Daily Archives: મે 14, 2015

સિલ્ક ખાદી ભાઇ ભાઇ/ પરેશ વ્યાસ

૦૦૦

 

સિલ્ક ખાદી ભાઇ ભાઇ
છે રાતભર આ રેશમી વૈભવ ભીનાશનો
ઝાકળ છું ફૂલ પર અને તડકાનું શ્હેર છે                                                                                                             

 – જવાહર બક્ષી

વર્ષો પહેલાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વેપાર અને સંસ્કૃતિનું આદાન પ્રદાનનો માર્ગ ચીનમાં થઇને જતો હતો. રેશમનો વ્યાપાર મુખ્ય હતો એટલે આ રસ્તો સિલ્ક રૂટ કહેવાતો. આ રસ્તે કેટલાં ય વેપારીઓ, સૈનિકો, સાધુઓ, યાત્રીઓ, વિચરતી જાતિનાં લોકો મુસાફરી કરતા હતા. આ રેશમી રસ્તે હવે નરેન્દ્ર મોદી ચીન જઇ રહ્યા છે. સૌ પ્રથમ તેઓ ચીનનાં પ્રેસિડન્ટ શી જિનપિંગનાં માદરેવતન શિયાન જશે. આ એ પૌરાણિક નગર છે જ્યાંથી વર્ષો પહેલા સાતમી સદીમાં બૌદ્ધ સાધુ અને વિચારક હ્યુ એન સંગ ભારત આવ્યા હતા. શિયાન નગર જે તે સમયે વેપાર વિનિમયનાં માર્ગ પરનું અગત્યનું કેન્દ્ર હતુ. ભારત ચીન સંબંધો આમ જુઓ તો રેશમ જેવા સુંવાળા નથી. ચીનાઓ પોતાની હદને વધારવાની માનસિકતા ધરાવે છે. ચીનની ઘૂસણખોરી નામચીન છે. આપણે કૈલાસ માનસરોવર જવા માટે ચીનાઓની રજાચિઠ્ઠી લેવી પડે છે. પણ ચીનાઓને બિઝનેસ કરવો છે. ભારતમાં ચીની માલને પધરાવવો છે. એટલે નમો વાસ્તે તેઓ રેશમી લાલ જાજમ બિછાવે એ અપેક્ષિત છે. પણ આ તો માત્ર રાતભરનાં રેશમી વૈભવની ભીનાશ છે. નમો પાછા ફરે ત્યારે ફૂલ પરનું વાટાઘાટનું ઝાકળ સરહદી તડકાનાં શ્હેરનાં નામશેષ થઇ જાય તો નવાઇ નથી. આમ પણ ચીનને એવી ટેવ છે.

આપને યાદ હશે કે ગત સપ્ટેમ્બરમાં ચીની પ્રેસિડન્ટ જિનપિંગ અમદાવાદ આવ્યા હતા. તેઓએ સાબરમતીનાં તટ પર વિહાર કર્યો હતો અને સાબરમતી આશ્રમમાં ચરખો કાંત્યો હતો. પણ તેઓ જેવા પાછા ગયા કે તરત જ લદાખ સરહદે ચીની સૈનિકો ભારતમાં ઘુસી આવ્યા હતા. માટે આ બધું અઘરું તો છે. પણ આપણે આશા રાખીએ કે એમની વાટાઘાટો સ્મૂધ એઝ સિલ્ક(Smooth as Silk) રહે.

આજે શબદ કીર્તનમાં સિલ્ક અને એની સાથે જોડાયેલા મહાવરા વિષે વાત કરવી છે. સિલ્ક એટલે રેશમ અને રેશમ તો લીસું હોય, સુંવાળું હોય. ખાદી જેવું ખરબચડું નહીં. ‘ફ્રી ડિક્સનરી’ અનુસાર એક મહાવરા તરીકે ‘સ્મૂધ એઝ સિલ્ક’ની વ્યાખ્યા કંઇક આવી છે. કોઇ પણ બે વ્યક્તિઓ, સંસ્થાઓ કે દેશો વચ્ચે તડજોડ કે કરાર કરવા માટે વાટાઘાટ તો કરવી પડે. આમ તો અઘરું કામ. કેટલાં ય પરિબળો કામ કરતા હોય. લેતી દેતીમાં ઘણી વાર લેતી કરતા દેતી વધી જાય. પણ આવી કોઇ વાટાઘાટમાં કોઇ ખાસ અંતરાય ન આવે, નડતર નડે નહીં તો એવી વાતચીત સ્મૂધ-એઝ-સિલ્ક રહી એમ કહેવાય. હવે નમો-જિનપિંગની મુલાકાત સ્મૂધ એઝ સિલ્ક રહી કે પછી રફ એઝ ખાદી રહી, એ તો સમય જ બતાવશે.

૦૦૦૦

સિલ્કની શોધ ચીનમાં થઇ. ઇ.સ. પૂર્વે 27મી સદીમાં ચીનની રાણી લી ઝુ બપોરે બગીચામાં બેસીને ચા પીતા હતા ત્યાં એમની ચામાં રેશમનો કીડો પડ્યો. ચાની ગરમી એટલી કે એમાંથી રેશમનાં તાર છૂટા પડતા ગયા જે આખા બગીચામાં પથરાય એટલા લાંબા હતા. રાણીએ જોયું કે અંદર રેશમનો કોશેટો છે અને રેશમનાં તારનો એ જ સૂત્રધાર છે. રાણીએ રાજાને વાત કરી અને રાજાએ શેતૂરનો બગીચો રાણીને ભેટ આપ્યો. રાણીએ ત્યાં રેશમનાં કીડાને વસાવ્યા અને પછી રેશમી વસ્ત્રોની ચીનની મોનોપોલી શરૂ થઇ. સિલ્ક રૂટ મારફત જ્યારે આ રેશમી વસ્ત્રો રોમન સામ્રાજ્ય પહોંચ્યા ત્યારે રોમન લોકો એની પાછળ ગાંડા થયા. રેશમ તો સોનાનાં ભાવે વેચાતુ. રેશમ એ લક્ઝરીનો પર્યાય બની ગયુ હતુ. રોમન સ્ત્રીઓનાં રેશમ પાછળનાં ગાંડપણની સામે તે સમયનાં સરસેનાપતિ, લેખક અને વિચારક પ્લિની ધ એલ્ડરે ચેતવણી આપતા કહ્યું હતુ કે ચીની રેશમની આયાત સામે દર વર્ષે દસ કરોડ સેસ્ટર્સ(રોમન ચલણી મુદ્રા) ચીન જતી રહે છે. આ બંધ થવું જોઇએ. અન્ય વિચારક સેનેકાએ કહ્યું’તુ કે આ તે કેવા વસ્ત્રો છે જે પારદર્શક છે. સ્ત્રીઓની માનમર્યાદાને ઢાંકતા નથી. એને વસ્ત્રો કહેવાય જ કેમ? રોમન સેનેટે તો ઢંઢેરો પીટાવ્યો હતો કે ચીની રેશમી વસ્ત્રો અનૈતિક પણ છે અને રોમને આર્થિક પાયમાલી તરફ લઇ જનારા છે એટલે કોઇ પણ રોમન સ્ત્રીઓએ ચીની રેશમ પહેરવું નહીં. પણ રોમન સ્ત્રીઓ માની નહીં અને ચીનને સિલ્કનાં વ્યાપારમાં જબરજસ્ત ફાયદો થતો રહ્યો.

નમોની ચીન યાત્રાથી બે દેશ વચ્ચે વ્યાપાર ધંધાની વાત ધમધમતી થઇ છે. આપણે ત્યાં લાઇટ બલ્બ, વજન કાંટા, થર્મોમીટર, સેટ ટોપ બોક્સ, મોબાઇલ ફોન, પાવર એડોપ્ટર, અરે, ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિઓ પણ ચીનથી આવે છે. આ માલ સસ્તો છે. તકલાદી છે. પણ ભારતનાં ગ્રાહકો પેલી રોમન સ્ત્રીઓની માફક ખરીદે જાય છે. આપણાં લઘુ ઉદ્યોગોને માટે ભારે મુશ્કેલી છે. જો ચીનનાં માલ પર ખાસ છૂટછાટ આપવામાં આવે તો સૌરાષ્ટ્રનાં સિરામિક ઉદ્યોગ, ડીઝલ એન્જીન વગેરે ચાઇનીઝ ઝીંક ઝાલી શકે તેમ નથી. અમને ચોક્ક્સ ખાત્રી છે કે નમો વેપારધંધાનાં આ સિલ્ક રૂટથી વાકેફ છે. વેપાર એવો હોવો જોઇએ કે જેમાં ફાયદો બરાબરનો હોય. નમો આ વાત જાણે છે. અને એ પણ જાણે છે કે બીજા ઘણાં મુદ્દા છે જે વાતચીતથી હલ થઇ શકે. આપણે તો હમણાં હમણાં કહેતા થયા છીએ કે મેઇક ઇન ઇન્ડિયા. ચીન તો મેઇક ઇન ચાયના માટે જાણીતું છે. ચીન   ફેક્ટરીઝ-ટૂ-ધ-વર્લ્ડ કહેવાય છે. હવે નમો જે કરે તે પણ…. આપણાં ભડવીર ભારતવાસીઓ સાથે મળીને નક્કી કરે કે ચીનનાં માલનો બહિષ્કાર કરવો છે તો સૌ સારા વાના થશે. રોમન સ્ત્રીઓ ચાઇનીઝ રેશમી વસ્ત્રોની લાલચ જતી નહોતી કરી શકી. પણ આપણે શાણપણ દાખવીએ. ખાદી આપણું જબરજસ્ત હથિયાર છે. ‘ચીની કમ’ આપણું સૂત્ર હોય તો સઘળું સ્મૂધ એઝ સિલ્ક થઇ જાય.  થોભો અને રાહ જુઓ.

IC

શબદ આરતી:સમય અને ધીરજ હોય તો શેતૂરનાં પાંદડા સિલ્કનું ગાઉન બની જાય. –ચીની કહેવત.

સૌજન્ય ઉત્તમ ગજ્જર

+GM-DR.Shashikant Shah-2015-04-15

DB-Madhu Rye-2015-05-13(1)

GM-DP-Harnish Jani-2015-05-13 (1)

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, રમુજ