Daily Archives: એપ્રિલ 21, 2016

ડિસ્ટોપિઆ: રાવણરાજ / પરેશ પ્ર વ્યાસ

0000000

ડિસ્ટોપિઆ: રાવણરાજ

ધરતી – ખૂબ સુંદર કિતાબ
ચાંદસૂરજના પૂંઠાંવાળી
પણ હે ખુદા આ દુઃખ, ભૂખ, ભય અને ગુલામી
આ તારી ઈબારત છે ?
કે છાપભૂલો ?                                                                                                                       (ઈબારત: બોલવાની કે લખવાની ચોક્ક્સ પ્રકારની પદ્ધતિ કે છટા, શૈલી)                            અમૃતા પ્રીતમ (અનુ. કલ્લોલિની હઝરત)

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાનાં પ્રેસિડન્ટ બને તો શું થાય? ‘બોસ્ટન ગ્લોબ’ અખબારે પોતાની કાલ્પનિક ભાવિ આવૃત્તિ બહાર પાડી. તારીખ 9 એપ્રિલ, 2017. મુખ્ય હેડલાઇન: ડીપોર્ટેશન (દેશપારી) શરૂ. વણથંભ્યા રમખાણો. ઘણાં શહેરોમાં કરફ્યુ લંબાવાયો. બીજી હેડલાઇન : વ્યાપારિક આંતર વિગ્રહનાં ઓછાયામાં બજાર તૂટી. ત્રીજા સમાચાર: ઇસ્લામિક સંગઠન(આઇએસઆઇએસ)નાં કુંટુંબીજનોને મારી નાંખવાનાં સરકારી આદેશને અમેરિકી સેનાએ ઠુકરાવ્યો. અન્ય સમાચાર: નિરંકુશ પત્રકારિત્વને નિશાન બનાવતો નવો બદનક્ષીનો કાયદો અમલમાં. અન્ય સમાચાર: ચીન સાથે રાજનૈતિક કટોકટી. ટ્રમ્પે ચીનની ફર્સ્ટ લેડીનાં નામ પરથી પોતાની પાળેલી કૂતરીનાં બચ્ચાનું નામ ‘લેડી શેર-પી’ રાખતા ડિપ્લોમેટિક વિવાદ. અને હા, ડાબે ખૂણે નીચે એક નાનકડા સમાચાર: 2017નાં શાંતિ માટેનાં નોબેલ પારિતોષિકનાં મૂરતિયાઓનાં શોર્ટ લિસ્ટ માટે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ચર્ચામાં. એમની સિદ્ધિ? 1385 વર્ષથી આપસમાં લડતા શિયા અને સુન્નીને એક કર્યા ! આ વ્યંગ હતો ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યપદ્ધતિ પર.               ડોનાલ્ડ ટ્રમ્પે આ સમાચારને સ્ટુપિડ ગણાવતા કહ્યું કે ‘આ તો મનઘડંત એટલે કે ઉપજાવી કાઢેલા સમાચાર છે; બોસ્ટન ગ્લોબ અખબાર માટે એ કાંઇ નવું નથી કારણ કે આખુ અખબાર આવા મનઘડંત સમાચાર જ છાપે છે.’ લેટ અસ મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન સૂત્ર  સાથે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી રીપબ્લિકન પાર્ટીની ટિકિટ મેળવવા કમર કસી છે ત્યારથી એમની નીતિરીતિ ‘ડિસ્ટોપિક’ છે, એવી ટીકા થતી આવે છે. શું છે એ ડિસ્ટોપિયા(Dystopia)?

ડિસ્ટોપિયા શબ્દ સમજતા પહેલાં યૂટોપિઆ(Utopia) શબ્દ સમજવો પડે. ગુજરાતી લેક્સિકોન અનુસાર એનો અર્થ થાય છે: જ્યાં સંપૂર્ણ કે આદર્શ સમાજવ્યવસ્થા પ્રવર્તે છે, એવો એક કાલ્પનિક ટાપુ, કાલ્પનિક રામરાજ્ય. આદર્શલોક. મૂળ ગ્રીક શબ્દ ઓયુ(Ou) + ટોપસ(Topas). યુ એટલે ‘નહીં’ અને ટોપસ એટલે  ‘પ્રદેશ’. ઓયુ જેવા જ ઉચ્ચારનો શબ્દ છે ઇયુ(Eu) જેનો અર્થ થાય છે ‘સારું’. જો બન્ને અર્થ સાથે લઇને કહીએ તો એવો સારો કે આદર્શ પ્રદેશ છે, જે છે જ નહીં ! બ્રિટિશ સામાજિક ફિલસૂફ અને લેખક સર થોમસ મોર(1478-1535)એ આટલાન્ટિક સમુદ્રમાં આવેલા એક કાલ્પનિક આદર્શ દ્વીપની કલ્પના સાથે લખેલી પોતાની નવલકથાનું શીર્ષક યૂટોપિઆ આપ્યું હતુ. યૂટોપિયા જ્યાં બધુ જ પરફેક્ટ હોય. સરકાર પરફેક્ટ, કાયદા પરફેક્ટ, સામાજિક રીતિરિવાજ પરફેક્ટ. લોકો પરફેક્ટ. જ્યાં ધર્મ, જાતિની વાડાબંધી ન હોય. અમીર ગરીબનો ભેદભાવ ન હોય. લોકો સર્વાંગ સુખી હોય. રામરાજની કલ્પના. રામ જેવું પરફેક્ટ કેરેક્ટર દુનિયાભરનાં કોઇ ગ્રંથોમાં નથી. રામ પરફેક્ટ પુત્ર, પરફેક્ટ પતિ, પરફેક્ટ ભાઇ, પરફેક્ટ યોદ્ધા, પરફેક્ટ રાજા હતા. બસ એવું જ રામરાજ્ય એટલે યૂટોપિઆ. યૂટોપિઆનાં સમાનાર્થી શબ્દો છે: પેરેડાઇઝ, શાં-ગ્રીલા, ઇડન ગાર્ડન, નિર્વાણા. પણ વાસ્તવમાં જોઇએ તો આવું સ્વર્ગલોક ક્યાં હોય જ છે? એટલે વિરોધાર્થી શબ્દ બન્યો ડિસ્ટોપિઆ. ગ્રીક શબ્દ ડિસ્ટ(Dys) એટલે ‘ખરાબ’. ખરાબ પ્રદેશ એટલે ડિસ્ટોપિઆ. સને 1868માં બ્રિટિશ સંસદમાં બ્રિટનની આઇરીશ નીતિની ટીકા કરતા સાંસદ જોહ્ન સ્ટુઅર્ટ મીલે પહેલી વાર યૂટોપિઆનાં વિરોધાર્થી શબ્દ તરીકે ડિસ્ટોપિઆ શબ્દ પ્રયોજ્યો; જે કાળક્રમે શબ્દકોશમાં શામેલ થયો. ડિસ્ટોપિઆ એટલે જ્યાં માનવીય મૂલ્યો નહીંવત હોય, એકહથ્થૂ શાસન હોય, પર્યાવરણ પ્રત્યે દૂર્લક્ષ્ય સેવાતુ હોય, હિંસા સરેઆમ હોય અને ટેકનોલોજીનો ઉપયોગ કોઇને નુકસાન કરવામાં થાય. હાનિ, જુલમ અને આતંકવાદ સર્વમાન્ય, સર્વસામાન્ય. શક્ય હોય એવી બધી જ ખરાબી જ્યાં એક સાથે એકઠી થઇ હોય એ ડિસ્ટોપિઆ. ટૂંકમાં… રાવણરાજ.

