Category Archives: Uncategorized

તરતી નદીઓ/યામિની વ્યાસ

તરતી નદીઓ“પૂર્વ, તું પશ્ચિમમાં જો, આહાહા, કેવી નીતરી સાંજ! સૂરજ પણ નદીની આરપાર દેખાય છે.”“નદી પણ કેવી નિરાંતે વહી રહી છે, ધીમા મધુરા લયથી ગાતી ગાતી! જો તું આવી એટલે એણે ગીત શરૂ કર્યું, પ્રીતા પ્રીતા, પ્રીતા..” કહી પૂર્વએ પ્રીતાને છાલક ઉડાડી. જવાબમાં પ્રીતાએ દુપટ્ટો ભીનો કરી પૂર્વ પર નીચોવ્યો. ક્યાંય સુધી આ નવું પરણેલું જોડું મસ્તી કરતું રહ્યું. “ને આ જો, કિનારાના કાંકરા-પથરાઓને પણ જાણે માંજીને ચમકતા ઉજળા કરી દીધા છે એને હાથ નથી તોય. નદી નારી જાતિ શબ્દ છે એટલે.”“એવું કંઈ નહીં મોટી જોઈ ન હોય નારી જાતિ…” વાક્ય પૂરું કરે એ પહેલાં મોટીબેનનો ફોન આવ્યો. “આવો છો મારા રાજારાણી કે વાર છે? બધાં જમવા માટે રાહ જુએ છે.”“હા મોટીબેન બસ થોડી જ વારમાં પહોંચીએ.”“ચાલો પ્રીતારાણી, તમારાં વગર કોઈ જમશે નહીં, ફરી અહીં આવીશું.” કહી પૂર્વએ બાઈક સ્ટાર્ટ કરી. પ્રીતા વળગીને બેઠી, ફરીને નદી તરફ જોયું. શાંત નદી પણ જાણે ‘આવજો’ બોલી! પૂર્વના ઘરે ડિનર બધાં સાથે જ કરતાં. દિવસે બધાં પોતપોતાનાં કામમાં હોય એટલે મેળ ન પડે. લગ્ન પછી બધા મહેમાનો ગયા પણ પૂર્વની મોટીબેન રોકાઈ હતી. આમેય બાળકોને વેકેશન હતું ને પ્રીતાને પણ એમની સાથે વધુ ફાવતું. જમી પરવાર્યા ત્યાં બહાર બૂમ પડી, “આલે… બેન.” સરળ સ્વભાવના સરલાબેન ડબ્બામાંથી વધેલી પૂરીઓ ને શાક એ ભિખારીને આપવાં ગયાં. “એ ભિખારી તો રોજ આવે ને મમ્મી આપે જ. અરે કોઈવાર તો ન વધે એવું લાગે તો પોતે એક ભાખરી ઓછી ખાય પણ આ ડોસા માટે રાખે જ.” મોટીબેને હસતાં હસતાં મમ્મીના હાથમાંથી વાસણ લીધું. “કંઈ નહીં, બેટા. એના નસીબનું લખાયું જ હોય એ એને પહોંચે. બીજું તો આપણે શું કરી શકીએ?” મોટીબેન ફરી ટહુકી, “જો પ્રીતા, એ આખી સોસાયટીમાં ફરે એટલે કોઈવાર આપણે ન આપીએ તોય એ ભૂખ્યો ન રહે. ને મમ્મીએ તો લગ્નમાંથી આવતી વખતે પણ ત્યાંથી થોડું બંધાવી લીધું હતું આને આપવા.”“હા, મોટીબેન વેસ્ટ જાય એનાં કરતાં તો સારુંને કોઈ ના પેટમાં જાય, પણ રોજ એના માટે વધારે બનાવવું કે ઘટે તો ઓછું ખાઈ બચાવવું એ વધારે પડતું, મમ્મીજી.” પ્રીતાને નવાઈ લાગી. પ્રીતા પરણી નહોતી ત્યારે પણ કોઈ કોઈ વાર એનજીઓના પરમાર્થનાં કાર્યોમાં જોડાઈ હતી એ યાદ આવ્યું, “મામી, અવર નાની ઇઝ ગ્રેટ.” કહેતી મોટીબેનની દીકરી સરલાબેનને વળગી. પ્રીતા પણ એ મસ્તીમાં જોડાઈ. બીજે દિવસે ભાણિયાઓને પ્રોમિસ કર્યું હતું એટલે પ્રીતાએ પીઝા બનાવ્યા. બધાંને બહુ ભાવ્યા. પતી ગયા. “આલે… બેન” બૂમ પડી. વળી ભિખારીને શ્રદ્ધા એટલે એક જ વાર બૂમ પાડે પછી ઊભો રહે. મોટીબેને પ્રીતા સામે જોયું. એણે ખાલી ઓવન બતાવ્યું. મોટીબેન “આજે નથી.” અંદરથી જ મોટા અવાજે કહ્યું. સરલાબેન વહેલાં વહેલાં આવ્યાં ને થોડા બિસ્કિટ કાઢીને પ્રીતા તરફ ધર્યા. પ્રીતા એ આપવા ગઈ. એણે જોયું તો એ વૃધ્ધ ભિખારીનો એક હાથ કોણીએથી કપાઈ ગયો હતો. એ જ ખભા પર ઝોળી ભેરવી હતી. બીજા હાથમાં એક મોટું ડોલચું હતું. ઝોળીમાં એ રોટલી, ભાખરી, પૂરી જેવી સૂકી ચીજ લેતો ને ડોલચામાં દાળ, શાક, કઢી જેવી ચીજ ભરતો. બિસ્કિટ એણે ઝોળીમાં લઈ લીધાં. “ભલું કરે, મા.” તૂટક સ્વરે કહી લાકડી લઈ ચાલતો થયો. પ્રીતા એને જતો જોતી ઊભી જ રહી. થોડીવારે બાજુમાં અવાજ સંભળાયો, “આલે… બેન.”પ્રીતાને આ રોજનું થયું. મહિનો વીત્યો. મોટીબેન પણ ગયાં, પણ વૃદ્ધ ભિખારી બાબત એનું મગજ કંઈ જુદું વિચારતું હતું. એણે એનું ધ્યાન રાખવું શરૂ કર્યું. એ નિયત સમયે આવી જતો. કોઈ આપે કે ના આપે તોય કોઈ ફરિયાદ નહીં. ‘ભલું કરે, મા.’ કહી આગળ ચાલતો. બીજી કોઈ મગજમારી નહીં. સમય વીતતો ગયો. કડકડતી ઠંડીમાં કામળો ઓઢીને ને વરસાદમાં પ્લાસ્ટિક કોથળો ઓઢીનેય આવતો. એણે જોયું લગભગ દરેક ઘરેથી કંઈક તો મળતું જ. એણે મમ્મીને પૂછ્યું, “આટલા બધું ખાવાનું એ શું કરતો હશે? એને ઘરે કેટલાં લોકો છે? ને એ માટે આ ઘરડો જ કેમ આવે છે?”“ખબર નહીં બેટા, પણ મારા સાસુમાએ કહેલું કે ઘરેથી કોઈ ખાલી હાથે ન જાય એટલે ચાપુચપટી પણ આપવું.”પ્રીતાને સંતોષ ન થયો એણે પૂર્વને આ બાબત વાત કરી. પૂર્વએ લેપટોપમાંથી ડોકું ઊંચું કરતા “એય છોડને, તને હું વહાલો છું કે ભિખારી? તું બસ મારો વિચાર કર, મારી મેના!” કહી ટૂંકાવ્યું. પ્રીતાને એનજીઓમાં જવાનું મન થયું. ફરી એ વિચારે ઘેરી લીધી. ‘એનો એક હાથ નથી, આ કોઈ મોટા રૅકિટમાં ન ફસાયો હોય! અથવા તો ચલાવતો હોય! નાના બાળકો પાસે ભીખ કે છોકરીઓ પાસે બીજા કામો…. ઓ માય ગોડ!”એણે એ જ દિવસે એ ડોસા સાથે વાત કરવી શરૂ કરી, પણ એણે ખાસ જવાબ આપ્યા નહીં. ફક્ત ખાવાનું આપે કે ન આપે એટલું જ જોતો. કદી કોઈ સાથે નજર પણ ન મેળવતો. પ્રીતાએ સોસાયટીમાં ઘણી બહેનોને એના વિશે પૂછી જોયું. કોઈને ખાસ ખબર ન હતી. “ભિખારી વિશે શું જાણવાનું? આપવું હોય તો આપવાનું નહીં તો કાઢી મૂકવાનો.” એવુંય સાંભળ્યું. એક દિવસ એક બેને કહ્યું, “સાસુની સમચરીએ ગરીબને જમાડવાના હતા, ત્યારે ખાવાનું પહોંચાડવાનું કેટરિંગવાળાને જ કહેલું. કદાચ નદીએ જતા ઝૂંપડપટ્ટી આવે એ બાજુ આપી આવેલા.” જાણે પ્રીતાના પગમાં પાંખ આવી. એકલાં જતાં થોડી બીક લાગી. અટકી. પૂર્વની ઓફિસેથી આવવવાની રાહ જોઈ. આવતાં જ પૂર્વને લાડ કરતાં બોલી, “પૂર્વ ચાલને પેલી નીતરી નદીમાં આરપાર દેખાતો સૂરજ જોવા.”“એમ? ઓહો ચાલ, ત્યાં પ્રીતા… પ્રીતા… નું ગીત મારે પણ સાંભળવું છે.” નીકળતા’તા ને મહેમાન આવી ગયા. પ્રીતા નિરાશ થઈ ગઈ. ન જવાયું. હંમેશ મોડા ઊઠતા પૂર્વ પાસેથી એણે મોર્નિંગ વૉક માટે આગલી રાત્રે જ પ્રોમિસ લઈ લીધું હતું. બિચારો માંડ ઊઠ્યો. ભાગતી બાઈક પર ભલે વળગીને બેઠી હતી પણ ધ્યાન એનું ઝૂંપડપટ્ટી શોધવામાં હતું. “પૂર્વ, પૂર્વ એક મિનિટ વેઇટ.”“શું થયું?”“ચાલને પેલા ‘આલે… બેન.’વાળા ડોસાકાકાને આપવા. મહેમાનો ગયા પછીનું વધેલું આપવાનું છે. મમ્મીજીએ આપ્યું છે.”“અરે યાર, સાસુવહુ બેય સરખાં, એ અહીં રહે છે? આવતી વખતે આપજે.” પૂર્વની બાઈક સીધી નદીકિનારે થોભી. પ્રીતાની ધીરજની કસોટી થાય એ પહેલાં સામે જે દૃશ્ય જોયું એ જોઈ પૂર્વ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. પ્રીતા સહસા બોલી, “હું નહોતી કહેતી. આ કોઈ રૅકિટ છે?” થોડી છોકરીઓ અને નાના છોકરાઓ નદીનાં પાણીમાં હતાં ને પેલો ‘આલે બેન’ ડોસો પણ પાણીમાં ઊતરતો બૂમ પાડી કંઈ બતાવી રહ્યો હતો. પૂર્વએ જોરથી બૂમ પાડી. બધાં ગભરાઈ ગયાં. ડોસાએ છોકરીઓને અહીંથી જલદી જવાનું કહ્યું ને ધીમેથી નજીક આવ્યો. પ્રીતાનો ગુસ્સો વધે એ પહેલાં પૂર્વએ લાફો મારવા હાથ ઉગામ્યો. બે ત્રણ છોકરાં દોડી આવ્યાં. “આ બાપુને મારજો નઈ. ઈ જ અમન જીવાડ હ.”“આ બધાં કોણ છે?” પ્રીતા ધૂંધવાઈ. એને તો એક ગુનેગારને પકડી પાડવાનો મનોમન ગર્વ પણ હતો. “બેન, મું મજૂર જ હૂ. શેતાનો મારી સોડીને ઉઠાઈ ગ્યાં તાઅરે ઝપાઝપીમાં મારો હાથ કપાઈ ગ્યો ન તોય સોડી તો નથી જ મળી. ઘણી હોધી, હજ્જુય હોધું હૂ, પણ બાપડીને ચોક વેચી મારી હસે. ન ઈ જીવે હે ક ચમ ઈ કોય ખબર નહિ.” ડોસો રડી પડ્યો. એટલામાં એકબે છોકરાનાં માબાપ દોડતાં આવ્યાં. “અર ભઈ, આ બાપુ જ તો અમાર સોકરાંઓને હાચવે હે ન ઇન ભરોહે મેલીન અમ મજૂરીએ જીયે. એ સાર સોપડી ભણેલા હે તો સોકરાંન ભણાવે હે, બધી સોડીઓ વચ્ચે ઈમનું ઘરનું મશીન આલી દીધું હે તે બધી સીવણ કૉમ સીખે હે.”“અરે ભઈ, સોડીને યાદ કરતી કરતી માર ઘરવાળીય મરી જઈ પસ્સ મેં નક્કી કર્યું ક કોઈની સોડી હાથે આવું નઈ થવા દૂ. માબાપ તો ચેટલે હણ હેડીન જોય. ચારે આવી નઅ ચારે રોધી એટલે આ લોક હારું મું જ ખાવાનું મોગી લાઉં. સોડીઓને તકલીફમો સોમનો ચમચમ કરવો ઈ સીખ્વાડું. તરતાંય આવડે. નદી તરીન બી ભાગી હકે. લાકડી સલાવતાય આવડે હે. કોઈ હાથ તો અડાડે ઇયોન!.” ડોસો ઝનૂનથી બોલ્યો. પ્રીતા આભી જ રહી ગઈ ને આ ભીષ્મપિતામહને જોઈ રહી. ખરું એનજીઓ તો અહીં છે. એટલી વારમાં છોકરીઓ કપડાં બદલીને આવી ગઈ. પ્રીતા તરત જ “સૉરી હં… જાઓ તરવા.”“હવે જીએ તો તીજી જોડ ચોથી લાબ્બી?” સૌથી નાનીથી ચૂપ ન રહેવાયું. પૂર્વ ને પ્રીતા એકમેકને જોતાં રહ્યાં. “મારે લીધે એક દિવસ તમારું તરવાનું પડ્યું, બધાં માટે એક એક ડ્રેસ હું આપીશ.” તેઓનાં હરખાયેલાં મોઢા જોઈ, ડોસાને સૉરી કહીને બાઈક વાળી પણ પ્રીતાને તો નદીમાં તરતી નિર્દોષ માછલીઓ જેવી છોકરીઓ જ દેખાતી રહી.પછી એ માછલીઓ જાણે ગમતી નદીઓ બની તરવા લાગી.- યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

લાઈવ સ્ટેચ્યૂ / યામિની વ્યાસ

“લાઈવ સ્ટેચ્યૂ “સ્વર્ગ તો જવાશે ત્યારે જોવાશે, પણ પ્રતિકને પરણીને આવી ત્યારથી અહીં જ સ્વર્ગ છે. પણ તું યુ.એસ.થી આવી ક્યારે?” પરિધિએ બેનપણી આગળ ખુશી વ્યક્ત કરતાં ફોન સ્પીકર પર મૂક્યો. “આહા, તારે માટે ખૂબ જ ખુશ છું. યાર, ઇન્ડિયામાં હોત તો તારા ભવ્ય લગ્નની મજા માણત. તને જલદી મળવું છે. પણ તું હમણાં શું કરે છે? જીજુ સાથે વાત તો કરાવને.” “જીજુ? હમણાં ઘરે હોય? ઓફિસે હોય. ને હું? જીમ જવા રેડી થાઉં છું.” “અરે! તું અને જીમ? ત્યારે તો મારી બ્યૂટીફુલ બહેનપણી મને સલાહ આપતી હતી કે, ઘરનાં બધાં જ કામ જાતે કરો તો જીમ જવાની જરૂર નથી રહેતી. કેટલા બધા રૂપિયા ખર્ચાઈ જાય? ને હવે?” “સાચી વાત પ્રિયા, પણ હું તો પતિદેવના પૈસા વસુલ કરવા જાઉં છું, ગોલ્ડ ક્લબમાં કપલની આજીવન મેમ્બરશીપ છે બોલ! પ્રતિક તો મૂડ હોય તો જાય ને નયે જાય. અહીં તો ઘરનાં કામકાજ પર બિલકુલ ચોકડી જ છે.” ટ્રેકશૂટ પહેરીને સ્પોર્ટશૂઝમાં પગ નાખતા પરિધિએ વાત આગળ ચલાવી. “વાહ, મેઇડ સરવન્ટની તો ભરપૂર સુવિધાઓ હશે જ. જે હોય એ પણ તને આટલું સરસ ધનિક અને સંસ્કારી સાસરું મળવા બદલ સાચે જ ખરા દિલથી આનંદ વ્યક્ત કરું છું, દોસ્ત. તું જીમ જઈ આવ પછી મળીએ છીએ. પાક્કું.” “હા, ઘરે આવજે. પ્રતિક અને મારાં ઘરનાં બધાં તરફથી તને ઇનવાઈટ કરું છું.” “ઓહોહો, સાચે જ ‘શ્રદ્ધા ગ્રૂપ’ની છોટી માલકીનની જેમ બોલે છે, પણ મારી તો તું એજ પરી અપ્સરા. ચાલ, બાય ને ચોક્ક્સ મળીએ.” પરિધિ સાચે જ અપ્સરાથી ઓછી નહોતી. પ્રતિકે એને એક ભવ્ય લગ્નસમારંભમાં દાખલ થતી વખતે જોઈ હતી અને પહેલી નજરે જ મોહી પડ્યો હતો. એણે પરિવારમાં વાત કરી અને આ સંમોહિની છે કોણ એની તપાસ આદરી હતી. પરિધિ પૈસેટકે અત્યંત સામાન્ય પરિવારની ખૂબ સુંદર અને ગુણવાન દીકરી, ભણવાની સાથે પરિવાર માટે થોડી કમાણી પણ કરતી. આવા મોટા સમારંભોના મંચ સજાવટમાં લાઈવ સ્ટેચ્યૂ તરીકે કામ કરતી. ત્રણચાર કલાક એ સજીધજીને પૂતળાની જેમ એક જ પોઝમાં બેસી શકતી. આ ખરેખર અઘરું કાર્ય હતું. એના માટે એણે ઘરે જ પ્રેક્ટિસ કરી પોતાને તૈયાર કરી હતી. આ એક મેડિટેશન છે કે તપ છે એમ જ એ માનતી. ગમે એટલો અવાજ આવે કે કોઈ કેટલુંય ડિસ્ટર્બ કરે પણ એણે તપ ભંગ કરવાનું નહોતું. “ઋષિ મુનિ કરતાં પણ આ તો કઠિન છે. એમણે તો વનમાં શાંતિમાં સમાધિ લગાવવાની હોય!” “હા, સર આને એક તપસ્યા જ માનું છું ને હું મારા કામને રિસ્પેક્ટ કરું છુ”? સહુ પ્રથમ પ્રતિકના પપ્પા વિશ્વેશભાઈએ પરિધિને ઓફિસમાં બોલાવી પૂછ્યું હતું. પરિવારનો એકનો એક દીકરો જે ભવિષ્યમાં આખું શ્રદ્ધા ગ્રુપ સંભાળવાનો હતો. એને કેટલાં વખતથી કંઈ કેટલીય છોકરીઓ બતાવી પણ ધરાર ના જ પાડતો. અચાનક એની નજર બિઝનેસ ફ્રેન્ડના પુત્રના લગ્ન સમારંભમાં લાઈવ સ્ટેચ્યૂ તરીકે કામ કરતી પરિધિ પર ઠરી ત્યારે આખો પરિવાર ઓફિસે ભેગો થયો. રૂપ રૂપની અંબાર પરિધિ વિશે જાણવા એને જ ઓફિસે બોલાવી. પરિધિ પપ્પા સાથે પહોંચી અને અરસપરસ વાતો થઈ. પરિધિને પણ પ્રતિક ગમી ગયો. પરિધિના પપ્પા પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે ચિંતાતુર હતા. એમનો એ ભાવ કળી જતા વિશ્વેશભાઈએ એમને એ બાબતે લગીરે ચિંતા ન કરવા જણાવીને ભેટ્યા. મોટા સફળ બિઝનેસમેનને છાજે એ રીતે ખૂબ ધામધૂમથી લગ્નોત્સવ ઉજવાયો. બંને સ્વિત્ઝર્લેન્ડ હનીમૂન પર પણ જઈ આવ્યાં. પરિધિને આ બધું પરીલોક જેવું લાગતું હતું. ઘણીવાર માને ફોન કરી પૂછતી પણ, “આ બધું સાચું હોયને, મમ્મી?” દીકરીની ખુશી જોઈ મમ્મી પણ મલકાતી. સાસુમા રૂપાળી, નમણી અને વિવેકી વહુને સજાવી ધજાવી પોતાની કેટલીય ક્લબો, વિમેન ગ્રૂપ્સ, પાર્ટીઓ વિગેરેમાં લઈ જતી અને અભિનંદનની અધિકારી બનતી. પરિધિ પણ પોરસાતી. લગ્નને ત્રણેક મહિના ક્યાં વીતી ગયા ખબર જ ન પડી. બંનેને ખૂબ મજામાં જોઈ વડીલોની ખુશી બેવડાતી. એક દિવસ બ્રેકફસ્ટ ટેબલ પર ગરમાગરમ ઉપમા અને બટાકાપૌઆથી ટેબલ સજાવેલું જોઈ આશ્ચર્યથી શ્રદ્ધાબેન બોલ્યાં, “આજે મહારાજ મોડા આવવાના છે? કેમ તેં બનાવ્યું? તેલના છાંટાબાંટા ઊડત તો? તારા આરસપહાણ જેવા લીસા હાથ પર ડાઘા પડી જાય, બેટા.” “અરે ના મમ્મીજી, મહારાજ તો ક્યારના આવી ગયા છે. એ તો મને જ થયું કે…” “બેટા, બહુ જ સરસ બની છે બંને વાનગી.” વિશ્વેશભાઈના મા મોટીબા તરત જ બોલ્યાં. આમ પણ પરિધિને મોટીબા સાથે ખૂબ ફાવતું. તે દિવસે સાંજે પૂજાઘરમાં મોટીબા સાથે દીવો કરવા બેઠી હતી ત્યારે એણે એક દીવો એકવાગાર્ડ પાસે પ્લેટફોર્મ પર મૂક્યો હતો ત્યારે સહુએ એની મજાક કરી હતી ને મોટીબા પીઠ થાબડી બોલ્યા હતાં, “હવે નથી રહ્યા પાણિયારાં કે નથી રહ્યાં માટલાં, પણ દીવો તો થવો જ જોઈએ. શ્રદ્ધા એક નાનું માટલું મંગાવી આપજે,હું તો એમાંથી…..” “મોટી બા, હું પણ એમાંથી જ પીશ.” બસ ત્યારથી એ નાનકડાં માટલાં પાસે રોજ દીવો થતો. લગ્ન પછી કેટલાય દિવસો સુધી પ્રતિક ઘરે રહેતો કે ઓફિસેથી વહેલો આવી જતો ને પછી બંને ફરવા નીકળી જતાં. આમ જાણે હનીમૂન લંબાતું. એનાથી પરિધિનો સમય પણ રમ્ય બની જતો. ધીમે ધીમે એ ઓફિસના કલાકો વધારતો ગયો. પરિધિ પાસે કંઈ કામ રહેતું નહીં. એને શ્રદ્ધામમ્મીની પાર્ટીઓમાં ઓછું ગમતું એટલે એ મોટીબા સાથે વધુ રહેતી કે પછી જીમમાં કે ખરીદી કરવા જઈ આવતી. આમેય એને કારણ વગર સમય બગાડવો ગમતો નહીં. કોઈવાર પ્રતિક સાથે બિઝનેસ ટૂર પર પણ જતી પણ ત્યાં પણ એ શું કરે? આખરે એક દિવસ એણે પ્રતિકને કહ્યું. “હું પણ ઓફિસે આવું તો?” “ના, તારું કામ નહીં? ઘરે આરામ કર. પછી આખો દિવસ કામ કરી કરીને તારો થાકેલો ચહેરો મને જોવો ના ગમે. મને તો તું આવી જ ગમે તરોતાજા.” કહેતા એણે પરિધિને પાસે ખેંચી. “પણ પહેલાં હું ઘણા કામ કરતી જ હતીને?” બોલી રહે એ પહેલાં તો પ્રતિકે એના હોઠ પર હોઠ મૂકી દીધા. પરિધિ પણ એ નશામાં ખોવાઈ ગઈ. બીજે દિવસે શ્રદ્ધામમ્મીજીને વાત કરી તો, “જો બેટા, પ્રતિકની વાત સાચી છે, તારે કામ કરવાની શી જરૂર? થોડા વખતમાં નાનું બાળક આવશે. પછી તારી પાસે સમય નહીં રહે, તું બીજું કંઈક કર, ડાન્સ ક્લાસ, યોગા ક્લાસ કે કંઈ પણ.” ફરી બીજી રાતે પણ પ્રતિકનો વ્હાલભર્યો પ્રતિકાત્મક નાનો જવાબ મળ્યો. મોટીબાએ પણ તેના કામ કરવા બાબતે વાત કરી ત્યારે વિશ્વેશભાઈએ કહ્યું, “તારી વાત સાચી, પણ બા, આ આપણા બિઝનેઝનું કામ એ છોકરી ન કરી શકે, બોલ એને શું કામ આપું? ને લાઈવ સ્ટેચ્યૂની નોકરી કરવા થોડી મોકલાય? લોક શું કહે? શ્રદ્ધા ગ્રૂપની વહુ… ચાલ જવા દે.” પરિધિ મોટી બાનો પરિઘ બની રહેતી. એમને જરાય ઊઠવા ન દેતી. એમનું જે પણ કામ હોય નોકરોને ના પાડી જાતે ઘૂમી વળતી. મોટીબા બપોરે આરામ કરે ત્યારે બસ એ ફ્રી રહેતી. એમાં પણ એ ખુશ હતી અને પરિવારના સભ્યો પણ. “આજે તો બહુ મોડું થયું?” ગરમ ચા આપતાં એણે પ્રતિકને પૂછ્યું. “યસ ડાર્લિંગ, નવો બિઝનેસ વધાર્યો એટલે હવે શરૂઆતમાં થોડું થશે.” પરિધિના હાથમાંથી ટૉવેલ લઈ બાથરૂમમાં જતા એ બોલ્યો. શ્રદ્ધા ગ્રુપે સારસ ગ્રુપ ખરીદી લીધું હતું. એના માલિક સારસભાઈ સાથે ખાસ ઓળખાણ નહોતી પણ સારી કંપની છે એટલી જાણ હતી. સારસભાઈ વિદેશ સેટલ થવાના હતા એટલે એણે કંપની વેચવાની જાહેરાત કરી હતી. જોકે, એ નાની કંપની હતી પણ વિશ્વેશભાઈ ને પ્રતિક એ રીતે બિઝનેસ વધારવા માંગતા હતા. “મોટીબા આશીર્વાદ આપો, તમારો પ્રતિક ખૂબ પ્રગતિ કરી રહ્યો છે.” પરિધિ સ્મિત સાથે બોલી. મોટીબાએ મીઠું મોઢું કરાવી આશિષ આપ્યા ને બોલ્યાં “જુઓ પરિધિ શુકનવંતી છેને?” સહુએ હા પુરાવી. બીજે દિવસે પરિધિની બર્થડે હતી. નવી કંપનીની દોડાદોડીમાં પ્રતિકને યાદ ન રહ્યું. તે વહેલો ઓફિસ પહોંચી ગયો. સારસભાઈ સાથે ઘણી વાતો કરવાની હતી. મોબાઈલનું એલાર્મ બીપબીપ થયું. એણે પરિધિની બર્થડે યાદ કરાવી પણ ત્યાં જ સારસભાઈનો ફોન આવ્યો. ફોન પર ઘણી ટેક્નિકલ ને સ્ટાફ બાબત જરૂરી વાતો થઈ. જેમ જેમ પ્રતિક નવી કંપનીની જાણકારી લેતો ગયો તેમ તેમ તેને પોતાની જવાબદારી વધતી લાગી. થોડો ટેંશનમાં હતો કે, કેમ બધું પહોંચી વળાશે? અનુભવી વિશ્વેશભાઈ એની ચિંતા સમજી ગયા. એમણે પ્રતિકને સારસ ગ્રુપમાં કામ કરતા સ્ટાફના ચારપાંચ નામનંબરો આપ્યાં ને કહ્યું. “તું આ સ્ટાફના સભ્યોને ફોન કરી ફોલો-અપ કરી દે. તારા કામનું ભારણ ઓછું થશે અને કામ ઇઝી થઈ જશે.” એમાં બર્થડે સાવ ભુલાઈ ગયો. પ્રતિક એક પછી એક સારસ કંપનીના જૂના કર્મચારીઓ સાથે વાત કરવા લાગ્યો. એક નંબર પર નજર અટકી જાણીતો હોય તેમ લાગ્યું છતાં ડાયલ કર્યો. “થેક્સ ડિયર, ક્યારની રાહ જોતી હતી.” સામે છેડે પરિધિ ટહુકી. પ્રતિકને આશ્ચર્ય થયું કે, સારસ ગ્રુપના સ્ટાફમાં એનો નંબર ક્યાંથી? વાત જાણતાં વિશ્વેશભાઈએ તાત્કાલિક સારસભાઈને ફોન જોડ્યો. સારસભાઈએ કહ્યું, “હા, એ પી. વી. ભટ્ટ. એ સારસ ગ્રુપની સૌથી ડાયનેમિક અને ક્રિએટિવ એમ્પ્લોઈ છે. ચારપાંચ મહિના માટે અંગત કારણોસર તેણે છોડી દીધું હતું. તે સોશ્યિલ મીડિયા મેનેજર તરીકે ખૂબ જ એક્ટિવ છે. હવે તે દિવસના માત્ર ચારેક કલાક ઘરેથી ઓનલાઇન કામ કરે, અને એનો ઇંગ્લિશ લિટરેચરનો સારો સ્ટડી હોવાથી એનું વર્ક એક્સેલન્ટ છે.” વિશ્વેશભાઈ અને પ્રતિક બંને સીધા ઘરે પહોંચ્યા. તરત મોટીબા બોલ્યાં, “જુઓ, મને બધી જ ખબર છે. પરિધિના આ ઓન લાઇન વર્કના નિર્ણયમાં હું તેની સાથે હતી.” બીજે દિવસે ઓફિસ બહાર બોર્ડ ઝૂલતું હતું, “શ્રદ્ધાપરિધિ ગ્રૂપ” અને એના ઉદ્ઘાટનમાં મોટીબાએ પરિધિને મેનેજરની ખુરશી પર બેસાડી માથે હાથ મૂક્યો. – “.

Leave a comment

Filed under Uncategorized

મિલીના ઘર તરફ/યામિની વ્યાસ

“”મિલીના ઘર તરફ ડાયાલીસીસ બાદ શુભાંગી ગજબની સ્ફૂર્તિ અનુભવતી પરંતુ એ લાંબુ ચાલે એમ ન હતું. બંને કિડની કામ ના કરતી હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ જ આખરી ઉપાય હતો. સેવ લાઈફ ઈન્સ્ટિટ્યૂટના છઠ્ઠા માળે આજે શુભાંગી અને કિડની ડૉનર ડૉ. મિલીના ઇન્ટરવ્યૂ હતા. માંડ ત્રેવીસ ચોવીસની આ સોહામણી યુવતી શા માટે પોતાની કિડની ડૉનેટ કરી રહી હતી?એને પૈસાની કોઈ મોટી જરૂરિયાત હશે કે માનવીય લાગણી?’ શુભાંગીના મનમાં પ્રશ્ન થયો હતો.ડૉ. મિલી દોઢેક મહિના પહેલા જ એમ.બી.બી.એસ થઈને ઈન્ટર્નશીપ કરવા આ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈ હતી.વારંવાર ડાયાલીસીસ કરાવવા આવતી શુભાંગીના કેસથી એ વાકેફ હતી.શુભાંગીના પતિ સૌરભ અને એકના એક પુત્ર આનંદની કિડની મેચ થતી ન હતી માટે ડૉનરની શોધ ચાલી રહી હતી. આમ પણ મોટા બિઝનેસમેન સૌરભને પત્નીની જિંદગી બચાવવા ગમે તેટલા પૈસા વેરવા પડે તો વાંધો આવે એમ ન હતું.આ બાજુ ખૂબ જ સાધારણ ફેમિલીની ડૉ. મિલી પોતાની માની ઓપન હાર્ટ સર્જરી માટે જરૂરી રકમ મેળવી શકે એમ હતી. બ્લડગ્રુપથી માંડીને દરેક રિપોર્ટસ બંનેના પરફેક્ટ મેચ થતા હતા.શુભાંગી કિડની વેચાતી લઇ રહી હોવા છતાં એના દિલમાં ડૉ. મિલી વસી ગઈ હતી.શુભાંગીએ પ્રથમ પ્રેગ્નન્સી વખતે કરાવેલા ગર્ભ પરીક્ષણમાં ફિમેઇલ ચાઈલ્ડ હોવાથી એબોર્શન, કરાવ્યું હતું, એનો એને ભારોભાર રંજ થયો. ‘પોતાની દીકરી હોત તો કદાચ આવડી જ હોત!’ મા-બાપની લાડલી મિલીએ બિમાર માને કિડની ડૉનેશનની વાત કરી ન હતી, પરંતુ બાપુને સોગંદ આપીને સમજાવી લીધા હતા. એજ હોસ્પિટલના બાજુના યુનિટમાં વર્ષોથી સ્વીપર તરીકે નોકરી કરતા માથુરની એ એકની એક દીકરી હતી. હોસ્પિટલના કેમ્પસમાં જ નાચી કૂદી મોટી થઈ હતી. નાનપણથી જ ભણવામાં તેજ મિલી સફેદ એપ્રન પહેરેલા ચપળ ડૉક્ટર્સને દોડાદોડી કરતા જોતી ત્યારથી એને પણ દર્દીની સેવા કરવા ડૉક્ટર બનવાની ઈચ્છા હતી. માથુર ખૂબ મહેનત, ધગશ અને લાગણીથી બધાંનું જ કામ કરતો એટલે સૌને એના માટે માન હતું. હોસ્પિટલ સ્ટાફના ઘણા ડોકટર્સે મિલીને ભણવામાં મદદ કરી હતી. ઓછું ભણેલા માથુરને દીકરી પર અતૂટ શ્રદ્ધા હતી. દીકરી કહે એ સાચું અને સારું જ હોય એમ એ માનતો.માની હાર્ટ સર્જરી માટે હોસ્પિટલ તરફથી મદદ તો મળે છતાં એની ટ્રીટમેન્ટમાં ખૂબ ખર્ચ થાય જે કિડની ડોનેશન દ્વારા મેળવી શકાય એવી મિલીની ગણતરી હતી. નિયત તારીખે કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થઇ ગયું. હોસ્પિટલમાં શુભાંગી જેટલી જ કાળજી મિલીની લેવાતી હતી.એને જલદી રજા મળી ગઈ. ફક્ત થોડા દિવસ આરામ કરવાનો હતો.શુભાંગીના શરીરે પણ નવી કિડની સ્વીકારી લીધી હતી. તબિયત પણ સુધારાજનક હતી. એને રજા આપવાની હતી એ દિવસે માથુર શુભાંગીને મળવા ગયો. એને નક્કી કરેલી રકમ તો ઓપરેશનના દિવસે જ મળી ચૂકી હતી.કોણ જાણે કેમ માથુરની ભોળી આંખમાં શુભાંગીને મિલી જ તરતી દેખાતી.થોડી વાત કર્યા બાદ વિદાય લેતા માથુરે પોતાના હાથમાં પકડેલી થેલી નીચે મૂકી નમસ્તે કર્યું. શુભાંગી ચમકી,અંકોડી થી ગુંથેલી સફેદ થેલીમાં કેસુડાનાં બે ફૂલ ગુંથ્યા હતાં. આવી થેલી એણે પણ જાતે ડીઝાઈન કરી ગુંથી હતી,ત્યારે સૌરભે ટકોર પણ કરેલી, ‘તને તો કેસરી ભગવો રંગ બહુ ગમે!’ ‘હા બહુ ગમે. આમ તો કામણગારો છતાં ત્યાગ, બલિદાનનો રંગ. વળી કેસુડાને આનાથી વધુ કયો રંગ સોહે?..’ આ વિચારકડી ચાલતી હતી ત્યાં જ શુભાંગીનીની નજર સામેથી માથુરે થેલી ઉઠાવી લીધી, જાણે વિચારતો હોય,’કિડનીની માફક થેલી પણ નજરે ચડે તો વેચાતી ના લઈ લે! પૈસાદરનું શું કહેવું?’ શુભાંગી પળમાં ભૂતકાળમાં સરી પડી. સામાન્ય ઘરની છતાં સ્માર્ટ અને સુંદર શુભાંગી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે પેનલમાં બેઠેલા મા અને દીકરા બન્નેની નજરમાં ક્લિક થઈ ગઈ હતી. દુર્ગાદેવી યુવાન વયે પતિને ગુમાવ્યા બાદ, ખૂબ સંઘર્ષ કરી,એકલે હાથે બિઝનેસ સંભાળતાં હતાં. એમણે શુભાંગીને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે પસંદ કરી ને દીકરા સૌરભે પ્રિયતમા તરીકે. થોડા પરિચયમાં આવ્યા બાદ શુભાંગી પણ સૌરભને ચાહવા લાગી. કડક સ્વભાવની દુર્ગાદેવીનાં હૃદયમાં લાગણીનું મધ્યબિંદુ ફક્ત એકનો એક પુત્ર સૌરભ જ હતો.એની ખુશી માટે અમીર ગરીબના ભેદભાવ વિના, વગર આનાકાનીએ દુર્ગાદેવીએ સૌરભ- શુભાંગીના લગ્ન કરાવી આપ્યા. પરંતુ એ ઈચ્છતી,કહો કે, એની પ્રબળ ઇચ્છા હતી એકના એક પુત્રની દાદી બનવાની. વંશવેલો વધારવનાર વારસદાર પુત્ર જ હોય,એ પણ એક જ. કોઈની પણ ભાગીદારી વગર એકનો એક પૌત્ર ભવિષ્યમાં બિઝનેસ સંભાળે ને વધારે તો એની શાન જળવાય અને દુર્ગાદેવીનો સંઘર્ષ સાર્થક ગણાય.વળી દીકરીનાં વડીલોએ ક્યારેક નમીને ચાલવું પડે એ એમને હરગીઝ મંજુર નહોતું. એટલે એણે સ્પષ્ટ શબ્દોમાં શુભાંગી સૌરભને કહી દીધું હતું કે, ‘આ ઘરમાં છોકરી જન્મ લેશે નહીં’ અને એની ઈચ્છા વિરુદ્ધ સૌરભ કે શુભાંગીએ બોલવા કે વર્તવાનું હતું જ નહીં. શુભાંગીને પ્રથમ પ્રેગનન્સી દરમિયાન ગર્ભ પરીક્ષણમાં ફિમેઇલ ચાઈલ્ડ હોવાથી દોઢ મહિનામાં જ અબોર્શન કરાવવું પડ્યું હતું.થોડા સમય બાદ ફરી પ્રેગનન્સી રહી ત્યારે દુર્ગાદેવીએ પ્રખર જ્યોતિષને બતાવી પુત્રપ્રાપ્તિની મોંઘી વિધિ કરાવી હતી અને અભિમાનથી કહ્યું હતું કે,’ વગર પરીક્ષણે કહી આપું કે, ‘દીકરો જ અવતરશે. આ જ્યોતિષનું કદી ખોટું પડતું જ નથી.’ દુર્ગાદેવી આ વખતે શુભાંગીની ખૂબ જ કાળજી રાખતાં અને દરરોજ શુભાંગીને મંદિરે લઈ જઈ જ્યોતિષે કહ્યા મુજબની પૂજા કરાવતાં. આ ક્રમ છેલ્લા મહિના સુધી જળવાયો. એવામાં જ એક દિવસ પૂજા કરીને સાસુ વહુ મંદિરનાં પગથિયાં ઊતરતાં હતાં, ને સાડીનો છેડો પગમાં ભેરવાતા શુભાંગીનો પગ લપસ્યો અને પછી.. દોડાદોડ.. હોસ્પિટલન ને ઇમરજન્સી..દોઢ દિવસ શુભાંગી કોમામાં રહી, બાળક ન બચાવી શકાયું પરંતુ શુભાંગી ઉગરી ગઈ. બે વર્ષ હતાશામાં ગયા બાદ ફરી આનંદના દિવસો આવ્યા. સાસુમાની ઈચ્છા પૂરી થઈ. દીકરો જન્મ્યો. આનંદ નામ રાખ્યું એ સાથે દુર્ગાદેવીની એકના એક પૌત્રની નેમ પણ જળવાઈ રહી. ફરી નજર પેલી થેલી તરફ ગઈ ને યાદ આવ્યું કે,’ એ એણે પોતે ગુંથેલી થેલીમાં પૂજાનો સામાન લઈ રોજ મંદિરે જતી પરંતુ તે દિવસે પગ લપસતાં સીધા હોસ્પિટલ ભેગા થવું પડયું ત્યારે થેલી મંદિર પાસે જ પડી ગઈ હશે, તે આ થેલી તો ન હોય?’ એણે માથુરને પૂછ્યું, ‘વેચાતી આપીશ?’ માથુર એક ઝાટકે બોલી ઊઠ્યો, ‘ચામડી કહો તો ઉતારી આપું, આ થેલી ન આપું. આ મારી ભાગ્ય થેલી છે. એમાં ફક્ત ઘરેણાં જ મૂકીએ છીએ. મિલીના કહેવાથી આવેલા પૈસામાંથી સૌ પ્રથમ એની માના ગીરવી રાખેલા ઘરેણાં લેવા જાઉં છું.’શુભાંગીએ ફરી કહ્યું,’ તારી દીકરીએ તો કિડની આપી, તું એક થેલી ન આપી શકે?’ માથુરે થેલીને હૈયા સરસી ચાંપી આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું, ‘મારી પત્નીને યુવાનીમાં જ હૃદયની બીમારી હતી, એ બાળકને જન્મ આપી શકે એમ ન હતી, મને તો કચરાપેટી નજીક આ થેલીમાંથી જ મિલી મળી હતી, એટલે જ તો એનું નામ મિલી છે.’ છેલ્લું વાક્ય બોલાતું હતું ને ત્યાં જ દુર્ગા ને સૌરભની રુમમાં એન્ટ્રી થઈ. બંને ચોંકીને એકબીજા સામે તાકી રહ્યાં. સૌરભ અંદરથી હલબલી ઊઠ્યો, શુભાંગીના પગ પાસે ફસડાઈ પડ્યો. દુર્ગાદેવીના મોઢામાંથી આહ નીકળી ગઈ,’મિલી, મારી જ કૂળદીવડી!’ માથુર કાંઈ ના સમજ્યો પરંતુ શુભાંગીનાં મનમાં પારાવાર કળતર સાથે એક એક અંકોડો ખૂલતો ગયો. આંદોલિત થતો ગયો. ‘પૂજાની થેલી, મરેલું બાળક, કચરાપેટી.. ઓહ..ઓહ..!’ ને સાથે જ પોતાના શરીરમાં આરોપાયેલી જીવંત કિડનીના રૂપમાં મિલીના ગર્ભને અનુભવી રહી, વિચારવા લાગી,’દીકરી! તેં તો જન્મ આપનાર અને પાલક મા, બંને માને જીવતદાન આપ્યું.ધન્ય છે તને!’ ત્યાંજ દુર્ગાદેવીના ઉદગાર સંભળાયા,’ માફ કરી દે દીકરી! હું જ તારી ગુનેગાર છું ને એણે દોટ મૂકી, મિલીના ઘર તરફ. યામિની વ્યાસ”. ડાયાલીસીસ બાદ શુભાંગી ગજબની સ્ફૂર્તિ અનુભવતી પરંતુ એ લાંબુ ચાલે એમ ન હતું. બંને કિડની કામ ના કરતી હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ જ આખરી ઉપાય હતો. સેવ લાઈફ ઈન્સ્ટિટ્યૂટના છઠ્ઠા માળે આજે શુભાંગી અને કિડની ડૉનર ડૉ. મિલીના ઇન્ટરવ્યૂ હતા. માંડ ત્રેવીસ ચોવીસની આ સોહામણી યુવતી શા માટે પોતાની કિડની ડૉનેટ કરી રહી હતી?એને પૈસાની કોઈ મોટી જરૂરિયાત હશે કે માનવીય લાગણી?’ શુભાંગીના મનમાં પ્રશ્ન થયો હતો.ડૉ. મિલી દોઢેક મહિના પહેલા જ એમ.બી.બી.એસ થઈને ઈન્ટર્નશીપ કરવા આ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈ હતી.વારંવાર ડાયાલીસીસ કરાવવા આવતી શુભાંગીના કેસથી એ વાકેફ હતી.શુભાંગીના પતિ સૌરભ અને એકના એક પુત્ર આનંદની કિડની મેચ થતી ન હતી માટે ડૉનરની શોધ ચાલી રહી હતી. આમ પણ મોટા બિઝનેસમેન સૌરભને પત્નીની જિંદગી બચાવવા ગમે તેટલા પૈસા વેરવા પડે તો વાંધો આવે એમ ન હતું.આ બાજુ ખૂબ જ સાધારણ ફેમિલીની ડૉ. મિલી પોતાની માની ઓપન હાર્ટ સર્જરી માટે જરૂરી રકમ મેળવી શકે એમ હતી. બ્લડગ્રુપથી માંડીને દરેક રિપોર્ટસ બંનેના પરફેક્ટ મેચ થતા હતા.શુભાંગી કિડની વેચાતી લઇ રહી હોવા છતાં એના દિલમાં ડૉ. મિલી વસી ગઈ હતી.શુભાંગીએ પ્રથમ પ્રેગ્નન્સી વખતે કરાવેલા ગર્ભ પરીક્ષણમાં ફિમેઇલ ચાઈલ્ડ હોવાથી એબોર્શન, કરાવ્યું હતું, એનો એને ભારોભાર રંજ થયો. ‘પોતાની દીકરી હોત તો કદાચ આવડી જ હોત!’ મા-બાપની લાડલી મિલીએ બિમાર માને કિડની ડૉનેશનની વાત કરી ન હતી, પરંતુ બાપુને સોગંદ આપીને સમજાવી લીધા હતા. એજ હોસ્પિટલના બાજુના યુનિટમાં વર્ષોથી સ્વીપર તરીકે નોકરી કરતા માથુરની એ એકની એક દીકરી હતી. હોસ્પિટલના કેમ્પસમાં જ નાચી કૂદી મોટી થઈ હતી. નાનપણથી જ ભણવામાં તેજ મિલી સફેદ એપ્રન પહેરેલા ચપળ ડૉક્ટર્સને દોડાદોડી કરતા જોતી ત્યારથી એને પણ દર્દીની સેવા કરવા ડૉક્ટર બનવાની ઈચ્છા હતી. માથુર ખૂબ મહેનત, ધગશ અને લાગણીથી બધાંનું જ કામ કરતો એટલે સૌને એના માટે માન હતું. હોસ્પિટલ સ્ટાફના ઘણા ડોકટર્સે મિલીને ભણવામાં મદદ કરી હતી. ઓછું ભણેલા માથુરને દીકરી પર અતૂટ શ્રદ્ધા હતી. દીકરી કહે એ સાચું અને સારું જ હોય એમ એ માનતો.માની હાર્ટ સર્જરી માટે હોસ્પિટલ તરફથી મદદ તો મળે છતાં એની ટ્રીટમેન્ટમાં ખૂબ ખર્ચ થાય જે કિડની ડોનેશન દ્વારા મેળવી શકાય એવી મિલીની ગણતરી હતી. નિયત તારીખે કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થઇ ગયું. હોસ્પિટલમાં શુભાંગી જેટલી જ કાળજી મિલીની લેવાતી હતી.એને જલદી રજા મળી ગઈ. ફક્ત થોડા દિવસ આરામ કરવાનો હતો.શુભાંગીના શરીરે પણ નવી કિડની સ્વીકારી લીધી હતી. તબિયત પણ સુધારાજનક હતી. એને રજા આપવાની હતી એ દિવસે માથુર શુભાંગીને મળવા ગયો. એને નક્કી કરેલી રકમ તો ઓપરેશનના દિવસે જ મળી ચૂકી હતી.કોણ જાણે કેમ માથુરની ભોળી આંખમાં શુભાંગીને મિલી જ તરતી દેખાતી.થોડી વાત કર્યા બાદ વિદાય લેતા માથુરે પોતાના હાથમાં પકડેલી થેલી નીચે મૂકી નમસ્તે કર્યું. શુભાંગી ચમકી,અંકોડી થી ગુંથેલી સફેદ થેલીમાં કેસુડાનાં બે ફૂલ ગુંથ્યા હતાં. આવી થેલી એણે પણ જાતે ડીઝાઈન કરી ગુંથી હતી,ત્યારે સૌરભે ટકોર પણ કરેલી, ‘તને તો કેસરી ભગવો રંગ બહુ ગમે!’ ‘હા બહુ ગમે. આમ તો કામણગારો છતાં ત્યાગ, બલિદાનનો રંગ. વળી કેસુડાને આનાથી વધુ કયો રંગ સોહે?..’ આ વિચારકડી ચાલતી હતી ત્યાં જ શુભાંગીનીની નજર સામેથી માથુરે થેલી ઉઠાવી લીધી, જાણે વિચારતો હોય,’કિડનીની માફક થેલી પણ નજરે ચડે તો વેચાતી ના લઈ લે! પૈસાદરનું શું કહેવું?’ શુભાંગી પળમાં ભૂતકાળમાં સરી પડી. સામાન્ય ઘરની છતાં સ્માર્ટ અને સુંદર શુભાંગી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગઈ ત્યારે પેનલમાં બેઠેલા મા અને દીકરા બન્નેની નજરમાં ક્લિક થઈ ગઈ હતી. દુર્ગાદેવી યુવાન વયે પતિને ગુમાવ્યા બાદ, ખૂબ સંઘર્ષ કરી,એકલે હાથે બિઝનેસ સંભાળતાં હતાં. એમણે શુભાંગીને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે પસંદ કરી ને દીકરા સૌરભે પ્રિયતમા તરીકે. થોડા પરિચયમાં આવ્યા બાદ શુભાંગી પણ સૌરભને ચાહવા લાગી. કડક સ્વભાવની દુર્ગાદેવીનાં હૃદયમાં લાગણીનું મધ્યબિંદુ ફક્ત એકનો એક પુત્ર સૌરભ જ હતો.એની ખુશી માટે અમીર ગરીબના ભેદભાવ વિના, વગર આનાકાનીએ દુર્ગાદેવીએ સૌરભ- શુભાંગીના લગ્ન કરાવી આપ્યા. પરંતુ એ ઈચ્છતી,કહો કે, એની પ્રબળ ઇચ્છા હતી એકના એક પુત્રની દાદી બનવાની. વંશવેલો વધારવનાર વારસદાર પુત્ર જ હોય,એ પણ એક જ. કોઈની પણ ભાગીદારી વગર એકનો એક પૌત્ર ભવિષ્યમાં બિઝનેસ સંભાળે ને વધારે તો એની શાન જળવાય અને દુર્ગાદેવીનો સંઘર્ષ સાર્થક ગણાય.વળી દીકરીનાં વડીલોએ ક્યારેક નમીને ચાલવું પડે એ એમને હરગીઝ મંજુર નહોતું. એટલે એણે સ્પષ્ટ શબ્દોમાં શુભાંગી સૌરભને કહી દીધું હતું કે, ‘આ ઘરમાં છોકરી જન્મ લેશે નહીં’ અને એની ઈચ્છા વિરુદ્ધ સૌરભ કે શુભાંગીએ બોલવા કે વર્તવાનું હતું જ નહીં. શુભાંગીને પ્રથમ પ્રેગનન્સી દરમિયાન ગર્ભ પરીક્ષણમાં ફિમેઇલ ચાઈલ્ડ હોવાથી દોઢ મહિનામાં જ અબોર્શન કરાવવું પડ્યું હતું.થોડા સમય બાદ ફરી પ્રેગનન્સી રહી ત્યારે દુર્ગાદેવીએ પ્રખર જ્યોતિષને બતાવી પુત્રપ્રાપ્તિની મોંઘી વિધિ કરાવી હતી અને અભિમાનથી કહ્યું હતું કે,’ વગર પરીક્ષણે કહી આપું કે, ‘દીકરો જ અવતરશે. આ જ્યોતિષનું કદી ખોટું પડતું જ નથી.’ દુર્ગાદેવી આ વખતે શુભાંગીની ખૂબ જ કાળજી રાખતાં અને દરરોજ શુભાંગીને મંદિરે લઈ જઈ જ્યોતિષે કહ્યા મુજબની પૂજા કરાવતાં. આ ક્રમ છેલ્લા મહિના સુધી જળવાયો. એવામાં જ એક દિવસ પૂજા કરીને સાસુ વહુ મંદિરનાં પગથિયાં ઊતરતાં હતાં, ને સાડીનો છેડો પગમાં ભેરવાતા શુભાંગીનો પગ લપસ્યો અને પછી.. દોડાદોડ.. હોસ્પિટલન ને ઇમરજન્સી..દોઢ દિવસ શુભાંગી કોમામાં રહી, બાળક ન બચાવી શકાયું પરંતુ શુભાંગી ઉગરી ગઈ. બે વર્ષ હતાશામાં ગયા બાદ ફરી આનંદના દિવસો આવ્યા. સાસુમાની ઈચ્છા પૂરી થઈ. દીકરો જન્મ્યો. આનંદ નામ રાખ્યું એ સાથે દુર્ગાદેવીની એકના એક પૌત્રની નેમ પણ જળવાઈ રહી. ફરી નજર પેલી થેલી તરફ ગઈ ને યાદ આવ્યું કે,’ એ એણે પોતે ગુંથેલી થેલીમાં પૂજાનો સામાન લઈ રોજ મંદિરે જતી પરંતુ તે દિવસે પગ લપસતાં સીધા હોસ્પિટલ ભેગા થવું પડયું ત્યારે થેલી મંદિર પાસે જ પડી ગઈ હશે, તે આ થેલી તો ન હોય?’ એણે માથુરને પૂછ્યું, ‘વેચાતી આપીશ?’ માથુર એક ઝાટકે બોલી ઊઠ્યો, ‘ચામડી કહો તો ઉતારી આપું, આ થેલી ન આપું. આ મારી ભાગ્ય થેલી છે. એમાં ફક્ત ઘરેણાં જ મૂકીએ છીએ. મિલીના કહેવાથી આવેલા પૈસામાંથી સૌ પ્રથમ એની માના ગીરવી રાખેલા ઘરેણાં લેવા જાઉં છું.’શુભાંગીએ ફરી કહ્યું,’ તારી દીકરીએ તો કિડની આપી, તું એક થેલી ન આપી શકે?’ માથુરે થેલીને હૈયા સરસી ચાંપી આંખમાં ઝળઝળિયાં સાથે કહ્યું, ‘મારી પત્નીને યુવાનીમાં જ હૃદયની બીમારી હતી, એ બાળકને જન્મ આપી શકે એમ ન હતી, મને તો કચરાપેટી નજીક આ થેલીમાંથી જ મિલી મળી હતી, એટલે જ તો એનું નામ મિલી છે.’ છેલ્લું વાક્ય બોલાતું હતું ને ત્યાં જ દુર્ગા ને સૌરભની રુમમાં એન્ટ્રી થઈ. બંને ચોંકીને એકબીજા સામે તાકી રહ્યાં. સૌરભ અંદરથી હલબલી ઊઠ્યો, શુભાંગીના પગ પાસે ફસડાઈ પડ્યો. દુર્ગાદેવીના મોઢામાંથી આહ નીકળી ગઈ,’મિલી, મારી જ કૂળદીવડી!’ માથુર કાંઈ ના સમજ્યો પરંતુ શુભાંગીનાં મનમાં પારાવાર કળતર સાથે એક એક અંકોડો ખૂલતો ગયો. આંદોલિત થતો ગયો. ‘પૂજાની થેલી, મરેલું બાળક, કચરાપેટી.. ઓહ..ઓહ..!’ ને સાથે જ પોતાના શરીરમાં આરોપાયેલી જીવંત કિડનીના રૂપમાં મિલીના ગર્ભને અનુભવી રહી, વિચારવા લાગી,’દીકરી! તેં તો જન્મ આપનાર અને પાલક મા, બંને માને જીવતદાન આપ્યું.ધન્ય છે તને!’ ત્યાંજ દુર્ગાદેવીના ઉદગાર સંભળાયા,’ માફ કરી દે દીકરી! હું જ તારી ગુનેગાર છું ને એણે દોટ મૂકી, મિલીના ઘર તરફ. યામિની વ્યાસ”.

