“અકસ્માત !! રાજુને શરીરવિજ્ઞાન જરાય નહોતું આવડતું શિક્ષક ભણાવતાં લોહીના ઘટકો અને એના કાર્યો રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ.. વિગેરે એને બહુ અઘરું લાગતું ગોખવાનું, યાદ રાખવાનું ને પરીક્ષામાં લખવાનું વારે વારે નાપાસ થતો ક્યારેક ડાંટ તો ક્યારેક માર ખાતો “મગજ છે કે નહીં ? શું કરશે આગળ જઈને ?” ત્યારે એના શરીરમાં લોહી બમણા વેગથી પરિભ્રમણ કરતું.. વર્ષો પછી આજે એ શીખવી રહ્યો હતો લોહીના ઘટકો અને એના કાર્યો પ્રેકટીકલી … પોતાની રક્તવાહીનીથી પ્રવેશી છેક શિક્ષકના હ્રદય સુધી શિક્ષકને નડેલ એક જીવલેણ અકસ્માત વખતે… યામિની વ્યાસ”
‘હેલી ચાલ, તારો શોખ પૂરો થયો હોય તો. હવે અહીં બહુ રહી શકાય એમ નથી. પછી તારી કેરિયરનું શું? થોડે થોડે વખતે અહીં આવી જઈશું બસ.’
‘મમ્મા, મારે તો અહીં જ રહેવું છે, આખી દુનિયામાં મને તો આ જ જગ્યા પસંદ છે.’
‘હા બેટા પછી તારી લાઈફ, કેરિયર સાથે મેરેજનું શું?’
‘ઓ ડિયર પપ્પા, વખત આવ્યે બધું થઈ રહેશે.’
‘પણ બેટા કોઈ અહીંની આવી જિંદગી તો ન જ પસંદ કરેને?’
આવા સંવાદો તો જ્યારે જ્યારે હેલીના મમ્મી પપ્પા અહીં આવતાં ત્યારે અચૂક રચાતા.
ડૉ. હેલીનો સફરશોખ પહેલેથીજ કંઈક જુદા પ્રકારનો જ હતો દર વેકેશનમાં હેલી સહેલીઓ સાથે ભારતભરનાં ગામડાં ખૂંદી વળતી. પરંતુ એમાં એને દક્ષિણ ગુજરાતનું સારલા ગામડું બેહદ પસંદ હતું. સામાન્ય સગવડોથી વંચિત અને અઢળક કુદરતી સૌંદર્યથી ભરપૂર. સારલા એને ખૂબ આકર્ષતું. બહારથી ગમાર લાગતા ભોળા લોકો સાથે એમની ભાંગીતૂટી બોલીમાં વાતો કરતાં એ થાકતી નહીં. એક વખત ઈલાજ વગર સાવ સામાન્ય બીમારીથી મૃત્યુનાં મુખમાં પહોંચેલી પાંચ વર્ષની નાનકડી બાળાને જોતાં એ દ્રવી ઉઠેલી, ત્યારથી જ એને અહીં આરોગ્ય કેન્દ્ર ચલાવવાની તમન્ના હતી અને એણે અહીં રહેવાનો નિર્ણય કર્યો. એ તો રોજ ગામડું ખૂંદવા અને લોકોને મળવા એને નોકર ઘેલા સાથે નીકળી પડતી. એને લહેરાતાં ખેતરો, એક સરખી ઝૂંપડાંની લાઈન, કૂવામાંથી પાણી ખેંચતી સ્ત્રીઓ, હળ,બળદગાડાં વગેરે જોવાની ખૂબ મજા આવતી. ખેતરમાંનો માંડવો, ચાડિયો, ગોફણ તો એના ખૂબ પ્રિય હતાં. ગમતાં દ્રશ્યોને કેમેરામાં કંડારી લેતી અને ફોટોગ્રાફ્સ જોવા મમ્મી-પપ્પાને મુંબઈ મોકલાવતી.
સારલામાં હેલી ફક્ત દવાખાનુ ચલાવતી એટલું નહીં, ગામલોક સાથે ખૂબ વાતો કરતી. શહેર, રાજ્ય, દેશ- વિદેશની માહિતી આપતી ભણતરનું મહત્વ સમજાવતી. ખાસ કરીને સ્ત્રીઓને સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન પણ આપતી અને બાળકો તો હેલીને ખૂબ જ વહાલાં હતાં. હેલીની પ્રેમાળ સારવારથી ગામ લોકોને ખૂબ રાહત મળતી. હેલીએ ઘણા લોકોને બીમારીમાંથી બેઠાં કર્યાં હતાં અને ઘણાનાં જીવ બચાવ્યા હતાં. ગામલોકો તો એમ જ માનતા કે હેલીના હાથમાં જાદુ છે. સામાન્ય રોગ તો હેલીના સ્પર્શથી દૂર થઈ જતો. ખરેખર તો હેલીના લાગણીભર્યા અને કાળજીભર્યા શબ્દોની હૂંફથી જ દર્દી અડધો તો સારો થઈ જતો.
એક દિવસ રાત્રે ધોધમાર વરસાદ, કાળી બિહામણી રાત ને વચ્ચે વીજળીના કડાકા. આ બધા અવાજોને કારણે હેલીની માંડ આંખો લાગી હતી. અને બહારથી જ બૂમ પડી.’બેન સાબ, બેન સાબ.’ આતો ગામના મુખી પૂંજાનો અવાજ.’ હેલી બારણા નજીક આવી.’બેન સાબ, ઘરવાળીની હાલત નથી હારી. તમે આવો તો હારું,’ પૂંજાએ વિનંતી કરી.હેલી તરતજ ઊઠી ‘ચાલો’ હું તમારી સાથે જ આઉં છું,’હેલીએ બહાર જોયું તો સઘળે પાણી પાણી. આટલા પાણીમાં જવાની વાતથી જ જાણે થ્રિલ અનુભવી પણ જવાય કેવી રીતે? ‘તમોને લેઈ જવા ભેંહ લાયવો સું.’ પૂંજાએ કેડસમાણાં પાણીમાં ભેંસ પર ખાટલી મૂકીને હેલીને લઈ જવાની વ્યવસ્થા કરી. ઘેલો બીમાર હતો એટલે હેલી એકલી જ કેપ્રી, ગમબૂટ, રેઈનકોટ પહેરી ફટાફટ તૈયાર થઈ. રાત્રે ભર વરસાદમાં થોડા કુતૂહલ અને થોડા રોમાંચ સાથે એ ભેંસ પર બેઠી.પૂંજો બાજુમાં ચાલતો ચાલતો ગર્ભવતી ઘરવાળી ચોઘડીની ગંભીર હાલત જણાવતો હતો.હેલીને જલદી પહોંચવું હતું પણ ઊંડા કાદવમાં ભેંસ ચાલે એજ ઝડપે પહોંચાય.એણે પૂંજાને હૈયાધારણ આપી.પૂંજાને હેલીમાં વિશ્વાસ હતો.ઝૂંપડે પહોંચ્યા. હેલીએ ચોઘડીનો હાથ પકડ્યો.જાણે આખરી શ્વાસ ચાલતા હતા, બચવાની કોઈ શક્યતા નહોતી, છતાં હેલીએ શકય એટલી તાત્કાલિક સારવાર આપી બાળક બચાવી લીધું. ચોઘડીને ન બચાવી શકી. ચોઘડીના મરણની ખબર આખા ગામમાં ફેલાતા સહુ ટોળે મળી હેલીને જ મોતની જવાબદાર માની ગાળો ભાંડી,મારવા તૈયાર થયા, પરંતુ બે-ત્રણ વડીલોએ વચ્ચે પડીને વાતનું વતેસર થતું અટકાવ્યું. હેલી માંડ છૂટી. એને ઘરે મૂકવાની વ્યવસ્થા થઈ. એ ડઘાઇ ગઇ હતી.
બીજે દિવસે ઘેલાએ એને મુંબઈ પાછી ફરી જવા સમજાવી, પણ નવા પડકારનો સામનો કરવા એણે એ જ ગામડામાં રહેવાનો નિર્ણય કર્યો.
ત્રીજા દિવસે મમ્મી પપ્પા ગાડી લઈ સારલા આવી પહોંચ્યા ત્યારે અજાણ હેલી આંખે પાટો બાંધી બાળકો સાથે પકડદાવ રમતી હતી. ગામડામાં આવેલી ગાડી જોઈને આશ્ચર્યથી બાળકો તો પાગલની જેમ સામે જ દોડ્યા. ડ્રાઈવરે ખૂબ કંટ્રોલ કર્યો તો ય નાનકડી સાવલી આગલા ટાયરની અડફેટે આવી ગઈ. ચીસ સાંભળી હેલી દોડી અને કોઈને કંઈ પણ પૂછ્યા કહ્યા વગર સાવલીને ઊંચકી ગાડીમાં બેસાડી અને તેઓ શક્ય એટલી ઝડપે શહેર તરફ રવાના થયા.
ગામમાં તો વાતાવરણ તંગ થઇ ગયું. પૂંજાએ જ વાત શરૂ કરી કે ‘હેલી સાવલીને ઉઠાવી ભાગી ગઈ સે, અવે ધીમે ધીમે બધાં પોયરાઓને લેઈ જહે.’ ઘેલાની પણ ખૂબ પૂછપરછ થઈ. પરિસ્થિતિ સાચવતા એનો દમ નીકળી ગયો. છેક ચોથા દિવસે માથા પર પાટો અને પ્લાસ્ટરવાળા પગ સાથે સાવલી આવી. સૌના ઉગ્ર ચહેરા જોઈ સાવલીએ જ પોતાની થયેલી સારવારનું વર્ણન કર્યું. વાત સમજાવતા પૂંજા સિવાય સહુ હેલીના વખાણ કરવા લાગ્યા,એની માફી માંગવા લાગ્યા.
એ ગામનો એવો રિવાજ હતો કે, હોળીનો તહેવાર આવે એ પહેલા જૂનું વેર વાળી લેવું. એકવાર હોળી પ્રગટી જાય એની સાથે એ વર્ષનું વેર નાશ પામે. હોળીને દિવસે ગામલોકોએ હેલીને ચેતવી હતી,’બેન,પૂંજો વેર લેવા આવહે, છુપાઈ જાવ. હોળી હલગ્યા પછી દેખા દેજો.’ પરંતુ હેલીએ હળવા સ્મિત સાથે તેઓને વિદાય કર્યા એને આવનારી આફતનો સામનો કરવો હતો. વાત સાચી પડી. પૂંજો વેર લેવા આવ્યો. બારણું તોડી ઘરમાં આવી હેલીને શોધી. તે ક્યાંય નજરે ન ચઢી તો તોડફોડ કરી ચાલ્યો ગયો.આખરે હોળી પ્રગટી, સાથે હેલી પણ પ્રગટી. સહુને નવાઈ લાગી, ઘેલાએ રહસ્ય છતું કર્યું. એણે હેલીને લીલું કપડું ઓઢાડી ઘટાદાર ઝાડ પર છુપાવી હતી. હવે રિવાજ મુજબ જૂનું વેરઝેર પૂરું થયું. સહુએ પૂંજાને સમજાવ્યો,’ દાકતર હો માણહ છે, થાય એટલું બચાડા કરે, ભગવાન પાંહે એનું ન યે ચાલે.’
હેલીનો અનુભવ રોમાંચક રહ્યો. હોળી પછી એની ફરતે થતા નાચગાનમાં સહુને ગળે મળી એ ભળી ગઈ. એ નાચગાનમાં પૂંજો પણ સામેલ હતો.
ફરી બમણા ઉત્સાહથી હેલીએ આ લોકોની સેવા કરવાનો મનોમન નિર્ધાર કર્યો. બીજે દિવસે ધુળેટીએ સહુ સાથે એ રંગોમાં એ એવી રંગાઈને ભળી ગઈ કે ઓળખાતી પણ નહોતી ને મમ્મી પપ્પા આવ્યા.આ વખતે તો તેમની સાથે એક યુવાન ડોકટર પણ હતો જે હેલીનો ખાસ મિત્ર. રંગીન ટોળામાંથી એણે હેલીનો દુપટ્ટો પકડી ખેંચીને હેલીના કાનમાં કંઈક કહ્યું. આ જોઈ સ્તબ્ધ થઈ ગયેલા ગામલોકોએ હેલીના ચહેરાનો ઓર ખીલેલો રંગ જોઈ પેલા યુવાનને પણ ગ્રામ્યરંગમાં રંગી દેવા હાથ લંબાવ્યા.
નાઈટ ડ્યૂટી પતાવી સવારે ડૉ. સ્તુતિ હોસ્પિટલથી ઘરે આવી સીધી ન્હાવા ગઈ. આમ પણ આખી રાત પીપીઈ કીટ પહેરી રાખવાથી પરસેવાથી રેબઝેબ હતી. નહાઈને ભીના વાળ લૂછતી બહાર આવી. મમ્મી ચા નાસ્તા માટે રાહ જોતી હતી. તે બોલી, “ચાલ બેટા, આજે તો તને ભાવતા મેથીના ગોટા બનાવડાવ્યા છે. હા, આગળ બોલીશ નહીં, કોઈ ડાયટિંગ નહીં. તું બિલકુલ ફિટ છે. ” સ્તુતિ હસતી હસતી આવી મમ્મીને વહાલ કરતાં બોલી, “ઓહો, આ તમે કહો છો, ડૉ. શ્વેતા? આ ઉંમરે પણ ફિટ રહેવા લોકો આપનું એક્ઝામ્પલ આપે છે. લવ યુ મા” એટલામાં પાપા અને તેના બંને ભાઈઓ પણ આવી ગયા. તોફાન મસ્તી અને એકબીજાની ખેંચાખેંચમાં ડાઇનિંગ ટેબલ ગુંજી ઊઠ્યું. મમ્મી ડૉ. શ્વેતા શહેરની જાણીતી ગાયનેકોલોજિસ્ટ અને પાપા ડૉ. કંદર્પ જાણીતા સર્જન હતા. વળી મોટા ભાઈઓ પણ મેડીકલના એજ રસ્તે ને આખા પરિવારની નાની લાડકી સ્તુતિ આજ વર્ષે એમ. બી. બી. એસ. થઈ સિવિલ હોસ્પિટલમાં આગળ અભ્યાસ અને ઇન્ટર્નશિપ માટે જોડાઈ હતી. શહેર એમને ડૉકટર પરિવાર તરીકે ઓળખતું. નાસ્તા પછી પપ્પા અને ભાઈઓ પોતપોતાના કામે માસ્ક પહેરી હોસ્પિટલ જવા નીકળ્યા. મમ્મી બપોર પછી જવાની હતી. પાપા સ્તુતિને કહેતા ગયા, “બેટા, હવે આરામ કરજે, મોબાઈલ દૂર રાખીને. . . ” બંને ભાઈઓ બોલ્યા, “યસ સેઇમ, ઇન ટુ ઇન્વરટેડ કોમા” સ્તુતિએ મસ્તીમાં બંનેના ચાળા પાડ્યા.
સ્તુતિએ એના વાળ બાંધવા માટે બટરફ્લાય કાઢવા ડ્રેસિંગ ટેબલનું ખાનું ખોલ્યું ને ઘૂઘરીવાળી ગમતી એક બંગડી દેખાઈ. અચાનક હોસ્પિટલની વાત યાદ આવતા મમ્મીને કહેવા દોડી, “મમ્મી, કાલે એક લેડી પેશન્ટનું ડેથ થયું. અમે ચારપાંચ દિવસથી એની ખૂબ દિલથી ટ્રીટમેન્ટ કરતા હતા પણ એડમિટ હતી ત્યારથી જ એની કન્ડિશન સિવીયર હતી. પછી થોડી સુધારા પર હતી. કાલે હું ડ્યૂટી પર હતી ત્યારે મારી સામે માંડ સ્માઈલ આપ્યું અને મારો ગ્લોવ્ઝવાળો હાથ પકડવા ટ્રાય કરી. મને એના હાથમાંની સાવ બ્લેક થઈ ગયેલી આવી બંગડી આપી બોલી, “બેટા તમે મારી બહુ સેવા કરી મારું મરણ સુધાર્યું, ભગવાન તમને ખૂબ ખુશ રાખે. હું કંઈ બોલું કે ના પાડું એ પહેલાં તો પાણી. . ” એમ બોલતાં જ મેં પાણી પાયું અને સડન કોલેપ્સ્ડ. મારા સિનીઅર પણ દોડી આવ્યા પણ. . ” શ્વેતાએ ધ્યાનપૂર્વક વાત સાંભળી પૂછ્યું, “પછી?”
“આવું તો મમ્મી રોજ કોઈનું ને કોઈનું થાય છે. એના સગાઓને કેવું થતું હશે? હવે આમ પણ એના રિલેટીવ તો કોઈ હતા જ નહીં. મેં તો સિનીઅરને પૂછી એ કાળી પડી ગયેલી બંગડી ગરીબ પેશન્ટ માટેના વેલ્ફેર ફંડમાં જમા કરાવી દીધી. સિસ્ટર કહે, ‘કદાચ ચાંદીની હોય’ ને મમ્મી સાથે મારા પર્સમાં બે હજારની નોટ પડી હતી, સો ઉમેરીને એકવીસસો પણ સાથે જમા કરાવ્યા. મારી ફ્રેન્ડે કહ્યું, “બધા માટે આટલી લાગણી સારી નહીં. પણ મને ઈચ્છા થઈ”
“ઓકે ઓકે બેટા, પણ એનું નામ શું હતું?”
“યાદ નથી, હા. . . સોનેરી, સોનેરી જ નામ હતું. જાણે મહિનાઓથી ના ખાધું હોય એવું પાતળું શરીર પણ આંખ ખરેખર બ્યુટીફુલ હતી. ઓકે મમ્મી, આ રોજની હિસ્ટરી છે. મને બે કલાક પછી ઉઠાડજે. મારે ફરી ડ્યૂટી પર જવાનું છે. “
“ડૉ. સોહમ ભલે તારો બોયફ્રેન્ડ હોય પણ મેરેજ પછી જો મારી દીકરી પાસે વધુ કામ કરાવ્યું તો એની ખેર નથી. ” શ્વેતા હળવાશથી બોલી.
સ્તુતિએ મોટેથી હસતાં હસતાં તેના રૂમમાંથી જ જવાબ આપ્યો, “જસ્ટ ચીલ, મમ્મી” પણ શ્વેતા જરાય ચીલ નહોતી. એ છવ્વીસ વર્ષ પહેલાનાં વર્ષોમાં સરી પડી.
ડૉ શ્વેતા અને ડૉ કંદર્પ શહેરનાં સારા ડોકટર્સ ઉપરાંત તેઓની ફિટનેસ માટે જાણીતાં હતાં. રાત્રે કેટલા મોડા કેમ ન સૂતા હોય પણ સવારે વહેલાં ઊઠીને ચાલવા, દોડવા કે સાયકલિંગ કરવાં નીકળી પડતાં. એટલા બધા નિયમિત કે સૂરજ પણ કદાચ એમની રાહ જોઈ ઊગતો. આજ રોજનો એક એવો સમય હતો કે બંને રિલેક્સ થઈ શકતાં. કોઈ વાર દૂર જવું હોય તો ગાડી લઈ નીકળતાં અને ક્યાંક પાર્ક કરી ખુલ્લી હવામાં ચાલતાં. શ્વેતા સવારની સુંદરતાને ક્લિક કરવાનું ભૂલતી નહીં.
આવી જ રીતે એક દિવસ વાતમાં ને વાતમાં ચાલતા શ્વેતાને કંઈક અવાજ સંભળાયો. કંદર્પને એણે ઊભો રાખ્યો. પણ એને અવાજ ન સંભળાયો. શ્વેતા અટકી ડાબી બાજુ ખસી સહેજ પાછળ ગઈ. ઝાડ નીચે ગોદડીમાં લપેટાયેલું એક નાનકડું બાળક હતું. શ્વેતાએ ઊંચકી લીધું. જોયુ તો સરસ ફ્રોક પહેરાવેલી અને કપાળ પર કાળું ટપકું કરેલી મજાની બાળકી હતી. પોતે ગાયકેનોલોજિસ્ટ હતી. કેટલીય બાળકીઓનો જન્મ કરાવ્યો હતો પણ આ રીતે અચાનક નાનકડી બાળકી મળી જવી એ કંઈક અનોખી અનુભૂતિ હતી. ડૉ. કંદર્પને પણ નવાઈ લાગી. આજુબાજુ જોયું. ત્યાંથી પસાર થનારાઓને પૂછ્યું. થોડીવાર રાહ જોઈ પણ કોઈ દેખાયું નહીં. કંદર્પએ કહ્યું, “ચાલ પોલીસને સોંપી દઈએ. તેઓ વ્યવસ્થા કરશે.” એવામાં
શ્વેતાએ એના પગ સાથે કાળા દોરાથી બાંધેલી નાની પોટલી જોઈ. એમાં ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, ‘મારી ખૂબ મોટી લાચારીને કારણે મારી વ્હાલસોયી બાળકીને છોડી જાઉં છું. આપ જે કોઈ એને લઈ જશો એ મારાથી સારી રીતે ઉછેરશો એવી ખાતરી છે. એ ના થાય તો મારા જીવના ટુકડાને અનાથ આશ્રમમાં મૂકી આવવા એક લાચાર માની આગ્રહભરી વિનંતિ. આ સાથે મારી એક ચાંદીની બંગડી મૂકું છું જે એનું કાંડુ પહેરવા જેવડું થાય ત્યારે આ માના આશીર્વાદ સમજી ખાલી એકવાર પણ પહેરાવશો. તમને સો વાર પગે પડું છું.’
આ વાંચી શ્વેતાની આંખો ભરાઈ આવી. એણે કંદર્પને કહ્યું, “આપણને દીકરી નથી તો આને દત્તક લઈએ?”
કંદર્પએ કહ્યું, “મને ગમે પણ આવા લાગણીવેડા ના કરાય. બહુ વિચારવું પડે. એની વિવિધ પ્રોસીજર હોય છે. હમણાં પોલીસમાં ચાલ.” પણ અંતે શ્વેતાની ખૂબ ઈચ્છા હોવાથી જરૂરી કાર્યવાહી પછી બાળકી દત્તક લઈ લીધી. એમના બે દીકરાઓ બીજાત્રીજા ધોરણમાં ભણતા હતા. તેઓ પણ નાની બહેન જોઈ ખુશ થયા. એમને તો નાનું રમકડું મળી ગયું. હરિકૃપાથી મળી હોવાથી એનું નામ સ્તુતિ પાડ્યું. પણ ભાઈઓની એ સોનપરી અને મમ્મીપાપાની લાડકડી બની ગઈ. પૂરા વૈભવથી અને લાડકોડથી મોટી થતી હતી એની જન્મ દેનાર માએ કદાચ સાચું જ ભાવિ જોયું હશે.
સ્તુતિ દત્તક લીધેલું સંતાન છે એ બધાને જ ખબર હતી. શ્વેતા અને કંદર્પએ નક્કી કર્યું હતું કે કોઈ બીજા દ્વારા ખબર પડે એ પહેલાં એને જણાવી દેવું. જન્મદિવસ તો ખબર નહોતો એટલે એ મળી એ જ એનો જન્મદિવસ ઊજવતાં. એ સમજતી થઈ ત્યારે બર્થડેને દિવસે તેઓએ તેને કહી દીધું હતું. ત્યારે એ ચીસ પાડી બંનેને વળગી પડી હતી, “ના, તમે જ મારા મમ્મીપપ્પા છો. મને ઝાડ નીચે નહીં મૂકી આવતા.” બંનેએ આંખમાં આંસુ સાથે માંડ એને શાંત પાડી ને ફરી ક્યારેય આ વાત નહીં કહેવાનું નક્કી કરેલું.
સમય વીતતો ગયો. સ્તુતિના ટહુકાથી ઘર ચહેકતું રહેતું. ભાઈઓ સાથેની રમતમાં કે લડાઈમાં પણ એની જ જીત થતી. એના વગર કોઈને ગમતું નહીં. સ્તુતિ હતી પણ મીઠડી અને સુંદર. શ્વેતાએ એની અઢારમી બર્થડે એ પેલી ઘૂઘરીવાળી એક બંગડી સોનાનું ગિલીટ ચઢાવી એને ગિફ્ટ કરી પણ એ એની માએ આપી હતી એ ના કહ્યું. કદાચ સ્તુતિને દુઃખ થાય. સ્તુતિને તો આ ગિફ્ટ બહુ ગમી ગઈ. થોડા થોડા વખતે એનું ગિલીટ ન ઉતરે એનું શ્વેતા ધ્યાન રાખતી.
