી આવે છે, એ પીવાનું જ પાણી છે. અમને નવાઈ લાગી. બાથરૂમમાં એટલું ચોખ્ખું પાણી છે કે જે પી શકાય છે. વાહ સ્વીડન. પણ પછી થયું કે સંડાસમાં મળને ખખળાવીને ધોવા માટે પણ એ જ નિર્મળ પાણી વપરાય છે. વ્હોટ એ વેઇસ્ટ..! મને લાગ્યું કે આ દેશ તો પછાત છે. પણ આટલાં વર્ષો પછી અમને એક અભૂતપૂર્વ સમાચાર મળ્યા છે. સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં આવેલી ન્યા કાર્નેગી બીયર કંપનીએ ગટરનું પાણી અણિશુદ્ધ કરી, એ પાણીમાંથી બીયર બનાવી, બજારમાં મુક્યો છે. જાણીતી બીયર કંપની કાર્લ્સબર્ગનું આ જોઈન્ટ એડવેન્ચર છે. આઈ મીન, ખરેખર એડવેન્ચર છે. એને નામ આપ્યું છે પુ:રેસ્ટ (PU:REST). આમ પ્યુરેસ્ટ એટલે સૌથી વધારે ચોખ્ખું. નિર્મળ. શુદ્ધ. પણ ‘પૂ’ એટલે ઝાડો-પિશાબ. કેવી કરામત? સાલું, એકનું એક પાણી તમે કેટકેટલી વાર પી શકો. હેં ને? કેવો સાચૂકલો જળસંચય? અને લોકો આવો બીયર પીશે? યસ, પર્યાવરણવાદીઓ તો આ જ બીયર પીવાની તરફેણ કરે છે. સાલું, સ્વાદમાં કાંઈ ફેર હશે? આપણા દેશી દારૂને તો આપણે ગટર અને ગોળના પાણીથી ગાળીએ છીએ. સજ્જડ આથો આવે અને પહેલી ધારનો શુદ્ધ દેશી દારૂ.. પણ વિદેશી બીયર અને ગટર.. નવાઈ લાગી. આનંદ પણ થયો.
ગુજરાત માટે આ સુજલામ પ્રયોગ નકામો છે. કારણ કે આપણે બીયર બનાવતા નથી. પણ ઘર ઘરમાં ડબલ પ્લમ્બિંગ ન કરી શકીએ? આઈ મીન, ફ્લશ કરવા ચોખ્ખું પાણી શા માટે? નિયમ તો છે પણ અમલનાં નામે અલ્લાયો છે. જળસંચય સાથે જળ પુન:ગ્રહણ જરૂરી છે. અમેરિકન મૂર્ધન્ય કવિ ઓડેન કહેતા કે ‘હજારો માણસો પ્રેમ વિના જીવી ગયા છે; પણ પાણી વિના એક પણ માણસ જીવ્યાનો દાખલો નથી.’ માટે પાણી પ્રેમ કરતાં ય મહાન છે. પાણીમાત્રને પ્રેમ કરો, પાણી પાણી થઇ જશો, સાહેબ, અમારી ગેરંટી છે.

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, વિજ્ઞાન

કામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું/પરેશ વ્યાસ

કામ અગત્યનું પણ નામ પણ એટલું જ અગત્યનું

દીકરો સ્નેહનો સાગર હોય છે. દીકરો જન્મે તો આપણે એનું નામ રાવણ, કંસ કે શકુનિ નથી રાખતા. દીકરી વ્હાલનો દરિયો હોય છે. દીકરી જન્મે તો આપણે એનું નામ શૂર્પણખા, પૂતના કે મંથરા નથી રાખતા. વિલિયમ શેક્સપિયર ભલે કહી ગયા છે કે નામમાં કશું છે જ નહીં. ગુલાબને ધંતૂરો કહીને બોલાવો તો ય એ એટલી જ મનમોહક સુગંધ ફેલાવશે. પણ શેક્સપિયર ખોટાં છે. સુગંધ કદાચ એવી જ હોય પણ એ ધંતૂરા જોડે લાગણીનાં સંબંધ કોણ જોડે? રઘુનાથ ભટ્ટનું પ્રેમગીત સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવિંગની-માં ગુલાબ શબ્દને સ્થાને ધંતૂરો મુકીને ગાઈ જોજો. તમને પ્રેમને સ્થાને જુગુપ્સા જ થશે. નામમાં ઘણું છે, સાહેબ.
સમાચાર છે કે ઇટાલી દેશની એક અદાલતે માબાપને આદેશ કર્યો કે એનાં દીકરાનું નામ બદલી નાંખો. માબાપે દીકરાનું નામ બેનિટો રાખ્યું હતું કારણ કે એનાં દાદાનું નામ બેનિટો હતું. ત્યાં પૂર્વજનાં નામનું પુનરાવર્તન કરવાનો રીવાજ છે. લેટિન શબ્દ બેનિટો એટલે ધન્ય, પરમ સુખમયી. વાહ! આવા ધન્ય નામ સામે અદાલતને શું વાંધો હોઈ શકે? પણ બેનિટો નામ એની અટક સાથે આવીને અટકી ગયું. અટક હતી મુસ્સોલીની. મુસ્સોલીની યાદ છે? આખું નામ બેનિટો એમિલકર આન્દ્રે મુસ્સોલીની. બીજા વિશ્વયુદ્ધમાં હિટલરનો સાથી સરમુખત્યાર. બાળકનું નામ સરમુખત્યાર જેવું હોય તો એ કેમ ચાલે? ઇટાલી દેશ તો આમ પણ નામ અંગે ઘણાં ચીકણાવેડા કરે છે. એક ઇટાલિયન દંપતિએ એની દીકરીનું નામ ‘બ્લુ’ રાખ્યું. આજે એ ૧૪ મહિનાની છે. એનો પાસપોર્ટ પણ બની ગયો છે. પણ અદાલતને વાંધો છે. અદાલતે કહ્યું કે આ નામ ન ચાલે. માબાપની દલીલ હતી કે બ્લુ, કેવું સરસ નામ છે. એનાં સ્પેલિંગમાં પહેલો અક્ષર બી એટલે બેલા (બ્યુટીફુલ), એલ એટલે લ્યુંમીનોસા (વાઈબ્રન્ટ) અને યુ એટલે યુનિકા (યુનિક). પણ ન્યાયાધીશે કહ્યું કે બ્લુ નામ નર જાતિ સૂચવે છે. છોકરો હોય તો એવું નામ રાખવાની છૂટ. પણ કોઈ છોકરીનું નામ બ્લુ (ભૂરિયો!) શી રીતે હોઈ શકે?! છોકરીનું નામ સ્ત્રૈણ હોવું જોઈએ. ન્યાયાધીશે તો ધમકી આપી છે કે નામ નહીં બદલો તો તમારી દીકરીનું નામ અમે પાડીશું. નામ દાખલ કરવામાં દાખલ કરતી અદાલત હવે ફૈબાની ભૂમિકામાં છે. લો બોલો!
આપણે જન્મ્યા ત્યારે કાંઈ જાણતાં નહોતાં. સાવ કોરી સ્લેટ. પણ આપણે દસ વર્ષના થઈએ ત્યાં સુધીમાં સરેરાશ દસ હજાર શબ્દો શીખી જઈએ છીએ. દરેક શબ્દ સાથે આપણને થયેલાં અનુભવ આપણે યાદ રાખીએ છીએ. કોઈ પણ શબ્દ કાને પડે ત્યારે એની સાથે જોડાયેલી આપણા અંતરમનની સારી કે નરસી સ્મૃતિ જાગૃત થઇ જાય છે. માટે સાંભળતા વેંત જ ગમી જાય એવા નામ સારા. આપણું નામ સાંભળીને કોઈ માથું ખંજવાળે એવા નામ સારાં નથી. નામ બોલવામાં સરળ હોવું જોઈએ. લાંબા લચક નામ સારા નથી. આપણું મન શબ્દકોશ જેવું છે. એ નામ નહીં પણ નામનો અર્થ યાદ રાખે છે. જે નામમાં લાગણી ન હોય એ નામધારી વ્યક્તિઓ સાથે સારા સંબંધ બનતા નથી. કેટલાંક નામશબ્દનાં અક્ષર ઉચ્ચાર તોછડાં હોય છે. જેમ કે ઢ, ટ, ઠ વગેરે. ઉચ્ચારમાં તોછડાં હોય એવાં નામ ટાળી શકાય. ટૂંકમાં ટૂંકુ, સરળતાથી સમજાઈ જાય એવું, ઉચ્ચાર કે જોડણી અઘરી ન હોય તેવું તેમજ ઝટ યાદ રહી જાય એવું નામ સારું. કવયિત્રી પન્ના નાયક કહે છે કે ‘તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ, ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.’ વાત સાચી છે. પણ ઊલટું વિચારો. કોઈ સુગંધને તમે થોરનું નામ આપો તો એ સુગંધ તમને ડંખશે. અમેરિકન કોમેડિયન, એક્ટર, રાઈટર ડબલ્યુ. સી. ફિલ્ડ્સ નામનું મહત્વ સમજાવતાં કહેતાં કે નામ એ નથી કે જેનાથી લોકો તમને બોલાવે છે; નામ એ છે કે જે સાંભળતાની સાથે હું જવાબ આપું છું. મારું કામ અલબત્ત મહત્વનું છે. પણ મારું નામ પણ નામ કરી જતું હોય છે.

