લેસ ગવર્નમેન્ટ, મોર ગવર્નન્સ: મધપૂડાનો વિવાદ, મારું શું? મારે શું? /પરેશ પ્ર વ્યાસ

Bauhinia_recimosa

નિશાળેથી નાગરિક શાસ્ત્રની પરીક્ષા આપીને ઘરે આવેલા દીકરાને બાપ પૂછે છે કે ‘બેટા, કેવી ગઇ એક્ઝામ?’ દીકરો ઠાવકા મોંએ જવાબ આપે છે કે ‘આનાથી સહેલું કોઇ પેપર હોઇ જ ના શકે. પ્રશ્નો હતા તો સો, પણ બધા પ્રશ્નોનો ઉત્તર એક જ હતો. ગવર્નમેન્ટ, ગવર્નમેન્ટ, ગવર્નમેન્ટ…’ આપણે શું ઇચ્છીએ છીએ? શું સરકાર બધુ જ કરે?

લેટિન શબ્દ ‘ગુબેરનેશિયો’ પરથી આવેલો અંગ્રેજી શબ્દ ‘ગવર્નમેન્ટ’ ગ્રીક શબ્દ ‘કુબેરનાઓ’ એટલે ચલાવનાર, માર્ગદર્શક અને લેટિન શબ્દ ‘મેન્ટે’ એટલે ધ્યાન રાખનારો; એમ બે શબ્દોની સહિયારી પેદાશ છે. ધ્યાન રાખીને દેશને ચલાવે એ સરકાર. શાસન કરે એ સરકાર. તો પછી આ નાની, મોટી, ઓછી, વધતી ગવર્નમેન્ટ- એ વળી કઇ બલા છે?

અમેરિકી લોકશાહીનાં મૂળ ઘડવૈયા થોમસ જેફરસને કહ્યું’તું કે ગવર્નમેન્ટ જો એટલી મોટી હોય કે તમે માંગો ઇ તમને બધુ જ દઇ દીયે, તો ઇ કરીને ઇ એટલી ય ખમતીધર હોય જ કે હંધુ લૈ ય લિયે. હુ હમજ્યા? સુખસુવિધા વધે, સ્વાથ્યસેવાઓ વિકસે, અવરજવર સરળ બને, ભણતરનાં નવા આયમો ઉપલબ્ધ થાય. પણ વેરા વધે, ભાવ વધે, ખર્ચ વધે. સરકારને ચાલવા માટે, ઓઇલીંગ, ગ્રીસીંગ માટે ય પૈસા તો જોઇએ જ ને ? સો હાથોસે જો દેતી હૈ સરકાર તો સો હાથોસે લેતી ભી હૈ. આજકાલ લેસ ગવર્નમેન્ટ, મોર ગવર્નન્સ(ઓછી સરકાર,વધુ સુશાસન) નામનો ન.મો. મંત્ર ચર્ચામાં છે. એની પૂજાની, પરચાની, મહાત્મ્યની પારાયણ થાય છે.

આવી જ એક પારાયણ દિલ્હીનાં ટીવી-18નાં રંગમંચ પર થઇ ગઇ. નરેન્દ્ર મોદી ‘થિંક ઇન્ડિયા ડાયલોગ’માં કહે છે કે ઇશ્વરની ગવર્નમેન્ટ પર આપણને વિશ્વાસ છે. એ સર્વવ્યાપી છે, સર્વસ્પર્શી છે, સર્વઉપયોગી છે. પણ દેશની ગવર્નમેન્ટ ચૂંટણી લક્ષી ચાલે છે. દેશની ગવર્નમેન્ટમાં આપણને વિશ્વાસ નથી. કારણ કે લોકો એમાં જોડાયા નથી. સરકાર દેવાવાળી છે. લોકો હાથ ફેલાવીને ઊભા છે. એ યોગ્ય નથી. નમો પબ્લિક- પ્રાઇવેટ પાર્ટનરશિપમાં પીપલને જોડવાની વાત કરે છે. પી-3 નહીં, પી-4ની વાત કરે છે. લેસ ગવર્નમેન્ટમાં એ જ તો વાત છે. લોકો સમજે કે ટ્રાફિકની લાલ લાઇટ પર આપણે ઊભા રહીએ તો ટ્રાફિક પોલિસની જરૂર ન રહે પણ લોકોને સાથે જોડીએ નહીં તો ગવર્નમેન્ટ વધતી જાય, મોટી થતી જાય, તગડી થતી જાય. સત્તાનું મેદસ્વીપણું અનેક રોગને નિમંત્રે.