એક દિવસ પોતાના કન્સલ્ટિંગ રૂમમાં શ્વેતા પેશન્ટ તપાસતી હતી ત્યારે એક ગરીબ દેખાતી સ્ત્રી આવી પહોંચી. તેણે કહ્યું એકલામાં વાત કરવી છે. એણે કહ્યું, ” ઝાડ નીચે મારી છોકરી મુકેલી એ અભાગી મા હું જ છું.” તે હાથ જોડીને બોલી, “હું વેશ્યા છું ને મારી છોકરી મારી જેમ ના બને એટલે મેં આ કર્યું. એનો શું વાંક? એ છોકરીને તમને લઈ જતા મેં દૂરથી જોયા હતા. અને પેપરમાં પણ આવ્યું હતું કે તમે દત્તક લીધી છે.” શ્વેતા સાંભળી હચમચી ઊઠી. જાતને સંભાળતા તે બોલી, “હા બોલો”
“મારે મળવું નથી. એને દુઃખી ન કરાય. મારી વાત એને કદી કહેશો નહીં. બસ એકવાર એનો ફોટો બતાવી દો. પછી જિંદગીભર જોવા નહીં આવું. આ મારો પાકો વાયદો છે. આ બીજી બંગડી એનું ફ્રોક લેવા બીજી વેશ્યાને વેચી હતી જે મેં પાછી ખરીદી છે. એક મા શું આપી શકે?” એની આંખમાં પાણી આવી ગયાં.
શ્વેતાએ એને મોબાઇલમાંથી ફોટા બતાવ્યા. નામ સ્તુતિ અને એના ભણતર તથા પ્રગતિ વિશે કહ્યું. લગ્ન થવાના છે તે ડૉ. સોહમ વિશે કહ્યું. એ ખૂબ ખુશ થઈ. શ્વેતાને પગે પડી. શ્વેતાએ એને બંગડી પાછી આપી કહ્યું. “એક તમે રાખો.આ રીતે પણ તમે જોડાયેલા રહેશો.” શ્વેતાએ તેને પૈસા આપ્યા અને નામ પૂછ્યું તો એ બોલી, “ના આ ના લઉં, આ તો મારી દીકરીના નસીબના. પણ બહુ સમજાવટથી બંગડી પાછી લીધી. તે જતાં જતાં બોલી, “મારું નામ સોનેરી… એને ના કહેશો કદી…” એ જતી રહી પછી ક્યારેય નહોતી આવી.
હા, એ જ સોનેરી આજે મૃત્યુ પામી. એક હાશ કે દીકરીના હાથનું છેલ્લું પાણી એણે પીધું અને દીકરીએ એની પાછળ દાન પણ કર્યું.
જ્યાં ત્યાં પેન્સિલ્સ, કલર પેન્સિલો, ઇલેક્ટ્રિક ઇરેઇઝર, ડ્રાફ્ટિંગ સપ્લાય, પેપર શીટો, પ્લોટર, ગ્રાફ પેપર, સેટ સકવેરો, લેમ્પ, મોડી રાત્રે મંગાવેલાં પીઝાના ખાલી બોક્સો, એમાં વધેલા થોડા ટુકડાઓ, કોલડ્રિન્કની બોટલો, સુકાયેલા કૉફિ મગ, આગલે કે બેત્રણ દિવસ પહેલાં પીધેલા ખાલી તરોપા સ્ટ્રો સાથે, ચોળાયેલી ચાદર, એના પરેય કેટલીય વેરવિખેર ચીજો અને ડૂચો થઈ પડેલું ઓઢવાનું ને વચ્ચે ગાથા ઓશીકું મોઢા પર ઢાંકી ઘસઘસાટ ઊંઘતી હતી. રૂમની અસ્તવ્યસ્તતા પલાંઠીવાળી અડ્ડો જમાવી બેઠી હતી.
બાથરૂમમાંથી નીકળીને વિશ્વ બંને હાથેથી ધરતીને પકડી ધીમે રહી બહાર લઈ ગયો અને બારણું બંધ કરી દીધું. એ લોકોનું પ્રોજેકટ વર્ક ચાલતું હોય ત્યારે કામવાળા બહેન પણ સફાઈ માટે જઈ ન શકતાં.
“અરે, બેટા દસ વાગવાના, તમને બોલાવવા જ આવી હતી.”
“હા મમ્મી, ગાથા આઠેક વાગ્યે જ સૂતી છે. આખી રાત એ કામ કરતી હતી. એને એકાદ વાગે ચા બનાવીને ઉઠાડીએ. ચાલ મને તો ચા આપ તારા જેવી કડકમીઠી.”
ચા ગરમ કરતાં ધરતીથી મનોમન પોતાની સરખામણી ગાથા સાથે થઈ ગઈ, ‘મને તક મળી હોતે તો હું ય…’
ધરતી કાબેલ નર્સ હતી. લગ્ન થયા પછી નોકરી ચાલુ રાખવી કે છોડી દેવી એ બાબતે કોઈ પ્રકારનું દબાણ નહોતું. પણ નોકરી કરવી જ હોય તો ઘર, પરિવાર કે સામાજિક જવાબદારી અપેક્ષિત હતી. એ પણ કામ પરથી થાકીને કે નાઈટ ડ્યૂટીમાંથી સવારે આવતી ત્યારે, ‘ચાલ, થાકી હોઈશ. ચા પીને સૂઈ જા.’ એવું નહોતું. બધાના ટિફિન તૈયાર કરી બપોરે જ સૂવા મળતું. આખરે વિશ્વ અને વેદિકાના જન્મ પછી એણે નોકરી છોડી દીધી. વેદિકાને તો ગમતા છોકરા સાથે પરણાવી અને વિશ્વ પરજ્ઞાતિ તો શું પરપ્રાંતની, સાથે ભણતી ગાથાને લઈ આવ્યો. દેખાવડા વિશ્વ સામે એ ભીનેવાન હતી, પણ ધરતીએ આલોકને સમજાવી પુત્રવધૂને પ્રેમથી આવકારી.
“મમ્મી, ચાની કેટલી વાર? પપ્પા ઓફિસે ગયા?”
“લે તારી કડકમીઠી ને તને ખબરને? પપ્પા તો પોણા દસે નીકળી જ જાય. ઉપર એક મિનિટ પણ ન થાય.” આલોકને ગાથાનું વર્તન ગમતું નહીં પણ ધરતી સાચવી લેતી. ગાથા એના વ્યવસાયિક કામમાં અવ્વલ પણ બીજી કોઈ જવાબદારી નિભાવતી નહીં. રસ પણ નહોતી લેતી. વારતહેવાર, સામાજિક પ્રસંગ અનુરૂપ એ વેદિકાને કહી ગાથા માટે કપડાં મંગાવતી. ગાથા ભાગ્યે જ જવા તૈયાર થતી, તે પણ જીન્સ-શર્ટ કે બહુ બહુ તો કૂર્તિ પહેરતી. આલોક નાખુશ થતો તો એ સમજાવી લેતી, ‘બાળકો થશે એટલે આપોઆપ સમજ આવી જશે. આમ તો એ જિદ્દી કે અવિવેકી નથી. એની વાત કે વિચાર એ નમ્રતાથી રજૂ કરે છે. ચિંતા ન કરો.”
“મમ્મી, ચામાં બોળવાનું તો આપને તેં જ નાનપણથી શીખવ્યું છે તો જોઈએજને.”
મલકાતાં ધરતીએ પ્લેટમાં મસાલાવાલી પૂરી આપતાં વહાલથી વિશ્વના માથામાં ટપલી મારી. “નાનપણવાળા, તારા બાળકો આવશે એનેય શીખવાડી દઈશ. તું ફિકર ન કરતો. તું ને ગાથા… તમતમારે તમારું કામ કરો, બાકી હું છું ને.” ધરતીની ભીતર જાણે સમુદ્રનું એક મોજું ઊછળ્યું.
“વાર છે, મમ્મી” હસતો હસતો વિશ્વ તૈયાર થવા ગયો.
ધરતી ઇચ્છતી કે વહુ હોય કે દીકરી, એમનાં સપનાં પૂરાં થવાં જોઈએ.
“એમાં ને એમાં તું વધુ પડતી છૂટ આપે છે. તેં જ ચડાવી મારી છે.” આલોક કે સહેલીઓ એને આવું ટોકતાં પણ ખરાં. સહેલીઓની વહુઓ, અરે ખુદની દીકરી વેદિકા પણ સમયોચિત સજતીધજતી, વ્યવહારમાંય ક્યાંય પાછળ ન પડતી. ધરતી ગાથાને ધીરજપૂર્વક વાત કરવાનું વિચારતી.
તે દિવસે તો બધાં ખુશખુશાલ. વેદિકાએ દિવસો રહ્યાના સારા સમાચાર આપ્યા. ઘૂઘવતાં હૃદયે બધાંએ ભેગાં થઈ ફિલ્મ જોવા જવાનો અને ત્યાંથી રેસ્ટોરાંમાં ડિનર લેવા જવાનું ગોઠવ્યું હતું. વેદિકાનો સાસરી પરિવાર પણ જોડાયો.
“જો બેટા ગાથા, આજે કોઈ પણ કામ હોય, સમયસર નીકળવાનું છે અને તું તૈયાર પણ મસ્ત થજે, રૂપાળી તો છે જ.” ધરતીએ વહાલની વીણાના તાર છેડ્યા. વળી, વિશ્વને પણ કહેતી આવી,” જલદી નીચે આવી જજો, વેદિકા જો તમને બોલાવવા આવશે તો…”
“રૂમ જોઈ બેભાન જ થઈ જશે એમજને. ડોન્ટ વરી મમ્મી, અમે જલદી આવીએ છીએ, પ્રોમિસ બસ.”
વિશ્વ અને ગાથાએ પ્રોમિસ પાળ્યું. જોઈને જ વેદિકાના સાસુ બોલ્યાં, “ચાલો ભાઈ જલદી, મને તો ફિલ્મની એક મિનિટ જાય એ ન પોષાય ને મને તો બીજી ફિલ્મનું ટ્રેલર કે એડ પણ જોવી ગમે ને મોડા પડીએ તો અંધારામાં બેટરીવાળાને શોધવાનો.”
“ચાલો ચાલો, તમે જવા માંડો. અમે લોક કરીને આવીએ.” બધાં ગાડીમાં બેસવાં ગયાં. ધરતીએ ઘરનું લોક લગાવવા ચાવી કાઢી ને પર્સ ગાથાને પકડાવ્યું. ત્યાં જ પર્સમાં મોબાઈલ રણક્યો. “બેટા, હવે રહેવા દે, જેનો હોય એનો, હું કાલે વાત કરી લઈશ.”
“પણ મમ્મી, કોઈને અરજન્ટ કામ હશે તો?”
“હવે મારે શું અરજન્ટ હોય? કોઈ સગુંવહાલું હશે તો પપ્પાને ટ્રાય કરશે. આપણને મોડું થશે તો ખરાબ લાગશે.” છતાં ગાથાએ, “એક મિનિટ જોઈ તો લઉં. લ્યો સ્પીકર… બસ.”
“હેલો…”
“સાંભળ ધરતી, હું કંટાળી ગઈ છું, બહુ હતાશ થઈ ગઈ છું, બહુ વિચાર્યું. હવે મારે જીવવું નથી. હું સ્યૂસાઇડ કરવા જઈ રહી છું.” ધરતી ગભરાઈ ગઈ. વહાલી બહેનપણી આભાનો ફોન હતો.
ગાથાએ ધરતીને ઈશારો કર્યો જલદી વાત કરો. “જો ખોટું પગલું ન ભરીશ. પણ શું થયું એ તો કહે.”
“ના, બસ હવે કોઈ કાળે જીવવું શક્ય નથી. મને ઉદયની બહુ યાદ આવે છે. હું એની પાસે જઈ રહી છું. તને તારી આભાની છેલ્લી યાદ.” વાતો ચાલતી હતી, દરમ્યાન ગાથાએ જરા દૂર જઈ પોતાના મોબાઈલથી કોઈને ફોન કર્યો. અને પછી તરત જ ધરતી પાસેથી ફોન ખેંચી આભાને કહ્યું, “પણ આભામાસી, અમે હોસ્પિટલમાં છીએ. વિશ્વને એક્સિડન્ટ થયો છે, એ બહુ જ સિરિયસ છે પ્લીઝ, મમ્મી પાસે અવાય તો જલદી આવો. તમારાં ઘર નજીકની જ સેવ લાઈફ હોસ્પિટલ… પ્લીઝ.” એણે ફોન કાપી નાખ્યો અને ધરતીનો હાથ પકડી ગાડી પાસે ગઈ.
રાહ જોતા વિશ્વથી ન રહેવાયું,” કેટલી વાર? તમે લોકો પણ…”
“પણ, વાત શું છે? તું ગાડી કઈ તરફ લે છે? ન આવવું હોય તો સીધું કહી દેવાયને?એક તો આભાની ફિકર, કંઇ કરી ન બેસે..”
ગાથાએ રસ્તે બધી વાત કરી અને ગાડી હોસ્પિટલ તરફ વાળી. વિશ્વને ગાડીમાં બેસી રહેવા કહ્યું ને ધરતીને લઈ એ ઓપરેશન થિયેટર બાજુ વળી, ત્યાં બહાર જ આભા ચિંતીત ચહેરે આંખોમાં વાદળ ઘેરી ઊભી હતી. બંને બહેનપણીઓ એકબીજાને વળગી ધોધમાર રડી પડી. આભા ગાથાને પણ વળગી. ધીમે રહીને અળગી થઈ ત્યારે બહુ બધું ન સમજાયું. વળી વિશ્વને જોતા આભા આભી જ બની બધું પામી ગઈ, પણ એને હલબલાવતા ધરતીએ પૂછ્યું, તને શું થયું, બોલ?”
“કંઈ નહીં એ જ વાત, રીતિ વારંવાર ટોકે એટલે હવે હું થાકી ગઈ છું. મારી જ વહુ મને કહે, મમ્મી, તમે કેમ લાલ સાડી પહેરી? મોટો ચાંદલો કેમ કર્યો? ગામમાં જાન નીકળે ત્યાં તમે આવી શું કરશો? શહેરમાં તો બધાં ફરે, આપણા રીતિરિવાજ અપનાવવા પડેને? અને આજે તો બોલવામાં હદ કરી નાખી, મને કહે, કાલે મારો ખોળો ભરાવાનો છે, ત્યારે તમે ધરતીમાસીને ત્યાં જતાં રહેજો ને હું પિયર જાઉં પછી જ આવજો.”
વિશ્વે કહ્યું, “આજે તો તમે ખરેખર અમારે ઘરે ચાલો, ફિલ્મ તો શરૂ થઈ ચૂકી હશે, અમારા બધાં પર બહુ ફોન આવી ગયા.”
“વિશ્વ, તમે આભામાસી સાથે થિયેટરમાં જાઓ. આમેય હવે ટિકિટ મળશે નહીં. હું રિતીને મળીને સમય પર રેસ્ટરાંમાં આવું છું. હરિતાને લેતી આવીશ.
“એ વળી કોણ?”
“આભામાસી, તમારા ઘરની નજીક જ રહે છે, મારી ને વિશ્વની દોસ્ત. તમારો ફોન પત્યો પછી એણે જ તમને ફરી વિશ્વના અકસ્માતની ખબર આપી હતી. જેથી કન્ફર્મ થાય અને સ્યૂસાઇડના વિચાર પરથી તમારું ધ્યાન ડાયવર્ટ થાય. એ તો હોસ્પિટલ સુધી તમને ફોલો કરતી હતી. અમે કૉલેજમાં અપમૃત્યુ નિવારણના ગ્રુપમાં સાથે હતાં. ક્ષણ સાચવવાની હોય, માસી. ક્ષણ ચૂક્યો સદી જીવે!”
“જોતા જ મને ઓળખી કાઢી?”રાજને વળગી પડતાં રાધ્યા ઊછળી પડી.
રાજના હૃદયમાં એકસામટી ઘૂઘરીઓ રણકી “અરે નહીં જોતે તો પણ ઓળખી કાઢત.” રાજ મનમાં બબડ્યો,’તારી મહેક હજુ મને યાદ છે!”
“કેવી રીતે?” રાધ્યાની ઉત્સુકતા વધી
“અરે, પાગલ! આંખ કાણી કરીને જોઈ ન લેત?”
“બદમાશ, બચપણમાં છુપાછુપી રમતા એક આંખ ખોલી જોઈ લેતો હતો એમ?”
” યસ, એકઝેટલી..”
રાજ અને રાધ્યા એરપોર્ટથી ઘરે આવવા કારમાં બેઠાં.
રાજ સાથે વાત કરવાનો બદલે એ બારીમાંથી બહાર ફેરવાઈ રહેલાં દ્દૃશ્યો જોતી ખુશ થતી હતી.
“ઓ રાજ! કેવાં કલરફુલ વેજટેબલ્સ ને ફ્રેશ ફ્રૂટ્સ છે! ઓયે તને આ નહીં ભાવે ને બ્રિન્જલ? ગુજરાતીમાં શું કહે,ઓહ આઈ ફરગોટ..”
“રીંગણ, મને બિલકુલ ન ભાવે. ને ઓ ડાહી, મને સુધીર અંકલે કહ્યું છે રાધ્યાને ગુજરાતીમાં જ બોલવા કહેજે. મેં એને શીખવી જ છે.”
“ઓહ, સોરી પપ્પા, હું ગુજરાતી જ બોલીશ.”
રાજ હસી પડ્યો.”માફ કરજો, પિતાજી કહેવાય.”
“એટલુંય શુધ્ધ બોલવાનું નથી કહ્યું. આઈ નો..ના, મને ખબર છે.”
રાધ્યા આવવાની છે એ ખુશખબરની કેટલા વખતથી રાજ રાહ જોઈ રહ્યો હતો, એણે કેટલી બધી વાત એને કહેવી હતી પણ રાધ્યા તો શાક ને ગુજરાતી ભાષાની વાત લઈ બેસી ગઈ. રાજે એની સાથે વાત કરતાં કરતાં કેટલીય વાર ગોઠવ્યું કે, હવે તો ગુજરાતીમાં પ્રપોઝ કરવું પડશે.’ હું તને ખૂબ ચાહું છું, શું તું મારી સાથે લગ્ન કરશે?’ વિચારતા જ એ હસી પડ્યો.
“કેમ? કેમ તું હસે છે? હું કંઈ ખોટું બોલી? મેં તો કહ્યું, મને લીંબુ અથાણું બહુ ભાવે છે. જઈને સીધી પન્નામાસીને કહીશ.”
‘હે ભગવાન,આ વચ્ચે લીંબુ અથાણું ક્યાં લાવી? આખો મૂડ ખાટો કરી દીધો’
“રાજ, તું મનમાં શું બબડે છે?”
“કંઈ નહીં, તું કેનેડાની તો વાત કર, મેં પણ એપ્લાય કર્યું છે.”
“ઓહ, વેરી ગુડ, પણ હું અહીં સેટલ થવા ઈચ્છું છું. આપણો વહાલો દેશ. રાધ્યા એ યાદ કરીને ગુજરાતી વાક્ય ગોઠવ્યું.
“ઓહ,એમ! વેરી ગુડ” એને થયું,’હું કેમ બધે ઊંધો પડતો જાઉં છું.એના માટે મેં ત્યાં જવા તૈયારી કરી,તો એ તો અહીં સેટલ થવાની વાત કરે છે.’
“હા જી , મારું પણ નક્કી નથી,અહીં સારી જોબ હશે તો અહીં જ રહીશ “
“હા, હું તને રોકી જ લઈશ.મારા બેસ્ટ ફ્રેન્ડ વગર શું મજા આવે? બાય ધ વે, કોઈ કોઈ શબ્દ અંગ્રેજી ચલાવી લેજે.”
‘અરે, હું આખી જિંદગી વિશે વિચારું છું ને એ અંગ્રેજીની પત્તર ખાંડે છે. મનની વાત ક્યારે કહીશ, હવે તો ઘર પણ આવી ગયું.’ રાજ મનમાં અકળાયો.’ રાજ ઘરે બહેન રીનાને પ્રોમિસ કરી આવ્યો હતો કે,’રાધ્યાને મનની વાત કરીને જ આવીશ.’
કારમાંથી ઉતરતાંજ રાધ્યા કૂદી પડી.રમેશકાકા અને પન્નામાસીને પગે લાગી.અને બચપણની બહેનપણી રીનાને વળગી પડી. રમેશભાઈ અને પન્નાબેન એના પપ્પા મમ્મીના પડોશી અને એમની વચ્ચે ઘર જેવી જ મિત્રતા હતી. બાજુમાં જ સુધીરભાઈનું ઘર. એઓ કેનેડા ગયા પછી એની નિયમિત સાફસફાઈ અને દેખરેખ રમેશભાઈ ને પન્નાબેન જ રાખતા. કેટલા વર્ષે એઓ અહીં આવી રહ્યાં હતાં. એકની એક દીકરી રાધ્યાને રજા હતી એટલે જીદ કરી વહેલી આવી હતી.પપ્પામમ્મી આવે ત્યાં સુધી એ રમેશકાકાને ઘરે જ રહેવાની હતી.બધાંએ એને વહાલપૂર્વક આવકારી.એ રીના સાથે આખા ઘરમાં ને ચાવી લઈ પોતાના ઘરમાં પણ ફરી વળી.એની પગલીઓથી નિર્જીવ રૂમમાં પ્રાણ ફૂંકાયા.
“કેટલું ચોખ્ખું ઘર છે,જાણે અહીં જ રહેતા હોઈએ!”
” રેગ્યુલર સાફ કરાવીએ જ છીએ પણ તમે પ્રિન્સેસ આવવાના એટલે ઑર જ્યાદા ક્લીન કરવાયા.” રાધ્યા “એમ?”કહી રાજને એક ટપલી મારવા ગઈ, ને રાજ એને મારવા પાછળ દોડ્યો તો એ દોડીને પન્નામાસીની પાછળ છુપાઈ ગઈ.”અરે ,હજુ તમારું બચપણ ગયું નથી.લે,તારે માટે બરણીમાંથી લીંબુનું અથાણું કાઢું છું.”
ફ્રેશ થઈ જમી પરવારી આરામ કરવાને બદલે એ રાજ,રીના સાથે બાળપણને યાદ કરવા બેઠી. દરમિયાન એક ફોન આવ્યો, એ વાત કરતી કરતી બીજા રૂમમાં ગઈ ત્યાંથી ઢીંગલી લેતી આવી.” કેમ,રીના તેં છુપાવેલી આ મારી ઢીંગલી ખોવાઈ ગયેલી તે?”
” ના, ભાઈએ છુપાવેલી, મને તો કાલે જ ખબર પડી.”
“મને તમારાં ઘરમાંથી જ મળી એકવાર સફાઈ કરાવવા ગયો હતો ત્યાંથી.”
” ભાઈએ તો જીવની જેમ સાચવી છે, એના માટે ગાદી તકિયા બનાવ્યા છે.કાલે જ કાઢી.” બોલતી બોલતી રીના ઢીંગલીનો નાનકડો છત્રપલંગ લઈ આવી.
આ જોઈ ખુશીની મારી રાધ્યાની આંખો ઉભરાઈ.” ઓહ રાજ,મારા બેસ્ટ ફ્રેન્ડ, તું મને બહુ ગમે છે.મારા કરતાં પણ તારાં પર વધારે વિશ્વાસ છે.તું તો મારા બાળપણ સુધી પહોંચવાનો પૂલ છે.દોસ્ત,તને મારે એક ખાસ વાત કહેવી છે, પણ કાલે કહીશ.પપ્પા મમ્મી આવે એ પહેલાં એક નિર્ણય કરવો છે.એમને સરપ્રાઈસ આપવી છે. તું અને રીના સાથ આપજો.આજે જેટલેગને લીધે ઉંઘ આવે છે.” કહી આંખો બંધ કરી બેડ પર લંબાવ્યું.રાજ અને રીનાની અઢળક ઉસ્તુકતા અધીરાઈમાં ફેરવાઈ પણ વાત જાણવા ફોર્સ ન કર્યો. મનોમન તેઓ ખૂબ ખુશ થયાં.રાજ ઢીંગલી લેવા ગયો
પણ બંધ આંખે જ રાધ્યાએ ઢીંગલી પર હાથ મૂકી એને અટકાવ્યો. રીના રાજને ચૂપ રહેવાનું કહી ખેંચી ગઈ. રાજ રાધ્યાને લેવા ગયો હતો ત્યારે રાધ્યાની અહીં સેટલ થવાની વાત એણે જાણી ત્યારે જ કેનેડા નહીં જવાનું નક્કી કરી લીધું હતું.હવે સપનું સાકાર થતું લાગતાં બીજા દિવસની કાગડોળે રાહ જોવા લાગ્યો. પોતાના મમ્મી પપ્પાને આ ખુશખબર પછી આપીશું એવું ભાઈબેને નક્કી કર્યું હતું.
બીજા દિવસે શોપિંગ માટે કહ્યું એટલે સવારથી ત્રણેય નીકળી પડયાં હતાં,રાધ્યાએ પોતાને માટે બધાં માટે ભારેખમ કપડાં ખરીદ્યા.કેનેડા વિડીઓ કોલ કરી મમ્મી પપ્પાની પસંદગીનું લીધું. એમને પણ નવાઈ લાગી પણ દીકરીનો ઉત્સાહ એમને ગમી ગયો.