Image may contain: 1 person, baby, closeup and text

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ

ઑલ્ટર ઈગો: ક્યા હૈ તુમ્હારે પાસ? મેરે પાસ મા….મોબાઈલ ફોન હૈ!

· 

ઑલ્ટર ઈગો: ક્યા હૈ તુમ્હારે પાસ? મેરે પાસ મા….મોબાઈલ ફોન હૈ!
मैं ख़्याल हूँ किसी और का, मुझे सोचता कोई और है
सरे-आईना मेरा अक्स है, पसे-आईना कोई और है -सलीम कौसर
અમિતાભભૈયા કહત હૈ કિ ઈ સસૂરા મોબાઈલવા, હમાર ‘ઑલ્ટર ઈગો’ હૂઈ ગવા હૈ. હમાર જાન, હમાર પહચાન બન ગયા હૈ. મતબલ ઉસકા રંગ, રૂપ કઈસા હૈ? એપલ્લવા હૈ, વન પ્લસવા હૈ કિ સેમ્સંગ્વા હૈ? બાત કરનેકે ઇલાવા હમ ઉસસે ક્યા ક્યા પાપડ બેલતે હૈ? ઉસમેં હમ ક્યા કયા છીપાતે હૈ? ક્યા ક્યા દિખાતે હૈ? કૌનસા ઉલ્લૂ સીધા કરતે હૈ? યૂં કહીએ કિ હમ અપને મોબાઈલસે જાને જાતે હૈ, પહેચાને જાતે હૈ… હવે
અમિતાભ બચ્ચન સાયેબે એક ચાઈનીઝ મોબાઈલ કંપનીનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બાર દિવસ પહેલાં જાહેરાત કરતાં જાહેરમાં આવું કીધું; પણ બચ્ચન સાહેબ, આ જ વાત ગૂગલના ચીફ એક્ઝીક્યુટીવ એરિક સ્મિથે વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસ સંમેલનનાં કી-નોટ લેક્ચરમાં છેક ૨૦૧૦માં કહી હતી. તમે તો એમને ક્રેડિટ આપ્યા વગર એ જ વાત આઠ વર્ષે ફરી વાર કહી. તમે તો કોપી કરી બચ્ચનસાહેબ. તમે તો વિચારની ચોરી કરી. પણ અમને તો શબ્દ મળ્યો અને એ શબ્દ છે, ઑલ્ટર ઈગો (Alter Ego).
ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘ઑલ્ટર ઈગો’નો અર્થનો થાય છે દિકડ્ડેજામ મિત્ર, અભિન્ન આત્મા, વૈકલ્પિક અસ્મિતા. આ લ્લે લે, આ તો અર્થ ઓર અઘરો થઇ ગયો! ગુજરાતી ભાષા અઘરી થતી જાય છે, નહીં?! થોડું સરળ કરીએ. ઑલ્ટર ઈગો મૂળ લેટિન શબ્દ છે. ‘ઑલ્ટર’ એટલે વૈકલ્પિક અને ‘ઈગો’ એટલે સ્વયં હું. હું એટલે? હું એટલે એવો હું, જે વિચારી શકે, કર્મ કરી શકે, ફળને ભોગવી શકે. જેને લાગણી હોય, જેને માંગણી હોય. હું, એવો હું જે રોજબરોજ ઈચ્છાઓ પર અસવાર થઈને ઝાંઝવાની શોધ આદરું. એવો હું જે ખોબોક ઝાંઝવા ગટગટાવીને રોજ મારી પ્યાસને ઠારું. પણ આ તો ‘ઈગો’ની વાત થઇ. ‘ઑલ્ટર ઈગો’ એટલે? ઑલ્ટર ઈગો એટલે હું જે દેખાઉં છું, તેનાથી મારું એક અલગ વ્યક્તિત્વ છે એ. ‘અસ્મિતા’ શબ્દનો અર્થ તો આપ જાણો છો. ‘અસ્મિ’ એટલે ‘હું છું’ અને ‘તા’ એટલે ‘પણું’. મારી ચેતના, મારાં પોતાપણાનું ભાન. પણ ઑલ્ટર ઈગો તો અસ્મિતાનો વિકલ્પ. અસ્મિતાથી અલગ. અસ્મિતાનું બીજું સ્વરૂપ. આમ હું જ પણ આમ જુઓ મારું અલગ રૂપ. ઑલ્ટર ઈગો શબ્દ તમે તમારા જીગરજાન ઉર્ફે દિકડ્ડેજામ મિત્ર માટે જ વાપરી શકો. એવો મિત્ર જે જાણે તમારું જ બીજું રૂપ છે. એવો મિત્ર જે તમારાથી જરાય ભિન્ન નથી. એક જાન હૈ હમ જેવો. શરીર અને આત્મા જેવો. ઑલ્ટર ઈગો, એ વ્યક્તિની બીજી ઓળખાણ છે. પ્રાચીન રોમન રાજનીતિજ્ઞ અને ફિલસૂફ સિસેરોએ એનાં મિત્ર અને સલાહકાર એટીકસને ઉદ્દેશીને લખ્યું હતું કે ‘તું તો મારો જ બીજો ભાઈ છે, ઑલ્ટર ઈગો છે, હું તને મારી સઘળી વાતો કહી શકું.’ સિસેરોએ અલબત્ત હકારાત્મક અર્થમાં કહ્યું હતું પણ આજે ઑલ્ટર ઈગો નકારાત્મક અર્થમાં પણ વપરાય છે. આ માણસ છે ને એ સાલી અઘરી આઇટેમ છે. હોય કંઈક ‘ને દેખાઈ કંઈક. એ સારી ય હોય અને નઠારી ય હોય. સાહિત્ય સર્જન કરતાં લેખક જ્યારે પોતાની વાર્તાનાં પાત્રમાં એવાં તો ઓતપ્રોત થઇ જાય કે એનાં પોતાનાં વિચાર, વાણી અને વર્તન એ પાત્રમાં માત્ર ઝલકાઈ જ નહીં કે છલકાઈ પણ જાય. અને ત્યારે એ પાત્ર લેખકનો ઑલ્ટર ઈગો કહેવાય. ચાર્લ્સ એસ. સુલ્ત્ઝની કોમિક સ્ટ્રિપ ‘પીનટ્સ’નું પાત્ર ચાર્લી બ્રાઉન અથવા આપણાં ઓલ ટાઈમ ગ્રેટ કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણનાં ‘યૂ સેઇડ ઈટ’નાં પાત્ર કોમન મેન યાદ છે? આ બંને પાત્રો જાણે કે આપણી જ છબી. ધે આર બોર્ન લૂઝર્સ. હારે, સતત હારે પણ હિંમત ન હારે. આ બંને પાત્રો જાણે આપણાં સૌનાં ઑલ્ટર ઈગો છે. ૧૯૪૭માં પાણીપતમાં જન્મેલા હાલ પાકિસ્તાનનાં શાયર સલીમ કૌસર સાહેબ એટલે જ તો કહે છે કે અરીસાની સામે તો મારું પ્રતિબિંબ છે પણ અરીસાની પાછળ કોઈ બીજું છે. અને એ જે કોઈ બીજું છે, એને ઑલ્ટર ઈગો કહે છે.
એરિક સ્મિથ અને અમિતાભ બચ્ચનનાં મતે મોબાઈલ ફોન આપણો ઑલ્ટર ઈગો ઉર્ફે અભિન્ન આત્મા છે. એ સારો છે કે નરસો છે, એ તો પછીની વાત છે. એ ડો. જેકિલ છે કે મિ. હાઈડ છે એ તો પછીની વાત છે. એ હીરો છે કે વિલન છે એ તો પછીની વાત છે. આજકાલ તો ફિલ્મમાં હીરો કોણ છે? અને વિલન કોણ છે?- એ જ ખબર પડતી નથી. લોકો કહે છે મોબાઈલ ફોનની આદત સારી નથી. એનાથી માનવી માનવી વચ્ચેનાં સંબંધોની ઘાણી થઇ જાય છે. પણ હું મારાં મોબાઈલ ફોનને શી રીતે છોડું? એ મારો જ તો હિસ્સો છે. મારો ઑલ્ટર ઈગો. મારો લંગોટિયો યાર. આઈ મીન, લંગોટની જેમ જ શરીર સાથે કસોકસ ચોંટી રહેલી કોઈ ચીજ હોય તો એ છે મારો મોબાઈલ ફોન. મારાં આંતરવસ્ત્રોની માફક એ મારી નગ્નતાને ઢાંકે છે, મારો ઢાંકોઢૂમો કરે છે. એ ન હોય તો હું લથડી જાઉં. એ ન હોય તો હું લબડી જાઉં. એ ન હોય તો હું બબડી જાઉં પણ મારું સાંભળે કોણ? એટલે જ સરે-આઈના મેરા અક્સ હૈ, પસે-આઈના મેરા મોબાઈલ ફોન હૈ. મારા પ્રિય શાયર દુષ્યંત કુમારનાં શબ્દોમાં કહું તો એક આદત-સી બન ગઈ હૈ તું, ઔર આદત કભી નહીં જાતી!
શબ્દશેષ:
ધ અલ્ટિમેટ ઑલ્ટર ઈગો: “મારી કબરમાં મને મારા મોબાઈલ ફોન ભેગી દફનાવજો. જસ્ટ ઇન કેસ, હું મરી ન હોઉં તો…!” –બ્રિટિશ એક્ટ્રેસ, સિંગર અને ટીવી પ્રેઝન્ટર એમન્ડા હોલ્ડન

