મિનિમાલિસ્ટ : ન્યૂનતમવાદી/પરેશ વ્યાસ

મિનિમાલિસ્ટ : ન્યૂનતમવાદી .

મિનિમાલિસ્ટ : ન્યૂનતમવાદી                       .

– શબ્દસંહિતા-પરેશ વ્યાસ

– વન-ઈન-વન-આઉટનો નિયમ પાળવો આવશ્યક છે. એક નવી વસ્તુ ઘરમાં આવે ત્યારે એક વસ્તુ બહાર જવી જ જોઈએ

બાર બાય બાર જેવી બાથરૂમો હોય અને પચ્ચી બાય ચોવીના ઓરડા, એવી મોટી મહેલાતુંને ટક્કર મારે, તે મારાં ચાર-પાંચ નળિયાંનાં ખોરડાં

– ધ્રુવ ભટ્ટ 

૧૨ હિંદી ફિલ્મ્સમાં અભિનય કરી ચૂકેલો અભિનેતા ઈમરાન ખાન ઘણાં વર્ષોથી ચર્ચામાં નથી. હવે સમાચાર છે સો કરોડની માલમિલકત ધરાવતો ઇમરાન પોતાના વિશાળ બંગલાનો ત્યાગ કરી હાલ  એક ખાલીખમ ફ્લેટમાં જીવી રહ્યો છે. એવું નથી કે એની પાસે પૈસા નથી. પણ એણે સ્વયં પસંદ કરેલી આ જીવનશૈલી છે. અહીં ફ્લેટમાં જ રહે એવો કોઈ કાયમી નોકર નથી. બે ત્રણ દિવસે આખા ફ્લેટની સફાઇ માટે કોઈ માણસ આવે છે. પણ હવે ઇમરાને પોતે વેક્યૂમ ક્લીનર લઈ લીધું છે. ફિલ્મ જોવાનું એને ગમે છે એટલે ઘરમાં એક ટીવી છે અને એક સોફા છે. ખાવાનું એની માતાને ત્યાંથી આવે છે. ખાવા માટે એની પાસે ત્રણ પ્લેટ્સ છે. એક બ્રેકફાસ્ટ માટે, એક લંચ અને એક ડિનર માટે. પત્ની સાથે તો છૂટાછેડા થઈ ગયા છે. હાલ લેખા વોશિંગ્ટન નામની કન્યા સાથે એ ડેટિંગ કરી રહ્યો છે. હવે લેખા સાથે એ વાતનાં લેખાંજોખાં થઈ રહ્યા છે કે ત્રણ પ્લેટ્સથી ચાલી જશે કે છ પ્લેટ્સ જોઈશે! આ લાઈફ સ્ટાઈલનાં સમાચારમાંથી મિનિમાલિસ્ટ (Minimalist)  શબ્દ અમને મળી આવ્યો છે. મિનિમાલિસ્ટ એટલે ન્યૂનતમવાદી. સરળ શબ્દોમાં કહેવું હોય તો ઓછામાં ઓછી વસ્તુઓથી જીવન નિર્વાહ કરે એ વ્યક્તિ મિનિમાલિસ્ટ. મૂળ લેટિન શબ્દ ‘મિનિમસ’ એટલે સૌથી નાનું અથવા તો ઓછામાં ઓછું અને ‘ઈસ્ટ’  (-ist)  એટલે એવી વ્યક્તિ જે એવું કરે અથવા તોએવું બનાવે. મિનિમાલિસ્ટ એટલે એવી વ્યક્તિ જેની જરૂરિયાત ઓછી હોય અથવા તો ઓછી કરી નાંખે. આમ સાવ નાગા બાવા જેવું ય નહીં પણ બિનજરૂરી કશું ય નહીં. મિનિમાલિસ્ટ શબ્દ આમ તો સાહિત્ય અને કલાનાં વિષયોમાં વધારે લોકપ્રિય થયો છે. આજે જો કે મિનિમાલિસ્ટ જીવનશૈલીની વાત કહેવી છે કારણ કે સમાચારનો સંદર્ભ જીવનશૈલી છે. 

નાનકડું ઘર હોય, ઠામવાસણ પણ ઓછાં.  આમ પણ ભૌતિક વસ્તુઓનું સુખ ટૂંકી એક્સપાયરી ડેટ લઈને આવે છે. ગણતરીનાં દિવસોમાં એ વસ્તુઓ આનંદ આપતી બંધ થઈ જાય.  બીજી તરફ દુનિયા આખી રોજ કાંઈ ને કાંઈ વેચવા માટે તલપાપડ છે. આપણે ખરીદી કરીને માનસિક ડીપ્રેશનમાંથી બહાર નીકળવા હવાતિયાં મારીએ છીએ. પણ એમ કરવામાં ઘરમાં કેટલીય વસ્તુઓનો થપ્પો લાગી જાય છે. ઘરનો રાખરખાવ કે નિભાવ મરામત એક અઘરો ઉપક્રમ છે. જાતે કરવાની વાત આવે તો રોજ સાફસફાઇ રાખવી અઘરી હોય છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ ઘરમાં ભેગી થયા કરે છે. મારા ઘરમાં કેટલાંય જૂના મોબાઈલ ફોન અને હેડફોન્સ છે. ક્યાં રાખવા? જ્યારે જરૂરી હોય ત્યારે પાછા એ ચાલતા નથી. આપણે શા માટે સંઘરાખોરી કરીએ છીએ? એક નૂરનો આદમી છે પણ એને  કપડાં હજાર નૂર જોઈએ છે. રેડીમેડ વસ્ત્રો ઓનલાઈન ખરીદાઈ જાય છે અથવા વસ્ત્રોની દુકાનો પર જઈને ખરીદ ઉત્સવ ઉજવાય છે. ઘરનાં કબાટ સદાકાળ ભરચક રહે છે. આપણું ઘર વસ્ત્રાપુર થઈ જાય છે! એ જ રીતેસ્ટોરરૂમમાં અનાજ કે મરી મસાલાનાં ભંડાર ભર્યા હોય છે. ઉપયોગમાં આવે તે પહેલાં એ ય કાળક્રમે બગડી જવાની શકયતા વધારે છે. જીવાત ન પડે એ માટે જંતુનાશક પ્રબંધ આવશ્યક બની જાય છે.  અરે ભાઈ! હવે તો થોડા સમયમાં જોઈએ તેટલી ગ્રોસરી મળી જાય છે તો જથ્થાબંધ ભરવાની જરૂર જ ક્યાં છે? આવું જ વાનગીઓ માટે છે. છપ્પનભોગ આપણો ભોગ લઈ શકે છે. અન્નકૂટની માથાકૂટ મોટી છે. આ એંઠવાડ ક્યાં જઈને રોજ રોજ અર્પણ કરવો? ઓછું ભોજન ચયાપચય ક્રિયા માટે ઇચ્છનીય છે. ઝાઝું ખાવાથી મરનારાઓની સંખ્યા ભૂખમરાને કારણે મરનારા લોકોની સંખ્યાથી વધારે હોય છે.  ઝાઝાં ભોજ રળિયામણાં હોતા નથી. 

મિનિમાલિસ્ટ માણસ ડિજિટલ સંસાધનોનો ઉપયોગ ઓછો કરે છે. માત્ર જરૂરી હોય તે જ શોધવું, જાણવું અને એનો જ સંદેશાવ્યવહાર. કારણ કે ધ્યાન ન રાખીએ તો સોશિયલ મીડિયાની તાસીર આસ્તે આસ્તે  એન્ટિ-સોશિયલ થઈ જતી હોય છે. મને શું ગમે છે- એ ય સોશિયલ મીડિયા નક્કી કરે?અને પછી મારું વર્તન અને મારી આદત પણ સોશિયલ મીડિયા જ નક્કી કરે. લો બોલો! મિનિમાલિસ્ટને આવી  તકલીફ ઓછી છે. અને એટલે એનું મન સ્થિર રહે છે. બાકી માનવ મનને ભંગારનો ડેલો બનતા વાર લાગતી નથી. માનવ મનને ડીક્લટર કરતાં રહેવું એ મિનિમાલિસ્ટ માટે સહજ છે.મિનિમાલિસ્ટ રોજકાંઈ ને  કાંઈ ડીક્લટર  (Declutter)  કરે છે. ‘ક્લટર’ એટલે અવ્યવસ્થા. ડીક્લટર એટલે પોતાનું ઘર કે ઓફિસ સુખદ અને ઉપયોગી બની રહે એ માટે એવી વસ્તુઓને ત્યાંથી હટાવવી, જેની જરૂર નથી. કબાટ જેટલાં ઓછા એટલી ક્લટર ઓછી. ઘરમાં માળિયું જ શું કામ હોવું જોઈએ? ઘરમાં લિવિંગ રૂમ જરૂરી છે કારણ કે હું લિવિંગ  પર્સન છું. સ્ટોર રૂમ? ડેડ કોઠારરૂમની જરૂર નથી. અને હા, ઘરની વસ્તુઓ બીજાને આપતા રહો. ભેટસોગાદ કે દાન દક્ષિણા સારી વાત છે. વન-ઈન-વન-આઉટનો નિયમ પાળવો આવશ્યક છે. એક નવી વસ્તુ ઘરમાં આવે ત્યારે એક વસ્તુ બહાર જવી જ જોઈએ. આપણાં શ્વાસ જેવું છે. ઉચ્છવાસ લીધો હોય તો જ શ્વાસ લઈ શકાય. ક્યારેક કેટલીક ચીજ લાગણી સાથે જોડાયેલી હોય છે. યાદ, સપના, ગીત, શિલ્પ, તસવીર, પત્ર વગેરે. એનું શું? જગજીત સિંઘે ગાયેલી રાજેન્દ્રનાથ રહબરની નઝમ.. તેરે ખત આજ મૈં ગંગામેં બહા આયા હૂં.. તમે કહેશો કે ગંગા સુધી ક્યાં જવું? અરે ભાઈ, નર્મદા તો છે. નર્મદા નહીં તો નર્મદા કેનાલ છે. પણ ડીક્લટર કરતા રહો. મિનિમાલિસ્ટ બનતા રહો. ઇતિ!

શબ્દશેષ :

‘સાદગી એ ચરમ સંસ્કારિતા છે.’

-લિયોનાર્દો દા વિન્સી Inline image

Minimalist Line Art Face The picture itself is beautiful. 

Leave a comment

Filed under Uncategorized

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.