ઘરે આવી પરવારી ફરી બધાં ભેગાં થયાં. રાધ્યાએ રમેશકાકા અને પન્નામાસીને પણ આદરપૂર્વક બોલાવ્યા.”જૂઓ,તમારી સહુની હાજરીમાં જ મારે વાત કરવી છે. મારા કોઈ પણ નિર્ણય પર મમ્મીપપ્પા રાજી જ હોય એની તો તમને ખબર જ છે. પણ એક નવા જીવનનો મોટો નિર્ણય કરવા જઈ રહી છું,હવે હું અહીં જ સેટલ થવા માંગુ છું, મમ્મીપપ્પાને પણ કાયમ માટે અહીં જ બોલાવી તમારી બાજુમાંજ રાખવા છે.
“પણ બેટા..”
રમેશભાઈને અટકાવી રાધ્યાએ જરા સંકોચ અને નમ્રતાથી વાત ચાલુ રાખી, “હું અહીં જ લગ્ન કરવાની છું, એમાં તમારી મદદ જોઈએ છે.”
રાજના હૃદયે દ્રુત તાલમાં ધડકવાનું શરૂ કર્યું ને રીના તો બેનપણી ભાભી બને એ વાતની છાલકમાં ભીંજાવવા આતુર હતી. રાધ્યાએ એક ઊંડો શ્વાસ લઈ કહ્યું, “કેનેડામાં મારી સાથે ભણતો હતો એ કુણાલ અને હું એકબીજાને ચાહીએ છીએ.એ ભણીને અહીં આવી ગયો છે, હવે અહીં જ એના પપ્પાનો બિઝનેઝ સંભાળશે. એની સાથે લગ્ન કરવા છે, હું એટલે જ વહેલી આવી છું. તમે વાત કરવામાં મદદ કરશો? મમ્મીપપ્પાને સરપ્રાઇઝ આપીશું, એઓ ખુશ થશે.અને ખાસ તો રાજ તું. મારો ખાસ દોસ્ત..” રાજ ધબકારો ચૂકી ગયો એને ગળે બેઠું ને ખાંસી આવી એટલે પાણી પીવા કિચન તરફ ગયો.પાછળ રીના ગઈ ને પાણી આપ્યું,”ઝેર આપી દે રીના મને.” એના આંખના પાણીથી પીવાના પાણીનો ગ્લાસ ખારો થયો.
સુધીરભાઈએ ખુશ થતા તરત જ કહ્યું,”હા, જરૂર, પણ બહુ સરપ્રાઈઝ ન રાખતી.મારે તો મારા દોસ્ત ગણો કે ભાઈ સુધીરને કહેવું પડે. ને હા, જો, રાજ કેનેડા જવાનો ને દીકરી તું અહીં રહેવાની એટલે અમારે તો બેલેન્સ થઈ જશે.વળી બાજુમાં દોસ્ત આવી જશે એટલે પછી તો જલસા.હેં ને રાજ?તું ય ભણીને પેલું શું નામ છે,કુણાલની જેમ પાછો આવી જજે.એને ત્યાં ક્યારે મળવા જઈએ રાજ?”
“પપ્પા એ બાથરૂમમાં શાવર લે છે?”રીનાએ ધીમે રહી કહ્યું.
ખૂબ રસપૂર્વક નવલકથાનું પ્રકરણ વાંચતી રૈના પેપરની પૂર્તિની ઘડી વાળતાં. બબડી,’ ખરો રસ પડે ત્યારે જ વધુ આવતા અંકે.. કહી દે. લેખિકાને જ પૂછી લઉં.
“મમ્મુ, મારી ગમતી ને પ્રસિદ્ધ લેખિકા,તું પૂર્તિમાં કેમ આવું અધુરું છોડી દે છે, મારાથી તો રાહ નહીં જોવાય,કેટલાં પ્રકરણ બાકી? ચાલ,આ નવલકથાનો અંત હમણાં ન કહે તો કંઈ નહીં, એટલું કહે એ ઢીંગલી ફરી મળી કે નહીં?.”
“ના”
“તો પપ્પાની ઓફિસના લોકરમાં છે એ તો નહીં?”
(ગત અંકનું આગળ)
“ઓહોહો, મારી ઢીંગલીને પણ પગ આવી ગયા લાગે છે. મારા લગ્નની તૈયારી માટે ડાન્સ પ્રેક્ટિસ કરવા ગઈ લાગે છે. ઓ માય ગોડ, આ કુણાલ સાથેની વાત કહી દેવાથી કેટલી હળવાશ લાગે છે ને અહીં બધાં કેટલાં પ્રેમાળ છે! થેન્ક ગોડ! હવે મમ્મીપપ્પા જલદી આવો. મોટી સરપ્રાઈઝ રેડી છે.”
રાધ્યા ઝૂમી ઊઠી. એના પાતળા ગુલાબી હોઠ મલકયા, તરતજ કુણાલને ફોન જોડ્યો. રાધ્યાના મમ્મીપપ્પા આવે ત્યાં સુધીમાં રમેશભાઈ અને પન્નાબેને કુણાલ અને એના પરિવાર વિશે જાણકારી મેળવી લીધી હતી. સંસ્કારી, પ્રતિષ્ઠિત પરિવાર, પૈસેટકે પણ સુખી અને સમાજમાં પણ સારું નામ હતું. કુણાલ પણ સરસ છોકરો, દેખાવડો, ઉચ્ચ કારકિર્દી, કેનેડાના અભ્યાસ પછી અહીં જ ઘરનો બિઝનેસ નવી તરહથી વધારવા માંગતો હતો. નાની બહેન હતી યાશી.
રાજ ખૂબ હતાશ થયો. આભમાંથી વરસવા દોડી આવેલું ઘનઘોર વાદળું અચાનક ક્યાંક ફંગોળાઈ ગયું. દિલની વાત રાધ્યાને કહી દેવા રીનાએ ખૂબ આગ્રહ કર્યો. પણ રાજે ના પાડી. એ રાધ્યાની ખુશીને બિલકુલ ખલેલ પહોંચાડવા તૈયાર નહોતો. વળી રાધ્યા આગળ એ નોર્મલ બની રહેવા અને એના આનંદમાં સહભાગી થવા પ્રયત્ન કરતો. રીનાથી એનું દુઃખ નહોતું જોવાતું.
“રાજભાઈ, મમ્મીપપ્પાને તો વાત કરીએ.”
“ના રીના, પ્રેમ આને જ કહેવાય. જેને ખૂબ ચાહતા હોઈએ એની ખુશી માટે સમર્પિત થઈ જવું.”
“અરે, રાધ્યાને તો જાણ પણ નથી. કુણાલથી પણ પહેલી દોસ્તી છે તમારી?”
“હા, દોસ્તી તો છે અને રહેશે આજીવન.”
“તો તમે શું કરશો?”
“હવે હું કેનેડા જઈશ. કદાચ ત્યાં જ સેટલ થઈ જઈશ. પણ લગ્ન નહીં કરું.”
કેનેડાથી સુધીરભાઈ અને તોરલબેન આવી ગયાં. રમેશભાઈ અને પન્નાબેને સગા ભાઈભાભી આવ્યાં હોય એટલા હેતથી આવકાર્યાં.
રાધ્યાએ સરપ્રાઈઝ આપવાનું કામ અનહદ મીઠા સૂરે રાજને સોંપ્યું. રાજના કર્ણપટલ પર રેડાયેલું આ મીઠી વાતનું અમૃત કડવું બની એની રગરગમાં તીવ્ર તાણ અનુભવી રહ્યું. રીનાએ ભાઈનું દર્દ જોઈ, “આવી વાત તો વડીલો જ કરે.” કહી સાચવી લીધું.
વાત પણ સાચી હતી. રમેશભાઈએ કુણાલ વિશે જણાવ્યું અને બારીકમાં બારીક તપાસ કરી છે, એ બાબત પણ જણાવી. ખાસ તો રાધ્યાની ઉત્તમ પસંદગીને મહત્વ આપ્યું. સુધીરભાઈ, તોરલબેને થોડો વિચાર કરી આનંદાશ્ચર્યથી દીકરીના સરપ્રાઈસ પરાક્રમને વળગીને વધાવી લીધું. અને રમેશભાઈ પન્નાભાભીનો દિલથી આભાર માન્યો.
કુણાલ તો ગમી જાય એવો હતો. એના ઘરેથી પણ હા થઈ. વિવાહ નક્કી થઈ ગયું. નાની બહેન યાશીનું શોધી એનાં પણ સાથે જ લગ્ન લઈ શકાય એવું એ લોકો ઇચ્છતા હતા.
“રાજ, તને મારી પસંદ ગમી?”
“તું જ મારી પસંદ છે, આઈ મીન તું પસંદ કરે એ ગમે.”
“એમ, તો કુણાલની બહેન યાશી તારા માટે કેવી લાગે છે?”
“ઓહ નો, આઈ મીન, હું… હું તો કેનેડા જવાનો, હમણાં કોઈ વિચાર નથી. સોરિ.”
યાશી ખૂબ સરસ છોકરી હતી. રાધ્યાના અને આખા પરિવારના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા. રાજ એકનો બે ન થયો. આખરે યાશીનું પણ બીજે સારે ઠેકાણે નક્કી થયું અને ધામધૂમથી બંને લગ્ન થઈ ગયાં.
રાજે દિલ પર પથ્થર મૂકી હસતે મોઢે આખો પ્રસંગ પોતાના ખભા પર ઊંચકી લીધો. પોતાની નાનામાં નાની વાત, કુણાલની વાત, સાસરાની વાત, ખરીદીની વાત, મમ્મીપપ્પાના વિરહની વાત બધું જ રાધ્યા રાજને કહેતી. વિદાયવેળાએ રાજને વળગી એ ધ્રૂસકે ધ્રૂસકે રડી. સાથે રાજની આંખોમાં ધસી આવેલાં આંસુ શેનાં છે એ રાજ પોતે પણ નક્કી ન કરી શક્યો. જતી વખતે કુણાલને ભેટતી વખતે મનમાં બોલ્યો, “મારી રાધ્યાને ખૂબ ખુશ રાખજે, દોસ્ત.”
રાધ્યાને ખૂબ સરસ ઘર મળ્યું એ માટે બધાં રાજી હતાં.
વળી, એઓ માટે હનીમૂન ટૂર પ્લાન કરવામાં પણ રાજે મદદ કરી હતી. એરપોર્ટ પર મૂકવા પણ એ જ ગયો હતો. રાજની મનની વાત જાણે કુણાલ સાંભળી ગયો હોય એમ પળેપળ રાધ્યાને ખુશ રાખવા એ તત્પર રહેતો.
એઓ હીલ સ્ટેશન પર રોમેન્ટિક રમ્ય સાંજ માણી રહ્યાં.”કુણાલ, મસ્ત ફોટો, અહીં સેલ્ફી લઈએ. આ તો બકવાસ જેવો છે. ડ્રેસ ચેઈંજ કરું પછી પાડ, નહીં તો ફ્રેન્ડને એકના એક ડ્રેસમાં બતાવીશ? લે હવે પાડ. દૂરથી પાડ વધુ સ્લિમ લાગુંને! ને બેકગ્રાઉન્ડ પણ સારું આવે.”
“યાર તું બીજાને બતાવવા ફોટા પડાવે છે!”
“ના યાર, યાદગીરી રહે, વરસો પછી આપણે જ આપણને નવા લાગીએ.” પણ આ ફોટો ખરેખર છેલ્લી સ્મૃતિ બની રહ્યો. કુણાલનો પગ લપસ્યો. રાધ્યા એને પકડે કે કંઈ સમજે એ પહેલાં એ ખીણ તરફ ફંગોળાઈ ગયો. અને રાધ્યાની ચીસ પડઘો બનીને રહી ગઈ.
આ દુર્ઘટનાની ખબર આવી ત્યારે રાજ એરપોર્ટ પણ કેનેડા જવા નીકળી ગયો હતો. ફ્લાઇટ પડતી મૂકી એ દોડી આવ્યો હતો. રાધ્યાના દુઃખમાં ભાગીદાર થવા. હીબકાં લેતી રાધ્યાને જોઈ કુણાલના આકસ્મિક મૃત્યુનું એ ખરેખર દુઃખ અનુભવી રહ્યો.
સમયે સમયનું કામ કર્યું. રાધ્યાએ કુણાલની બાળકીનો જન્મ આપ્યો. રાજ એનું સીધું કે આડકતરી રીતે ખૂબ ધ્યાન રાખતો. રાધ્યાએ સાચા દોસ્ત તરીકે એને કેનેડા જઇ આગળ વધવા કહ્યું. રાધ્યાના સાસુસસરાએ પણ દીકરાનું દુઃખ ભૂલીને દીકરી જેવી વહુને ફરી પરણાવવા સુધીરભાઈ અને તોરલબેનને વાત કરી. બાળકીને પોતે રાખશે એમ પણ કહ્યું. પણ રાધ્યા ન માની. રીનાના પણ લગ્ન થઈ ગયા.
“હવે તો દિલની વાત કહી દો. કુદરતે મોકો આપ્યો છે.” રીનાએ સાસરેથી આવી વ્હાલા ભાઈને કહ્યું, પણ રાધ્યાના કહેવાથી રાજ તો કેનેડા જવા તૈયાર થયો. એને મૂકવા રાધ્યા જ કાર ડ્રાઇવ કરી ગઈ. ચૂપ રહેલા રાજને જોઈ એ બોલવા લાગી, “જો આ રંગબેરંગી શાકભાજી અને તરોતાજા લોભામણાં ફળો. ઓયે, તને ભાવે રીંગણ? એય દોસ્ત, હવે કેવું છે ગુજરાતી?”
“મારવેલસ”
“લે, હવે તું અંગ્રેજીમાં? હા, હવે તો કેનેડાવાસી?”
“જરાયે નથી જવું, તું કહે છે એટલે જાઉં છું.” આખરે મનની વાત હોઠ પર આવી ગઈ.
“તો હું કહું તો ન જાય? ચાલ દોસ્તની જેમ રહીશું” બ્રેક મારતાં રાધ્યાએ પૂછ્યું ને રાજે વરસોની ગૂંગળામણમાંથી મુક્તિ અનુભવી. (પૂર્ણ)
પેપરની પૂર્તિને ચૂમી લેતાં ભીની આંખે રૈના બોલી, “મમ્મી, એટલે હું કુણાલ પપ્પાની દીકરી છું? એમને તો મેં જોયા પણ નથી. હું તો રાજ પપ્પાને જ ઓળખું છું.”
“બેટા, તેં પપ્પાની ઓફિસના લોકરમાં ઢીંગલી છે એ સસ્પેન્સ કહ્યું તો મેં તને આ સસ્પેન્સ કહ્યું. જીવન પણ એક વાર્તા જ છે, બેટા!”
“અરે, હવે તો આ કોચમાં પણ સારું છે, વાંધો નહીં આવે. જુઓ, હું નહોતી કહેતી?” સૂચિ બોલતી બોલતી જ ટ્રેઇનમાં ચઢી.
“હા, બરાબર છે, પણ નાનકડી ચકુ સાથે આટલા કલાક આ જનરલ કોચમાં ટ્રાવેલિંગ કરવાનું, વળી નોન એ. સી. માં તો બિચારી અકળાઈ જશે. તેં જીદ કરી એટલે બાકી તો, એ. સી વગર તો હું ન જવા દઉં. છેલ્લે સુધી તપાસ કરી પણ બધ્ધુ ફૂલ.” સૂચિને સ્ટેશને મૂકવા આવેલો પાર્થ અકળાતો હતો.
“હા, લગ્નની સિઝન છે ને વેકેશન શરૂ થયું એટલે ન જ મળે પણ જવું જરૂરી જ છેને. અરે,મારી ખાસમખાસ બેનપણીનું નક્કી થયું છે. ના જ પાડતી’તી. પણ બેનબા હવે તૈયાર થયાં. જોઉં તો ખરી એનો રાજકુમાર. હમણાં તો તું છટકી ગયો. લગ્નમાં તો તારે આવવું જ પડશેને!”
“હા એ જોઈશું. તું સાંભળ, ચકુ ને તારે માટે બધું બરાબર લીધું છેને? પાણી, ખાવાનું. પ્લીઝ બહારનું કંઈ ન લેશો. આવા ડબ્બા તો ખુલ્લું મેદાન, કેટલાંય ફેરિયા આંટા મારશે ને લલચાવશે. સ્ટેશને તો બારીમાંથી હાથ લંબાવીનેય લાંબા થશે. ચકુ માટે ઇન્ફેક્શનનો ડર લાગે.”
“વરી નહીં કર, ચાલ ટ્રેન ઉપડવાની, તું ઊતરી જા. જો અહીં તો ઊલટું બધું ખાલી જેવું જ છે ને ચોખ્ખું છે.”
“એ તો અહીંથી ઉપડે છે એટલે, પછી જોજે ગિરદી.” ઊંઘતી ચકુને હાથ ફેરવી પાર્થ ઊતર્યો. બારી પાસે ઊભો રહ્યો. અડધી ઊંઘમાંથી ચકુ જાગી.
“બેટુ, પપ્પાને ઓફિસમાં કામ છે, એન્જોય ઓ કે. મમ્મી કહે એ માનજે. બાય.”
ટ્રેઈન ઉપડી, પાર્થ અને ચકુનો હાથ છૂટો પડ્યો. એ હાથ પોતાના ગાલ પર ફેરવતો ગણગણ્યો.
“હા, કદાચ એ. સી. હોત તો ચકુડીને આમ બાય ન થાત.”
પાર્થની જરા પણ ઈચ્છા નહોતી, સૂચિને નાની ચકુ સાથે આ રીતે મોકલવાની. એ બીમાર પડી જાય એવી બીક રહેતી.
ટ્રેઈન ઊપડી. વહેલી સવાર હતી ને ચકુની આંખો ફરી ઘેરાવા લાગી. એને સુવડાવી એને થાબડતાં થાબડતાં સૂચિને યાદ આવી બાળપણની ટ્રેઇન સવારીની મોજ. ત્યારે તો આજ જાહોજલાલી. એ. સી. ફે. સી. તો દૂરની વાત. પાનાં, પત્તા, સાપસીડી, અંતકડી, નાસ્તો, ઘરનો તો ખરો જ. પણ આકર્ષણમાં ભેળ, દાળ, ફળો ને ગરમાગરમ બટાટાવડા. કોઈને ક્યારે કંઈ થયું નથી. પણ પાર્થને પરણી પછી ખૂબ આરામદાયક મુસાફરીની આદત પડી. તેમાં આ મજા તો બંધ.
ટ્રેઇન આગળ વધી ને પાર્થની વાત સાચી પડતી લાગી. અવાજ અવાજ ને રીતસર ધસારો. બાજુમાં જ એક બેન આવીને બેઠી સાથે ત્રણ બાળકો, કેટલોય સમાન, સૂચિ બારી પાસે બેઠી હતી એ જ બારીમાંથી વાંકી વળી, “તમતમારે જો પાસા, અંદર મત આવતા, ગાડી ઊપડી જાહે. બદ્ધો સોમોન આઇ જ્યો હે. અમી શોન્તીથી પોકી જાસુ.” એને ફટાફટ બધાંના પગ ખસેડાવી સીટ નીચે સમાન ગોઠવી દીધો. મોટી દીકરીએ નાના ભાઈને ખોળામાં લીધો ને વચલી માનો સાદો મોબાઈલ મચડવા લાગી. સૂચિ બારી પાસેથી ખસી ચકુને બારી તરફ બેસાડી એનું માથું ખોળામાં લીધું. હવે સુવાની જગ્યા નહોતી. “બુન, ઈને હૂવા દોકન, ઓપડે આગળપાછળ થઈ જાહું.” છોકરાઓને ખસેડતાં એ બેન બોલી. છોકરાઓના ઠીકઠાક કપડાં, એની ફૂલવાળી સાડી, ચાંદલો, ચોટલો, મંગળસૂત્ર સાથે નમણો ચહેરો. પંજાબી પહેરે તો કદાચ ઓર નાની લાગે. વળી મળતાવળી, બોલકી અને અનુભવે ચબરાક લાગતી હતી. સૂચિએ નિરીક્ષણ કર્યું. “ના, વાંધો નહીં.” વાત નહીં કરવી પડે એટલે સૂચિ મોબાઈલ કાઢી મેસેજ જોવા માંડી. પણ એની મજાલ કે એકેય મેસેજ વાંચી શકે! પેલી બેને તો નામ, ગામ, ક્યાંથી, ક્યાં, શું કામ, કોને ત્યાં, કેટલા દિવસ રોકાણ, બાળકો, પતિ કંઈ કેટલુંય પૂછી નાખ્યું. સાથે પોતાને વિશે પણ વણપૂછ્યા જવાબો આપતી ગઈ. “તમી સૂચિ ન મું સુમિ.”
સૂચિ પાર્થને સતત યાદ કરતી રહી. અનેકવાર પાર્થનો ફોન આવ્યો પણ એને ફિકર થાય એટલે વધુ કહ્યું નહીં. એને આ સુમિબેન પર ચીડ પણ ચડી. પણ જેમ જેમ ગાડી આગળ વધતી ગઈ તેમ તેમ સુમિ વાત કરી કરીને સૂચિનું અતડાપણું દૂર કરતી ગઈ. પછી તો “લે દીકરા બિસ્કિટ, લે ચોકલેટ, સિંગચણા, કમરખ.” એ પોતાના છોકરાઓ સાથે ચકુ તરફ પણ ધરતી.
“તમી ના મત પાડો સૂચિબુન. સોકરાં ભેગું સોકરું ખાય.” સૂચિ ચકુને વધુ વખત ન રોકી શકી. ચકુ પણ પોતાનો હેલ્ધી નાસ્તો વહેંચવા માંડી. બાળકો ભળી ગયા. રમવા લાગ્યા. ‘હવે જે થાય તે.’ વિચારી સૂચિ મોબાઈલમાં ગીતો સાંભળવાં લાગી. સુમિ પણ અંકોડીનો સોયો કાઢી રંગીન દોરા લઈ ત્વરાથી તોરણ ગૂંથવા બેઠી. જોઈ સૂચિ તો ખુશ થઈ ગઈ.
“શું સ્પીડમાં ચાલે છે તમારાં હાથ? આટલીવારમાં કેટલું બનાવી દીધું?”
“આજ રોજીરોટી સ બુન, મિલ બંધ જઈ તે ઈયોન નોકરી તો સૂટી જઈ.” બોલતાં એણે બેગ ખોલી, એમાંથી આસનિયાં, લટકણિયાં કંઈ કેટલુંય રંગબેરંગી કાઢ્યું. ચિવટપૂર્વકનું ગૂંથણકામ જોઈ સૂચિ તો આભી જ બની ગઈ. સુચિએ ઘણી ચીજો ખરીદી. સુમિએ ઓછા ભાવે આપી ને ચકુ માટે એક રૂમાલ ભેટ રૂપે આપ્યો. સૂચિએ થતાં હતાં એથીય થોડાં વધુ રૂપિયા બાળકો માટે છે કહી આપ્યા. અન્ય મુસાફરોએ પણ ઘણો સામાન ખરીદ્યો. સુમિ સાથે સૂચિ પણ રાજી થઈ. પણ ત્યાં જ “મમ્મી, વોમિટ જેવું થાય છે.” એવી ચકુની આ ફરિયાદથી એના હોશકોશ ઊડી ગયા. બે ત્રણ વાર સહેજ થઈ પણ ખરી. સૂચિનું પિયરનું સ્ટેશન આવવાની દોઢેક કલાકની વાર હતી. દવા ક્યાંથી લાવવી? ચકુએ પપ્પાને ફોન કરવા કહ્યું. પણ સૂચિએ એને પટાવી ધ્યાન બીજે દોર્યું. ચકુ તો રડવા લાગી. કેમેય શાંત ન રહી. સૂચિ બહાવરી થઈ ગઈ. સુમિની છોકરીથી ન રહેવાયું, “મા, ઓલી દવા આલન ઈન.” સુમિએ એક બોટલ કાઢીને સૂચિ તરફ જોયું.
“સૂચિને કંઈ સૂઝ્યું નહીં એ જોતી રહી ને સુમિએ ચમચી ભરી લાલ દવા પીવડાવી. “ચકુ હવ મટી જ જ્યું હમજ.”
“સોરી પાર્થ.” સૂચિ મનોમન બબડી, ‘દવા કઈ હશે સાથે ચમચીય કેવી હશે? ખેર, તુમ હી ને દર્દ દીયા હૈ તુમ હી દવા દેના… હવે જે થાય તે.’ પણ ખરેખર જાદુઈ દવા હોય એમ ચકુ રડતી બંધ થઈ ગઈ. આખરે ઊતરવાનું સ્ટેશન આવ્યું ને સૂચિથી ન રહેવાયું.