Leave a comment

Filed under Uncategorized

ઝૂમકી/યામિની વ્યાસ

“ઝૂમકી છેલ્લે દિવસે તો ઝૂમકીના સ્ટોલ પર ભીડ જામી હતી. હસ્તકલા મેળામાં ઝૂમકીએ પહેલીવાર ભાગ લીધો હતો. તેણે માટીમાંથી સુંદર ઘરેણાં બનાવ્યાં હતાં.તેમાંય હાથે બનાવેલ ઝૂમખાં તો સહુને આકર્ષતા. “બેન, આ ઝૂમખાં કેટલાંનાં?” “એ છોકરી, આમાં નિયોન ગ્રીન કલર નથી?” “મને રોયલ બ્લ્યૂ કલર જોઈએ છે. એ છે કે નહીં?” ઝૂમકી આ બધા રંગથી અજાણ હતી. તેને તો લાલ, લીલો, પીળો, ગુલાબી જેવા સામાન્ય રંગોની જ ખબર હતી. તેના સ્ટોલ પર બધાએ અવાજ અને ભીડ કરી મૂકી હતી. ઝૂમકી બધાને જવાબ આપી શકતી નહોતી. ગ્રાહકો ઘરેણાં જોવા માટે લેતાં અને ગમતો કલર કે ડિઝાઇન ન મળે તો મૂકી દેતાં. એમાં કેટલાંય ઝૂમખાં ચોરાઈ ગયાં, કેટલાક તૂટી ગયાં. ઝૂમકી નાસમજ હતી. ઘણી ખોટ ગઈ. તે રડી પડી પરંતુ તેના પિતાએ હિંમત આપી એટલે બીજીવાર હિંમત કરીને તૈયારી સાથે તે ભાગ લેવા આવી હતી. “આ ઝૂમખાં કેટલાંનાં?” “સાઠ રૂપિયા, બેન.” “આવા એક સરખાં દસ જોઈએ છે.” “ના, હું હાથથી જ બનાવું છું એટલે સાવ એક્સરખી બીજી પેર નહિ મળે.” “સારુ, આ આપી દે. ઝૂમકીનાં ઝૂમખાં બહુ લોકપ્રિય હતા.ઝૂમકીને પણ પ્રિય હતા. ઝૂમકી ખૂબ મહેનતથી દિલ રેડીને અવનવી ડીઝાઇનમાં હાથની કલાકારીગીરીથી ઝૂમખાં બનાવતી. અને સ્વરોજગાર કે હસ્તકલાઉધોગ મેળામાં કે નજીકનાં શહેરોમાં વિવિધ જગ્યાએ તે વેચવા જતી. તેના ઝૂમખાં, ગળામાં પહેરવાના હાર કે માટીના નાના ડેકોરેટિવ પીસ અને રમકડાં જેવો સામાન લઈને જતી અને લગભગ પહેલાં બે દિવસમાં જ બધો સામાન વેચાઈ જતો. એકવાર તો એની બાજુમાં ઇમિટેશન જ્વેલરીનો સ્ટોર હતો. એ ગ્રાહકોને મોટેમોટેથી બૂમ પાડીને માલ ખરીદવાનો આગ્રહ કરતો. તે ઓછી કિંમતના ઝૂમકીનાં ઘરેણાં વિશે કહેતો કે, તે તો માટીના, તૂટી જાય,તકલાદી હોય, અરે એક સરખા પણ ન હોય. પરંતુ ઝૂમકીને ત્યારે ખબર પડી કે, તે સ્ટોલવાળાએ જ તેના માણસો મોકલીને બધાં ઘરેણાં ખરીદી લીધાં હતાં. તેનો બધો જ સામાન વેચાઈ જતા તેને થયું કે લાવને, મેળામાં ફરી જોઉં. તેની બહેન સાથે તે ગઈ. ચાર લાઈન પછી જે પહેલા નંબરનો સ્ટોલ હતો તેમાં તેનાં પોતાનાં જ બનાવેલાં ઘરેણાં વેચાતાં હતાં. તેણે સ્ટોલવાળાને પૂછ્યું, “ભાઈ, આ ઝૂમખાં કેટલાંનાં?” “બસ્સો ચાલીસ” ઝૂમકીને નવાઈ લાગી. જે પોતે સાઠ રૂપિયામાં વેચે છે તે અહીં ચાર ગણા ભાવે વેચાય છે. તેણે બહુ રકઝક કરી ત્યારે પેલો બસ્સોમાં આપવા તૈયાર થયો. તેનાં જ બનાવેલાં ઘરેણાં હતાં પરંતુ તેને તો કશો વાંધો ન હતો. તેને તેની મહેનતના પૈસા તો મળી જ ગયા હતા. પરંતુ હવે તેને તેનાં ઘરેણાંની કિંમત સમજાઈ હતી. ઝૂમકી ઉત્સાહી હતી.લગન અને ધગશથી કામ કરતી. તેના બાપુને કંપવાની બિમારી હતી.તે તેનાં નાનાં ભાઈબહેનને શાળાએ ભણવા મોકલતી. ઝૂમકીનું નાનકડું ઘર ગાળેલી, ચાળેલી, પલાળેલી માટી, કાગળનો માવો, લાપી,ગુંદ, રંગો વગેરેથી ભરેલું રહેતું. તેની મા ખૂબ સુંદર આવા જ ઝુમખાં બનાવતી. હવે મા નહીં રહી પણ આ અદ્ભૂત કળા વારસામાં આપતી ગઈ. તેના પિતા પણ ખૂબ સરસ મૂર્તિઓ બનાવતાં પરંતુ હવે તેમના હાથની તકલીફને કારણે બનાવી શકતા ન હતા. ઝુમકીએ આખું ઘર પોતાને ખભે લઈ લીધું હતું. એકવાર આવા જ મેળાના સ્ટોલમાં માટીમાંથી બનાવેલ પાણી ભરવાની બોટલ, રસોઈનાં વાસણો વગેરે ઇકો ફ્રેન્ડલીના નામે ખૂબ મોંઘા ભાવે વેચાતાં જોયાં. ઝુમકીએ જોયું એને લાગ્યું આ તો બનાવવા હાથવગા છે. સરળ છે. પછી તેણે પણ બાપુની મદદથી બનાવ્યાં અને વેચવા લઈ ગઈ. તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. તેનું કામ ખૂબ સરસ રીતે ચાલતું હતું. એકવાર મેળામાં એક ફેશનેબલ મેડમ એની સહેલીઓ સાથે આવ્યાં “મને નેકપીસ બતાવજે.” ઝૂમકીએ પૂછ્યું,”ગળાનો હાર?” “હા” “કેટલી કિંમત? “સો રૂપિયા, મેડમ.” અનુભવે ઝૂમકી મેડમ અને સર બોલતા શીખી ગઈ હતી. “બસ? 100 રૂપિયા જ?” મેડમના મોઢામાંથી નીકળી ગયું. “રૂપા, ખૂબ ડિસન્ટ છે.ફિનિસિંગ પણ સરસ છે ને ખૂબસસ્તું છે.એમની સહેલીએ કહ્યું. “સારું પછી આવીએ” કહી એઓ ગયા. ઝૂમકીને થયું,”આવા મોટા માણસોને આપણાં ઘરેણાં થોડાં ગમે?કંઈ પાછા નહીં આવે.” પણ થોડી જ વારમાં એઓ આવ્યાં. રૂપામેડમે જેટલાં પણ ઘરેણાં હતાં તે ખરીદી લીધાં અને ઉપરથી થોડા રૂપિયા વધારે આપ્યા અને કહ્યું, “ તારો નંબર આપ. હું તને બીજા ઓર્ડર પણ અપાવીશ. ઝૂમકીએ તેનો નંબર આપ્યો. તેનો ફોન સાવ સાદો હતો. રૂપામેડમે તેને કહ્યું કે, “તું આના ફોટા પડે અને ઇન્ટરનેટ હોય તેવો મોબાઈલ લે. તો ફોટા મોકલી ને તું ઓનલાઇન ધંધો કરી શકે.” ઝૂમકીએ કમાણીના પૈસામાંથી એક સેકન્ડ હેન્ડ મોબાઈલ લીધો. પરંતુ તેને ધંધા વિશે કશી જ ખબર ન હતી. રૂપામેડમ સમાજસેવિકા,વિવિધ મહિલા સંસ્થા સાથે જોડાયલાં અગ્રણી હતાં,ઘણી ક્લબના સભ્ય હતા. અને તેમનું બહુ મોટું ગ્રુપ હતું. તેમણે તેમની જન્મદિવસની પાર્ટીમાં બધાને આવા ઘરેણાં ગિફ્ટ આપ્યાં. યુનિક અને સ્પેશિયલ ડિઝાઈનવાળા આવા ઘરેણાં બધાને ખૂબ ગમી ગયાં અને પૂછ્યું કે, આ ક્યાંથી ખરીદો છો? તો તેમણે કહ્યું કે સરપ્રાઈઝ છે. રૂપામેડમ જ ઝૂમકીને ફોનથી ઓર્ડર આપતાં અને રૂપામેડમને ત્યાં ઝૂમકી ઘરેણાં પહોંચાડતી. રૂપામેડમ એને સારા એવા પૈસા પણ આપતાં. રૂપામેડમે પોતે જ બિઝનેસ શરૂ કર્યો. ઘરેણાંથી જ સારી એવી કમાણી કરવાં લાગ્યાં. ઇકો ફ્રેન્ડલી વાસણો પણ તેઓ ખરીદતાં. તેણે કહ્યું કે તું ઓનલાઈન આ રીતે બિઝનેસ કરી શકે પરંતુ ઝૂમકી પાસે એવી આવડત ન હતી. પણ એ રાતદિવસ જાગીને કામ કરતી. તેનાં ઝૂમખાં અલગ રીતે જ તૈયાર કરતી. એક ઝુમખું તૈયાર કરવામાં તેને કેટલી ય મહેનત પડતી હતી. કોપરેલવાળા હાથ કરી માટીના તૈયાર કરેલા લોંદા સાથે બેસી જતી.મસળીને અદ્ભુત આકાર આપતી,ઉપર ડિઝાઇન કોતરવામાં એની માસ્ટરી હતી.ઝીણી ગોળીઓ વાળી એના મોતી બનાવતી.ને એને ભીના જ તારમાં લટકાવતી.એક એક પીસ તૈયાર કરી ઘરમાં સૂકવતી પછી તડકામાં સૂકવતી અને છેલ્લે નાળિયેરની કાચલીઓ ભેગી કરીને સળગાવી ને એમાં શેકતી.પછી તેને સુંદર રીતે કલર કરતી. એનાં બનાવેલ ઘરેણાં ખાસ તો એ રીતે જુદાં પડતાં કે બીજા લોકો તૈયાર બીબા વાપરતા જ્યારે એ આંગળીઓથી જ બનાવતી. એનાં ભાઈબહેન પણ સ્કૂલેથી આવીને શાળાનું ગૃહકાર્ય પતાવીને કોપરેલવાળા હાથ કરીને બેસી જતાં ને નાનાં નાનાં રમકડાં બનાવતાં. જે ઇકોફ્રેન્ડલી રમકડાં તરીકે વખણાતાં. રૂપા મેડમનો ફોન આવતો ને ઝૂમકી વારંવાર રૂપામેડમના ઘરે માલ પહોંચાડવા જતી. તેમના પતિ બિલ્ડર હતાં. તેમનું મોટું નામ હતું. મોટો દીકરો અનય આર્કિટેકટ અને તેની વાઇફ ઇન્ટીરીયર ડિઝાઈનર હતી. નાનો દીકરો તનય ખાસ ભણી શક્યો ન હતો. માંડ ગ્રેજ્યુએશન પતાવ્યું હતું. તે તેના પપ્પાની ઓફિસે જતો પરંતુ બે-ત્રણ કલાક માંડ બેસતો અને પાછો ઘરે આવી જતો. આમ તો તે સામાન્ય હતો પરંતુ તેને થોડી માનસિક સમસ્યાઓ હતી. તેને ઊંચાઈનો ડર લાગતો. ઘરમાં ઘણી ગાડીઓ હતી પરંતુ તે ચલાવી નહોતો શકતો. તે ટુ-વ્હિલર પણ માંડ ચલાવતો પરંતુ તે ફ્લાયઓવર પરથી પસાર ન થઈ શકતો. એવી નાનીનાની ઘણી સમસ્યાઓ હતી.ડિપ્રેશનમાં પણ રહેતો. તેની પણ સારવાર ચાલતી જ હતી. રૂપામેડમે તેને પરણાવવાના ઘણા બધા પ્રયત્નો કરી જોયા. પરંતુ છોકરીઓ જોઈને તનય ના પાડી દેતો. રૂપામેડમને પણ થતું કે, કોઈ તેને સમજી શકે એવી છોકરી જોઈએ. તનય ખૂબ પ્રેમાળ અને ભોળો હતો.તેને માટે રૂપામેડમના મનમાં રૂપાળી ઝૂમકી વસી ગઈ. તેમણે જોયું કે ઝૂમકી સાથે પરણાવું તો! ઝૂમકી તનયને સમજી શકશે અને સાચવી પણ શકશે. ઝૂમકીના હાથની કલાની આવડતથી બીજો મોટો બિઝનેસ પણ થઈ શકશે અને સમાજમાં એક ઉદાહરણ બની શકે છે કે, સામાન્ય અને ગરીબ પરિવારની દીકરીને વહુ તરીકે અપનાવી. રૂપામેડમ ને ઘણા બધા ફાયદાઓ દેખાયા. તનય જ્યારે મૂડમાં હતો ત્યારે રૂપામેડમે તેને પૂછ્યું અને તનયે હા પાડી. એ જ્યારે બીજી છોકરીઓને જોતો ત્યારે હંમેશા લઘુતાગ્રંથિ અનુભવતો, પરંતુ તેને ઝૂમકીના વર્તનમાં સહજતા લાગી અને તેણે હા પાડી. રૂપામેડમે ઝૂમકીને ફોન કરી તેના પિતાને મળવાની વાત કરી. ઝૂમકીએ તેમને તેના પિતાની બિમારી વિશે વાત કરી. રૂપામેડમે કહ્યું કે, તેમને શહેરમાં લઈ આવ. આપણે તેમને ન્યૂરો ફિઝિશિયનને બતાવીશું. તેમની પણ ટ્રીટમેન્ટ શરૂ થઈ. ઝૂમકીએ રૂપામેડમનો આભાર માન્યો. રૂપામેડમે વાત તનય વિશે છેડી, “જો તારી ઈચ્છા હોય તો મારા દીકરા સાથે તને પરણાવું.” ઝૂમકીએ તરત જ કહ્યું, “તમારી વાત સારી છે પરંતુ મેં નક્કી કર્યું છે કે, હું લગ્ન નહીં કરું. મારા બાપુની સાથે જ રહીશ અને નાનાં ભાઈ-બહેનને ખૂબ ભણાવીશ,બંને ખૂબ સરસ ભણી રહે,પગભર થાય પછી પરણાવીશ અને હું મારા બાપુની સેવા કરીશ. રૂપામેડમે કહ્યું કે, “એવી વ્યવસ્થા કરી આપીએ કે, તું તારા બાપુની સેવા કરી શકે, અને નાનાં ભાઈબહેનને ભણાવી શકે તો?” ઝૂમકીએ કહ્યું કે, “બાપુ સાથે વાત કરીને હું જવાબ આપીશ.” હવે તનય પણ ઝૂમકીને યાદ કરતો. તે ઝુમકી સાથે લગ્ન કરવાની જીદ લઈ બેઠો. રૂપામેડમે બે દિવસ પછી ફોન કર્યો. ઝૂમકીને ઘણું દબાણ કર્યું. એમાં બધાનું ભવિષ્ય સુધરશે એવી ખાતરી આપી ત્યારે ઝૂમકીએ કહ્યું કે, “હું એક જ શરતે તૈયાર છું કે તનય ઘરજમાઈ બને.” રૂપામેડમ સાંભળીને છક થઈ ગયાં. ઝૂમકીએ કહ્યું, “એ સિવાય બીજું કશું જ થઈ શકે તેમ નથી, કારણકે હું મારા બાપુને છોડવાની નથી.” આખરે રૂપામેડમે ઝૂમકીને ખૂબ ઓછી કિંમતે તેમના હસબન્ડના એક નવા જ બનતા પ્રોજેકટમાં ફ્લેટ અપાવ્યો. ખુદ્દાર ઝુમકીએ પોતાના પૈસે જ ફ્લેટ ખરીદ્યો. રૂપામેડમે તનય સાથે તેના લગ્ન કરાવ્યાં અને સમાજમાં એક ઉદાહરણ તરીકે તેમની નામના થઈ. ઝૂમકી તેના પિતા અને ભાઈબહેન સાથે એ ફ્લેટમાં રહેવા આવી. તનય પણ ખૂબ ખુશ હતો. ઝૂમકી તેને ખૂબ માન આપતી અને તેની કાળજી પણ લેતી. ખૂબ વ્હાલ કરતી, પ્રેમ કરતી હતી. તેના બંને ભાઈબહેન પણ જીજુની પાછળ દીવાના હતાં. ભાઈબહેનનું શહેરમાં સારી શાળામાં એડમિશન લઈ લીધું. ઝૂમકી કામમાં કાર્યરત રહેતી અને હવે તો સાસુ બનેલાં રૂપામેડમ ઓનલાઇન બિઝનેસ કરી આપતાં હતાં. ઝૂમકીએ પણ ગાડી ખરીદી અને તનયને લઈને ફરવા જતી. પોતે જે રીતે ડ્રાઇવિંગ શીખી હતી તે રીતે તનયને પણ ધીમેધીમે ડ્રાઈવિંગ શીખવવા લાગી. તનયમાં આત્મવિશ્વાસ પેદા કર્યો. તનય ગાડી ચલાવતો થયો. રૂપામેડમ માટે ખૂબ આનંદના સમાચાર હતાં. તનય પણ ખૂબ ખુશ હતો. હવે ધીમેધીમે ફ્લાયઓવર પર પણ ચલાવતો થઈ ગયો હતો. તેને હવે બીક લાગતી તો ઝૂમકી તેને સાચવી લેતી. ઝૂમકી તનયને ડૉકટર પાસે બતાવવા લઈ ગઈ ત્યારે પરિણામ સારું જણાયું. ધીરેધીરે તેની દવાનો ડોઝ ઓછો થતો ગયો. આ બાજુ તેના પિતા પણ આનંદમાં રહેતા હતા. એમની પણ ટ્રીટમેન્ટ ચાલતી હતી. નવાઈની વાત હતી કે, જીવનમાં આનંદની ક્ષણો વધતા એમનો પણ ડોઝ ઓછો થયો. આમ, સૌની જિંદગીમાં દવાનો ડોઝ ઓછો અને ખુશીનો ડોઝ વધતો ગયો. આ ઝૂમકીની કળાના કસબને કારણે જસ્તો! – યામિની વ્યાસ”.

Leave a comment

Filed under Uncategorized

વહાલસોયી મા… યામિની વ્યાસ

“‘વહાલસોયી મા’ આદરણીય શ્રી શરદભાઈ જોશી સંપાદિત પુસ્તકમાં ચાર કવિતાઓ પૈકી એક ગીત💐 મમ્મી પાછી આવ. જાળાં ઉપર લટકી રહેલાં આપણા જૂના કૅલેન્ડરનું પાનું તો પલટાવ, મમ્મી, પાછી આવ! કહ્યાં વગર તું ક્યાં ગઈ છે એ તો કહી દે, જા, આવું કરવાનું સાવ? મમ્મી, પાછી આવ! ઘરની ઈંટેઈંટો બધ્ધી તારે કાજ કરગરતી થઈ ગઈ, ભવસાગરને તારે એવી તું આંખોમાં તરતી થઈ ગઈ, લે, કીકીની મોકલું નાવ, મમ્મી, પાછી આવ! સ્વેટર મારું ગુંથી દેતી, હૂંફ જરી પરોવી દેતી, શર્ટ ખૂણેથી સાંધી લઈને ડિઝાઇનને ઉલટાવી લેતી, હવે વીત્યા દિવસો ઉલટાવ, મમ્મી, પાછી આવ! ખાવાની એ સહુ વરણાગી કોરાણે મૂકાઈ ગઈ છે, પાણિયારે દીવો ક્યાં છે? તુલસી પણ સૂકાઈ ગઈ છે, આવી થોડું અજવાળું ફેલાવ, મમ્મી, પાછી આવ! છત્રી થાતો તારો પાલવ, અમે વહાલથી નીતરતા’તા, ભોળી મા, તને સાચ્ચું કહી દઉં? અમે તને બહુ છેતરતા’તા, ફરી આવીને ધમકાવ, મમ્મી, પાછી આવ! — યામિની વ્યાસ”.

Leave a comment

Filed under Uncategorized

ગંગાબા /યામિની વ્યાસ

સનટાવરના નવમા માળે લિફ્ટ ઊભી રહી.”આહાહા, અલકનંદા એસોસીએટસ, યાર તારી કમ્પનીનું નામ જ શાનદાર છે.પછી બિઝનેસ ચાલેજને જોરદાર.”” હા, અલકનંદા ઇન્ડસ્ટ્રીઝ,અલકનંદા બિલ્ડર્સ,અલકનંદા બ્યુટીઝ,મારા ભાઈ,ભાભીના બિઝનેસના પણ આવા જ નામો છે કારણ અલકનંદા મારી મધરનું નામ છે.””ઓ હાઉ નાઇસ નેઇમ! લકી છો.મારી મધર ઇન લૉ નું નામ તો ગંગા છે, કેવું લાગે?”મિત્રની નવી ઓફિસનાં ઉદ્દઘાટન પ્રસંગે ભૌમિક અને સુહાસિની ત્યાં પહોંચ્યા ત્યારે સુહાસિનીથી બોલ્યા વગર ના રહેવાયું. વધુ અવરજવર અને આઇસ્ક્રિમ સર્વ થવાની ચહલપહલમાં એના બોલવા પર ખાસ કોઈએ ધ્યાન ન આપ્યું.બુકે અને ગિફ્ટ આપી એઓ ઘરે આવવા કારમાં બેઠાં.”બાનું નામ કહેવાની તારે શી જરૂર હતી?આમેય એઓ તો પોતાની માનું નામ કહી દેખાડો જ કરતાં હોય!””છોડને ભૌમિક,આમ પણ બાને આજે મુકવા જવાનું જ છેને!””અરે, હા, આજે? ઓહો, એ તો હું ભૂલી જ ગયેલો, બા ત્યાં કમ્ફર્ટ ફીલ કરશે જોજે. એમનું સામાન તો રેડી છેને? જોકે કપડાં, દવા જેવું લઈ જાય તો ચાલે, બીજું બધું ત્યાં જે જોઈએ તે પ્રોવાઇડ કરતા જ હોય છે.””હા, આટલા હાઈ રેઈટ છે તો હોય જને.” ભૌમિક અને સુહાસિની ઘરે આવ્યા અને કલાકમાં જ ગંગાબાને મુકવા નીકળ્યા.”બા, એકલા પીકનીક ચાલ્યા? હું પણ આવું?”નાનો યશ સુસવાટાની જેમ દોડતો આવ્યો ને વળગ્યો.”બેટા, તારે તો બહુ વાર છે, તું મને ત્યાં મળવા આવજે મારા નવા ઘરે.”બા દેવસ્થાનમાં પગે લાગતાં બોલ્યાં,” એમણે લાલાની નાનકડી મૂર્તિ સાથે લીધી.દાદાજીના ફોટાને જોતાં આંખમાં આવેલાં પાણીએ જાણે કેટલાંય સંવાદ સાધી લીધા. ‘તું ઇમોશનલ ન થઈ જતો,’ ભૌમિકને સુહાસિનીએ ઇશારામાં કહ્યું.યશને હજુ કંઈ સમજાતું નહોતું. “બા, તું કાયમ માટે થોડી જાય છે,ધારે ત્યારે ઘરે આવી શકે, ને અમે પણ તો મળવા આવીશું. આ તો તું ત્યાં આરામ અનુભવી શકે.ત્યાં તારી ખૂબ કાળજી થશે.” ભૌમિક પગે લાગ્યો.”અરે બા, આ કાળઝાળ મોંઘવારી ને કોમ્પિટિશનના જમાનામાં અમારે તો દોડતાં જ રહેવું પડેને! નહીં તો પાછળ પડી જઈએ.વળી એમાં યાશીની ને યશના સત્તર જાતના કલાસીસ, નહીં તો એ લોકોનો ગ્રોથ ના થાય!અને ત્યાં તો તમારું થ્રી સ્ટાર હોટેલ જેવું રહેવાનું છે,રાજ કરશો.” યશ પણ રડવા જેવો થઈ ગયો,આવવા જીદ કરવા લાગ્યો પણ ટ્યૂશન ટીચર આવશે કહી એને હોમવર્ક કરવા બેસાડ્યો. જતાં જતાં તુલસીને હાથ ફેરવી એમાં થોડું પાણી રેડી ગંગાબા ચાલ્યા ‘ધ કમ્ફર્ટ લકઝરી ઓલ્ડ એઇજ હોમ’માં. દરમિયાન યાશીની ડાન્સકલાસમાંથી ઘરે આવી.”દીકરા,તું આવી ગઈ?” વહાલભર્યો આવકાર નહીં સાંભળતા નવાઈ લાગી.”બા,તો એકલાં જ પીકનીક ગયાં.” વાત સમજાતાં એ પણ રડી પડી પણ મમ્મી પપ્પાના નિર્ણય આગળ કંઈ થઈ શકે એમ નહોતું. સરળ સ્વભાવના ગંગાબાને ત્યાં ખરેખર બહુ જ સુવિધા હતી. સમયસર ચા નાસ્તા, સારુંભોજન, સમયસર લોન્ડ્રી સર્વિસ, મેડિકલ ચેકઅપ, ફિલ્મ, બુક્સ,બર્થડે સેલિબ્રેશન બધું જ હતું.મિત્રો પણ થઈ ગયાં હતાં પણ. “ઘર તે ઘર” એમ કહી તેઓ બધાંને જ યાદ કરતાં. વળી અહીં રાખવામાં દીકરાના કેટલાય રૂપિયા ખર્ચાયા હશે એની ફિકર. બા વગરના ઘરમાં ભાગદોડવાળા રૂટિનમાં બધાય ટેવાઈ ગયાં. સામી દિવાળી હતી એટલે બુટિક ચલાવતી સુહાસિની પણ કામમાં ને ભૌમિક પણ એના બિઝનેસમાં. વળી વેકેશન ટુરનું પ્લાનિંગ કરવાનું આ વખતે ખૂબ ઇઝી હતું કારણ બાને ક્યાં મુકવા એ ફિકર નહોતી.એની હાશ કરતી સુહાસિનીએ ભૌમિકને ફોન કર્યો.”વહેલું બુકીંગ કરાવજે, પછી ફ્લાઈટના ભાવ બહુ વધી જશે.””હા, પણ મોટાભાઈનો મુંબઈથી ફોન હતો. વેદિકા અને વ્યોમ અહીં આવી રહ્યાં છે દિવાળી વેકેશનમાં, અરે પણ આગળ સાંભળ તો ખરી..એઓએ મોટાભાઈ ભાભી સાથે કેરાલાનું બુકીંગ કરાવી દીધું છે.વેદિકા- વ્યોમ યાશીની -યશને સાચવશે.””ઓહોહો એ પણ સારું છે એટલે જ બાને ઓલ્ડએઇજહોમમાં મુકવા એમણેજ જ સજેસ્ટ કર્યું હશે. જેમની સાથે બહુજ મજા પડે એવાં મોટાં બેન ને ભાઈ આવે છે જાણી યશ-યાશીની પણ ખુશખુશાલ હતાં.એમની સામે તો કોઈ પણ હોલીડે ટુર પાણી ભરે. કોલેજમાં રજા પડતાંજ વેદિકા -વ્યોમ આવી ગયાં એટલે યાશીની-યશની ચિંતા કર્યા વગર ભૌમિક સુહાસિની ટુર પર ગયાં. “બા, આમાં કયો મસાલો નાખું?””આને ધીમે રહીને ગેસ પરથી ઉતાર.””જાંબલી સાથે પીળો રંગ ખૂબ ખીલે છે હં તારી રંગોળીમાં.””પણ,બા મીંડાવાળો શીખવોને!””અલ્યા,છોકરો છે તો શું થઈ ગયું,બધું આવડવું જોઈએ.””બા.. સેવ પાડવા સંચામાં કઈ જાળી લઉં?””એ, બા જો લગાવી ઝબુકઝબુક લાઈટ,તમને બહુ ગમેને!””બા,હું નવા વર્ષની શરૂઆત યોગાસનથી જ કરીશ.દીદી તો એરોબિક્સ પણ શીખી છે એટલે એને તો આવડે.””આ તો ચણાનો લોટ ને મલાઈની કમાલ””કાલની વાર્તા અધૂરી છે બા, પછી એ અલીડોસા..?””ઓયે બા, આને કેમ ઘુઘરા કહેવાય?””યાશીની બેટા વેદિકાદીદીની જેમ કોર ધીમેથી વાળ””ચાલો બા હેરકલર કરી આપું.””વાવ,ગ્રેટ મેઇકઓવર””અરે ગાંઠ ટાંકો આને ન કહેવાય હેંને બા!””બા, તમને આટલું બધું કેવી રીતે આવડે?”બાએ બહુ થોથા વાંચ્યા હશે?””ના રે બેટા, થોથા તો શું આ તો અમારી કોઠાસૂઝ” મમ્મીપપ્પા અને કાકાકાકી ટુર પર ગયાં એટલે છોકરાઓ તરત જ બાને ઘરે લઈ આવ્યાં અને ખૂબ મજા કરી બાનું વહાલ,શીખ,આશીર્વાદ મેળવ્યાં.જુદાં જુદાં રૂમને બદલે ડ્રોઈંગ રૂમમાં જ ગાદલાં પાથરી બાની આસપાસ બધાં સૂતાં.દસ દિવસ પછી વહેલી સવારે ભૌમિક, સુહાસિની, મોટાભાઈ ભાભી પાછા ફર્યાં ત્યારે બધાને આ રીતે સૂતેલાં જોઈ નવાઈ લાગી.ખાસ તો બાને જોઈ સુહાસિનીના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ.”કેમ આમ?” બધાં જ ઊઠી ગયાં. પણ કોઈએ જવાબ આપ્યો નહીં.એટલે ફરી થોડીવારે સુહાસિની જ બોલી, “વેદિકા,તમારું ટુર પ્લાનિંગ ખૂબ સરસ હતું બહુ જ મજા આવી.”વેદિકા ચાદરની ઘડી વાળતાં બોલી,”તમે બાને મુકવાનું પ્લાનિંગ કર્યું ત્યારથી અમારો આ પ્લાન પણ નક્કી જ હતો. ને બાને હું મુંબઈ લઈ જાઉં છું,મારા રૂમમાં રહેશે.””ના,દીદી મારા રૂમમાં..”વ્યોમ બાને ચા આપતાં બોલ્યો.”એમ!તો હું ભણવા મુંબઇ આવીશ.” યાશીની હજુ બોલી પણ ન રહી ને એને ધક્કો મારી યશે દોડીને બાને પકડી લીધા.”નહીં જવા દઉં મારા બાને…” બા ઓલ્ડએઇજહોમ જવા પોતાની બેગ લેવા વાંકા વળ્યાં કે, વેદિકાએ એમને બેસાડયાં.”હું દેવદિવાળીએ ‘ગંગા એરોબિક્સ’નું ઓપનિંગ કરું છું,એનું ઉદ્દઘાટન કોણ કરશે?”યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

આકાશવાણી /યામિની વ્યાસ

સવારે ઉઠતાંવેંત આકાશ આકાશને તાકતો રહ્યો.હંમેશા સ્વચ્છ તરોતાજા રહેતા ગમતીલા વાદળો ગોરંભાયા હતા.”ઓહોહો, દોસ્ત આજે તો તારો ઘેરો રંગ! કોણ તને સવાર સવારમાં રંગી જાય છે ભાઈ! પણ જરા થોભજે, છોકરીઓને સ્કૂલે મૂકી આઉં ને ઓફિસે પહોંચું ત્યાં સુધી. હજી તો રેઇનકોટ પણ નથી કાઢ્યા સ્ટોરરૂમનાં કબાટમાંથી.”કયા ખાનામાં છે યાદ તો છેને?” પાછળથી ખડખડાટ હસતી વાણીનો મીઠો સ્વર સંભળાયો.”ઓયે, ખબર છે, ઉપલા ખાનામાં કાળી પ્લાસ્ટિક બેગમાં પેક કરીને મૂક્યા છે. એય ટેલકમ પાવડર છાંટીને. તેં એવો મને ટ્રેઈન કરી દીધો છે કે…” હળવું સ્મિત આપી આકાશે ત્રણેય રેઇનકોટ કાઢ્યા. “ઓહ,તાન્યાનો રેઇનકોટ તો બગલમાંથી ફાટી ગયો છે ને આન્યાના રેઇનકોટનું તો પહેલું બટન જ નથી! ચાલ, કંઈ નહીં આજે બાઇકને બદલે ઉબર કરી બન્નેને મૂકી આવીશ. વાણીને કહેવું જ નથીને! ચલો આનુ.. તાનુ.. દૂધ નાસ્તો રેડી કર્યો છે.યુનિફોર્મ પહેરી આવી જાઓ જલ્દી.” આન્યા તાન્યા બન્ને યુનિફોર્મ પર નવનક્કોર રેઇનકોટ પહેરી સ્કૂલબેગ લઈ આવી ગઈ.”પાપુ.. આજે તો મસ્ત વરસાદ પડવો જોઈએ.”” હા પાપુ..તોજ આ રેઇનકોટ પહેરવાની મજા આવે.”બન્ને મીઠડીઓના ટહુકા સાંભળ્યા.પણ રેઇનકોટ કોણ લાવ્યું એ પૂછવાની એને જરૂર ન લાગી.બન્ને દીકરીઓ ઉત્સાહથી વરસાદની રાહ જોતી આકાશની પાછળ બાઇક પર ગોઠવાઈ ગઈ. જરાકજ આગળ રસ્તાના વળાંક પર બરાબર કક્ષાના ઘર પાસેથી પસાર થતાં ફોરાં વરસવા શરૂ થયાં. આન્યા તાન્યાએ મોજમાં આવી બૂમ પાડી,”કક્ષામાસી…” ને કક્ષા પણ હાથ હલાવતી બાલ્કનીમાં રાહ જોતી ઊભી જ હતી.” આકાશે પણ આભારનું સ્મિત વેર્યું. આકાશ, વાણી અને કક્ષા શાળા સમયથી મિત્રો.પછી અલગ અલગ લાઇન લેતાં જુદી જુદી કોલેજમાં પણ મિત્રતા અકબંધ. વિકેન્ડમાં અચૂક મળતાં.ઘણાં બધાંને અદેખાઈ આવતી અને મસ્તીમાં કહેતાં પણ ,”જોજો, આકાશ બન્નેને પરણશે.” આ વાત ત્રણેય હળવાશથી લેતાં.સમય વીતતો ગયો.પોતપોતાના કામમાં મળવાનું ઓછું થતું ગયું.પણ ઘરેથી લગ્નનું દબાણ આવ્યું ત્યારે વાણીથી ન રહેવાયું. બન્નેને ફોન કરી કેફે પર બોલાવ્યાં. “જૂઓ, મારે ઘરે તો મારાં મામી માગું લઈને આવ્યા છે એ વાતો ચાલે છે, આકાશ તું અને કક્ષા એકબીજા સાથે ખુશ હો તો હું ઘરે છોકરો જોવા હા પાડું.”બન્ને ખડખડાટ હસી પડ્યાં,આકાશે ધબ્બો મારતા કહ્યું “યાર, મેં તો આ બાબત કશું વિચાર્યું પણ નથી,પહેલાં બરાબર સેટલ તો થાઉં!””ને આપણે તો કદી લગ્ન ન કરવા એ નક્કી કર્યું જ છે, મેં તને ઘણીવાર કહ્યું પણ છે વાણી.””હા, પણ એ તો પહેલાં બધાં જ કહે, હું પણ નહોતી કહેતી પણ…”” જે હોય એ મારું તો નક્કી જ છે આજીવન નહીં પરણવાનું.આપણે ભલા ને આપણાં ડાન્સ કલાસ ભલા” કક્ષાએ કોફી પર આવેલી મલાઈ ચમચીથી ઊંચકી સાઈડ પર મૂકી.આવા સંવાદોથી છુટા પડેલાં ત્રણેય થોડાં સમય પછી આકાશ અને વાણીના લગ્નમાં સજીધજીને ખુશખુશાલ મળ્યાં. આકાશ અને વાણીનું સુમધુર લગ્નજીવન મહેકાવતાં આન્યા ને તાન્યા જન્મ્યાં.ને કક્ષાના નૃત્યકળા વર્ગનું મોટું નામ થઈ ચૂક્યું. હજુય ત્રણેય મિત્રો ઘણીવાર મળતાં. અને આન્યા તાન્યા આવ્યા પછી તો મુલાકાતો ખૂબ વધતી ગઈ. બન્ને ભાણીઓ ક્ક્ષામાસીની લાડલી હતી.” મારી પાસે રહેશે બન્ને, જાઓ ફરી હનીમૂન ટુર પ્લાન કરો.” હસતી હસતી કક્ષા કહેતી ને આન્યા તાન્યાને પણ કક્ષા સાથે મજા પડતી.ને કક્ષા બંનેને જીવની જેમ સાચવતી.” કક્ષા એઓને નૃત્યની તાલીમ પણ આપતી.”જુઓ, કક્ષામાસીને હેરાન નહીં કરતાં, એ તમારાં ટીચર પણ છે,પરીક્ષા પણ લેશે.”ફોન પર વાણી કહેતી ત્યારે, “ટીચર હોગી તુમ્હારી મમ્મા, હમારી તો જાન હૈ.હૈના કક્ષા માસી!” હિન્દી ફિલ્મ જોતાં જોતાં ખડખડાટ હસતી બેમાંથી એક ડાયલોગ મારતી ને કક્ષા વહાલથી બંનેને ગળે વળગાડતી. વાણી અને આકાશની ભરી ભરી જીંદગીથી હંમેશ ખુશ થતી કક્ષાને વાણી વ્હાલપૂર્વક સમજાવતી.”તું પણ લગ્ન કરી લે,ચાલ હું અને આકાશ છોકરો શોધવામાં મદદ કરીએ.” કક્ષાના માબાપ પણ એ બાબત ખૂબ ચિંતા કરતાં. આકાશે પણ એમને ધીરજ આપી કે,” અમે એને મનાવીશું. એને ગમતું પાત્ર શોધી આપીશું.અરે કક્ષાની કક્ષાનું શોધીને જ રહીશું.”પણ માને એ કક્ષા નહીં.બધાં સમજાવી થાકી ગયાં. આન્યા તાન્યાને શાળાએ મુકવા જવાનો ક્રમ આકાશનો હતો જ્યારે લેવા વાણી જતી.એક દિવસ ઘરે ઇલેક્ટ્રિશીયન રીપેરીંગ માટે બોલાવ્યો. એ મોડો આવ્યો. વાણીને થયું,”લાવ,કક્ષાને કહી દઉં, જરા છોકરીઓને લઈ આવ,” પણ એટલામાં તો ઇલેક્ટ્રિશીયને થોડીવારમાં કામ પતાવી આપ્યું.એને ફટાફટ પૈસા આપી,ઘર બંધ કરી વાણીએ એક્ટિવા સ્કૂલ તરફ ભગાવ્યું.સ્કૂલ છૂટ્યા પછી બાળકોને સમયસર લેવા ન પહોંચાય તો કેવી કેવી ઘટનાઓ બને છે એના બિહામણા કેટલાય વિચારો એનાં મનમાં ફરી વળ્યાં. એણે જલદી સ્કૂલે પહોંચવા સ્પીડ વધારી પણ એ ખરેખર સ્કૂલે ન પહોંચી સામેથી પુરઝડપે આવતી બાઈક સાથે અથડાઈ ને સીધી હોસ્પિટલમાં. ઘણી ગંભીર પરિસ્થિતિમાં જાણે બધાને અલવિદા કરવાજ ચારેક દિવસ જીવી. ખૂબ દુઃખદ ઘટના બાદ ભાંગી પડેલા પરિવારને બેઠાં થતાં ઘણી વાર લાગી.કક્ષાએ બન્ને દીકરીઓને સાચવી લેવામાં મદદ કરી.અને આકાશે પણ પોતાની સાથે હંમેશ વાણી છે એવા આભાસ સાથે જીવવાનું સ્વીકાર્યું. સવાર પડતાં જ વાણી સાથે સંવાદ સાધતો.અને વાણી એને જવાબ આપતી એવું અનુભવતો. “જો,વાણી આજે તો તારા જેવા લાઈવ ઢોકળા, નવા સીંગ તેલ સાથે અને હું તારું ગમતું શર્ટ નહીં પહેરું ત્યારે તારા મિજાજ જેવી તીખી તમતમતી અને તને ‘હાય હિરોઈન’ કહું ત્યારે તારા લટકા જેવી ખટમીઠી ચટણી લીલા લસણ, લીલા કાતરા આંબલીપાન, આદુ,લીલા મરચા,કોથમીર અને ગોળવાળી.બોલ બરાબર? હવે ભરું ને એક એક કટોરો?અને ,” ભરને દસ બાર… ઓહોહો,કહેવું પડે વાહ.” જવાબ પણ પોતે જ આપે દલા તરવાડીની જેમ. બસ આવું રોજનું થયું.એ ખરેખર વાણીને અનુભવતો. ઘણાં આ વાત જાણતાં તો હસતાં.પણ કક્ષા સમજી શકતી. હવે તો કક્ષા જાણે આન્યા તાન્યાની માસી કમ મા હતી. બન્ને દીકરીઓની જરૂરિયાતને યાદ રાખતી અને એની વ્યસ્થા કરી દેતી. એટલે આકાશને નવા રેઇનકોટ જોતા પૂછવું નહોતું પડયું. ધીમે ધીમે સમય વીત્યો.આન્યા તાન્યા મોટાં થતાં ગયાં. વાણીના મૃત્યુ બાદ વતનમાં રહેતાં આકાશના માતાપિતા પણ આકાશ પાસે આવી ગયાં હતાં. એઓ અને કક્ષાનાં માતાપિતા, સગા સંબંધીઓ,મિત્રો, આડોશીપાડોશીઓ કે કોઈ પણ ઓળખીતા ઇચ્છતા કે આકાશ અને કક્ષા લગ્ન કરી લે.આન્યા તાન્યા તો ખુશીથી સહમત જ હોય. પરંતુ આકાશ તો દરેક બાબતમાં વાણીની સંમતિ લેતો.જવાબ પણ જાતેજ આપતો પણ આ બાબતમાં એ જાતે જવાબ આપી શક્યો નહીં.અંદરથી પીડાતો એ કશું બોલી શક્યો નહીં. એમાં એક દિવસ આન્યા તાન્યાએ આકાશને પૂછ્યું,”પાપુ, ભલે મમ્મા અહીં જ છે, આપણી આસપાસ,પણ આપણને વહાલ કરી વળગવા આવી શકતી નથી.હાથ ફેરવી શકતી નથી.તો એટલીવાર કક્ષામાસીને મમ્મા ન બનાવાય?”” થોડી વાર અટકી આકાશ બોલ્યો,” એ તો વાણીને પૂછવું પડે,” ને જાણે આકાશવાણી થઈ હોય એમ ખરેખર વાણીનો તૂટક તૂટક અવાજ સંભળાયો. “કક્ષા,મારી બેનપણી,મારી બેન, હું હવે બહુ જીવું એમ નથી,તારે જ તારી આન્યા તાન્યાને સાચવવાના છે, તું આકાશ સાથે પરણીશ? મારે ખાતર? હું આકાશમાંથી…” બોલતાં બોલતાં અવાજ કપાઈ ગયો. એટલામાં કક્ષા એનો ફોન શોધતી આન્યા તાન્યાને પૂછવા આવી,વાણી પણ અવાજ સાંભળી ગળગળી થઈ “આકાશ,આ વાણીની છેલ્લી ક્ષણો,જ્યારે તને ડોકટરે બોલાવ્યો હતો.એનો અવાજ મેં યાદગીરી રૂપે રેકોર્ડ કર્યો હતો.”સ્તબ્ધ થયેલ આકાશ કંઈ બોલે એ પહેલાં,ધોધમાર આંસુ સાથે રડી પડ્યો” આન્યા પાણી લેવા ગઈ.કંઈ ન સમજાતાં તાન્યા પણ પાછળ ગઈ.આકાશને હાથ ફેરવતાં “જો આકાશ…હું સાથે રહીશ પણ લગ્નથી બહુ ડરું છું. વાણીની આ ઈચ્છા હું નહીં પૂરી કરી શકું.પ્લીઝ મને માફ કરજે વાણી.” કક્ષા રડી પડી.આકાશ કક્ષાની આંખો લૂછતો આશ્ચર્ય સાથે “ડર!!શેનો ડર છે? કોઈ ભવિષ્યવાણી છે? એને તો ખોટી ઠેરવી શકીશું” જવાબ આપતાં કક્ષાથી એક ધીમી ચીસ નીકળી ગઈ,”કોઈ કરતાં કોઈને જ નથી ખબર, મારી નાની ઉંમરમાં મારા પર બળાત્કાર થયો હતો. એ..એ..હું ભૂલી શકતી નથી…આકાશ.” વર્ષોથી મનમાં દબાવી રાખેલી વાતથી એ ધ્રૂસકે ચઢી.આકાશ પણ ચોંકી ગયો,એને વળગી બોલ્યો.”કક્ષા, હવે તને શું કહું? હું તારા મનનાં ઘાને રૂઝવી શકું તો વાણી પણ રાજી થશે.”