લેસ ગવર્નમેન્ટ એટલે સરકારની કામગીરી ઓછી, જવાબદારી પણ ઓછી અને લોકોનાં રોજિંદા જીવનમાં સરકારની દખલગીરી પણ ઓછી. સરકારની ભુમિકા સપોર્ટિવ હોય. ચમચીથી ના ખવાડે, રળવું ય તમારે જાતે પડે અને ખાવું ય જાતે પડે. હા, એમાં કોઇ તમને ખોટી રીતે નડે તો સરકાર તમને મદદ કરે. પણ..પણ લોકો પર બધુ છોડી દઇએ તો ગરીબનો હાથ કોણ ઝાલે? એને કોણ ભણાવે?માંદા પડે તો કોણ સાજા કરે? ગુનેગારોને કોણ સજા કરે? કોણ પ્રદૂષણ ઘટાડે? કોણ નોકરીની તક ઊભી કરે? શું ઔદ્યોગિક ગૃહો કે વેપારીઓને સ્વસ્થ તેમજ કુશળ કારીગરો નહીં મળે તો વિકાસ થશે? એટલે સરકાર સૌની માઇબાપ. સૌને સાથે લઇને ચાલવાની વાત. મધપૂડાની માફક. મહેનત બધાની, ભાગ બધાનો. પણ કોને કેટલું દેવું, એ સરકાર નક્કી કરે. બધુ સરકાર કરે એને મોર ગવર્નમેન્ટ કહેવાય.

મોર ઓર લેસ- બન્ને પ્રકારની શાસનવ્યવસ્થાની ખામીઓ છે, ખૂબીઓ છે. ન.મો. મંત્ર લેસ ગવર્નમેન્ટની તરફેણ કરે છે. પણ મોર ગવર્નન્સની ચાબુક હાથમાં રાખે છે. આમ સૌ સૌને મહેનત કરવાની, બુદ્ધિ ચલાવવાની અથવા બાવડા કસવાનાં. હે દેશવાસીઓ, જાવ, અમારી દખલગીરી સાવ ઓછી. ઇન્સપેક્ટર રાજ સાવ ઓછું. હવે બોઇલર ઇન્સપેક્ટર નહીં, હવે લિફ્ટ ઇન્સપેક્ટર નહીં. લોકો પોતે જ ધ્યાન રાખે. સૌનો સાથ, સૌનો વિકાસ. થિયરીમાં સઘળું સારું લાગે પણ..સરકાર દખલગીરી ન કરે તો થાણેની પેઠે ગેરકાયદેસર ઇમારત ખડકાય જાય, પત્તાનાં મહેલની જેમ કડડડ ભૂસ. અનેક લોકો મરી જાય. ભોપાલની માફક ઉદ્યોગ ઝેરી ગેસ છોડે, અનેક લોકો મરી જાય, એટલું જ નહીં આવનારી પેઢી પણ વિકલાંગ જન્મે. અમીરગરીબ વચ્ચેની ખાઇ પહોળી થાય. ગરીબને તો સરકાર પાસે આશા હોય ને? ખાનગી પેઢીની માફક વહીવટ ચાલે તો જાહેર રસ્તા કોણ બનાવે? રસ્તાનો ખાડો ય કોઇએ દત્તક લેવો પડે ! અને લોકોને શું ખબર પડે? એ તો ન્યાતની ‘ને જાતની ‘ને જાતજાતની વાત કર્યા કરે. ખબર તો અમને રાજકારણીઓને પડે અને અમને અધિકારીઓને પડે. સરકાર માઇબાપ તે સૌ બાળુડાને સરખું પીરસે. મોર ગવર્નમેન્ટ, યે દિલ માંગે મોર..

લેસ ગવર્નમેન્ટમાં સરકાર કાંઇ ન કરે? અમેરિકન ફિલોસોફર આયન રેન્ડ કહે છે સરકાર હોવી જ જોઇએ. પણ એની જવાબદારી માનવ અધિકારની સુરક્ષા અને ગુનેગારો સામે સામાન્ય માનવનાં રક્ષણથી વધારે ન હોવી જરૂરી જોઇએ. એટલે ગુનેગારો સામેનાં રક્ષણ માટે પોલિસ, બહારી હૂમલાખોરોનાં આક્રમણને ખાળવા સૈન્ય અને આંતરિક તકરારનાં નિરાકરણ માટે ન્યાયાલયની સુદ્રઢ વ્યવસ્થા. બાકીની વ્યવસ્થા માટે લોકોને તેમનાં હાલ પર છોડી દેવા. આયન રેન્ડનાં ટીકાકારો કહેતા કે આયન રેન્ડ એટલા માટે લેસ ગવર્નમેન્ટની તરફેણ કરે છે જેથી મોટા ધનપતિઓ ગરીબોનું શોષણ કરી શકે. પણ એવું નથી. ‘ધ વર્ચ્યુ ઓફ સેલફિશનેસ’ (‘સ્વાર્થનો સદગુણ’ !)પુસ્તકમાં આયન રેન્ડ લખે છે કે ખાસ જૂથનાં કોઇ અધિકારો ન હોવા જોઇએ. ખેડૂતોનાં, ધંધાર્થીઓનાં, નોકરિયાતોનાં, નોકરીદાતાઓનાં, જવાનોનાં, બુઢિયાઓનાં અને જે હજી જન્મ્યા નથી તેવાઓનાં..ફક્ત માનવનો અધિકાર હોવો જ જોઇએ. દરેક માનવનો વ્યક્તિગત અધિકાર; લોકોનો અધિકાર સાચો પણ એક વ્યક્તિ તરીકે.. નમો આયન રેન્ડનો ઉલ્લેખ કરતા નથી પણ વાત એ જ કરે છે. આપણે હ્યુમન રાઇટ્સ કમિશનની વ્યવસ્થાને સુદ્રઢ કરવાની જગ્યાએ જુદા જુદા કમિશન બનાવતા ગયા. માયનોરિટી કમિશન, એસએસટી કમિશન, વૂમન કમિશન..અને સરકાર આમ ને આમ લેસમાંથી મોર થતી ગઇ. ગવર્નન્સ મોરમાંથી લેસ થતું ગયું. લેસ ગવર્નમેન્ટ એટલે ‘જેવી જેની શક્તિ અને જેવી જેની મોજ’, પણ લેસ ગવર્નન્સ એટલે ‘જેવી જેની ભક્તિ અને જેવી જેની પહોંચ’. આવું પણ ન થવું જોઇએ. બસ, એટલે જ મોર ગવર્નન્સ. એવી સરકાર જે જાગે એ રીતે કે આમ આદમીની ઉંઘ હરામ ન થૈ જાય. પણ ઉંઘ આવે તેની કસરત તો આમ આદમી જ કરવી પડે. યે દિલ માંગે લેસ ગવર્નમેન્ટ, યે દિલ માંગે મોર ગવર્નન્સ !

નમો કહે છે કે ફાઇલ એટલે ગવર્નમેન્ટ. ચારધામ જાત્રા કરો તો મુક્તિ મળે. પણ FILE ટેબલ ટેબલ અનેક ધામ ફરે છંતા મુક્તિ મળતી નથી. અક્ષરો ફેરવીને એને LIFE કરી દો. મુક્તિ ઉસે મિલ જાયેગી. લોકોને સરકારની અનુભૂતિ થવા માંડે. લાઇફ એટલે ગવર્નન્સ..

શબદ આરતી:

ગવર્નમેન્ટ તમારા પ્રોબ્લેમ્સનો ઉકેલ નથી, ગવર્નમેન્ટ ખુદ એક પ્રોબ્લેમ છે.

-અમેરિકાનાં 40માં પ્રેસિડન્ટ રોનાલ્ડ રીગન(1981-1989)
Paresh Vyas wrote:

3 ટિપ્પણીઓ

Filed under પરેશ વ્યાસ, પ્રકીર્ણ

3 responses to “લેસ ગવર્નમેન્ટ, મોર ગવર્નન્સ: મધપૂડાનો વિવાદ, મારું શું? મારે શું? /પરેશ પ્ર વ્યાસ

  1. અમેરિકામાં આજે લેસ ગવર્ન્મેન્ટ અને મોર ગવર્ન્મેન્ટનો પ્રશ્ન ખુબ ચર્ચાસ્પદ બન્યો છે .

    રીપબ્લીકન પાર્ટી લેસ ગવર્ન્મેન્ટમાં માને છે . તેઓ માને છે કે It is the best Govt.

    which governs the least .એટલા માટે તો તેઓ ઓબામા કેર ના કાયદાને નાબુદ

    કરવા માગે છે .ડેમોક્રેટ્સ માને છે કે ખાનગી તત્વો ખોટો લાભ ન લઇ જાય એના માટે

    સરકાર પાસે કાયદા દ્વારા અંકુશ રાખવાની સત્તા હોવી જોઈએ .બુશના સમયમાં

    શેર બઝાર-વોલ સ્ટ્રીટ ઉપર અંકુશ ન હોવાથી સામાન્ય લોકોને બહુ જ સહન કરવાનું

    થયું

  2. આ ચર્ચામાં જાણતી, કે ન જાણતી, વ્યક્તિ પોતપોતાનાં ‘ડહાપણ(?!)’નું સળેખડું ઉમેરતી રહીને આ આગ, અને તેમાંથી નીકળાતા ધુમાડા,ને કાયમ સળગતો રાખે છે.
    દરેક સજીવ પ્રાણી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા (અને જો ટકી ગયા તો ,ટકી ગયા છે એ એમ દેખાડવા માટે)પ્રયત્ન તો કરે તે તો સ્વાભાવિક વાત કહેવાય. એટલે સરકાર-વાદીઓ ‘સરકાર’ ફૂલે ફાલે, એમાં આપણું – શાસીત નાગરિકોનું – શ્રેય છે એમ કહે, તે તો તેમનો નૈસર્ગીક વ્યવહાર ગણાય!
    સરકાર કેવી, અને કેટલી, હોવી જોઇએ તે નક્કી કરવાની નાગરિકની ફરજ, અને અધિકાર, છે અને તે તેમણે પૂરેપૂરી નિષ્ઠા અને સમજપૂર્વક અદા કરવાં જ જોઇએ. નહીં તો નાગરીકને જેવો અને જેટલો ગોળ નાખ્યો હોય, એવી અને એટલી ગળ્યી જ સરકાર મળે!? આ ગણિત પણ સીધું સાદું જ છે ને?
    ચર્ચામાં દાખલ થયા પછી, તેમાં કેટલી, અને કેવી, હદે સામેલ રહેવું તેવો / તેટલો વિવેક બતાવવા જેટલી ‘નાગારીક’ સભ્યતા તે પણ આ ફરજોનો ભાગ જ છે, જે પરેશભાઇ અહીં સુપેરે સદ્ર્ષ્ટાંત સમજાવે છે……., ના સમજે વો…..

  3. Pirate – Take and take
    Government – Take and give
    Businessman – Give and take
    Saint – Give and give

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.