“સુમિબેન આ કઈ દવા છે? બીજી વાર કામ…”
“ઈટલે જ મું નહોતી આલતી પણ સોડીએ કીધું ન આલું નઈ તોય ચેવું લાગ? આ રસનાનું રોઝ શરબત હે, ઉકાળેલા પોણીમો હોય તે તમને કોય વોધો ના આવે. મુસાફરીમાં છોકરું કંટાળેકન તો વારેઘડી ઓમ કરકન તે રાખી મેલું…”
પણ સુચિ એ આગળ સાંભળતી નહોતી, ફક્ત જોઈ રહી હતી આ સ્વયંસિધ્ધ થયેલી સ્ત્રીને…
કોવિડ ગયો. વેકેશન આવ્યું. ઘરમાં ગોંધાયેલા લોકો ફરવા નીકળી પડ્યા. ગુજરાતીઓ તો હવાફેરને પણ હવા ‘ખાવા’ જઈએ, એવું કહે. ફરવા સાથે ખાવાનું મહાત્મ્ય સવિશેષ. એક પોટલું તો માત્ર પેટપૂજા માટે લીધું હોય! પછી આ બધા સહેલાણીઓ સોશિયલ મીડિયા ઉપર આપણી મેથી મારે. આવા લોકો જોવા કે માણવા ઓછું, પણ ફોટા પાડીને અપલોડ કરવામાં વધારે ધ્યાન આપે. પછી એ ફોટા/વીડિયા જોઈને તેઓનાં ફ્રેન્ડ્સ કે ફોલોઅર્સ અંદરથી બળી મરે. બહારથી જો કે લાઇક પણ કરે. દેખાદેખી અને અદેખાઈ બે અલગ શબ્દો છે. ‘દેખાદેખી’ એટલે એક જણનું જોઈ બીજાએ આચરવું એ, અનુકરણ, સરસાઈ, હરીફાઈ, સ્પર્ધા. અને ‘અદેખાઈ’ એટલે બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી, અદેખો સ્વભાવ, ખાર, ઈર્ષા. બેમાંથી એક કે બંને હોય એટલે એનું જોઈને હોકે મજબૂર ચલા, મેં ભટકવા ચલા, દૂર, બહોત દૂર… ચલો કશ્મીર કે ચલો માલદિવ્સ કે.. ના, ના, પુતિન ઘણું બોલાવે છે પણ ઓણ સાલ રશિયા જવા વિચાર નથી! જો કે બીજે ક્યાંક તો જવું જ જોઈશે. નિરંજન ભગત સાહેબનો ખુલાસો કે ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કે ઉમાશંકર જોશી સાહેબનો અભરખો ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ પણ.. અહીં એ વાત ધ્યાનમાં રાખવી કે આ કવિતા લખાઈ ત્યારે સોશિયલ મીડિયા નહોતા. નહીં તો તેઓએ આવું લખ્યું ન હોત. અને -જીવ્યા કરતાં જોયું ભલું- જેવું તદ્દન ખોટું લેશન આપણાં વડીલો આપણને શીખવાડી ગયા છે. હાસ્યનાં પર્યાય જ્યોતીન્દ્ર દવે સાહેબે લખ્યું હતું કે ‘.. પણ જોયા કરતાં જીવ્યું સારું! કારણ કે જોવા માટે જીવનની જરૂર છે અને જીવવા માટે પૈસાની.’ આજકાલ તો એવા ય છે કે જે દેવું કરીને ઘૂમવા જાય છે. પછી ગીત ગાય કે જગ ઘૂમિયાં થારે જૈસા ન કોઈ.. તો શું જખ મારવા ઘૂમવા ગિયો’તો? ઘરમાં જ રહેવું’તું ને? હવે હદ બહાર ફરવાનું થયે રાખે તો ઘરબાર વેચાઈ જાય, નોકરીને તિલાંજલિ આપી દેવી પડે, છેડા છૂટા થઈ જાય, સલામતીની ઐસી તૈસી થઈ જાય. પણ કેટલાંક માટે બસ ફરવું, એટલે ફરવું એટલે ફરવું. આ મનોરોગ છે જેને ડ્રોમોમેનિઆ (Dromomania) કહે છે.
ગુજરાતી લેક્સિકોન અનુસાર ‘ડ્રોમોમેનિઆ’ એટલે ભ્રમણોન્માદ. ‘ભ્રમણ’ એટલે હરવું ફરવું તે અને ‘ઉન્માદ’ એટલે ગાંડપણ, ઘેલછા, તોર, મદ કે સંનિપાત. તર્કઅસંગત અથવા તો સૂઝસમજણ વિહોણો લાગણીનો સતત આવેગ. શેને માટે? તો કે ફરવા, રખડવા, ભટકવા. કોઈ પણ હેતુ વિના બસ નીકળી જ પડવું. શરૂઆતમાં લોકોને બતાડવા માટે અને પછી તો લોકો જુએ કે ન જુએ પણ એ જણ (કે જણી)એ તો જવું જ જવું. જાણે હાથમાં પાંખો ફૂટી, પગમાં પૈડાં લાગ્યા, અને બસ, ઊડી નીકળવું, હાલી નીકળવું. હાલી હું નીકળ્યા?! આમ મૂળ ગ્રીક શબ્દ ડ્રોમોમેનિઆ. ‘ડ્રોમો’ એટલે ગતિ કે રેસ. ડ્રોમો એટલે રેસકોર્સ. રનિંગ ઉર્ફે દોડવું એવો ય અર્થ થાય. વેગ કે ગતિ માપવાનાં યંત્રને ડ્રોમોમીટર કહેવાય. અને ‘મેનિઆ’ તો આપણે જાણીએ છીએ. આમ નિયંત્રણહીન પ્રવાસન અથવા યાત્રાની અવિરત ઈચ્છા થયા કરે એવો મનોરોગ એટલે ડ્રોમોમેનિઆ. સને ૨૦૦૦માં માનસિક રોગ માટે પ્રમાણભૂત ગણાતા ડાયગ્નોસ્ટિક સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સ (ડીએસએમ)માં ડ્રોમોમેનિઆ અધિકૃત રીતે ‘ક્લિનિકલ ટ્રાવેલ એડિક્શન’ (નૈદાનિક પ્રવાસ વ્યસન) ગણવામાં આવ્યું.
ડ્રોમોમેનિઆનાં લક્ષણો શું છે? તમારી સૂટકેસ આમ સાવ ખાલી ક્યારેય નહીં હોય. તમે પાંચ છ ભાષામાં ગાળ બોલી શકો. કામ માત્ર એટલે જ કરો કે તમે તે પછીનાં પ્રવાસ માટે પૈસા ભેગા કરી શકો. હજી તો પાછા ફરો ફરો ત્યાં તો બીજા પ્રવાસનું પ્લાનિંગ શરૂ કરી દો. તમારા ઘરમાં શેમ્પૂ કે શાવર જેલની અનેક નાની નાની બોટલ્સ હોય જે ક્યારેય ખૂટે નહીં. કયા દેશ, કયા નગરમાંથી શું શું લાવ્યા એના સુવેનિયર ઘરમાં ચારો તરફ વિખેરાયેલા પડ્યા હોય. ઘરમાં હો ત્યારે તમે તમારો હાથ વૉશબેસિનનાં નળ નીચે મૂકો અને રાહ જુઓ કે પાણી ઓટોમેટિક ચાલુ થઈ જાય છે કે કેમ? વીકએન્ડમાં ઘરમાં રહેવું પડે તો તમારા મોતિયા મરી જાય. તમે તમારી બેગ પાંચ મિનિટ્સમાં પેક કરી શકો. મરણ પહેલા કરવા જેવા કામની યાદી ઉર્ફે બકેટ લિસ્ટમાં માત્ર હોય પ્રવાસ, પ્રવાસ અને પ્રવાસ. જે મહિનામાં તમારો પ્રવાસ ન થાય તો તમને લાગે કે તમે હવે મરી જશો. મને લાગે છે કે આજુબાજુ નજર કરો તો હળવા લક્ષણ ધરાવતા ડ્રોમોમેનિઆનાં દર્દીઓ ઘણાં મળી જશે. આપણે માત્ર એટલું જ ધ્યાન રાખવું. તેઓના રવાડે ચઢવું નહીં. ધરતીનો છેડો ઘર હોય છે. પણ ડ્રોમોમેનિઆક માટે ધરતીનો તો કોઈ છેડો જ નથી. પ્રવાસ અલબત્ત આનંદનો અહેસાસ કરાવે. પણ પ્રવાસ એક રૂટિન થઈ જાય તો? ફરજ રૂપે ફરવા જવું એના કરતાં ઘરમાં રહેવું સારું.
આપણે સૌ આમ જુઓ તો પ્રવાસી જ તો છીએ. ચોર્યાસી લાખ ફેરા કરવાનાં છે. પ્રવાસ માત્ર હવા ફેર નહીં, સંજોગ ફેર પણ કરી આપે છે. રોજની એકધારી કંટાળાજનક જિંદગીમાંથી કામચલાઉ છૂટકારો છે પ્રવાસ. બસ, એક ખયાલ રહે કે ક્યાંક ફરવાનું ગાંડપણ ન થઈ જાય, ખાસ કરીને બીજા ફરવા ગયા, તેઓએ ફોટા અપલોડ કર્યા, મોટી મોટી ડંફાસો મારી એટલે…. આપણે પણ જવું, એવું શા માટે? ઘણાં તો ખાવા, ખાસ કરીને પીવા જ જાય છે. આ ડ્રોમોમેનિઆ કરતાં વધારે ડ્રિંકોમેનિઆ છે. કશું ય વધારે પડતું કરવું ઠીક હોતું નથી. તન-દુરસ્તી, મન-દુરસ્તી અને ધન-દુરસ્તીનાં ભોગે કશું ય નહીં. કવિ શ્રી મિલિન્દ ગઢવી વાતવાતમાં માશૂકાને કાને વાત નાંખી દે છે: ‘ચાલ તારા વિચારમાં આવું, એ બહાને પ્રવાસ થઈ જાશે.’ આ વળી નવું. આ તો નોકરી ય ચાલુ રહે, પગાર ય મળતો રહે અને અલગારી રખડપટ્ટી પણ ચાલુ રહે. આ તો ડ્રીમ ડ્રોમોમેનિઆ! ભ્રમણા ભ્રમણોન્માદ! જ્યાં પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. વર્ચ્યુઅલી (ખરું જોતાં), લિટરરી (સાહિત્યિક રીતે) કે લિટરલી (શાબ્દિક અર્થ અનુસાર), આવો ડ્રોમોમેનિઆ સારો. હેં ને?
શબ્દશેષ:
“મારે છ મહિનાનું વેકેશન જોઈએ, વર્ષમાં બે વાર.” –અજ્ઞાત
“તમે પોલીસ ઇન્સ્પેક્ટરની આવી અઘરી નોકરી સાથે ઘર, બાળકો અને ઓફિસ કેવી રીતે સંભાળી લો છો?” ક્રાઈમબ્રાન્ચ ઓફિસર તરીકે ફરજ બજાવતી શ્લોકા વર્માને ઇન્ટરવ્યૂ લેનાર છોકરીએ ધીરે રહીને પ્રશ્ન પૂછ્યો. બધા સવાલોના જવાબો પિસ્તોલ ચાલતી હોય તે રીતે ફટાફટ આપતી શ્લોકા સહેજ અટકી. તેણે કદાચ આવા પ્રશ્નની અપેક્ષા નહોતી રાખી. જવાબ આપતા એ યાદોમાં ખોવાઈ ગઈ.
શ્લોકા વર્મા સાઇબર ક્રાઇમ બ્રાન્ચના કેસોમાં એટલી વ્યસ્ત રહેતી કે બધું ભૂલીને રાતદિવસ બસ ફરજ માટે તૈયાર રહેતી. એ ક્યારે ત્રીસની થઈ ગઈ તેનું પોતાને પણ ધ્યાન જ ન રહ્યું. તે એકલી જ રહેતી હતી. માબાપ વતનમાં રહેતાં હતાં.એમનું ઘડપણ બારણે ટકોરા દેતું ઊભું હતું. તેઓ શ્લોકાને લગ્ન માટે ખૂબ દબાણ કરતાં હતાં, પરંતુ શ્લોકા ખાસ ધ્યાન આપતી નહોતી. નોન-ગુજરાતી શ્લોકા પૂરી ગુજરાતણ બની ગઈ હતી. એને અહીં ફાવી ગયું હતું. ગુજરાતી લોકોની ખાણીપીણી, રહેણીકરણી અને તેઓનો મીઠો સ્વભાવ તેને ગમતો હતો. આખરે મમ્મીપપ્પાએ તેના જન્મદિવસે વધુ દબાણ કરવાથી એણે કહ્યું, “સારું, હું અહીં જ ગુજરાતી છોકરો શોધી લઈશ.” માબાપને કંઈ જ વાંધો ન હતો. બસ એ પરણે, એનું ઘર વસાવે અને એને બાળકો થાય અને પરિવાર સાથે આનંદભર્યું જીવન જીવે. તેમાં જ રસ હતો.