Leave a comment

Filed under Uncategorized

ક્યાં જઈએ?/યામિની વ્યાસ

બાજુના બૅડ પરથી કણસવાનો અવાજ પરિચિત લાગતા મુદિતની નજર અનાયાસ એ તરફ ગઈ. ‘આ તો નંદિની, એ ક્યાંથી હોય?…. ગઈકાલ રાત સુધી તો અહીં કોઈ વૃદ્ધ કાકા હતા. એ ક્યાં ગયા? તેમને શિફ્ટ કર્યા કે તેમનું મૃત્યુ થયું? મને એવી તે કેવી ઊંઘ આવી ગઈ કે ખબર જ ન પડી! આ હોસ્પિટલ નહીં, આ તો ટ્રેન જેવું છે. કોરોનાકાળમાં તો બાજુની સીટ પણ ફટાફટ બદલાય છે. મુસાફરો પળવારમાં જ પોતાનું સ્ટેશન આવતાં ચૂપચાપ ઊતરી જતા હોય છે અને નવા મુસાફરો તેનું સ્થાન લઈ લેતા હોય છે. મને એવી તે કેવી ઊંઘ ચડી ગઈ? અહીં નંદિની…. એ વળી ક્યારે? મુદિતે ઘેરણભરી આંખો ખોલીને જોવાનો પ્રયત્ન કર્યો. ‘અરે… હા! લાગે તો એ જ છે. એની સૂવાની આ સ્ટાઇલ આ જ રીતે; કોણીથી હાથ આડો રાખીને માથાની ફરતે મૂક્યો હોય અને બીજો હાથ… હા વળી, મારી છાતી પર જ રહેતોને!’ નેઝલ કેન્યૂલા લગાડીને સૂતેલી નંદિની પર મુદિતની નજર પડી. બીજી જ પળે વિચાર ઝબકયો, ‘અરે! નંદિનીને કોરોના થયો છે તો મારી પિંકી કોની પાસે હશે? તેને તો કોરોના…. ના, ના, એને નહીં જ થયો હોય.’ પિંકીની વાત યાદ આવતાં મુદિત એકદમ ગભરાઈ ગયો. તેણે મનોમન પ્રાર્થના કરી કે, પિંકી સલામત જ હશે. તેને નંદિનીને પૂછવાનું મન થઈ ગયું પરંતુ એ સૂતેલી હતી. મુદિત અને નંદિની પતિપત્ની હતાં. ચાર વર્ષ પહેલાં બંનેએ છુટાછેડા લીધાં હતાં. દીકરી પિંકી નંદિની પાસે અને દીકરો ચિન્ટુ મુદિત પાસે રહે એ શરતે બંને છૂટાં પડ્યાં હતાં. જોકે, બંને બાળકોને વારાફરતી મમ્મીપપ્પાને મળવાની છૂટ હતી. તેઓ મળતાં પણ હતાં પરંતુ ધીરેધીરે ઓછું થતું ગયું. આમ તો આ ખૂબ સોહામણું જોડું હતું. અદેખાઈની આંખ ફૂટે એટલું સોહામણું! પરંતુ ધીરેધીરે થોડાં વર્ષોમાં, શું થયું તે ખબર નહીં, પરંતુ કોઈની નજર લાગી ગઈ. આર્થિક રીતે બંને પોતપોતાની રીતે પહેલેથી પગભર જ હતાં. નંદિનીને સારી જોબ હતી અને મુદિત પણ ઘંઘામાં સારું કમાતો હતો. ધીરેધીરે નાનીનાની વાતમાં બંને વચ્ચે કચકચ થયાં કરતી.અને પછી સુલેહ માટે એકેય માનવા તૈયાર ન થતું. જ્યારે લડાઈ થતી ત્યારે ચારપાંચ દિવસ તેઓ છૂટાં પણ પડી જતાં. નંદિની પિયર ચાલી જતી અથવા તો મુદિત પોતાના ભાઈના ઘરે જતો રહેતો. બંનેનાં ઘરનાં વડીલોએ સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ આખરે તો અહમ એટલે સુધી ટકરાયો કે બંને છૂટાં પડીને જ રહ્યાં. તેનું કારણ શું હતું તે કદાચ તે બંનેને પણ સમજાયું ન હતું. છૂટાછેડા પછી તેઓ શરૂઆતમાં સુખ અનુભવવાં લાગ્યાં કે, હાશ! રોજની કચકચથી છૂટયાં. બંનેને ભાગે આવેલાં સંતાનોને વિશેષ પ્રેમ આપીને ઉછેરવાં લાગ્યાં. મુદિતને કોરોના થયો હતો અને તે હોસ્પિટલમાં દાખલ થયો હતો. આમ તો તે આવ્યો ત્યારે તો ખૂબ ગંભીર પરિસ્થિતિમાં હતો પરંતુ અત્યારે ઓક્સિજન લેવલ ઠીક હતું. તેની બાજુની જ પથારીમાં નંદિની એડમિટ થયેલી હતી. મુદિત વિચારમાં ખોવાઈ ગયો. રાતે પોતે સૂઈ જ ન હતો શક્યો ને વિચારોમાં જ સવાર પડી ગઈ હતી. સવારે મુદિતની આંખ ઘેરાઈ અને તેને ઝોકું આવી ગયું. સવાર પડતાં નંદિની જાગી. તેની બાજુમાં કોઈ મોટેથી ઘોરતું હતું. એ ચીડ સાથે બોલી, ‘આવું મુદિત જેવા ભયાનક નસકોરાં બોલાવતું કોણ ઊંઘતું હશે? અને જોયું તો બાજુમાં મુદિત જ હતો. શ્વાસ લેવામાં નંદિનીને ખૂબ તકલીફ પડતી હતી છતાં પણ મોઢું બગાડીને મુદિત તરફ જોઈ રહી. અહીં પણ મારી બાજુમાં? ઓહો…! મરીશ તો પણ તેની બાજુમાં જ મરીશ? ભગવાન પણ કેવું નિર્માણ કરે છે? પરંતુ નંદિની પળમાં જ પત્નીમાંથી મા બની ગઈ. તેને ચિન્ટુ યાદ આવ્યો અને વિચાર્યું કે, મુદિત અહીં છે તો ચિન્ટુને કોણ સાચવતું હશે? અત્યારે તો લોકડાઉનમાં બાપ દીકરો સતત સાથે જ હશે. એને તો કોરોના નહીં થયો હોય ને? ના, ના, એને નહીં જ થયો હોય. મારો ચિન્ટુ…. એ લગભગ રડી પડી. નંદિનીને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી એ દવા કે સવારની ચા ન લઈ શકી. મુદિત પણ ઉઠી ગયો. બંનેએ આંખોથી એકબીજા સાથે વાત કરી લીધી પરંતુ એમાં ભારોભાર તિરસ્કાર અને નફરત જ હતી. બંનેને થયું કે, બૅડ બદલાવડાવી દઈએ પણ જ્યાં બૅડની જ અછત હોય ત્યાં શું થઈ શકે?આ તો ઓક્સિજન માટેનો તરફડાટ. ટ્યૂબ દ્વારા મળતા ઓક્સિજનમાંથી શ્વાસ લેવાના તે પણ બાજુબાજુમાં! બંને માટે ખૂબ કપરી પરિસ્થિતિ હતી. બંને એકબીજાથી મોઢું ફેરવીને સૂવાનો પ્રયત્ન કરતાં હતાં પરંતુ આમ જુઓ તો, મોઢું ફેરવી શકતાં ન હતાં. હોસ્પિટલમાંથી આવેલા લંચ માટે પણ મુદિત હોસ્પિટલ સ્ટાફને ફરિયાદ કરતો કે, ‘આવું નથી ભાવતું. મોઢામાં ટેસ્ટ બદલાઈ ગયો હોય ત્યારે આવું ખાવાનું આપો છો? અને તે પાછું આપી દેતો. નંદિનીને તેનો ભૂતકાળ યાદ આવી જતો. ‘હા, મુદિતના આવા જ નખરા… મારા સિવાય કોઈનું પણ બનાવેલું તેને ટેસ્ટી લાગતું. હું કેટલી મહેનત કરીને બનાવતી! પરંતુ તે આવું જ કહેતો. તેનો સ્વભાવ ક્યારેય નહીં બદલાય. આ માણસ સાથે કોઈ કદી રહી જ ના શકે.’ મુદિતે એકવાર નંદિની સાથે ફોન પર પિંકીને વાત કરતા સાંભળી. પૈસાના રોકાણની બાબત હતી અને એ માટે નાનાજી સાથે જઈ એફ.ડી. તોડાવવાની વાત હતી. મુદિતને થયું કે, હજુ નંદિની હિસાબ અને ગણતરીમાં કાચી જ છે. એનું શું થતું હશે? ઘર કેમ ચલાવતી હશે? પછી પિંકીના ભવિષ્યનું શું? હોસ્પિટલમાં પણ બંને આઈસીયુમાં માંડમાંડ રહેતાં હતાં. એકેયથી બોલી તો નહોતું શકાતું પરંતુ એકબીજા સાથે નજરથી વાતો થઈ જતી હતી. ધીરેધીરે નંદિનીની તબિયત બગડતી ગઈ. મુદિતને પૂછવું હતું કે, તું હોસ્પિટલનું બિલ કેવી રીતે મેનેજ કરશે? હોસ્પીટલમાં કોઈને પ્રવેશ મળતો ન હતો. સગાંવહાલાં બહાર જ ડૉક્ટરને મળીને ચાલ્યાં જતાં. જોકે, તેઓને ખબર હતી કે, બંનેનાં બૅડ બાજુબાજુમાં જ હતાં. એકવાર મુદિત ચિન્ટુ સાથે વિડીયોકૉલ પર વાત કરતો હતો અને નંદિનીથી ન રહેવાયું. તેણે કહ્યું, ‘મુદિત મને ફોન આપ.’ પરંતુ મુદિતે ફોન કાપી દીધો. એ જ રીતે પિન્કી સાથે વાત કરતી વખતે પણ થયું. ધીરેધીરે બંનેને અહેસાસ થવા લાગ્યો કે જ્યાં શ્વાસ જ નહીં રહે તો બાળકોનું શું થશે? કોણ સાચવશે તેમને? બંનેને એકબીજા સાથે વાત કરવી હતી પરંતુ પહેલ કોણ કરે? કોરોના કરતા પણ ગંભીર પરિસ્થિતિ મનની હતી. નંદિનીની તબિયત વધુ બગડતી ગઈ. નંદિનીને પણ થયું કે, હવે હું કદાચ નહીં બચું. ડૉક્ટર જ્યારે તપાસવા આવ્યા ત્યારે નંદિનીની હાલત જોઈને મુદિતથી બોલાઈ ગયું, “ડૉક્ટર, મહેરબાની કરીને એમને બચાવી લેજો.” ડૉક્ટરને નવાઈ લાગી. નંદિનીના રોમરોમમાં જાણે ચેતના જાગી ઊઠી. તેના જીવમાં જીવ આવ્યો. આ એક જ વાક્ય તેને બચવા માટે પૂરતું હતું. મુદિતથી અચાનક જ બોલાઈ ગયું હતું. તેને મનમાં થયું કે, નંદિની બચી જાય તો બંને બાળકો સચવાઈ જશે.મારે ડાયાબિટીસ છે, હું કદાચ નહીં જ બચું.ડોક્ટરના ગયા પછી ધીરેધીરે તેઓએ આંખોથી વાત કરવાનું શરૂ કર્યું. બંનેના ચહેરા પર નરમાશ હતી એના પર ટપકતા આંસુ ઘણું કહી જતા હતા. આખરે મુદિતે પહેલ કરી, “હવે કદાચ હું બચું કે ન બચુ, પરંતુ તારે તો જીવવું જ પડશે, નંદિની.” નંદિનીથી બોલાય તેમ ન હતું. તેણે ઈશારાથી સમજાવ્યું કે, “મારે નહીં… તારે બચવાનું છે. તું જ બાળકોને વધારે સારી રીતે કેળવી શકે તેમ છે. મારામાં હવે બહુ તાકાત નથી.” ધીરેધીરે બંને એકબીજાની કાળજી લેવાં લાગ્યાં. હોસ્પિટલના સ્ટાફને નવાઈ લાગી કે, બે પેશન્ટને એકબીજા માટે આવી લાગણી કેમ થઈ આવી? પણ પછીથી સૌ બંનેની વાસ્તવિકતા જાણી ગયા. સૌ એ બંનેને એવી રીતે જોતા, જાણે કહેતા ન હોય કે હવે તમે બંને એક થઈ જાઓ! અને તે બંનેને પણ થતું કે, હવે જ્યાં એક એક શ્વાસ માટે તકલીફ પડે છે, મોત સામે ઊભું છે ત્યારે આગળનું જીવેલું બધું બાદ કરીને ફરીથી…… ને નંદિનીએ મુદિત તરફ હાથ લંબાવ્યો. મુદિતે તરત જ એમાં પોતાની હથેળી મૂકી દીધી. ને બીજા દર્દીઓ પણ ઘડીભર દુઃખ ભૂલી આંખોમાં ભીનાશ સાથે બંનેને જોઈ રહ્યાં. લગભગ એક અઠવાડિયું બંનેની સારવાર ચાલી પણ વધારે તો એકબીજાની હૂંફથી બંને સાજા થયા ને બંનેને રજા પણ સાથે જ મળી. બંનેને વિદાય આપવા આખી હોસ્પિટલ ભેગી થઈ ગઈ. દરેક પેશન્ટને સાજા થતી વખતે તાળીઓ પાડીને વિદાય આપવામાં આવતી, પરંતુ આ એક વિશેષ અવસર હતો. બધાએ તાળીઓથી અને ફૂલની પાંખડીઓ વેરીને તેમને વિદાય આપી. ખુશીથી બંનેની આંખ ભરાઈ ગઈ. નંદિનીને તો લાગ્યું કે, જાણે ફરી મુદિત સાથે લગ્ન થયાં હોય ને વિદાય થઈ રહી છે! હોસ્પિટલ બહાર બંનેનાં વડીલો સાથે પિંકી અને ચિન્ટુ પણ લેવાં આવ્યાં હતાં. નંદિનીએ પૂછ્યું, “ક્યાં જઈએ?” મુદિતે કહ્યું, “આપણા ઘરે…..સ્તો!”

Leave a comment

Filed under Uncategorized

યોગ** ખુરશીમાં બેસીને/પ્રવિના અવિનાશ 

10 chair yoga moves for easy weight loss - Times of India
યોગના આસન , પ્રાણાયામ અને રોગ માટેના ઈલાજ જોયા.
અમેરિકામાં યા ભારતમાં ઘણા બધા લોકો જમીન પર બેસી
શકતા નથી. કારણ સરળ છે આદત છૂટી ગઈ છે.  તેમના માટે
સરળ ઉપાય શોધ્યો છે. છેલ્લા બાર વર્ષથી ‘ચેર યોગ’ના વર્ગ
ચલાવું છું. જરા પણ અતિશયોક્તિ નથી કરતી. અમેરિકામાં સહુને
ખૂબ પ્રિય થઈ ગયા છે. જેનાથી પણ ફાયદો એ જ રીતે થાય છે જે
આપણે સામાન્ય રીતે જમીન પર બેસીને કરીએ ત્યારે થાય.
મિત્રો, શરીર અને મગજને જોડતો ‘યોગ’નો સેતુ આપણા સહુ
માટે  ખૂબ ફાયદાકારક પૂરવાર થયો છે.
યોગ એ જીવનની પદ્ધતિ છે. જેની કોઈ આડ અસર  થતી નથી.
માત્ર તંદુરસ્તી કેળવાય છે. નાની નાની શારિરીક તકલિફ દરમ્યાન
ગોળીઓ ગળવી તેના કરતા જાતે સમાધાન  પામવું હિતકારક
છે.
ખુરશી પર બેસીને કરી શકાય ( Chair Yoga)
ત્રણ અવસ્થા.
૧.  જાગૃત અવસ્થા ** અકારા
૨.  સ્વપ્ન અવસ્થા ** ઉકારા
૩. પરમ શાંતિ ** મકારા
===================
ખુરશીમાં બેસી ‘યોગ’        ( CHAIR YOGA)

આખા શરીરને અસર કરતું યોગનું આસન
***************************************
*****************************
 ખુરશી પર બેસીને પાદ હસ્તાસન ** પીઠ તેમજ મસ્તક કાજે.
=======================
બન્ને બાજુ વળવાનું આસન ** પીઠ કાજે   **
 

**********
ખુરશી પર બેસી સૂર્ય નમસ્કાર
**
બે હાથ જોડી.
.૧. ઑમ શ્રી સૂર્યાય નમઃ
૨. બે હાથ ઉપર કરી પાછળ વળવું
૩. બન્ને હાથ નીચે જમીન પર લાવવા
૪. ઉપર ઉઠતી વખતે જમણો પગ સાથે લાવી
પકડી પાછળ વળવું
૫. દાઢી ઘુંટણે લગાવવી
૬. હાથ પાછળ પગ નીચે
૭. આગળ વળવું ઉપર ઉઠતી વખતે ડાબો પગ સાથે
લાવી પકડી પાછળ વળવું
૮. ઘુંટણ દાઢી સાથે લગાવી પગ નીચે પાછા વળતા
૯. બન્ને હાથ જોડી નમસ્કાર મુદ્રા.
ખુરશી પર બેસી “ભુ નમન” આસન
*******
૧. ટટ્ટાર બેસી, જમણો હાથ કમર પર રાખવો.
ઉંડો શ્વાસ લેતી વખતે
૨. ડાબા હાથે ખુરશીનો પાછળનો ભાગ પકડવો.
શ્વાસ છોડતી વખતે
૩. ઉંડો શ્વાસ લઈ ગરદન નીચી નમાવવી
ઉચ્છવાસ કાઢી
૧ થી ૯ ગણીએ ત્યાં સુધી નમાવેલી રાખવી
પાછા હતા તે સ્થિતિમાં આવવું
***
એ જ પ્રમાણે ટટ્ટાર બેસી ડાબો હાથ
શ્વાસ લેતા કમર પર (પેટ) રાખવો
**
શ્વાસ છોડતા જમણા હાથે ખુરશી પકડવી
**
શ્વાસ લેવો અને છોડતા ગરદન નમાવવી
**
૧થી ૯ ગણીએ ત્યાં સુધી રાખવી.
અંતે પાછા સીધા બેસી જવું.
(ખુરશી પર બેસી ‘ભૂ નમન’ આસન.

Leave a comment

Filed under Uncategorized

અલોડોક્સાફોબિઆ:Paresh Vyas 

અલોડોક્સાફોબિઆ: લોકો શું કહેશે.. मैं स्नेह-सुरा का पान किया करता हूँ,मैं कभी न जग का ध्यान किया करता हूँ – हरिवंश राय बच्चन કાયદાનાં ફાયદા ઘણાં છે. કાયદો બધાને લાગુ પડે. એકસમાન લાગુ પડે. કાયદાનો ઘડનાર/લાગુ કરનાર-નું લૉજિક લિબરલ (ઉદારમતવાદી) છે કે કન્ઝર્વેટિવ (રૂઢિચુસ્ત) એ વાત અગત્યની છે. વિખ્યાત લેબેનિઝ કવિ ફિલસૂફ ખલિલ જિબ્રાન કહે છે: જે પોતે અપંગ છે એનાં અભિપ્રાય અનુસાર નાચનારાં ગુનેગાર છે, ઘાણીએ જોડાયેલાં બળદ કહે છે કે જંગલનું હરણ રખડું છે, એની અલગારી રખડપટ્ટી બંધ કરી દેવાવી જોઈએ કારણ કે રખડપટ્ટી એ આજથી ગુનો ગણાશે. એ ઘરડો સર્પ પોતાની કાંચળી ઉતારી શકતો નથી એટલે અન્ય સર્પોને એ નાગાં કહે છે. અને નગ્ન હોવું ગુનો છે. જે લોકો કાયદો ઘડે છે એ સૂરજને પોતાની પાછળ રાખીને ઊભા છે, તડકામાં પોતાનો પડછાયો જુએ છે અને કહે છે કે આ પડછાયો એ કાયદો છે. નગારાંનો અવાજ ધીમો કરો, વીણાનો એકાદો તાર ઓછો કરો પણ આકાશમાં ગાતા પક્ષીનું ગીત તમે કેવી રીતે અટકાવી શકશો?- ફિલસૂફી અદ્ભૂત છે. ફિલસૂફી અદ્ભૂત હોય છે. દાખલા આપીને કોઈ સક્ષમ વ્યક્તિ સમજાવે ત્યારે વિચાર તો કરવો પડે. છતાં કાયદો હોવો તો જોઈએ. એની આમન્યા સૌ કોઈએ જાળવવી જોઈએ. આપણું કૃત્ય કોઈને નડતર ન હોવું જોઈએ કારણ કે આપણે સમાજમાં રહીએ છીએ, જંગલમાં નહીં. બ્રિટિશ શાસનકાળથી ચાલતો આવતો એક કાયદો છે દેશદ્રોહ. દેશ વિરુદ્ધ દંગો, બંડ, ફિતૂર અને એવી ઉશ્કેરણીજનક વાણી એટલે દેશદ્રોહ. ભારતની સામે ક્રિકેટમાં પાકિસ્તાન જીતે તો ફટાકડાં ન જ ફોડાય. ચીફ ઓફ ધ આર્મી સ્ટાફનું હેલિકોપ્ટર અકસ્માતમાં નિધન થયું. દેશ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો. પણ એવા ય હતા જેણે સોશિયલ મીડિયા ઉપર સ્માઇલી મૂકીને પોતાનો રાજીપો દર્શાવ્યો. આ સારી વાત નથી. પણ એ દેશદ્રોહ છે? આમ ક્ષુલ્લક લાગે પણ શું વિરોધને પાયામાંથી જ અટકાવવો જરૂરી નથી? અલબત્ત છે. જો કોઈ રાજનેતાની ટીકા થાય તો ટીકાકારને પકડી જવાય અને એની પર દેશદ્રોહ ઓટોમેટિક લાગુ પડી જાય? દેશ અને નેતા આમ જુઓ તો અલગ હસ્તી હોય છે. હેં ને? અને આ લોકશાહી છે. વાણીસ્વાતંત્ર્ય છે પણ એનો અર્થ એ નથી કે વાણીવિલાસ કરવો. ભગવદ્ગોમંડલ અનુસાર ‘વાણીવિલાસ’ એટલે બહુ બોલવાની છૂટ. સ્વાભાવિક છે કે સરકારને એવું ન ગમે. શશી થરૂર એક શબ્દ આપે છે: અલોડોક્સાફોબિઆ (Allodoxaphobia). અર્થ પણ આપે છે. મૂળ ગ્રીક શબ્દ ‘અલો’ એટલે અલગ, ‘ડોક્સો’ એટલે અભિપ્રાય અને ‘ફોબિઆ’ એટલે વધુ પડતી ખોટી ભીતિ કે તીવ્ર અણગમો. શશી થરૂર કહે છે કે યુપીના શાસનકર્તાઓ અલોડોક્સાફોબિઆ નામક માનસિક રોગથી પીડાય છે. એટલે જ વાર તહેવારે દેશદ્રોહ અને ગેરકાનૂની ગતિવિધિ રોકથામ અધિનિયમ કાયદાઓ હેઠળ કેસ કરે છે. અમે જો કે શશી થરૂરનાં શબ્દાર્થ સાથે સહમત નથી. તેઓ જે કહેવા માંગે છે એને અનુરૂપ આ શબ્દનો અર્થ નથી. અમારો શબ્દ શાસ્ત્રાર્થ આ પ્રમાણે છે. શાસનકર્તા ઉર્ફે રાજકારણી, ખાસ કરીને ઉત્તરપ્રદેશનાં શાસકો ક્યારેય વધારે પડતી ખોટી ભીતિ, ડરથી પીડાતા હોય એવું અમે સાંભળ્યું નથી. અલોડોક્સાફોબિઆથી પીડિત વ્યક્તિ હોય તો એ ડરતો હોય છે. એને બીક હોય છે કે કોઈ પોતાનાથી વધારે મજબૂત વ્યક્તિ એની મજાક ઊડાવશે. એનાં અજ્ઞાનની ટીકા કરશે. અરે ભાઈ! કાંઈ કેટલાં લોકો ટીકા તો કરતાં જ રહે છે. સોશિયલ મીડિયા સાવ એન્ટિ-સોશિયલ થઈ જાય તો પણ તેઓ તો હાથીની માફક હાઇલાં જાય, કૂતરાં ભલે ભસે. તેઓ માને છે કે કુછ તો લોગ કહેંગે પણ.. છોડો બેકારકી બાતોંમેં કહીં બીત ન જાયે શાસન….કેટલાંક લિબરલિયાં અભિપ્રાય આપે કે ગંગા કિનારે આ વ્યર્થ દેખાડો છે પણ કોઇની વાત તેઓ સાંભળે છે ખરાં? કોઈની ટીકા ટિપ્પણની જેઓને કોઈ પડી નથી તેઓને અલોડોક્સાફોબિઆથી પીડિત હોવાનું કહીને આપે ખોટો શબ્દ વાપર્યો છે, શ્રી શશી થરૂર.. હા, આપ કહો છો કે તેમ દેશદ્રોહનાં કેસ સરખામણીમાં વધારે થયા હશે. કાયદાની અમલવારી કડક થાય છે. કારણ કે તેઓ માને છે કે આ જરૂરી છે. જો આપનાં કહેવા મુજબ આ અલોડોક્સાફોબિઆ હોય તો યુપીનાં શાસનકર્તાઓએ બીજાઓનાં અભિપ્રાયથી ડરવું જોઈએ. પણ એવું ક્યાં છે જ? આપ શબ્દનાં મહારથી છો પણ ખોટો શબ્દ ટ્વીટી ગયા! યુપીનાં શાસકોને આપ સોલિપ્સિસ્ટ (Solipsist) કહી શક્યા હોત. લેટિન શબ્દ ‘સોલસ’ એટલે એકલો અને ‘ઇપ્સે’ એટલે પોતે. એવી વ્યક્તિ જે પોતાનામાં રાચે, બીજાનાં અભિપ્રાયની ઐસી તૈસી. અથવા આપ એમને ઓસ્સિફાઇડ (Ossified) કહી શકો. એટલે હાડકું બની ગયો છે એ માણસ. અક્કડ, અનમ્ય, કોઈનાં અભિપ્રાયની એને કોઈ પડી નથી. પણ આપે ટ્વીટેલો અલોડોક્સાફોબિઆ શબ્દ આપ જે કહેવાય માંગો છો એની સાથે સુસંગત નથી, યોગ્ય નથી. અલોડોક્સાફોબિઆ રોગનાં લક્ષણો છે હથેળીઓમાં પરસેવો વળવો, ધડકન તેજ થઈ જવી, કોઈ અભિપ્રાય આપે એવી જગ્યાઓ પર જતા ડરવું, આત્મવિશ્વાસની કમી અને અસલામતીની લાગણી. અમને નથી લાગતું કે યોગીજીને આવો રોગ છે. શશીજી, આપ શબ્દ ટ્વીટ કરવામાં થાપ ખાઈ ગયા છો. મૂળ વાત છે અભિવ્યક્તિની સ્વતંત્રતાની. તમે કહી શકો કે મારો રાજા નાગો છે. અને એ જ રાજા તમારી સામે કાયદાનો ઉપયોગ કરી શકે છે. વિરોધ ઊગે તે પહેલાં જ એને કચડી નાંખે. ‘દંડ’ અને ‘ભેદ’ની નીતિ ઘણી વાર ‘સામ’ અને ‘દામ’ પહેલાં આવી જાય. કોઈ કોઈ લોકો અમથાં ય લાતોકે ભૂત જેવાં હોય છે. દેશદ્રોહ અને ગેરકાનૂની ગતિવિધિ રોકથામ અધિનિયમ કાયદાઓ સામે શશી થરૂરને વાંધો છે. એમ કે ક્યાંક લીલું બળે છે. પણ.. સામાન્ય પ્રજાને રાજા કડક હોય તો ગમે. પણ હા, જો મનમાં આવે તો ઓવૈસિની માફક કહી દેવું. (ઓવૈસિ=બહાદૂર!) અને અભિપ્રાય આપવો. એક ડોક્સોફોબિઆ શબ્દ પણ છે. પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો ડર, જે ન હોવો જોઈએ. સામે પરિણામ માટે પણ તૈયાર રહેવું. પણ ચૂપ ન રહેવું. ગબ્બરસિંઘ કહી ગયા’તા કે જો ડર ગયા.. મૂંગા રહીને અભિપ્રાય આપવો એને ચૂંટણી કહેવાય છે.

Pronunciation of ALLODOXAPHOBIA with 3 audio pronunciations

Listen ALLODOXAPHOBIA pronunciation 1

5ratings

શબ્દશેષ:“અન્યનાં અભિપ્રાય એ આ દુનિયામાં સૌથી મોટો ડર છે. જે ક્ષણે તમે ટોળાંથી ડરવાનું છોડી દો એ ક્ષણથી તમે ઘેટું નથી, તમે સિંહ છો. તમારા દિલમાંથી એક પ્રચંડ ત્રાડ ઊઠશે, મુક્તિની ગર્જના.” –ઓશો

Leave a comment

Filed under Uncategorized