Daily Archives: એપ્રિલ 11, 2013

શૂ થ્રોઇંગ: જોડાની જાત્રા…બુશથી મુશ સુધી/પરેશ પ્ર વ્યાસ

DSCN0623

શૂ થ્રોઇંગ: જોડાની જાત્રા…બુશથી મુશ સુધી

પરવેઝ મુશર્રફ પાછા ફર્યા. આમ સત્તા ગઇ’તી અને આમ પરવેઝ મુશર્રફ લંડન ભાગ્યા’તા. પાકિસ્તાનમાં રાજ કરવું એટલે વાઘની સવારી. હવે ચૂંટણી આવી એટલે ચાર વર્ષે પાછા ફર્યા. કહ્યું કે જાતને જોખમમાં મુકી, પણ પાકને બચાવવા આવ્યો છું. મુશર્રફનાં માથે તાલિબાનની તવાઇ તો છે જ, પણ ન્યાયાલયમાં નવાઇ થઇ ગઇ. એક વકીલે જોડાનો છુટ્ટે હાથે ઘા કર્યો. વાગ્યો તો નહીં. મુશર્રફ જોડે દેવાયા, એમ ભડાકે ય દેવાય જાત. આ તો પાકિસ્તાન છે. કાંઇ કહેવાય નહીં. મુશર્રફને તો શૂળીનું વિઘન સોયથી ગયાની રાહત થઇ હશે. તમે ગમે એટલા જોડા ઘસી નાંખો પણ આ તો લોકો છે, જોડા મારે ય ખરા. જોડા ઉલાળવાને શૂ થ્રોઇંગ(Shoe Throwing) કહેવાય.

શૂ થ્રોઇંગ એટલે જોડાનો ઘા કરવો. ગુજરાતીમાં પણ ‘જોડા મારવા’ એટલે સખત ઠપકો આપવો. ઠપકો આપવો હોય, વિરોધ કરવો હોય, ટીકા કરવી હોય તો જબાનથી થવી જોઇએ. પણ હવે વિરોધનું સ્વરૂપ બદલાયું છે. હવે ઓડિયોની જગ્યાએ ઓડિયો-વિઝ્યુઅલ ઘટના બને છે. શૂ થ્રોઇંગનાં શાબ્દિક અર્થ અનુસાર રાજનેતાઓની રાજનીતિની બદબોઇ કરવા માટે સાચેસાચ જોડા મારવાનો સિલસિલો તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ બુશથી શરૂ થયો છે. આમ બોલીને કરવામાં આવતો વિરોધ હવે જોડા મારવા સુધી પહોંચ્યો છે. રાજકીય વિરોધની ઘટનાઓ ફાઇન આર્ટમાંથી પરફોર્મીંગ આર્ટ બની છે.

વર્ષ 2003માં ઇરાક યુદ્ધમાં સરમુખત્યાર સદ્દામ હુસૈન શાસનનું પતન લોહિયાળ હતુ. ત્યાર બાદ શાંતિ બહાલી માટે અમેરિકી સૈન્ય લાંબો સમય ઇરાકમાં રોકાયુ. 14 ડિસેમ્બર, 2008નાં દિવસે બગદાદમાં તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ બુશ અને ઇરાકી વડાપ્રધાન મલિકીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ હતી. ઇરાકનાં એક ટીવી જર્નાલિસ્ટ મુન્તઝાર અલઝૈદીએ ચાલુ પ્રેસ કોન્ફરન્સે પગનો એક જોડો હાથમાં લઇને બુશ પર ફેંક્યો. જોડો ફેંકતા પહેલાં બોલ્યો હતો કે ‘આ ઇરાકી લોકો તરફથી ગૂડબાય કિસ છે, કુત્તે…’ ના, કુત્તે પછી ‘કમીને’ નહોતું કહ્યું. અને ‘મૈં તેરા ખૂન પી જાઉંગા’- એમ પણ નહોતું કહ્યું. પછી બીજો જોડો ફેંક્યો ત્યારે બોલ્યો કે આ ‘વિધવા અને અનાથો તરફથી અને એ બધા તરફથી જે યુદ્ધમાં માર્યા ગયા છે.’ બુશ માંડ બચ્યા’તા. ચીનનાં પ્રિમિયર વેન જિયાબો લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપી રહ્યા હતા ત્યારે માનવ અધિકાર માટે આંદોલનકારીએ પગનો જોડો એમની તરફ ફેંક્યો હતો. આ જ રીતે ઇરાનનાં ઉર્મેય શહેરમાં લોકોનું અભિવાદન ઝીલાતા ઝીલતા ખુલ્લી કારમાં ભાષણ આપવા જઇ રહેલા ઇરાની પ્રમુખ મોહમદ એહમદીનીજેદ પર પણ જોડો ફેંકાયો’તો. પાકિસ્તાનનાં રાષ્ટ્રપ્રમુખ આસિફ અલી ઝરદારી બર્મિંગહામ, ઇંગ્લેંડની મુલાકાત દરમ્યાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે જૂતાની જોડી ઝરદારી સામે ઉછાળાય’તી. આવી જ ઘટના ઇંગ્લેંડનાં પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેઅર સમક્ષ બની હતી જ્યારે એ જાહેરમાં એમનાં જીવન અને અનુભવનાં સંસ્મરણોનાં પુસ્તક પર હસ્તાક્ષર કરી રહ્યા હતા. અહીં જોડા સાથે ઇંડા પણ ઉલાળવામાં આવ્યા’તા. જોડા ટારગેટ લિસ્ટમાં ભારતીય નેતા પણ છે. મનમોહન સિંહ, પી. ચિદમબરમ, લાલ કૃષ્ણ અડવાણી, બીએસયેદુરપ્પા, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ. આ બધા પર પગરખાં ફેંકાયા. ના, કોઇને વાગ્યા નહોતા. પણ સમાચાર જરૂર બન્યા હતા. નેતાઓ પર જાનલેવા હૂમલો ન થાય તે માટે ઝેડ પ્લસ સિક્યુરિટી હોય એટલે ગોળી તો મરાય નહીં, પણ જૂતી જરૂર ઉલાળાય. યાદ રહે, માણસ જ્યારે કૂતરાને કરડે, ન્યૂઝ ત્યારે બને. હવે તો ન્યૂઝ ચેનલ્સનો રાફડો ફાટ્યો છે, બાપ.

