ડીફેનસસ્ટ્રેશન/પરેશ વ્યાસ

ડીફેનસસ્ટ્રેશન : યે ખિડકી જો ફેંક દેતી હૈ!


નેતાઓ ચૂંટાયા છો તો કરજો કામ ધરાર

લોકો નહીંતર ફેંકી દેશે સીધા બારી બહાર – યામિની વ્યાસ
આ લેખ છપાશે ત્યારે ભારતનાં ભાવિનું આલેખન થઈ ચૂક્યું હશે. ક્યાંક જશ્ન હશે, ક્યાંક માતમ. આજનો શબ્દ શશી થરૂરનાં સમાચારમાંથી અમને મળ્યો. જલંધરમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કોઈ પત્રકારે એમને પૂછયું કે દેશમાં અત્યારે પ્રવર્તમાન માહોલ માટે તમારો પ્રિય શબ્દ કહો. અને તેઓએ કહ્યુંથ : ડીફેનસસ્ટ્રેશન (ઘીકીહીજાર્ચિૌહ). એમ કે મતદારો બીજેપીને ડીફેનસસ્ટ્રેશન કરી દેશે. આ જૂજ વપરાતો ઇંગ્લિશ શબ્દ છે. ગુજરાતી લેક્સિકન અનુસાર એનો અર્ર્થ છે : બારીની બહાર ફેંકી દેવું. એમ કે મતદારો બીજેપીને બારીની બહાર ફેંકી દેશે. અરે શશીભાઈ થરૂરભાઈ, આપને મારે જરૂર યાદ દેવડાવી દેવું જોઈએ કે લોકોએ કોગ્રેેસને દસ વર્ષ પહેલાં જ ડીફેનસસ્ટ્રેેશન કરી દીધી હતી. એની હજી કળ વળી હોય, એમ લાગતું નથી. પણ આપણે તો શબ્દની આચારસંહિતા રચવાની છે. ડીફેનસસ્ટ્રેશનએટલે કોઈ વ્યક્તિ કે વસ્તુને બારીમાંથી બહાર ફેંકી દેવી તે. અથવા એક રૂપક તરીકે એનો અર્થ થાય- કોઈ મોટા વગદાર માણસને સ્થાનભ્રષ્ટ કરવો. ચૂંટણીમાં કોઈ જીતા, કોઈ હારા- એવું તો ચોક્કસ થાય. જીત્યા હોય એ ખુરશી પર બેસે અને હાર્યા હોય એ બારીની બહાર ફેંકાઇ જાય. ડીફેનસસ્ટ્રેશનનો સમનાર્થી શબ્દ એક્સપલ્ઝન (ઈટૅેનર્જૈહ) છે જેનો અર્થ થાય શીઘ્ર તગેડી મૂકવું તે અથવા તો હકાલપટ્ટી.પણ આપણે તો આજનાં શબ્દની વ્યૂત્પત્તિ અને એની સાથે જોડાયેલી કહાણીની વાત કરવાની છે.

ડીફેનસસ્ટ્રેેશન શબ્દનું મૂળ લેટિન છે. ‘ડી’ એટલે બહાર અને ‘ફેનેસ્ટ્રા’ એટલે બારી. આ શબ્દનું જન્મસ્થળ પ્રાગ શહેર છે, જે હાલમાં ઝેક રીપબ્લિકનું પાટનગર છે. પણ આ કિસ્સો ઘણો જૂનો છે. સને ૧૪૧૯માં યાન હસ નામક એક ધાર્મિક સુધારાવાદી નેતા હતો. એનાં અનુયાયીઓ હસાઇટ્સ કહેવાતા હતા. પણ ત્યારે રાજ રોમન કેથોલિક રાજવીઓનું હતું. રાજવીનાં સૈનિકોએ કેટલાંક હસાઇટ્સને જેલમાં પૂર્યાં હતા. સુધારાવાદી પાદરી યાન ઝેલિવ્સકી જેલમાં પૂરાયેલા પોતાનાં અનુયાયીઓને છોડાવવા માટે ટાઉનહોલ પહોંચ્યો. ત્યાં બેઠેલાં રૂઢિચુસ્ત કાઉન્સિલર્સોએ એનું અપમાન કર્યું, એની પર પથ્થર ફેંક્યો. અને હસાઇટ્સ બગડયા. આખું ટોળું ટાઉનહોલની અંદર જબરજસ્તીથી ઘૂસી ગયું અને કેટલાંક કાઉન્સિલર્સને ઊંચકીને ટાઉનહોલની બારીમાંથી બહાર ફેંકી દીધા. પછી તો આંતરિક ધર્મયુદ્ધ ફાટી નીકળ્યું. હસાઇટ યુદ્ધ તરીકે આ યુદ્ધ ૧૫ વર્ષ ચાલ્યું પણ આ શબ્દનો જન્મ ત્યારે થયો નહોતો. એનાથી બરાબર બસો વર્ષ પછી એટલે કે સને ૧૬૧૯માં, એજ શહેર પ્રાગમાં રોમન કેથોલિક અધિકારીઓએ પ્રૉટેસ્ટન્ટ ચર્ચનું બાંધકામ અટકાવ્યું. પ્રૉટેસ્ટન્ટ લોકોએ બે રીજન્ટ (સરકારી કારભારી)ને પ્રાગ મહેલની બારીમાંથી નીચે ફેંકી દીધા. નીચે પાછા અન્ય ધર્મઝનૂની લોકો ભાલા લઈને ઊભા હતા. આ પછી યુદ્ધ થયું જે ૩૦ વર્ષ સુધી ચાલ્યું. આ યુદ્ધમાં ૪૫ થી ૮૦ લાખ સૈનિકો અને નાગરિકો માર્યા ગયા. કેટલાંક હિંસાથી મર્યા. બાકીનાં લોકો દુષ્કાળ અને રોગચાળાથી મર્યા. યુરોપ પોતે અત્યારે ભલે આપણને ધાર્મિક નિરપેક્ષતાની ડાહી ડાહી સલાહ આપે પણ તેઓનો ઇતિહાસ ધર્મ માટે લડાયેલા અસંખ્ય હિંસક યુદ્ધથી ભરેલો છે. હવે જો કે પ્રાગમાં બારીમાંથી ફેંકી દેવાની પ્રથા નથી પણ સને ૧૯૪૯માં સામ્યવાદીઓ સત્તા પર આવ્યા પછી વિદેશમંત્રી એક રાતે બારીની બહાર પડેલા મળી આવ્યા. આમ તો મૃત્યુનું અધિકૃત કારણ આત્મહત્યા હતી પણ વાત એવી ઊડી કે આ પણ ડીફેનસસ્ટ્રેશન જ હતું. કોઈએ એને ચૂપચાપ બારીની બહાર ફેંકી દીધોહતો. અત્યારે અલબત્ત હિંસાની વાત નથી પણ ‘ડીફેનસસ્ટ્રેશન’ શબ્દને એક રૂપક તરીકે જોઇએ તો કોઈ પણ વિરોધીને બળપૂર્વક અથવા તો ઘમંડી રીતે નિશ્ચયપૂર્વક હટાવી દેવો કે સ્થાનભ્રષ્ટ કરવું- એવો અર્થ થાય છે.

આદમ અને ઇવે પેલું પ્રતિબંધિત સફરજન ખાધું અને પછી ન કરવાનું કરી બેઠાં અને પછી ખુલ્દ ઉર્ફે સ્વર્ગમાંથી તેઓનું ડીફેનસસ્ટ્રેશન થઈ ગયું.આબરૂનાં ધજાગરાં થઈ ગયા. પણ તારા ઘરથી હું જે રીતે બેઆબરૂ થઈને નીકળ્યો એ તો અલ્ટિમેટ ડીફેનસસ્ટ્રેશન હતું! ગાલિબ ચોખવટ કરે છે. આ શબ્દ જે પ્રાગ શહેરમાં જન્મ્યો ત્યાંનાં જ લેખક નવલકથાકાર ફ્રાન્ઝ કાફ્કાએ કહ્યું હતું કે આપણી સ્વર્ગમાંથી હકાલપટ્ટી થઈ ગઇ પણ સ્વર્ગ બચી ગયું. આ એક રીતે સારું થયું. જો આપણે ત્યાં રહી ગયા હોત તો સ્વર્ગ નષ્ટ થઈ જાત. વાત સાચી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના કામમાં અપ્રસ્તુત થવા લાગે તો એણે બારણાં બહાર જાતે નીકળી જવું, નહીં તો લોકો બારીની બહાર ફેંકી દેતા હોય છે. જો કે આ સલાહ રાજકારણી માટે નથી. તેઓ દરેક બારીને છટકબારી માને છે! પણ લોકો સત્તાધીશોથી કંટાળે તો એનું ડીફેનસસ્ટ્રેશન કરીનાંખે. અલબત્ત હારેલાંને કાયમ લાલચ રહે કે મેરા નંબર આયેગા… અને આવે ય ખરો. તેઓએ જો કે સજ્જતા કેળવવી પડે. લોકો વચ્ચે રહો. સદા. સતત. ચૂંટણી ટાણે જ નજરે ચઢો તો ખુરશી પર ચઢવાની તક ઓછી છે.

ચૂંટણી રીઝલ્ટ એટલે એમ કે કોણ બારી બહાર ફેંકાયું, કઈ ખુરશીઓ ખાલી થઈ અને કોણ બારણાંમાંથી અંદર આવ્યું. જો કે એ વિન્ડો આફ ઓપોર્ચ્યુનિટી પણ છે. આજનો દિવસ નવી આશા, નવી ઊર્જા અને નવસર્જનની વાત લઈને આવ્યો છે. આ લોકસભા છે. એની બારી હંમેશા ખૂલ્લી હોય. યાદ રહે, લોકોનાં કામ નહીં થાય તો ફેંકાઇ જવું નિશ્ચિત છે.
શબ્દ શેષ :
‘મને બારી હંમેશા ગમી છે, ખાસ કરીને જે ખૂલી હોય છે.’

અમેરિકન કવિ લેખક વેન્ડેલ બેરી

1 ટીકા

Filed under Uncategorized

1 responses to “ડીફેનસસ્ટ્રેશન/પરેશ વ્યાસ

  1. Dear Paresh ,

    Enjoy when you write.

    How are your Parents and sister Yamini?

    when visiting Boston vdo contact!

    Rajendra

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.