અમેરિકાને ફરીથી ગ્રેટ બનાવવાનો ઝંડો લઇને નીકળેલા ટ્રમ્પ કહે છે કે એ પોતે જો પ્રેસિડન્ટ હોય તો પારિસ, બ્રસેલ્સ જેવા આંતકી હુમલા નહીં થાય. મેક્સિકોથી ગેરકાયદેસર થતી ઘૂસણખોરી બંધ થશે. દરેક અમેરિકી નાગરિકને નોકરી રોજગાર મળશે. આ માટે ક્યાંક કડક થવું પડે, અણગમતા પગલા લેવા પડે તો લેવા પડે પણ પીછેહટ કરવાની નથી. ટ્રમ્પ પરંપરાગત રાજકારણી નથી. એ ઉદ્દામવાદી છે. એ પ્રેસિડન્ટ બનશે તો… અમેરિકા ગ્રેટ(મહાન) બનશે? કે એને પ્રેસિડન્ટ બનાવીને અમેરિકી પ્રજા રીગ્રેટ(પસ્તાવો) કરશે?- એ તો સમય જ બતાવાશે.

આજકાલ ડેન્માર્ક દેશ રહેવા માટે શ્રેષ્ઠ ગણાય છે. ડેન્માર્કને આપણે લગભગ યૂટોપિઅન દેશ ગણી શકીએ. તેની સામે સીરિયા કદાચ સૌથી વધારે ડિસ્ટોપિઅન દેશ છે. અને ભારત? આપણે નથી યૂટોપિઅન, નથી ડિસ્ટોપિઅન. આપણે બસ ઇન્ડિયન છીએ. અહીં આઝાદ ભારતમાં પણ હમે ચાહીએ આઝાદી-ની નારેબાજી થાય છે. ‘ભારત માતાકી જય’ બોલવામાં પણ કોકકોકનો વાંધો છે. અને પછી વ્યર્થ નિવેદનબાજીનું અહિંસક યુદ્ધ ફાટી નીકળે છે. અહીં ફતવો જારી કરવા કારણ શોધવા પડતા નથી. કલકત્તામાં પૂલ પડી જાય તો એને એક્ટ ઓફ ગોડ(આસમાની-સુલતાની) ગણીને આપણે સંતોષ માનીએ છીએ. કોલ્લમ મંદિરની ઉજવણીની આગમાં સેંકડો મરી જાય ત્યારે લાગે છે કે આસ્થા કાયદાથી પર છે અથવા ઉપર છે.  આઇપીએલની મેચમાં ભીનીછમ લૉન વચ્ચે પીચ પર ઊભા રહીને ક્રિસ ગેઇલ છગ્ગો મારે ત્યારે મને હંમેશા લાગે છે કે દડો ક્યાંક વાદળમાં સાથે અફળાય અને લાતૂરમાં વરસાદ વરસે તો કેવું? શદાબ લાહોરીની જગજીત સિંઘે ગાયેલી ગઝલનો શે’ર છે: ये मेरे ख्वाबों की दुनिया नही सही लेकिन;  अब गया हूँ तो दो दिन क़याम करता चलूं….

 શબ્દ શેષ:

“2025માં પ્રેસિડન્સીની દોડમાં સારા માણસો નહીં હોય, સારા માણસો તો પોતાનો જીવ બચાવવા દોડતા હશે.”  – ડિસ્ટોપિઅન અમેરિકાનાં ભવિષ્યની કલ્પના કરતી નવલકથા ‘રનીંગ મેન’ માં લેખક સ્ટીફન કિંગ.

3 ટિપ્પણીઓ

Filed under પ્રકીર્ણ, સમાચાર