હવે ચોવીસ કલાક ફરજ પર રહેતી શ્લોકાને પોતાને માટે છોકરો શોધવાનું પણ કેટલું અઘરું હતું! સહકર્મચારીઓ પણ ઘણા બધા સુઝાવ આપતા પરંતુ શ્લોકાને કોઈ જ માફક નહોતો આવતો. આખરે શહેરના ખૂબ જાણીતા ‘મંગળમેળ મેરેજ બ્યૂરો’માં જવાનું કોઈએ સૂચવ્યું. તેઓ પૈસા વધુ લેતા પરંતુ ખૂબ સરસ રીતે કામ કરતા અને સુયોગ્ય મેચ કરી આપતા, કારણ કે ખૂબ ઝીણવટપૂર્વક બંને પાત્રોના પરિવાર, સગાંવહાલાં, અભ્યાસ, સ્વભાવ, રુચિ, પ્રકૃતિ, દેખાવ, કામકાજ વગેરેની તપાસ કરતા અને પછી સેટ થાય એવું લાગે તો જ મળવાનું ગોઠવી આપતા. ખૂબજ અનુભવી પતિપત્ની રંજનાબેન અને અશ્વિનભાઈ આ મંગળમેળ ચલાવતાં હતાં. એ કામ રંજનાબેને શરૂ કર્યું હતું અને અશ્વિનભાઈ પણ રિટાયર્ડ થયાં પછી તેમાં જોડાયા હતા. રંજનાબેને પહેલાં પોતાની જ્ઞાતિ માટે જ શરૂ કર્યું હતું, અને સફળ રહ્યાં હતાં.પછી લોકોનાં વારંવાર ભારપૂર્વક કહેવાથી તેમણે મંગળમેળ બ્યુરો બધાં માટે શરૂ કર્યો. પહેલાં જેમને મેચ કરીને પરણાવી આપ્યાં હતાં એમની બીજી પેઢી પરણવા માટે ઉંમરલાયક થઈ ગઈ હતી. એમાંથી ય થોડાંને સુપાત્ર શોધી આપ્યાં હતાં. તેઓ ગર્વથી કહેતાં પણ કે- તેમણે લગ્ન કરાવેલ કોઈપણ યુગલના ક્યારેય છૂટાછેડા નહોતા થયા. એ સદ્ભાગ્ય એમને સાથ આપતું. પહેલાં તો જન્માક્ષર બહાર જોવડાતાં પણ પછી તો અશ્વિનભાઈ જાતે જ જન્માક્ષર જોતાં. તેમની સાથે એમનો પૌત્ર ભિન્ન રહેતો. સૌથી નિરાળા એ બાળકનું નામ પણ અશ્વિનદાદાએ જ પાડ્યું હતું. પણ વહાલથી એને ભીંનું કહેતા.
એક જીવલેણ અકસ્માતમાં ભીંનુંએ મમ્મીપપ્પા અને દાદાદાદીએ એકનો એક પુત્ર, પુત્રવધુ ગુમાવ્યાં પછી ભીંનું તેમની પાસે લાડકોડમાં ઉછર્યો.ભિન્ન નાનપણથી જ સ્વભાવે ભોળિયો કહી શકાય તેવો હતો. તેને ભણવાનું જરા પણ ન ગમતું. શાળામાં જતો જ નહીં, આનાકાની કરતો. દાદા જબરજસ્તી મૂકી આવતા તો બાજુમાં બગીચામાં બેસી રહેતો અને સમય થાય ત્યારે રીક્ષામાં પાછો આવી જતો. દાદાદાદી એવું સમજતાં કે તે શાળાએ જઈને આવ્યો છે. માંડ નવમાં ધોરણ સુધી ભણ્યો. પછી તો દસમા ધોરણની પરીક્ષા ચારેક ટ્રાયલ કરીને પાસ કરી ને ભણવાનું છોડી દીધું. દાદાદાદીને થયું કે, હવે કેમ કરવું? આમ પણ તેને દુનિયાદારીથી ઝાઝી ગતાગમ નહોતી.આટલાં ભણતરમાં નોકરી પણ કોણ આપે? પણ દાદાદાદી સાથે મંગળમેળનું કામ એને ફાવતું. દિલનું કામ એ દિલ દઈને કરતો.
શ્લોકાએ મંગળમેળમાં જઈને ફોર્મ ભર્યું. અશ્વિનભાઈ અને રંજનાબેને તેની વિગત જાણી. કેવું પાત્ર જોઈએ એ બાબતે બધું પૂછી લીધું. એકવાર અરજી આવી જાય પછી તેઓ જે જે પાત્ર અનુકૂળ લાગે તેને ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતાં અને વર્ષોથી કામ કરતાં તેથી ઘણાં બધાં કુટુંબો તેમને ઓળખતાં હતાં અને મદદ પણ કરતાં હતાં. તેઓ ઝીણવટભરી શોધ કરવાં ઘર કે ઓફિસની અણધારી મુલાકાતે પણ પહોંચી જતાં. એ માટે બેત્રણ છોકરાછોકરી તેમણે કામ પણ રાખ્યાં હતાં કે જે આ બધી તપાસ કુશળતાપૂર્વક કરતાં.
ઘરનાં જ આંગણામાં હિંચકો અને ટેબલ ખુરશી મૂકીને આજુબાજુ વેલીઓ ઊગાડીને સરસ મજાની બેઠક વ્યવસ્થા સજાવી હતી. ત્યાં બંને તરફના પાત્રો આવીને બેસીને એકબીજાની મુલાકાત કરી શકે અથવા તો દૂર બગીચામાં જઈ શકે અથવા દરિયાકિનારે કે ક્યાંય પણ જઈ શકે તેની તેઓ વ્યવસ્થા કરતાં. તેઓને બહાર જવું હોય અથવા તો રેસ્ટરાંમાં જવું હોય તો એ રીતની વ્યવસ્થા કરી આપતાં, તેઓ એકબીજાને શાંતિથી મળી શકે અને બંનેની સુરક્ષા જળવાય એનું પણ તેઓ ધ્યાન રાખતાં. અને કેટલાય વખત પછી બધુ બરાબર છે તેવું ધ્યાનમાં આવે ત્યારે જ એકમેકને સૂચવતાં. અરે આટલો અભ્યાસ તો કદાચ ઘરનાં લોકો પણ ન કરી શકે. શ્લોકા માટે ઘણી બધી શોધ કરી પરંતુ પાત્ર શોધવામાં વાર લાગી. શ્લોકાની ઉંમર, નોકરી સેટ ન થાય કે એની પસંદગી મુજબ ન હોય. વળી, એની કુંડળીમાં મંગળ ને ઘણીવાર તો મળવા બોલાવે ત્યારે શ્લોકા જ ફરજ પરથી આવી ન શકે. છતાં એક પોલીસ ઓફિસર માટે મુરતિયો શોધવા મંગળમેળનો આખો પરિવાર મચી પડ્યો હતો.
ખૂબ મહેનત પછી સરસ મેચિંગ પાત્ર મળ્યું. એ શરદ બિઝનેસમેન હતો રંજનાબેને કહ્યું કે, “તમે બધી રીતે એકબીજા માટે યોગ્ય છો. અમે તો જોયું છે. તમે એકબીજાને જોઈ લો.” થોડી મુલાકાત બાદ બંને એકબીજાને પસંદ પડી ગયાં. સરસ રીતે વિવાહ નક્કી થયા. દાદાદાદીને અને સર્વ મંગળમેળ ટીમને નિમંત્રણ હતું. બધાં ખૂબ ખુશ હતાં. શ્લોકાના સહકર્મચારીઓએ થોડા દિવસ રજાની વ્યવસ્થા પણ કરી આપી હતી કે, ‘ફરવાના દિવસો છે, મોજ કરો’ પરંતું થોડા દિવસ પછી જુદું જ અનુભવાયું. શરદની વ્યસ્તતા અને શ્લોકાની રાતદિવસ ફરજ બાબતની એકબીજાને ખબર જ હતી જ. છતાં પણ લાગ્યું કે આ રીતે સાથે ન જીવી શકાય. પછી તો એકબીજાની ગેરહાજરી જ નહીં, એકબીજાની હાજરી પણ કંઈક અંશે તેઓને ખલેલ પહોંચાડતી. આખરે બંને પોતપોતાની અનુમતિથી મંગળમેળમાં ગયાં અને ત્યાં જ વિવાહ ફોક કર્યાં. આવી ઘટના મંગળમેળમાં પહેલીવાર બની હતી. બધાં લાચાર હતાં. એકબીજાને સોરી કહી શાંતિથી છૂટાં પડ્યાં.
પરંતુ અશ્વિનભાઈ અને રંજનાબેને બીડું ઝડપ્યું. તેમણે શ્લોકા ને શરદના પણ વિવાહ માટે યથાયોગ્ય પાત્ર શોધી આપવાની ખાતરી આપી. તેમણે પૈસા પાછા પણ આપી દીધા બંનેએ લેવાની ના પાડી. બધાની આંખોનાં ખૂણા ભીનાં હતાં પણ થાય શું? આ બધું નવાઈ પમાડે એવું ધારણા બહારનું બની રહ્યું હતું. પરંતુ રંજનાબહેને બંનેને સમજાવી અન્ય પાત્રની શોધ માટે તૈયાર કરી દીધાં.
થોડા સમય પછી શરદ માટે તો સુંદર સુયોગ્ય છોકરી મળી ગઈ. યોગાનુયોગ એનું નામ પૂનમ હતું. શરદપૂનમનો મેળ સરસ રીતે ઉજવાયો પણ ખરો.
શ્લોકા માટે ઘણી શોધ કરી અને એક એન્જિનિયર મિહિર મળ્યો. દેખાવે પણ ખૂબ સરસ હતો અને બંનેની જોડી પણ અદ્ભુત લાગતી હતી. બંને ખૂબ ખુશખુશાલ હતાં. વધુ મનમેળ જોવાનો હતો, બધી વાત સરસ અને સંતોષપૂર્ણ થઈ હતી. આખરે શ્લોકા અને મિહિરનાં ધામધૂમથી લગ્ન થયાં. નજર લાગી જાય ઓવારણા લેવાનું મન થાય તેવું આ જોડું શોભતું હતું. પરફેક્ટ પાર્ટનર મેળવી શ્લોકા ખુશખુશાલ હતી. આ વખતે શ્લોકાએ પંદર દિવસની રજા સામેથી લીધી.
ફરી ત્રણ જ મહિનામાં કોણ જાણે શું થયું બંને વચ્ચે ખટરાગ ઊભો થવા લાગ્યો. ખરેખર શ્લોકાના શિસ્તબદ્ધ સ્વભાવ પરંતુ અત્યંત ઋજુ દિલને કોઈ ન સમજી શક્યું. આ વાત પણ કોઈને સમજાઈ નહીં પરંતુ બધાંએ ધાર્યું કે બંનેની લગ્ન માટેની ઉંમર વધુ થઈ ગઈ હોવાથી બંને પોતપોતાની રીતે જીવતાં હોવાથી એક ન થઈ શક્યાં અને આખરે આ લગ્ન પણ છૂટાછેડામાં પરિણમ્યા. શ્લોકા થાકી. એણે હવે કદી લગ્ન ન કરવાનું નક્કી કર્યું.
શ્લોકા ઈન્ટરવ્યૂ લેનાર યુવતીની સામે આજે મનના ભાવ શબ્દોરૂપે વ્યક્ત કરતી હતી. તે યુવતીએ અચાનક પૂછ્યું, “તો મેડમ, પછી શું થયું?”
“શ્લોકા એ હસીને જવાબ આપ્યો, પેલો ભિન્ન- ભીંનું,તે હૃદયથી ખરેખર ભીનો છે. ભલે તેનો અભ્યાસ ઓછો છે પરંતુ તે મારો વહાલો પતિ છે. ભલે કદાચ લોકોની નજરમાં તે ભોળો છે, તમે ધારો છો તેટલો સમજદાર નથી પરંતુ મને તે સમજી શકે છે. મને ગર્વ છે ભલે તે નોકરી નથી કરતો પરંતુ ઘર સરસ રીતે સંભાળે છે. એ અમારી દીકરીનો ચોટલો પણ ગૂંથી દે છે. ઘરમાં દૂધ લેવાનું પણ કામ કરે છે. અમારાં બાળકોને સ્કૂલે લેવા મુકવા પણ જાય છે ક્યારેક મને પણ. અને હા, આજે પણ મંગળમેળ તે ચલાવે છે અને તેના દાદાદાદી સાથે જ અમે રહીએ છીએ.
મને લાગે છે કે મનનો મેળ એ જ સાચો મંગળમેળ. આખરે પ્રેમ શું છે? ડાળ પર દિલની જરા ટહુકી જવું.