બુશથી શરૂ થયેલો ‘જોડાફેંકો’નો આ દૌર મુશ સુધી પહોંચ્યો છે. કોઇ આવું શા માટે કરે? પોતાના તરફ જોડા ફેંકાયાની ઘટના પછી બુશે કહ્યું’તું કે ‘આવી વ્યક્તિઓ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા આવું કરતી હોય છે. જોડો ફેંકનાર અલઝૈદી કાંઇ સમગ્ર ઇરાકનું પ્રતિનિધિત્વ કરતો નથી. મને એનાથી કોઇ ફેર પડતો નથી. બલકે મને તો લાગે છે કે ઇરાકમાં મુક્ત સમાજરચનાનું નવનિર્માણ થઇ રહ્યું છે’ પશ્ચિમી દેશોમાં જોડા ફેંકવાની વાત ખાસ ગંભીર રીતે અપમાનજનક ગણાતી નથી. શૂ થ્રોઇંગ? તેમાં તે વળી શું મોટી વાત છે? પણ ટેક્સાસ યુનિવર્સિટીનાં પ્રોફેસર શિરાઝી કહે છે કે એશિયાની સંસ્કૃતિમાં તો ટેબલ પર પગ ચઢાવીને બેસવું સામી વ્યક્તિ માટે અપમાન છે. આરબ દેશોમાં પગરખાંનું ફેંકવું આત્યંતિક અપમાન ગણાય છે. આપણી શરીર રચના કંઇક એવી છે કે જેમાં મસ્તિષ્કનો દરજ્જો ઊંચો છે. એમાં દિમાગ આવેલું છે. પગ શરીરનાં નીચા ભાગે આવેલા છે. પગરખાં પર ગામની ગંદકી અને ધૂળ ચોંટી હોય છે. જોડો ફેંકવો એટલે ગંદકી ફેંકવી, ધૂળ ઊડાડવી. ગ્રેટ ઇન્સલ્ટ..યૂ સી… જો કે મઝાની વાત છે કે આ ઘટના પછી આ જોડા જેણે બનાવ્યા હતા એ તુર્કિશ કંપની રમાઝાન બાયદાનનું જોડાવેચાણ ઘણું વધી ગયું હતું. ઘટના પછીનાં એક જ અઠવાડિયામાં એને ત્રણ લાખ જોડી જોડાનો ઓર્ડર મળ્યો હતો. અને પેલો અલઝૈદી ફેમસ થઇ ગયો તે નફામાં. જો કે એક વર્ષની જેલની સજા ભોગવી છૂટેલો અલઝૈદી પછી પેરિસ ગયો ત્યારે એક સભામાં એની સામે જોડો ફેંકાયો. ફેંકનાર મૂળ એક ઇરાકી પત્રકાર હતો અને એમ કરવા પાછળનાં કારણમાં એની પર આરોપ હતો કે અલઝૈદી સરમુખ્ત્યારશાહીનો પક્ષ લઇ રહ્યો છે. અલઝૈદીએ ઘટના પછી કહ્યું કે આ તો વિરોધ દર્શાવવાની મારી ‘ટેકનિક’ની ચોરી છે. લો બોલો ! જોડા ફેંકવાનાં કે કાંઇ કોપીરાઇટ કે ટ્રેડમાર્ક હોય ?

આજે આપણે ત્યાં વિરોધ પ્રદર્શનનાં ભાગ રૂપે રાજકારણીનાં પૂતળાંદહનનાં કાર્યક્રમો થાય છે. પણ વિદેશમાં ન ગમતા નેતાઓનાં પોસ્ટર પર સામુહિક રીતે જોડા ફેંકવાનાં કાર્યક્રમો યોજાય છે. બુશની સામે, આઇ મીન, બુશનાં પોસ્ટર સામે સામે એકલા ઇરાકમાં જ નહીં, કેનેડાનાં મોન્ટ્રિઅલમાં પણ મૂળ ઇરાક નિવાસીઓએ જોડા ફેંકવાનો કાર્યક્રમ કર્યો હતો. આપણાં દેશનાં વિરોધ પક્ષોને હજી આની ખબર હોય તેમ લાગતું નથી. નહીં તો લોકશાહીમાં બે ટંક ભોજનની કોઇ ગેરંટી નથી પણ કોઇ પણ નાગરિકને ન ગમતા નેતાનાં પોસ્ટર પર જોડા ફેંકવાનાં અધિકારની ગેરંટીમાં ખાસ વાંધા જેવું ન હોઇ શકે.

અમેરિકા અને કેનેડામાં ગ્રામ્ય પરિવેશમાં બે જોડાની દોરી એક બીજા સાથે બાંધી ઇલેક્ટ્રિકનાં તાર અથવા તો ઝાડ પર ટીંગાડી દેવાનો રિવાજ છે. આવા ઘણાં જોડાની કલાકૃતિ બને એને શૂફિટી(શૂ+ગ્રાફિટી) કહે છે. ઝાડ પર લટકેલા જોડાને શૂ ટ્રી કહે છે. સૈનિકો પણ સેનામાંથી રીટાયર થાય ત્યારે મિલિટરી કેમ્પની બહાર પોતાના જોડાને પીળા અથવા નારંગી રંગે રંગીને ઓવરહેડ વાયર પર લટકાવે છે. જોડા લટકાવવાનું કારણ અલગ અલગ હોઇ શકે. કોઇ કહે છે કે આ દાદાગીરીનો પ્રકાર છે, કોઇનાં જોડા ચોરી એવી જગ્યાએ લટકાવી દેવા કે દેખાય પણ લઇ ન શકાય. એવું પણ મનાય છે કે લટકાવેલાં જોડા તે જગ્યા પર કોકેઇન જેવા નશીલા ડ્રગ્સની ઉપલબ્ધતા દર્શાવે છે. કોઇ ભૂતથી બચવા બૂટ લટકાવે છે. જોડા લટકાવ્યા હોય તો અડોશપડોશમાંથી કોઇ ઘર ખાલી કરીને પૉશ વિસ્તારમાં રહેવા જઇ રહ્યાનું સુચક છે, એવું પણ મનાય છે. ન્યૂઝીલેંડ તેમજ પૂર્વ યુરોપનાં કેટલાંક દેશોમાં ગમબૂટને કોઇ કેટલી દૂર ફેંકી શકે તેવી સ્પોર્ટસ રમાય છે. જેને બૂટ થ્રોઇંગ કહે છે.

શબદ આરતી:

‘જોરસે પડે તો જૂતા, ધીરેસે પડે તો જૂતી’

-મિર્ઝા ગાલિબ (બોલચાલની હિંદી-ઉર્દૂ ભાષામાં ક્યાંક જૂતાને નરજાતિ તો ક્યાંક જૂતી એટલે કે નારીજાતિ તરીકે બોલાય છે, બેમાં શું ફેર છે? કયો વાક્યપ્રયોગ સાચો?-એવા સવાલનાં જવાબમાં..)
ઉઘાડપગા રખડતા યાદ આવે
Anonymous

In the morning, very early,
That’s the time I love to go
Barefoot where the fern grows curly
And grass if cool between each toe,
On a summer morning-O!
On a summer morning!

That is when the birds go by
Up the sunny slopes of air,
And each rose has a butterfly
Or a golden bee to wear;
And I am glad in every toe–
Such a summer morning-O!
Such a summer morning!
DSC_5320

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized