Daily Archives: જુલાઇ 19, 2019

એ સમય ચાલી ગયો યામિની વ્યાસ

તું કહે ‘જા’ ને હું જાઉં, એ સમય ચાલી ગયો
આવ બોલે ને હું આવું,એ સમય ચાલી ગયો

આત્મસંશોધન કરું, સર્જન કરું,તપ જપ કરું
પણ તને ફૂલો ચઢાવું, એ સમય ચાલી ગયો

પ્રશ્ન તો એ છે જ નહીં કે બેસૂરા રહેવું છતાં
આજ્ઞાની વીણા વગાડું, એ સમય ચાલી ગયો

ક્ષણમાં ઉગાડું વસંતો,નાખી જોજે રણ મહીં
પણ તું ચીંધે તેમ વાવું, એ સમય ચાલી ગયો

સાથ આપું, હાથ આપું, લાગણી છે તે છતાં
તું નચાવે એમ નાચું, એ સમય ચાલી ગયો

આંખ છે, શિક્ષણ છે, દૃષ્ટિ છે અને કેન્દ્રિત છે
કોઈ વંચાવે તે વાંચું, એ સમય ચાલી ગયો

યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized