Daily Archives: એપ્રિલ 8, 2016

સીકોફન્ટ: ખેર ! ચમચા અને ચાહકમાં ફેર હોય છે./પરેશ પ્ર વ્યાસ

New Delhi: President Pranab Mukherjee presents Padma Bhushan to Actor Anupam Kher at Padma Awards 2016 function at Rashtrapati Bhavan in New Delhi on Monday. PTI Photo by Subhav Shukla(PTI3_28_2016_000095A)

New Delhi: President Pranab Mukherjee presents Padma Bhushan to Actor Anupam Kher at Padma Awards 2016 function at Rashtrapati Bhavan in New Delhi on Monday. PTI Photo by Subhav Shukla

સીકોફન્ટ:  ખેર ! ચમચા અને ચાહકમાં ફેર હોય છે.

છુરી બન, કાંટા બન ઓ માય સન                                                                                                            સબ કુછ બન કિસીકા ચમચા નહીં બન                                                                                                        –રાજા મહેંદી અલી ખાન; ફિલ્મ: જાલી નોટ(1960)

અનુપમ ખેરને પદ્મભૂષણ એવોર્ડ એનાયત થયો. અનુપમ ખેરે કહ્યું’તુ  કે ‘કોઇની બાલદી હોવા કરતા, મોદીનાં ચમચા હોવું સારું.’ જોરસે કહો હમ ચમચે હૈ. ગૌરસે કહો હમ ચમચે હૈ. મોદીનાં ચમચા હોવાનું એમને ગૌરવ છે.  એમણે તો એમ પણ કહ્યું’તુ કે તેઓ દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચનનાં પણ ચમચા છે. મને લાગે છે કે અનુપમ કહેવા જતા હશે કે પોતે નરેન્દ્ર મોદી, દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચનનાં ચાહક છે પણ ‘આપકી અદાલત’માં રજત શર્માએ પ્રશ્ન પૂછ્યો અને એઁમણે સ્વીકારી લીધું કે તેઓ ચમચા છે. ખેર, જે હોય તે…… પણ ચાહક અને ચમચા વચ્ચે ફેર જરૂર હોય છે.

ઇંગ્લિશ ભાષામાં ચમચા માટે ઘણાં શબ્દો છે. એપલ-પોલિશર એટલે ઘસી ઘસીને ચમકીલું સફરજન પેશ કરનાર. લિકસ્પિટલ (અન્યનાં થૂંકનો ચાટનાર) કે બૂટલિકર (અન્યનાં બૂટનો ચાટનાર) એવા શબ્દો પણ છે. ડોરમેટ અર્થાંત પગલુછણિયું એવો પણ એક અન્ય સમાનાર્થી શબ્દ છે. એક શબ્દ ટોડી પણ છે જે ટોડ એટલે કે દેડકાં પરથી આવ્યો છે. કોક શક્તિશાળી વ્યક્તિની ખુશામતીમાં ડ્રાઉં ડ્રાઉં કરે એ ટોડી. થોડા મહિના પહેલાં ઇન્ટોલરન્સનાં મુદ્દે વીતેલા વર્ષોનાં સાહિત્યકારોને પોતાનાં એવોર્ડ પાછા આપીને વિરોધ દર્શાવવાનો ચસકો લાગ્યો હતો. તો ઘણાં લોકોએ આ રીતે વિરોધની પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો. ભારતીય મૂળનાં વિવાદાસ્પદ અંગ્રેજ લેખક સલમાન રુશદીએ આવા એવોર્ડ વાપસીનો વિરોધ કરનારાઓને ટ્વિટર પર ‘મોદી ટોડી’ તરીકે નવાજ્યા હતા. જો કે એ સંદર્ભે, એવોર્ડ વાપસીનો જે વિરોધ કરે એ બધા મોદીનાં ચમચા છે, એમ કહેવાની રુશદીની વાત  સદંતર ખોટી હતી. રુશદીનું વિવાદાસ્પદ પુસ્તક ‘સેતાનિક વર્સિસ’માં તો સલાઉદ્દીન ચમચા નામનું એક પાત્ર છે. અને મઝાની વાત તો એ છે કે મુખ્ય પાત્ર ફરિશ્તા છેલ્લે મરી જાય છે અને ચમચો જ  જીવી જાય છે. ચમચા ઇઝ ફોર એવર, યુ સી !

ઇંગ્લિશ અર્બન ડિક્સનરીમાં ‘ચમચો’ શબ્દ છે, જે હિંદી શબ્દ પરથી આવ્યો હોવાની ડિક્સનરીમાં નોંધ છે. ચમચો એટલે એવો માણસ કે જેનું પોતાનું કોઇ વ્યક્તિવ કે વિચારસરણી નથી. ચમચો પૈસાદાર કે સત્તાધીશોની વિચારસરણી સાથે તાદાત્મ્ય ધરાવે છે એવું પણ નથી. એ તો માત્ર એમનું કહેલું જ પોપટની માફક પઢે છે.  બુદ્ધિજીવીઓની સંગત ચમચાને પસંદ નથી. ચમચાને પોતાને અહમ હોતો નથી. ચમચો તકવાદી હોય છે. ચમચો આંજ્ઞાકિત હોય છે. ચમચો તમારો સાચો ટેકેદાર નથી. એ માત્ર સુગર કોટેડ જુઠાણા જ બયાન કરે છે. કાનને ગમે પણ એ વાત સાચી ન હોય. ચમચા તમને સાચી પરિસ્થિતિ જણાવતા નથી. યુ સી ! ચાહક અને ચમચા વચ્ચે ફેર હોય છે.

છતાં ચમચા વિષે વાત નીકળી જ છે તો રાજકારણમાં ચમચા વિષે એક રસપ્રદ શબ્દ છે સીકોફન્ટ (Sycophant). મૂળ ગ્રીક શબ્દ સીકોફન્ટસ. સીકોન એટલે ફિગ(અંજીર). બીજો અર્થ યોનિ. ફંટસ એટલે બતાવવું. પ્રાચીન ગ્રીસમાં ‘ફિગ સાઇન’ એટલે કે દાંડી સાથેનાં અંજીરની માફક હાથની બે આંગળીઓની વચમાં અંગુઠાને ઘુસાડીને, કોઇની સામે સુચક ઇશારા કરવા તે. આ ફિગ સાઇન દેખીતી રીતે હલકટ, બીભિત્સ કે ગંદી નિશાની ગણાતી. ગ્રીસનાં પ્રથમ કોટિનાં નામાંકિત રાજકારણીઓ પોતે આવી ઉશ્કેરણીજનક નિશાની જાહેરમાં કરવાનું ટાળતા. પણ ખાનગીમાં એનાં ટેકેદારોને કહેતા કે વિરોધીઓને ટોણો મારવા, એમની ટીકા કરવા માટે તેમની  સામે આવી ફિગ સાઇન એટલે કે બે આંગળીઓ વચ્ચેનો અંગુઠોવાળી સીકોફન્સી જરૂર કરવી. પ્રતિભાશાળી રાજકારણીઓનાં ખુશામતિયા ચમચાઓ પછી હોંશે હોંશે આવી હરકત જરૂર કરતા. આવી હરકત પરથી ઇંગ્લિશ ભાષામાં શબ્દ આવ્યો સીકોફન્ટ; જેનો અર્થ થાય એવો માણસ, જેને પોતાનું સ્વમાન ન હોય, જે માત્ર હા જી હા કર્યા કરે,  ખુશામત કર્યા કરે. મને નથી લાગતું કે અનુપમ ખેરે જ્યારે સ્વીકાર્યું કે તેઓ પોતે મોદીનાં ચમચા છે ત્યારે એમને ચમચા કે સીકોફન્ટનાં અર્થ વિષે કાંઇ ખબર હોય. શબ્દ માટે કહેવાય છે કે તોલ મોલ કે બોલ. વિચારી સમજીને બોલવું, આવેગમાં કંઇ કહેવું નહીં. ભાવુક થઇને આપકી અદાલતમાં કોઇ વાતનો સ્વીકાર કરવો નહીં. નહીંતર અર્થનાં અનર્થ થઇ જાય. કારણ… ચાહક અને ચમચામાં ફેર છે !  

જ્યોર્જ ઓરવેલે 1945માં લખેલી નવલકથા ‘એનિમલ ફાર્મ’ આમ તો રશિયાનાં સામ્યવાદ ઉપર કટાક્ષ હતો. એક એનિમલ ફાર્મમાંથી માલિકને તગેડીને જાનવરો આઝાદ થાય છે. બધા હવે એક સરખા છે. પણ કેટલાંક બીજાની સાપેક્ષ વધારે સરખા છે. એનિમલ ફાર્મનો સરમુખત્યાર નેપોલિયન નામનો જંગલી ભૂંડ છે. એનો પ્રોપેગન્ડા (ભ્રામક માહિતી) મિનિસ્ટર તરીકે સ્કીલર નામનો ગુલાબી ડુક્કર છે. રશિયાનાં સરમુખત્યાર સ્ટાલિનનાં ચમચા મોલોતોવને ધ્યાનમાં રાખીને આ પાત્ર સર્જાયુ હતુ. નેપોલિયન આમ બોલે ઓછું પણ એક વાર નક્કી કરે એટલે કરીને જ જંપે. અને નેપોલિયન જે કરે એને એનો ચમચો નામે સ્કીલર ઉચિત કે ન્યાયસંગત ઠેરવે. ગયા નવેમ્બર મહિનામાં લોકસભામાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ જર્મનીનાં સરમુખત્યાર એડોલ્ફ હિટલરનો ઉલ્લેખ કર્યો હતો. એનો ખાસ માણસ (ચમચો) હતો રુડોલ્ફ રોસ. રોસે પોતાનાં સંભાષણમાં કહ્યું હતુ કે હિટલર એ જર્મની છે અને જર્મની એ હિટલર છે. પછી અરુણ જેટલીએ ભારતની ઇમરજન્સી કાળની વાતને સાંકળતા કહ્યું કે તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ દેવકાંત બરુઆનો ઉલ્લેખ કર્યો જેમણે કહ્યું’તુ કે ‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા’. આમ જુઓ તો સ્કીલર, મોલોતોવ, રોસ અને બરુઆ; જે તે સમયનાં શાસકોનાં સીકોફન્ટ એટલે કે ચમચા હતા. અમને લાગે છે કે અનુપમ ખેર પોતાની જાતને ચમચા કહીને થાપ ખાઇ ગયા છે. કારણ કે ચમચા અને ચાહકમાં ફેર હોય છે!

દરેક રાજાને વફાદાર તેમજ સક્ષમ વ્યક્તિનો સાથ જોઇએ જ. આવી વિશ્વાસુ વ્યક્તિને ચમચાનો દરજ્જો ન આપી શકાય. તમે હનુમાનને રામનાં ચમચા કોઇ કાળે ન કહી શકો. એ અશક્ય છે. કારણ ચમચાનું ગોત્ર જ છળ છે. ચમચો તો મૂળમાંથી જ સડેલો હોય છે. પોતાના આકા, શેઠ, સ્વામી, માલિક, નેતાનાં ખોટા વખાણ, ભ્રામક પ્રચાર અંતે પોતાનાં લાભ માટે હોય છે. એટલે જ કહું છું કે પોતાને ચમચો કહીને ખેર ખત્તા ખાઇ ગયા છે. ચમચા અને ચાહક વચ્ચે ફેર હોય છે!

પણ સાચુ કહું તો મને ચમચાનું પાત્ર ગમે છે. ફિલ્મમાં નાયક, નાયિકા અને ખલનાયક જ હોય તો ખાસ મઝા આવે નહીં. ક્યાંક વિદૂષક પણ જોઇએ. ચમચો સતત હલાવતો રહે. ચમચો ન હોય તો બધુ એકરસ ન થાય. તપેલી તાપણે ચઢી હોય તો દાળ બળી પણ જાય. ચમચાનું મહત્વ આમ જુઓ તો ઘણું. પણ એ નક્કી કે ચમચા અને ચાહક વચ્ચે ફેર જરૂર છે!

શબ્દ શેષ:

‘સિકોફન્સી દુનિયાનાં સૌથી જુના ધંધા પૈકીનો એક છે.’                                                                      – ખ્યાતનામ લેખક આર. કે નારાયણનાં નિબંધ સંગ્રહ ‘ રાઇટર્સ નાઇટમેર’ માંથી

૦૦૦૦ ૦૦૦ ૦૦

 

 

 

 

॥जय माता दी॥ 
 Inline image
 
नवरात्री” की ढेर सारी शुभकामनाए, माता आप  
सभी की मनोकामनाएँ पूर्ण करे। 

1 ટીકા

Filed under Uncategorized