 

Image may contain: 2 people, people smiling, people standing

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, સમાચાર

વ્યસનમુક્તિ: શરાબ ચીજ હૈ ઐસી જો છોડી જાયે…/ પરેશ વ્યાસ

વ્યસનમુક્તિ: શરાબ ચીજ હૈ ઐસી જો છોડી જાયે…

Smoking and Drinking killed more than the narcotics kill. Please read part 1 of my articles on so called socially acceptable addiction resulting into colossal loss of man hours and also the top killer addiction

‘એડિક્શન’ (વ્યસન) નામક વૈજ્ઞાનિક જરનલનો તાજો અહેવાલ ચોંકાવનારો છે. દુનિયાનું સૌથી વધુ ખતરનાક વ્યસન ગાંજો, અફીણ કે ચરસ નથી પણ દારૂ અને ધુમ્રપાન છે. દારૂ અને ધુમ્રપાન જેવા કેટલાંક વ્યસન સામાજિક રીતે સ્વીકાર્ય અને/અથવા કાયદાકીય રીતે ગુનાપાત્ર નથી. કેટલીક શરતોને આધીન આવું વ્યસન, આમ જુઓ તો…. ચાલે. દાખલા તરીકે ખાનગી સ્થળોએ બીડી સિગારેટ પી શકાય. દારૂ પણ
મુકરર જગ્યાઓએ પી શકાય. પરમિટ હોય તો ગુજરાતમાં પણ અધિકૃત રીતે પી શકાય. એની સરખામણીમાં નાર્કોટિક્સનું સેવન બિનશરતી ગુનો છે. અને છતાં અહેવાલ અનુસાર, દારૂ અને ધુમ્રપાન એનાથી વધારે ખતરનાક છે. એવું શા માટે? એનું કારણ એ છે કે દુનિયામાં નશીલા પદાર્થોનાં સેવન કરનારાં લોકો કરતાં દારૂ પીનારા અને/અથવા ધુમ્રપાન કરનારાં લોકો વધારે છે. દુનિયાનાં આંકડા કહે છે ગયા વર્ષે ૨૫ લાખ તંદુરસ્ત માનવ કલાકો માત્ર દારૂ ધુમ્રપાનનાં કારણે નષ્ટ થયા છે; જે નશીલા પદાર્થોનાં સેવનથી નષ્ટ થયેલાં માનવ કલાકો કરતા દસ ગણા વધારે છે. કેન્સર, શ્વસનતંત્રનાં રોગ અને હૃદય રોગને કારણે ધુમ્રપાન અને દારૂનાં વ્યસનીઓ બીમારીથી ત્રસ્ત જિંદગી જીવે છે. જીવતા હોય ત્યારે એક સામાજિક બોજ છે આ વ્યસનીઓ. નશીલા પદાર્થોની સરખામણીમાં ધુમ્રપાન કે દારૂથી મરનારા લોકોની સંખ્યા પણ વધારે છે. ગયા વર્ષે દુનિયાનાં દર લાખ લોકો પૈકી ધુમ્રપાનથી ૧૧૦, દારૂ પીવાથી ૩૭ અને નશીલા પદાર્થોનાં સેવનથી ૭ લોકો મર્યા છે. નશીલા પદાર્થોનું સેવન અલબત્ત ચિંતાનો વિષય છે. પણ વ્યસન તરીકે દારૂ અને ધુમ્રપાન એનાથી વધારે જીવલેણ સાબિત થયા છે. અને તેમ છતાં એનાં બનાવટ, વિતરણ કે વેચાણ પર લાગટ પ્રતિબંધ નથી.
દારૂ ઉપર સરકારી પ્રતિબંધ મુકવો સહેલો પણ એનો અમલ અઘરો છે. જોઈએ એ દારૂ, જોઈએ તે પ્રમાણમાં, જોઈએ તે જગ્યાએ મળી જાય છે. બૂટલેગર હવે તો ગુજરાતી શબ્દ છે. બૂટમાં દારૂ સંતાડીને હેરાફેરી કરનારો બૂટલેગર કહેવાય છે. કહે છે કે એમને કાયદાનાં રખેવાળોની ઓથ છે. અને એ ઓથ દારૂબંધીનો સોથ વાળી દે છે. બિચારી બાપડી સરકાર પોતાનાથી બનતું બધું કરે છે. સમાજ સુધારણ કે ધર્મ આસ્થાર્પણનાં ઠેકેદારો પણ વ્યસનમુક્તિનું ઉમદા કાર્ય કરે છે. પણ જ્યાં સુધી આપણે ન સમજીએ ત્યાં સુધી સઘળું વ્યર્થ છે. જો બાપ દારૂ પીતો હશે તો દીકરાની એમ કરવાની શક્યતા વડ તેવાં ટેટાંની જેમ વિસ્તરી જાય છે. વાતાવરણની પણ અસર થતી હોય છે. દારૂનાં વ્યસન માટે સામાજિક, સાંસ્કૃતિક કે વર્તણૂંકાતિક અસર જવાબદાર છે. શરાબ સરળતાથી મળે, સસ્તી મળે તો પીવાઈ જાય. માણસ ચિંતામાં હોય, ઉદાસ હોય તો ય પીવાઈ જાય. શ્રેષ્ઠ એ છે કે પહલેથી જ પરહેજ રાખવી. પણ ટેવ પડી છે તો શું? શરાબ છોડી દેવા માટેનું આયોજન કરો. મિત્રો, કુટુંબીજનોની મદદ લો. પ્રોફેસનલ મદદ પણ લઇ શકાય. શરાબ છોડી દેવાથી શરૂઆતમાં તકલીફ થશે. દારૂનો રોગ શારીરિક તો છે જ પણ વધારે માનસિક છે. એટલે બહારની મદદ મળે તો સારી વાત છે. દારૂડિયા સાથે દારૂ ત્યાગ વિષે વાત કરવી, કરતા રહેવી જરૂરી છે. પણ જાહેર જગ્યાએ આવી વાત કરવી ઠીક નથી. દારૂડિયો નશાની અસર તળે હોય ત્યારે વાત કરવી ઠીક નથી. પોતાનાં દીકરા દીકરી નશાની કુટેવ છોડવા અપીલ કરે તો એની અસર બેશક થાય છે. દારૂ છોડવા માટે સમજાવવા જતા ગુસ્સો કરવાની જરૂરિયાત નથી. અને હા, ક્યારેય હિંમત હારવાની નથી. આમાં કાંઈ સુધારો નહીં થાય એવું વિચારવું નહીં. એવું બોલવું તો હરગીઝ નહીં.
વિખ્યાત નાટ્યકાર જ્યોર્જ બર્નાડ શૉ એવું કહેતા કે જીવન એક સર્જીકલ ઓપરેશન છે અને દારૂ એ એનેસ્થેસિયા છે. જેનાથી વાઢકાપ દરમ્યાન થતો દુખાવો સહન કરવામાં મદદ મળે છે. સાહેબ, આ વાત તદ્દન ખોટી છે. જીવન તો મિત્રો સાથે, પરિવાર સાથે આંનદ ઉલ્લાસની ઉજાણી છે. ગમે તેવી સ્થિતિને ગમી જાય એવી સ્થિતિ કરી દેવા દારૂ કતઇ જરૂરી નથી. (ધુમ્રપાન વ્યસનમુક્તિ વિષે આવતા અંકે)

No automatic alt text available.

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, વિજ્ઞાન