મેલા રૂઝ લાલ હોઠ લાલી ગાલ -પરેશ વ્યાસ

– જેઓ માટે જીવન એક ઉત્સવ છે, તેઓ માટે ગાલ પર લાલાશ સાથે લાગણીનું ઊભરી આવવું કુદરતી છે.

ફૂલનો વિપુલ બહુ ફાલ ગમે,

વગડે છંટાતો રંગ લાલ ગમે.                                                                                            

કેસૂડાએ કસુંબલ ક્રાન્તિ કરી,

ખાખરાનો મિજાજ જહાલ ગમે.                                                                                           

ફૂલની સવારી પાલખીએ ચઢી,

કેસૂડાની કેસરી મશાલ ગમે.                                                                                                       

– ભગવતીકુમાર શર્મા

કુ દરતમાં લાલ રંગ વેરાતો હોય, ફૂલનો વિપુલ ફાલ હોય, ફૂલની સવારી પાલખીએ ચઢી હોય એ ક્રાંતિનાં સાક્ષી બનવા મને કોઈ આમંત્રણની જરૂર નથી. બસ, બહાર કુદરતનાં ખોળે નીકળી પડવાની જરૂર છે. પણ અંબાણી પરિવારનાં લગ્નપૂર્વેત્સવમાં મને આમંત્રણ મળે એ માટે મારું સેલેબ્રિટી હોવું આવશ્યક છે. હું નથી. પણ થાય સરખામણી તો કુદરતનો જાજરમાન રંગ વૈભવ, કોઈ પણ ધનિકની કૃત્રિમ રંગસજ્જાની સરખામણીમાં અનેકગણો મનોરમ્ય હોય છે. હા, એ સમજવાની સમજ ચોક્કસ જોઈએ. હેં ને? તમે એને મારી દ્રાક્ષ-ખાટી-વિચારસરણી પણ કહી શકો! પણ એ જવા દો. આપણે સૌએ સમાચારમાં અંબાણી લગ્નપૂર્વેત્સવને વર્ચ્યુઅલ જોયો છે. સામાન્ય રીતે લાલ રંગ કોઈ પણ ઉજવણીનો હિસ્સો  હોય છે. અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ ઉજવણીનાં ન્યૂઝમાંથી અમને આજનો શબ્દ મેલા રૂઝ મળ્યો છે. ત્રણ દિવસો પૈકી બીજા દિવસનાં સમારંભમાં દેશી વિદેશી મહેમાનોએ રંગબેરંગી દેશી વસ્ત્રો પહેર્યા, હાજરી પૂરાવી, નાચગાના, ખાનાપીના કર્યા, એ કાર્યક્રમનું નામ હતું મેલા રૂઝ (Mela Rouge). આપણે શબ્દની વાત કરીએ. 

‘મેલા’ શબ્દ આપણો શબ્દ છે. સંસ્કૃત શબ્દ ‘મેલક’ એટલે મેળાવડો, માણસોનો જમાવ, સંમિલન, સભા વગેરે. ‘મેળા’નાં મૂળમાં ‘મળવું’ એવો અર્થ છે. આપણો શબ્દ ઇંગ્લિશ ભાષાએ અપનાવ્યો. પણ આપણે જો કોઈ ઇંગ્લિશ શબ્દ બોલીએ કે લખીએ તો આપણી ડિક્સનરી સામાન્ય રીતે એને અપનાવતી નથી. આપણી ભાષા મરી રહી છે, એનું કારણ પણ કદાચ આ જ હશે. પણ એ જવા દો. અમેરિકાની પ્રતિષ્ઠિત મેરિયમ વેબ્સટર ડિક્સનરી અનુસાર ઇંગ્લિશ શબ્દ ‘મેલા’ એટલે ભારતીય ધાર્મિક ઉત્સવ કે મેળો, લોકોનું એકત્ર થવું તે. બ્રિટિશ ઓક્સફોર્ડ ડિક્સનરી અનુસાર ‘મેલા’ એટલે મનોરંજન કાર્યક્રમ, જે સામાન્ય રીતે બહાર ખુલ્લામાં આયોજિત થતો હોય છે. આપણી ઇંગ્લિશ-ગુજરાતી ડિક્સનરી ગુજરાતી લેક્સિકનમાં ઇંગ્લિશ શબ્દ ‘મેલા’ નથી. 

હવે ‘રૂઝ’ શબ્દની વાત. રૂઝનો સ્પેલિંગ ધ્યાનથી જોજો. જો બે અક્ષરો અવળસવળ લખી નાખ્યાં તો શબ્દનો ઉચ્ચાર અને અર્થ સાવ બદલાઈ જાય. રોગ (Rogue) એટલે શઠ, બદમાશ, મશ્કરો, ઠગ, લૂચ્ચો, ધૂર્ત, ગાંડો હાથી વગેરે. લેટિન શબ્દ ‘રોગારે’ એટલે ભીખ માંગવી. પણ અહીં તો ભીખારીની નહીં, રાજાની વાત છે. અહીં તો શઠ નહીં, શેઠની વાત છે. હું પણ એટલે જ રૂઝ (Rouge) શબ્દનો સ્પેલિંગ કાળજીપૂર્વક લખી રહ્યો છું. ગુજરાતી લેક્સિકન અનુસાર ‘રૂઝ’ એટલે ગાલ અને હોઠ રંગવાનું રાતું પ્રસાધન દ્રવ્ય. ટૂંકમાં, લાલી લિપસ્ટિક! શબ્દનો ઉચ્ચાર જોડણીથી જુદો છે. મૂળ લેટિન શબ્દ ‘રૂબેઅસ’ પરથી ફ્રેંચ શબ્દ રૂઝ આવ્યો છે. સુરખીદાર, તાજગીભર્યું લાલ, લાલચટક એવો અર્થ થાય. ‘મેલા રૂઝ’ની ડીઝાઇન મનિષ મલ્હોત્રાની હતી અને લાલ રંગ એનો પસંદીદા રંગ છે. મેળો હોય એટલે ચકડોળ તો હોય જ. લાલ ચટાક ફૂલોની સજાવટ અને વચ્ચે વચ્ચે સફેદ ઝુમ્મર જાણે કે પરીકથાની પૃષ્ઠભૂમિ. કલાપીની ગઝલનો શેર યાદ આવી જાય. માશૂકોનાં ગાલની લાલી મહીં લાલી અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની…. 

મનિષ મલ્હોત્રાએ આ ડીઝાઇન આઇડિયા અલબત્ત પેરિસનાં કેબરે રીસોર્ટ ‘મૂલૉન રૂઝ’ પરથી  ઊઠાવ્યો હોવો જોઈએ. ‘મૂલૉન’ એટલે પવનચક્કી અને ‘રૂઝ’ તો આપ જાણો છો. લાલ. ઓગણીસમી સદીનાં અંત ભાગમાં કવિઓ અને કલાકારોનું આ મનપસંદ સ્થાનક હતું. હાઇ એનર્જી કેબરે ડાન્સ ‘કેન કેન’નો ઉદ્ભવ અહીં થયો. મૂલૉન રૂઝ નામની ફિલ્મ પણ બની, જેમાં એક યુવા લેખક અને એક કેબરે ડાન્સરનાં રોમાન્સની વાત છે. રણવીર કપૂરની પહેલી ફિલ્મ ‘સાંવરિયા’નો સેટ પણ મૂલૉન રૂઝ પર આધારિત હતો. આજે પેરિસ શહેરમાં મૂલૉન રૂઝ નૃત્ય સંગીતનું એક જબરું પ્રવાસી આકર્ષણ છે. 

પ્રાચીન ઈજિપ્તવાસીઓ સૌંદર્ય વર્ધન માટે  રૂઝનો ઉપયોગ કરતા હતા. ચરબીને લાલ ગેરૂ સાથે મિક્સ કરીને પોતાનાં ગાલ અને હોંઠ લાલ કરતા. ગ્રીસનાં પુરુષો અને સ્ત્રીઓ રૂઝ માટે શેતૂર, લાલ બીટ, સ્ટ્રોબેરી અને ઍમરન્થ (ગુલમખબલ)ની લૂગદી બનાવતા અને ચહેરા ઉપર એની રંગસજ્જા કરતાં. આવું કરવું ઘણું મોંઘું હતું એટલે આવો મેકઅપ કરીને જે બહાર નીકળે તેઓની ગણના ધનાઢયમાં થતી.  ચાઇનીઝ રૂઝ લાલ ભૂરાં ફૂલોમાં ઢોરની ચરબી/ભૂંડનાં પેન્ક્રિઆસનું ઉમેરણ કરીને બનતી. ચીની સંસ્કૃતિમાં લાલ રંગ સદનસીબ અને ખુશીનો દ્યોતક ગણાય છે. આધુનિક રૂઝ ટેલ્કમ પાવડર, કુસુમ્બની  ફૂલપાંદડી, ગુલાબજળ અને કાર્મિન રંગ રસાયણથી બને છે. રૂઝને બ્લશ (Blush) પણ કહે છે. શરમાઈ જઈએ ત્યારે ગાલ લાલ થઈ જાય એ બ્લશ. શરમનો શેરડો! જેઓને હળવા મળવાનું ગમે છે, જેઓ માટે જીવન એક ઉત્સવ છે, તેઓ માટે ગાલ પર લાલાશ સાથે લાગણીનું ઊભરી આવવું કુદરતી છે. રૂઝ એટલે લાલ હોય છે. કુદરતી નહીં તો કૃત્રિમ રીતે પણ રૂઝ એક ખુશહાલી, એક આનંદની છબી સર્જે છે. 

ધનિકો માટે રૂઝનો મેળો આનંદ ઉત્સવ બની ગયો. બાકી સામાન્ય માણસ તમાચો મારીને ગાલ લાલ રાખે છે. ઘણાં એવા ય છે જે દુ:ખી છે. જુઓને, રાહુલ ગાંધીને પેટમાં દુ:ખ્યું. તેઓ બોલ્યાં કે કિસાન આંદોલન, બેરોજગારી, ફૂગાવો છે પણ ટીવી ચેનલ્સ અંબાણીજી લગ્ન સમારંભનાં દ્રશ્યો દેખાડવામાં વ્યસ્ત છે. ટીકા અલબત્ત અંબાણી પરિવારની નહીં, ટીવી ચેનલ્સની છે. શક્ય છે કે ટીવી ચેનલ્સ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને જોઈએ તેટલો ન્યાય નહીં દેતી હોય! રાહુલ ગાંધી લાલચોળ છે. યે લાલ રંગ કબ મુઝે છોડેગા..!

શબ્દ શેષ :

‘વધારે પડતું રૂઝ એ નિરાશાની નિશાની છે.’  – અમેરિકન એક્ટ્રેસ એરલીન ડાહ્લ (૧૯૨૫-૨૦૨૧)

Leave a comment

Filed under Uncategorized

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.