વિન-વિન/પરેશ વ્યાસ

વિન-વિન : જીતા સિકંદર ભી, પોરસ ભી

વિન-વિન : જીતા સિકંદર ભી, પોરસ ભી

– – પ્રોબ્લેમ અને માણસ બે જુદા છે. માણસનાં પોતાનાં અભિમાન, પોતાની લાગણી, પોતાની ઈચ્છાને નેવે મૂકીને અત્યારે શું પ્રોબ્લેમ છે?

 હા, આપણ પ્રતિસ્પર્ધી પાક્કા, ચાલ જીત સહિયારી કરીએ

હા, વિરોધ કર, અવરોધ ન ચાલે, ચાલ પ્રીત સહિયારી કરીએ.       

– યામિની વ્યાસ   

ચૂં ટણી પરિણામ આવ્યું.પરિણામે સૌ રાજી છે. દેશને સહિયારી પ્રીત કરવાનું ટાણું છે ત્યારે મોં કટાણું ન કરવું.૨૪૦ સીટ જીતેલો ભાજપ એનડીએ ગઠબંધન થકી ભાવિ સરકાર બનાવી શકશે. પહેલાં અબ તક બાવ્વન હતા, હવે ૯૯ સીટ સાથે સદીની આળેગાળે પહોંચેલી કોંગ્રેસને થયું કે અમારું અસ્તિત્વ, અમારો પ્રભાવ હજી ઠીકઠાકછે. સપા ‘હમ પાંચ’-માંથી ૩૨ પર પહોંચી. તેઓએ હાકોટા પડકારા કર્યા કે અમે પણ છીએ હોં. તૃણમૂલ કોંગ્રેસને ડર હતો કે ઓછી સીટ આવશે પણ સમૂળગાની સારેગમપધની જેવી સાત સીટ વધી. આપ-ની પણ ૩ સીટ વધી. તીન તિગાડા પણ કામ બિગાડા જેવું ના થયું.  બધા જ જીત્યા. બધાજ આનંદમાં. આવી ચૂંટણી અમને ગમી. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ એક સમાચારનું મથાળું બાંધ્યું : વ્હાય ઈટ ઇઝ વિન-વિન ફોર બીજેપી, કોંગ્રેેસ એન્ડ ઇટ્સ અલાઇસ. અલાઇસ એટલે કે સાથી પક્ષો સાથે આ બીજેપી અને કોંગ્રેસ, બંને માટેઆ જીત-જીત છે. હારજીત તો સાંભળ્યું છે. આ જીત-જીત શું છે? 

એટલે એમ કે નરેન્દ્ર મોદી રાજ કરશે પણ એ એકહથ્થુ શાસન નહીં હોય. સાથી પક્ષ હવે પોતાની વાત કહી શકશે. અને જોડે-રહેજો-રાજ ગીત ગાતા ગાતા ધાર્યું લગભગ કરાવી શકશે! એવું જ કોંગ્રેસનાં સાથી પક્ષોનું છે. બધા સાથે રહીને વિરોધ કરી શકશે અને જોડે રહેશે તો ટકી શકશે. પણ આપણે તો શબ્દ ‘વિન-વિન’ (Win –Win)ની વાત કરવાની છે. 

વિન-વિન શબ્દ ગુજરાતી લેક્સિકનમાં નથી પણ દુનિયાભરની સત્તર ડિક્સનરીઝમાં છે. મેરિયમ વેબ્સ્ટર ડિક્સનરી અનુસાર સંબંધિત વાદી- પ્રતિવાદી, જૂથ, પક્ષ, ટોળી, આસામી, સંગી, સામેલદાર વિગેરે તમામ માટે ફાયદાકારક હોય અથવા સંતોષજનક હોય એવો નિર્ણય કે પરિણામ. લાઠી ન ભાંગે પણ સાપનાં રામ રમી જાય. આમ થવું, આમ તો અઘરું. પણ થાય પણ ખરું. ઘણી વાર જીતીએ નહીં પણ અનુભવ મળે અને સમજી વિચારીને નવેસરથી આગળ વધવાની તક મળે. મધર આફ મોડર્ન મેનેજમેન્ટ તરીકે જાણીતા મેનેજમેન્ટ કન્સલ્ટટન્ટ, ફિલોસોફર મેરી પાર્કર ફોલેટે સને ૧૯૨૧માં એક પુસ્તક લખ્યું : ‘ક્રીએટિવ એક્સપીરિયન્સ (સર્જનાત્મક અનુભવ). વિન-વિન શબ્દ જો કે તેઓએ સર્જ્યો નથી પણ કોઈ પણ સંઘર્ષ કે સ્પર્ધામાં સમાલકન કે સંકલનની પ્રક્રિયા વિષેની વાત તેઓએ આ પુસ્તકમાં લખી છે. સને ૧૯૬૨થી બોલચાલમાં આવેલો આ વિન-વિન શબ્દનો મૂળ આધાર આ સંકલન પ્રક્રિયાની થીયરી છે. વિન-વિન માટે અલબત્ત કોશિશ કરવી પડે છે. ભાંજઘડ હોય ત્યાં તડજોડ કરવી પડે છે. ભાંગફોડ? જરાય નહીં. આ બધા આપણાં પોતીકા શબ્દો છે. ભાંજઘડ એટલે પંચાત, તકરાર, ખટપટ, ઘાલમેલ. તડજોડ એટલે ફાટફૂટ દૂર કરવાપણું, સમાધાન, ખુલાસો, નિરાકરણ, સ્પષ્ટતા. ભાંગફોડ તો આપ જાણો જ છો. ભાંગવું અને તોડવું ફોડવું તે. 

વિન-વિન મળતા તો મળી ગયું. હવે એ ટકાવી કેવી રીતે રાખવું? સમજી લ્યો  કે  પ્રોબ્લેમ અને માણસ બે જુદા છે. માણસનાં પોતાનાં અભિમાન, પોતાની લાગણી, પોતાની ઈચ્છાને નેવે મૂકીને અત્યારે શું પ્રોબ્લેમ છે?-એની પર ધ્યાન આપવું અનિવાર્ય છે. પોતે ખાઓ નહીં પણ કોઈને ખાવા ય ન દો, એવું હવે નહીં ચાલે. વર્ષો પહેલાં એક સૂત્ર હતું : ઇન્દિરા ઈઝ ઈન્ડિયા. ચૂંટણી પહેલાં એવી ય વાત હતી કે મોદી ઈઝ ભાજપા. પણ વિન-વિનમાં વ્યક્તિ મહત્વનાં નથી. મારી માન્યતા, મારી નીતિમત્તા, મારી જવાબદારી, મારી સંસ્કૃતિ વિષે જડ વલણ નહીં ચાલે. લાંબુ નહીં ચાલે. વાતચીતમાં સૌમ્યતા, એક્મેકનું માન સન્માન જાળવવું હિતાવહ છે. માણસની જીભમાં હાડકાં નથી. એ લપસે તો આંદોલન થઈ જાય. પછી માફામાફી કરો તો ય ઘીનાં ઠામમાં ઘી ન પડે, એમ પણ બને. બોલવામાં ધ્યાન રાખવું. સાથે બેસવું. દેશને ફાયદો થાય અને સૌને સ્વીકાર્ય બને, એવો કોઈ સાવ અલગ ઉકેલ પણ આવી શકે. સાવ બારણાં જ બંધ કરી દો કે આ તો નહીં જ- એ ન ચાલે. સાથીદારો પર શંકા કુશંકા કર્યે કામ ન થાય. હકારાત્મક અભિગમ અને લાંબા ગાળાની મૈત્રીનો અંદાજ મનમાં રાખીને ચાલો. કોંગ્રેસે સપા, એનસીપી કે શિવસેના તો ભાજપે ટીડીપી કે જેડીયુ સાથે દૂર દૂરનાં સાથનું વિચારવું પડશે. મનમાં કાંઈ શંકા થાય તો પૂછી લેવું. દાળમાં કાળું કોકમ પણ હોઈ શકે. ભાજપા કે કોંગ્રેસે પોતાની ક્ષમતા સાથે બાંધછોડ કરવાની નથી. અનુકૂળતાએ પોતાની શક્તિ વિષે સૌને યાદ દેવડાવવું ચોક્કસ પણ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નથી. ૫૬ની છાતી છે તો છે, સૌને યાદ દેવડાવતા રહો ત્યાં સુધી ય જાણે ઠીક પણ ખમીશ ખોલીને છાતી પીટવાની જરૂર નથી. તમારી વાત પૂર્ણ પ્રામાણિકતા અને કારણો સમજાવીને રજૂ કરવી. સૌનો સાથ, સૌનો વિકાસ પણ સાથી પક્ષોનો સાથ અને એનાં વિકાસને અગ્રતા આપવી. અને કોમન મિનિમમ પ્રોગ્રામ જેવી શરતો અને બોલીઓ પહેલેથી નક્કી કરી રાખવી. સંબંધમાં પ્રોબ્લેમ્સ તો આવશે. કોઈ કોઈ પ્રોેબ્લેમ  પેચીદા હશે. કોઈ પ્રોબ્લેમ અમથાં અમથાં ય આવી પડશે. અઘરાં પ્રોબ્લેમ સાથે મળીને સોલ્વ કરશો તો નાના પ્રોબ્લેમ આપમેળે ઉકેલાય જશે. 

મોદીસાહેબને એમ થતું હશે પક્ષને સ્વયં સ્પષ્ટ બહુમતી ન મળી એટલે કોઈ પણ આલિયો માલિયો જમાલિયો સલાહ આપવા મંડી પડે છે. પણ સાહેબ, મને કમને પણ એ સાંભળજો. જે કાને સાંભળી હોય એ જ કાનેથી વાત પાછી કાઢશો નહીં. હા, એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખો તો…. ચાલશે!

શબ્દ શેષ

‘વિન – વિન એટલે ત્રીજા વિકલ્પમાં ભરોસો રાખવો તે. ન તારે રસ્તે, ન મારે રસ્તે પણ વધારે સારા રસ્તે, વધારે ઊંચા રસ્તે.’ 

All I do is win win no matter what

Leave a comment

Filed under Uncategorized

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.