તાજું છાપું/યામિની વ્યાસ

તાજું છાપું

“તમારે કેટલી મજા હેંને, સંતોષકાકા. એક જ જગ્યાએ બેસી રહેવાનું ને આરામથી ટિક ટિક કરીને ઉપરનીચે નીચેઉપર ફર્યા કરવાનું? અમારે તો સ્કૂલે જઈ આ ભારેખમ પરીક્ષા આપવાની!”

“હા પિન્ટુભાઈ, તમને ગુડલક. વેકેશનમાં તમેય અહીં આવજો, મારી સાથે બેસજો બસ.”

“ઓ પિન્ટુડા, તારે લિફ્ટમેન થવું છે? ચાલ જલ્દી, વૅન આવી ગઈ. પરીક્ષામાં બરાબર લખજે. સરખું યાદ તો છેને? તારા પાઉચમાં ત્રણ પેન એકસ્ટ્રા મૂકી છે. ને સાંભળ…” પિન્ટુની મમ્મી વિશ્વાએ એને લિફ્ટમાંથી ખેંચી વૅનમાં બેસાડી દીધો. અને વૅન ઉપડી ત્યાં સુધી સલાહ આપતી રહી. પાછી ફરી ત્યારે લિફ્ટને નીચે ન જોતાં ફરી બબડી, “કહીને તો ગઈ હતી. સંતોષથી બે મિનિટ પણ ઊભા નહીં રહેવાય. લિફ્ટ નવમાં ફ્લોર પર ગઈ. હવે દસ મિનિટ ગણી જ લેવી. શ્વેતાડી છેજ જબરી. પોતે મોડી ઊઠે ને છોકરાઓને જેમતેમ તૈયાર કરે. છોકરીનું માથું ઓળવાનું બાકી હશે તોય લિફ્ટ તો બોલાવી જ લે. વૅન તો ગઈ હવે. વરને મોકલશે સ્કૂલે મૂકવા ને સંતોષ લિફ્ટમાં બેઠો બેઠો એક પણ શબ્દ બોલશે નહીં. એ તો ભગવાન જાણે શું કરે છે? આખો દિવસ બધાં સાથે બોલબોલ કરે ને નવરો પડે તો મોબાઇલમાં માથું ખોસી રાખે છે ને કાનમાં દોરા લટકાવી રાખે તે કેમનો સાંભળે? ચાલ, પેપર પણ આવી ગયું હશે. ઓહો! આજે તો બુધવાર, વાર્તા વાંચવાની…”

વિશ્વાબેન બબડે એટલું જ બાકી એ કાયમ એના વિશ્વમાં જ ડૂબી હોય, એ તારણ પણ સંતોષનું જ. વિશ્વા બજાર જાય ત્યારે સંતોષને ભાવતા પાપડના ગુલ્લા પણ એ જ લાવતી.

સંતોષ ચાર વર્ષથી અપેક્ષા એપાર્ટમેન્ટમાં લિફ્ટમેનની નોકરી કરતો. પ્રામાણિક અને નમ્ર હતો. નાનાંમોટાં બધાં સાથે આદરથી વર્તતો. ટૂંકમાં, એના કામથી બધાંને સંતોષ હતો. કોઈની ચાવી રહી ગઈ હોય, ચાર્જર રહી ગયું હોય, લંચ બોક્સ કે પાણીની બોટલ પણ એને કહેવું ન પડે. ઉપર જઈ ત્વરિત લઈ આવતો. એને એક પગે ખોડ પણ સહુ સહકાર આપતા. એને બધાંના સમયની બરાબર ખબર રહેતી. વળી રોજ સ્કૂલ, કૉલેજ, ઓફિસ જનારા જો સમય થતાં ન આવે તો ફિકર પણ કરતો. એની પત્ની પણ અહીં જ ઘણાને ઘરે કામ કરતી એટલે એ નાતે પણ ઓળખાણ. કોણ, કોને ત્યાં કેટલો સમય આવે છે, જાય છે, કોનાં કોણ સગાં, મહેમાન સર્વેને એ જાણે અને એ રીતે આદરથી વર્તે. એપાર્ટમેન્ટનો ઇલેક્ટ્રિક ફ્યૂઝ બદલવો હોય કે પાણીની મોટરનો કૉક બગડી ગયો હોય તો એ એક પગે દોડી જતો. અપેક્ષા એપાર્ટમેન્ટવાળાએ એને નોકરીએ રાખ્યો એ જ મોટો ઉપકાર માનતો.

પહેલાં તે કોઈ પ્રેસમાં વૉચમેન હતો. દિલથી નોકરી કરતો. ત્યાં આવતા લેખક કે પત્રકારોને પણ ઓળખતો. હસતે મોઢે બધાંનાં કામ કરતો એટલે માનીતો હતો. વાંચવાનો અત્યન્ત શોખીન. નહીં સમજાય ત્યારે પૂછવામાં પણ સંકોચ ન રાખતો. એક વખત ફરજ દરમ્યાન ધસી આવેલ ગુંડાતત્વો સામે લડત આપતા એ ઘવાયો. એક પગે ખોડ આવી ને એણે નોકરી ગુમાવી. ત્યાંના કર્મચારીઓએ ખૂબ વિનંતી કરી પણ માલિકે થોડા રૂપિયા આપી છૂટો કર્યો. પ્રેસમાં અવારનવાર આવતા પિન્ટુના દાદાએ જ અહીં લિફ્ટમેનની નોકરી અપાવી હતી.

એ લિફ્ટમાં સતત ઉપરનીચે ફરતો એમ નહીં, પણ દુનિયા ફરતો હોય એ રીતે આનંદ લેતો. લિફ્ટ ચોખ્ખી ચણાક રાખતો. એમાં મોબાઇલમાં ધીમું મ્યુઝિક વાગતું હોય અને વળી એકાદ ન્યૂઝપેપર કે મેગેઝીન હોય જ. ખૂણેખૂણો વાંચી કાઢતો. ભણતર તો હતું એસ.એસ.સી. ફેઈલ પણ અખબાર લોકો વાંચે એ પહેલાં એણે વાંચી લીધું હોય ને પછી એ લોકોની આંખો વાંચતો. સવાર, સાંજ કે બપોર લોકોના હસતા, તાજગીભર્યા, પ્રસન્ન, મસ્તીભર્યા, રાહતભર્યા, આશભર્યા, તોફાની, ઉતાવળિયા, ગભરાટિયા, બેચેન, દ્વિધાભર્યા, થાકેલા, કંટાળેલા અકળાયેલા, ચિંતાગ્રસ્ત કે નિરાશ ચહેરાઓનો અભ્યાસ એને આપોઆપ ચૂપચાપ જ થઈ જતો.

એક દિવસ પિન્ટુના દાદાએ એને બોલાવ્યો. એક કામ સોંપ્યું. હાના કરતા એણે ખંચકાતા સ્વીકાર્યું પણ ખરું. થોડા વખત પછી ખબર નહીં કેમ, તે પોતાના મોબાઇલમાં ખૂપતો ગયો. ઘણાને નવાઈ લાગી. એને પૂછતા તો મજાકમાં હસી કાઢતો. એક દિવસ વિશ્વાથી ન રહેવાયું એણે ઘરે કામ કરવા આવેલી સંતોષની પત્નીને પૂછ્યું, “હા ભાભી, ખબર નથી. ઘરે પણ એ તો આખો વખત મોબાઇલમાં જ હોય. કોણ જાણે શું કરે! એમાં જોવા પણ નહીં દે.” પોતુ નીચોવીને સૂકવતાં સૂકવતાં એણે ખોસેલો છેડો સરખો કર્યો.

“ઊભી રહે, હું પણ આવું છું.” વિશ્વા એને લઈ તરત લિફ્ટમાં પહોંચી. સંતોષના હાથમાંથી મોબાઇલ ખેંચી લીધો. ઉપરનીચે સ્ક્રીન ફેરવી જોઈ. “ઓહોહો.. આમાં તો કંઈ નથી. સંતોષ, આ પેપરની વાર્તા વાંચવા મોબાઇલમાં કેમ આંખો ફોડે છે? ઘરેથી લઈ જતો હોય તો… જોકે, બધાં વાંચી રહે પછીનું વાસી હં. મને તો તાજું જ પેપર વાંચવા જોઈએ. કોઈ વાંચી લે પછી નહીં.” એટલામાં લિફ્ટ આ ફ્લોર પર ઘણી વખત રોકાઈ રહી જોઈ ઘણાએ સંતોષના નામની બૂમાબૂમ કરી. બધાનો જવાનો સવારનો સમય હતો. સંતોષ લિફ્ટની સ્વિચ દબાવે એ પહેલાં દાદાજીએ આવી કહ્યું, “વિશ્વા, તમે ત્રણ અઠવાડિયાથી જે વાર્તા રસપૂર્વક વાંચો છો એ ‘અપેક્ષા’ના ઉપનામથી લખનાર સંતોષ જ છે. એનો મોબાઇલ આપી દે. છાપાંથીય પહેલાં એમાં છપાય છે.

— યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

સ્પર્શ/યામિની વ્યાસ

સ્પર્શ

“યાર, રસ્તો કેટલો મસ્ત છેને, હજુ સ્પીડ વધારને, ધ્યાન, નહીં તો મને ચલાવવા દે?”

“ભાઈ વિરાટ, આમેય આ બાઇકની સ્પીડ બહુ છે. અડકે ને તરત ઊડવા માંડે. ને તારા હાથમાં આપીશ તો તો એરપ્લેન જ. શું ઉતાવળ છે? મમ્મીપપ્પાને આમેય પહોંચતાં વાર લાગશે. ત્યાં વહેલો પહોંચીને શું કરીશ?”

“કેમ રિધમ પણ આવી જ હશેને તને શોધતી? સૉરી રિધમભાભી. જીભને ટ્રેઈન કરવી પડશે પણ બચપણની દોસ્ત ને વળી મારી તો ક્લાસમેટ. ઓકે હવે ભાભી બોલતા ટેવાઈ જઈશ બસ?”

રાજેશભાઈ અને સુચેતાબેનનો જાણીતો સંસ્કારી પરિવાર. સમાજમાં પણ માનમોભો. મોટી દીકરી પરણીને વિદેશમાં સેટલ અને બે હોનહાર દીકરા ધ્યાન અને વિરાટ. ત્રણ વર્ષ મોટો ધ્યાન ઠરેલ ને ઠાવકો. ભણી રહ્યો ને પપ્પાના બિઝનેસમાં જોડાયો. કુશળ ધ્યાને ત્રણેક વર્ષમાં તો આખો કારોબાર ખભે ઉપાડી લીધો. વિરાટનું પણ એમ.બી.એ.નું પરિણામ હમણાં જ આવ્યું. થોડો મસ્તીખોર પણ એનું ધ્યાન રાખવાવાળો ધ્યાન હતો એટલે રાજેશભાઈને ફિકર નહોતી. થોડા દિવસો પહેલાં જ રાજેશભાઈએ પોતાના મિત્ર અને જૂના પાડોશી સુનિલભાઈની દીકરી રિધમ માટે ધ્યાનની વાત કરી હતી. સુનિલભાઈ તો ખુશ હતા. ઊલટું, તેઓ જ એ બાબત વાત કરવાના હતા. રિધમે પણ એમ.બી.એ. હમણાં જ ફર્સ્ટ ક્લાસમાં પાસ કર્યું હતું. છોકરોછોકરી એકબીજાને ઓળખતાં તો હતાં છતાં વિધિવત્ એકબીજાને મળવાની ગોઠવણ કરી. રિધમ અને વિરાટ બાળપણમાં સાથે ભણતાંરમતાં એ યાદ કર્યું ને ધ્યાન ત્રણ વર્ષ મોટો એટલે એની પાસે કોઈવાર ગણિતના દાખલા શીખી હતી એ સ્મૃતિમાં હતું. પછી તો સુનિલભાઈની બદલી થતાં દૂર થઈ ગયાં તે છેક આજે મળ્યાં.

બંને પરિવારે ધ્યાન અને રિધમને પોતપોતાની રીતે નિર્ણય જણાવવા સમય આપ્યો. પોતાની ત્વરિત નિર્ણયશક્તિ પર શ્રદ્ધા રાખનાર ધ્યાનની તો હા હતી પણ રિધમે થોડો સમય લીધો. અરે, સુનિલભાઈએ તો એને વિરાટ માટે પણ પૂછી જોયું, “બેટા, કોઈના તરફથી કોઈ જ ફોર્સ નથી, જીવનનો અગત્યનો નિર્ણય ખૂબ વિચારીને લેજે. અને તને તારો દોસ્ત વિરાટ પસંદ હોય તો એ પણ કહેજે. એ ઘરના બધાં જ સારા માણસો છે.”

“અરે, ના પપ્પા એવું કંઈ છે જ નહીં. અમે તો ત્યારે કેટલાં નાના હતાં! ત્યારે તો નાનપણના તોફાન મસ્તી. મને યાદ છે ,પકડદાવ રમતાં ત્યારે વિરાટ જોરથી ધબ્બો મારતો અને અમે એને વિરાટ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કહેતાં.પણ થપ્પો રમતાં આઉટ થતાં ત્યારે એની મજબૂત પંજો અમને બચાવી પણ લેતો.ને ધ્યાન માટે તો અમારી ટોળકીના મન પર ભણેશ્રીની જ છાપ.” રિધમ યાદ કરી હસવા માંડી. બીજે દિવસે રિધમે ઠરેલ ધ્યાન માટે હા કહી.

બસ હવે વિવાહવિધિ ક્યારે એ નક્કી કરવાનું હતું. બંને પરિવારો એક કૉમન સંબંધીને ત્યાં લગ્નપ્રસંગે મળવાના હતા ત્યાં જવા નીકળ્યા હતા. રાજેશભાઈ ને સુચેતાબેન વિદેશથી બાળકો સાથે આવેલી દીકરી સાથે ઘરેથી કારમાં વહેલાં નીકળ્યાં હતાં અને બંને ભાઈઓ ઓફિસેથી થોડું કામ પતાવી બાઇક પર પહોંચવાની તૈયારીમાં હતા.

અચાનક જ પાછળથી પૂરઝડપે આવતા ડમ્પરે કંટ્રોલ ગુમાવ્યો. એટલો વેગમાં ધસી આવ્યો કે સંયમિત રીતે ચાલી રહેલી બાઇકને અડફટે લીધી. ધ્યાને ખૂબ કોશિશ કરી પણ આખરે બંને ભાઈઓ ફંગોળાયા. વિરાટ ઊછળીને ડિવાઈડર સાથે અથડાયો ને ધ્યાન ડમ્પરના પૈડાં સાથે ઘસડાયો. આજુબાજુના વાહનચાલકો અને લોકો ભેગાં થઈ ગયા. તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડાયા.

સારું હતું કે ખૂબ જાણીતી, મોટી, સુવિધાવાળી હૉસ્પિટલ હતી. વિરાટને માથામાં સખત ઇજા થઈ હતી. ધ્યાનનો જમણો હાથ કચડાઈ ગયો હતો. એમના મોબાઈલથી ખબર પહોંચાડતા તાબડતોબ પરિવાર આવી ગયો હતો અને ખબર પડતાં જ રિધમનું કુટુંબ તથા અન્ય સંબંધીઓ મિત્રો પણ દોડી આવ્યા. મોટું મિત્રવર્તુળ હતું. આઘાતથી અવાચક થઈ ગયેલા પરિવારને સહુ આશ્વાસન આપી મદદ કરવા તૈયાર હતા. રિધમ તો કંઈ સમજી જ નહોતી શકતી. થોડી જ મિનિટોમાં વિરાટને બ્રેઇનડેડ જાહેર કરાયો અને ધ્યાનનો જમણો હાથ ઑપરેશન કરી તાત્કાલિક કાપવો પડ્યો. સદ્ભાગ્યે વળી હેલ્મેટથી માથું બચી ગયું હતું. દુઃખના અફાટ મહાસાગર વચ્ચે જે થયું તે સ્વીકારવાનું જ હતું. બબ્બે યુવાન દીકરાની આવી હાલત જોઈ ભલભલાની છાતી બેસી જાય. રડતી આંખ અને ભીનું હૃદય છતાં ઉદાત્ત, પરોપકારી રાજેશભાઈ અને સૂચેતાબેને નાના દીકરા વિરાટના અંગદાનનો નિર્ણય લીધો. સહુએ વિશાળ હૈયે સ્વીકાર્યો. એ મુજબ વિરાટની આંખો, કિડ્નિ, હૃદય, લીવર, ફેફસા… અરે, ચામડી સુધ્ધાંનું દાન કર્યું. અને એના હાથ ધ્યાનને મેચ થાય કે કેમ એની ત્વરિત વિવિધ ટેસ્ટ થઈ. અને સર્વના પોઝિટિવ પરિણામ પછી અડધો જ કલાકમાં વિરાટનનો હાથ ધ્યાનના શરીરમાં આરોપાયો. ઓર્થોપ્લાસ્ટિક સર્જરીથી એક ભાઈના સ્નાયુઓ અને નવ્ઝથી બીજા ભાઈનો હાથ જોડાયો. ઓપરેશન સફળ રહ્યું.

દુઃખનું ઓસડ દહાડા કહેવાય પણ ઘણા દુઃખોનાં ઓસડ કોઈ નથી હોતાં. દિવસો તો વીત્યા પણ ધ્યાન હજુ પણ સ્તબ્ધ હતો.કેવી રીતે બધું અચાનક આંખના પલકારામાં બની ગયું અને વિરાટ કઈ રીતે આ વિરાટ દાન કરી ઘડીના છઠ્ઠા ભાગમાં જતો રહ્યો એ વિચારે ધ્રુજી ઊઠતો. કોઈ અચાનક જતું રહે તોય સૃષ્ટિ કહો કે કાળ કહો કે આ દુનિયા તો એમ જ ચાલતી રહે તેમ સમય વીતતો ગયો. છએક મહિના પછી હાથ થોડું સરખું હલનચલન કરતો થયો. “લે યાર મારો હાથ આપું, ઊભો થા, ધ્યાન. ભાઈ તારે તો બધાને સાચવવાના છે. મમ્મી પપ્પાને હસતાં કર. દીદીને બોલાવ ને રિધમને રિધમમાં લાવ.” જાણે વિરાટનો હાથ, એની આંગળીઓ બોલી ઊઠતી, હથેળી મલકી ઊઠતી. “લાવ, તારો ડાબો હાથ.” કહી ધ્યાનના ડાબા હાથની આંગળીઓને જમણા હાથની આંગળીઓથી બાથ ભીડી દેતો. અને એ સ્પર્શમાં સો ટકા વિરાટને અનુભવી શકાતો.

ધીમે ધીમે આજ સૃષ્ટિ અને આજ દુનિયામાં સહુ ગોઠવાતા ગયા. મોટી બહેન એક વર્ષ પછી રક્ષાબંધને ફરીથી આવી. ધ્યાનના જમણા હાથે બંને ભાઈઓને બાંધે છે એ ભાવથી બાંધી હાથ ચૂમી લીધો. મમ્મીપપ્પા પણ એને સ્પર્શી લેતા ને વિરાટની અનુભૂતિ કરતાં. ધ્યાન સંપૂર્ણ સ્વસ્થ થયો પછી રિધમને પૂછવામાં આવ્યું. જોકે, આ દુર્ઘટના પછી રાજેશભાઈએ રિધમને અને એના મમ્મીપપ્પાને સગાઈ કરવી કે ન કરવી એ નિર્ણય લેવાનું એમના તરફ માનપૂર્વક છોડી દીધું હતું. હવે એનો જવાબ લેવાનો હતો. સારવાર દરમ્યાન રિધમ મોટેભાગે સાથે જ હતી. ધ્યાનને સાજો કરવામાં એનો પણ મોટો ફાળો હતો. સહુએ ધાર્યું હતું એ મુજબ એની હા જ હતી. લગ્ન નક્કી કર્યા અલબત્ત ધામધૂમથી જ. હવે ઘરમાં ધીમે ધીમે ખુશી પ્રવેશી રહી હતી. ને ખાસ તો વેવાઈની એકની એક દીકરી રિધમનો પહેલો કે છેલ્લો જે ગણો તે આ એકજ અવસર હતો. જતા જતા કેટલીય જિંદગીઓ જીવાડતો ગયેલો વિરાટ ઘણા રૂપમાં સાથે જ છે એ સાક્ષીએ પ્રસંગ ધામધૂમથી ઉજવાયો. હસ્તમેળાપની ક્ષણે સહેજ ધ્રુજતા ધ્યાનના જમણા હાથને રિધમે જોરથી પકડી રાખ્યો.

== યામિની વ્યાસ

May be an image of 1 person and text

Leave a comment

Filed under Uncategorized

‘તમસના ટોળાં’

સંવેદનાસભર નવલકથા ‘તમસના ટોળાં’

(આ પુસ્તકના લોકાર્પણ પ્રસંગે યામિની વ્યાસ, ડૉ. પન્ના ત્રિવેદી, ડૉ. પ્રફુલ્લ દેસાઈ, રૂપીન પચ્ચીગર, પ્રજ્ઞા વશી, ચિંતન નાયક અને નરેશ કાપડીઆ)

સાહિત્ય એ સમાજનો આયનો છે. સમાજમાં જે બને છે તે એક યા બીજી રીતે સાહિત્યમાં ઝીલાય છે. આપણી વાર્તાઓ, જેમાં નવલકથા, ટૂંકી વાર્તા અને નાટક-ફિલ્મોમાં જે ઘટના ચક્ર આવે છે તે સમાજમાં ઘટેલી ઘટનાઓનું પ્રતિબિંબ હોય છે. એ પ્રતિબિંબ ચોક્ખું હોય અથવા તેમાં નૈતિક ફેરફાર પણ થાય. એનું કારણ એ છે કે વાર્તા એ કલ્પના છે. જયારે સત્યઘટના આધારિત વાર્તા હોય તેમાં પણ કલ્પનાના અંશો સામેલ હોઈ શકે છે. પણ મોટા ભાગનું આપણું કથા સાહિત્ય કલ્પના આધારિત હોય છે, જેને અંગ્રેજીમાં આપણે ‘વર્ક ઓફ ફિક્શન’ કહીએ છીએ.

જીવનમાં કેટલીક મોટી ઘટનાઓ બને, જેનો વ્યાપ મોટો હોય, સમાજના અનેક લોકોને તેની અસર થઇ હોય તેવી ઘટના આધારિત સત્યકથા કે કાલ્પનિક કથાનું સર્જન એ સાહિત્ય કર્મ છે. જેમકે પહેલું અને બીજું વિશ્વ યુદ્ધ. તેમાં કેટલીય ઘટનાઓ એવી બની જેણે અનેક સ્થળે અનેક લોકોના જીવન પર અસર કરી. તો તેનું ચિત્રણ થાય અને તેમાં માનવ સંવેદના અને વેદના ઉમેરાય ત્યારે ઉત્તમ સાહિત્યિક સર્જન થાય. એ મહાઘટનાઓ કેમ ઘટી તેનું ચિત્રણ પણ થાય અને એ ઘટનાઓની પાશ્વભૂમિમાં નવી વાર્તાઓનું સર્જન થાય. આપણા દેશમાં છૂત-અછૂતની સમસ્યા હતી અને તે ધીમે ધીમે નાબૂદ થવા માંડી. આ ગાળામાં કેટલીય ઉત્તમ કથાઓ સર્જાઈ જેમાં આ સમસ્યાની વેદનાઓ ઝીલાઈ. કેટલીય રાજકીય ઘટનાઓ પણ આ રીતે માનવ સમૂહને અસર કરતી હોય છે. જેમકે ભારતના ભાગલા અને બે દેશોનું સર્જન થાય તે મહાઘટના આધારિત સેંકડો કથાઓ સર્જાઈ. એમાંની કેટલીય કથાઓ સત્ય, અર્ધસત્ય અને કાલ્પનિક હશે, આપણને તેમાંથી સઆદત હસન મંટો જેવાં મહાન વાર્તાકાર મળ્યાં. વિદેશોમાં પણ આજ રીતે કેટલાંય મહાન વાર્તાકારો થયાં.

આપણા જીવનકાળમાં દેશના ભાગલા, આઝાદી મળવી ત્યારબાદ રાજકીય કટોકટી (જેને આર્થિક કટોકટી નામ અપાયું હતું), અયોધ્યામાં બાબરી મસ્જિદનો વિવાદિત ઢાંચો તોડી પાડવો અને તેના અનુસંધાને થયેલાં કોમી હુલ્લડો આવી મોટી ઘટનાઓ હતી. કોમી બાબતોને આપણે સંવેદનશીલ માનીએ છીએ. કોઈની પણ કોમી લાગણી ઘવાઈ શકે અને તેઓ જઝબાતમાં પ્રતિક્રિયા આપે અને માનવીય દુર્ઘટનાનું ચક્ર ફરતું રહે એવું બનતું રહે છે.

હવે મુદ્દો એ છે કે દેશમાં ૧૯૯૨માં અયોધ્યામાં ઘટેલી ઘટના અને તેની પ્રતિક્રિયાઓના ચક્રો ગતિમાન હોય ત્યારે સંવેદનશીલ સાહિત્યકારની ભૂમિકા કેવી હોય? કુદરતી રીતે તેમણે એવાં સર્જન કરવા જોઈએ કે જેથી જનમાનસમાં એકમેક માટેની કડવાશ ઘટે. સર્જનાત્મક સાહિત્યકાર લાગેલી આગને ઠારવા માટે પ્રયાસ કરે, તેમાં પેટ્રોલ છાંટવાનો પ્રયાસ નહીં કરે. વળી, આ કાર્ય પણ અઘરું છે કારણકે તેમાં બે કે વધુ કોમના ઝનૂની લોકોને ગમે-ન ગમે તેવી ઘટનાના ચિત્રણ હોય અને તેઓ સાહિત્ય સર્જક પ્રત્યે પણ પ્રતિક્રિયા આપે. છતાં, સાહીત્યકારનો એ ધર્મ હોવો જોઈએ કે દિશાહીન થયેલાં ટોળાંઓને તેઓ માર્ગ સૂચવે. ‘ગાંધી’ ફિલ્મની કથામાં આવો એક અદભુત કિસ્સો છે. એક કોમનો ઝનૂની માણસ કહે છે કે તેમણે અન્ય કોમના માનવની હત્યા કરી છે, તો ગાંધીજી સૂચવે છે, ‘તમે એના સંતાનને દત્તક લઇ લો, એ સારું પ્રાયશ્ચિત હશે.’

આ ચર્ચા આપણે ડૉ. પ્રફુલ્લ દેસાઈની તાજા નવલકથા ‘તમસના ટોળાં’ના લોકાર્પણ પ્રસંગે કરીએ છીએ. ૧૯૯૨માં ઘટેલી કોમી ઘટનાઓથી ગુજરાત પણ રક્તરંજીત થયું હતું, ત્યારે ડૉ. દેસાઈએ બાબરી મસ્જીદ ઘટનાને પાશ્વભૂમાં રાખીને અનેક કાલ્પનિક પ્રસંગો દ્વારા બે અલગ કોમના પ્રેમી યુગલની પ્રેમકથા સર્જી હતી અને તેમાં બંને કોમો દ્વારા થયેલાં કરવા જેવાં અને ન કરવા જેવાં કૃત્યો દ્વારા ઘટનાચક્ર સર્જીને ‘કોણ એને બોલાવે?’ જેવી સંવેદનશીલ નવલકથા દ્વારા પોતાની રીતે રાહ ચીંધ્યો હતો. આ નવલકથા સુરતના ‘ગુજરાતમિત્ર’માં ધારાવાહી રીતે રવિપૂર્તિમાં પ્રગટ થઇ અને વિશાળ વાંચક વર્ગે તેની સરાહના પણ કરી હતી.

તેના દસેક વર્ષ બાદ ગોધરા કાંડ થયો. ફરી કોમી હુતાશની પ્રગટી. ગુજરાતે ફરી રક્તસ્નાન કર્યું. હવે ડૉ. દેસાઈમાંના સાહિત્યકારે ફરી પોતાનો ધર્મ યાદ કર્યો અને પહેલી નવલકથાના ઉત્તરકાંડ રૂપે સર્જી નવલકથા ‘તમસના ટોળાં’. તેમણે આગલી નવલકથા જ્યાં પૂરી થયેલી ત્યાંથી એ પાત્રોના જીવનમાં દસેક વર્ષ પછી સર્જાયેલી ઘટનાઓની કલ્પના અહીં કરી છે.

એ કથાનો અંત ખુલ્લો હતો. એક મુસ્લિમ યુવતી હિન્દુ યુવકના પ્રેમમાં છે, પણ કોણ એને બોલાવે? એ પાત્રોની વાત આગળ વધી હવે એ યુવતી વકીલ બની છે અને પેલા યુવકના પિતાની સહાયક છે. ૨૦૦૨માં લખાયેલી આ નવલકથા વીસ વર્ષ પછી વાચકો સુધી આજે પહોંચી.

ડૉ. દેસાઈ આ નવલકથા દ્વારા જે સંદેશો આપે છે તે સ્પષ્ટ છે. સામાન્ય માનવ જીવનની મુસીબતોમાંથી ખસીને કોમી બનતો નથી. તેને ઉશ્કેરવામાં આવે છે. જેઓ ઉશ્કેરતા હોય છે, તેમાંના મુખ્ય હોય છે રાજકીય નેતાઓ, જેઓ આવી ઉશ્કેરણી બાદ બનતી ઘટનાઓને વટાવીને મત મેળવીને રાજકીય સફળતા મેળવવા પ્રયત્નશીલ હોય છે. આમ મતનું રાજકારણ કેવાં ખતરનાક ખેલ ખેલે છે તે નેતા સિવાય સૌને માટે કેટલું ખતરનાક હોય છે, તેની અહીં લેખકે પોતાની રીતે સમજ આપી છે. આ લેખક એક સામાન્ય તબીબ છે, જેણે આજીવન બંને કોમોના દર્દી – લોકોની સેવા કરીને બંને કોમનું માન ગ્રહણ કર્યું છે.

‘તમસના ટોળાં’નું વિમોચન આજે સવારે ૧૦.૩૦ કલાકે રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા વજુભાઈ ટાંક સ્મૃતિ ભવન, શાહપોર, સુરત મુકામે થયું.

સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત ‘તમસના ટોળાં’ ડૉ. પ્રફુલ્લ દેસાઈ લિખિત ૨૭૨ પાનાની નવલકથા છે, જેનું મૂલ્ય રૂ. ૩૫૦ છે.

પુસ્તક પરિચય – ૨૪.૦૪.૨૨ (ડૉ. પ્રફુલ્લ દેસાઈનો ૮૫મો જન્મદિન – ‘ધબકાર’માં પ્રકાશિત)

Leave a comment

Filed under Uncategorized

‘તમસના ટોળાં’/યામિની વ્યાસ

.સાંજને રોકો કોઇ/યામિની વ્યાસ

Leave a comment

by | જુલાઇ 6, 2022 · 6:54 એ એમ (am)

પ્રપોઝ/યામિની વ્યાસ

“પ્રપોઝ “અરે પપ્પા! લઈ લો ને, આ ગોલ્ડન ફ્રેમ જ સારી લાગે છે.” “પણ બેટા, બહુ મોંઘી છે.” “ના, આજ લઈ લો. હું બિલ ચૂકવી દઉં છું.” “પણ બેટા….” અનિલભાઈને બોલતાં અટકાવી નયનાએ બિલ ચૂકવ્યું. બાપબેટી ચશ્માની દુકાનમાંથી બહાર નીકળ્યાં. સામાન્ય પરિવારની લાડકી દીકરી નયના ભણવામાં ખૂબ હોશિયાર. ભણવા પર ફોકસ કરી એણે સારી કરિયર બનાવવી હતી. અને ઇતર પ્રવૃત્તિમાં પણ એટલી જ અવ્વલ. હમણાં જ મહિલાદિને ‘નારી તું ના હારી’ એ વિષય પર નિબંધમાં એણે પાંચ હજાર ઈનામ મેળવ્યું હતું. સાથે ટયુશન આપીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. વળી, રૂપાળી પણ એટલી જ. સખીસહેલીઓમાં પણ ખૂબ જ પ્રિય હતી. સૌને મદદ કરતી. કોલેજના કેટલાય યુવાનો દોસ્તી માટે નયનાને પ્રપોઝ કરતા, પણ આદરપૂર્વક તે ના પાડતી કહેતી કે, ‘હમણાં મારું ધ્યાન ફક્ત ભણવામાં જ કેન્દ્રિત છે. મારે કરિઅર બનાવવી છે.’ પરંતુ એક છેલબટાઉ યુવાન તેની પાછળ જ પડી ગયો હતો. વારંવાર એની પ્રપોઝલ ઠુકરાવવાથી એનો બદલો લેવાનું વિચારવા લાગ્યો. એક દિવસ નયના એના ઘર પાસે જ પહોંચી હતી, ત્યાં પાછળથી બાઇક પર આવી નયનના ચહેરા પર ઍસિડ છાંટી ભાગી ગયો. એના ઘરના અને આડોશીપાડોશી દોડી આવ્યા. ખૂબ પાણીનો છંટકાવ કર્યો અને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા. પછી તો ઘણા ઓપરેશન્સ અને ઘણી બધી ટ્રીટમેન્ટ પણ ચાલી. સાવ સામાન્ય પરિવારને પૈસાની તકલીફ હતી.હતી મૂડી એ પણ વપરાય ગઈ. પણ ઘણા સગાસંબંધી અને એનજીઓએ મદદ કરી અને માંડ તે સાજી થઈ, પરંતુ તે તનમનથી ભાંગી પડી હતી. બધી જ ટ્રીટમેન્ટ કરાવતાં એને વર્ષો લાગ્યાં. હવે આવો કદરૂપો ચહેરો લઈને ક્યાં જવું? નોકરી માટે એપ્લાય કરતી, તેની એપ્લિકેશન પસંદ પણ પામતી પરંતુ એનો ચહેરો જોઈને સૌ કોઈ મનાઈ કરતા. ઘરમાં જ રહેતી, લખતી, વાંચતી પરંતુ મનમાં એનો એ જ ધ્યેય હતો કે મારે ઘર માટે કંઈક કરવું જ છે અને અન્યો તરફથી મળેલી મદદ પણ જેટલી અપાય એટલી આભાર સાથે પાછી આપવી છે. પરંતુ તેને નોકરી આપે તો પણ કોણ આપે? આખરે ખબર પડી કે એક અંધજન શાળામાં રીડર અને રાઇટરની જરૂર છે. એ પણ નજીવા વેતન પર સેવા જ કરવાની હતી. એ ત્યાં ગઈ. એને ગમવા લાગ્યું. એને આ અંધ બાળકો સાથે મજા આવતી હતી. ખૂબ કામ કરતી છતાં પણ એને લાગતું કે હજુ પણ મારી પાસે સમય છે. હું પાર્ટ ટાઈમ કંઈક કરી શકું તેમ છું. ત્યાં જ એને ખબર પડી કે એક દૃષ્ટિહીન પ્રોફેસર લેખકને ત્યાં એક રાઇટરની જોબ છે. તે ત્યાં ગઈ, લેખકને મળી અને તેને નોકરી મળી ગઈ. લેખક બોલતા અને એ લખતી. આમ ને આમ ઘણી બધી નવલકથાઓ લખાઈ ગઈ. ઘણા બધા લેખ લખાયા. એ નવલકથાઓ બેસ્ટ સેલર પણ બની. ઘણા બધા પારિતોષિકો પણ મળ્યા. બંનેને એકબીજા સાથે એટલું ફાવી ગયું હતું કે ઘણીવાર તો લેખક બોલે એ પહેલાં જ કયા શબ્દો લેખક બોલશે એ પણ એ સમજી જતી. એક દિવસ લેખક લખાવતા હતા. નાયક ને નાયિકાની ખૂબ સરસ રોમેન્ટિક વાતો હતી. એ કથામાં લેખકે લખાવ્યું,“શું તું મારી સાથે લગ્ન કરીશ?” આ મારી પ્રપોઝલ સ્વીકારીશ?” અને નયના લખતી અટકી ગઈ. ફરીથી લેખક બોલ્યા, અને નયના ઝબકીને લખવા માંડી, લેખકે કહ્યું, “નયના, તું સમજે છે એ સાચું જ સમજે છે. હું આ કથાનો સંવાદ નથી બોલી રહ્યો. મારા મનનો સંવાદ બોલું છું. હું જ નાયક છું અને તું જ નાયિકા છે. હું તને જ આ સંબોધી રહ્યો છું, તને જ પૂછી રહ્યો છું.” નયના એ કશો ઉત્તર નહીં આપ્યો. આમ જોઈએ તો એણે કંઈ ઉત્તર આપવાનો હતો જ નહીં. એને એ લેખક ગમતા જ હતા. એમનો સ્વભાવ, એમનું વર્તન, એમની વાણી, તેમની સાહિત્યપ્રીતિ એને ગમતાં હતાં.પણ અચાનક આવી પડેલી પ્રપોઝલથી એને સમજાયું નહીં શું કરવું? એણે શરમાઈને કહ્યું, “હું ઘરે જઈને પૂછી લઈશ, પછી વાત કરીશ.” ઘરેથી પણ બધા સહમત જ હતાં, આવા સારા ઈજ્જતદાર પાત્ર માટે ના પાડવાને કોઈ કારણ નહોતું.આખરે ખૂબ ધામધૂમથી લગ્ન થયું અને લગ્નની પ્રથમ રાત્રિએ નયનાએ લેખકને કહ્યું, “તમે ભલે મારા ચહેરા પર હાથ ફેરવ્યો પણ તમે મારો ચહેરો જોયો નથી. મારી સાથે બનેલી ઘટના તમને ખબર છે પણ તમે જો મારો ચહેરો એકવાર પણ જોઈ લો તો…” એની વાત અટકાવતાં લેખકે કહ્યું, “નયના, મેં તારું મન જોયું છે, મેં તારું રૂપાળું હૃદય જોયું છે. બંને ખૂબ સુંદર છે. એનાથી સુંદર કશું હોઈ જ ન શકે.” નયના એ કહ્યું, “ઠીક, એ સારું છે પણ વાસ્તવિકતા તમે જાણતે, તમે મારો ચહેરો એકવાર પણ…” લેખક હસ્યા અને કહ્યું, “તું જ્યારે મારે ત્યાં નોકરી માટે આવી ત્યારે મને કશું દેખાતું ન હતું. મારે દ્દષ્ટિ ન હતી. મારી બન્ને આંખોમાં સિવીયર ઇન્ફેક્શન થયું હતું. ડૉકટરે આંખો ખોલવાની સખત મનાઈ કરી હતી. એથી હું કાળા ચશ્મા પહેરતો હતો. ધીરે ધીરે દવા અને ટ્રીટમેન્ટ અને કદાચ તારા સહવાસથી એ મટી ગયું. ધીમે ધીમે હું દેખવા લાગ્યો પરંતુ મેં એ વાત તારાથી છુપાવી. તારો ચહેરો પણ ખૂબ સરસ રીતે જોયો છે.” અને નયના અવાક્ થઈ ગઈ. લેખકે કાળા ચશ્મા કાઢતા કહ્યું, “ચાલ, જો, હું જોઈ શકું છું તને. ચાલ, આપણે ફરવા જઈએ.” ગદગદ થયેલી નયના બોલી, “અત્યારે? અડધી રાતે?” લેખકે કહ્યું, “હા,ચાલ તને લોન્ગ ડ્રાઇવ લઈ જાઉં” અને બંને જણા નીકળી પડ્યાં. જતાં જતાં અલકમલકની પ્રેમભરી વાતો કરતા ક્યાંય પહોંચી ગયાં હાઇવે પર.ત્યાં એ લોકોએ જોયું તો એક ટોળકી નશામાં ચૂર, બાઇકો પર ફૂલ સ્પીડમાં, જાણે રેઇસ લગાવતા હોય એ રીતે મસ્તી કરતી જતી હતી. સામે ટ્રક આવતી હતી. લેખક અને નયના સાઈડમાં કાર પાર્ક કરીને ઊભાં રહી ગયાં. એમાંનો વળી એક તો ટ્રકની બરાબર સામે ધસી ગયો, કદાચ ટ્રકની બે હેડલાઈટ્સ એને સામેથી આવતી બે બાઇક છે, એવું લાગ્યું હશે! લેખક અને નયનાએ બૂમો પણ પાડી, પરંતુ …પેલો ફુલ સ્પીડમાં ટ્રકની સાથે અથડાયો. અને ત્યાં જ… ત્યાં જ મૃત્યુ પામ્યો. જઈને જોયું તો પેલો જ… પેલો જ …! નયના લેખકને વળગી જોતી જ રહી ગઈ. યામિની વ્યાસ”

Leave a comment

Filed under Uncategorized

સાંજને રોકો કોઇ/યામિની વ્યાસ

Leave a comment

by | જુલાઇ 4, 2022 · 6:52 એ એમ (am)

3-સાંજને રોકો કોઇ

Leave a comment

by | જુલાઇ 3, 2022 · 6:50 એ એમ (am)

સાંજને રોકો કોઇ/યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized

દર્દની એવી નિશાની/યામિની વ્યાસ

દર્દની એવી નિશાની હોય છે

જીવતી જાણે કહાની હોય છે

એ હ્રદય સોંસરવી ઉતરી જાય છે

શબ્દની એવી રવાની હોય છે

રાહ જોતા આંખ થાકી જાય પણ

એ વ્યથા કેવી મજાની હોય છે !

આપણે ઈતિહાસ લખવો કઈ રીતે?

એક સરખી જિંદગાની હોય છે

વ્યર્થ ધરતી પર નહીં શોધ્યા કરો

પ્રેમ એ તો આસમાની હોય છે

અશ્રુઓ પડઘા ભલે પાડ્યા કરે

લાગણી તો છાનીમાની હોય છે

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized