Daily Archives: મે 5, 2014

ઊગું છું, ખીલું છું, ખરું છું, મરું છું, છતાં વિસરું ના સુગંધિત થવાનું.. /યામિની વ્યાસ

ta

સુરત – નર્મદ સાહિત્ય સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે મહિનાના કોઈ એક રવિવારે યોજાતો તરહી મુશાયરો તા. ૧૩મી એપ્રિલના રવિવારે સાહિત્ય સંગમ, સંસ્કાર ભવનમાં યોજાયો ગયો. કવિશ્રી ગૌરાંગ ઠાકરનો જન્મદિવસ હોઈ આ વખતે એમની પંક્તિઓ લીધી હતી. (૧) માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો (૨) અરીસો આખરે બોલી ઊઠ્યો છે બ્હાર આવીને (૩) માણસ થવાય દોસ્ત તો ઈશ્વર થવું નથી (૪) ચાલને માણસમાં થોડું વહાલ વાવી જોઈએ (૫) મને કામ દીધું પ્રકાશિત થવાનું. પ્રમુખ સ્થાનેથી કવિશ્રી નયન દેસાઈએ જણાવ્યું કે, એકધારી જીંદગીમાં કવિતા સભરતા આપે છે. કવિતા લખવી એટલે સુખને લંબાવવું. કોલાહલમાં કવિતા ન આવે, ટહુકામાં જ કવિતા સ્ફુરે. કવિશ્રી કિરણસિંહ ચૌહાણે મુશાયરાનું સંચાલન કરતા કહ્યું કે, પંક્તિ પરથી ગઝલ લખવાનું મુશ્કેલ છે. સુરતના પાણીમાં જ એવું છે કે, અહી ગઝલકારો મોટી સંખ્યામાં છે. જનક નાયકે આમ તો દરેક ગઝલકાર માણસ હોય એ જરૂરી નથી, તો દરેક માણસ ગઝલકાર હોય એ પણ જરૂરી નથી. ગૌરાંગ ઠાકરની વિશિષ્ટતા એ છે કે એમનામાં કવિ અને માણસ બંને એકરૂપ થયા છે. તેથી જ ગૌરાંગ ઉત્તમ ગઝલકાર છે. ગૌરાંગ ઠાકરે પ્રતિભાવમાં જણાવ્યું કે સાહિત્ય સંગમની ભૂમિ પરથી ગુજરાતી ભાષાને ઉત્તમ સર્જકો મળ્યા છે. રજુ થયેલી ગઝલમાંથી ઉત્તમ શેર માણીએ-

બધું વાંચી વાંચીને પંડિત થવાનું,
પછી એવું જીવીને ખંડિત થવાનું.
કિરણસિંહ ચૌહાણ
જે ક્ષણે પીડા ઘરે આવેશમાં આવી,
અમને લાગ્યું કે ગઝલ ગણવેશમાં આવી.
ગૌરાંગ ઠાકર
પ્રેમનો અનુવાદ પ્રેમ જ હોય ભાષામાં હરેક
ચાલને માણસમાં થોડું વહાલ વાવી જોઈએ.
દિલીપ મોદી
દોડવું, ને દોડવું ને દોડવું એ જીંદગી,
એક ક્ષણ અટકી સમયને બસ નચાવી જોઈએ.
જનક નાયક
જે ચવાણું ઈશ્વરે આપ્યું એ ચાવી જોઈએ.
આપણા આ દાત જેવા છે નભાવી જોઈએ.
બકુલેશ દેસાઈ
ખૂબ મેલા થઇ ગયા છે વ્રુક્ષનાં કપડાં હવે,
પાનખરને કહેણ વ્હેલું મોકલાવી જોઈએ.
વિપુલ માંગુકિયા
વાસણ છે કાચનું, આ સંબંધ સાચવી લો !
અથવા રહે છે ડર, કાયમ એ તૂટી જવાનો!
હેમંત મદ્રાસી
દીકરાઓ કૂળને તારે એ સાચું ક્યાં સુધી,
દીકરીના નામનો દીવો જલાવી જોઈએ.
દિલીપ ઘાસવાલા
પહોચાડું, પહોંચે ત્યાં સુધી ખુદનો પ્રકાશ પણ,
બીજાને આંજી નાખવા ઝળહળ થવું નથી.
ગુણવંત ઠક્કર
આકારમાં હું મૂળે નિરાકાર છું અહી,
ખાબોચિયું થવું નથી, સાગર થવું નથી.
દેવાંગ નાયક
અહી ઘૂવડ સમા લોકો જુએ છે સૂર્યના સપનાં,
અમે જયારે થયાં ઝળહળ, ભીતર સૂરજ ઉગાવીને.
પ્રજ્ઞા વશી
હું રાખું પાંપણો પર, ચાહીને જો તું આવે,
લેવા તને હું બાકી, ભાગળ નથી જવાનો.
મુકુર પેટ્રોલવાળા 
ઘડપણે ચશ્માં, દવા કે લાકડીને શોધવા
દીકરીના ભ્રુણની હત્યા બચાવી જોઈએ.
સુષમ પોલ
મારે મને ચકાસી લેવો છે એટલે તો,
ભૂલાઈ જે ગયા, એ રસ્તે ફરી જવાનો.
સુનીલ શાહ
કોઈ વેળા, બુદ્ધિની સરહદ વટાવી જોઈએ,
એ પછી, શ્રદ્ધાની ઈમારત ચણાવી જોઈએ.
રમેશ ગાંધી
પથ્થર મને તું સમજે, તારી સમજ હશે એ,
હું નામ લઇ ખુદાનું સાગર તરી જવાનો.
આસિફ ખાન
બધું પામવામાં ખરેખર ચુકાયું,
પ્રભાકર બનીને પ્રકાશિત થવાનું.
પ્રભાકર ધોળકિયા
શ્રદ્ધા રહી નથી જ્યાં અમારી જ જાત પર
માણસ થવાય દોસ્ત.
પ્રફુલ્લ દેસાઈ
સળગતા અહમનો ધુમાડો તો એવો,
કે વાતાવરણ પણ પ્રદુષિત થવાનું.
યામિની વ્યાસ
ઊગું છું, ખીલું છું, ખરું છું, મરું છું,
છતાં વિસરું ના સુગંધિત થવાનું.
મહેશ દાવડકર 
તારું જ મન કદી જો દરિયો બની શકે તો
તું પણ તરી જશે ને હું પણ તરી જવાનો.
મહેશ દેસાઈ
વાહ ના આવી હજી પણ સાંભળીને આ ગઝલ
વેદના થોડી હજી આમાં સમાવી જોઇએ.
જિજ્ઞા શાહ (મુંબઈ)
પગભર થઈ જવાયું, આ સત્ય જાણવાથી,
પડછાયો પણ તમસમાં, સાથે નથી જવાનો

લક્ષ્મી ડોબરિયા (રાજકોટ)

Ta1

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized